જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૭) 1


સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો ડૉ. ફિરદૌસ દેખૈયાએ લખેલો સાતમો ભાગ..

બીજા દિવસે સવારે અનુષા ઉઠી ત્યારે પણ એના હોઠમાં ગઈકાલવાળો મનગમતો ચચરાટ રહી ગયો હતો… અને એ યાદ આવતાં એકલામાં ય શરમથી શરબત-શરબત થઇ ગઇ. પણ જેવી પથારીમાંથી ઊભી થઈ ત્યારે.. ગ્રીષ્મ ઋતુમાં આવતા માવઠા આમ પણ ગભરાવી મૂકે એવા જ હોય છે ને એ એટલી ગભરાઈ ગઈ કે ન પૂછો વાત. પાંચ મિનીટ તો એને શું કરવું એ જ ખબર ન પડી.. ’હે ભગવાન… એવું તો કંઈ હતું નહિ ને… શું કરું? મમ્મીને વાત કરું? મમ્મી શું વિચારશે?’ મમ્મી સિવાય અનુષા બીજા કોની નજીક હતી? એની કોઈ ખાસ સહેલી પણ નહોતી. જે હતી એ કોમન ગ્રુપને લીધે એમનામાં ભળી ગઈ હતી… નીલિમા સાથે એને સારું બનતું પણ એની મિત્રતા પણ એક હદ સુધી હતી. એ ઔપચારીકતાથી આગળ નહોતી વધી. અને બેય ભાઈઓ અમન-મિહિરની એ લાડકી.. પણ આવી વાત એને થોડી કહેવાય? તકલીફ ઝાઝી નહોતી.પણ મમ્મીને કહેવું કેમ? આખરે મમ્મીને ડરતાં ડરતાં વાત કરી. મમ્મી એને રગરગથી ઓળખતી હતી. એની હાલત એમને બરાબર ખબર હતી. એમણે ‘ક્યારેક થાય એવું.’ કહી સધિયારો આપ્યો છતાં અનુષાનો અજંપો ઓછો ન કરી શક્યાં. અંતે કલાકેક પછી મમ્મીએ કહ્યું કે તારા મનનું સમાધાન થઇ જાય. ચાલ આપણે ડોક્ટરને બતાવી દઈએ. ડૉ.વિપુલ શહેરમાં નવા જ આવેલા ગાયનેકોલોજીસ્ટ હતા. અનેક ઈન્ટરનેશનલ જર્નલોમાં એમના અભ્યાસલેખ છપાયેલા. મીરાબેનની મોટી બહેનની સારવાર એમને ત્યાં કરાવેલી.

એક કુશળ કલીનીકલ એક્સપર્ટ એવાં ડૉ. વિપુલને ત્યાં જતાં મીરાબેન અને ખાસ તો અનુષાને સંકોચ તો થયો પણ પ્રથમ અભિવાદનમાં જ ડૉ. વિપુલે એમને હળવાં કરી દીધાં.. સૌપ્રથમ તો એમણે દવા લખી દીધી.. અને એ ક્યારે કેમ લેવી એ સમજાવતા હતા ત્યારે મીરાબેને અનુષાને બાળપણમાં થયેલી ઈજાનો ઉલ્લેખ કર્યો.. એ સાંભળી ડૉક્ટર ચમક્યા.. પ્રિસ્ક્રીપ્શન બાજુ પર મૂકી એમણે કહ્યું કે તપાસ કરી લઈએ તો સારું. તપાસ અને સોનોગ્રાફી બાદ હાથ લૂછતાં એ મંદ હસ્યા… “કયા ગધેડાએ કહ્યું કે અનુષા નોર્મલ નથી? આ ધડાકાથી દિગ્મૂઢ થયેલા મીરાબેન કશું બોલી ન શક્યા… માફ કરશો.. હળવાશથી કહું છું. જુઓ.. આ ૨૫ વર્ષ પહેલાંની ઘટના છે. ઈજાને લીધે સ્કાર ટીશ્યુ એક ક્રૃત્રિમ પડદો બનાવી નાખે. હું કોઈ ડૉક્ટરની ટીકા કરવામાં માનતો નથી ત્યારે એ સાચા જ હશે.. પણ વચ્ચે ક્યારેય કોઈ ડૉક્ટર પાસે તપાસ કરાવી હોત તો ય આ લાંબી માનસિક યાતનામાંથી તમો છૂટી જાત. એક સાવ નાની પ્રોસિજર છે.. બસ. અને હા.. અત્યારની તકલીફ ચિંતાનો વિષય નથી. બસ આ કોર્સ કરી લો..”

