જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૧-૧૨) 2


સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો પલ્લવ અંજારીયા લિખિત અગિયારમો અને બારમો ભાગ.

ફોનની રીંગ સાંભળી સરિતા બેન રિસીવર તરફ ગયાં. આજે એમણે ઘણા દિવસથી ગુમસુમ રહેતા વ્હાલસોયા પુત્ર નિલયની ભાવતી રસોઈ બનાવી હતી. ફોન ઉપાડી પોતાના લાક્ષણિક લહેકામાં હલ્લો બોલ્યાં. ફોન પર થયેલી વાતથી જાણે એમના પગ તળેથી જમીન ખસી ગઈ. અનુષાએ સગાઈ ફોક કરી હતી!

અનુષાએ વારંવાર વિચાર્યું હતું, એક તો નિલય દ્વારા થયેલ બળજબરી, ત્યારબાદ નિલય માટે એનો બદલાયેલો અભિગમ અને બીજું પોતાની સંપૂર્ણ સ્વસ્થ હોવાની તબીબી ખાતરી પછી એ કદાચ નિલયને પરણે તો ભવિષ્યમાં એની દયા ખાઈ પરણી હોય એવું લાગે. જે કદાચ નિલયને પણ ન ગમે. આવા માનસિક દ્વંદ્વ બાદ એણે નિર્ણય કર્યો. અસમંજસમા કેટલીય રાતો ગઈ અને ત્યાં અચાનક વાસંતી વાયરાની જેમ મંદારનું આગમન થયું. એને મનોમન રંજ હતો નિલયની પરિસ્થિતિ માટે, પણ એ માટે એ ખુદ જવાબદાર નહોતી.

સરિતાબેન સખત અવઢવમાં હતાં. ‘નિલયને ખબર પડ્યા બાદ એ ગુસ્સામાં અવશ્ય કંઈ કરી બેસશે. એને કેમ સમજાવીશ?’ આમ એ મુંઝાતાં હતાં તે સીમાએ દૂરથી જોયું અને પુછ્યું “મમ્મી શું થયુ?”. સરિતાબેને એને આખી વાત જણાવી, જે સાંભળી એ પણ હલબલી ગઈ. અનુષા આમ કરે એ એને માન્યામાં આવતું નહોતું. એને આંશિક ખ્યાલ આવી ગયો કે આમાં ભાઈનો જ વાંક હતો, છતાં એણે અનુષાને સમજાવવાનું બીડું ઝડપ્યુ.

નિલયે સરિતાબેનની આ વાત એના રૂમના એક્ષટેન્શન પર સાંભળી લીધી હતી.

*

રાતના સાડા આઠ થયા નિલય હજી રૂમમાં શું કરે છે એ તપાસવા વિવેકભાઈએ એના રૂમમાં ડોકિયુ કર્યુ, પણ રૂમમાં કોઈ નહોતું. વિવેકભાઈને ફાળ પડી. એ ઘરનો ખૂણેખૂણો ફરી વળ્યા પણ નિલય ક્યાંય દેખાયો નહી. એમણે નિલય જઈ શકે એ શક્યતાઓ વાળી જગ્યાઓએ ફોન ઘુમાવ્યા પણ વ્યર્થ.

અંતે આરાધનાને ફોન લગાવી માંડીને વાત કરી. નિલયની રગેરગથી એ વાકેફ હતી કેમકે પહેલાં ડો.દ્રુપદ અને પછી એણે ખૂદ નિલયની ટ્રીટમેન્ટ કરી હતી. એણે પણ અનુષાના સગપણ ફોક કરવાની વાત પર અફસોસ વ્યક્ત કર્યો.

એણે વિવેકભાઈને કહ્યું કે, “સમય ગુમાવ્યા વગર પોલીસ પાસે જાઓ. કેમકે નિલય સુસાઈડલ ટેન્ડ્ન્સી ધરાવતો હતો.” વિવેકભાઈ રિક્ષા પકડી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા.

