મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (1) – જીગ્નેશ અધ્યારૂ 10


” પરમ દિવસે સવારે સાડા સાત વાગ્યે તમારે અમારી મુંબઈ ઓફીસ માં હાજર થવાનું છે. ” સંદેશ ખૂબ સ્પષ્ટ અને ટૂંકો હતો, નોકરી માટે એક ઈન્ટરવ્યુ આપવા મારે મુંબઈ જવાનું હતું, લાઈન તો તે પછી તરત કપાઈ ગઈ, પણ હા પાડ્યા પછી ” હવે શું? ” ની લાગણીએ મને ઘેરી લીધો. રસ્તો લાંબો હતો અને પીપાવાવ થી મહુવા થઈ વડોદરા કે અમદાવાદ અને ત્યાંથી મુંબઈ જવાની આખીય પ્રક્રિયામાં ક્યાંય આરક્ષણ મળે એ સંભાવના રાખવી મૂર્ખામી હતી. કારણકે વચ્ચે માંડ એક દિવસ હતો. જવાનું તો છે જ એટલે બસ શ્રેષ્ઠ ઉપલબ્ધ માધ્યમ છે, કમસેકમ મહુવાથી વડોદરા તો ખરું જ, મહુવા થી વડોદરા અને ત્યાંથી મુંબઈ જઈ શકાય એમ વિચાર કર્યો. જો કે જનરલ ડબ્બાની ભીડની કલ્પનાએ રંગમાં થોડોક ભંગા કર્યો ખરો…. પણ બીજો કોઇ રસ્તો ન હતો.

“કાં, કેમ હાલે? મોજ માં કે ખોજ માં?” મારા જોડીદાર મિત્ર માયાભાઇએ પૂછ્યું. મેં તેમને પરિસ્થિતિ વિશે જણાવ્યું.

થોડીક વાર વિચારીને કહે “એક કામ કરો, તમે ઓલી આગબોટ જાય છે ને…. જાફરાબાદેથી, એમાં જાવ…”

” ?? “

“અરે તમને ખબર તો છે, જાફરાબાદ થી મુંબઈની ક્રૂઝ શરૂ થઈ છે, કદાચ એકાદ વખત જઈને આવી હશે, તમારે જાવું હોય તો ઇ હારૂ પડે… ટરાય કરવામાં હું?”

“એમ? પણ એના વિશે ખબર તો જોઈએ ને….”

માયાભાઈએ બે ત્રણ ફોન કર્યા, એકાદ બે નંબર ટપકાવ્યા અને છેલ્લે એક નંબર મને આપ્યો. કહે, “આની ઉપર ફોન કરી વાત કરી જોવ, કદાચ કામ થઈ જાય…”

એ પછી એક વખત રાજુલા જવું પડ્યું, જરૂરી ભાડું આપી, ઓળખપત્ર આપી ટિકીટ બુક કરાવી અને બીજે દિવસે સાંજે ચાર વાગ્યે જાફરાબાદ હાજર થવાનું છે એ જાણી પાછા ફર્યા. ઉત્સાહનો કોઈ પાર ન મળે, અરે મારો જ નહીં, જેણે જેણે આ સાંભળ્યું એ બધાંય કહે, “તમે જઈ આવો પછી અમને કહેજો, કેવુંક છે” જો કે મને ડિસેક્શન ટેબલ પર લવાતા દેડકા જેવી થોડીક લાગણી થઈ ખરી, પણ ઉત્સાહ જેનું નામ….

