જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૩) 4


સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો નિતિન ભટ્ટ લિખિત તેરમો અને અંંતિમ ભાગ

અનુષાએ સીમાને કહ્યું “થોડા બિસ્કીટ લો ને..”

અનુષા-મંદારના ઘરે સાંજે બંને જણા ચા-નાસ્તો કરતાં હતાં. સીમાએ કહ્યું “અનુષાબેન, તમારી સગાઈના દિવસે હું બોલાવ્યા વિના આવી અને પછી જે તમને કહ્યું…”
અનુષાએ વાત અટકાવીને કહ્યું “એ તમારી નિલય પ્રત્યેની લાગણી હતી તે હું સમજી શકું છું. મારે નિલય સાથે જોડાવું નહોતું. એમાં ફક્ત એણે મારા ઉપર બળજબરી કરી તે નહોતું. અમારા વિચારોમાં પણ બહુ મેળ નહોતો. મંદાર ફરીવાર મળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારું મન મંદાર સાથે જ જોડાયેલું હતું. મને આનંદ છે કે અંતે તમે મારી વાત સમજ્યાં અને લગ્નમાં હાજર રહ્યાં.”

હવે તો એ બધું એક સિનેમા જેવું લાગે છે! મને આનંદ છે કે નિલય અને આરાધના નિલ્યાના ઉપચાર માટે અમેરિકા ગયા છે.”

* *

અમેરિકાથી આવનાર ફ્લાઈટ સમયસર હતી અને સરિતાબેન, વિવેકભાઈ અને સીમા નિલય-અનુરાધાની રાહ જોઇને ઉભા હતા.
અનુરાધાએ મુંબઈમાં નિલયના પગની સઘન તપાસ કરાવેલી અને ત્યારબાદ ઇન્ટરનેટ અને ઈ-મેઈલ દ્વારા અમેરિકાની જાણીતી હોસ્પિટલમાં ઉપચાર અને સારવારની વ્યવસ્થા કરેલી. આજે છ મહીને એ બંને પાછા આવતા હતા.

“મોમ, જો આરાધનાદીદી દેખાય!” સીમાએ આનંદથી કિકિયારી પાડતાં કહ્યું. એની પાછળ આવતા નિલયને જોઇને બધા સ્તબ્ધ થઇ ગયા! નિલય કોઇપણ સહારા વિના ચાલતો હતો!
સરિતાબેન નિલયને ગળે વળગાડી રડી પડ્યા! પછી આરાધનાને બાથમાં લઈને કહ્યું, “દીકરી, તારો ખુબ આભાર. તારે કારણે મારો નિલય ચાલતો થયો!”
વિવેકભાઈએ બંનેને હાર પહેરાવ્યા. નિલય અને આરાધના એક સાથે બોલ્યા. “તમને ત્રણેયને એક વાત કહેવાની છે.” આટલું કહી એ બંનેએ પોતાના હાર એકબીજાને પહેરાવી દીધા!”
સીમા ફરીવાર આનંદથી કિકિયારી પાડીને બોલી “અરે વાહ! મારા ભાઈ અને અનુરાધાભાભી!”

નિલય-અનુરાધાના લગ્નની રાતે ત્રણ જગ્યાએ વાતો ચાલતી હતી. નિલયે કહ્યું, “અનુરાધા, મેં તારું અપમાન કર્યું તેનું મને હજુ દુઃખ છે. હું શારીરિક રીતે વિકલાંગ હતો ત્યારે મારો કોઈ અધિકાર નહોતો કે હું તને મારી જીવનસાથી તરીકે ઈચ્છું.”

અનુરાધાએ નિલયના વાળમાં હાથ ફેરવતા કહ્યું, “નિલય, મારે તને ધીરજથી સમજાવવાનો હતો. મેં ગુસ્સો કર્યો એટલા પુરતી હું પણ માનસિક રીતે વિકલાંગ નીકળીને?”

* *

મંદાર અનુષાને કહેતો હતો, “અનુષા, મારું મન જાણે છે કે તું મારાથી દુર થઇ પછીના દિવસો મેં કેવા વિતાવ્યા છે. તારી કહેવાતી શારીરિક નબળાઈને કારણે મમ્મીએ તને અપમાનિત કરીને કાઢી મૂકી ત્યારે જ મેં મમ્મીને કહ્યું હતું કે હું અનુ સિવાય કોઈને નહીં પરણું”

અનુષાએ કહ્યું “મંદાર, મને સમજાય છે કે મમ્મી તારું સારું ઈચ્છતાં હતાં. હું એ પણ સમજી છું કે નબળાઈ માત્ર શારીરિક નથી હોતી. મમ્મી પણ માનસિક નબળાઈનો શિકાર હતા.”

* *

સરિતાબેન વિવેકભાઈને કહેતા હતા, “આ નિલયનું ઠેકાણે પડ્યું એટલે હું તો ગંગા નાહી! મને તો એટલી ફિકર થતી હતી ને! હવે આ સીમાનું કાંઈક થઇ જાય એટલે બસ.”

વિવેકભાઈએ કહ્યું, “નિલયનું જીવન બની ગયું એમાં મને પણ આનંદ છે, પરંતુ હવે એક વાત કહું? તે એને વધુ પડતા લાડ કરીને તેની બધી વાત માનીને એનું નુકશાન જ કર્યું. આને કારણે જ એ પરાજય સહન ન કરી શક્યો અને આપઘાત કરવા સુધી પહોંચી ગયો. હવે તેના સંસારની બાબતમાં તેને સાવ છૂટો મૂકી દેજે, નહીં તો તે ફરી દુ:ખી થશે..”

વિવેક્ભાઈ તો આટલું કહીને સુઈ ગયા પણ સરિતાબેન વિચારે ચડી ગયા. ઘણું વિચાર્યાં બાદ એમને વિવેકભાઈની વાત સાચી લાગી. વિકલાંગ વ્યક્તિનું જે સૌથી વધુ ધ્યાન રાખતું હોય એ પણ માનસિક રીતે હઠીલું, વિકલાંગ વ્યક્તિની જરૂર કરતા વધુ દરકાર કરતું થઇ જાય છે. આમ પોતે પણ માનસિક રીતે વિકલાંગ છે એમ સરિતાબેનને સમજાયું.

સમજણ પ્રેરિત હ્રદયથી સરિતાબેનને શાંતિની ઊંઘ આવી ને બીજા દિવસનો નવો સુરજ નવી રોશની લઈને ઉગ્યો..


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૩)