સાહિત્યપ્રકાર મુજબ સંગ્રહ... : જીવન અંંતરંગ


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૩) 4

અનુષાએ સીમાને કહ્યું “થોડા બિસ્કીટ લો ને..”

અનુષા-મંદારના ઘરે સાંજે બંને જણા ચા-નાસ્તો કરતાં હતાં. સીમાએ કહ્યું “અનુષાબેન, તમારી સગાઈના દિવસે હું બોલાવ્યા વિના આવી અને પછી જે તમને કહ્યું…”
અનુષાએ વાત અટકાવીને કહ્યું “એ તમારી નિલય પ્રત્યેની લાગણી હતી તે હું સમજી શકું છું. મારે નિલય સાથે જોડાવું નહોતું. એમાં ફક્ત એણે મારા ઉપર બળજબરી કરી તે નહોતું. અમારા વિચારોમાં પણ બહુ મેળ નહોતો. મંદાર ફરીવાર મળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું મન મંદાર સાથે જ જોડાયેલું હતું. મને આનંદ છે કે અંતે તમે મારી વાત સમજ્યાં અને લગ્નમાં હાજર રહ્યાં.”

હવે તો એ બધું એક સિનેમા જેવું લાગે છે! મને આનંદ છે કે નિલય અને આરાધના નિલ્યાના ઉપચાર માટે અમેરિકા ગયા છે.”


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૧-૧૨) 2

ફોનની રીંગ સાંભળી સરિતા બેન રિસીવર તરફ ગયાં. આજે એમણે ઘણા દિવસથી ગુમસુમ રહેતા વ્હાલસોયા પુત્ર નિલયની ભાવતી રસોઈ બનાવી હતી. ફોન ઉપાડી પોતાના લાક્ષણિક લહેકામાં હલ્લો બોલ્યાં. ફોન પર થયેલી વાતથી જાણે એમના પગ તળેથી જમીન ખસી ગઈ. અનુષાએ સગાઈ ફોક કરી હતી!

અનુષાએ વારંવાર વિચાર્યું હતું, એક તો નિલય દ્વારા થયેલ બળજબરી, ત્યારબાદ નિલય માટે એનો બદલાયેલો અભિગમ અને બીજું પોતાની સંપૂર્ણ સ્વસ્થ હોવાની તબીબી ખાતરી પછી એ કદાચ નિલયને પરણે તો ભવિષ્યમાં એની દયા ખાઈ પરણી હોય એવું લાગે. જે કદાચ નિલયને પણ ન ગમે. આવા માનસિક દ્વંદ્વ બાદ એણે નિર્ણય કર્યો. અસમંજસમા કેટલીય રાતો ગઈ અને ત્યાં અચાનક વાસંતી વાયરાની જેમ મંદારનું આગમન થયું. એને મનોમન રંજ હતો નિલયની પરિસ્થિતિ માટે, પણ એ માટે એ ખુદ જવાબદાર નહોતી.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૦) 1

“સીટ નંબર એક ક્યાં હશે?” ઓહ! આ અવાજ સાથે વીંટળાયેલી આ સુગંધને હું કેમ ભૂલી શકું ?

“હે ભગવાન મારી સાથે આ શું થવા માંડ્યુ છે?”

આ થોડા દિવસોમાં તો જાણે આખી પૃથ્વીનો આંટો મારી લીધો હોય એવા એવા બનાવો મારી જિંદગીમાં સ્થાન લઈ રહ્યા છે ! આ બધુ અત્યારે જ કેમ? અત્યાર સુધી ક્યાં હતો મંદાર અને ક્યાં હતો નિલય? ક્યાં હતા મને નકામી સાબિત કરનાર ડોકટર અને ક્યાં હતા મને નવું જીવન આપનાર ડોક્ટર?


