કેન્યા : ૪ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ 11


મિત્રો કેન્યા ફરવાની મઝા આવે છે ને! વહેલી સવારની ગેમડ્રાઈવ પર જવાનું નક્કી હતું પણ પછી કહેવામાં આવ્યું કે સાત વાગે સવારનો નાસ્તો કરી સામાન લઈને જ ફ્રેશ વોટર લેઈક નૈવાશા જવા નીકળી જવાનું હતું. લેઈક નાકુરુથી આશરે એંશી કિલોમીટરની દૂરી પર લેઈક નૈવાશા આવેલું છે. લગભગ એક કલાકને ત્રીસ મિનીટ ગાડીમાં જવાનું હતું.

અમે તૈયાર થઇ સવારનો નાસ્તો કરી આકાશ ખુલ્લું જોઈ આનંદમાં આવી ગયા. ચોક્ખ્ખુ આકાશ હોય તો ફોટા પાડવા માટે જોઈતો પ્રકાશ મળી રહે. માટે આખું ગ્રુપ આનંદમાં આવી ગયું હતું. અમારી હોટલની લોનમાંથી જ નકુરુ સરોવર સુંદર દેખાતું હતું. તેનો આનંદ માણી અમે અમારી ગેઈમ ડ્રાઈવ માટે ઉપડી ગયા. વિવિધ પંખીઓ જોયા અને પંખીઓના અવાજ માણવાની બહુ મઝા આવી. રસ્તામાં રૂપેરી અને કાળું એવું શિયાળ જોયું. હજુ થોડા આગળ ગયા હઈશું અને અમને ભૂખરું અને એમાં કાળા ટપકા હોય તેવું હાઈના જોવા મળ્યું. આવા કોઈ દિવસ ના જોયા હોય તેવા પ્રાણી જોઇને ખુબ આનંદ થયો.

સરોવરને કિનારે ગયા તો બહુ બધાં પેલીકન, ફ્લેમિન્ગો, વોટર બક વગેરે ઘણાં બધાં પંખીઓ અને પશુ જોયા. બધાએ શાંતિથી ફોટા પાડ્યા. ત્યાંથી અમે બબુન કલીફ વ્યુ પોઈન્ટ પર ગયા. ત્યાંથી જે રમણીય દ્રશ્ય માણ્યું તેનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે તેવી કુદરતની લીલા જોઈ. વિશાળ સરોવર અને પાછળની પહાડી ખુબ સરસ દેખાતી હતી. વ્યુ પોઈન્ટ પણ ખુબ વ્યવસ્થિત બનાવ્યો હતો. બધાએ દિલથી ફોટા પાડ્યા અને અમે હવે લેઈક નૈવાશા જવા આગળ વધ્યા.

અમારા ડ્રાઈવરે કહ્યું હતું કે હોટલની બોટ રાઈડ લેશો તો મોંઘી પડશે. પણ જો બધાની હા હોય તો એક વ્યક્તિના હજાર શીલીંગ એટલેકે લગભગ છસો સાઈંઠ રૂપિયામાં કલાકની બોટ રાઈડ મળશે. જે કરવા માટે અમારે રસ્તામાં ઉતરવાનું હતું અને અમારો સામાન કોમ્બીમાં લઇ તેઓ હોટલ પર પહોંચશે. અમે બોટમાં હોટલ પર પહોંચીશું. આવા નિર્યણથી આંનંદ થયો.

