જે પાણીમાં પગ પલાળી બેઠી હતી ત્યાં ઘણી માછલી હતી. બેસવાની બહુ મજા આવી. નીચે માછલી જોઉં કે ઉપર પક્ષી શોધું તેવી મારી હાલત હતી. ઉપર આવેલા સીતાજીના મંદિરથી ઘણાં લોકો આવતા જતા ‘જય માતાજી’ કહેતા જતા. મને લાગતું કે હું કોઈ અનેરી દુનિયામાં છું.
મિત્રો આજે હું તમને એક વિશેષ જગ્યા એ લઇ જાઉં છું. સીતામાતા વન્ય પ્રાણી અભયારણ્ય અથવા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુઅરી વિશે પહેલા આપને થોડીક વાત જણાવી દઉં પછી હું ત્યાં કેવી રીતે પહોંચી ગઈ તે વિશે વાત કરું.
રાજસ્થાનના પૂર્વી ભાગમાં આવેલ પ્રતાપગઢ જીલ્લામાં આ અભયારણ્યને બીજી નવેમ્બર ૧૯૮૯ના રોજ સરકારે સંરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યો. અહીની જમીન ત્રણ અલગ અલગ માળખાઓનો સંગમ છે. માળવાનો ઉચ્ચ પ્રદેશ, વિંધ્યાચળની નાની ટેકરીઓ અને અરવલ્લી પર્વત શ્રેણી. કહેવાય છે કે સીતાજી આ જગ્યા પર જમીનમાં પ્રવેશ્યા હતા. લવ અને કુશનો જન્મ અહિં થયો હતો.
સીતામાતા અભયારણ્યમાં ત્રણ નદી છે. કર્મમોચીની, જાખમ અને સુકલી. જાખમ નદી ઉપર સૌથી ઉડો બંધ બાંધવામાં આવેલો છે. અહીં વસતા લોકોની બે મુખ્ય જાતિ છે. મીના અને આદિવાસી. હવે સરકાર જાગૃતિ અભિયાન મારફત વન્ય જીવ સંરક્ષણ માટે અને જંગલ બહુ કપાય નહિ તે માટે ત્યાંના લોકોને માહિતી અપાતી રહે છે.
હું એક વેબસાઈટ પર મારા પડેલા ફોટા મુકતી અને બીજા જે મિત્રો તરીકે સ્વીકાર્યા હોય તેમના પણ જોતી અને માણતી. એક ભાઈ શ્રી ઋષિરાજસિંહના ફોટા મને ખૂબ આકર્ષતા. એક દિવસ ઓનલાઇન વાતચીત દરમ્યાન તેમને મેં પૂછ્યું કે તમે ક્યાંના ફોટા પાડો છો? તો ખાલી જવાબ આવ્યો ‘સીતામાતા’. આટલો જવાબ મળ્યો એટલે આપણે તો ધીમે ધીમે વિગત જાણવા માંડી. એક દિવસ એમણે એમના ઘઉંના ખેતરના ફોટા મૂક્યા હતા જેમાં બાજુમાં નાનું ઘર પણ હતું. હું તો એ ફોટો જોઈ ત્યાં જવા લલચાઈ ગઈ. મેં મુકેશને કહ્યું, “આ જગ્યાએ તો જવું જ પડે.” પછી તો એમનો ફોન નંબર માંગીને વાત કરવાનું વિચારી લીધું. અત્યાર સુધી તો ઓનલાઈન વાત થતી. ત્યારે ખબર પડી ગઈ કે એમનું ફાર્મ અને સીતામાતા વન્યજીવ અભયારણ્યની એકદમ નજીક છે.
ઋષિરાજ પોતે પણ મારા અને મુકેશના ફોટા હંમેશા જોતાં એમાં જ અમારી મિત્રતા ગાઢ થઇ. એક રજાના દિવસે ફોન પર વાત કરી અને વાતવાતમાં જ તેમણે અમને ત્યાં આમંત્રણ આપ્યું. અમે તો એજ રાહ જોતાં હતા. અમે તેર ચૌદ જાન્યુઆરી એમ બે રાત માટેનો પ્લાન બનાવી લીધો.
તેરમી જાન્યુઆરી ૨૦૦૯ને દિવસે સવારમાં સાત વાગે અમે નીકળ્યા. ઉદેપુરવાળો રસ્તો લેવાનો હતો અને એના પહેલા પ્રતાપગઢ ચોકડી પર અમારે મળવાનું નક્કી કર્યું હતું. ઋષિરાજ અમારા કરતા વહેલાં પહોંચી ગયા હતા. ગાડીનો રંગ અને નંબરની પહેલાંથી વાત થઇ ગઈ હતી એટલે તરત મળી ગયા. જાણે કેટલાય વર્ષોની ઓળખાણ હોય તેવું લાગ્યું. ખાલી એકબીજાના ફોટા જોયા હતા. મુકેશ એમની ગાડીમાં ગોઠવાયા અને એમના સાથી દેવીલાલ મારી ગાડીમાં ગોઠવાયા જેથી રસ્તામાં શોધવાની તકલીફ ન પડે.
