‘ડબલ ઓ સેવન, હમારી દો પરમાણુ સબમરીન અગવા હો ગઈ હૈ..’
‘ડબલ ઓ સેવન, દક્ષિણી ચીની સમુદ્રમેં હમારા જહાજ ગુમ હો ગયા હૈ..’
બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-૬ ના વડા’એમ’ બોન્ડને બોલાવીને હુકમ આપે એટલે પછીના દ્રશ્યમાં બોન્ડ સીધો જ ધરતીના કોઈ બીજા ખૂણે હોય. દરેક ફિલ્મમાં ખૂફિયા મિશન પર નીકળેલો બોન્ડ અંતે દુશ્મનોનો ખાત્મો બોલાવી ખાધું પીધું ને રાજ કર્યું પ્રકારના કારનામા જ કરે છે. જેમ્સ પોતે કઈ રીતે કારનામાઓ કરશે એ જોવાના જ પૈસા છે. એટલે જ તો બોન્ડ સીરીઝ અડધા દાયકાથી અણનમ છે અને હજુ કેટલાય વર્ષ ચાલ્યા કરશે.
૨૪મી બોન્ડ ફિલ્મ સુધીમાં કુલ છ કલાકારો બોન્ડના રોલ કરી ચૂક્યા છે, કોનેરી, રોજર મૂર, જ્યોર્જ, ટીમોથી, પિયર્સ અને હવે ડેનિયલ એમ એક પછી એક બોન્ડ આવતા રહ્યા છે. બદલાતા સમય સાથે બોન્ડ સામે આવતી ચેલેન્જ બદલાતી રહી. શરૂઆતમાં દેશ બચાવવાની વાત આવતી પછી ધીમે ધીમે આખા જગતની ચિંતા પણ બોન્ડ માથે લઈને ફરતો થયો છે. બદલાતા રહેતા બોન્ડ સાથે ઉત્તમ બોન્ડ કોણ અને અનુત્તમ બોન્ડ કોણ તેની પણ ચર્ચાઓ છેડાતી રહી છે. મોટે ભાગે પહેલો નંબર શોન કોનેરીને જ મળે છે. બે કારણોસર કોનેરી સૌથી આગળ છે, એક તો શરૂઆતની ફિલ્મોમાં તેઓ જ બોન્ડ હતા એટલે એ જમાનાથી ફિલ્મ જોતા દર્શકોના મનમાં બોન્ડ તરીકે તેમની છબી ફિક્સ થઈ ગઈ છે. બીજું કે કોનેરી પોતે ઉંચા દરજ્જાના એક્ટર છે એટલે એ સારા બોન્ડ કહેવાય તેમાં નવાઈ નથી. બોન્ડ સિરીઝ બહાર પણ તેમની સફળ ફિલ્મોની યાદી પ્રભાવશાળી છે. બાય ધ વે કોનેરીએ દરેક બોન્ડ ફિલ્મમાં માથામાં બનાવટી વાળ પહેર્યા હતા. કેમકે તેમની એક્ટિંગ જેટલી સમૃદ્ધિ તેમના વાળની નથી!
હવે આયખાના આઠ દાયકા વટાવી ચૂકેલા સર કોનેરી (મૂળ નામ થોમસ શોન કોનેરી) એ એક્ટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેમની ઉત્તમોત્તમ ફિલ્મોનું લિસ્ટ બહુ લાંબુ છે. પણ જ્યારે બોન્ડની વાત આવે ત્યારે હાથમાં ગન લઈને ગાડીને ટેકો દઈને પગ પર પગ આંટી મારીને ઉભેલા કોનેરી જ નજરે પડે. બોન્ડની માફક કરિયરની શરૂઆતમાં કોનેરીએ પણ બ્રિટિશ નૌકાદળમાં નોકરી કરી હતી.
