મહર્ષિ યાજ્ઞવલ્કય – શ્રદ્ધા ભટ્ટ 6


યજુર્વેદની બે શાખાઓ પૈકી એકના રચયિતા, વૈશંપાયનના શિષ્ય મહર્ષિ યાજ્ઞવલ્કય અને યજુર્વેદની બે સંહિતાની ઉત્પત્તિ વિષે…

ગુરુઆજ્ઞા માથે ચડાવી સઘળી શિક્ષાનો ત્યાગ કરનાર મહર્ષિ યાજ્ઞવલ્કય વિશે થોડી વાતો.

વેદ મુખ્યત્વે એક જ છે. મહર્ષિ વેદવ્યાસે વેદોનું વર્ગીકરણ કરીને એને ચાર ભાગમાં વિભાજીત કર્યા છે. વ્યાસજીએ પોતાના ચાર શિષ્યોને એક એક વેદની શિક્ષા આપી. ઋગ્વેદ પૈલને, યજુર્વેદ વૈશંપાયનને, સામવેદ જૈમિનીને અને અથર્વવેદ સુમંતને. આ રીતે જોતા મહર્ષિ વૈશંપાયન યજુર્વેદની પરંપરાના પ્રધાન આચાર્ય છે.

ચાર વેદમાંનો એક એવો યજુર્વેદ યજ્ઞવિધિના મંત્રોનો સંગ્રહ છે. વૈદિક ક્રિયાકાંડ માટે યજુર્વેદ પ્રધાન અને અનિવાર્ય ગ્રંથ છે. યજ્ઞના ચાર પ્રકારના ઋત્વિજો છે – હોતા,અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા. આ ચારેયમાં વિધિ પૂર્વક યજ્ઞનું સંચાલન કરવાનું કાર્ય અધ્વર્યુ કરે છે. યજુર્વેદના વિશેષજ્ઞ ઋત્વિજને અધ્વર્યુ કહે છે. અધ્વર એટલે યજ્ઞ. યજ્ઞનો સંચાલક તે અધ્વર્યુ. એટલે જ યજુર્વેદનું બીજું નામ છે आध्वर्य: वेद:

યજુર્વેદની બે સંહિતાઓ છે – શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. આદિત્ય પરંપરાથી પ્રાપ્ત મંત્ર સમુદાયને શુક્લ યજુર્વેદ અને બ્રહ્મ પરંપરાથી પ્રાપ્ત મંત્ર સમુદાયને કૃષ્ણ યજુર્વેદ કહે છે. આ બે શાખાઓ શા માટે – એની કથા કૈક આવી છે.

મહર્ષિ વેદવ્યાસે યજુર્વેદની શિક્ષા પોતાના શિષ્ય વૈશંપાયનને આપી. એમની પાસેથી યજુર્વેદની શિક્ષા ગ્રહણ કરી યાજ્ઞવલ્કય નામના શિષ્યએ. એક દિવસ કોઈ કારણસર યાજ્ઞવલ્કય પર ગુસ્સે થઈને ગુરુ વૈશંપાયને તેમને પોતાની પાસેથી પ્રાપ્ત કરેલી યજુર્વેદવિદ્યાનો ત્યાગ કરવાની આજ્ઞા આપી. ગુરુ આજ્ઞા પ્રમાણે યાજ્ઞવલ્કયજીએ યજુર્વેદવિદ્યાને મૂર્ત સ્વરૂપ આપીને તનો ત્યાગ કર્યો. યાજ્ઞવલ્કય દ્વારા ત્યાગ કરાયેલા યજુર્વેદીય મંત્રોનું વૈશંપાયનના શિષ્યો તેતર બનીને ભક્ષણ કરી ગયા. આ સંહિતા એટલે કૃષ્ણ યજુર્વેદ.

વેદના જ્ઞાન વિનાના યાજ્ઞવલ્કયે કઠોર ઉપાસના દ્વારા ભગવાન આદિત્યને પ્રસન્ન કર્યા. સવિતાનારાયણ પાસેથી નવા યજુમંત્રોની શિક્ષા લઈને યાજ્ઞવલ્કય દ્વારા જે સંહિતાની રચના થઈ તેને શુક્લ યજુર્વેદ કહે છે.

શુક્લ યજુર્વેદની ઉત્પત્તિ અને એના સ્વરૂપ વિશેની સ્પષ્ટતા સમજાય એવી છે, પણ કૃષ્ણ યજુર્વેદ? મૂર્ત વસ્તુની જેમ અમૂર્ત એવી વિદ્યાનો ત્યાગ કરવો અને પછી તેતર પક્ષી દ્વારા એનું ભક્ષણ – આ વાત ચોક્કસ કોઈ રૂપક તરફ ઈશારો કરે છે. આ રૂપક સમજતા પહેલાં થોડી વાત યાજ્ઞવલ્કય વિશે.

