લોથલનો શિલ્પી : ગોપાલ ખેતાણી; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી


જેના ફક્ત પુરાવા છે પણ લેખિત ઇતિહાસ નથી એવી માનવ સંસ્કૃતિને જાણવા સમજવાની ઈચ્છા લગભગ દરેક વ્યક્તિને હોય છે. આવા જ એક યુગની વાર્તા લઈને આવ્યો છે…લોથલનો શિલ્પી. શું વાર્તાકાર એમની કલ્પનાને વાચકોને ગળે ઉતારી શક્યા છે?

લેખકનો પરિચય :

રાજકોટમાં એક સામાન્ય સુખી પરિવારમાં નાના સંતાન તરીકે જન્મેલા ગોપાલ કેશવલાલ ખેતાણી, હાલ દિલ્હીમાં મિકેનિકલ સોફ્ટવેર ઍડમિન તરીકે ફરજ બજાવે છે. નાનપણથી જ ભણવામાં પ્રત્યે રુચિ ધરાવતા લેખક પ્રોડક્શન એન્જીનીયરીંગમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. પિતાની સ્ટેશનરી શૉપમાં રહેલા બધા પુસ્તકો વાંચી લેતા લેખકને માતા-પિતાએ વાંચનનો શોખ વારસામાં આપેલો. આજે અનેક વાર્તાઓ લખનાર લેખકે કોલેજમાં આવ્યા સુધી ફક્ત એક વાર્તાનું પુસ્તક ખરીદેલું. પાંચમા ધોરણમાં ખરીદેલા એ પુસ્તકની બે વાર્તાઓ લેખકને હજુ યાદ છે. પોતાની લગની અને ખંતથી વ્યવસાયિક તેમ જ શોખના ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવનાર લેખક ‘મહેનતના ફળ મીઠાં’ કહેવતને સાકાર કરે છે.

ગોપાલ ખેતાણીને ટૂંકી વાર્તા, માઇક્રોફિક્શન, પ્રવાસ વર્ણન, હાસ્ય લેખ, સાંપ્રત લેખ, નાટકની સ્ક્રીપ્ટ અને સંવાદ લખવાનો અનુભવ છે. ઓગસ્ટ ૨૦૨૦માં તેમનું પ્રથમ પુસ્તક લઘુનવલ ” નવોદય” પ્રકાશિત થયું. એ સિવાય માઇક્રોસર્જન ભાગ ૧ – ૨ તથા માઇક્રોફિક્શન શોટ્સમાં તેમની માઇક્રોફિક્શનનો સમાવેશ થયેલ છે. દિવ્યભાસ્કર, ફૂલછાબ, જલારામ દીપ વગેરેમાં તેમની સાહિત્ય રચનાઓ પ્રકાશિત થઈ છે. કેતન મુનશી વાર્તા સ્પર્ધા, અક્ષરનાદ માઇક્રોફિક્શન સ્પર્ધા, ઓપન ગુજરાત વાર્તા સ્પર્ધા, નેક્ષસ વાર્તા સ્પર્ધા વગેરે સ્પર્ધાઓમાં તેમની રચનાઓ વિજેતા થઈ છે. આ ઉપરાંત તેઓએ ગુજરાતી અને હિંદી નાટક્માં અભિનય તથા સ્ક્રીપ્ટ લેખન અને સંવાદ લેખન કરેલ છે. તેઓ યુટ્યુબ ઉપર “ઑથર્સ કોર્નરમાં” સાહિત્યકારોના ઇંટર્વ્યુ લે છે. ઉપરાંત ગુજરાતી રસધાર અને હિન્દી રસધારા બ્લોગ્સનું સંચાલન કરે છે.

તો ચાલો તપાસીએ લેખક ગોપાલ ખેતાણીની કેતન મુનશી સ્પર્ધા – 2018માં આશ્વાસન પુરસ્કૃત વાર્તા “લોથલનો શિલ્પી” મનના માઇક્રોસ્કોપથી.. આ વાર્તા અહીં ક્લિક કરીને અક્ષરનાદ પરથી વાંચી શક્શો.

