માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા


બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું.

આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું.

નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ

કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો,

ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.

પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી યાદ કરે છે અને તેમની વચ્ચે ચૈતસિક સેતુ રચાયેલો અનુભવાય છે તેમ કહ્યું.

ઘરે ઘરે વીર ગાંધી જગાવો, બારણે બારણે બુધ્ધ

તેમના વક્તવ્ય પછી લોકાભિરામં રણરંગધીરં…(ગઈકાલે મેં આ પ્રાર્થના પોસ્ટ કરી હતી)  શરૂઆતમાં ગવાઈ અને વાતાવરણ જાણે ભાવવિભોર થઈ ઉઠ્યું. ઘરે ટીવીમાં અને કથામંડપમાં બેસીને શ્રવણ કરવામાં જે ફરક પડે છે એ કદાચ અનુભવે જ સમજાય.

બાપુએ જ્યારે આંધી મેં ભી જલતી હી ગાંધી તેરી મશાલ…સાબરમતી કે સંત તૂને કર દીયા કમાલ ગાવાનું શરૂ કર્યું ત્યારે વાતાવરણ ખરેખર ગાંધીમય થઈ ગયું. તેમણે આઈન્સ્ટાઈન ના શબ્દો ટાંકતા કહ્યું કે આવતી પેઢી આવું નહીં માને કે આવો દૂબળો પાતળો માણસ આ ધરતી પર ચાલ્યો હતો. બાપુએ યુવાનોને કહ્યું કે તેમણે ગાંધી પાસેથી રાષ્ટ્રધર્મ અને વિશ્વધર્મની પ્રેરણા લેવી જોઈએ. તેમણે ગાંધીજીના ઘણાં ગુણો વર્ણવ્યા. એક પ્રસંગ જે ઉમાશંકર જોષીએ વર્ણવ્યો છે તે ટાંકતા મોરારીબાપુએ કહ્યું કે એકવાર એક અંતેવાસી ફુલચંદભાઈએ ગાંધીબાપુને પૂછ્યું કે મારે બે ચાર દિવસ જવું છે તો જઈ આવું? બાપુએ પૂછ્યું કે બે દિવસ કે ચાર દિવસ? શનિવાર કે રવિવાર? ફૂલચંદભાઈ કહે શનિવાર, તો ગાંધીજી કહે શનિવારે ક્યારે? ફુલચંદભાઈ કહે બાર વાગ્યે, તો ગાંધીજીએ કહ્યું કે હવે ત્રણ જ વિકલ્પ છે. એક કે ફુલચંદ શનિવારે બાર પહેલા અહીં હશે, નહીંતો તે બીમાર છે તેવો પત્ર હશે નહીંતો તેમના મૃત્યુની ખબર હશે.

અન્ય એક વાત જે કદાચ બીજા ત્રીજા ધોરણમાં વાંચી હતી તે બાપુએ યાદ કરાવી કે એક છોકરાએ બાપુને પૂછ્યું કે તમે પહેરણ કેમ નથી પહેરતા? મારી માં તમને પહેરણ બનાવી આપે? ગાંધીજી કહે, તારી માતા મને કેટલા પહેરણ આપશે? છોકરો કહે તમારે કેટલા જોઈએ? ગાંધીજી કહે જ્યા સુધી મારા દેશનો એક પણ માણસ પહેરણ વગરનો છે ત્યાં સુધી હું કેમ પહેરણ પહેરું?

તેમણે એ પ્રશ્નની પણ મજાક ઉડાવી કે ઘણા લોકો પૂછે છે કે ગાંધીજી મૃત્યુ વખતે હે રામ! બોલ્યા હતા કે નહીં? તેમણે કહ્યું કે ગાંધીજીના રામ અને તમારા રામ એક જ છે.

બાપુએ મોહને અવગણવા અને જાગૃત રહેવાથી શરૂઆત કરી. મોહની ખૂબ પાતળી ભેદરેખા સમજાવી.

મોરારીબાપુએ જીવનના ઘણા ક્ષેત્રોમાં મોહના લીધે ભેદરેખા પકડાતી નથી તે વાત કહી મોહથી બચવા કહ્યું. તેમણે આવી ઘણી બધી વાતો કહી જેમાં મોહના લીધે ભેદ ન પરખી શક્તા હોય.

