અંતિમ સમયની વાતો.. – રામપ્રસાદ ‘બિસ્મિલ’, અનુ. પ્રતિભા અધ્યારૂ 1


बिस्मिल901.gif

Ramprasad Bismil By Dr Krant M L Varma (courtesy : wikimedia)

આજે ૧૬ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭ ના રોજ આ વાતનો ઉલ્લેખ કરી રહ્યો છું, કારણકે ૧૯ ડિસેમ્બર ઈ.સ. ૧૯૨૭, સોમવારના રોજ સવારે ૬ વાગ્યે આ શરીરને ફાંસી પર લટકાવી દેવાની તારીખ નિયત થઈ છે. એટલે મારે આ લીલા નિયત સમયમાં જ પૂરી કરી દેવી પડશે. આ સર્વ શક્તિમાન પ્રભુની લીલા છે, બધાં કાર્યો એની ઈચ્છાનુસાર જ થાય છે. આ પરમપિતા પરમાત્માના નિયમોનું જ પરિણામ છે કે કેવી રીતે અને કોણે દેહ ત્યાગ કરવાનો છે. મૃત્યુના બધા જ કારણો નિમિત માત્ર છે. જ્યાં સુધી કર્મ પૂરું નથી થતું, ત્યાં સુધી આત્માએ જન્મ મરણના બંધનમાં પડવું જ પડે છે, આ જ શાસ્ત્ર નિશ્ચય છે. છતાં પણ આ વાત તે પરબ્રહ્મ જ જાણે છે કે કયાં કર્મોના પરિણામ સ્વરૂપ કયું રૂપ આ આત્માએ ગ્રહણ કરવું પડશે પરંતુ, સ્વયં માટે આ મારો દૃઢ નિશ્ચય છે કે હું ઉત્તમ શરીર ધારણ કરી નવીન શક્તિઓ સહિત જલ્દી પાછો ભારતવર્ષમાં જ કોઈ નજીકના સંબંધી કે કોઈ ઈષ્ટમિત્રના ઘરે જન્મ ગ્રહણ કરીશ, કારણકે મારો જન્મ જન્માંતરનો ઉદ્દેશ રહેશે કે મનુષ્યમાત્રને બધી પ્રકૃતિ અને પદાર્થ પર સમાન અધિકાર પ્રાપ્ત થાય. કોઈ કોઈના ઉપર હકૂમત ન કરે. આખી દુનિયામાં સ્વર્ગની સ્થાપના થાય. વર્તમાન સમયમાં ભારતની સ્થિતિ બહુ વિચારવાલાયક છે. એટલે ઘણાં વર્ષો સુધી આ જ દેશમાં જન્મ લેવો પડશે અને જ્યાં સુધી ભારતમાં સ્ત્રી પુરુષ બધી રીતે સ્વતંત્ર ન થઈ જાય, પરમાત્માથી મારી પ્રાર્થના છે કે તે મને આ જ દેશમાં જન્મ આપે કારણકે તેમની પવિત્ર વાણી – ‘વેદ વાણી’ નો અનુપમ ઘોષ મનુષ્યમાત્રના કાન સુધી પહોંચાડવા સમર્થ થઈ શકું. કદાચ એવું થાય કે હું મારા માર્ગ નિર્ધારમાં કોઈ ભૂલ કરું, પણ એમાં મારો કોઈ વિશેષ વાંક નથી, કારણકે હું તો અલ્પજ્ઞ જીવ માત્ર છું. ભૂલ ન કરવી એ તો ફક્ત સર્વજ્ઞથી જ શક્ય બની શકે. આપણે પરિસ્થિતી પ્રમાણે બધાં કાર્ય કરવાં પડે છે ને કરવાં પડશે. પરમાત્મા આવતા જન્મમાં સદબુદ્ધિ આપે એટલે હું જે માર્ગનું અનુસરણ કરું એ ભૂલ વગરનો જ હોય.

