યજ્ઞ : શા માટે? – શ્રદ્ધા ભટ્ટ 8


યજુર્વેદ – યજ્ઞ : શા માટે?

વેદ મુખ્યત્વે એક જ છે. મહર્ષિ વેદવ્યાસે વેદોનું વર્ગીકરણ કરીને એને ચાર ભાગમાં વિભાજીત કર્યા છે. ઋગ્વેદ વિષે અગાઉના લેખમાં માહિતી આપ્યા બાદ આજે યજુર્વેદ વિષે વાત. ગધ્યાત્મ્ક મંત્રોને ‘યજુ’ કહે છે. આ યજુમંત્રોના સંગ્રહને યજુર્વેદ કહે છે. यजु: શબ્દ यज् ધાતુ પરથી આવ્યો છે. यज् ધાતુ પરથી બન્યો છે શબ્દ ‘યજન’. દેવ સંબંધી કાર્ય માટે યજન શબ્દ વપરાય છે. આ કાર્ય એટલે યજ્ઞ. યજુર્વેદ વિષે જાણતા પહેલા યજ્ઞ વિષે જાણવું જરૂરી છે.

द्रव्य देवतात्याग:

મહર્ષિ કાત્યાયન યજ્ઞની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે. “યજ્ઞ એટલે દેવ માટે દ્રવ્ય અર્પણ કરવાની વિધિ.”

દ્રવ્ય, દેવતા અને ત્યાગ – આ ત્રણ શબ્દને વિસ્તારથી સમજીએ એટલે યજ્ઞ વિષે વધુ ખ્યાલ આવે.

દ્રવ્ય એટલે આહુતિ દ્રવ્ય. યજ્ઞ કુંડમાં પધરાવવામાં આવતા પદાર્થો. યજ્ઞ જેવા પવિત્ર કાર્ય માટે ચોક્કસ પદાર્થ જ વપરાય. કોઈ પણ વસ્તુ આહુતિ તરીકે વાપરી ન શકાય. આહુતિ તરીકે જેનો ઉપયોગ કરી શકાય એવી વસ્તુઓ છે – તેલ, દહીં, દૂધ, ભાત, ઘી, ચોખા, ફળ, સોમલતા (એક પ્રકારની વનસ્પતિ) અને જળ. આટલી વસ્તુઓ યજ્ઞવેદીમાં આહુતિ તરીકે વાપરી શકાય. (આ યાદી વૈદિક યજ્ઞોમાં વપરાતા આહુતિ દ્રવ્યોની છે.)

દેવતા એટલે વિષ્ણુ,ઇન્દ્ર, રુદ્ર વગેરે પારલૌકિક તત્વો. દેવતાઓ હકીકતમાં તો આપણા સૌના શરીરમાં રહેલી પરમ ચેતનાનું ભૌતિક રૂપ જ છે. ધ્યાનની શરૂઆત કરતી વખતે કોઈ એક ચોક્કસ બિંદુ પર વિચારોને કેન્દ્રિત કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે એવું જ આ દેવતાઓ માટે. એક નક્કર આકાર આપણી સમક્ષ હોય તો સઘળા વિચારો એ એક આકાર પર કેન્દ્રિત થાય અને એની સ્તુતિ કરવી સહેલ બને. ધ્યાનની સર્વોચ્ચ અવસ્થાએ પેલા બિંદુનું અસ્તિત્વ ન હોવા બરાબર થઇ જાય છે અને આંતરિક ચેતના સાથે એકાકાર થઈ શકાય છે. દેવતાઓની સ્તુતિ માટે કરાતું ગાન છેવટે તો આ જ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે થાય છે.

ત્યાગ શબ્દને બહોળા અર્થમાં સમજવાની જરૂર છે. યજ્ઞમાં જે તે દેવતાની સ્તુતિ કરતી વખતે આહુતિ આપતી વખતે જે વસ્તુ અર્પણ કરીએ એને ત્યાગ ગણીશું? સીધો અર્થ તો આ જ થયો. પણ એ તો થઇ ભૌતિક વસ્તુઓ. એના ત્યાગથી આંતરિક શાંતિ કઈ રીતે મળે?