અમારા સૌની હા હોવાથી લગભગ અગિયાર વાગે બોટ પાસે પહોચ્યા. પૈસાની ચુકવણી કરી બધાં પોતપોતાની એલોટ કરેલી હોડી પાસે ઉભારહી લાઈફ જેકેટ પહેર્યા. મનમાં આનંદની એક વિચિત્ર લાગણી જન્મી હતી. તળાવમાં ઉઠતા તરંગો જોઇને જ હું ખુબ ખુશ થઇ ગઈ હતી. પાણી ઘણું રફ હતું એને મસાઈ ભાષામાં ‘ નૈપોશા’ કહેવામાં આવે છે. આ જાણી જરા અચરજ થઇ. રફ પાણીને કારણે ત્યાં ઘણીવાર એકાએક વાવાઝોડા જેવું થયા કરે. અમે જાણ્યુંકે લગભગ મુખ્યત્વે  બપોર પછી ત્યાનું વાતાવરણ બદલાતું હોય છે. એવું જાણ્યા પછી મારો જીવ જરા હેઠો બેઠો. અને ભગવાનને પ્રાર્થના કરી કે સારું થયું સવારની મોટરબોટ માં જવાનું નક્કી થયું.

પછી જરા બધાની વાતોમાં મારો જીવ પરોવાયો. આખરે મનુષ્ય સ્વભાવ તો ખરોને! સ્વાર્થથી ભરેલો. આ તળાવમાં હોડીમાં ફરતા જઈએ તો નજર હોય તો લગભગ ચારસો જેટલા વિવિધ પંખીઓ જોવા મળે છે. ચોમેર નજર ફેરવતા એક જગ્યાએ રાખોડી પથ્થર જેવું કંઇક દેખાયું. થોડા નજીક ગયાં તો છ સાત હિપોપોટેમસ દેખાયા. આમ ઢગલામાં સુતેલા હીપો પહેલી વાર જોયા. ખબર ના પડે કે કોનું મોં કયાછે ને પગ ક્યાં છે. એવા ઢગલા જેવા પડ્યા હતા. હોડીવાળા ભાઈની સુચના પ્રમાણે એની નજીકહોડી લઇ જવાની નહોતી. હિપોપોટેમસનો ગુસ્સો કળાય એવો ના હોય. દૂરથી આટલું જોયાનો સંતોષ માનવો રહ્યો.

પછી ઘણા બધાં પેલીકન જોવા મળ્યાં. અહીં તમારી માફી પહેલેથી માંગી લઉં કે પક્ષીઓના નામ અંગ્રેજીમાં જે આવડે છે તે લખું છું. ક્ષમા કરશો. લોંગ ટેઈલ એન્ડ ગ્રેટ કોર્મોરંત,ફીશ ઈગલ, પાઈડ  કિંગફિશર, બ્લેક ફીસ્કાલ, યેલ્લો કોલર્ડ લવ બર્ડ વગેરે ઘણા પક્ષીઓ જોવાનો આનંદ લેતાં અને ફોટા પાડતા લગભગ સવાબાર વાગે લેઈક નૈવાશા કન્ટ્રી ક્લબ પર પહોંચ્યા. સુંદર હોટલ હતી. અમે એના પાછળના ભાગથી અંદર ગયા. પાછલો ભાગ એટલે તળાવવાળો. હોડીમાંથી ઉતરી વિશાળ બગીચો ઓળંગી અંદર રીસેપ્શન પર ગયા. રૂમની વહેચણી પતી એટલે અમે રુમમાં ગયા. ખુબજ સુંદર સ્યુટ હતો. ફ્રેશ થઇ જમવા ગયા. બહુ જ સરસ જમ્યાં.

આટલું સરસ જમીને અમને સહેજવાર આરામ કરવાની ઈચ્છા થઇ પરંતુ વાતાવરણની મસ્તી પણ એવી ચઢી હતી કે રુમનો આરામ કયાંય ભુલાઈ ગયો. અમેતો વાતાવરણનો આનંદ લેતાં આખી બપોર લોનમાં બેઠાં. વિવિધ પક્ષીઓને જોવાના, કચકડે તો કંડારનારા પોતાનું કામ કરે જતાં હતાં. મનેતો આંખોમાં કંડારી દેવાની ખુબ મઝા આવી.એકબાજુ પક્ષીઓના જુદાજુદા અવાજ સંભાળવાની મઝા તો બીજીબાજુ પક્ષીઓને જોઇને આંખોને તૃપ્ત કરવાની મઝા લુંટવામાં સાંજ ક્યાં પડી ગઈ તેની ખબરજ ના પડી.