લોથલનો શિલ્પી વાર્તાનું શીર્ષક જ સુચવી જાય છે કે વાર્તા પુરાતનકાળની હશે. ત્રીજા પુરુષમાં લખાયેલી વાર્તા મહદઅંશે ફિલ્મ “મોહેંજોદરો”ની યાદ અપાવે છે. આ વાર્તા સંપૂર્ણપણે અભિધામાં જ લખાઈ છે. બે સમયખંડમાં રચાયેલી વાર્તામાં લેખક કલ્પના વડે રંગ ભરે છે. ઇતિહાસનું કોઈ સરસ પ્રકરણ વાંચતાં હોઈએ એવી અનુભૂતી લેખક વાર્તામાં આપી જાય છે. લોથલનો શિલ્પી એની પ્રેરણાની શોધમાં ફરતો ફરતો મોહન જે દ્વાર પહોંચે છે. ત્યાંની જાહોજલાલીનું વર્ણન ખૂબ સુંદર ભાષામાં આલેખાયું છે. એક યુગનો અંત અને હાલના યુગનું જોડાણ સરસ રીતે કરવામાં આવ્યું છે. કશો ફોડ પાડયા વિના દેવદત્ત-દેવેન, ભગીરથ – ભાગ્યેશ, રત્નાકર-મી.અર્નેસ્ટ મેક્કેયનું એકબીજા સાથે સાયુજ્ય સાધવામાં આવ્યું છે.

વાર્તાની થીમ :

વાર્તાનો મુખ્ય સૂર છે : દરેક નાનામાં નાની વસ્તુ પાછળ પણ કોઈ મોટી વાર્તા છુપાયેલી હોય છે.

વાર્તાનો પ્લોટ:

લોથલનો જાણીતો શિલ્પી દેવદત્ત પોતાની કળામાં પ્રેરણાની શોધમાં ફરતાફરતા મોહન જે દ્વાર પહોંચે છે, ત્યાંની નર્તકી પાર્વતીમાં એને પોતાની પ્રેરણા મળે છે અને સર્જાય છે ચાર ઇંચની બારીક નકશીકામવાળી પ્રતિમા. પરંતુ એ વાર્તા પૂરી થતાં અગાઉ થાય છે ઉલ્કાપાત અને પછી 1926માં પુરાતનશાસ્ત્ર ભણતો દેવેન પહોંચે છે મોહેનજોદરો અને શોધે છે એ મૂર્તિ અને.. એક અધૂરી જન્મોજન્મની વાતની આસપાસ પ્લોટ ફરે છે.

પરિવેશ:

આધુનિક વાર્તાથી બિલકુલ વિપરીત અહીં લેખકે પુરાતન સંસ્કૃતિ, નગર ઉજાગર કરવા પરિવેશનો બહોળો ઉપયોગ કર્યો છે.  વાર્તાની શરૂઆતમાં જ લેખક વાચકને લોથલ નગર કેવું છે તેનો અનુભવ કરાવે છે.

  1. નગરી પીળી માટીથી બનેલાં આવાસોથી શોભી રહી છે. ઘુઘવતો અરબી સમુદ્ર કાળા પથ્થરોની દિવાલ સાથે અથડાઈ જે ધ્વની ઉત્પન્ન કરે છે તેનાથી દરેક લોથલવાસીઓ રોમાંચ અનુભવે છે.

આગળ વધતાં લેખક લોથલની શહેરમાં પ્રવેશ પણ કરાવે છે.

  1. બળદની ઘુઘરીઓ, ઘોડાનાં ડાબલાઓ અને હાથીઓનો ઘંટ નગરીના નાદમાં મધુરાશ ઉમેરે છે. નગરની રમણીઓ મોતી અને કુંદનના આભુષણો ધારણ કરી; નિલા, આસમાની, કેસરી, પીળા રંગોવાળા વસ્ત્રો સજી નગરને દૈદીપ્યમાન બનાવી રહ્યા છે તો લોથલના પુરુષો રેશમી ધોતી અને લાલ, વાદળી કે પીળા અંગવસ્ત્રમમાં સજી ધજી ગૌરવપુર્વક ચાલથી નગરના રસ્તાઓને ડોલાવી રહ્યા છે.