**

અનુષાના ઘરમાં આખી ઘટના અલગ એંગલથી જોવાઈ રહી હતી. કાલ સુધી અનુષા માટે દરેક રીતે કોમ્પ્રોમાઈસ કરવા તૈયાર કુટુંબીઓ એના મેડીકલ રીપોર્ટથી સવિશેષ આનંદમાં હતાં અને નિલય સાથે અનુષાની વાત આગળ ન વધે તેવું ઈચ્છવા લાગેલા. માનવ સહજ સ્વભાવ છે જે જરૂરીયાત વખતે નિલય દેવતા લાગેલો એજ આજે અકારણ અણગમો જગાડતો હતો. એવામાં અનુષાની મમ્મીને અનુષા સાથે બનેલી ઘટનાની ખબર પડી અને બસ એમણે એજ ઘડીએ સરિતાબેનને ફોન કરી સગપણ ફોક કરી નાખ્યાં. “એની હિંમ્મત કેમ થઈ અનુષા પર બળજબરી કરે?” હજી બીજી કોઈ વાત આગળ આવે તે પહેલાં અનુષાએ પોતાની ઈચ્છા રજુ કરી. મંદારનુ નામ પડતાં થોડા મિક્ષ પ્રત્યાઘાત આવ્યા. અનુષાએ આખી વાત સમજાવી ત્યારે બધાં કુટુંબીજનોએ એક સાદે મંદાર પર મંજુરીની મહોર લગાવી દીધી. પરીવારજનો આમ પણ જાણતાં હતાં કે મંદારની જે વાત અનુષા છળ સમજી હતી એ અસ્સલમાં એની માતાના હઠાગ્રહ અને બ્લેકમેલનું પરિણામ હતું.

મંદાર અને અનુષાના વેવિશાળની તારીખ નક્કી કરવામા આવી. તે દિવસે સવારે સરિતાબેન સાથે ફોન પર આ વાર્તાલાપ થયેલો. મંદાર પોતાની ગાડીમાં અનુષાના ઘર તરફ જવા નીકળ્યો હતો……

**

નિલય ઘરમાંથી નીકળ્યો ત્યારે એના મગજમાં હજારો જ્વાળામૂખી એક સાથે ફાટ્યાં હતાં. મારું યા મરુંની પરિસ્થિતિ હતી. નાનપણથી કાયમ અવહેલના સહી સહી એનું માનસ આળું થઈ ગયું હતું. કદાચ સમાજ, સંજોગ અને હતાશા માણસને ન છૂટકે ખોટા માર્ગ પર દોરે છે. બાળપણમાં મિત્રો ન મળ્યા અને મળી તો અનુરાધા…જેને મેળવવા
ગયો તો ફરી નસીબમા ઠોકર મળી. મન મનાવી મનને સમજાવી માંડ અનુષા તરફ વાળ્યું ત્યાં….. ઘરમાં એને કાયમ જીતવા દેવામા આવતો. એનું મન રાખવા સરિતાબેન, સીમા બધા એની સામે રમતમાં હારતા, જેથી એનો આત્મવિશ્વાસ વધે. પણ આ ટેવે એને હાર કેમ પચાવવી એ આવડતથી વંચિત રાખ્યો. આજ એને એ નડી રહ્યું હતું. એણે મનમાં ગાંઠ વાળી કે એ અનુષાને નહી છોડે. કદાચ જીવતી છોડશે તો પણ એને બરબાદ કરીને. એના મન પર વેર લેવાનુ ભૂત સવાર થયું. આવા ઈરાદા સાથે એણે એક ખતરનાક સ્યુસાઈડ નોટ લખી. ગાડી એક તરફ પાર્ક કરી. જાતે વ્હિલચેર કાઢી અને એના પર બેઠો. સ્યુસાઈડ નોટ અનુષાનું જીવન વેરણ છેરણ કરી નાખવા સક્ષમ હતી. એણે ઘડીયાળમાં સમય જોયો, અગસ્તક્રાંતિ એક્ષપ્રેસનો સમય થવા આવ્યો હતો. એણે રેલવે ક્રોસીંગ તરફ વ્હિલચેર દોડાવવા માંડી.

