‘સર્જન’ વોટ્સએપ ગૃપના સભ્યો રચિત (૧૪ જૂન ૨૦૧૬ દરમ્યાનના સર્જન) છ થી દસ શબ્દોની માઈક્રોફિક્શન વાર્તાઓ..
૧.
આજુબાજુ, આગળપાછળ…
બધે જ છોકરી.
….પેપર કેમ લખવું?
૨.
“તારી વહુ તારી મા જેવી ભલી…
ખાવાનું માંગુ તો જ આપે.”
૩.
“કેવી સરસ ઠંડી લૂ છે નહી?”
પરસેવે રેબઝેબ મજૂરે કહ્યું.
૪.
“તું બર્થડે કેમ નથી ઉજવતો?”
“મારો જન્મ ને મારી મા…”
૫.
“મારી સાસુ તો કાળના પેટની,
ખાવાય નથી દેતી.
તોય પેટભરીને….”
૬.
“પહેલા ભાઈની દુકાન,
પછી મારા લગ્ન.” બહેન બોલી.
૭.
“તને વાત કહુ? હવે મારે નથી જીવવું બસ.”
બા હીંબકે ચઢ્યા.
૮.
“દાદા આઘા બેસો, ગંધાવ છો.”
ને બોલતા છોકરી ખોળામાં જ મૂતરી….
૯.
પોસ્ટ ગ્રેજ્યુએટ…
“…પણ જગ્યા તો ડિપ્લોમાની જ છે.”
– દિવ્યેશ સોડવડીયા
૧.
એણે હાથ પકડ્યો,
ને એમ્બ્યુલન્સ પાછી ગઈ…
૨.
એના લીધે તો આ કર્યું,
ને એ…
૩.
હસતો રહ્યો તો ખુશ ગણીને
એણેય દુઃખ આપ્યે રાખ્યા..
૪.
ઝભલું, ઘોડીયું, નઝરીયા
ને નઝરાઈ ગયેલ જિંદગી..
૫.
ઘરડાઘરમાં એક વૃદ્ધ યુગલને
દિકરો થયો..
૬.
શું થયું?
કોમી..
તો વાંધો નહીં..
૭.
બાસુંદીએ કારેલાને પૂછ્યું..
કડવું એટલે કેવું?
૮.
આજે છપ્પનભોગ
ને ઈશ્વરને
લૂઝ મોશન..
૯.
બાળમજૂર છોડાવવા નીકળેલા
ઇન્સ્પેકટર બરાડ્યા. .
“છોટુ, બે ચા..”
૧૦.
જિંદગીએ પ્લેબોયમાંથી
પે બોય બનાવી દીધો..
૧૧.
ખુદા શું કહે?
આ પચાસ મર્યા એ “બચાવો” કહેતા હતા..
૧૨.
શબરી હટાણું કરવા નીકળી
ને રામે હાટડી ઉઘાડી..
૧૩.
લોહી નીંગળતું ધારીયું,
એક નવજાત છોકરી
… અનાથઆશ્રમ
૧૪.
સંજોગોએ પથ્થર ફેંક્યા,
મનમાં કોમી રમખાણો..
૧૫.
મિલનું ભૂંગળુ વાગ્યું,
મજૂરો – ‘હાશ’
મંદિરમાં શંખ ફૂંકાયો
ભગવાન – ‘ઓફ્ફ’
૧૬.
એની યાદમાંં રડ્યો’તો
યાદ કરીને હસવું આવે છે.
૧૭.
છોટુને બ્રેડનો ટુકડો મળ્યો,
અલ્લાહનો રોજો ખૂલ્યો
રમઝાન મુબારક..
– જીજ્ઞેશ અધ્યારૂ
૧.
ચલ પ્રેમ કરીએ..
કયો? અરિસ્ટોટલવાદી કે પ્લેટોનિક?
૨.જેને નાત બહાર કરેલો વૃક્ષોએ,
એ કુહાડીનો હાથો બન્યો.”
૩.
આભડછેટ આજે પણ છે,
પહેલા નાતની હતી, હવે પૈસા ની.
૪.
સૌથી મોટો એનો અભિષેક,
બાકી સૂકી જીભ એટલે મૃતદેહ
૫.
હું જોઇ શકું સૌને,
એટલે હવા અદ્રશ્ય બનાવી..
– શૈલેષ પરમાર
1.
પારેવા ઉડી જાય. ..
કોI દિ’ કૂવો ઉડી ગ્યો ભાળ્યો?