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૯) 1

આરાધના કન્સલ્ટીંગ રૂમની બારી બહાર જોતાં જોતાં વિચારી રહી હતી. એણે નિલયનું ગુલાબ પગ નીચે કચડી નાખેલું, તોય પોતાનો રોષ છુપાવવા અસમર્થ રહી હતી. નિલયને શું ખબર કે આ પ્રેમ શબ્દ આરાધનાને કેટલો દઝાડે છે. નિલય એનો બાળપણનો દોસ્ત એટલે એણે હસતા મોઢે વાત વાળી લીધેલી. નિલય પોતાના ભગ્ન હ્રદયના કારણે આરાધનાથી ખૂબ નારાજ હતો. આરાધનાએ એને સમજાવવા ખૂબ પ્રયાસ કર્યાં પણ વ્યર્થ. આરાધનાને જ્યારે નિલય અને અનુષા વચ્ચેની તકરારની ખબર પડી ત્યારે એ અનુષાને મનાવવા પહોંચી ગયેલી. બધું યાદ કરતી એ પોતાના કન્સલ્ટીંગ રૂમની બારી પાસે ઊભી હતી. આરાધનાની નજર બારી બહાર ગઈ. બહાર વરસાદ હજી હમણાં જ અટક્યો હતો. એક યુવતી પોતાના એક્ટિવાને કીક મારી રહી હતી. એ જોઈ આરાધના પોતાના ભૂતકાળમાં સરી પડી.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૮) 2

ચા નો અધુરો કપ છોડીને ગયેલી અનુરાધાના અધૂરા કપ સામે જોઈ અનુષા વિચારતી રહી… ‘મારી જિંદગી આમ જ આ કપ જેમ અધૂરી રહેશે કે શું! શા માટે, શા માટે મારી સાથે જ આવું થયું, ડોક્ટરે પહેલા મને એબનોર્મલ કહી અને હવે નોર્મલ, જીવન શું આવું અસમંજસમાં જ જીવવાનું! મને મારી ખોડ ખબર હતી એટલે મેં નિલયને સ્વીકાર્યો. મારી ઉમરની કોઈપણ છોકરીને શમણાંમાં એક સુંદર રાજકુમાર જ હોય તો પણ મેં નિલય પર પસંદગીની મહોર મારી.. તો ય એનો મેલ ઈગો તો જો.. મેં એક વાક્ય શું કહ્યું મારી પર ચડી જ બેઠો… મારી ખોડ અને એમની દેખીતી ખોડ.. એ બંને છે તો શરીરમાં રહેલી એક કમી જ. પરંતુ હું જો કોઈને કહું જ નહિ તો મારી કમી ખબર પડત? એ તો ‘નબળો ધણી બૈરી પર શૂરો’ જેવું વર્તન કરી બેઠો. છોકરી એટલે શું સહન જ કરવાનું! માફી પણ જો એની મિત્ર અનુરાધા દ્વારા માંગી. મેં મેસેજના જવાબ ન આપ્યા તો પોતાનાથી મારી પાસે નહોતું અવાતું?’


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૭) 1

બીજા દિવસે સવારે અનુષા ઉઠી ત્યારે પણ એના હોઠમાં ગઈકાલવાળો મનગમતો ચચરાટ રહી ગયો હતો… અને એ યાદ આવતાં એકલામાં ય શરમથી શરબત-શરબત થઇ ગઇ. પણ જેવી પથારીમાંથી ઊભી થઈ ત્યારે.. ગ્રીષ્મ ઋતુમાં આવતા માવઠા આમ પણ ગભરાવી મૂકે એવા જ હોય છે ને એ એટલી ગભરાઈ ગઈ કે ન પૂછો વાત. પાંચ મિનીટ તો એને શું કરવું એ જ ખબર ન પડી.. ’હે ભગવાન… એવું તો કંઈ હતું નહિ ને… શું કરું? મમ્મીને વાત કરું? મમ્મી શું વિચારશે?’ મમ્મી સિવાય અનુષા બીજા કોની નજીક હતી? એની કોઈ ખાસ સહેલી પણ નહોતી. જે હતી એ કોમન ગ્રુપને લીધે એમનામાં ભળી ગઈ હતી… નીલિમા સાથે એને સારું બનતું પણ એની મિત્રતા પણ એક હદ સુધી હતી. એ ઔપચારીકતાથી આગળ નહોતી વધી. અને બેય ભાઈઓ અમન-મિહિરની એ લાડકી.. પણ આવી વાત એને થોડી કહેવાય? તકલીફ ઝાઝી નહોતી.પણ મમ્મીને કહેવું કેમ? આખરે મમ્મીને ડરતાં ડરતાં વાત કરી. મમ્મી એને રગરગથી ઓળખતી હતી. એની હાલત એમને બરાબર ખબર હતી. એમણે ‘ક્યારેક થાય એવું.’ કહી સધિયારો આપ્યો છતાં અનુષાનો અજંપો ઓછો ન કરી શક્યાં. અંતે કલાકેક પછી મમ્મીએ કહ્યું કે તારા મનનું સમાધાન થઇ જાય. ચાલ આપણે ડોક્ટરને બતાવી દઈએ. ડૉ.વિપુલ શહેરમાં નવા જ આવેલા ગાયનેકોલોજીસ્ટ હતા. અનેક ઈન્ટરનેશનલ જર્નલોમાં એમના અભ્યાસલેખ છપાયેલા. મીરાબેનની મોટી બહેનની સારવાર એમને ત્યાં કરાવેલી.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૬) 4