મંદાર અનુષાના ઘરે જવા નીકળ્યો પણ પહેલાં એને સારામાં સારી એન્ગેજમેન્ટ રીંગ ખરીદવી હતી, માટે સોની બજાર જવું પડે એમ હતું. મંદારે વિચાર્યું લાંબે રસ્તે જવાને બદલે રેલવે ફાટક વાળો શોર્ટકટ સારો છે. જતી વખત એ ફાવી ગયો અને ફાટક સડસડાટ વટાવી ગયો. મોતીચંદભાઈ પાસેથી એણે ખાસ્સા સીલેક્શન બાદ એક ડાયમંડ રીંગ ખરીદી. રોઝ શેપની ડબ્બીમાં પેક કરી અને ‘મહેંદી લગા કે રખના’ ગણગણતો એ ફરી એજ ફાટક વાળા રસ્તે ઊપડ્યો. પગમાં જાણે પાંખો ફૂટી’તી, વરસો જુનું સ્વપ્ન આજ સાકાર થવા જઈ રહ્યું હતું. ઘડીયાળમાં સમય જોયો તો હજી પોણો કલાક બાકી હતો. રસ્તો તો માત્ર વીસ મીનીટનો હતો પણ જો ફાટક નડે તો બીજી વીસ મીનીટ બગડે. તેમ છતાં એણે એજ રસ્તો પસંદ કર્યો. મંદારની નજર ફાટક તરફ ગઈ, સીગ્નલ પડી ગયું હતું અને ફાટક પણ ડાઊન થઈ રહ્યું હતું. શોર્ટકટનો રસ્તો ઉબડખાબડ હોવાથી લોકો જનરલી આ રસ્તો અવોઈડ કરતા. એટલે રસ્તો સૂમસામ હતો. ત્યાં અચાનક મંદારની નજર પડી, કોઇ વ્યક્તિ વ્હિલચેર દોડાવતું રેલવેના પાટા તરફ ધપી રહ્યું હતું. મંદાર ગાડી ઊભી રાખીને કુદકો મારી બહાર નીકળ્યો અને એણે વ્હિલચેર ભણી દોટ મૂકી… ફડફડાટ ફૂંકાતો પવન એને દોડવામાં બાધા ઊભી કરી રહ્યો હતો. મંદાર વ્હિલચેરથી સોએક ફૂટ દૂર હતો અને વ્હિલચેર પાટાથી સાઠેક ફૂટ દૂર હતી… દૂર ક્ષિતિજ પર ટ્રેનનું હોર્ન સંભળાયું. મંદાર શરીરમાં હતું એટલું જોમ ભેગું કરી દોડ્યો. રેલવેના પાટા વ્હિલચેરની ખૂબ નજીક હતા. હવે ટ્રેન નાના ટપકાં જેવી દેખાવા પણ લાગી હતી. અગસ્તક્રાંતિ ટ્રેન વાયુવેગે આવી રહી હતી. મંદાર વ્હિલચેરથી હાથવેંત દૂર હતો અને ટ્રેન પલકવાર જેટલી દૂર, મંદારે શરીર નમાવ્યું ત્યારે માંડ વ્હિલચેરનું હૅંડલ એના હાથમાં આવ્યું. મંદારે એક હાથે જોરથી વ્હિલચેર અવળી હડસેલી પણ એક મોટા અવાજ ધડાઆ..આ…આ….મ સાથે વ્હિલચેર ફંગોળાઈ હવામાં.

*

મંદારની સમય સૂચકતાથી નિલયનો જીવ બચી ગયો. પણ વ્હિલચેરનું પગું ટ્રેનના કોઈ ભાગમાં અથડાયું જેથી વ્હિલચેર અને નિલય હવામાં ફંગોળાયા. નિલયનું માથું એક થાંભલા સાથે ટીચાયું અને દડદડ લોહી વહેવા લાગ્યું. મંદારેય ફંગોળાયો, પણ નસીબજોગે એને ઓછું વાગ્યું હતું. ખભામાં પીડા ઊપડતી હતી પણ એની પરવા કર્યાં વગર એણે બેહોશ નિલયને ગાડીમાં નાખ્યો અને હોસ્પીટલ હંકારી ગયો. નિલયને ઈમરજન્સી વોર્ડ્મા દાખલ કરી એના ખિસ્સામાંથી મળેલાં મોબાઈલના લાસ્ટ કોલ્સમાંથી ‘હોમ નંબર’ કાઢ્યો અને લગાવ્યો. સામા છેડે કોઈ ઘેરા વિષાદપુર્ણ અવાજમાં બોલ્યું, ‘હલ્લો’… મંદારે આખો ચિતાર આપતાં એ વ્યક્તિ તાત્કાલિક હોસ્પીટલ આવવા નીકળી. એ હતા વિવેકભાઈ, હોસ્પિટલ પહોચતાં જ તેઓ મંદારને મળ્યા અને મંદારે એમને વિગતવાર વર્ણન કરી ગાડીની ચાવી અને મોબાઈલ સોંપ્યાં. મુંઝાયેલા વિવેકભાઈ એનો આભાર માનવાનું પણ ચુકી ગયા. મંદારને ખભામાં અસહ્ય દુ:ખાવો હતો એટલે એણે ઓર્થોપેડીક સર્જનના દવાખાને ગાડી લીધી. ડૉક્ટરે પાટો પહેરાવી શોલ્ડર મૂવ ન કરવા સલાહ આપી.