૨.
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રી…
કથા બની ગઈ.
૩.
કમાલનો કલાકાર છે…
આંખોથી પણ
ખોટુ બોલી શકે છે.
૪.
સંબંધોના લિવિંગ રુમ,
લાગણીના કિચન,
કયા નવી વાત છે !
૫.
ઈચ્છાના દરિયામાં ઉછળતા મોજાંને
સમજણની સીમામાં સંકેલી લીધા.
– જલ્પા જૈન
૧.
ગંગુ, બાસુંદી લઇ જા….
કાલે મળી હોત તો તાજી….
૨.
ધસમસતો પ્રવાહ…
નિર્જીવ માંના હાથમાં,
ધબકતું જીવન ..
૩.
નિર્ભયાની ચીસોમાં
શું દ્રૌપદી જેટલું દર્દ નહોતું?
બોલને કાના..
૪.
અંધેરી બદનામ ગલી,
ગરમ શ્વાસો,
ડૂબતા સ્વપ્નો
૫.
ડોક્ટર તમારી.. બા,
દેવલોક..
તમે મોડા પડયા ..
૬.
માંની દોડાદોડ
અને બાળકોનું બચપણ..
વિદ્યાની એરણ પર ..
૭.
રામ સમો છોકરો છે..’
ના બાબા,
એ તો અગ્નિપરીક્ષા…
૮.
ભાઈ પ્રત્યેની ફરજ,
વનવાસ..
અને અર્ધાંગિની?
– મિત્તલ પટેલ
૧.
તૂટેલા શબ્દોને અડકી ના હોત
તો વિસ્મૃતિની ધૂળ તો જામત..
૨.
સમયની સાથે બધું બદલાય છે,
જગ્યા, ચહેરા, વિચાર અને સબંધીઓ
૩.
દિલના ભાવ
ભીની થઈ છે આંખો
યાદ આવી..
૪.
ગાડી વહેલી સવારે પાંચ વાગે આવી,
શું વૃંદાની વાપસી થઈ?
૫.
ક્ષિતિજ જોયા કરે છે
સાગરના વલોપાતને…
૬.
મીરાએ કટોરો ઝેર પીધું
કૃષ્ણે લવ યુ કેમ ના કીધું?
૭.
શુધ્ધ દૂધ જેવા સંબંધને
વહેમનું એક ટીપું
ફાડીને દહીં કરશે?
૮.
દિલમાં છે અહેસાસ કાયમનો,
આંખની પાંપણ
પહેલી વખત ઉઠાવી હતી….
૯.
ઝાકળે કહયું ‘પલળી જઉં
જો તું પ્રેમનુ વાદળ મોકલે..’
– અનસૂયા દેસાઈ
૧.
અાપણો મેળ,
ચાતકનો મેહુલો,
વર્ષાની હેલી!!-
૨.
રાધા ને લાવો,
મથુરા શણગારો,
હેતનો સેતુ!
૩.
બસ એમ જ હવે
બાકીનું ડાયરીમાં..
૪.
ચાંદે ગ્રહણ,
વાદળી મલકાય, અા રાત મારી
૫.
મનુષે હાંસી,
ધરાનો હાહાકાર,
ભારેલ અગ્નિ
૬.
શાવક બેઠું,
ઘનઘોર જંગલે,
પ્રકૃતિ સોડે!
૭.
થોડું જીવી લે માંં,
કહેતી દીકરી વ્હાલે દરિયો
૮.
ટેકા ખસેડી ટેકા મેળવતો,
રાજકારણી
૯.
રોટલી પડી ગઈ,
બિચારી નબળી થઈ!!
૧૦.
મંથરા બની
કાળની સાવરણી,
અફસોસ!!
૧૧.
એક હતો ડાલા મથ્થો!
શોધ ચાલુ છે!
૧૨.
બોર ખાટા છે કે મીઠા મલકાય શબરી
– શીતલ ગઢવી “વૈરાગી”
૧.
ઝુંપડાઓમાં આગમાં ભસ્મીભૂત
“ચિયર્સ..” ગગનચૂંબી મિત્રો
૨.
જલ્દી ચાલ..
ખેંચાતું ઘસડાતુ વેકેશન
૩.
“સાંભળો.. નવી ફિલ્મ લાગી છે.”
‘ટોરન્ટ’ના સહવાસમાં નારાજગી.
૪.
રિસોર્ટમાંથી ફોન લગાવ્યો
“તબિયત સારી નથી.”