આ સાંભળીને રિલેક્સ થવાને બદલે મીરાબેનને ચક્કર આવી ગયા… આટલાં વર્ષો… એવું લાગ્યું કે વર્ષો પહેલાંથી જે રસ્તે ગયા એનો છેડો આવ્યો અને ખબર પડી કે બીજો જ ખાંચો પકડવાનો હતો.. મીરાબેનની અસમંજસમાં વધારો થયો. આટલા વર્ષો જે માનસિક અને સામાજિક યાતના ભોગવી એ પાછી તો વળે એમ નહોતી. અને અનુષા નિલય સુધી આ જ સંજોગોને કારણે પહોંચી હતી. એક સમાધાનપૂર્ણ કરારની જેમ, પૈસાદાર ન હોવાથી કોઈ સ્ટાન્ડર્ડ કમ્પની કરતાં સસ્તી જેની ગેરંટી-વોરંટી ન હોય એવી વસ્તુ ખરીદે એવું જ આ સંબંધમાં થયું હતું… હવે થયું હતું એવું કે એને લોટરી લાગી હતી આ નિલય નામની. હવે શું કરવું? અપંગ હોય તોય હજીયે ચાલે પણ આ તો એ ય ખબર નથી કે…

અનુષા મક્કમ જ હતી… નિલયના પ્રેમ ઉપર એને ભરોસો હતો. પણ મમ્મીના ઈમોશનલ પ્રહારોને કેટલા ખાળે? કુટુંબની વ્યવસ્થામાં સ્ત્રીની નિયતી બીજી અંગત સ્ત્રીઓ જ નક્કી કરતી હોય છે. મીરાબેનની અંદર કુદરતી રીતે રહેલી મનોવૈજ્ઞાનિક સ્ત્રીએ અનુષાને ખબર જ ન પડવા દીધી કે હવે નિલયનું પત્તું કાપવાનું છે… અને એવી ઘટનાઓ બને જ છે. પ્રેમમાં તો ખાસ.. અને આ બન્નેના સંજોગો તો પહેલેથી વિશિષ્ઠ હતા.

“નિલય, એક વાત પૂછું?” અનુષાએ કહ્યું.

“હા અનુ,”

“આ ડૉ. આરાધના સરસ દેખાય છે નહિ?”

નિલય ચમક્યો… “હશે વળી.. કેમ ?”

“તને dear dear અને baby કહીને મેસેજ કરે છે ને!”

નિલયને ફાળ પડી.. ”અરે અનુ, નાનપણથી એ મારી ફ્રેન્ડ છે અને ડોક્ટર પણ.. પણ અનુ, તે મારા વ્હોટ્સએપ મેસેજ વાંચ્યા?”

“તે વાંચ્યા, તો શું તકલીફ છે તને… અને હવે તો વાંચીશ જ.. અને એની સાથે મેરેજ કરવા હોય તો કરી લે.. હું ખસી જઈશ તમારા બેયની વચ્ચેથી… પહેલાંથી ખબર હોત તો હું હા જ ન પાડત અને મારું શું છે.. હું ક્યાં એટલી સુંદર છું… અને એમાં ય અધૂરી સ્ત્રી.. નહિ?“ ગુસ્સામાં નિલયે ફોનનો ઘા કર્યો… બોલવું તો ઘણું હતું પણ અનુષાના ચહેરા પર દેખાતી રેખાઓ જોઇને એને એવું ન લાગ્યું કે અનુષા સમજશે. એના ચહેરા પર લોહી ધસી આવ્યું… અને આંખોમાં પાણી.

“આઈ લવ યુ અનુ…”

“રહેવા દે ખોટા નાટક.. તને ખબર છે હું લગ્ન જ નહોતી કરવા માગતી… મમ્મીએ બહુ કોશિશ કરી.. પણ જે કોઈ જગ્યાએ વાત ચાલે ત્યાં મારી ખામીની ખબર પડે ત્યારે ગલ્લા તલ્લા ચાલુ થઇ જાય.. પુરુષ જાત જ એવી.. સ્ત્રીનું શું ફક્ત શરીર હોય છે? એનું મન, એનું વ્યક્તિત્વ,એનું સ્ત્રીત્વ.. આ બધું નથી હોતું?” અનુષા ચોધાર રડતી હતી… નિલયનો ગુસ્સો એમ નો એમ જ હતો.. આ વાત વચ્ચે ન લાવ સમજી? ખોડ તો ભગવાને મને પણ આપી છે.અને તું એમ ન માનીશ કે મને કંઈ મળ્યું નહિ એટલે તારી સાથે નક્કી કર્યું… હું સારી મેનેજરીયલ પોસ્ટ પર છું.. હું ધારું તો હજીય મળે.. નિલયનો ઈગો ચોક્કસ જગ્યાએ ઘવાયો હતો…