કોનેરીની નિવૃત્તિ પછી નિર્માતાઓએ ઓસ્ટ્રેલીયન એક્ટર પ્લસ મોડલ જ્યોર્જ લેઝેન્બીને પસંદ કર્યો. જ્યોર્જ એ વખતે સૌથી વધુ ચાર્જ લેતો મોડલ હતો. કોનેરી પછી બોન્ડ તરીકે તરત જ્યોર્જ આવ્યો હોવાથી દર્શકોએ મનોમન લેઝેન્બી અને કોનેરીની સરખામણી શરૂ કરી. એમાં લેઝેન્બીને બહુ ઓછા માર્ક મળ્યા. કરડાકીભર્યો ચહેરો, દમદાર એક્ટિંગ સ્કીલ ધરાવતા કોનેરી સામે લેઝેન્બી બહુ ઢીલા લાગતા હતા, વળી તેમણે કરી એ ફિલ્મ, ‘હર મેજેસ્ટિઝ સીક્રેટ સર્વિસ’ પણ ૧૪૦ મિનિટ લાંબી (એ વખતે સૌથી લાંબી) હતી. પરિણામે બોન્ડ સાથેનું લેઝેન્બીનું બોન્ડિંગ એક જ ફિલ્મમાં તૂટી ગયું. આજે સૌથી નિષ્ફળ બોન્ડ તરીકેની ઓળખ લેઝેન્બી ધરાવે છે. બાદમાં જો કે જ્યોર્જ બોન્ડ પ્રકારની ટીવી સિરિયલમાં જાસૂસનો રોલ કર્યો હતો.
જ્યોર્જ પછી જો હવે બોન્ડ તરીકે સારા હીરોની પસંદગી ન થાય તો દર્શકો એ જાસૂસમાં લાંબો રસ નહીં લે એવું સમજી ગયેલા નિર્માતાઓએ આગામી બોન્ડ તરીકે સફળ ટીવી કલાકાર રોજર મૂરની પસંદગી કરી. જેમ્સ પહેલા મૂરે સિરિયલો, ફિલ્મો, જાહેરખબરો અને નાટકોમાં કામ કર્યું હતું. મૂરના આગમન બાદ યુરોપ અને અમેરિકા ઉપરાંત દેશોમાં પણ બોન્ડ ફિલ્મોને નોંધપાત્ર દર્શકો મળતા થયા. એ રીતે મૂરે સફળતાના આગવા માપદંડો કંડાર્યા. મૂરના નામે સૌથી વધુ બોન્ડ ફિલ્મો ઉપરાંત રથ બે-ચાર વેંત ઉંચો હાંકી શકાય એટલી સફળતા પણ નોંધાઈ.
મૂરની નિવૃત્તિ પછી બ્રિટિશ કલાકાર ટિમોથી ડાલ્ટનને બોન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યો. બે ફિલ્મો કરી પરંતુ જોઈતી સફળતા મળી નહીં પરિણામે ત્રીજી બોન્ડ ફિલ્મ વખતે ડાલ્ટને જ સામેથી કહી દીધું કે બોન્ડ બનવું એ મારું કામ નથી. ટિમોથી ડાલ્ટનને નિષ્ફળ ફિલ્મોના જેમ્સ બોન્ડ કહી શકાય. એ પછીથી નિર્માતા એક્ટરની પસંદગી અને પછી તેની નિવૃત્તિ બન્ને બાબતે સતર્ક બન્યા. ફરી વખત આવ્યો કે જ્યારે ફિલ્મ સિરીઝને જરૂર હતી એક મર્દાના બોન્ડની. એ શોધ ૧૯૯૫માં પિયર્સના આગમન સાથે પૂરી થઈ.
પિયર્સને આકસ્મિક રીતે બોન્ડનો રોલ મળ્યો હતો. ‘યૂ ઓન્લી લિવ ટ્વાઈસ’ની બોન્ડ ગર્લ કેસાન્ડ્રા હેરિસ પિયર્સની વાઈફ હતી. પિયર્સ તેને મળવા શૂટિંગ સ્થળે પહોંચ્યો અને ત્યાં જ તેની મુલાકાત નિર્માતા સાથે થઈ. નિર્માતાને કેસાન્ડ્રાના પતિમાં ભાવિ બોન્ડ દેખાયો અને એ રીતે મળી ગયો એક નવો જેમ્સ બોન્ડ. કમનસીબે કેસાન્ડ્રા પિયર્સને સ્ક્રીન પર બોન્ડ તરીકે જુએ એ પહેલા જ ૧૯૯૧માં કેન્સરથી અવસાન પામી હતી.