બીજે દિવસે સાંજે ચાર વાગ્યે હું, માયાભાઇ અને અમારી સૂમોના ડ્રાઇવર અશોકભાઈ જાફરાબાદ પહોંચ્યા, અલબત્ત ત્યાં જવા વાળાઓ કરતા જોવા વાળાઓની સંખ્યા મોટી હતી. આ ક્રુઝની અહીઁથી બીજી જ મુસાફરી હતી એટલે વ્યવસ્થાના નામ પર કાંઈ ન મળે… જાફરાબાદના એક નાનકડા ધક્કા પરથી ફેરી બોટમાં બેસી મધદરીયે ઉભેલા ક્રૂઝ્માં જવાનું હતું એમ કહેવામાં આવ્યું. બોર્ડિંગ પાસ બનાવાયા, સામાન તથા અમને તપાસાયા અને પછી ફેરી બોટમાં બેઠાં, લગભગ પોણા છ થઈ ગયાં હતાં. એકાદ બે મોડા આવનારા મુસાફરોની રાહ જોવામાં બીજો અડધો કલાક વીતી ગયો. સૂર્ય આથમી રહ્યો હતો. એ મહાનુભાવો આવી રહ્યા એટલે ફેરી શરૂ થઈ અને એ સાથે એક નવી યાત્રા પણ શરૂ થઈ. પણ માંડ દસેક મિનિટ મુસાફરી કરી હશે કે ખલાસી ના મતે ખેલ ખલાસ થઈ ગયો. લો ટાઈડ (ઓટ) નો સમય હતો, મોડુ થવાના લીધે પાણી ઉતરી ગયા હતા અને ફેરી માટીમાં ફસાઈ ગઈ હતી… હવે ફરીથી હાઈ ટાઈડ (ભરતી) આવે તેની રાહ જોવાની હતી. અમારે રોજ કામ માટે જરૂર પડે જ છે એટલે ટાઈડ ચાર્ટ (ભરતી ઓટનું સમયપત્રક) મારા ખિસ્સામાં હતું, અને એ મુજબ ભરતી નવ વાગ્યે હતી….. બધા ક્રૂઝ્ના સભ્યોને કહેવા લાગ્યા કે તમારે સમયનું પાલન કરવું જોઈએ…. જે મોડા આવ્યા હતા તે પણ… (જો કે ઘણા મહાનુભાવો તો આઠ વાગ્યે બીજી નાનકડી હોડીથી પણ આવ્યા)

લોકોએ પોતાની પ્રવૃત્તિ શરૂ કરી દીધી, એક બહેને વાળ છૂટ્ટા કરી માથુ ઓળવાનું શરૂ કર્યું. એક વૃધ્ધ કાકાએ તેમના મોબાઈલમાં બેગમ અખ્તરના ગમગીન ગીતો વગાડવાનું શરૂ કર્યું અને મને અનેકતામાં એકતાના દર્શન થયાં, બધાએ એક અવાજે તેમનો વિરોધ કર્યો, અને એ બંધ કરાવ્યું, થોડેક દૂર દરિયામાં નર્મદા સિમેંટની જેટ્ટી અને પ્લાન્ટ ઝળહળી ઉઠ્યા. આસપાસથી પસાર થતા માછલીઓ ભરીને આવતા નાનકડા મછવા દેખાયા, કોઇક ફોટા પાડતા હતા, કોઈક ધુમ્રદંડિકાને ન્યાય આપતા હતા, તો બીજા દૂર દેખાતી ક્રૂઝ્ને જાણે નજરોથી ખેંચી લેવાના હોય તેમ જોયા કરતા, તેના પર ઝળહળાટ થયો… એવા ઘણાં લોકો હતાં જે ફક્ત ક્રુઝ જોવા આવ્યા હતાં, તેમને મુંબઈ આવવાનું નહોતું, એ બધાં આ પરિસ્થિતિમાંથી ઉગરવાના સૂચનો કર્યા કરતા હતાં, જેમાંથી એકેયનું ઔચિત્ય કે જરૂરત ન હતી. આમાંથી જ એક, ક્રૂઝ્ને ફક્ત જોવા આવેલ એક હવાલદાર રૂઆબ છાંટતો ત્યાં બીજાને ઉભા કરી, “એય, આમ આઘો ઉભો રે…” કહેતો કઠેડા પર બેઠો હતો. “કસ્ટમ વાળાઓ આ બધુંય ચેક કરે પણ એ ઠીક મારા ભાઈ, અંદર બધું પોલંપોલ જ રહેવાનું,” કહેતો એ બધાને પોતાની સિસ્ટમ સમજાવતો હતો. એનાથી કંટાળેલા બધા આઘા ભાગતાં. એક બહેનનો બાબો તોફાન કરતો હતો, મને થયું એ બહેન એમ પણ ના કહી શકે કે ” જા, બહાર જઈને રમ !” કાઠીયાવાડી મિત્રોના માવા એકાદ કલાકમાં તેના અંતને પામી ગયા અને પછી એક બીજાને પૂછવાનું અને માવાની અવેજીમાં તમાકુ અને ચૂનો મિશ્ર કરીને ખાવાનું શરૂ થયું. સિગરેટોના ધુમાડા વહેવા લાગ્યા…. અને હું, રાહ જોતો હતો કે એકાદ નોટીકલ માઈલ દૂર ઉભેલા ક્રૂઝ પર ક્યારે જવા મળશે?

રાત્રે સાડા નવ વાગ્યે આ તમાશો ખતમ થયો અને બીજી એક હોડી સાથે અમારી ફેરીનો મોરો (આગળનો ભાગ) બાંધી તેને ખેંચવામાં આવી, થોડીક મિનિટો આમ ખેંચાયા પછી ફેરી ચાલી અને ક્રૂઝ પર પહોંચી. ક્રૂઝની પાછળના ભાગેથી અમે તેમાં ચઢ્યા અને ઉપરના માળ તરફ ચાલ્યા.

જો તમે ટાઈટેનિક ફિલ્મ જોઈ હોય તો કલ્પના કરવા સૌથી પ્રથમ આધાર તેનો જ લેવો પડે, ક્રૂઝમાંના વિવિધ માળને ડેક કહે છે, અમે જે વિભાગેથી ઉપર આવ્યા તે ચોથો ડેક હતો, તે પછી ઉપર પાંચમા ડેક પર રિસેપ્શન્ જ્યાં તમારી ટીકિટ પ્રમાણે તમને બર્થ્ રૂમ કે સીટ આપવામાં આવે. અમારે ટોપ ડેકની સીટ હતી, એટલે સૌથી ઉપરના ખુલ્લા ડેક પર જવાનું હતું, પણ ત્યાં ધુમ્મસ હોવાને લીધે કેપ્ટનના આદેશથી તે બંધ કરી દેવાયું હતું, એટલે અમને એ.સી હોલ માં આવેલી બેઠકોમાં જગ્યા અપાઈ. અહીં વિવિધ વર્ગો છે, કપલ રૂમ સૌથી મોંઘો છે, તે પછી ફોર શેરીંગ રૂમ આવે, લગભગ એક મોટા બાથરૂમ જેટલા વિસ્તારમાં બે બેડ અને તેની ઉપર હોસ્ટેલ ની જેમ બીજા બે બેડ, વચ્ચે બે ખુરશીઓ…. ત્રીજો વર્ગ આવે એ.સી. ચેર કાર્ જેમાં બેસવાની વ્યવસ્થા, પુશબેક સીટ અને ટીવી પણ જોવા મળે, અને ચોથો વર્ગ ઊપરના ડેક પર લાકડાની બેન્ચ પર બેસવાની વ્યવસ્થા. અમને ચોથા માંથી ત્રીજા વર્ગમાં અપગ્રેડ કરવામાં આવ્યા.

શિપ જોવા આવેલા લોકોને પાછા ફેરીમાં બેસાડીને પાછળનો મોરો ઉંચકાયો, અહીં એ.સી હોલમાં બેસાડીને અમને સેફ્ટી અંગેની સૂચનાઓ અપાઈ, અને બધાને પોતપોતાની સીટ અપાઈ.

મને હજુ સુધી એ સમજાયુ નથી કે ગુજરાતીઓને દારૂ પ્રત્યે આટલું અદમ્ય આકર્ષણ કેમ છે? માન્યું કે ગુજરાતમાં દારૂબંધી છે, તોય જોઈએ એટલી શરાબ અહીં બ્રાન્ડ્ના વિકલ્પ સાથે ઉપલબ્ધ થઈ રહે છે. આ દંભને આપણે પાળી પોષીને કરોડોનો વહેવાર કરી દીધો છે. દિવથી આવતી ગાડીઓમાં ચેકપોસ્ટ પર બચી ગયેલ બોટલોને ઉના – રાજુલા – જાફરાબાદ રોડ પર શોધી શોધીને ગટગટાવતા પોલીસ ઘણી વખત જોયા છે, ક્યારેક એમ પણ બને કે કોઈક ચેકપોસ્ટ પર તમારી ગાડીમાં આવી બોટલ છે કે નહીં તે શોધતા ઓફીસર (!) નું મોં ગંધાતુ હોય. પણ આપણી સરકારનો કાયદો એટલે કાયદો. એટલે શિપ જેવી ઈન્ટરનેશનલ વોટર્સ (આ વળી નવું જાણવા મળ્યું) માં આવી કે બાર શરૂ થઈ ગયા, મારા જેવા એકાદ બે ને બાદ કરતા બધાંને એમાં જ રસ હતો… એક વૃધ્ધ દાદા સાથે હું શિપ જોવા નીકળ્યો. ડગલે ને પગલે સ્ટાફના માણસો હાજર, ખૂબ સૌમ્ય વ્યવહાર્, તદન સરળ અને મદદરૂપ થવા સતત તત્પર્, મન જીતી લે એટલા કાર્યદક્ષ.