“રહેવા દે.. તું નહિ સમજે.. અને ખોટા ફાંકા ન માર.. અને તારાથી આમેય કંઈ થાય એમ નથી.” નિલયની માથે વીજળી પડી.. એની મુઠ્ઠીઓ ભીડાઈ ગઈ અને શરીર તંગ થઇ ગયું… મગજમાં ખુન્નસ સાથે એણે જોરથી ઘાંટો પાડ્યો.. “અનુ.. શું બોલી તું..? શું બોલી? હં? પોલીયોગ્રસ્ત પગ હતા પણ એટલે જ એના બાહુ મજબુત હતા. બેય હાથોથી શરીરને ઝટકો આપીને એ અનુષાની નજીક સરક્યો…

“મારાથી કાંઈ થાય એમ નથી ને? જોવું છે તારે કે મારાથી શું થઇ શકે છે? જોવું છે? “ આટલું કહીને નિલયે બેય હાથોથી અનુષાના હાથ એટલી જોરથી પકડ્યા કે અનુષા હેબતાઈ ગઈ.. પકડ એટલી મજબુત હતી કે અનુષાને સણકો ઉપડ્યો. એ કાંઈ વિચારે એ પહેલા નિલયે એને જોરથી ધક્કો મારીને પલંગ પર પછાડી. અનુષાને પહેલીવાર એને નિલયની બીક લાગી પણ એ કાંઈ કરે કે બોલે એ પહેલાં નિલય કાખઘોડીના સહારે ઉભો થયો. એનો શ્વાસ ભારે ચાલતો હતો અને ચહેરા પર ગુસ્સો હતો. કાખઘોડી દુર ફગાવી નિલયે પોતાની જાતને પલંગ પર ફંગોળી અને “હું નમાલો છું એમ ને? હવે તું જો..” કહેતા નિલયે મજબુત ભીંસમાં લઇ લીધી. નિલયના હાથ અનુષાના આવરણો દુર કરતા રહ્યા. એનો ગરમ શ્વાસ અનુષાની ગરદન અને પીઠ પર ફરી રહ્યો. અનુષા ભયથી અવાચક થઇ ગઈ હતી. નિલયના મજબૂત હાથ એને ભીસતા હતા. તે દર્દમાં જયારે બીજું, ક્યારેય ન અનુભવેલું દર્દ ઉમેરાયું ત્યારે અનુષા ચીસ પાડી ઉઠી. “ઓહ નો નિલય, નહીં તું આ શું કરે છે? પ્લીઝ .. ઓહ નહિ… ના નિલય.. મને દુખે છે.” નિલયે પશુની જેમ જોરથી હુંકાર કર્યો. એના પર શેતાન સવાર હતો.. એના હાથ અનુષાના અંગોને મસળતા રહ્યા. એના ક્રોધભર્યા હુંકાર સંભળાતા રહ્યા. થોડા વખત પછી નિલયના ક્રોધમાંથી જન્મેલ એની વાસનાનું વિષ જયારે ઠલવાઈ ગયું ત્યારે પોતાની જાતને અનુષાથી અલગ કરીને એ અચાનક રડવા લાગ્યો અને પલંગ પાસેની દીવાલ તરફ સરકીને ત્યાં મુઠ્ઠીઓ પછાડવા લાગ્યો… અનુષા હેબતાઈ ગયેલી હતી.. પલંગમાં મોઢું છુપાવીને એ રડતી રહી. થોડીવાર પછી નિલયે પલંગ પરથી હાથ લંબાવીને કાખઘોડી લીધી અને એના સહારે બાથરૂમ તરફ ગયો. તેના ચહેરા પર હવે ક્ષોભ છવાયેલો હતો. બાથરૂમમાં ચહેરા પણ પાણીની છાલક મારતા એણે વિચાર્યું કે તે અનુષાની માફી માગશે. નિલયે બહાર આવીને જોયું તો અનુષા રૂમ અને ઘરમાંથી નીકળી ગઈ હતી..

