ગુરુ પૂર્ણિમા! ગુરુના પૂજનનો એક અનન્ય ઉત્સવ. આજે વાત ગુરુ અને શિષ્ય પરંપરા વિષે. ગુરુ શબ્દનો અર્થ અને સાથે સાથે શિષ્ય બનવા માટેની લાયકાત વિષે થોડું ઘણું.
અષાઢ મહિનો એટલે વર્ષા ઋતુનો પ્રારંભ. આ મહિનાની પૂનમને દિવસે ગુરુનું પૂજન કરી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવાની પરંપરા છે. આ ચાર મહિનામાં ન તો વધુ ગરમી હોય, ન વધુ ઠંડી. એટલે ઋતુ ચક્ર પ્રમાણે પણ આ ચાર મહિના ઉત્તમ છે. જ્ઞાન સાધના માટે આવું બાહ્ય વાતાવરણ ઘણું જ અનુકૂળ પડે. જે રીતે સૂરજના તાપથી તપેલી ધરતીને વર્ષા થકી શીતળતા મળે એ જ રીતે ગુરુના માર્ગદર્શનથી સાધક જ્ઞાન રૂપી શાંતિનો અનુભવ કરે છે.
અષાઢ મહિનાની પૂનમ એટલે મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મદિવસ. એમણે વેદોને અલગ અલગ ચાર ભાગોમાં વિભાજીત કર્યા એટલે એ કહેવાયા વેદ વ્યાસ. આદિગુરુ તરીકે ઓળખાતા મહર્ષિ વેદ વ્યાસના સન્માનમાં અષાઢી પૂનમ “વ્યાસ પૂર્ણિમા” તરીકે પણ પ્રખ્યાત છે. સંત કબીરના શિષ્ય ઘીસાદાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. ગુરુ પૂર્ણિમાનું આટલું મહત્વ શા માટે? એ સમજવા સૌથી પહેલાં ગુરુ શબ્દને સમજી લઈએ.
ગુરુ એટલે? આ શબ્દનો અર્થ સમજવા નીચેનો શ્લોક વાંચો.
गुकारस्त्वन्धकारस्तु रुकार स्तेज उच्यते |
अन्धकार निरोध्त्वात गुरुरित्यभीधियते ||
‘ગુ’ એટલે અંધકાર. ‘રુ’ એટલે તેજ. સર્વત્ર ફેલાયેલા અંધકારમાંથી જે તેજને ઉલેચે છે તે ગુરુ. અંધકારને દૂર કરે તે ગુરુ. આ થયો શ્લોકનો શબ્દશઃ અર્થ. એના ગૂઢ અર્થ તરફ જતા પહેલા મારે વાત કરવી છે ગુરુની અલગ અલગ શ્રેણી વિષે. ગુરુની પાંચ શ્રેણી છે –
૧. શિક્ષક – શિક્ષા આપે તે.
૨. આચાર્ય – જે પોતાના આચરણથી (વ્યવહારથી) શિક્ષા આપે તે.
૩. કુલગુરુ – કુળ અનુસાર સંસ્કાર જ્ઞાન આપે તે.
૪. દીક્ષા ગુરુ – અધ્યાત્મિંક મંત્રની દીક્ષા આપે તે.