યજ્ઞ એટલે શું? એ કેમ જરૂરી છે?
અક્ષરનાદ
શ્રદ્ધા ભટ્ટ
યજ્ઞ એટલે શું? એ કેમ જરૂરી છે?

આંતરિક શાંતિ મેળવવા માટે બે વાત બહુ અગત્યની છે. એ શાંતિ મેળવવાની પ્રબળ ઈચ્છા અને એના માટે કરવામાં આવતું સમર્પણ. શાંતિ મેળવવાની ઈચ્છા પ્રબળ બને તેમ સમપર્ણ વધુ ને વધુ પૂર્ણ થતું જાય. અહીં આંતરિક પરિબળ તો કામ કરે જ છે પણ આ ઈચ્છાને બળવત્તર બનાવવા માટે બાહ્ય પરિબળની પણ જરૂર પડે છે. અને આ પરિબળ છે યજ્ઞ. યજ્ઞ આમાં કઈ રીતે મદદ કરી શકે?

યજ્ઞ એટલે અગ્નિના માધ્યમથી થતી ઉપાસના. અગ્નિ અહીં પ્રબળ આંતરિક ઈચ્છાનું પ્રતિક છે. અગ્નિની ઉપાસના એ આંતરિક ઈચ્છાના વિકાસને વેગ આપે છે. આપણી અંદર રહેલો અભીપ્સારૂપી અગ્નિ પ્રજ્વલ્લિત બને તે માટે બહારના અગ્નિની વિધિવત ઉપાસના મદદ કરે છે. અગ્નિના બંને રૂપ  – બાહ્ય અને આંતરિક – એકમેક સાથે અદ્રશ્ય રીતે જોડાયેલા છે. એટલે જ યજ્ઞવેદીમાં થતી અગ્નિના બાહ્ય રૂપની પૂજા દરેક વ્યક્તિમાં રહેલી આંતરિક અગ્નિને પ્રજ્વલ્લિત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.

હવે વાત સમર્પણની. સમપર્ણ એટલે અર્પણ કરવુ. યજ્ઞવિધિમાં અગ્નિમાં આહુતિ અર્પણ કરવાની વિધિ તે સમર્પણની ઘટના છે. અહીં ફરી પ્રશ્ન થાય કે, આહુતિ માટે જે વસ્તુઓનો ઉપયોગ થાય છે એ છે ભૌતિક વસ્તુઓ. એ અર્પણ કરીએ તો ચિત્ત શુદ્ધ કઈ રીતે થાય? યજ્ઞમાં સમિધનું બહુ મહત્વ રહેલું છે. આ સમિધ શરીરનું પ્રતિક છે. જવ – તલ પ્રાણનું પ્રતિક છે. ઘી બુદ્ધિ અને દૂધ ચિત્તનું પ્રતિક છે. સમિધ, જવ, તલ, ઘી, દૂધ વગેરે વસ્તુઓ (દ્રવ્યો)ની અગ્નિમાં આહુતિ આપવાની ક્રિયા સૂક્ષ્મ રીતે તો મન, બુદ્ધિ, ચિત્ત, શરીર અને પ્રાણના સમર્પણની ઘટનામાં અને છેવટે જીવન સમર્પણની ઘટનામાં પરિણમે છે.

દ્રવ્ય, દેવતા અને ત્યાગ – આ ત્રણ તત્વો વિષે સમજી લીધા પછી કહી શકાય કે

યજ્ઞ એટલે અગ્નિના માધ્યમથી થતી પરમેશ્વરની ઉપાસના.”