સાંજ પડી એટલે પાછા તળાવ કિનારે પહોંચ્યા. ત્યાં પાણીના અનેક પંખી જોયા. તેમાં વળી પાઈડ કિંગફિશરની રમતો જોવાની અનેરી મઝા લીધી. તેની આ વિશિષ્ટ રમતને કેમેરામાં કંડારવા અમે ચારેક જણા બેઠા હતાં. જે આ અદાકારને કેમેરામાં ઝડપવા ઉત્સુક હતા. છેવટે કેમેરામાં કેદ કરી તળાવના પાણી પાછળ આથમતા સૂર્યની લીલાનો આનંદ લૂંટી પાછા રૂમમાં પહોંચ્યા. જરાક ફ્રેશ થઇ અને લાઉન્જ માં બધાં બેઠાં હતાં ત્યાં બધાં સાથે વાતોના તડાકા મારવા પહોંચી ગયા. પણ વાતોના તડકાથી પેટતો ના ભરાયને! જમવાનો સમય થતા જમી અને સવારે મસાઈમારા જવાની તૈયારી કરી નીંદર રાણીના શરણમાં નમી ગયાં.  

મસાઈમારા પહોંચવાની ઉત્સુકતાને કારણે સવાર જરા વહેલી પડી ગઈ. તૈયાર થઇ પેટ પૂજા કરી સવારે આઠ વાગે મસાઈમારા ગેઈમ રીઝર્વ જવા નીકળ્યાં. લગભગ અઢીસો કિલોમીટરનો રસ્તો હતો અને પાંચ કલાકની મુસાફરી હતી. ખુબજ તુટેલો રસ્તો હતો. પરંતુ કેન્યાની સફર દરમ્યાન જોયું કે ગમે તેવો તુટલો કે કાચો રસ્તો ભલેને હોય પરંતુ ડ્રાઈવર બધાં નેવુ થી સો કિલોમીટરની ઝડપે ગાડી ચલાવતા હતા. પરંતુ જયારે સફર પૂરી થાય અને ગાડીમાંથી નીચે ઉતરીએ ત્યારે જરા પણ થાક ના લાગે. સાથે સાથે એક ખૂબી એ જોવા મળી કે ગાડી પણ એટલી આરામદાયક હોય. એકાદ કલાકે નાની હાટડી જેવી જગ્યાએ ગાડી ઉભી રાખી એટલે જેને વોશરૂમ જવું હોય તે જઈ શકે એમ ઉભા રહેતા. આ વિરામ લગભગ દસ મિનીટ જેટલો રાખી આગળ વધ્યા. 

અત્યાર સુધીના પ્રવાસ દરમ્યાન એક બે વસ્તુએ મારું વિશેષ ધ્યાન ખેંચ્યું તે એ કે બધાં ધોરીમાર્ગ પર આવેલી નાની નાની હાટડી પર વોશરૂમ ખુબ વ્યવસ્થિત અને ચોખ્ખા હતા. તમે એ હાટડીમાંથી ખરીદી કરો કે ના કરો પણ તેમના વોશરૂમનો ઉપયોગ વગર પૈસા આપી કરી શકો. આમ જોઈએ તો દુનિયા કેન્યાને પછાત દેશ તરીકે ગણે પરંતુ આવી સારી સગવડ એક વિશિષ્ટ ધ્યાન ખેંચતી હતી.