બંને ગાડી આગળ પાછળ રાખી અમારી સવારી ધરીયાવાડ ગામ જવા નીકળ્યાં. રસ્તામાં ઘણાં નાના ગામ આવતા તે વટાવતા એક સુંદર તળાવ દેખાયું ત્યાં અમે ઊભાં રહ્યાં. એ તળાવનું નામ બઢવાઈ તળાવ હતું. ત્યાં ઘણા પક્ષીઓ જોવા મળ્યાં. જેમકે નાની બગલી (Egrets), દ્સાડી (Eurasian coot), નડી બગલો (Purple Heron) વગેરે ઘણાં પક્ષી જોયાં. લગભગ પોણો કલાક શાંતિથી ફોટોગ્રાફી કરી આગળ વધ્યા.
ધરીયાવાડ પહોંચી થોડા શાકભાજી લઇ અમે ઋષિરાજના ફાર્મ પર ગયા. મોટી નહેરના કાંઠે પાંચસો વીઘા જમીન પર હિલોળા લેતો ઘઉંનો પાક આંખને અને દિલને એક અનોખી ઠંડક આપતો હતો. અમારો મુસાફરીનો થાક આમ તો હતો જ નહિ પણ જે કંઈ હતો તે બધો ઊતરી ગયો. રહેવા માટે સામાન્ય જરૂરિયાત પૂરતું વસાવેલું એક માળવાળું ઘર હતું. મકાનની બાજુમાં મજૂરના બે ઝુંપડા અને ગાયનો ગમાણ હતી.
થોડો સમય ખેતરના લહેરાતા પાક વચ્ચે ફર્યા. જીવનમાં કદી આવા ખેતરમાં અંદર ફર્યા નહોતા એટલે એ થયેલ અનુભૂતિ શબ્દમાં આલેખવી જરા મુશ્કેલ છે. અમુક સમયે જોયેલું દ્રશ્ય ઘણી વખત મનમાં અને આંખમાં ભરવા માટે જ હોય છે, તેનું વર્ણન ન થઇ શકે. અત્યારે મારી એવી પરિસ્થિતિ છે. અમે વાતો કરતા ત્યાનું સૌન્દર્ય માણતા બેઠા. સાંજ પડી પણ અમારી વાતો ખૂટતી નહોતી. પંખીઓ, પ્રાણીઓ, કુદરતના સ્વરૂપ વગેરે ઘણી વાતો કરતા રાત ક્યાં પડી ગઈ તેનો અંદાજ પણ ન રહ્યો. ત્યાં સુધીમાં જમવાનું તૈયાર થતા સાદું સીધું રોટલી, શાક, દાળ અને કચુંબર જમી જમી ઘરની પરસાળમાં ખાટલા નાંખી સૂઈ ગયા.
સવારે વહેલા ઋષિરાજના મિત્ર દેવેન્દ્રભાઈ આવી ગયા હતા. તે બહુ સારા પ્રકૃતિવિદ છે. સવારે વહેલા છ વાગે ઊઠી નહેર બાજુ ફરવા નીકળ્યા. નહેરમાં ખળખળતું પાણી અમારા ઉત્સાહમાં વધારો કરતુ હતું. ખૂબ શાંતિ રાખવી પડે એટલે દેવેન્દ્રભાઈ એ પહેલેથી થોડી સંજ્ઞા શીખવાડી હતી. જેમકે દસ બજે બોલે તો ઘડિયાળમાં દસ વાગતા જે પરિસ્થિતિ હોય તે રીતે આપણે એ પક્ષીને શોધીને જોઈ લેવાનું. પક્ષીની ફોટોગ્રાફી કરવી હોય તો ખૂબ શાંતિ અને ધીરજ રાખવી પડે .
નહેરમાં પોંડ હેરન (કાણી બગલી), કોટન પિગ્મી ગુઝ (ગિરજા) જેવા ઘણા પક્ષી જોયા. આટલાં બધાં પક્ષી એક તળાવમાં જોવાનો આનંદ લીધો પણ એ જગ્યા છોડવા મન નહોતું માનતું. પણ આગળનું આકર્ષણ ઘણું મોટું હતું. એટલે કલાકેક પસાર કરી ફોટા પાડી આગળ વધ્યા. સવારે વહેલા નીકળ્યા હતાં; જયારે જોવાનું હોય ત્યારે ચુપચાપ જોવાનું અને ફોટા પાડવાના અને જ્યાં કંઈ ના દેખાય ત્યારે દેવેન્દ્રભાઈ બધી પક્ષોની વાતો કરતાં. લગભગ છ વાગ્યાથી સાડાનવ સુધી પક્ષી અને કુદરત દર્શન કરી કોટેજ ઉપર પાછા આવ્યાં.