યજ્ઞ એટલે શું? એ કેમ જરૂરી છે?
અક્ષરનાદ
શ્રદ્ધા ભટ્ટ
યજ્ઞ વિશેની વિગતે વાત

યજ્ઞ ક્રિયાનું સૌથી મહત્વનું તત્વ મંત્ર છે. યજ્ઞમાં દેવ અને વિધિને અનુરૂપ મંત્રોનો ઉપયોગ કરવાનો હોય છે. મંત્ર વિના યજ્ઞ સંપન્ન થઈ ન શકે. મંત્રના ઉચ્ચારણ દ્વારા જે તે દેવનું આવાહન થાય છે તેથી જે દેવનો યજ્ઞ થતો હોય તે દેવના મંત્રોનો અને જે વિધિ થતી હોય તે વિધિને અનુરૂપ મંત્રોનો ઉપયોગ કરવો યોગ્ય છે. જેમ કે, વિષ્ણુયાગમાં પુરુષ સૂક્તનો અને રુદ્રયાગમાં રુદ્રસૂક્તોનો ઉપયોગ થાય છે.

યજ્ઞની વિધિ પણ બહુ મહત્વનું પરિબળ છે. યજ્ઞવિધિની પ્રત્યેક ક્રિયા આંતરદર્શનથી ગોઠવાયેલ છે. એટલે કહી શકાય કે ફક્ત મંત્રો જ નહિ, યજ્ઞવિધિ પણ અપૌરુષેય છે. એક ઉદાહરણ આપું. યજ્ઞવિધિના યજમાનનો હાથ હવનકુંડમાં પ્રજ્વલ્લિત અગ્નિ પરથી પસાર થવો ન જોઈએ એવો એક નિયમ છે. આવો નિયમ એટલા માટે કેમ કે અગ્નિતત્વ અને પરમ તત્વ વચ્ચે એક સૂક્ષ્મ તંતુ જોડાયેલો છે.

અગ્નિ પરથી હાથ પસાર થાય એટલે એ સૂક્ષ્મ જોડાણને અસર થાય જે યજ્ઞની ભાવનાથી વિપરીત છે. બાહ્ય અગ્નિ અને આંતરિક ચેતના અ બંને વચ્ચેનું જોડાણ તૂટવું ન જોઈએ બીજી એક બાબત એ કે આહુતિ આપતી વખતે ધુમાડો ન થવો જોઈએ અને અગ્નિ સતત પ્રજ્વલ્લિત રહેવો જોઈએ. ધુમાડો એ ચિત્તની અશુદ્ધિ પ્રગટ કરે છે અને જ્વાળાનું હોલવાઈ જવું એ આંતરિક ઈચ્છા મંદ પડી જવા તરફ નિર્દેશ કરે છે. યજ્ઞવેદીનો અગ્નિ અને એમાં આહુતિ દ્રવ્ય તરીકે વપરાતી ભૌતિક વસ્તુઓ – પ્રથમ નજરે જોતાં સાવ જ સામાન્ય લાગતી બાબત પણ એનો ગૂઢ અર્થ કેટલો ગહન!

આટલું ધ્યાન રાખ્યા પછી પણ યજ્ઞ પૂર્ણ થયો જ એવું ક્યારે કહી શકાય? યજ્ઞનું ચોથું અત્યંત મહત્વનું તત્વ છે – ભાવ. શુદ્ધ અને પવિત્ર ભાવથી કરેલું યજ્ઞ કર્મ જ ફળ આપે. श्रध्दया देवो देवत्वं अश्र्नुते | શ્રદ્ધાથી કરેલી દેવોની સ્તુતિ સિદ્ધિ આપે છે. યજ્ઞ માટેની બાકીની બધી જ ગોઠવણ અનુકૂળતા પ્રમાણે કરેલી હોય પણ યજ્ઞ કરનારનું ચિત્ત જ અનુકૂળ ન હોય તો યજ્ઞ ફળદાયી બની શકે નહિ.

મંત્ર, વિધિ, દ્રવ્ય અને ભાવ – આ ચાર મહત્વના તત્વો છે જે યજ્ઞ સિદ્ધિ માટે જરૂરી છે. એ સિવાય યજમાન, ઋત્વિજ, દેવતા અને યજ્ઞવેદી – આ ચાર બીજા તત્વો છે જેની જરૂર યજ્ઞ પૂર્ણ કરવા માટે રહે છે. યજમાન એટલે યજ્ઞ કરનાર. યજ્ઞ કરાવનાર પુરોહિત એટલે ઋત્વિજ. દેવતા એટલે જેમને ઉદ્દેશીને યજ્ઞ કરવામાં આવે છે તે દૈવ તત્વ. યજ્ઞ વેદી એટલે જે સ્થળે યજ્ઞ કરવામાં આવે છે તે સ્થાન.