અમદાવાદથી અમે જયારે નીકળતા હતા ત્યારે ઘણા લોકોએ કહ્યું હતું કે મોબાઈલ માં ઇન્ટરનેશનલ ફોન જોડશો તો ઘણા મોંઘા પડશે. અમે સફરની શરૂઆત પહેલા જ ડ્રાઈવરને પુછ્યું તો જવાબમાં તેણે અમને કહ્યું હતું કે અહીંયાથી પહેલેથી પૈસા ભરી એક મોબાઈલ માટે કાર્ડ લઈલો અને જો ભારત ફોન કરશો તો લગભગ ત્રણ મિનીટ વાત કરો તો એકસો સાઈંઠ રૂપિયામાં વાત કરી શકશો. મસાઈમારા સિવાય બધે તમારો મોબાઈલ ફોન ચાલશે. આવું જાણી અમે ઘણા બધાએ આવા કાર્ડ લઇ ને સફર દરમ્યાન ઘરે સંપર્કમાં રહી શકયા હતા. મોબાઈલ ફોનનું નેટવર્ક પણ આટલું બધું સરસ જોઈ બીજી નવાઈ લાગી હતી.

અમે પહોચ્યાં ત્યારે અમુક કમરા સાફ થતાં હતા એટલે પહેલા જમી અને લગભગ સાડા ત્રણ વાગે બધાં પાછા એકઠા થઇ પોતપોતાની કોમ્બીમાં ગોઠવાઈ મસાઈમારા ગેઈમ રીઝર્વની સાંજની સફારી લેવા નીકળ્યા. ઝાંપામાં અંદર ગયા અને ખુબ નાના સૂકા ઘાંસ વાળો વિશાળ વિભાગ શરુ થયો.પર્વતોની વચ્ચે વિશાળ મેદાનમાં ઢોળાવવાળી જગ્યામાં લગભગ એક હજાર દસ સ્વેર કિલોમીટરના વિસ્તારમાં આ ગેઈમ રીઝર્વ આવેલી છે.

રસ્તામાં ઘણા બધાં વાઈલ્ડ બીસ્ટ જોયા. અમારી સાથે અલ્હાબાદના પ્રોફેસર તિવારી આ વાઈલ્ડ બીસ્ટ ને ‘ જોકર ઓફ ધ જંગલ’ કહેતા હતા. આ પ્રાણી દેખાવે બહુ વિચિત્ર મને લાગ્યું. તેનું મોં બકરા જેવું અને શરીર ગધેડા જેવું લાગે તો વળી પૂછડું ઘોડા જેવું લાગતું. આમ વાઈલ્ડ બીસ્ટ એક પ્રાણીમાં ઘણા પ્રાણીનું મિશ્ર દેખાવવાળું મને લાગ્યું. જેમજેમ આગળ વધતા હતા તેમતેમ હાથી, જીરાફ, ઝીબ્રા, બાઇસન એમ ઘણાં પ્રાણી જોયા.

Photo Copyright By Mukesh Shah; All rights reserved.

વાયરલેસ ઉપર સંદેશો આવ્યો કે એક જગ્યાએ સિંહણ અને બે બચ્ચા છે એટલે અમે એ તરફ ગયા. સિંહણ અને બે બચ્ચા બેઠા હતાં. કેશવાળી ન હોય એટલે બચ્ચા કહી શકાય પરંતુ દેખાવે મોટા હતાં. શાંતિથી ઉભા રહી ઘણા ફોટા પાડ્યા. ત્યાં વળી વાયરલેસ પર મેસેજ આવ્યો અને અમને ત્યાં જ ઉભા રહેવાનું કહેવામાં આવ્યું એમ અમારા ડ્રાઈવરે અમને કહ્યું. નવાઈ સાથે અમે ઉભા રહ્યાં. ત્યાં થોડી વારમાં  એક કોમ્બી અમારી બાજુમાં આવી ઉભી રહી. એ કોમ્બીના ડ્રાઈવરે અમારા ડ્રાઈવરને એક કવર આપ્યું અને બે જણાએ કંઇક વાત કરી. અમારું મગજ કંઈ વિચારે એ પહેલા ડ્રાઈવરે મુકેશનું નામ બોલી એ કવર આપ્યું ત્યારે અમને નવાઈ લાગી કે અમે અમારી વિડીયો કેસેટ જે સામબુરુમાં ભુલી ગયા હતા તે અમને આપી. અમને આનંદ અને આશ્ચર્ય સાથે શું બોલવું તે સમજ ના પડી. બોલો નવાઈની વાત કહેવાય ને! સફરના પહેલા મુકામ પર અમે જે વિડીયો કેસેટમાં કંડારેલો અને એ કેસેટ અમે ત્યાં રુમમાં ભુલી ગયાં હતા તે આમ મસાઈમારામાં સફારીની વચ્ચે અમને પાછી મળી.