ટપ… ટપ… ટપ વરસી ગયેલા વરસાદના ફોરા એકધારા આસોપાલવની ડાળીએથી પાંદડે…પાંદડે લસરતા ધરતીમાં ગોપાઇ જતા હતા. ક્ષિતિજે વાદળોના રેશમાઈ પડદા પાછળથી કસુંબલ સંધ્યાનો પાલવ પકડી સુરજ મહારાજ ડોકીયું કરતા હતા. નીલયના મનમાં વિચારોનું ભયાનક દ્વંદ ચાલી રહ્યું હતું. કુદરતે વેરેલા અફાટ સૌંદર્ય પર તેનું ધ્યાન જ ક્યાં હતું! નહીંતર તો આમ બાલ્કનીમાં બેસીને ક્ષિતિજ સામે તાકી રહેવું એની આદત હતી. ફરી પાછું ગોરંભાયેલું આકાશ તૂટી પડ્યું. જાણે આજ ને આજ આકાશે વાદળોનો ભાર હળવો કરવો હશે, ને નિલયનો પણ.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૫) 3

આજે અનુષા એના ઘરે આવવાની હતી. નિલયને સખત ચીડ ચડી રહી હતી… એક તો આજે બેન્કમાં રજા હતી. ઘરેથી નીકળી જવાનું કોઈ બહાનું પણ નહોતું. સીમાએ ધકેલીને એને રૂમમાં તૈયાર થવા મોકલ્યો હતો. એ બડબડ કરતો કરતો વોર્ડરોબમાંથી એની ગમતી ટીશર્ટ-જીન્સની જોડી કાઢતો હતો… દોઢડાહી સીમાડી, શું જરૂર હતી અનુષાને ઘરે બોલાવવાની? શું વાત કરીશ એની સાથે? એ શું કરશે અહીં આવીને? હુહ… વેવલાઈ નહીંતર તો..”


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૪) 5

સગાઇ બાદ સરિતાબેન નિલયને સમજાવતા, “જો બેટા, દુનિયામાં ક્યારેય એકસરખી બે વ્યક્તિ ના મળે. ભગવાને દરેક વ્યક્તિમાં વિવિધતા મૂકી હોય. અનુષા ખરેખર બહુ જ ડાહી છોકરી છે. તું એને કોઈની સાથે સરખાવીને ના માપ. જેમ જેમ તું એની સાથે સમય ગાળીશને એમ એમ એ તને ગમવા લાગશે. અને તું એને વધારે સારી રીતે સમજી શકીશ. તું જોજેને… લોકો જોતા રહી જશે એવા ધામધૂમથી તારા લગ્ન કરીશું. તને ખબર નથી તારા માટે યોગ્ય છોકરી શોધવા મેં રાત-દિવસ એક કર્યા છે”….


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩) 7

અનુષાનો ચહેરો લેપટોપની સ્ક્રીન પર દેખાતા જ નિલયના મનમાં વણદેખ્યો ભાર વર્તાવા લાગ્યો. જાણે તે અનુષાથી ભાગવા માંગતો હોય તેમ તરત જ તેનો ફોટો સ્લાઇડ કરી નાંખ્યો. હવે તેની મમ્મીનો ફોટો દેખાયો. મમ્મીના ચહેરા પરની છલકાતી ખુશી જોઈ તેને પણ એક જાતનો સંતોષ થયો. ચાલો મમ્મીની ઇચ્છા તો પૂરી થઈ !