હવે હું એ વાતોનો સ્પષ્ટીકરણ કરી દેવુ જરૂરી સમજુ છું, જે કાકેરી ષડયંત્રના આરોપીઓના વિષયમાં સેશન જજના ચૂકાદો સંભળાવ્યા પછી ઘટી. ૬ એપ્રિલ ઈ.સ. ૧૯૨૭ ના દિવસે સેશન જજે ચૂકાદો સંભળાવ્યો હતો. ૭ જૂલાઈ ઈ.સ. ૧૯૨૭ ના દિવસે અવધ ચીફ કોર્ટમાં અપીલ થઈ. એમાંથી થોડાની સજાઓ વધી અને એકાદની ઘટી. અપીલ કર્યાની તારીખ પહેલાં મેં સંયુક્ત પ્રાંતના ગવર્નરની સેવામાં એક યાદગીરી (મેમોરિયલ) મોકલી હતી, જેમાં પ્રતિજ્ઞા કરી હતી કે હવે ભવિષ્યમાં ક્રાંતિકારી સંસ્થા સાથે કોઈ સંબંધ નહીં રાખું. આ મેમોરિયલનો ઉલ્લેખ મે મારી છેલ્લી દયા-પ્રાર્થનાના પત્રમાં કરી જે મેં ચીફ કોર્ટના જજોને આપી હતી. પરંતુ ચીફ કોર્ટના જજોએ મારી કોઈ પ્રકારની પ્રાર્થના ન સ્વીકારી. મેં પોતે જેલમાંથી મારા પોતાના કેસની દલીલો લખીને મોકલી છાપી હતી. જ્યારે તે દલીલો ચીફકોર્ટના જજોએ સાંભળી ત્યાંરે તેમને ખૂબ વહેમ થયો કે આ દલીલો મારી લખેલી નથી. આ બધી વાતોનો નિર્ણય એ આવ્યો કે ચીફ કોર્ટ અવધ દ્રારા મને મહાષડયંત્રકારી ઘોષિત કરી દેવામાં આવ્યો. મારા પશ્ચાતાપ પર જજોને વિશ્વાસ ન આવ્યો, અને તેમણે તેમની ઘારણા એ પ્રમાણે પ્રગટ કરી કે આ (રામ પ્રસાદ) છૂટી ગયો તો પાછું એ જ કામ કરશે. બુદ્ધિની ચાલાકી અને સમજણ પર પ્રકાશ નાખતા તેમણે મને ‘નિર્દયી હત્યારા’ ના નામથી સન્માનિત કર્યો. પેન તેમના હાથમાં હતી, જે લખવુ હોય તે લખે પરંતુ કાકોરી ષડયંત્ર ના ચીફ કોર્ટનો ચુકાદો વાંચતા ખબર પડે છે કે મને મૃત્યુદંડ કયા વિચારથી આપ્યો છે. એવું નક્કી કરવામાં આવ્યું કે રામપ્રસાદે સેશન જજની વિરુદ્ધ અપશબ્દ કહ્યા છે, જાસૂસી વિભાગના કાર્યકર્તાઓ પર લાંછન લગાડ્યા છે એટલે દોષારોપણ સમયે જે અન્યાય થતો હતો, એના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. એટલે રામપ્રસાદ સૌથી મોટો અપરાધી આરોપી છે, હવે તે કોઈપણ સ્વરૂપે માફી માંગે, ન દઈ શકાય.

ચીફ કોર્ટમાંથી અપીલ રદ થયા બાદ નિયમ મુજબ પ્રાંતના ગવર્નર અને પછી વાઈસરોય પાસે દયા પ્રાર્થના કરી. રામપ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્રનાથ લાહિડી, રોશનસિંહ તથા અશફાકઉલ્લા ખાંના મૃત્યુદંડને બદલીને બીજી કોઈ સજા દેવાની ભલામણ કરતા સંયુક્ત પ્રાંતના કાઉન્સિલના લગભગ બધા ચૂંટાયેલા સભ્યોની સહી સાથેનો નિવેદન પત્ર આપ્યો. મારા પિતાજીએ અઢીસો પૈસાદાર અને જજો તથા જમીનદારોની સહી સાથેનો અલગથી વિનંતી પત્ર મોકલ્યો, પરંતુ શ્રી સર વિલિયમ મેરિસની સરકારે એક ન સાંભળી. એ જ સમયે લેજીસ્લેટિવ અસેમ્બલી તથા કાઉન્સીલ ઑફ સ્ટેટ ના ૭૮ સભ્યો એ સહી કરીને વાઈસરોય પાસે વિનંતીપત્ર મોકલ્યો કે કાકોરી ષડયંત્રના મૃત્યુદંડ પામેલા અપરાધીઓની સજા બદલીને બીજી કોઈ સજા કરો કારણકે એક જજે કહ્યું હતું કે જો આ લોકો પશ્ચાતાપ કરે તો સરકાર સજા ઓછી કરી દે. ચારેય આરોપીઓએ પશ્ચાતાપ પ્રગટ કર્યો તે છતાં પણ વાઈસરોયે એક પણ વાત ન સાંભળી.