૫.
બોલતી બંધ.. છંછેડાઈ
“ચાલને પાછા ઝઘડીએ.”
૬.
દારુ પર ચર્ચા કરવી છે.
“ક્યારે બેસીએ?”
૭.
માત્ર સાહીંઠ સેકન્ડ..
નાનો મોટો એક થયા ‘બાર’ વાગ્યે
૮.
હજીય કાનમાં પડઘા ગૂંજતા.
હળવેકથી બોલી’તી “હા”
૯.
ફરી પાછો માંદો પડ્યો.
લેડી ડૉક્ટરને ધબકારા સંભળાવવા.
૧૦.
“તબિયત વધી ગઇ તમારી.”
દરજી ડૉક્ટર બની ગયો.
૧૧..
૨૦૫૦ હિસ્ટ્રી ચેનલ.
આગલો કાર્યક્રમ…
આવું હતું ‘પાણી’
૧૨.
અર્વાચીન આભમાં
ચકલી ખોવાઈ ગઇ.
૧૩.
‘લાકડે માંકડુ’
હજીય મેદાનમાં..
અણનમ જોડી.
૧૪.
“કેવી દેખાવ છું?”
મહાપ્રશ્ન.
મા સરસ્વતી રક્ષા કરજો.
૧૫.
સિંહનું છૂંદણું છૂંદાવતાં છૂંદાવતાં
ચૂંચું… ચૂંચું… ચૂંચું… ચૂંચું…
૧૬.
જીવ ‘કૉમા’માં
જીવન હાંસિયામાં
અલ્પવિરામ? યા પૂર્ણ વિરામ!
૧૭.
મને નહીં ફાવશે.
કોશિશ કરો…
ને માસ્તર બની ગયા.
૧૮.
આ મળ્યા સો…
થયા ધકેલપંજા દોઢસો.
આગળ વધો
ટ્રાફિક છે
૧૯.
બારમું પત્યું
તેરમાની વિધી
એડમિશન આવતા ભવનું
૨૦.
વીણી વીણીને ફૂલડા લાવ્યો..
સર્જનહાર
ભમરો શાને ડંખતો મને?
૨૧.
લીલા માંડવડે
પાનેતર ઓઢેલી દીકરી ક્યાં?
૨૨.
હજીય દાઢમાં વળગેલો
બા તારો
ગોળ ને રોટલીનો ચૂરમો.
૨૩.
સંબંધો સચવાય છે
મીંઢા બનેલા મીણના પૂતળાની જેમ.
૨૪.
દરિયો ખાર રાખે જ ને?
બધુંય સમાવીને બેસી જો.
– સંજય ગુંદલાવકર
૧. જંગ
તોપના નાળચામા માળો કરવા,
બે કબૂતરો કરી બેઠા લોહિયાળ જંગ
૨.
પિતાના મસ્તકે દીકરાનો હાથ ફર્યો,
ને વૃદ્ધત્વ ગાયબ
૩.
સોનેરી અવસર,
“દીકરી જાન લઈને પરણવા આવી.”
૪.
એક ડોશીમા એ ડોસા પૂછ્યું,
“હાથ આપશો? રસ્તો ઓળંગવો છે.”
૫.
દુધ ઢોળાયું,
દરવાજા પાસે ટપાલી તાર લઈને ઊભો છે.
૬.
કો’ક તો મને હસીને આવકારે,
યમરાજાએ વ્યથા ઠાલવી.
૭.
વૃદ્ધાશ્રમના બારણે ઉભેલા બાપને,
ભૃણમા હણેલી દીકરી બહુ યાદ આવી..
૮.
જમીન, મકાન, મિલ્કતના ભાગ પાડયા,
બાનો ફોટો ભંગારમા પડ્યો હતો.
૯.
આભ જોઈ જગતાત રડ્યો,
બબ્બે દીકરીઓના આણા કેમ વળશે.
૧૦.
ડોક્ટરે બે કાચના ટૂકડા આપીને,
બીલ પેટે બે આંખો લઈ લીધી.
૧૧.
ગાયના પેટમાંથી પ્લાસ્ટિક નીકળ્યુ,
ભિખારી માંંના…?
૧૨.
વિધવાની સેંથીનુ સિંદૂર પૂરી,
એણે વિધવા માના ચરણસ્પર્શ કર્યા.
૧૩.
અનાથાશ્રમના ફાળામા
સવલીએ બે બાળકો લખાવ્યા..
૧૪.