ગુરુ કહે અને પોતાની પાસે રહેલા સમગ્ર જ્ઞાનનો ત્યાગ કરી દે – યાજ્ઞવલ્કય નામના આ મહર્ષિ વિષે થોડું વધુ જાણીએ. યાજ્ઞવલ્કયના પિતા દેવરાતે વિશ્વામિત્રની આજ્ઞાથી મહર્ષિ વૈશંપાયન પાસેથી યજ્ઞવિદ્યાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે યજ્ઞવિદ્યાને આત્મસાત કરી લીધી. યજ્ઞનું વલ્કલ ધારણ કર્યું એટલે એ કહેવાયા યજ્ઞવલ્ક્ય. યજ્ઞવલ્ક્યનો પુત્ર એટલે યાજ્ઞવલ્કય. એમણે પણ મહર્ષિ વૈશંપાયન સાથે રહીને કર્મકાંડ, ઉપાસનાકાંડ અને અધ્યાત્મકાંડની શિક્ષા ગ્રહણ કરી. મહર્ષિ વૈશંપાયનના આશ્રમમાં બનેલો એક નાનો એવો પ્રસંગ મહર્ષિ યાજ્ઞવલ્કયના જીવનને અલગ જ દિશામાં દોરી ગયો.

બન્યું એવું કે એક દિવસ બ્રહ્મસભામાં પહોંચવા માટે મહર્ષિ વૈશંપાયન ઉતાવળે પોતાનું કમંડળ લેવા ગયા ત્યારે બાજુમાં સૂતેલા નાના બાળક પર એમનું ધ્યાન ગયું નહી. અંધારામાં એમનો પગ બાળક ઉપર પડી ગયો અને એક ચીસ સાથે બાળકના પ્રાણ નીકળી ગયા. મહર્ષિને ભારે પસ્તાવો થયો. બ્રહ્મ હત્યા અને બાળ હત્યા – એક સાથે બે દોષ! આ સમયે યાજ્ઞવલ્કય ગુરુની મદદે આવ્યા. સહજભાવે એમણે કહ્યું, “ તમે નચિંત રહો. તમારી ભૂલનું પ્રાયશ્ચિત હું એકલો જ કરીશ. તમે હવે મુક્ત છો. આ બંને ભૂલની જવાબદારી મારી.”

યાજ્ઞવલ્કયની આત્મવિશ્વાસથી છલકાતી વાણીમાં ગુરુદેવને અભિમાનનો રણકો સંભળાયો. એમણે તરત જ આદેશ આપ્યો, “ આવી ઉદ્ધતાઈ? તું એક જ સમર્થ અને મારા બીજા શિષ્યો નમાલા? અત્યારે જ આ ગુરુકૂળમાંથી ચાલ્યો જા.”

યાજ્ઞવલ્કયે તરત જ કહ્યું, “ જેવી આપની આજ્ઞા ગુરુજી.”

આજ્ઞા તરત જ શિરોધાર્ય ગણીને અમલમાં મૂકી એમાં ગુરુને અહંકાર દેખાયો. ગુસ્સે થઈને એમણે કહ્યું, “મારી પાસેથી જે કંઈ પણ વિદ્યા પામ્યો છે, તે સર્વ અહીં મૂકીને જા.”

“ગુરુજી, વિદ્યા તો અંતરમાં ઊગે, એને છોડવી કઈ રીતે? પણ હા, તમારી પાસેથી મેં જે વિદ્યા ગ્રહણ કરી છે તેનો હું ઉપયોગ નહી કરું.” આટલું કહી યાજ્ઞવલ્કય ખાલી હાથે અને પહેરેલે કપડે આશ્રમની બહાર નીકળી ગયા. એ પછી એમણે સૂર્યદેવની આરાધના કરીને એમને પ્રસન્ન કર્યા. યાજ્ઞવલ્કયે સૂર્યદેવને દિવ્ય વિદ્યા શીખવવા વિનંતી કરી. આદિત્ય દેવ પાસેથી બ્રહ્મવિદ્યા, યોગવિદ્યા, વેદવિદ્યા અને યજ્ઞવિદ્યા આત્મસાત કરી લીધા પછી યાજ્ઞવલ્કય પૂછે છે,

“હું મારા ગુરુ પાસેથી યજુર્વેદ ભણ્યો છું, પણ એમણે મને તેમની પાસે ભણેલી વિદ્યા છોડી દેવાનું કહ્યું છે. તો હવે મારાથી વિદ્યાભ્યાસ થશે કઈ રીતે?”