આ વિષયમાં માનનીય પં. મદનમોહન માલવીયજીએ તથા એસેમ્બલીના થોડા સદસ્યોએ વાઈસરોયને મળીને પણ પ્રયત્ન કર્યા હતા કે મૃત્યુદંડ ન થાય. આટલું થયા પછી આશા હતી કે વાઈસરોય જરૂરથી મૃત્યુદંડની સજા માફ કરી દેશે. એવી પરિસ્થિતિમાં વિજયાદશમીના બે દિવસ પહેલાં બધી જેલમાં તાર મોકલી દેવાયા કે દયા માફી નહીં મળે, બધાંની ફાંસીની તારીખ નક્કી થઈ ગઈ. જ્યારે મને સુપ્રીટેન્ડેન્ટે જેલમાં તાર સંભળાવ્યો ત્યારે મેં કહી દીધું કે તમે તમારું કામ કરો. પરંતુ જેલ સુપ્રીટેન્ડેન્ટના વધારે કહેવાથી એક તાર દયા – પ્રાર્થનાનો સમ્રાટની પાસે મોકલી દો, કારણકે તેમનો એક નિયમ હતો કે પ્રત્યેકની ફાંસીના કેદી તરફથી માફીની અરજી, જે વાઈસરોયને ત્યાં રદ થઈ જાય છે તેઓ એક તાર સમ્રાટના નામથી સરકાર પાસે મોકલે છે. બીજો કોઈ જેલ સુપ્રીટેન્ડેન્ટ આવું કામ ન કરત. આ તાર લખતી વખતે મને એવો વિચાર આવ્યો કે મારે પ્રીવી-કાઉન્સીલ ઈંગ્લેન્ડને અપીલ કરું. મે વકીલ શ્રી મોહનલાલ સક્સેનાને સૂચના આપી. જેલની બહાર કોઈને પણ વિશ્વાસ ન થયો કે વાઈસરાયે અમારી અપીલ રદ કરી દીધી છે. જેમ તેમ કરીને શ્રી મોહનલાલ દ્રારા પ્રિવી કાઉન્સીલમા અપીલ કરી. નિર્ણય તો પહેલેથી જ ખબર હતી. ત્યાંથી પણ અપીલ રદ થઈ. એ જાણવા છતાં કે અંગ્રેજ સરકાર પણ કંઈ નહીં સાંભળે, તો પણ મેં સરકારને પ્રતિજ્ઞા–પત્ર કેમ લખ્યો? કેમ અપીલો પર અપીલ, દયા-પ્રાર્થના કરી? આ પ્રકારના સવાલો ઊઠ્યા. સમજ પડી કે રાજનીતી હંમેશા શતરંજની રમત જેવી છે. શતરંજના ખેલાડીઓને બરાબર ખબર હોય છે કે જરૂર પડે ત્યારે કેવી રીતે પોતાના મોહરાઓને મરવા દેવા પડે છે.

