વિશેષ શાળાઓ (૨) – હેમાંગી ભોગાયતા મહેતા


શું તમે જાણો છો કે હાલ પણ પૌરાણિક આશ્રમ પદ્ધતિ જેવી જ પદ્ધતિથી શાળાઓ ચલાવવામાં આવે છે? શું તમને ખબર છે કે આજના સમયમાં પણ અમુક શાળાઓમાં બાળકોને શાસ્ત્રોનું જ્ઞાન આપવામાં આવે છે? ચાલો આજે આ શાળાઓ વિશે તથા અન્ય ખાસ શાળાઓ વિશે વાત કરીએ.

કેમ છો મિત્રો ? ચાલો આજે આપણી વિવિધ શાળાઓ વિશેની ચર્ચાને આગળ વધારીએ.

ઉત્તર બુનિયાદી શાળા :

ગુજરાત રાજ્યમાં ઘણા સ્થળે તથા અમુક સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ પ્રકારની માધ્યમિક શાળાઓ ચલાવવામાં આવે છે. આ પ્રકારની માધ્યમિક શાળાઓની વિશેષતા એ છે કે આ પ્રકારની શાળાઓમાં સામાન્ય રીતે બધી શાળાઓમાં જે અભ્યાસક્રમ ચાલતો હોય છે એ ઉપરાંત કૃષિ વિશેનું વિધિસરનું જ્ઞાન પણ આપવામાં આવે છે. આ પ્રકારની શાળાઓ પાસે ખેતીલાયક જમીન પણ હોય છે કે જ્યાં વિદ્યાર્થીઓને કૃષિ વિશેનું પ્રત્યક્ષ જ્ઞાન આપી શકાય.

સરકારશ્રીના ઠરાવ મુજબ જે શાળાઓમાં ઉદ્યોગ તરીકે કૃષિ હોય એ શાળાઓ પાસે 15 એકર જમીન હોવી જોઈએ. આ ઉપરાંત આ પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થીઓને રહેવાની તથા જમવાની સુવિધા પણ હોય છે. જે વાલીઓ પોતાના બાળકોને કૃષિ ક્ષેત્રે આગળ વધારવા ઈચ્છતા હોય એ આ પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે મૂકે છે.

ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં આ પ્રકારની શાળાઓ જરૂરી છે. જો વિદ્યાર્થીઓ પરંપરાગત ખેતીના વ્યવસાય અંગે વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે તો એમના અભ્યાસનો ફાયદો નિઃશંકપણે આપણે સૌને થાય. પરંતુ હાલ આ પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે.

આ પ્રકારની શાળાઓ અંગેનો ખ્યાલ મૂળભૂત રીતે ગાંધીજીના બુનિયાદી શિક્ષણમાં જોવા મળે છે.

મોડેલ સ્કૂલ :

ગ્રામ્ય કે પછાત વિસ્તારમાં રહેતા બાળકને એક ખાનગી શાળા જેવી જ સુવિધા સરકારી શાળામાં મળી રહે એવા ઉદ્દેશથી આ પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત આ પ્રકારની શાળાઓમાં 72% ફંડ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે અને 28% ફંડ રાજ્ય સરકાર આપે છે. ખાસ કરીને શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં આ પ્રકારની શાળાઓ ચલાવવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ 2013-14થી ગુજરાતના 23 જિલ્લાઓમાં આ પ્રકારની શાળાઓ કાર્યરત છે, જેમાં પ્રવેશ પ્રક્રિયાના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ શાળાઓમાં ધોરણ 6થી 12માં પ્રવેશ કાર્ય થાય છે.  સરકારી, ગ્રાન્ટેડ કે લોકલ શાળામાં ધોરણ 5થી 8માં અભ્યાસ કરતાં બાળકો કોમન એન્ટ્રાન્સ ટેસ્ટ આપીને આ શાળાઓમાં પ્રવેશ મેળવી શકે છે.

દરેક શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા અગાઉથી જ (આગલા શૈક્ષણિક વર્ષના ફેબ્રુઆરીથી એપ્રિલ માસમાં) થતી હોય છે. પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવી પડતી નથી. પ્રવેશ માટેની કસોટીમાં બહુ વૈક્લિપક પ્રશ્નો જ પૂછવામાં આવે છે તથા સમગ્ર પેપર ગુજરાતી ભાષામાં જ હોય છે.

(ફોર્મ ભરવા માટેની વેબસાઈટ : sebexam.org )

Indian school children in classroom

આશ્રમશાળા :

જેમ વેદકાળમાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આશ્રમમાં જતા, ગુરુ પાસેથી વેદોના જ્ઞાન ઉપરાંત રોજબરોજના કામ વગેરે પણ શીખતાં, ગુરુજીના આશ્રમમાં જ રહેતા અને જમતાં પણ ત્યાં જ. આ જ રીતે 21મી સદીમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જ્યાં જાય ત્યાં જ તેમને રહેવા અને ખાવાપીવાની સુવિધા મળે, વિદ્યાર્થીઓ પુસ્તક ઉપરાંત બીજી જરૂરી કે વ્યવસાયિક બાબતો પણ શીખે એવા ઉદ્દેશ સાથે ગુજરાતમાં આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી છે.