વાચકને એ સમયમાં વિહાર કરાવવા આ પરિવેશ બળુકો સાબિત થાય છે. આગળ વધતા લેખક ધોળાવીરા વિશે પણ ઈશારો આપે છે અને હરપ્પા વિશે પણ. પરંતુ ફરી મોહેંજોદરોની સભા આબેહૂબ ઉભી કરી છે.

  1. સભાગૃહનું મંચ વિશાળ હતું. મંચની છત સાથે પિત્તળના લાંબા દિવાઓ સાંકળની મદદથી લટકાવ્યા હતા જે તળીયેથી ચાર-પાંચ ફૂટ ઉંચા હતા.  પ્રત્યેક દિવામાં આઠ વાટ એક જ્યોત પ્રગટાવી રહી હતી. વીસ દિવાઓ અનેરી પ્રકાશ સજ્જા ઉત્પન્ન કરી રહ્યા હતાં. સભાગૃહની દરેક ખુણામાં રહેલી મશાલ સિવાય બાકીની મશાલ ઓલવવામાં આવી. મૃદંગ અને તબલાનો ધ્વની શરુ થયો અને મંચની ડાબી બાજુથી કલાકારો પ્રવેશ્યા. સંગીત, નૃત્ય અને મંચસજ્જા  – આ ત્રણેય વસ્તુએ પ્રેક્ષકોને વષીભુત કરી નાખ્યા.

આ સભામાં વાચક પણ અભિભૂત થઈ જાય છે.

પાત્રાલેખન:

કોઈપણ ટૂંકીવાર્તામાં જરૂરી હોય એ પ્રમાણે લેખકે અહીં ફક્ત બે જ પાત્રનું પાત્રાલેખન કર્યું છે. નાયક દેવદત્ત અને નાયિકા નર્તકી. આ ઉપરાંત વાર્તામાં અન્ય પાત્રો નાયકનો મિત્ર ભગીરથ, મોહન જે દ્વારમાં રહેલો રત્નાકર, પ્રો.અર્નેસ્ટ મેક્કેય, દેવેન, દેવેનનો મિત્ર ભાગ્યેશ છે.

  1. દેવદત્ત : લોથલનો શિલ્પી. જે ઉત્તમ શિલ્પકાર તો છે જ સાથે સુંદર દેખાવ પણ ધરાવે છે.

દેવદત્તનો બાંધો મજબુત હતો. તામ્ર વર્ણ, પણછ જેવી ભ્રમર, પહોળી છાતી અને ખભા સુધી પહોંચતા વાંકડીયા વાળ તેના વ્યક્તીત્વને આકર્ષક દેખાવ આપતાં હતાં.

  1. ભગીરથ : શિલ્પીનો ખાસ મિત્ર. જે તાકતવર હોવાની સાથે ઉત્તમ મિત્ર છે.

ભગીરથ અસ્ત્ર-શસ્ત્ર ચલાવવામાં માહેર હતો. કરડાકી ભર્યો ચહેરો અને શ્યામ વર્ણ તેના વીર વ્યક્તીતવને અનેરો ઓપ આપતાં.

  1. નર્તકી: એક અદભુત નૃત્યાંગના હોવાની સાથે સુંદર પણ છે.

કમલાક્ષી નયનો, ગુલાબની પાંદડી સમાન ઓષ્ઠ, ડાબા ખભા પરથી આગળ આવેલા કાળા ભમ્મર વાળ પર તારલાઓની કતાર સમાન મોગરાના ફુલની વેણી,  ઉન્નત ઉરોજોને ગરીમા બક્ષતી રેશમી કંચુકી, કટી પ્રદેશથી પાની સુધી આવરીત આસમાની અધોવસ્ત્ર , પાતળી કમર પર શિતળ સરોવરમાં વમળ સર્જતી નાભી!

મનોમંથન:

મનોમંથનનો આ વાર્તામાં અભાવ છે તેમ છતાંય દેવદત્તનું પોતાની પ્રેરણા શોધવા વિહ્વળ થવું, પ્રેરણાની શોધમાં ભટકવું. એ જ રીતે પુનર્જન્મમાં દેવેનનું મોહેંજોદરોનું નામ આવતા જ હરખાવું અને ત્યાં ખોદકામ શરૂ થતાં દિવસ-રાત જોયા વિના મૂર્તિ શોધવું એ એક પ્રકારનું મનોમંથન ગણી શકાય.