“કેમ અનુષાબેન આજે એકલા?” ડૉ. વિપુલ ચેરમાં બેસતાં જ બોલ્યા. ”સર, મમ્મી પપ્પા અને ભાઈઓ વડોદરા ગયાં છે. કઝીનના મેરેજ છે. હું એકલી છું. પણ ઓચિંતાની તકલીફ થઇ ગઈ એટલે આવવું પડ્યું.” અનુષાના હાલ જોઇને ડૉ. વિપુલને લાગ્યું કે દાળમાં કાળું તો છે… પણ એ રીઢા થઇ ગયા હતા…” આજે સાયકલ ચલાવતી હતી.. તો સીટનો બોલ્ટ ઢીલો હોવાથી તૂટી ગઈ અને વાગ્યું.“ ડોક્ટર તરત સમજી ગયા કે શું બન્યું હશે.. આવા જુઠાણા એમની માટે નવી વાત ન હતી પણ એમણે કળાવા ન દીધું.. બાજુમાં રહેલા નર્સિંગ સ્ટાફને પણ આંખના ઇશારાથી ચૂપ રહેવાનું કહ્યું. તપાસ કરીને એમણે એક નવી વાત કહી.. “જુઓ અનુષાબેન.. ક્યારેક કુદરત જે હાથથી લે છે એ હાથથી જ પાછું આપે છે. ઈજા તો છે પણ એનાથી જે પહેલાંની જે સ્કાર ટીસ્યુ હતી એ તૂટી ગઈ છે એટલે જે પ્રોસીજરની આપણે વાત કરતા હતા એ તો કુદરતે જ કરી આપી.. મને પૈસાનો લોસ ગયો..”

“હે હે હે? એટલે?”

”એટલે એમ કે હવે તમે એકદમ નોર્મલ છો. આઈ થિંક કે તમે જો કંઈ મેટ્રિમોનીયલનું વિચારતા હો તો આગળ વધો.. આગળ જતા પણ ચાઈલ્ડ બેરીંગમાં લગભગ તો કંઈ પ્રોબ્લેમ આવે એવું નથી લાગતું..” ડો. વિપુલે ચોખવટ કરી.

ઘરે આવીને અનુષા ચોધાર રડી.. નિલયે જે વર્તન કર્યું હતું એ બિલકુલ એની ધારણા બહારનું હતું.. એને એનાથી નફરત થઇ આવી.. બહાર વરસાદમાં મધુમાલતી પલળતી રહી.. પણ અનુષાને એની ગંધ આજે અસર કરતી નહોતી. નિલયે ઠાલવેલી વાસનાની બદબૂ હજુ પીછો છોડતી નહોતી. એ ક્યારે સુઈ ગઈ હતી એની એને ખબર નહોતી રહી. એ જાગી ત્યારે સવારના ૪ વાગ્યા હતા.. ફક્ત એમ જ એણે ફોન હાથમાં લઇ ડેટા ઓન કર્યો… અને ઓચિંતાનો એકસામટા મેસેજથી થોડી વાર ફોન હેંગ થઇ ગયો.. બધાં મેસેજ નિલયના હતા..

“i am sorry. please forgive me” લગભગ પાંચસો વાર લખેલું… ઝટ દઈને એણે પાછો ડેટા ઓફ કરી દીધો.. આ બાજુ વિવેકભાઈ અને સરીતાબેન નિલયના વર્તનથી ચિંતિત હતા.. જમતો પણ નહિ અને સૂતો પણ નહિ… સરીતાબેનને લાગ્યું કે કંઈક તો બન્યું છે. પણ પૂછવાની એની હિમત નહોતી ચાલતી એટલે હંમેશની જેમ એમણે આરાધનાને ફોન કર્યો… અને આરાધના ઘરે આવી. નિલય આરાધનાથી કોઈ વાત વધુ સમય છુપાવી નહોતો શકતો… વાત જાણીને આરાધનાએ કહ્યું , “તારા જેવો બુડથલ મેં ક્યારેય જોયો નથી.. તેં શું કર્યું એ તને ખબર છે?”