વૈદિક અધ્યાત્મ પરંપરા પ્રમાણે અધ્યાત્મના ત્રણ સોપાન છે. કર્મકાંડ, ઉપાસનાકાંડ અને જ્ઞાનકાંડ. યજ્ઞ કર્મને પ્રાધાન્ય આપે છે. અધ્યાત્મની દિશામાં આગળ વધવા માટે યજ્ઞને પ્રથમ પગથીયું ગણી શકાય. શરૂઆત થાય યજ્ઞ, પૂજન, પ્રાણાયામ વગેરે બાહ્ય પરિબળો દ્વારા અને પછી ધીરે ધીરે ઉપનિષદ, બ્રહ્મસૂત્ર જેવા જ્ઞાન પ્રદર્શિત કરતા ગ્રંથોનો અભ્યાસ થઈ શકે. પ્રારંભથી જ  ‘અહં બ્રહ્માસ્મિ’નું રટણ કરવાનું ન હોય. ‘સ્વાહાકાર’થી શરૂ થયેલી યાત્રા ‘અહં બ્રહ્માસ્મિ’ તરફ ક્રમે ક્રમે ગતિ કરે છે.

યજ્ઞ વિષે આટલું લખ્યા પછી હવે આ પ્રશ્નનો જવાબ –

યજ્ઞ શા માટે?

બહુ જ સામાન્ય ખ્યાલ છે કે યજ્ઞ દ્વારા વાયુ શુદ્ધ થાય છે. યજ્ઞ દ્વારા વાયુ શુદ્ધિ થતી હોય તો ભલે થાય, પણ યજ્ઞ ફક્ત વાયુ શુદ્ધિ માટે નથી. તો યજ્ઞ શા માટે કરવામાં આવે છે?

૧. દેવની તૃપ્તિ

        યજ્ઞ દ્વારા જે દેવને ઉદ્દેશીને યજ્ઞ કરવામાં આવે છે તે દેવ અને વસ્તુત: પરમાત્મા તૃપ્ત થાય છે. અગ્નિમાં અર્પણ કરેલી આહુતિને અગ્નિ જે તે દેવને અને અંતે પરમ તત્વને પહોંચાડે છે. આ આહુતિથી પરમાત્મા પ્રસન્ન થાય છે અને યજમાનની મનોકામના પરિપૂર્ણ કરે છે.

૨. અપૂર્વ

        યજ્ઞનું અનુષ્ઠાન સુચારુ રીતે પૂર્ણ થાય એટલે યજ્ઞને અંતે ‘અપૂર્વ’ નામનું એક તત્વ પેદા થાય છે. આ એક સૂક્ષ્મ તત્વ છે.  આ અપૂર્વ કદી નિષ્ફળ જતું જ નથી. એનું ફળ યજમાનને અવશ્ય મળે જ છે.

૩. આધ્યાત્મિક વિકાસ

        યજ્ઞ આમ તો એક સમર્થ અને મૂલ્યવાન આધ્યાત્મ સાધન છે. અભીપ્સા અને સમર્પણ અધ્યાત્મિક વિકાસના મુખ્ય સ્થંભ છે. યજ્ઞ એ બંને સિદ્ધ કરવા માટેનું ચાલક બળ પૂરું પાડે છે.

યજ્ઞ એટલે મનુષ્ય માત્રની પોતાની જ અંદર રહેલા પરમ તત્વ સાથે જોડાણની ક્રિયા.

~ અંજલિ ~

यज्ञो वे विष्णु: |
યજ્ઞ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે.

— શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધાબેન ભટ્ટની કલમે ‘આચમન’ કૉલમ અંતર્ગત થઈ રહેલી અધ્યાત્મ યાત્રાના
આવા જ જ્ઞાનસભર લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “યજ્ઞ : શા માટે? – શ્રદ્ધા ભટ્ટ