જેમ કે સત્યાગ્રહ અને દુરાગ્રહ – સિંહણના મતે સિંહ શૂરવીર અને જંગલનો રાજા છે અને એ તેનું સત્ય છે જ્યારે હરણના મતે તે એક શિકારી અને નિષ્ઠુર છે અને એ પણ સત્ય છે. જીવનના બધા ક્ષેત્રોમાં બધાના સત્યોને માન આપવું. કોઈના સત્ય પર આપણી વાત મૂકવી એ દુરાગ્રહ. એક પરિવારમાં બાપ માં અને દીકરી બધાના સત્યો હોય છે. બધાએ બીજાના સત્યોને સમજી ચાલવું.

સાચો ત્યાગ અને દેખાડા વચ્ચે ભેદ સમજાવતા બાપુએ કહ્યું કે સાચો ત્યાગ ક્યારેય દેખાડવા માટે નથી હોતો. ધોળકા પાસેના એક ગામમાં કેટલાક નવનિયુક્ત શિક્ષકો બીજા ગામથી આવી રહ્યા હતાં. ચીપીને ઓળેલા વાળ, લાંબો લેંઘો ને ટૂંકો ઝભ્ભો આ હતા તેમના દેખાવ. ત્રણેય બસમાં બેઠા, બસ ચાલુ થઈ રહી હતી કે એક ગામડીયણ વૃધ્ધા તેના છ વર્ષના પૌત્ર સાથે બસમાં આવી. સીતેરેક વર્ષની ઉંમર હશે. બસમાં ક્યાંય જગ્યા નથી. એનો પૌત્ર નાનો, થોડાંક મેલા ઘેલા કપડાં અને થોડોક બીમાર જેવો લાગતો. તે વૃધ્ધાએ આ ત્રણ શિક્ષકોને વિનંતિ કરી કે મારા પૌત્રને બેસવા થોડીક જગ્યા આપો પણ તે ત્રણેય પોતાના સફેદ કપડા સંકોરતા બેઠા અને જગ્યા તો ન જ આપી. દાદી અને પૌત્ર ઉભા રહ્યા, બસ ધોળકા ઉભી રહી અને હવે અહીંથી ગામ જવા કોઈ વાહન ન મળે એટલામાં આ વૃધ્ધાનો પુત્ર ટ્રેક્ટર લઈને આવ્યો. શિક્ષકો વિચારવા લાગ્યા કે શું કરીશું. ડોશી કહે બેટા આ લોકોને પણ સાથે બેસાડી લો, ક્યાં સુધી આમ ઉભા રહેશે? મોરારીબાપુ કહે દેશ આવા ત્યાગ પર ટકી રહ્યો છે. શિક્ષકો ગૂંચવાયા તો ડોશી કહે જરાય મૂંઝાશો નહીં, એ તમારી ઓળખાણ હતી, આ મારી ઓળખાણ છે…..સાથે નિષ્કુલાનંદજીની એક સરસ પંક્તિ પણ ગાઈ કે

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી

ઉપર વેશ અચ્છો બન્યો, માંહે મોહ ભરપૂર જી

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના

પળમાં જોગી ને પળમાં ભોગી

પળમાં ગૃહીને ત્યાગી રે જી

નિષ્કુલાનંદ એ નરનું વન સમ જો વૈરાગ જી

ત્યાગ વિષે સમજાવતા ચીનની એક ઘટના પણ કહી કે એક ખેડૂતનું ડાંગરનું ખેતર ટેકરા પર આવેલું, પાક લણાઈને ઢગલાઓમાં આવી ગયો હતો, ખેડૂત ટેકરા પર ઉભો હતો કે દૂરથી ઉંચા મોજા ઉછળીને આવતા જોયાં જાણે સાક્ષાત દરીયો ઉછળીને આવતો હોય, નીચે રહેલા લોકોને બચાવવા શું કરવું તેની મૂંઝવણમાં ઉભો હતો, કારણકે નીચે તેની બૂમ કોઈ સાંભળી ન શકે એટલું અંતર હતું અને એ પરિસ્થિતિમાં તેણે પોતાના ડાંગરના પૂળામાં આગ લગાડી, બધો પાક સળગાવ્યો, અને એ બળતું જોઈ લોકો ખેતર બચાવવા દોડ્યા અને આખુંય ગામ આમ બચી ગયું, આને કહેવાય ત્યાગ.

આજ રીતે તેમણે કરકસર અને કજૂસાઈ વચ્ચે પણ પાતંળી ભેદરેખા સમજાવી. સાબરમતિને કિનારે બાપુનો આશ્રમ હતો તોય ગાંધીજી બે લોટા પાણી લઈ દાતણ કરતા કારણકે બાકીનું પાણી બધાંયનું છે અને ખપથી વધારે ન વપરાય તેવી તેમની માન્યતા હતી. આ કરકસર છે. પણ કંજૂસ તો પોતાના ઘરમાં આગ લાગી હોય તો ય ફાયબ્રિગેડને મિસકોલ કરે તેમ કહી બાપુએ કંજૂસાઈની વૃતિ વર્ણવી.