**

આ તરહ અનુષાના ઘરે બધા ચિંતામાં હતા. ત્રણ કલાક થયા પણ મંદાર ન ખુદ આવ્યો ન ફોન ઊપાડ્યો. બધાં જાતજાતની કલ્પનાઓ કરવા લાગ્યા. અનુષાના તો હાથ-પગ ઢીલા થઈ ગયા. ધીમેધીમે ચિંતામાં ગુસ્સો ભળતો જતો હતો. “કેવો બેજવાબદાર માણસ છે…એક ફોન કરવાની પણ તસ્દી નથી લેવી સાહેબને! અત્યારે આવું છે તો આગળ કોણ જાણે શું-શું કરશે.”
“અનુ મેસેજનો જવાબ આવ્યો? નહિંતર હજી એકાદ વાર ફોન લગાવ એને… આ કાંઈ રીત છે?” આવી વાતો ચાલતી હતી ત્યાં બહાર ગાડી ઊભી રહી અને આખું ઘર દરવાજે એકઠું થઈ ગયું. મંદાર મહા પ્રયત્ને ગાડીમાંથી બહાર નીકળ્યો. એને જોઈ બધાં છોભીલા પડી ગયાં અને પુછવા લાગ્યાં, શું થયું કેમ થયું? મંદારે આખી ઘટના વર્ણવી પણ એ વ્હિલચેરનું કહેતા ભૂલી ગયો. કોઈને ખ્યાલ ના આવ્યો કે અકસ્માતમાં ઘાયલ થનાર કોણ હતું! અનુષાના પરિવારજનોને હતું તે કરતાં પણ વધારે માન મંદાર માટે જાગ્યું. વેવિશાળની વિધી શરુ થઈ અને બંને જણાએ રીંગ એક્ષ્ચેન્જ કરી.

**

સરિતાબેન હોસ્પિટલ પહોચ્યાં ત્યાં સુધી નિલય બેભાન હતો. ચારેક કલાકે એણે આંખો ખોલી. “નિલ્યા, આ તેં શું કર્યું? આવું પગલું ભરાતું હશે? તને મારોય વિચાર ન આવ્યો? અરે અનુષા જેવી બીજી સો છોકરીઓ હાજર કરી દઈશ મારા દિકરા માટે.” એ કલ્પાંત કરી રહ્યાં. નિલય નીચું જોઈ સાંભળી રહ્યો. “મમ્મી, વારંવાર મારી સાથે જ આવું કેમ થાય છે? શું હુ એટલો?….” હજી પુરું બોલે એ પહેલાં સરિતાબેન બોલ્યાં “હોતું હશે? મારો દીકરો તો કલૈયાકુંવર જેવો છે…અરે એના કમનસીબ માન, જેને તું ન મળ્યો. બાકી મારો નિલ્યો તો કરોડોમાં એક છે.”

વિવેકભાઈ એની લાઈફમાં પ્રથમ વખત બોલ્યા, “નિલય, તને આ ઊંમરે જરા પણ વિચાર ના આવ્યો કે તારાં આ મા-બાપનું શું થશે? આ બુઢો બાપ ન દેખાયો ના સહી પણ આ મા પણ ન દેખાઈ?”

નિલય માંડ માંડ બોલી શક્યો..”મ્..મમ્મ્ને માફ કરી દ્યો….હું ફરી આવું ક્યારેય નહી કરું”

*

મંદાર અને અનુષાએ એક બીજાને રીંગ પહેરાવી ત્યારે દરવાજામાં એક અણચિંતવેલ વ્યક્તિ પ્રવેશી. અનુષાના મુખેથી સહજ ઉદગાર નીકળ્યા “સીમાબેન?”


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૧૧-૧૨)