એક જગ્યાએ કોઈક મારણ ઉપર બહુ ગીધ મિજબાની કરી રહ્યાં હતાં. કોઈ પ્રાણી શિકાર કરી અધુરો પડતો મુકી આ ગીધ માટે જાણે છોડી ગયો હતો. ગીધ દેખાવમાં આપણે ત્યાં હોય છે તેના કરતા મોટા હતા. આગળ વધતાં એક મોટું પંખી નજરે પડ્યું. મને ઓળખાણ ના પડતાં મેં એના નામ વિશે સવાલ કર્યો તો જાણ્યું કે તે કેન્યાનું રાષ્ટ્રીય પક્ષી હતું. તેને તેઓ ‘સેક્રેટરી બર્ડ’ કહેતા હતા. પવન ખુબ હતો તેમાં તેના પીંછા ફરફર ઉડતા હતા તે જોઈ જાણે માથે કલગી હોય તેવો દેખાવ લાગ્યો.

નેશનલ પાર્કમાં સમય સાચવવો જરુરી હોવાથી કચવાતા મને અમે લગભગ છ સાડાછ વાગે બહાર નીકળી ગયા. જો કોઈ સમય ના સાચવે તો તેનું ગાડી લાઇસન્સ જપ્ત થાય અને અમુક દંડ થતો હોવાથી અમે જરા ઉતાવળે બહાર નીકળી ગયાં. હોટલ પર પાછા આવી નિત્યક્રમ પતાવી રાતનું જરા વહેલું જમી અને ઉંઘી ગયાં.

સવારે પાછા વહેલા તૈયાર થઇ ગેમડ્રાઈવ પર જવાનું હતું અને જેને બલુન સફારી લેવાની હોય તેણે ત્યાં જવાનું હતું. બધાં ભેગા થયા ત્યારે ખબર પડી કે બલુન સફારીનું બુકીંગ ત્રણ મહિના પહેલા થઇ જાય છે માટે હવે તે શક્ય નહોતું. એ સમયમાં એટલેકે હું બેહજાર છની વાત કરું છું, ત્યારે બલુન સફારીનો ભાવ ત્રણસો પંચ્યાસી યુએસ ડોલર હતો. જેને જવું હતું તેઓ નિરાશ થઇ ગયાં. પરંતુ અમે સધિયારો આપતા તે લોકોને કહ્યું કે હજુ માઈગ્રેશન ઓછું છે એટલે બલુનમાંથી એટલા પ્રાણી જોવા ના મળત.

Photo Copyright By Mukesh Shah; All rights reserved.

સવારની સફારી દરમ્યાન ઠંડક સારી હતી એટલે ગરમગરમ ભજીયા ખાવાનું મન થઇ ગયું. બપોરે જમતી વખતે પણ એજ ખાવાનાની વાતો ચાલી. અમારી સાથેના મંજુ દિલવાલી હતા તે કહેવા લાગ્યા કે જો મને રસોડા માં જવા દે તો સાંજે તેઓ બધાને ભારતીય ભોજન કરાવે. જમી અને ગ્રુપ ફોટો પાડવાની વાત થઇ. બાજુના કમરમાં બે પરદેશી છોકરીઓ હતી તેમને અમારો ગ્રુપ ફોટો પાડવા ભલામણ કરી બધાં ગોઠવાઈ ગયા.છોકરીઓ પણ પંદર સત્તર કેમેરા દ્વારા ફોટા પાડી થાકી ગઈ પણ અમારા ઉત્સાહમાં અમે એવાતો  વ્યસ્ત હતાં કે એ છોકરીઓના થાક વિશે વિચાર્યું પણ નહિ. ખાલી આભાર માની છુટા પડ્યા.