કૃષ્ણની વાંસળી,
બાપૂની લાકડી..
જમાદાર તમારી?
૧૫.
વાસણ ધસતી દીકરીના હાથ થંભી ગયા
તપેલી પર બાપનુ નામ…
– શૈલેષ પંડ્યા
૧.
પુસ્તક મેળામાંથી
સો રુપીયાના ત્રણ અંગ્રેજી પુસ્તકો લાવ્યો.. જ્ઞાની..
૪.
રસોડામાં ગેસ બોલ્યો
મારે પણ એક દિવસ ઉપવાસ કરવો છે
૫.
પ્લેબોય ખરીદવાનું બંધ થયું
લગ્ન થઇ ગયા
૬.
તમે આવી ફિલ્મ જોવો છો?
અમે શ્રુંગાર રસ માણીએ છીએ..
– જીજ્ઞેશ વાઘેલા
૧.
સગપણ ‘ફોક’,
છોકરો વ્યસની…
છુટતું જ નથી, ‘પુસ્તક’!
૨.
૨૦૦૦ નું હેલ્મેટ લાવ્યો,
કંઈ કામ ન આવ્યું.
૩.
મનાવી લીધી,
પણ રંજ રહયો,
પહેલ ન થાત તો..?
૪.
પેલીએ કપડાં કાઢ્યાં,
પેલો ઉભો થયો,
બે દિવસ લાગશે, ધોતાં..
૫.
તારી રાહ જોઉં છું,
ક્યારે “typing..” થાય
૬.
‘સારાં દિવસો’ આવી ગયા,
રાતનું શું..?
૭.
મોબાઇલ મૂકી તો જો,
મસ્તક ઊંચું થશે..
૮.
ચા, ઠંડુ શું લેશો..?,
કશું નહિ, ચાર્જર મળશે..?
૯.
મહેમાનગતિમાં કોઈ કચાશ..?
હા, વાઇ-ફાઇ નથી..
૧૦.
‘સર્જન’માં બહુ ભીડ,
પ્લેબોયનું વેચાણ ઘટ્યું.
૧૧.
એકે દવા આપી, બીજાંએ દારૂ..
મેં મેગીથી..
‘છુટકારો’ મેળવ્યો.
૧૨.
એણે વચન માગ્યું,
“છોડી દેશે ને?”,
મારાં ધબકારા છૂટ્યા.
૧૩.
ગૂગલ હજી શોધી રહ્યું છે..
‘મારી ઓળખ’
– ધર્મેશ ગાંધી
1.
બહુરુપીએ ચહેરો બદલ્યો
પણ માણસ..
2.
ગોદડામાંં
બાની હૂંફ પણ સીવાઈ
૩.
દિવસો બધા સારા
પણ તારા વગર?
૪.
પારિજાતનુંં ફુલ મહેકી ઉઠ્યુંં
ડાયરીના પાના ખોલતા જ..
૫.
મોબાઈલ ટાવરની બીકથી
ચકલીએ જીવનવીમો ઊતરાવ્યો
૬.
માણસને ડંખી કાળોતરો અવાચક
ઓહ!
૭.
આજે કચરામાંં નાના હાથ જોયા,
ભવિષ્યનુંં મૃત્યુ થયુ.
૮.
સરકારી બાબુને હાશ થઈ,
ટેબલ નીચે નવુ ખાનુ બનાવ્યુ.
૯.
કુંપણે કુંપણે મહેકી ઉઠે,
માનવતા અનાથઆશ્રમમાંં..
– કેતન પ્રજાપતિ
૧.
જેને નાત બહાર કરેલો વૃક્ષોએ,
એ કુહાડીનો હાથો બન્યો.
૨.
આભડછેટ આજે પણ છે,
પહેલા નાતની હતી, હવે પૈસાની.
– શૈલેષ પરમાર
૧.
કાલની એક અલ્લડ છોકરી
પરણીને ફુલટાઈમ…
૨.
દુકાળે ફાટીતૂટી ધરા….
સાંધવા આવને હવે મેઘરાજ..
૩.
દ્રૌપદીને ચીર પૂરી હરખાય શાને ?
શકુનિમામાનાં પાસા બદલવાતા ને ?
૪.
નરસૈયાએ બધી ઝંઝાળ
લખી કેશવને નામ…
૫.
ઝેરનાં કટોરામાં કાનો ઘોળાયો,
મીરાએ આંખ મીંચીને…
૬.
નિર્ભયા હશે, બળાત્કારી હશે,
ચીર પૂરનારો હશે ?