બાકી આખી વાર્તાના ઘડતરમાં લેખકનું મનોમંથન ઉપસ્યું છે. “ડાન્સિંગ ગર્લ ઓફ મોહેંજોદરો”નું શિલ્પ અથવા ડોક્યુમેન્ટરી જોઈ તેની પાછળ આખી વાર્તા શું હોઈ શકે એ લેખકના મંથનના પરિણામ સ્વરૂપ જ રચાયું છે.

સંઘર્ષ – પાત્ર પરિવર્તન :

વાર્તામાં પાત્રનો સંઘર્ષ છે, કાળ સાથે. દર વખતે દેવદત્ત ઉર્ફે દેવેન જ્યારે પણ પૂર્ણતા અનુભવે ત્યારે સમય દુશ્મન બની તેને ખતમ કરે છે. આમ વાર્તાની શરૂઆતથી અંત સુધી મુખ્ય નાયક પૂર્ણતા પામવાના સુખની અનુભૂતિ નથી કરી શકતો.

ભાષાકર્મ :

સામાન્ય શિષ્ટ ભાષામાં લખાયેલી વાર્તામાં વર્ણન ઉપર ખૂબ સરસ કામ થયું છે.  કોઈ એક ઇતિહાસનું પાનું વાંચતાં હોય એ પ્રકારની ભાષા વપરાઈ છે.

નવયૌવનાના ગુરુ તેમને અંગભંગીમા શિખવાડતાં હતાં. ડાબો હાથ કમર પર, કોણી બહાર, જમણો પગ સહેજ આગળ અને જમણા પગના સાથળ પર જમણો હાથ, મુખ ક્ષિતિજે તાકી રહે તેમ! અદ્દ્લ તે જ ભંગિમા આ વ્યક્તિએ કેવી રીટે આટલી નાની મુર્તીમાં કળાત્મક રીતે ઉતારી? તેની આંખોમાં પ્રેમાશ્રુ ઉભરી આવ્યા.

અહીં લેખકે જોયેલી મૂર્તિને હૂબહૂ અક્ષરદેહ આપ્યો છે.

ઉપર આકાશમાંથી અગન ગોળા આવતાં હોય એવું લાગ્યું. કોઈ કશું સમજે એ પહેલાં અંધારું થયું અને એક મોટી ઉલ્કા…..

સિંધુ સંસ્કૃતિ કઈ રીતે નાશ પામી હશે એ વિશેની એક ધારણા અહીં સાકાર કરવામાં આવી છે.

વિવેચકની વક્ર દૃષ્ટિ:

એક સરળ રસાળ વાર્તામાં મારી વક્ર દૃષ્ટિએ જોઉં તો મને નાવીન્ય ઓછું લાગ્યું. કહેવાની રીત પણ સાવ સરળ. નર્તકીનું નામ રહસ્ય રૂપે રાખ્યું એ વાર્તામાં ક્યાંય ઉપકારક બનતું નથી. આ કલમ પાસે હજુ વધારે ગૂંથણીની અપેક્ષા રાખી શકાય. 

સારાંશ:

એક નાનકડી મૂર્તિના સમાચાર ઉપરથી વાર્તા રચી લેખકે વિષય ક્યાંયથી પણ મળે એ વાત માટે ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. સિંધુ સંસ્કૃતિની સભ્યતાનો ટૂંકમાં અને રસપૂર્વક અભ્યાસ કરવો હોય તો આ વાર્તા સરસ સાબિત થાય છે.  ભાષા માપસર અલંકારીત છે જેથી સરળતા અને ઝડપથી વંચાઈ જાય છે. પહેલી વખત વાંચનાર યુવાવર્ગને વાત આકર્ષી શકે છળ.  અલગ વિષયને કારણે કેતન મુનશી જજીસને આ વાર્તા ગમી હશે એવું માની શકાય.  લેખલ આગળ વધારેને વધારે સારી વાર્તાઓ આપશે તેવી આશા સાથે ….ફરી મળીશું.

તમારા સવાલોની રાહમા…

– એકતા નીરવ દોશી

આપનો પ્રતિભાવ આપો....