ત્યાંતો ગરમાગરમ આલુ પરાઠા અને ચા અમારી રાહ જોતાં હતાં. બરાબર નાસ્તો કરી ઋષિરાજની ગાડીમાં બધાં સીતામાતા અભયારણ્ય જવા નીકળ્યા. આમ તો એક દરવાજામાંથી નીકળી અડધો કિલોમીટર પણ નહોતાં ગયા અને અભયારણ્યનું પ્રવેશદ્વાર આવી ગયું. જ્યાં સુધી ગાડી જતી હતી ત્યાં સુધી ગાડીમાં ગયાં. પછી ગાડી મૂકી ચાલતા પહાડ ઉપર જવાનું હતું. ગીચ ઝાડી, વચ્ચે પથરાળ રસ્તો જેના ઉપરથી થોડું થોડું પાણી વહેતું હતું એટલે સાચવીને પગ મૂકવાના. પાછુ દેવેન્દ્રભાઈ શું કઈ તરફ બતાવે તેનું ધ્યાન રાખવાનું તો જ તે પંખી દેખાય. મારા માટે તો એક પ્રકારનું સાહસ હતું. ક્યારેક ચાલતા પાણીમાં પગ પડી જતો પણ તેની પરવા નહી કરવાની. એટલી બધી જાતના વિવિધ પક્ષીઓ જોવા મળ્યા કે મને તેમની સુંદરતા જોઈ ભગવાનની સર્જનશક્તિ પર અહોભાવ થઈ આવ્યો. પક્ષીઓની સુંદરતા અવર્ણનીય હતી.
આજે પણ હું આંખ બંધ કરું અને એ ચિત્ર નજર સામે ખડું થઇ જાય છે. વચ્ચે વચ્ચે દેવેન્દ્રભાઈ પક્ષીઓના અવાજ કાઢતા. દેવેન્દ્રભાઈ ને અમુક પંખીના અવાજ કાઢવાની બહુ મજા આવતી. અમને એમજ લાગે કે જાણે તેઓ પંખી સાથે વાતો કરે છે. એ જોઈ ખૂબ આનંદ થતો. ઉપર ચઢતા ગયા તેમ જંગલ ગીચ થતું ગયું. સાગના ઝાડ ઘણાં છે. અમારાથી ઉપર જવાય એટલું ગયા પછી હું તો થાકી ને એક મસ્ત પથ્થર પસંદ કરી પાણીમાં પગ બોળી બેઠી. મુકેશ અને બીજા બધાં આગળ થોડા ગયા.
અહિયાં શું શું જોવા મળે તેની યાદી નીચે મૂકું છું. વચ્ચે લખીશ તો મઝા નહિ આવે. જે પાણીમાં પગ પલાળી બેઠી હતી ત્યાં ઘણી માછલી હતી. બેસવાની બહુ મજા આવી. નીચે માછલી જોઉં કે ઉપર પક્ષી શોધું તેવી મારી હાલત હતી. ઉપર આવેલા સીતાજીના મંદિરથી ઘણાં લોકો આવતા જતા ‘જે માતાજી’ કહેતા જતા. મને લાગતું કે હું કોઈ અનેરી દુનિયામાં છું.
મુકેશ અને અન્ય લોકો થોડા સમય પછી પાછા આવ્યાં ત્યારે મને જાણે ખલેલ પડી હોય તેવું લાગ્યું. ધીરે ધીરે પાછા નીચે ગાડી સુધી વાતો કરતા આવ્યા. સાંજ તો અમારે એમના ખેતર પર જ પસાર કરવી હતી.
પાછા જાત જાતની વાતો કરતા બેઠાં. સવારે વહેલા ઊઠી જાખમ નદીની નહેર જે ખેતરની બાજુમાં જ વહેતી હતી ત્યાં જવાનું નક્કી કરી જમી અને સૂઈ ગયા. સવારે વહેલા ઊઠી ફાર્મમાં ફરવા નીકળ્યા. ફાર્મમાં પોતાનું સાગ અને વાંસનું જંગલ જેવું હતું. ત્યાં બેઠેલા પક્ષીઓની નવી ઓળખ મળી. પછી અમે થોડીક ઝાડી વટાવીને નહેર પર ગયાં. ત્યાંના જળચર પક્ષીઓનો નઝારો લીધો. નહેર પાસે પાછા વિશિષ્ટ પ્રકારના પક્ષી જોવા મળ્યા. પક્ષી વિશે ૨૦૦૯ની સાલ સુધી મારું જ્ઞાન ઘણું ઓછું હતું. બસ આ સફર પછી વિવિધ પક્ષી જોવાનો ઉત્સાહ વધ્યો. જમવાનો સમય થયો એટલે પરાણે તે જગ્યા છોડી પાછા વળ્યા.