ઘણા લોકોને મસાઈ નદી પાસે જવું હતું. એક વ્યક્તિના ત્રીસ ડોલર આપવાના એમ નક્કી થયું. સાથે બાંધેલું જમવાનું લેતાં જવાનું કારણ લગભગ સાત કલાક જઈને પાછા આવવાના થવાના હતા. અમે દસ જણાએ નહિ જવાનું નક્કી કર્યું અને બાકીના દસ જણા ગયા.

થોડો આરામ કરી બપોરની સફારી પર નીકળ્યા. આજે અમે થોડા ઉચાણ વાળા ભાગ પર પહોચ્યા. ચારે બાજુ નજર કરીએ તો નાના સુકા ઘાસ વચ્ચે સફેદ કોમ્બી ફરતી જોઈ અમારી સાથે વડોદરાથી આવેલ સિદ્ધાર્થ બોલી ઉઠ્યો કે આતો જાણે ઉધઈ ફરતી હોય તેવું લાગે છે.

રસ્તામાં ચિત્તો, સિહણ, રુપેરી પીઠ વાળું શિયાળ વગેરે ઘણા પ્રાણીઓ જોયા. અમારા ડ્રાઈવરે કહ્યું કે આજે ખુબ સુંદર સુર્યાસ્ત જોઈ બહાર નીકળીશું અને ખરેખર એવી જગ્યાએ જઈને ઉભા રહ્યા કે ત્યાંથી જોયેલા સૂર્યાસ્તનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી. બસ ખુબ સુંદર સૂર્યાસ્ત જોઈ અમે હોટલ પાછા ફર્યા. નિત્યક્રમ પતાવી જમવા માટે ગયા ત્યાં મંજુ દિલવાલી મને શોધતા આવ્યા અને જણાવ્યું કે એમણે રસોડામાં જઈ ભારતીય રીતનું બટાકાનું શાક, કોબીજનું શાક અને ભારતીય રીતના પરોઠા બનાવતા શીખવાડ્યું છે અને રસોઈયાએ તે પ્રમાણે બનાવ્યું છે. અમારી કેન્યાના પ્રવાસનું આ છેલ્લું રાત્રી ભોજન ખુબ સુંદર રહ્યું. બધાં એ જલસાથી ખાધું અને છુટા પડ્યા. કારણ તો એજ હોય કે સવારે વહેલા ઉઠવાનું હતું.

અમારે સવારે વહેલા ઉઠી નાઈરોબી જવાનું હતું. મસાઈમારાથી નાઈરોબી અંદાજીત એકસો અડસઠ માઈલ દુર હતું જ્યાં પહોંચતા લગભગ પાંચ કલાક લાગવાના હોવાથી અમે સવારે પાંચ વાગે ઉઠી તૈયાર થઇ નાસ્તો પતાવી લગભગ સાડા છ પોણાસાત વાગે નીકળી ગયા. અમારી ફ્લાઈટ સાંજના સાડા પાંચ વાગ્યાની હતી પરંતુ ત્રણ કલાક વહેલા એરપોર્ટ પર પહોંચવાનું હતું. સાથે સાથે અમારે નાઈરોબીમાં પણ થોડો સમય ગાળવો હોવાના આશયથી વહેલા નીકળી ગયા.

રસ્તામાં એકબે નાના વિરામ બાદ નાઈરોબી પહોંચ્યા પહેલા રસ્તાની બંને બાજુ શેકેલી મકાઈ વેચાતી જોઈ એટલે અમારા ડ્રાઈવરને અમે કીધું કે આજે છેલ્લો દિવસ છે માટે મકાઈ ખાવી છે. રસ્તામાં એક જગ્યાએ ઉભા રહી મકાઈ લઇ આગળ વધ્યા. ખૂબજ ચાવવી પડે તેવી મકાઈ હતી પરંતુ તેની ખુબી એ હતી કે જેમજેમ ચાવતા જાવ તેમતેમ તે વધારે મીઠી લાગતી હતી.