“ડોક્ટર, ગુસ્સામાં ભૂલ થઇ ગઈ.. પણ એણે એવાં શબ્દો કહ્યા કે મારો અહં ઘવાયો.. અને તને તો ખબર જ છે કે મારા ગુસ્સા પર મારો કાબુ રહેતો નથી. હું હવે અનુષાને કેવી રીતે મોઢું બતાવું… એ મને માફ પણ કેમ કરે.. ભૂલ થઇ ગઈ યાર.. બહુ મોટી ભૂલ.“

“પાગલ, એટલું સારું છે કે તને તારી ભૂલનો અહેસાસ તો છે. ચાલ હવે હું કંઈક કરું છું.” અનુષાને કલ્પના પણ ન હતી કે આરાધના ઓચિંતાની જ જાણ વગર આવી ટપકશે.. અને કશી જ ઔપચારિકતા વગર એણે પ્રસ્તાવના પણ બાંધી દીધી, “અનુષા, હું આરાધના.. નિલય મારા પપ્પાનો અને મારો પેશન્ટ છે. તારી સાથે વાત થઇ શકે? સોરી બહુ જરૂરી લાગ્યું એટલે મેં પ્રાયર ઇન્ટીમેશન વગર જ આવવાનું યોગ્ય સમજ્યું.”

અનુષાએ કહ્યું “સોરી મારે કોઈ વાત નથી કરવી.” આરાધનાને ક્ષોભ ન હતો.. “વિલ યુ ગીવ મી અ ચાન્સ ટુ સ્પીક પ્લીઝ? હું એક બીઝી ડોક્ટર છું.. મને સમયનું મૂલ્ય ખબર છે. વાત ઈમ્પોર્ટન્ટ ન હોય તો હું શું કામ સમય બગાડું?”

અનુષાએ કમને કહ્યું “બોલો.”

“જો અનુષા.. નિલયે મને બધી વાત કરી છે. તમારી વચ્ચે શું બન્યું એ બધું મને એકને જ ખબર છે. અને મને અફસોસ છે કે એમાં હું નિમિત બની… પણ આઈ ટેલ યુ.. એ મારો પેશન્ટ તો ખરો જ, પણ નાનપણથી સારો મિત્ર પણ છે. અને એના નાનપણના શારીરિક ખોડને લઈને થયેલા ડીપ્રેશનમાં હું એક જ એની નજીક હતી… એટલે એ મારા વિશે શું વિચારે છે એ પણ મને ખબર છે. પણ એ મારો પેશન્ટ છે. સો ડોન્ટ મિસઅન્ડરસ્ટેન્ડ.”

“પણ આરાધનાબેન, આ બધાં મેસેજ ને એ બધું…”

“જો અનુષા.. નિલય અત્યારે આટલો સ્વસ્થ છે એની પાછળ મેં અને મારા પપ્પાએ બહુ મહેનત કરી છે. અને આ બધાં સંબોધનો એ સાયકોથેરાપીનો ભાગ જ છે.”

“પણ એણે મારી સાથે કેવું કર્યું ખબર છે ને તમને! હી રેપડ મી… તમને ખબર છે મારા ઉપર શું વીતી છે એ?” અનુષા ઉદ્વેગ સાથે બોલી.

“અનુષા તું એવું કેમ નથી વિચારતી કે તે એના પુરુષાતન પર કમેન્ટ કરી અને એણે આવું કર્યું.. એ બહુ જ ઈમ્પ્લ્સીવ છે. ઝનૂની છે. આ દુખદ વાતનું એક સારું પરિણામ પણ છે. તને એવું નથી લાગતું કે ફિઝીકલી હી ઈઝ ટોટલી નોર્મલ!” આરાધનાએ સમજાવ્યું. આ સાંભળીને અનુષાના અંતરમનમાં ચમકારો થયો… એના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું.. એની આંગળીઓના દાંતથી ખોતરેલા નખમાં ય એ બીજા આંગળાના નખ ઘુસેડવા લાગી…

“લિસન… હી લવ્ઝ યુ… એને ખૂબ પસ્તાવો થાય છે.. તું એને માફ કરી દે તો સારું… પ્લીઝ .. બાકી તો શું .. ઘણા લોકો આવા સ્ટેજમાંથી પસાર થાય છે. બટ આઈ ટેલ યુ… જો તું એને માફ નહિ કરે તો એ ક્યારેય નોર્મલ નહિ બની શકે.. એનામાં ખૂબ જ નેગેટીવીટી આવી જશે.. તને એ જરા પણ સારો માણસ લાગ્યો હોય તો ગીવ હિમ અ ચાન્સ.”

ચાનો અધુરો કપ છોડીને જતી આરાધનાની પીઠને અનુષા અનિમેષ ભાવે છેક સુધી તાકતી રહી…

– ડૉ. ફિરદૌસ દેખૈયા


આપનો પ્રતિભાવ આપો....

One thought on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૭)