મૂર બાદ સૌથી વધુ ચાર બોન્ડ ફિલ્મો પિયર્સે કરી છે. પિયર્સની મોટા ભાગની ફિલ્મો બોક્સ ઓફિસ પર બહુ સફળ રહી. સર શોન કોનેરી પછી પિયર્સ બીજો એવો બોન્ડ હતો જેનું વતન આયર્લેન્ડ હોય. પિયર્સે વધારે બોન્ડ ફિલ્મો કરી હોત તો પણ દર્શકોને વાંધો આવ્યો ન હોત. પણ તેમણે ચાર ફિલ્મો કરી અને નિર્માતાઓએ તેને રજા આપી દીધી. બહામાઝ ખાતે ‘આફ્ટર ધ સનસેટ’ના શૂટિંગમાં વ્યસ્ત હતો ત્યાં જ ઈઓન પ્રોડક્શનના કર્તાધર્તા બાર્બરા બ્રોકલી (આલ્બર્ટના દીકરી)એ ફોન કરીને પિયર્સને કહી દીધું કે તું બહુ સારો બોન્ડ હતો પણ હવે અમને માફ કરજે, ફોન કટ..
એ પછી એન્ટ્રી થઈ ડેનિયલ ક્રેગની. જૂની બોન્ડના ચાહકોને ક્રેગ જેમ્સ તરીકે ગળે ઉતરતો નથી પણ નવી પેઢીમાં તેના ચાહકો છે અને વળી આર્થિક રીતે પણ તેની ફિલ્મો સફળ રહી છે. બોક્સઓફિસ પર ડોલરનો ઢગલો કરવાની પરંપરા પિયર્સના વખતથી શરૂ થઈ હતી એ ક્રેગ વખતે પણ ચાલુ રહી છે. અત્યારની જાહેરાત પ્રમાણે હવે ક્રેગ સિરીઝમાંથી રજા લઈ રહ્યો છે. એટલે ફરીથી ખમતીધર બોન્ડની શોધ કરવાનો સમય આવી ગયો છે.
* * *
છેલ્લો બોન્ડ ડેનિયલ ક્રેગ ખુદ બોન્ડ ફિલ્મની સિરીઝ કરતા ઉંમરમાં નાનો છે. કેગ ૧૯૬૮માં જનમ્યો છે જ્યારે બોન્ડ ફિલ્મ સિરીઝનો બર્થ ડે ૫ ઓક્ટોબર ૧૯૬૨ છે. સર કોનેરીને બોન્ડ બનવાની ઓફર મળી ત્યારે તેમની ઉંમર ૩૨ વર્ષની હતી. દસ વર્ષ સુધી તેઓ બોન્ડ રહ્યાં, એ પછી અગિયાર વર્ષનો બ્રેક લઈ ફરી ૧૯૮૩માં ૫૩ વર્ષની વયે બોન્ડ તરીકે આવ્યા હતાં. જ્યોર્જ બોન્ડ બન્યા ત્યારે ૨૯ વર્ષના હતા પણ એમની બોન્ડ તરીકેની કરિયર એક ફિલ્મ પૂરતી જ મર્યાદિત છે. ઉંમરમાં કોનેરીથી ૩ વર્ષ મોટા રોજર મૂરને બોન્ડ બનવાની તક મળી ત્યારે તેમનું ૪૬મું વર્ષ ચાલતું હતું. ૫૮ વર્ષના થયા ત્યાં સુધી તેમણે જાસૂસી કરી હતી. ટિમોથી ડાલ્ટન અને બ્રોસ્નન બંને ૪૧મા વર્ષે બોન્ડ બન્યા હતા. ક્રેગની પહેલી બોન્ડ ફિલ્મ આવી ત્યારે તેની ઉંમર ૩૭ વર્ષ જ હતી.
* * *
કોનેરીના કિસ્સામાં બોન્ડ સાથે અનેરું બોન્ડિંગ બન્યું હતું. શોન કોનેરીએ ૧૯૭૧માં ‘ડાયમન્ડ્સ આર ફોરેવર’ કરીને બોન્ડ તરીકે નિવૃત્તિ લઈ લીધી હતી. દાયકા પછી ૧૯૮૧માં આજે બોન્ડ ફિલ્મ તરીકે સત્તાવાર સિરીઝમાં સ્થાન ન પામતી ‘નેવર સે નેવર અગેઈન’ ફિલ્મ બની. એ જોકે ઈઓન પ્રોડક્શન હાઉસની ન હતી, પરંતુ તેમાં બોન્ડ તરીકે ફરીથી શોન કોનેરીને પડદા પર ઉતારાયા હતા, પરંતુ તેમાં કોનેરીની બોન્ડની હોવી જોઈએ એના કરતા ખાસ્સી મોટી ઉંમર ખૂંચ્યા વગર રહેતી નથી. એક્શન કરી જાણતા કોનેરી એ ફિલ્મમાં કાયદેસર દાદા લાગે છે. સત્તાવાર બોન્ડ ફિલ્મો ઉપરાંત આ રીતે પણ બોન્ડ ફિલ્મો બની છે.