લગભગ સાડાબાર વાગે અમે નાઈરોબી પહોંચ્યા. એક સુંદર શોપીંગ મોલમાં હાંડી નામની ભારતીય રેસ્ટોરન્ટમાં અમારું જમવાનું ગોઠવવામાં આવ્યું હતું. એક સરદારભાઇ જે કાયમી નાઈરોબી વસવાટ કરતા હતા તેમણે આ રેસ્ટોરન્ટ ખોલી હતી. તેમનું પ્રેમાળ આતિથ્ય અને સુંદર ભોજન કરી અમે ખરીદી કરવા નીકળ્યા. પરંતુ ભાવની બહુ રકઝક થતી હોવાથી મજા ના આવી. અમારા ડ્રાઈવરે આ વાત જાણી એટલે ફીક્સ ભાવની દુકાને અમને લઇ ગયા. એક મોટા બંગલામાં જુદાજુદા કમરામાં જુદીજુદી વસ્તુઓના કાઉન્ટર હતા. અમને ભાવ વધારે લાગ્યા. પરંતુ છેલ્લે જે સંભારણા તરીકે જે લેવાનું જ હતું તે લઇ લગભગ અઢી વાગે એરપોર્ટ પહોંચ્યા. બોર્ડીંગ પાસ લઇ ભારત પહોંચવાની રાહ જોતાં બેઠા. એકબાજુ બધાં સાથે ગાળેલો મહત્વનો સમયના સંભારણાનું દુઃખ અને બીજી બાજુ ભારત પહોંચી સ્વજનોને મળવાની ઉતાવળ. આમ મિશ્રિત લાગણીભાવ સાથે ભારે હૈયે કેન્યાને વિદાય આપી.

ખાલી કેન્યા તમને સફર કરાવી વિદાય કેન્યાને આપી તમને વાચકો ને નહી હોં. આવતા વખતે વધુ એક નવી જગ્યાની સફર માટે તૈયાર રહેશો. તમારા સુઝાવ મને હંમેશા ગમશે. માટે તમારા સુચન વેબસાઈટમાં જરૂર આપશો જેથી. મારું લેખન વધારે સારું થઇ શકે. આ લેખમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ જરા વધારે પડતો થયો છે તો ક્ષમા.

બીજી સફર માટે તૈયાર થઇ જાવ આવું છું નવી જગ્યા, નવા અનુભવ સાથે…

– સ્વાતિ મુકેશ શાહ

ફોટો કર્ટસી- મુકેશ શાહ.

સફરનામું અંતર્ગત સ્વાતિ શાહની કલમે લખાયેલા કેન્યા સફરના આ પહેલાના લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “કેન્યા : ૪ (સફરનામું) – સ્વાતિ મુકેશ શાહ

 • sagar mehta

  many thanks for wonderful naration of keny trip.. i have been reading this and your other blogs too… for Kenya you did a package tour… who in your opinion is the best tour operator for kenya… if possible, may pl. provide me response on my email sagar181@yahoo.com. many tnanks. rgds.

 • Neeta kotecha

  Gajab…. phota ane lakhan bannr khub j saras. Mukeshbhai ne pan abhinadan aapjo. Aapna lakhan thi ame tya j hoiye evu amne lagtu hoy che. Bas aam j amne faravta raho. Aap lakhta raho. Aapno khub aabhar

  • Anila Patel

   આપની લેખિનીએ ઇસ્ટ આફ્રિકાની સફર માણવાની મજા આવી, હવે સાઉથ આફ્રિકાની સફર શક્ય હોયતો જરુર કરાવશો એવી આશા રાખીએ. આપની વર્ણવેલી અદ્ભુત છે, વાંચવાની મજા આવે છે. ખૂબ ખૂબ આભાર.

  • Mita Mehta

   ખૂબ સુન્દર વણૅન, સાથે ફરવા ની મઝા આવી, નાની નાની વાતો પણ સરસ રીતે વણૅવી છે
   Eagerly waiting for next place