એ ભણેલો ગણેલો બેન્ક મેનેજર હતો. આવક પણ સારી હતી. જો પોલિયોની બીમારીને ન ગણકારો તો એ એક લાયક મુરતિયો હતો. ઉડીને આંખે વળગે એવી ખોડ એટલે તે કોઈને પસંદ કરે એના કરતાં તેને કોઈ પસંદ કરે તે વધારે મહત્વનું હતું. તેને વાંઢાનું લેબલ હટાવવું હોય તો કન્યાની પસંદગી કરવામાં કંઈક જતું કરવું પડે જ. નિલયના મમ્મી પપ્પાએ ઘણી શોધખોળ કર્યા પછી અનુષાની પસંદગી કરી. ભલે તે ગરીબ ઘરમાંથી આવતી હતી પણ તે ઘરરખ્ખુ હોય તેમ લાગતું હતું. મનમાં એક ઉચાટ હતો પણ અંતે દીકરાનું ઘર વસી જશે તેનો સંતોષ પણ હતો.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૨) 10

“એમને તો ઊભા થવા ઘોડી જોઇશે ને” એમ સંભળાયું અને હોલમાં સન્નાટો છવાઈ ગયો! સીમા અને સરિતાબેન આશંકિત નજરે નિલય સામે જોઈ રહ્યા. હમણાં નિલય ગુસ્સે થઈ જશે તો ! એ વિચારે બંને મા દીકરી ચિંતિત હતાં. અનુષાના પક્ષના જે લોકો નજદીક હતા એ બધાના ચહેરા પર પણ મુંઝવણ ફરી વળી હતી.

અનુષાની બહેન એ છોકરાને બહાર લઈ જઈ ફુગ્ગો અપાવી ‘આવું ન બોલાય હો બેટા’ એમ સમજાવતી હતી પણ એ બાળકના મનમાં કોઈને ઊભા થવા માટે ઘોડીની જરૂરત હોય છતાં આવું કેમ ન બોલાય એ સમજાતું નહોતું. એક મિનિટ જ વીતી હતી પરંતુ કેટલોય સમય વીતી  ગયો હોય એવું બધાને લાગ્યું હતું ત્યારે નિલય હસીને બોલેલો, “હું તો જામી પડેલો છુ. હવે ઊઠે એ બીજા.” નિલયને હસતો જોઈ હોલમાં પણ હાસ્ય ફરી વળ્યું. સરિતાબેન અને સીમાને હાશકારો થયો. આ બધાથી અજાણ વિવેકભાઈ મહેમાનો સાથે ગપ્પા ગોષ્ટીનો આનંદ લઈ રહ્યા હતા.


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧) 13

“હે ડિયર, ખૂબ ખૂબ અભિનંદન“ વોટ્સએપ મેસેજ કર્યા બાદ ડૉ. આરાધનાએ બે ટીક થઇ ત્યાં સુધી એકીટશે મેસેજ જોયા કર્યો, પછી મોબાઈલ ટેબલ પર મૂકી, બાજુમાં પડેલું કાર્ડ ઉઠાવી બે ચાર વાર ફેરવી ફેરવીને જોયું અને વિચારમાં મગ્ન થઈને એ કાર્ડથી પોતાના મોં પર હવા વીંઝવા લાગ્યા. ‘નિલયની સગાઈ થઇ ગઈ!’ આનંદની સાથે જ આશ્ચર્યની બેવડી લાગણી થઈ આવી.

મોબાઈલમાં મેસેજનો ટોન સાંભળીને નિલયે કમને મેસેજ ખોલ્યો. આંખો સામે ઝબૂકી રહેલા મેસેજે એને જાણે નવેસરથી નીચોવી નાખ્યો. એક ઝનૂન સાથે જવાબ આપ્યા વગર એણે મોબાઈલ પાછો મૂકી દીધો. નજર સામે સતત આવા અનેક મેસેજ તરવર્યા કરતા હતા.