૭.
માસ્ટર્સ ડિગ્રી, કોર્પોરેટ જોબ,
તોય સાસરિયાને કરિયાવરનો મોહ…
૮.
રોટલીએ અગ્નિપરીક્ષા આપી,
વધુ સ્વાદિષ્ટ બની.
૯.
કાગળની નાવને
ખાબોચિયું નાનું પડ્યું.
૧૦.
“પહેરી લે ઘૂંઘરું,
શાળાએ જવાનાં સપના બેકાર.. નસીબ!”
– મીનાક્ષી વખારિયા
૧.
પુરબહારે
લહેરાય યૌવન
આજ ધરાનુ
૨.
કેસર જોતાં મન તરબતર થયું.
કેસર કોણ?
૩.
સુખીજીવનની શુભેચ્છાઓ આપી,
સુખની ચાવી જ લેતી ગઈ.
૪.
કોઈ પણ પ્રકારનું દુઃખ નથી મને….
અરે.. એ જ દુઃખને?
૫.
પ્રેમે મારો નાશ કર્યો…
અને મેં પણ……
પ્રેમનો.
– રીટા ઠક્કર
૧.
કેનવાસ પરથી ચિત્ર બોલ્યું,
“આંસુ લૂછ, ધૂંધળું દેખાશે.”
૨.
ઈચ્છાઓના સર કલમ કરે
મનનો આતંકવાદ
૩.
બાળપણ,બાળમંદિર,
સ્કૂલ, કોલેજ, નોકરી,
ઘરસંસાર..
સમાપ્ત
૪.
કેરીના ટોપલા વેચતું દંપતિ
જમવા બેઠું
રોટલાે ડુંગળી
૫.
માટીના પૂતળા બનાવીએ,તોડીએ
ચાલ ઈશ્વર ઈશ્વર રમીએ
૬.
ડોકટર મોડા પડયા,
સારું થયું,
દર્દી સાજો થઈ ગયો
૭.
લો કટ બ્લાઉઝમાં જોયું
ને પગથિયું ચૂક્યો
પગે ફ્રેકચર
૮.
“છોકરાવાળા જોવા આવવાના છે”
છોકરીએ તરત વોટ્સએપમાં લખ્યું
“કમ સૂન..”
૯.
ટ્રેન પહેલાં
આલીંગન, સાચવજે, મીસ યુ
પછી વોટ્સએપમાં “ઓ.કે. ડીયર”
– વિભાવન મહેતા
૧.
જિંદગીની પાઠશાળામાં અહમનું એડમિશન?
નવા સત્રમાં વિષય બદલો તો…
૨.
પ્રમુખસ્વામી, શ્રીશ્રી રવિશંકર, મોરારીબાપુ…
સામાન્ય માણસની વ્યથા સમજે તો?
૩.
કવિને કબજિયાત થઈ ગઈ…
શબ્દો બહાર ને પેટ અંદર!
૪.
ગુજરાતી ભાષાનું મહત્વ’ નિબંધનુ પ્રથમ ઇનામ…
કોન્વેન્ટના વિદ્યાર્થી ને… તાળીઓ!!
૫.
મા, બહેન, પત્ની… અરે, ગર્લફ્રેન્ડ પણ જોઇએ છે…
દીકરી નહી…
૬.
‘માય વાઇફ ઈઝ માય લાઈફ’…
આને માટે પેદા કર્યો હતો?
૭.
રોટલી…
ફુલણશી સાસુ જેવી,
બળેલી નણંદ જેવી,
દઝાતી વહુ જેવી…
૮.
‘અંધશ્રદ્ધા જ મને લઈ ગઈ લાખ્ખો લાઇક્સ સુધી’…
નાસ્તિક બબડ્યો…
૯.
તારે શોળે-શણગાર થવાની
કોઈ જરૂર નથી…
સેકન્ડ મેરેજ છે !
૧૦.
તારી આખી કારકિર્દીમાં આટલા રૂપિયા નહી મળે’…
અને મેચ ફિક્સ !
૧૧..
‘પ્રવેશોત્સવ થઈ ગયો…
હવે ભણવું હોય તો ભણે’ મંત્રી બબડ્યાં !
– સંજય થોરાત
૧.
તમે ત્રણેય ૧૪ વર્ષના વનવાસી,
તો હું ને ઉર્મિલા પ્રભુ?
૨.
સરકાર તો આવે ને જાય,
જુગ જુગ જીવે લાલ ફિતારાશાહી.