હવે ઉપરના શ્લોકનો સાંકેતિક અર્થ સમજીએ. કહ્યું છે – અંધકારને દૂર કરે તે ગુરુ. ‘ગુ’ અંધકારનો સૂચક છે. ‘રુ’ પ્રકાશનો. ગુરુ શબ્દ એકસાથે બોલાય છે. એનો અર્થ છે, અંધકારથી પ્રકાશ તરફનું પ્રયાણ. આ યાત્રામાં જે સાથ આપે તે ગુરુ. અંધકાર સાથે બુરાઈ, ધૃણા, ડર, ધિક્કાર – જગતભરના આ બધા જ દોષો જોડાયેલા રહ્યા છે. ખરા અર્થમાં જોઈએ તો અંધકાર બધે જ ફેલાયેલો છે. પ્રકાશ ફક્ત અંધકારને તોડે છે, થોડા સમય પૂરતો. પ્રકાશના વિલીન થવાની સાથે જ ફરી અંધકાર વ્યાપી જવાનો! જે સર્વત્ર વ્યાપ્ત હોય એ ખરાબ કઈ રીતે હોઈ શકે? ગુરુ અંધકારને તોડે છે એ બાબત જો શબ્દશઃ લઈએ તો જે સર્વવ્યાપી છે તેને કોઈ કઈ રીતે તોડી શકે?
અંધકાર અહીં પ્રતિક રૂપે વપરાયો છે. અંધકાર એટલે અજ્ઞાનતા. ગુરુ આ અજ્ઞાનતાને દૂર કરે છે. અહીં ગુરુનું કર્તવ્ય પૂરું થાય અને શિષ્યનું કાર્ય શરૂ થાય.
અજ્ઞાન દૂર થવાથી જ્ઞાનનો પ્રકાશ ફેલાય જ એવું થવું દર વખતે જરૂરી નથી. અહીં શિષ્યની ભૂમિકા મહત્વની છે. અંધકાર દૂર થશે પણ એ દૂર થતાં જે પ્રકાશ જીવનમાં પ્રવેશે છે તે તેજ ગ્રહણ કરવાની પાત્રતા શિષ્યે કેળવવી પડશે. નહીતો, અંધકાર ફરી આવીને પોતાનું સ્થાન જમાવી દેશે. ગુરુનું કાર્ય છે અજ્ઞાનતા દૂર કરવાનું, પરંતુ એ દૂર થયે જ્ઞાનનો પ્રકાશ પોતાના અસ્તિત્વમાં ગ્રહણ કરવો એ શિષ્યનું કાર્ય છે. આ થઈ શિષ્યની પહેલી લાક્ષણિકતા.
જ્ઞાનનો પ્રકાશ અંતર્મુખ બનાવે છે. અંતરમન જયારે જ્યોતિર્મય હોય ત્યારે બહિર્મુખી વર્તન આપોઆપ બંધ થઇ જાય છે. જે જ્ઞાન મળ્યું છે એનું ચિંતન, મનન કરવામાં મન લાગી જાય છે. મનોમન એક સંવાદ સતત ચાલ્યા કરે છે. અંતર્મુખ વર્તન એ છે શિષ્યનું બીજું લક્ષણ.
શિષ્યત્વની પ્રાપ્તિ નમ્ર બનાવે છે. અહંકાર વિનાનું, સંપૂર્ણ પ્રેમમય મન એને સતત શિષ્ય બની રહેવા પ્રેરે છે. એ પોતે તો શીખે જ છે, બીજાને પણ પોતે ગ્રહણ કરેલું વહેંચે છે. આ છે શિષ્યની શ્રેષ્ઠ અવસ્થા.
ગુરુ-શિષ્ય પરંપરા આ જ આધાર પર ટકેલી છે. ગુરુ જ્ઞાન આપે છે, શિષ્ય યથાયોગ્ય રીતે એને ગ્રહણ કરે છે અને પછી એ જ જ્ઞાન એ બીજાને ગુરુ તરીકે વહેંચે છે.
ગુરુ શિષ્ય પરંપરાના બે ઉદાહરણો યાદ આવે છે.