બંગાળ ઓર્ડિનન્સના કેદીઓને છોડવા અથવા તેના ઉપર ખુલ્લી અદાલતમાં કેસ ચલાવવાનો પ્રસ્તાવ જ્યારે એસેમ્બલીમાં પ્રસ્તુત થયો ત્યારે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ‘સરકાર પાસે બધા સાક્ષીઓ છે.’ ખુલ્લી અદાલતમાં કેસ ચલાવવાથી સાક્ષીઓ પર મુશ્કેલી આવી શકે છે. આ બધા કેદીઓ ઓર્ડિનસમાં પ્રતિજ્ઞાપત્ર દાખલ કરે કે તેઓ ભવિષ્યમાં ક્રાંતિકારી આંદોલનથી કોઈ સંબંધ નહીં રાખે, તો સરકાર તેમને છોડવા માટે વિચાર કરી શકે છે. બંગાળમાં દક્ષિણેશ્વર તથા શોભા બજારમાં બોમ્બનો કેસ આ ઓર્ડિનસ પછી ચાલ્યો. જાસૂસી વિભાગના ડેપ્યુટી સુપ્રીટેન્ડેન્ટની હત્યા નો કેસ પણ ખુલ્લી અદાલતમાં થયો, અને હથિયારોનો કેસ પણ ખુલ્લી અદાલતમાં જ થયો, પરંતુ કોઈ પણ હત્યા કે દુર્ઘટનાની સૂચના પોલીસ ન દઈ શકી. કાકોરી ષડયંત્ર કેસ પૂરા દોઢ વર્ષ સુધી ખુલ્લી અદાલતમાં ચાલતો રહ્યો. સાબિતી માટે લગભગ ત્રણસો સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા. ઘણા બાતમીદારો ખુલ્લેઆમ ફરતા રહ્યા. પણ ક્યારેય કોઈ દુર્ઘટના કે કોઈ પણ ધમકી અપાવાની કોઈ સૂચના પોલીસે આપી ન હતી. સરકારની આ વાતોની પોલ ખોલવાની ગરજથી મેં લેખબંધ બંધેજ સરકારને આપ્યું. સરકારના કહેવાનુસાર જે પ્રકારે બંગાળ ઓર્ડિનેન્સ ના સંબંધમાં સરકારની પાસે પૂરા સાક્ષીઓ હતા અને સરકાર તેમાંથી ઘણાંને ભયંકર ષડયંત્રકારી સંસ્થાના સભ્ય તેમજ હત્યાઓ માટે જવાબદાર સમજતી હતી અને કહેતી હતી કે, આ પ્રકારે કાકોરી ષડયંત્રકારીઓ માટે લેખિત પ્રતિજ્ઞા કરવા પર કોઈએ કેમ ન વિચાર્યું? વાત એમ હતી કે જબરાને મારે પણ અને કોઈ રડવા પણ ન દે. મને તો બરાબર ખબર હતી કે સંયુક્ત પ્રાંતમાં જેટલા રાજનૈતિક ખટલાઓ ચાલે છે તેના નિર્ણયો જાસૂસી પોલિસની ઈચ્છા અનુસાર જ લેવામાં આવે છે. બરેલીના પોલીસ કોસ્ટેબલોની હત્યાના આરોપોમાં તદ્દન નિર્દોષ નવયુવકોને ફસાવાયા હતા. અને સી.આઈ.ડી. વાળાએ ડાયરી બતાવીને ચૂકાદો લખાવી દીધો. કાકોરી ષડયંત્રમાં પણ છેલ્લે એવું જ થયું. સરકારની બધીજ વાતો જાણવા છતાં પણ અમે તેમની લાંબી લાંબી પ્રકિયાની પોલ ખોલવા માટે જ કર્યા. કાકોરી ષડયંત્રના આરોપીઓની દયા પ્રાર્થના ન સ્વીકારવાનું સરકાર પાસે કોઈ ચોક્કસ કારણ ન હતું. સરકારે બંગાળ ઓર્ડિનેન્સ માટે જે કહ્યું હતું તે કાકોરીના લોકોએ કર્યું. મૃત્યુદંડને માફ કરવાથી દેશમાં કોઈ પ્રકારની શાંતિ ભંગ કે કોઈ પ્રકારના વિવાદ થવાની સંભાવના ન હતી કેમકે ત્યાં સુધી દેશના દેશના દરેક પ્રકારના હિંદુ – મુસ્લિમ એસેમ્બલીના સદસ્યોએ તેની તરફેણ કરી હતી.