– પરીક્ષિત જોશી
૧.
ક્ષણભર રાતો અંધકાર..
વાદળમાંથી ગર્જનામાં દબાઈ
વેરાન વગડામાં એક ચીસ..
૨.
બાળકો એને બહુ ગમતાં,
પોતે વાંઝણી હોવાની પરખ કરાવતી નજર?
– ધવલ સોની
૧.
ચાંદનીથી ધોવાયેલી ડાળ
ઝુકે છે ભૂમી તરફ….
૨.
ચકલીએ આદરી પોતાના
જ્ઞાતિજનોની ગણતરી…
– જાગૃતિ પારડીવાલા
૧.
સબંધ ખતમ;
નંબર હજુ અકબંધ..!
૨.
ડિર્વોસ પેપરમાં સહી કરી દેજે..
મનમાં કોતરેલી સહીઓ ભુંસી શકાશે..?!
૩.
પીડા આંસુમાં જાય તો;
આંસુ વહીને કયાં જાય..?!
૪.
પાનખરમાંયે બહાર,
કોઇ પ્રેમમાં પડયું લાગે છે..
૫.
ફુલો પર ચમકતી ઝાકળ;
ચાંદ રડયો હશે રાત્રે..?
૬.
તારીખ પર તારીખ..
ન્યાયાલયને પણ ન્યાયની જરૂર છે..!
૭.
“પપ્પા, કોર્ટમાં કેમ આવ્યા?”
“મારી પરિક્ષા છે..”
૮.
મૃત ખેડુને બળદે કહયું,
અમે ખૂબ મહેનત કરીશું,
પણ તમે..!
૯.
વિધવાની સ્વતંત્રતા જોઇ;
સૌભાગ્યવતીને ઇર્ષ્યા થઇ..
૧૦.
તેણે આંખોથી માપી લીધી;
નઝર ઝૂકી ગઈ..!
૧૧.
વડસાવિત્રી કરી?..
મારા માટે કે પતિ માટે…?
૧૨.
ચુડી-ચાંદલો અખંડ રહે..!
ને હું?
૧૩.
મહેલમાં વસવું છે તારે?
ના, પૂરાઇ જવાની બીક..!
૧૪.
એ માટલા ઘડતો;
એના છોકરા જાતે જ ઘડાતા..!
૧૫.
મોબાઈલ ભૂલાઈ ગયો;
પ્રવાસમાં મઝા ન આવી..!
૧૬.
રમકડાં ગયા.. હવે,
કલ્પનાને ખોળે રમું છું..!
૧૭.
બળી ગઇ આજે રોટલી..;
હળહળતા નિઃસાસાથી..
૧૮.
મગજને કફર્યું લાગ્યો;
વિચારોમાં પણ તારા જ વિચારો..!
૧૯.
ભગવા વાઘા પહેર્યાં,
મનથી તો સંસારી જ..!
૨૦.
શૃંગાર કરેલા ચહેરા પર,
સ્મિતની બાદબાકી..!
૨૧.
જંગલ બળ્યું;
આકાશ વરસાદ થઇ રડી પડયું..!
૨૨.
નવ-પરીણીતાના અભરખાં;
સાસુ બનવાના..!
૨૩.
આલિંગનના આશ્લેષમાં;
લાગણીઓ ઢોળાઇ ગઇ…!
૨૪.
પ્રેમ એટલે..?
તારા જેવો, અધૂરો ને અપ્રાપ્ય..
૨૫.
પાણી ઢોળ થયું;
સૌ કામે વળગ્યા..
૨૬.
આદત ચેસ રમવાની પડેલી..
કે એની સાથે રમવાની..?!
૨૭.
લાપરવાહીનો ઢોંગ કરીને
મેં બહુ ધ્યાનથી વાત સાંભળી એની..!
૨૮.
ફૂલ તોડાયું,
રડીને ઇશ્વરના માથા પર ચઢયું..!
૨૯.
ગીફટમાં ઘડીયાળ તો આપી..
પણ સમય કયારે આપશે એ..?
– મીરા જોશી
Pingback: છ થી દસ શબ્દોની માઈક્રોફિકશન વાર્તાઓ#2 (22-Jun-2016) – Dharmesh Gandhi (DG)
અદ્દ્ભુત્.. (માઇક્ોફીક્સ્ન કોમેન્ટ)
Mast bdhi micro fiction.. All r superb..
એક થી એક ચડિયાતી..