ખાસ કરીને અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો કે જેમને દરરોજ દૂર આવેલી શાળાઓએ આવવા-જવામાં મુશ્કેલી પડે છે એમની મુશ્કેલી દૂર કરવા માટે સરકારે આ પ્રકારની શાળાઓ વિકસાવી છે. જે રીતે ગુરુના આશ્રમમાં વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત બીજા કામો પણ શીખતાં એ રીતે આશ્રમ શાળાઓમાં પણ બીજા કામો જેવા કે ખેતીકામ, બાગાયતી કામ, સાફસફાઈ, સુશોભન કાર્ય, ગૌશાળાનું કામ, કાંતણ કામ વગેરે જેવા કામ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે. આ પ્રકારની આશ્રમશાળાઓમાં આ પ્રકારના કાર્યો કરાવવાનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ સમૂહ કાર્ય શીખે એ હોય છે.

આપણા રાજ્યમાં સરકાર ઉપરાંત કેટલાક કેળવણી મંડળ, સર્વોદય સંસ્થા તથા ખાનગી સંસ્થાઓ દ્વારા પણ આ પ્રકારની આશ્રમ શાળાઓ ચલાવવામાં આવે છે.

એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ :

ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા અનુસૂચિત જનજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એ ઉદ્દેશથી આ પ્રકારની શાળાઓ શરૂ કરવામાં આવી છે.  આ પ્રકારની શાળાઓમાં ધોરણ 6થી 12 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓએ સરકારી, ગ્રાન્ટેડ કે આશ્રમ શાળામાંથી ધોરણ 5 પાસ કર્યું હોય એવા જ વિદ્યાર્થીઓને આ પ્રકારની શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રકારની શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ જી.એસ.ટી. ઈ. એસ. દ્વારા લેવામાં આવનારી પ્રવેશ પ્રક્રિયા પાસ કરવી પડે છે.

અનુસૂચિત જનજાતિનો દરેક વિદ્યાર્થી આ પ્રકારની શાળામાં પ્રવેશ માટે અરજી કરી શકે છે, આ પ્રકારની શાળાઓમાં એડમિશન માટે વાલીની કોઈ આવકમર્યાદા નથી.

આ પ્રકારની શાળાઓમાં વિદ્યાર્થીઓને વિના મૂલ્યે શિક્ષણ ઉપરાંત પાઠ્યપુસ્તકો, ગણવેશ તથા રહેવા અને જમવાની સુવિધા પણ આપવામાં આવે છે. આ પ્રકારની શાળાઓ દ્વારા વિવિધ પ્રકારની રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે તથા વિદ્યાર્થીઓને કમ્પ્યૂટરનું શિક્ષણ પણ આપવામાં આવે છે.

સંસ્કૃત પાઠશાળા :

ભારતની પરંપરા વેદોની પરંપરા રહી છે. અગાઉ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શાસ્ત્રોક્ત રીતે દરેક વિધિ કેમ કરવી એ શીખવવામાં આવતું એ જ રીતે હાલ પણ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક ઉપરાંત વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન આપી વિદ્યાર્થીઓને વિવિધ પ્રસંગો શાસ્ત્રો મુજબ કેમ કરાવવા એ અંગેનું જ્ઞાન આ પ્રકારની શાળાઓમાં આપવામાં આવે છે.

આ પ્રકારની શાળાઓમાં શિક્ષણ પ્રથમા એટલે કે ધોરણ 9થી કરાવવામાં આવે છે. આ પ્રકારની શાળાઓનો અભ્યાસક્રમ થોડો અલગ હોય છે. આ પ્રકારની શાળાઓમાં સંસ્કૃતના અભ્યાસ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. સંસ્કૃત સિવાય વૈદિક ગણિત, અંગ્રેજી કમ્પ્યૂટર તથા યોગનું શિક્ષણ આ પ્રકારની શાળાઓમાં આપવામાં આવે છે.

ગુજરાતમાં પોરબંદર સ્થિત તથા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંચાલિત સાંદિપની શાળા, અમદાવાદ સ્થિત, ધોરીવાવ સ્થિત વેદાંત સંસ્કૃત પાઠશાળા, અમદાવાદ સ્થિત હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા, જામનગર સ્થિત રાજકીય સંસ્કૃત પાઠશાળા વગેરે પાઠશાળામાં વિદ્યાર્થીઓને શાસ્ત્રોનું તથા પાઠ્યપુસ્તકોનું જ્ઞાન આપવામાં આવે છે.

આપણી વૈદિક પરંપરાને જીવંત રાખવામાં આ શાળાઓનું અમૂલ્ય યોગદાન છે. આ શાળામાં અભ્યાસ કરી સંસ્કૃતમાં પારંગત થયેલા વિદ્યાર્થીઓ આપણા વેદ અને શાસ્ત્રનો અભ્યાસ કરવા સમર્થ બને છે તથા પૌરાણિક ગ્રંથોના આધારે તમામ ધાર્મિક વિધિઓ કરાવવા સમર્થ બને છે.

ગુજરાત રાજ્યમાં જેટલી વિવિધતા બીજી બધી બાબતોમાં છે એટલી જ વિવિધતા શાળાઓની બાબતમાં પણ છે. આપણે અગાઉ શાળાઓના મુખ્ય તફાવત એવા સરકારી, અર્ધસરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓ  એટલે શું એ વિશેની વાત કરી. ત્યારબાદ ગત આર્ટિકલમાં તથા આ આર્ટિકલમાં વિવિધ પ્રકારની શાળાઓ વિશે વાત કરી. આ ઉપરાંત પણ માધ્યમ વગેરેના આધારે શાળાઓનું વર્ગીકરણ કરી શકાય. ફરી શિક્ષણને લગતા કોઈ વિષય પર ચર્ચા કરવા મળીશું.

– હેમાંગી ભોગાયતા મહેતા

આ પહેલાનો લેખ ‘કેટલીક વિશેષ શાળાઓ..’ અહીં ક્લિક કરી વાંચી શક્શો.

આપનો પ્રતિભાવ આપો....