Daily Archives: October 4, 2008


માનસ નવરાત્રી અને મોહની પાતળી ભેદરેખા

બીજી ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. ઓફિસની રજા હોઈ પૂજ્ય શ્રી મોરારીબાપુની માનસ નવરાત્રી અંતર્ગત ચાલતી રામકથામાં પહોંચી ગયો. મારા મહુવાના ઘરથી માંડ બે કિલોમીટર પર આ કથા ચાલે છે. એક સ્નેહી વડીલે મને પાસ આપ્યો, તેથી સ્ટેજથી ખૂબ જ નજીક બેસવા મળ્યું પણ આ માટે એક કલાક વહેલા જવુ પડ્યું. આ કથામાં ઘણુંય એવું જોવા મળે જે તમને “લાઈવ કવરેજ” નહીં બતાવી શકે, કારણકે એ તેની મર્યાદા છે. આસપાસના ઘણાંય ગામડાઓથી જાણે કોઈ ઉત્સવ ઉજવવા આવતા હોય તેવી હોંશ અને તૈયારીથી અને પૂજ્ય બાપુએ પહેલા દિવસે કહ્યું હતું તેમ “બાપનું ગામ છે” એટલે આવવું જ જોઈએ તેમ માની ટ્રેક્ટર, ગાડાં, છકડાં કે જે મળ્યું તે સાધનમાં અહીં પહોંચનારા લોકોનો તોટો નથી. આબાલ વૃધ્ધ સૌ અહીં જોવા મળે. નાસ્તાના ડબ્બા, પાણીની બોટલો અને સંતરા ની ચીરના આકારવાળી ચોકલેટ ગોળીઓ સાથે નાના બાળકો અને હાથમાં માળા, આસન અને મનમાં શ્રધ્ધા લઈ આવેલા યુવાનો અને વૃધ્ધો…..ઉત્સાહ અને આનંદનો કોઈ તોટો નથી. જાણે હોંશ છલકાઈ રહી છે. અને આટલી બધી વસ્તી છતાંય ક્યાંય અવ્યવસ્થા નહીં. બધુંય જાણે ગોઠવાયેલું. નવ વાગીને દસ મિનિટે બાપુ આવ્યા. એક ભાઈએ તેમને વંદન કર્યા, ગાંધી જયંતિ ને અનુલક્ષીને અને અત્યારના સમયમાં ગાંધીની રાજકારણીઓ માટેની ઉપયોગીતા પર માર્મિક કટાક્ષો કર્યા. શેખાદમ આબુવાલાનો આ શેર તેમણે ટાંક્યો કેઃ કેવો તું કીમતી હતો, સસ્તો બની ગયો, બનવું હતું નહીં ને અમસ્તો બની ગયો, ગાંધી તને ખબર છે તારું થયું છે શું? ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો. પણ આ એક સત્તાલોલુપ વર્ગને બાદ કરતા સમગ્ર વિશ્વમાં એક એવો સમુદાય છે જે તેમના મૂલ્યો અને તેમના વિચારોને આદર આપે છે. તેમણે પૂજ્ય મોરારીબાપુ પણ ગાંધીજીને આદર અને ભાવથી […]