* * *
બીબીસીએ ‘ઓમ્નીબસ’ નામની ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. એ ટીવી સિરીઝમાં પણ બોન્ડના કેટલાક દ્રશ્યો અને ડોક્યુમેન્ટ્રી ટાઈપની વિગતો આવી હતી. એ સિરીઝમાં બોન્ડ તરીકે ક્રિસ્ટોફર કાઝનોવે નામના બ્રિટિશ કલાકારે કામ કર્યું હતું.
* * *
ફિલ્મમાં બોન્ડ છવાઈ જતો હોવાથી દર્શકો જેમ્સના આગળ પાછળના ઈતિહાસમાં નથી પડતાં. પણ જો ફિલ્મો ધ્યાનથી જોઈ હોય તો કેટલીક ફિલ્મોમાં ક્યારેક ક્યારેક બોન્ડના પરિવારનો ઉલ્લેખ આવે છે જેમ કે ‘ગોલ્ડનઆઈ’માં ખબર પડે છે કે બોન્ડના માતાપિતા ફ્રાંસમાં આવેલા પર્વત શિખર મોં-બ્લા સામેના ‘એગ્વિલ રૂઝ’ નામના પર્વતના આરોહણ વખતે અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતાં. એ વખતે બોન્ડ ૧૧ વર્ષનો બાળક હતો એટલે બોન્ડનો ઉછેર તેના કાકીએ કર્યો હતો. ‘લાયસન્સ ટુ કિલ’માં જાણવા મળે છે કે બોન્ડના તોરણીયાં તો ક્યારના બંધાઈ ગયા છે.
આપણે જેને બોન્ડ કે જેમ્સ બોન્ડ તરીકે ઓળખીએ છે એ તો હકીકતમાં કમાન્ડરનો હોદ્દો ધરાવતો અફસર છે. મૂળ બોન્ડ બ્રિટિશ નૌકાદળમાંથી બ્રિટિશ સરકારના જાસૂસી ખાતામાં ટ્રાન્સફર થયો છે. એટલે જ કદાચ બોન્ડ ફિલ્મોમાં દરિયાના પાણીમાં ઢિશૂમ ઢિશૂમ કરવું પડે એવી સિચ્યુએશન વારંવાર અને અનેક ફિલ્મોમાં આવી છે.
છેલ્લી ત્રણેક ફિલ્મોથી બોન્ડની ઈમેજ મેકઓવર કરવાનો પ્રયાસ પણ થયો છે. થોડી લાગણીની છાંટ ફિલ્મોમાં પાથરવામાં આવી છે. છેલ્લી ‘સ્પેક્ટર’માં જ જેમ્સ કઈ રીતે ઉછર્યો તેની વાત આવે છે અને તેનો જ ભાઈ ફિલ્મનો વિલન બન્યો છે. અગાઉ ‘સ્કાયફોલ’માં જેમ્સ જ્યાં મોટો થયો હતો એ જગ્યાએ પહોંચ્યો હતો.
હવે જેમ્સ વધુ કેટલો લાગણીશીલ બને છે, પોતાના સંસ્મરણોમાં સરી પડે છે એ જાણવા પચ્ચીસમી ફિલ્મની રાહ જોવી રહી.
– લલિત ખંભાયતા
(હાલમાં જ પ્રકાશિત લલિતભાઈ ખંભાયતાનું પુસ્તક ‘૦૦૭ જેમ્સ બોન્ડ – સુપર સ્પાય’ ગુજરાતીમાં પ્રથમ વખત જેમ્સ બોન્ડના પાત્ર અને ફિલ્મોની વિગતે વાત લઈને આવે છે. પૃષ્ઠ સંખ્યા ૧૦૪, કિંમત ૧૩૦/- રૂ પ્રાપ્તિસ્થાન – બુકશેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી જી રોડ, નવરંગપુરા, અમદાવાદ-૯, ફોન નં. ૦૭૯-૨૬૫૬૩૭૦૭.)
લલિતભાઈ ૦૦૭ ની જાસુસી ગમી
સુંદર જાણકારી આપી છે.
રસપ્રદ માહિતી