ષડયંત્રકારીઓની આટલી બધી તરફેણ આની પહેલા ક્યારેય થઈ નહોતી. પણ સરકારતો પોતાનું રટણ કરતી હતી. તેમને તેમની તાકાત પર વિશ્વાસ છે. સર વિલિયમ મેરિસે પોતે શાહજહાંપુર તથા અલ્હાબાદના હિંદુ મુસ્લિમ તોફાનોના આરોપીઓના મૃત્યુદંડ રદ કર્યા છે, જેને અલ્હાબાદની કોર્ટે મૃત્યુદંડ આપવો જરૂરી સમજ્યો હતો અને તે લોકો પર ધોળેદહાડે હત્યા કરવાના બધાંજ સાક્ષીઓ અને સાબિતિઓ હતી. આ સજાઓ એવા સમયે માફ કરી હતી જ્યારે હિંદુ મુસ્લિમ ના તોફાનો વધતા જ હતા. જો કાકોરીઓના કેદીઓના મૃત્યુની સજા માફ કરી અને બીજી સજા દેવાથી બીજાનો ઉત્સાહ વધે તો શુ ધાર્મિક તોફાનોના સંબંધમાં આ ન થઈ શકે? પણ ત્યાં વાત કંઈક જુદી હતી, જે હવે ભારતવાસીઓના નરમ થી નરમ સંસ્થાના નેતાઓમાં પણ ભારે કમીશન નક્કી થવામાં, અને એમાં એક પણ ભારતીય ન ચૂંટાયો હોવાને લીધે પાર્લામેન્ટમાં ભારતના સચિવ લોર્ડ બર્કનહેડના અન્ય મજદૂર નેતાઓના ભાષણથી બરાબર સમજાય છે કે કેવી રીતે ભારતવર્ષને ગુલામીની સાંકળમાં જકડી રાખવા માટે રમતો રમાઈ રહી છે.

હું મરતી વખતે નિરાશ નથી કે અમારું બલિદાન વ્યર્થ ગયું. મને તો વિશ્વાસ છે કે અમારા લોકોના છુપાયેલા નિસાસાઓથી એ પરિણામ આવ્યું કે લોર્ડ બર્કનહેડના મનમાં પરમાત્માએ એવો વિચાર આપ્યો કે હિંદુસ્તાનમાં ચાલી રહેલા હિંદુ મુસ્લિમ ઝઘડાઓનો લાભ લઈને ભારતની સાંકળ વધારે મજબૂત કરી દો. ગયા હતા રોઝા છોડાવા, અને નમાઝ ગળે વળગી. ભારતના દરેક પ્રખ્યાત હિંદુ મુસ્લિમ રાજનૈતિક સંસ્થાના લગભગ બધા નેતાઓએ એક થઈને રોયલ કમીશ્નરની નિયુક્તી તેમજ તેના સદસ્યોનો ઘોર વિરોધ કર્યો. અને હવે કોંગ્રેસ (મદ્રાસ)માં બધા રાજનૈતિક દળોના નેતાઓ તથા હિંદુ મુસ્લિમ એક થવા જઈ રહ્યા છે. વાઈસરોયે જ્યારે અમારી કાકોરીના મૃત્યુદંડવાળાઓની દયા પ્રાર્થનાનો અસ્વીકાર કર્યો ત્યારે તે સમયે મેં શ્રી મોહનલાલને પત્ર લખ્યો હતો કે હિંદુસ્તાની નેતાઓને તથા હિંદુ મુસ્લિમોએ ભેગા થઈને આવતી કોઁગ્રેસ પર અમને યાદ કરવા જોઈએ. સરકારે અશફાકઉલ્લાને રામપ્રસાદનો જમણો હાથ જાહેર કરી દીધો. અશફાકઉલ્લા મુસ્લિમ થઈને પાક્કા આર્યસમાજી રામપ્રસાદના ક્રાંતિકારી દળમાં જો જમણો હાથ બની શકે, તો ભારતની સ્વતંત્રતા માટે હિંદુ મુસ્લિમ નાના નાના ફાયદાઓને નેવે મૂકીને એક ન થઈ શકે?

