મારો કેરીમાં “રસ” – ગોપાલ ખેતાણી 49


નાનો હતો ત્યારે મે મહિનાની રાહ ઉત્કટતાથી જોતો. પરીક્ષા પૂરી થાય એટલે મોજ. મારા પિતાજીને બુક – સ્ટેશનરીની દુકાન. એટલે વેકેશનમા કામ ઘણુ (જૂના ચોપડા ખરીદવાનું અને તેમનુ કાચુ બાઇન્ડીંગ કરવાનું)

વેકેશનમા નાણાકીય ખેંચ રહે એટલે બહાર ફરવા જવાનુ પોષાય નહી, પરંતુ મિત્રો જોડે રમવાનુ, ચિત્રો દોરવા, નજીક આવેલા બાલભવનની મુલાકાત લેવી, એવી પ્રવૃત્તિઓમાં સમય પસાર થતો.

પરંતુ સૌથી વધારે મજા એટલે કેરી માણવાની. પહેલા મિક્ષર અથવા ઈલેક્ટ્રિક હેન્ડ બ્લેન્ડર તો હતા નહી. મારા પિતાજી દુકાનેથી આવે ત્યારે કેરી લેતા આવે. એમાથી તે દિવસે ખવાય એવી કેરી શોધી મને આપે એટલે તુરંત એ કેરીઓને ધોઈ કાઢું.

પછી પિતાજીની પાસે બેસુ. એ કેરીને ઘોળીને રસ કાઢે. કેરીઓની છાલ અને ગોટલા ચૂસવા હું બેસી જઉં. ત્યાર બાદ બરફને થર્મોકોલના આઇસબોક્સમાંથી (ફ્રિજ ત્યારે ન હતું) કાઢી ધોકાથી ભાંગુ. ઝીણો ભૂક્કો કરી રસવાળા તપેલામાં નાખું. કપડામા થોડો ભૂક્કો ચોટ્યો હોય એનો આનંદ ઉઠાવુ. મમ્મી તપેલામાં થોડુ મલાઈવાળુ દૂધ ઉમેરે અને થોડી ખાંડ. ઝરણીથી રસને બરોબર હલાવવાનો અને રસ તૈયાર.

પિતાજી જમતા જમતા મને વઢે પણ ખરા કે બરફ વધારે નાખ્યો. પણા બંદાને ચાર વાટકા રસ પીવા જોઇએ તો પછી બરફ નાખવો જ પડે ને! થોડા મોટા થયા ત્યારે તો મિક્ષર, બ્લેન્ડર ને ફ્રિજ પણ આવી ગયેલુ. ત્યારે તો કેરી ઘોળીને નહી પણ છાલ ઉતારી, કટકા કરતા અને રસ બનાવતા. લોકલાગણી (એટલે કે મારી લાગણી)ને માન આપી થોડા કટકા અલગથી રાખી રસમાં અલગથી ઉમેરાતા.

રસની જોડે કેરીના કટકાનો અદભુત સ્વાદ.. અહાહા.. મોજ પડતી બાપુ. ત્રણ-ચાર વાટકા રસના, પેટમાં ગયા હોય પછી જે ઘેન ચડે.. બે કલાકની ઉંઘ તો પાક્કી જ.

કેરી પ્રત્યે એટલો મોહ કે ઉનાળામાં લગ્નસરા દરમ્યાન જમણવારમાં કેરીનો રસ હોય તો સારુ એવુ વિચારતો, હજુ આજની તારીખે પણ એવું જ વિચારું છું. શ્રીખંડ મને ભાવે, પણ કેરીના રસને પ્રાથમિકતા.

કૉલેજમાં ગયો તે પહેલા ત્રણ પ્રકારની કેરી વિશે જ માહિતી હતી. કેસર, હાફુસ અને અથાણાની કેરી. (રાજાપુરીને અથાણાની કેરી કહેતો)

એક મજાનો પ્રસંગ… મારા ખાસ મિત્રના ભાઈના લગ્ન, જાન વડોદરાથી રાજપીપળા જવાની હતી. લગ્ન ઉનાળામાં રાખ્યા હતા. અમે લગભગ ૮-૧૦ મિત્રો પહોચી ગયેલા. વરઘોડો ૧૧ વાગ્યે શરુ થયો અને લગભગ ૧ વગ્યે અમે વાડીએ પહોચ્યા. બપોરના ધોમ-ધખતા તાપમાં અમે મન મૂકીને નાચેલા એટલે થાકી ગયેલા. જમવાની ત્રેવડ હતી નહીં પણ જમણવાર શરુ થઈ ગયેલો.

અમે બધા ખુરશીઓને વર્તુળમા ગોઠવી બેઠા. પીરસણીયો છોકરો જે રસની ડોલ લઈને જઈ રહ્યો હતો એને બોલાવ્યો. ડોલ અમે રાખી અને બધાએ વાટકા ભરી ભરીને રસ જ પીધો, બાકી વાનગીઓ સામે કોઈએ જોયુ પણ નહી.

રિલાયન્સમા નોકરી કરી ત્યારે સદનસીબે રિફાઇનરીમાં આવેલ “હીરાબાગ” જોવાનો લ્હાવો મળેલ. અહીંયા લગભગ ૮૦- ૧૦૦ જાતની કેરીઓ આધુનીક પદ્ધતિથી ઉછેરવામાં આવે છે.

૬ વર્ષ રિલાયન્સમાં નોકરી કરી ત્યાં સુધી રિલાયન્સની કેસર અને હાફુસ કેરીઓ માણી છે.

मैने रिलायन्स का नमक भी खाया है और आम भी ।

ચેન્નઈ આવ્યો ત્યારે પ્રખ્યાત કસ્તુરી કેરી ચાખવા મળી. ફળ મોટુ અને સરસ હોય. ચેન્નઈથી નોયડા આવ્યો અને હાલ અહીં ઉત્તરપ્રદેશની પ્રખ્યાત દશહરી ચાખવા મળે છે.

દશહરી અત્યંત મીઠી, પણ સુગંધ ન મળે એટલે આપણા લોકોને ન પણ ભાવે. એ સિવાય ગોલા અને લંગડો પણ વિપુલ પ્રમાણમા જોવા મળે. મારા (અને મારી પત્નીના) કેસર કેરી પ્રત્યેના પ્રેમને લીધે અમને અહીં મોલમા કેસર કેરી મળી રહે છે. હાલ પણ ત્રણથી ચાર વાટકા તો રસ જોઈએ જ, તો જ દિલને એમ લાગે કે રસ પીધો. કેરી ખરીદવા જાઉં ત્યારે મને એવુ લાગે કે કેરી જાણે મને જોઈને ગાઈ રહી છે, “मेरा नाम केरी है, केरी तो सै टका तेरी है।”

અને તુરત જ મારી પત્ની મને અટકાવે કે બસ ૩ કિલો જેટલી થઈ ગઈ હશે. (અહીં પેટી મળતી નથી.) ૪-૫ દિવસ પછી ફરી આવીશું.

આમ ને આમ “આમ”ની મૌસમનો હું આનંદ ઉઠાવુ છું. “આમ”ની મૌસમ ગયા બાદ મને ભોજન “આમ” લાગે છે. એમાંથી મારો “રસ” ઉડી જાય છે અને ફરી હું મે મહિનાની રાહ જોવા લાગું છું.

– ગોપાલ ખેતાણી
હાલ નોયડા.


આપનો પ્રતિભાવ આપો....

49 thoughts on “મારો કેરીમાં “રસ” – ગોપાલ ખેતાણી