આ શિપનું નામ છે ન્યુ કેમ્બે પ્રિન્સ મરૂની આઈ એમ ઓ ૭૦૩૮૩૭૯. રિસેપ્શન પછી વાતાનુકૂલિત બેઠકખંડ આવે છે, અહીં બંને તરફ સ્ત્રિઓ અને પુરૂષો માટે બાથરૂમની વ્યવસ્થા છે, આગળ જતા બે ભાગ પડે છે, એક ભાગ ડાન્સ ફ્લોર તરફ જાય છે, અને બીજો એક્ઝેક્યુટીવ કેબિન તરફ જ્યાં ચાર અને બે વ્યક્તિઓની સમાવેશ ક્ષમતા વાળા નાના ઓરડાઓ છે. એ લાંબી પરસાળ પાર કરીએ એટલે ફરીથી બે ફાંટા પડે, એકમાં ભોજનકક્ષ છે તો બીજામાં કેસીનો. બે ચાર ગુજ્જુ ભાઈઓ બ્લેક જેક અને સ્લોટ મશીન પર મંડ્યા હતાં. આગળ કપ્તાનનો ઓરડો અને સચાલન કક્ષ છે જ્યાં જવાની મનાઈ હતી, એટલે અમે પાછા વળ્યા. ડાન્સ ફ્લોર પર ડીસ્કો જોકી જૂના ગીતોને નાચવાલાયક બનાવવાની કસરતમાં મચ્યો હતો, તેમાંથી બહાર આવતા પાછળનો છેડાનો ભાગ આવી જાય છે, જ્યાં બાર છે, અહીં સૌથી વધુ લોકો હતાં. કહો કે દસ બારને બાદ કરતા બધા પ્રવાસીઓ અહીં જ હતા.

“આપણા લોકોને પીવા મળે એટલે બસ્ પીવે એટલું કે હોશ ન રહે, જરાય સાનભાન વગર પીવે…. જાણે બીજી વાર મળવાનું જ ન હોય્…” એક વૃધ્ધ મને કહી રહ્યા હતાં. અમે શિપ દ્વારા પાણીમાં થતા સફેદ ફીણ અને પાછળ બનતા કેડી જેવા આકારને જોવામાં વ્યસ્ત હતાં. નર્મદા સિમેન્ટ્ની ફેક્ટરી હવે ટપકાં જેવી માંડ દેખાતી હતી, ચારે તરફ દરીયો જ દરીયો, અફાટ પાણી, પૃથ્વીના એક ભાગનો પરિચય તો ખૂબ કર્યો છે, બાકીના ત્રણ ભાગોના ગુણધર્મો આજે જ જોવા મળ્યા. દૂર ક્યાંક કોઈક બીજા જહાજના ટપકાં જેવા પ્રકાશ દેખાતા, ચંદ્રનું અજવાળું સુંદર હતું, અને ઉપરના મુખ્ય ડેક પર ધુમ્મસને લીધે જવાની મનાઈ હતી. અલબત્ત અકસ્માત ટાળવાના અગમચેતીના પગલાં રૂપે જ તો !

(વધુ આવતીકાલે…..)

Click The Image above to See The Photo Gallery


10 thoughts on “મારી પ્રથમ દરીયાઈ મુસાફરી (1) – જીગ્નેશ અધ્યારૂ

Comments are closed.