ભગવાને મારી પ્રાર્થના સાંભળી અને મારી ઈચ્છા પૂરી થતી દેખાય છે. મેં તો મારું કામ કરી લીધું. મેં મુસલમાનોમાંથી એક યુવાન ભારતવાસીઓને દેખાડ્યો જે બધી જ પરીક્ષામાં પાસ થયો હોય. હવે કોઈએ એ કહેવાનું સાહસ ન કરવું જોઈએ કે મુસલમાનો પર વિશ્વાસ ન કરવો જોઈએ. આ પહેલો અનુભવ હતો, જે સફળ થયો. હવે દેશના લોકોને કહેવું છે કે અમારી ફાંસી પર સહેજ પણ દુ:ખી થયા હોય, તો એ લોકોએ શીખ લેવી જોઈએ કે હિંદુ મુસ્લિમ અને બધા રાજનૈતિક દળોએ એક થઈને કોંગ્રેસને પોતાનો પ્રતિનિધી માનવો જોઈએ. જે કોંગ્રેસ નક્કી કરે તે માને અને અમલ કરે. એવું કરવાથી એ સમય દૂર નથી કે જ્યારે અંગ્રેજ સરકારે ભારતવાસીઓ પાસે માથું નમાવવું પડે, અને એવું થાય તો સ્વરાજ્ય કંઈ દૂર નથી. તેનાથી ભારતવાસીઓને પોતાનું કામ કરવાનો પૂરો અવસર મળી જશે. હિંદુ મુસ્લિમની એકતા એ જ અમારી યાદગાર અને અમારી છેલ્લી ઈચ્છા છે, પછી એ ગમે તેટલી મુશ્કેલીથી કેમ ન મળે. હું જે કહું છું તે જ શ્રી અશફાકઉલ્લા ખાં વારસીનો પણ મત છે. કારણકે અપીલના સમયમાં અમે બન્ને લખનઉમાં સામસામેની કોટડીઓમાં ઘણા દિવસ સુધી હતાં. અમારી ઘણી વાતો થઈ. ધરપકડ પછીથી અમારી સજા વધારવા સુધી શ્રી અશફાફઉલ્લા ખાંની બહુ ઈચ્છા હતી કે અમે એક વાર મળીએ જે ભગવાને પૂરી કરી.

શ્રી અશફાકઉલ્લા ખાં તો અંગ્રેજ સરકાર પાસે દયા પ્રાર્થના કરવા રાજી ન હતા. એમને અટલ વિશ્વાસ હતો કે ખુદાબંદ કરીમ સિવાય બીજા કોઈને પ્રાર્થના ન કરવી જોઈએ, પરંતુ મારા આગ્રહથી એમણે સરકાર પાસે દયા પ્રાર્થના કરી હતી. હું એમનો દોષી છું કેમકે મેં મારા પ્રેમ અને પવિત્ર અધિકારોનો ઉપયોગ કરીને શ્રી અશફાકઉલ્લા ખાંને તેમના દ્રઢ નિશ્ચયથી વિચલિત કર્યા. મેં એક પત્ર દ્રારા ભાઈબીજના દિવસે શ્રી અશફાકની માફી માંગી. ભગવાન જ જાણે કે મારો તે પત્ર તેમને મળ્યો કે નહીં. ભગવાનની ઇચ્છા હતી કે અમને ફાંસી થાય અને ભારતવાસીઓના ઘાયલ હ્રદય પર મીઠું પડે, દિલ પર આઘાત થાય, એ લોકો ગુસ્સે થાય અને તેમનું કામ જોઈને અમારો આત્મા ખુશ થાય. જ્યારે અમે નવું શરીર ધારણ કરીએ ત્યારે પણ એ શરીર દેશસેવા કરવા માટે તત્પર હોય, અને ત્યાં સુધી દેશની રાજનૈતિક સ્થિતી પણ સુધરી ગઈ હોય. સામાન્ય માણસો પણ સુરક્ષિત હોય, ગામડાના લોકો પણ પોતાનું કર્તવ્ય સમજવા લાગ્યા હોય.