ભીષ્મ પર્વમાં વિદૂર જાતે ભીષ્મને દ્રોણાચાર્યને કુરુ રાજકુમારોના ગુરુ તરીકે નિયુક્ત કરવાની ના પાડે છે. કારણ પૂછતા વિદૂર કહે છે કે દ્રોણના મનમાં અપમાનનો અગ્નિ હજી ય પ્રજ્વલ્લિત છે. એ નિ:સ્વાર્થ ભાવે શિક્ષા નહીં આપી શકે. એ ગુરુ દક્ષિણાની આડમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરાવશે. અને એવી ભાવનાથી આપેલી શ્રેષ્ઠ શિક્ષા પણ વર્જ્ય છે. ભીષ્મ એની વાત ન માનતા દ્રોણાચાર્યને ગુરુપદે સ્થાપે છે. અને દ્રોણાચાર્ય અર્જુનને શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવા બધું જ કરી છૂટે છે! દ્રોણાચાર્યે આપેલી શિક્ષા શ્રેષ્ઠ જ હતી, પણ શિષ્યને શિક્ષિત કરવા પાછળની એમની ભાવનામાં સંપૂર્ણ સમર્પણભાવનો અભાવ હતો.
સાંદીપની ઋષિ એની પત્નીને કહે છે – હવે કૃષ્ણનો જવાનો સમય થયો છે. એ ગુરુ દક્ષિણામાં જે આપે તે પ્રસાદ સમજી સ્વીકરી એને વિદાય આપો. કૃષ્ણની લીલાઓ અને એમના પરમાત્મા સ્વરૂપ વિષે ઋષિ અવગત છે છતાં એ એમની ઈચ્છા વ્યક્ત નથી કરતા અને એમને ગુરુ દક્ષિણામાં પ્રસાદ રૂપે મળે છે એમનો ખોવાયેલો પુત્ર!
સમર્પણ – ગુરુ અને શિષ્ય બંને પક્ષે જરૂરી! આ જ વાતનું અનુસંધાન નીચેની વાતમાં મળે છે. ગુરુની પાંચ શ્રેણીમાંથી ચાર આપણે જોઈ ગયા. પાંચમી શ્રેણી કઈ? આ પાંચમી શ્રેણી છે ગુરુ પોતે. જ્ઞાન ગુરુ છે. ( અહીં ગુરુનો અર્થ છે ભારે.) એ રીતે જોતા જ્ઞાન સૌથી સર્વોપરી છે. જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી શરીરરૂપી ગુરુની જરૂર પડે છે. પણ અંતે તો જ્ઞાન જ ગુરુ છે. કોઈ પણ મનુષ્યથી પર. ગુરુ ફકત જ્ઞાન છે. પણ અંતરમનની આ અવસ્થા સુધી પહોંચવા માટે ગુરુની જરૂર પડે છે. સમર્પણ ભાવથી ગુરુએ આપેલી શિક્ષા ગ્રહણ કરવી અને અંતે એ અવસ્થા પર પહોંચવું જ્યાં જ્ઞાન જ સર્વોપરી રહે, કોઈ ગુરુ નહી. એ છે શિષ્યનું શિષ્યત્વ.
ગુરુનું મહિમાગાન કરતો આ શ્લોક હવે ફરી વાંચો :
गुरुब्रह्मा गुरुविर्ष्णुः, गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः।।
ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ જ મહાદેવ છે.ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ છે. એવા ગુરુને હું નમસ્કાર કરું છું.
આ શ્લોકમાં ગુરુ એટલે કોઈ વ્યક્તિ વિશેષ નહિ, પણ ગુરુ એટલે જ્ઞાનનો મહિમા કરવામાં આવ્યો છે. ત્રિદેવ તરીકે જે વિદ્યમાન છે એ કોઈ એક વ્યક્તિ નથી. સાક્ષાત પરબ્રહ્મ તરીકે જેનું સંબોધન થયું છે એ છે જ્ઞાન. જ્ઞાન જ સર્વશ્રેષ્ઠ અને સર્વોપરી છે, પણ ત્યાં સુધી પહોંચવા ગુરુના માર્ગદર્શનની જરૂર પડે જ!
~ અંજલિ ~
गुरु पारस को अन्तरो, जानत है सब संत |
वह लोहा कंचन करे, ये करि लेय महंत ||
– कबीर
Great article