આજની સાંજ તો અમારે ત્યાંજ પસાર કરવી હતી અને વાતો સાંભળવી હતી. મોજથી વાતો કરતા ખાટલામાં બેઠાં અને પછી અવનવી વાતો ચાલુ થઇ. ઘડીકમાં પંખીની તો ઘડીકમાં મીના જાતિની ખાસિયતો, કોઈકવાર પાકની પણ વાતો કરી. બપોરે ત્યાં જ ઉગેલા લીબુનું પાણી માણ્યું અને વાતોની પટારી ખુલતી ગઈ. બે રાતમાં તો અમે જાણે એકબીજાને કેટલાય વર્ષોથી ઓળખતા હોઈએ તેવી અનુભૂતિ થઇ.
આ સીતામાતા અભયારણ્યના ખાસ જાણીતા પશુ પક્ષીની યાદીઅહી મૂકું છું.
- ત્યાંના લોકો ચૌરંગા કહે પણ આપણી ભાષામાં કહીએ તો ચાર શીંગડાવાળા હરણ.
- ઉડન ગીલ્હરી એટલે કે ઉડતી ખિસકોલી.
આ બે વસ્તુ માટે તો આ જગ્યા વિશેષ જાણીતી છે.
Common sand piper – નાની તુતવારી.
Marsh harrier – પાન પટ્ટાઈ
Little grebe cormorant – નાની ડૂબકી
Black headed Ibis – સફેદ કાકન્સર
Wally necked stork – ધોળી ડોક ઢોંક
Indian roller – ચાપ.
Greater raket taild Drongo – ભીમરાજ.
આ તો થોડા ઉદાહરણ બાકી જોયા તો આનાથી કંઈ કેટલાંય વધારે.. એ ખેતર, અને એની આસપાસ અનેકો જાતના પંખીઓ વાસ કરે છે. વિવિધ જાતની માછલી, અનેકવિધ પેટાળ પ્રાણીઓ, દુધાળા જંગલી પ્રાણીઓ વગેરથી આ વિસ્તાર સમૃદ્ધ છે.
બોલો તમે જ કહો આવી જગ્યાએ ફરવાની મજા જ પડે ને! આવતા લેખમાં ફરી કોઈ અનેરી જગ્યાએ જઈશું હું અને તમે!
– સ્વાતિ મુકેશ શાહ
સ્વાતિ મુકેશ શાહની કલમે સફરનામું કૉલમ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થયેલા આવા જ અન્ય
સુંદર પ્રવાસવર્ણન માણવા અહીં ક્લિક કરો..
સુંદર પ્રવાસ વર્ણન. લેખ ગમ્યો.
આજના કોંક્રીટ જંગલના શહેરી વાતાવરણમાં કોઈ કોઈ રીસોર્ટોજ ઢગલો પૈસા લઈને થોડી ઘણી ખુલ્લી કુદરતની સફર કરાવે, પણ, અસલી કુદરતનો નજારો માણવો હોય તો તમારી જેમ આવી કુદરતી વાતાવરણવાળી જગ્યાએ ફરવા જઈએ તોજ માણવા મળે અને દર વરસે એક વાર, ભલે ૨-૩ દિવસ માટે પણ ફરી આવીએ તો આખા વરસના આનંદની બેટરી રીચાર્જ થઈ જાય.
સરસ વર્ણન કર્યું છે.
અમદાવાદ થી ઘણું નજીક અને છતાં કૂદરત ના છેડે આવેલું આ સુંદર અભ્યારણ્ય અને તેમાં સાથ આપનાર ઋષિરાજભાઈ અને દેવેન્દ્રભાઇ નો સંગાથ અનેરો અનુભવ કરાવી ગયા. East થી West નો નજારો પણ સંપૂર્ણ જુદો રહ્યો હશે.
વાહ પશુ પક્ષી અને કુદરત વચ્ચેની મનોરમ યાત્રા. મઝા આવી.
Thanks. આમ જ પ્રોત્સાહન આપતા રહેશો
સ્વતિ તારી લેખન કલા અદ્ભુત છે, વાંચવા ની ખૂબ મઝા આવી,
આવા સુન્દર લેખ આપવા માટે અક્ષરનાદ અને તને ખૂબ અભિનંદન.
Eagerly waiting for next