પ્રિવી કાઉંસીલમાં અપીલ મોકલીને મેં જે નકામા પ્રયત્નો કર્યા એનું પણ એક વિશેષ અર્થ હતો. બધી અપીલોનો અર્થ એ હતો કે મૃત્યુદંડ બરબર નથી, કારણકે કોને ખબર કોની ગોળીથી માણસ મર્યો, અને જો ચોરી કરવાના અપરાધમાં ફાંસી થઈ છે તો ચીફ કોર્ટના ચુકાદા અનુસાર હું જ ચોરીનો જવાબદાર અને નેતા પણ હતો, અને રાજ્યનો નેતા પણ હું હતો, તો મને એકલાને જ ફાંસી થવી જોઈએ. બીજા ત્રણને ફાંસી ન આપવી જોઈએ. ફાંસી સિવાયની બધી સજા મંજૂર હતી. પણ એવુંં કેમ થયું? હું વિદેશી ન્યાયાલયની પરીક્ષા કરીને દેશવાસીઓને ઉદાહરણ બતાવતો હતો, કે કોઈ રાજનૈતિક ખટલો ચાલે તો કોઈ ભૂલીને પણ અંગ્રેજી ન્યાયાલય પર ભરોસો ન કરે. મોકો મળે તો જોરદાર રીતે પોતાની વાત મૂકે, અન્યથા મારી તો એ જ સલાહ છે કે ન તો કોઈ વાત મૂકો, ન તો સફાઈ આપો. કાકોરી ષડયંત્રથી બધા એક શીખ મેળવે, આ ખટલામાં બધા જ પ્રકારના ઉદાહરણ પ્રસ્તુત છે. પ્રિવી કાઉન્સીલમાં અપીલ કરવાનો બીજો અર્થ એ પણ હતો કે મારી ફાંસીની તારીખ થોડી દિવસ આગળ સુધી ખેંચી પરીક્ષા કરતો હતો કે નવયુવાનોમાં કેટલો દમ છે અને તેઓ દેશવાસીઓની કેટલી મદદ કરી શકે છે. તેમાં મને બહુ જ નિરાશા મળી. અંતે મેં નિર્ણય કર્યો કે હું જેલમાંથી ભાગી જઉં. પૈસા થઈ જાય તો આ ત્રણેની સજા સરકાર માફ કરવી પડશે અને નહિ કરે તો હું કરાવી લઈશ. મેં ઘણાં પ્રયત્નો કર્યા પણ મને બહારથી કંઈ મદદ ન મળી. ત્યારે મને ઘણો આઘાત લાગ્યો કે જે દેશમાં મેં આટલું મોટું ક્રાંતિકારી સંગઠન ઊભું કર્યું તે દેશમાં મને મારા જીવની રક્ષા માટે એક બંદૂક પણ ન મળી. એક નવયુવાન પણ મારી મદદે ન આવ્યો. અંતે હું ફાંસી મેળવી રહ્યો છું. મને ફાંસીએ ચડવાનો કોઈ શોખ નથી પણ હું એવું માનું છું કે ભગવાનની આ જ ઇચ્છા છે. પણ નવયુવાનોને મારું નમ્ર નિવેદન છે કે જ્યાં સુધી દેશમાં ભારતવાસીઓની મોટાભાગની સંખ્યા સુરક્ષિત ન થઈ જાય, જ્યાં સુધી તેમને કર્તવ્ય – અકર્તવ્યનું જ્ઞાન ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ ક્રાંતિકારી ષડયંત્રોમાં ભાગ ન લે. જો દેશની સેવા કરવા માંગતા હોવ તો ખુલ્લા આંદોલનમાં યથાશક્તિ કામ કરે, નહિંતર તેમનું બલિદાન ઉપયોગી નહિ થાય. બીજી રીતે એથી દેશની વધુ સેવા થઈ શકે છે જે વધુ ઉપયોગી સિદ્ધ થશે. પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો આવા આંદોલનમાં કરેલો પરિશ્રમ વ્યર્થ જાય છે. જેની ભલાઈ માટે કરો તે જ ખરાબ ખરાબ નામ આપે છે અને અંતે કઠણ મન કરી પ્રાણ ત્યજી દેવા પડે છે.

દેશવાશીઓને મારું અંતિમ નિવેદન છે કે જે કરો તે બધા ભેગા મળીને કરો, અને બધું દેશની ભલાઈ માટે કરો, એથી જ બધાનું શુભ થશે.

– રામપ્રસાદ ‘બિસ્મિલ’, અનુ. પ્રતિભા અધ્યારૂ
(‘અંંતિમ સમયકી બાતેં’ નો ગુજરાતી અનુવાદ)


આપનો પ્રતિભાવ આપો....

One thought on “અંતિમ સમયની વાતો.. – રામપ્રસાદ ‘બિસ્મિલ’, અનુ. પ્રતિભા અધ્યારૂ