Daily Archives: September 3, 2017


જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૭) 1

બીજા દિવસે સવારે અનુષા ઉઠી ત્યારે પણ એના હોઠમાં ગઈકાલવાળો મનગમતો ચચરાટ રહી ગયો હતો… અને એ યાદ આવતાં એકલામાં ય શરમથી શરબત-શરબત થઇ ગઇ. પણ જેવી પથારીમાંથી ઊભી થઈ ત્યારે.. ગ્રીષ્મ ઋતુમાં આવતા માવઠા આમ પણ ગભરાવી મૂકે એવા જ હોય છે ને એ એટલી ગભરાઈ ગઈ કે ન પૂછો વાત. પાંચ મિનીટ તો એને શું કરવું એ જ ખબર ન પડી.. ’હે ભગવાન… એવું તો કંઈ હતું નહિ ને… શું કરું? મમ્મીને વાત કરું? મમ્મી શું વિચારશે?’ મમ્મી સિવાય અનુષા બીજા કોની નજીક હતી? એની કોઈ ખાસ સહેલી પણ નહોતી. જે હતી એ કોમન ગ્રુપને લીધે એમનામાં ભળી ગઈ હતી… નીલિમા સાથે એને સારું બનતું પણ એની મિત્રતા પણ એક હદ સુધી હતી. એ ઔપચારીકતાથી આગળ નહોતી વધી. અને બેય ભાઈઓ અમન-મિહિરની એ લાડકી.. પણ આવી વાત એને થોડી કહેવાય? તકલીફ ઝાઝી નહોતી.પણ મમ્મીને કહેવું કેમ? આખરે મમ્મીને ડરતાં ડરતાં વાત કરી. મમ્મી એને રગરગથી ઓળખતી હતી. એની હાલત એમને બરાબર ખબર હતી. એમણે ‘ક્યારેક થાય એવું.’ કહી સધિયારો આપ્યો છતાં અનુષાનો અજંપો ઓછો ન કરી શક્યાં. અંતે કલાકેક પછી મમ્મીએ કહ્યું કે તારા મનનું સમાધાન થઇ જાય. ચાલ આપણે ડોક્ટરને બતાવી દઈએ. ડૉ.વિપુલ શહેરમાં નવા જ આવેલા ગાયનેકોલોજીસ્ટ હતા. અનેક ઈન્ટરનેશનલ જર્નલોમાં એમના અભ્યાસલેખ છપાયેલા. મીરાબેનની મોટી બહેનની સારવાર એમને ત્યાં કરાવેલી.