તત્પરતા અને ઉતાવળ વચ્ચે પણ અત્યંત પાતળી રેખા છે તેમ કહેતા સીતાને પંચવટીમાં છે તે તત્પરતા અને શૂર્પણખાને ઉતાવળ તેમ કહ્યું. ધીરજ અને આળસ પણ આમજ ખૂબ પાતંળી રેખાથી અલગ પડે છે તેમ કહેતા બાપુ બોલ્યા કે વાવીને પાક ઉગવાની રાહ જુએ તે ધીરજ પણ પાક વાવે જ નહીં તે આળસુ.

આ જ રીતે ક્ષમા અને નબળાઈ વચ્ચે પણ ખૂબ પાતળી મોહની રેખા છે તે સમજાવતા બાપુ બોલ્યા કે ક્ષમા વીરનું ભૂષણ છે જ્યારે નબળો તો એમ વિચારી જ ન શકે. ક્ષમા આપવી એ તો સંત માણસનું કામ છે, જેવાતેવાનું એ કામ નહીં એમ કહેતા બાપુએ ટાંક્યું

જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નાહી અમીર કરે

સ્વમાન અને અભિમાનનો સૂક્ષ્મ ભેદ પણ આમ સમજાવતા બાપુ બોલ્યા કે સ્વમાન સુરક્ષા માટે હોય અને અભિમાન બીજા પર આક્રમણ માટે જવાબદાર છે.

સુખને બાપુ સચ્ચિદાનંદ સ્વરૂપે વર્ણવે છે તેઓ કહે છે કે સત એટલે સવારનો સૂર્ય, ચિત એ બપોરનો સૂર્ય અને આનંદ એટલે સાંજનો સૂર્ય, જે બધાને સુખના સમયે પણ યાદ કરે તે ખરેખર સચ્ચિદાનંદ તેમ કહેતા તેમણે આ પંક્તિ કહી

બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે બધાંના વિચાર દે

આ પછી તેમણે શંકર અને પાર્વતીના લગ્ન વર્ણવ્યા અને જલ્સા પડી ગયા. તેમણે કહ્યું કે અમુક લોકો કહે છે કે તેમણે ભૂત જોયું, પણ ખરેખર કોઈએ ભૂત જોયું છે? તેમણે એ વાત પર પણ માર્મિક ટકોર કરી કે કોઈ કહે કે ભૂતો દિવસે ક્યાં જાય છે તો એમ કહે કે સરકારી ઓફિસોમાં, આમ ટેબલનીચેથી પૈસા લેનારાને તેમણે ભૂત ગણાવ્યા.

સતીનો સંદેહ, તેમની દક્ષયજ્ઞ જવાની જીદ, તેમનો અગ્નિપ્રવેશ, હિમાલયને ત્યાં જન્મ, શિવ પાર્વતીના લગ્નનો વરઘોડો, પાર્વતીની માતાનું બેભાન થવૂ, અને લગ્ન, તથા કાર્તિકેયના જન્મ સુધીની કથા ટૂંકાણમાં કહી.

અને અંતે સમય પૂરો થઈ રહ્યો હતો છતાંય રામધૂન છોડવા તૈયાર ન થયેલાને બાપુએ મગનો શીરો ખાવા માટે જ્યારે ભલામણ કરી ત્યારે બધાં ખુશ થઈ ગયા.

આજ કાલ જ્યારે આપણી યુવાન પેઢી આ બધી બાબતોથી વિમુખ થઈ રહી છે, મંદિર જવા વાળા જ્યારે વેદીયા ગણાય છે અને પૂજા કરવા વાળા ડાહ્યા, ત્યારે મને ત્યાં ઘણાં બધા યુવાનો હતા એટલે ખૂબ મજા પડી. આશા છે આપને પણ વાંચવાની મજા આવી હશે. હવે ફરીથી રવિવારે કથા શ્રવણ કરવા જઈશ અને તેની વાત પછી ક્યારેક…..

આ દિવસે લીધેલા કથાના ફોટોગ્રાફ્સ જુઓ અહીં…

Manas Navratri Third da

– A Jignesh Adhyaru Creation


આપનો પ્રતિભાવ આપો....

0 thoughts on “માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા