‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત.. 7


હસમુખ અબોટી ‘ચંદન’ના એક લેખના અંતમાં બે પંક્તિઓ મૂકાઈ છે..

‘દરિયો હતો, હોડી હતી, ને ખારવો હતો
એવે સમે ખુદા તને પડકારવો હતો.’

samudramanthanવર્ષોથી ખારવાઓની આસપાસ, દરિયાની આસપાસ રહેતા હોવાથી તેમના જીવન પ્રત્યે, જીવન પદ્ધતિ પ્રત્યે એક અજબનું આકર્ષણ સર્જાયું છે એમ હું મારા માટે કહી શકું. ગુણવંતરાય આચાર્યની દરિયાઈ સાહસકથાઓ હોય કે શ્રી હસમુખ અબોટી ‘ચંદન’નો અક્ષરનાદ પરનો આ લેખ હોય, કે મારી જાફરાબાદથી મુંબઈની દરિયાઈ સફર હોય.. દરિયો હંમેશા મને ખેંચે છે. એટલે જ્યારે અમદાવાદના ફિલ્મ સ્ક્રિપ્ટ વર્કશોપમાં અદિતિબેન દેસાઈએ શ્રી હસમુખ અબોટી ‘ચંદન’ની વાત આધારિત નાટક ‘સમુદ્રમંથન’ અને ધ્રુવભાઈ ભટ્ટની નવલકથા પર આધારિત નાટક ‘અકૂપાર’ના મંચન વિશે જણાવ્યું તો એ જોવાનો નિર્ધાર અનાયાસ જ થઈ ગયો. એ માટે મહુવાથી ખાસ અમદાવાદ જવું પડ્યું.. પણ એ ધક્કો સફળ રહ્યો.

અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલમાં મંચન હતું. સમયસર પહોંચીને જગ્યા પર બેઠા, નાટક શરૂ થયું અને દરિયાના અતળ ઉંડાણની જેમ નાટકમાં જાણે ડૂબતા જ રહ્યાં, સેટની ગોઠવણી અને બનાવટ સરસ પણ કોમ્પ્લેક્સ છે. સ્ટેજ પર જહાજની અંદરની ઘટનાઓને લઈ આવવું અને તોય કલાકારોને પૂરતી જગ્યા મળી રહે એ પ્રકારની સતીશ સુથાર અને સુભાષ આશરની સ્ટેજ સેટ ગોઠવણી અને આખાય સ્ટેજના બધા ભાગમાં કલાકારોની મૂવમેન્ટ્સ જે સરસ રીતે ગોઠવાઈ છે એ નાટકનો એક આગવો હકારાત્મક પ્રભાવ ઉપસાવી ગઈ.

આરજે દેવકી લિખિત – અભિનિત અને અદિતિબેન દેસાઈ દિગ્દર્શિત સમુદ્રમંથન એક સરસ ગીત સાથે શરૂ થાય છે અને તરત જ દર્શકને એના પ્રભાવમાં ખેંચી જાય છે. ‘સમુદ્રમંથન’ વાત છે આજથી ઘણાં વર્ષો પહેલાની આપણા દેશી વહાણવટાની, તેની રીતરસમો અને માન્યતાઓની.. ખારવાઓ તેમના કઠણ મન અને અજોડ મહેનતથી પંકાયેલા છે, વહાણ પર સ્ત્રીને લઈ જવી એ અપશુકન મનાય છે, અનેક માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ વચ્ચે જીવતા એ સમાજની મનોવ્યથા, તેમની લાગણીઓના ખેંચાણ અને સામાજિક બંધનો વચ્ચેનો અનોખો સંઘર્ષ ખૂબ સચોટ રીતે અહીં દર્શાવવાનો એક પ્રામાણિક પ્રયત્ન થયો છે અને એ સ્ટેજ પર ઉપસાવી આપવા માટે અદિતિબેન ખરેખર પ્રસંશાને પાત્ર છે.

અદિતિબેનનું દિગ્દર્શન દેવકીના લેખનને પૂરેપૂરો ન્યાય આપે છે, અને તેમાં ચાર ચાંદ લગાવે છે દેવકી અને અભિનય બેંકરનો જાનદાર અભિનય. કબિના પાત્રમાં દેવકી ઓતપ્રોત થઈ છે તો મીઠુના પાત્રમાં અભિનય બેંકર સરસ અદ્દલ ખારવા જેવી જ અનુભૂતિ કરાવે છે. લાઈટ્સ અને સંગીતનો પ્રભાવ પણ સરસ ઉપસે છે અને સાથે સાથે સતત આગળ વધતી વાર્તા, અંધશ્રદ્ધા પર શ્રદ્ધાની વાત, હળવા પ્રસંગો અને અંતે ક્લાઈમેક્સ – બધુંય માપસરનું લાગે છે અને એટલે જ એ નાટકને માણવાલાયક બનાવે છે.

સતીશ સુથાર અને સુભાષ આશરની સ્ટેજ ડિઝાઈન જહાજના ઓપરેટિંગ રૂમને દર્શક સમક્ષ તાદ્દશ કરે છે, પણ એ નાટકને ક્યાંય બાંધી દેતું નથી. નાટકનું મૂળ સત્વ તેની વાર્તા અને કહેણીમાં છે. કલાકારોના ગેટઅપ સાદા પરંતુ પૂરતાં છે, દેવકીના પાત્રની માવજત વિશેષ થઈ છે પણ એ સ્વભાવિક બની રહે છે, નાટકમાં શરૂઆતથી અંત સુધી દેવકીનો અભિનય કાબિલેદાદ છે. તેમની પાસેથી આ પ્રકારના વધુ પોતીકા અને ગંભીર કથાવસ્તુ તથા મંજાયેલા અભિનયની અપેક્ષા વધવાની છે. મેહુલ સૂરતીનું સંગીત કર્ણપ્રિય અને મજા પડે એવું છે. નાટકના મંચનમાં ખૂબ ઓછા પ્રોપ્સની જરૂર પડી છે, અને જે વપરાયા છે એ પૂરેપૂરા ઉપયોગમાં લેવાયા છે. સાથેના અન્ય કલાકારોનો અભિનય પણ સરસ છે.

નાટક એક કે મહત્તમ બે જગ્યાએ સહેજ વધારે પ્રિડિક્ટેબલ અને લાઉડ (વાર્તાની નહીં, અભિનયની દ્રષ્ટિએ) થઈ જતું હોય એમ લાગે છે. જો કે એ છતાંય ક્યાંય વાર્તાનો તંતુ ઢીલો પડતો નથી એ સારું છે.

જો કોઈને નાટક જોવા માટે કહેવાનું હોય તો હું તેમને સમુદ્રમંથન ચોક્કસ સૂચવું. હાલના સમયમાં ચાલતા ચીલાચાલુ – હસો અને ભૂલી જાઓ પ્રકારના નાટકોએ ગુજરાતી તખ્તાને જે હાની પહોંચાડી છે, એનું પરિણામ આપણે એ જ પ્રકારના બીબાંઢાળ નાટકો સતત ભોગવીને જોઈ રહ્યાં છીએ. એવામાં સમુદ્રમંથન એક હાશકારો લઈને આવે છે. આ આપણી માટીની જ વાત છે, આપણી પોતાની સંસ્કૃતિની, આપણા ઈતિહાસની વાત છે, અને ખાસ તો દરિયાકિનારે વસતી પ્રજાની મુશ્કેલીઓ વચ્ચે ટકી રહેવાની ખુમારીની, દિલફાડ પ્રેમની અને ભારોભાર હિંમતની વાત છે.

* * *

એ જ દિવસે રાત્રે, એટલે કે સમુદ્રમંથન પછી લગભગ એકાદ કલાક પછી જોયું ધ્રુવભાઈ ભટ્ટની ‘અકૂપાર’ પર આધારિત નાટક ‘અકૂપાર’

હું નસીબનો બળિયો તો ખરો જ! મહુવામાં જ્યારે ગુરુકુળમાં આ નાટક આવેલું ત્યારે પીપાવાવના દરિયામાં હોવાથી, ખબર હોવા છતાં હું અકૂપાર જોવા પહોંચી શકેલો નહીં. એટલે અમદાવાદમાં સમુદ્રમંથનની સાથે સાથે જ અકૂપાર પણ ભજવાશે એ જાણીને લોટરી લાગી ગઈ હતી.

akooparસમુદ્રમંથન અને અકૂપારમાં મારા માટે મુખ્ય ફરક વાર્તાનો હતો. સમુદ્રમંથનની વાત ખબર નહોતી એટલે એક આશ્ચર્યભાવ હતો, વાર્તા ન જાણતા હોવાને લીધે જેમ જેમ નાટક આગળ વધતું ગયું એમ એમ તાલાવેલી વધતી ગઈ. જ્યારે અકૂપાર તો આખી ત્રણેક વખત વાંચી છે. ગીરના એ સ્થાનો, એ લોકો અનેે એ જીવનશૈલીથી પૂરેપૂરો પરિચિત છું, એટલે અહીં જોવાનું એ હતું કે અકૂપાર અસલ ગીરના જીવનને અને તેની વાતને કેટલી સચ્ચાઈથી અને કેટલી સમાનતાથી દર્શાવી શકે છે. અકૂપારની વાર્તા તો ખબર હતી, એટલે આશ્ચર્ય એ વાતનું હતું કે આટલી લાંબી નવલકથાને, આટલા બધા પાત્રો અને અનેક ભાવસભર વનસૃષ્ટિને સ્ટેજ પર કઈ રીતે દર્શાવાશે?

અભિનય બેંકરનો અભિનય સરળ, સહજ અને ‘અકૂપાર’ની મૂળ વાતને તદ્દન બંધબેસતો છે. ધ્રુવભાઈની નવલકથાઓના ચાહકોની જેમ હું પણ તેમના નામ વગરના મુખ્ય પાત્ર અને મૂઠી ઉંચેરા સ્ત્રીપાત્રોનો ચાહક છું, એટલે સાંસાઈના પાત્રમાં દેવકી એક ધરપત આપે છે કે વાર્તા અનુભવી હાથોમાં છે. ડોરોથી વાળો આખોય પ્રસંગ ખૂબ જ માવજતથી ઉછેરાયો છે અને એટલે જ છેલ્લે જ્યારે ડોરોથી તેના જીવન વિશેની વાત સાંસાઈને કહે છે ત્યારે લગભગ અમારા સૌની આંખોમાં પાણી હતા. ગાયના સિંહે કરેલા મારણની વાત હોય કે સાંસાઈના રમઝાના પાસે છૂટેલા ઝાંઝરની વાત હોય – વાત સરસ રીતે મૂકાઈ અને કહેવાઈ છે. અકૂપારને આટલે અંશે નાટક પૂરેપૂરું વફાદાર છે.

પણ મને જે વાતનો ખૂબ અફસોસ રહ્યો તે ઘંટલા ઘંટલીના લગ્ન વાળી આખીય વાત જે વધારે પડતી વિગતે કહેવાઈ અને એણે આખાય નાટકના પાછલા ભાગને જે રીતે નબળો પાડ્યો એ અંગેની છે. હોઈ શકે કે એક દર્શક તરીકે એ મારી નબળાઈ હોય, પણ વાત ખૂબ ખેંચાઈ છે. અને આ એકમાત્ર નકારાત્મક વાત જે આ નાટકમાં મને દેખાઈ.

સાંસાઈના પાત્રમાં દેવકી અને નાયક તરીકે અભિનય બેંકર નાટકનો પ્રાણ છે. દેવકીની અસ્સલ કાઠીયાવાડી લઢણ તેના અભિનયને ચાર ચાંદ લગાવી દે છે. આઈમાનું પાત્ર પણ આગવી આભા ઉપસાવે છે, વચ્ચે વચ્ચે હાસ્યના પ્રસંગો અને દેવકીને મુખે બોલાયેલ પંચલાઈન્સ નાટકને સબળું બનાવે છે.

સ્ટેજ પર ઉભું કરાયેલું જંગલ અને ઑડીયો ઈફેક્ટ્સ તેનું કામ સફળતાથી કરી જાય છે. નેસનું ઘર જેમણે જોયું નથી તેમને સ્ટેજ પરની ઝૂંપડી કદાચ સરસ લાગે પણ તેમાં મને અનેક ક્ષતિઓ દેખાઈ, જો કે એ વિશે વાત કરવી અસ્થાને છે. પ્રોપ્સ થોડાક ઓછા પડ્યાં હોય એમ મને લાગે છે અને વાર્તામાં અનેક વખત આવતી લાઈટ્સ ઑફ-ઑનની શ્રેણી પણ ક્યાંક જોડાયેલો તંતુ તોડતિ હોય એમ સતત લાગ્યા કરે છે. છતાંય સ્ટેજ પર ગીરનો પ્રભાવ અનુભવાયા વગર રહેતો નથી. વાછરડાના મૃત્યુ વખતે છાજીયા લેતી સ્ત્રીઓનું કલ્પન જેણે પણ કર્યું છે તેમને નતમસ્તક. ગીરના જીવનના આ અનોખા હ્રદયંગમ હિસ્સાને આબાદ રીતે તેઓ સ્પર્શ્યા છે, એટલે જ કદાચ ઉપર લખી એ એકાદ બે નકારાત્મક વાતો છતાં મારા ગીરને સ્ટેજ પર જીવતું કરી આપવા બદલ અને આપણી પોતીકી વાતને સજ્જડ રીતે ઉપસાવી આપવા બદલ ધ્રુવભાઈ અને અદિતિબેન અભિનંદનને પાત્ર છે.

ફરી જો કોઈને નાટક જોવા માટે કહેવાનું હોય તો હું તેમને અકૂપાર પણ અવશ્ય સૂચવું, કારણ કે એ આપણી વાત છે, આપણી, શહેરીકરણની દોડમાં ભૂલાઈ ગયેલી અને આપણા માટે જ નવી નવાઈની બની રહેલી આપણી મૂળભૂત જીવનશૈલી અને સમાજજીવનની અનોખી, હ્રદયસ્પર્શી અને છતાંય અસ્સલ ગાથા છે.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “‘સમુદ્રમંથન’ અને ‘અકૂપાર’ – એક જ દિવસે માણેલા બે નાટકોની વાત..

  • Anila Patel

    Indiaમા થોડા સમય માટે આવીએ એટલે સારા નાટકો જોવાની તક ઓછી મલે, તો નાટકો જોવાની માટે કોઈ સોર્સ અથવા કોઈ લીંક હોયતો જણાવવા નમ્ર વિનંતી.

  • સુરેશ જાની

    તમારી બહુ જ ઈર્ષ્યા થાય છે! અમદાવાદ રહેતો હતો ત્યારે ( ૨૦૦૦ પહેલાં) આવા ઉત્કૃષ્ઠ નાટકો જોવાનું કદી ચૂકતો ન હતો.
    ‘ભીંતેથી આયના ઊતારો’ , ‘ખેલંદો’ , ‘કુમારની અગાશી’, ‘બા રિટાયર થાય છે.’ અને ઘણાં બધાં યાદ આવી ગયાં. થોડાક વર્ષો પહેલાં અમદાવાદની મુલાકાતમાં જોયેલાં ‘ ગાંધી બિફોર ગાંધી’ અને ‘કન્હૈયા વર્સસ કાનજી’ પણ …

    ડાઉન ધ મેમરી લેન……. ‘સક્કરબાર’ અને ‘સરફરોશ’ નું વાંચન તાજું થઈ ગયું . અને ‘કાસમ તારી વિજળી વેરણ થઈ’ કવિતા પણ.

  • Nilam Doshi

    સરસ અને સાચું અવલોકન, જિગ્નેશભાઇ..
    સમુદ્ર મંથન …જસ્ટ સુપર્બ…
    અકૂપારે થોડા નિરાશ કર્યા..પણ એનું કારણ મારી દ્રષ્ટિએ એમાં નાટકને અનુરૂપ જે સંઘર્ષનું તત્વ જોઇએ એ ગેરહાજર હોવાથી ધારી અપીલ કરી શકયું નહીં. વાર્તાથી તો આપણે માહિતગાર હતા જ..પણ નિખાસલતાથી કહું તો પુસ્તક ખૂબ સુંદર પણ નાટયક્ષમતાનો અભાવ હોય એવું અનુભવાયું. બાકી દેવકીને સલામ..જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે…
    બાકી સમુદ્ર મંથન ખૂબ ખૂબ સુંદર..દરેક દ્રષ્ટિએ અદભૂત..

  • Sanjay Thorat

    અકુપાર નાટક સુન્દર મે એના વિશે લખ્યુ હતુ. ધ્રુવ ભટ્ટ સાથેના સમ્બધને લીધે વાર્તા અને એની વાતો અગઉ જાણી હતી.

  • કિશોર પટેલ

    બંને નાટકો વિષે જાણવાનું મળ્યું. નાટક જોવાની ઉત્કંઠા જાગી છે. આ બંને નાટકોના મુંબઈમાં પ્રયોગ થાય એની પ્રતીક્ષા રહેશે.

  • gopal khetani

    લેખ વાંચીને તમારી ઈર્ષ્યા થઈ આવી. મોકો મળશે તો આ બન્ને નાટક જોવાની તક ગુમાવીશ નહીં. નાટક વિશે “થોડામાં ઘણું” કહી દિધુ. ગુજરાતી ફિલ્મો ભલે પ્રાદેશીક ભાષાઓમાં મોખરે ના હોય પણ ગુજરાતી રંગમંચના તખ્તાએ વર્ષોથી રંગ રાખ્યો છે.