આના જવાબમાં સૂર્યદેવ કહે છે, “તું વૈશંપાયન પાસે જે ભણ્યો એ કૃષ્ણ યજુર્વેદ. મારી પાસે જ ભણ્યો એ શુક્લ યજુર્વેદ. જા અને તારા માનવબંધુઓને આ વિદ્યા શીખવ.”

આ રીતે યજુર્વેદની બે સંહિતાઓ બની. કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. શુક્લ યજુર્વેદનો પાઠ કરનારને વાજસનેયિ પણ કહે છે અને શુક્લ યજુર્વેદની સંહિતાને વાજસનેયી સંહિતા પણ કહે છે. वाजसनेय ની વ્યાખ્યા આ પ્રમાણે છે :  अन्नं वे वाज: વાજ એટલે અન્ન. સનિ શબ્દ षणु दाने – આ ધાતુમાંથી આવ્યો છે. જેમણે અન્નનું દાન કર્યું છે તે વાજસનિ છે અને તેમના પુત્રનું નામ વાજસનેય છે. યાજ્ઞવલ્કયના પિતા ખૂબ અન્નદાન કરતા હતા. એટલે વાજસનેય એ યાજ્ઞવલ્કયનું જ બીજું નામ છે.

શુક્લ યજુર્વેદની ઉત્પત્તિ વિષે જાણ્યા પછી હવે વાત કૃષ્ણ યજુર્વેદ વિશે. આગળ કહ્યું એમ તેતર પક્ષીનું રૂપ લઈને યાજ્ઞવલ્કય દ્વારા ત્યાગ કરેલી વિદ્યાનું વૈશંપાયનના શિષ્યોએ ભક્ષણ કર્યું અને કૃષ્ણ યજુર્વેદ અસ્તિત્વમાં આવ્યો. કૃષ્ણ યજુર્વેદની આ શાખાને તૈતરીય શાખા કહે છે. તેતર પક્ષીના ભક્ષણથી બનેલી શાખા તૈતરીય શાખા. વિદ્યાનો ત્યાગ કરવો અને પક્ષી બની એનું ભક્ષણ કરવું – હવે આ રૂપક કથા પાછળની કથા જાણીએ.

શુક્લ યજુર્વેદમાં માત્ર મંત્રો જ આપેલા છે. આ મંત્રોની વ્યાખ્યા શતપથ બ્રાહ્મણમાં આપેલી છે. કૃષ્ણ યજુર્વેદમાં મંત્રની સાથે સાથે એમની વ્યાખ્યાનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદમાં આ જ ભિન્નતા છે.

કૃષ્ણ યજુર્વેદમાં કેટલાક મંત્રો અપૂર્ણ છે જેની પૂર્તિ કરવા કલ્પસૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. 

કૃષ્ણ યજુર્વેદની સંહિતામાં મંત્રો અને વ્યાખ્યાઓ એકસાથે છે, વળી એનું બંધારણ બહુ જ અવયસ્થિત છે. 

ઉપરના તર્કને આધારે એક તારણ એવું નીકળી શકે કે કૃષ્ણ યજુર્વેદની સંહિતાનું આવું અવયસ્થિત સ્વરૂપ જોઈને મહાતેજસ્વી શિષ્ય યાજ્ઞવલ્કયને તેમાં સંશોધનની જરૂર જણાઈ. ગુરુ શિષ્ય વચ્ચે આ મુદ્દા વિષે વિચારણા થઈ પરંતુ સમાધાન ન થઈ શક્યું. અને આખરે યાજ્ઞવલ્કયે ગુરુપરંપરાને તિલાંજલિ આપી.

કૃષ્ણ યજુર્વેદની તૈતરીય શાખામાં મંત્ર, બ્રાહ્મણ અને આરણ્યક – આ ત્રણ ભાગ એકસાથે જ છે. એટલે જ તેને ‘તિત્તીરી’ કહે છે. તિત્તીરી પરથી નામ પડ્યું તૈતરીય.

તેતરનો રંગ કાબરચીતરો છે. આ શાખામાં મંત્ર અને બ્રાહ્મણ સાથે હોવાથી સંહિતા તેતરની જેમ કાબરચીતરી થઇ ગઈ છે એટલે એનું નામ તૈતરીય.

~ અંજલિ ~

અત્યારે યજ્ઞ આદિ કાર્યોંમાં પંડિતો શુક્લ યજુર્વેદના મંત્રોનો જ વિનિયોગ કરે છે.

– શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધાબેન ભટ્ટની કૉલમ ‘આચમન’ ના સંગ્રહિત લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મહર્ષિ યાજ્ઞવલ્કય – શ્રદ્ધા ભટ્ટ