ઋગ્વેદ પરિચય : આદિ વેદ એટલે ઋગ્વેદ 8


દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.

આદિ વેદ એટલે ઋગ્વેદ 

एकं सत् विप्रा बहुधा वदन्ति ।
 (ऋग्वेद 1.164.46)

સત્ય એક જ છે, જેને વિદ્વાન લોકો અલગ અલગ નામે ઉચ્ચારે છે.

ઋગ્વેદ – આ  શબ્દમાં બે પદો રહેલાં છે : ઋક્ અને વેદ.
ઋક્ નો અર્થ આવો થાય છે –
ऋच्यते स्तूयते अनया देवा: सा ऋक् |”

“જે મંત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરવામાં આવે છે તેને ઋક્ કહેવામાં આવે છે.” વેદ શબ્દ વિષેની માહિતી આપણે અગાઉના લેખમાં જોઈ ગયા. આ બંને પદોની પાણિનિ વ્યાકરણના વ્યંજનસંધિ નિયમનાં સૂત્ર “झलां जशोऽन्ते” મુજબ ‘ઋક્’ માં રહેલ ‘ક્’ નો સંધિ થતા ‘ગ્’ બન્યો અને ‘ઋગ્વેદ’ શબ્દ બન્યો, જેનો અર્થ થાય છે જેમાં દેવતાઓની સ્તુતિઓ દ્વારા જે પરમજ્ઞાન અપાયું છે તે ઋગ્વેદ. ઋગ્વેદના મંત્રોને ઋચાઓ કહે છે.

Rigved Article by Shraddha Bhatt

ઋગ્વેદની રચના ક્યારે થઈ એ વિષે ઘણા મત મતાંતરો પ્રવર્તે છે. જ્યોતિષને આધારે વેદોનો સમય નિર્ધારિત કરવાનો વિચાર પૃથ્વી પરના બે જુદાજુદા સ્થાને પણ એક જ સમયે બે વિદ્વાનોને આવ્યો. બંને એ પોતાની રીતે સંશોધન હાથ ધર્યું અને બંને એક જ પરિણામ પર પહોંચ્યા. લોકમાન્ય તિલકે ભારતમાં અને યાકોબીએ જર્મનીમાં આ સંશોધન હાથ ધર્યું.

ઋગ્વેદના મંત્રો અનુસાર જણાય છે કે તે કાળમાં દિવસ અને રાત્રિ એક સરખાં ત્યારે થતાં હતાં જયારે સૂર્ય મૃગશિરા નક્ષત્રમાં આવ્યો હોય અને તે વખતે વસંતનો સમય ચાલતો હોય. જ્યોતિષશાસ્ત્રની ગણતરી પ્રમાણે આ કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦માં આવે છે.

જર્મન વિદ્વાન યાકોબીની ગણતરી મુજબ પણ ઋગ્વેદના મંત્રોની રચનાનો કાળ ઈ.સ. પૂર્વે ૬૫૦૦ જ આવે છે.

વેદો અપૌરુષેય ગ્રંથ છે. વેદમંત્રોનાં પૌરાણિક ઋષિઓને દર્શન થયા હતા અને ત્યારબાદ એ મંત્રોને ઋષિઓએ એમના શિષ્યોને-પુત્રોને ભણાવ્યા. અને કોઈ સમયે આ અમૂલ્ય જ્ઞાન નાશ ન થાય માટે તે સમયની પ્રણાલી અને લેખનસામગ્રી મુજબ આ મંત્રોને ‘ગ્રંથ’ નું સ્વરૂપ આપવામાં આવ્યું.

મંત્રદૃષ્ટા માત્ર ઋષિઓ જ ન હતાં, ઋષિકાઓ પણ હતી. જે જે ઋષિઓએ પોતાના આશ્રમમાં પોતાની અલગ શૈલીમાં પોતાના પુત્રોને અને શિષ્યોને વેદો ભણાવ્યા એમના નામ પરથી વેદોની શાખાઓ બની હતી.
પાણીની મુનિનાં વ્યાકરણ પર ભાષ્ય લખનાર પતંજલિ મુનિએ ભાષ્યગ્રંથ “વ્યાકરણ મહાભાષ્ય” માં ઋગ્વેદની 21 શાખાઓ હતી એવો ઉલ્લેખ કર્યો છે.

આ ૨૧ શાખાઓમાંથી ઘટીને પાંચ શાખાઓ રહી હતી-

૧. શાકલ શાખા.
૨. વાષ્કલ/બાષ્કલ શાખા.
૩. આશ્વલાયન શાખા.
૪. શંખાયન શાખા.
૫. માંડુકાયન શાખા.

આ પાંચ શાખાઓમાંથી પણ અત્યારે એક માત્ર શાકલ શાખા જ ઉપલબ્ધ છે. એટલે કે આપણે જેને ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ એ આ શાકલશાખા છે. (અનુમાન કરો જો એક શાકલશાખામાં 10552 મંત્રો હોય તો આ પાંચ શાખા કે 21 શાખા મળીને મંત્રોની સંખ્યા ક્યાં સુધી પહોંચે!!)

Rigved Article by Shraddha Bhatt

ઋગ્વેદનું વિભાજન-વર્ગીકરણ :   

અત્યારે જે શાકલશાખાને આપણે ઋગ્વેદ તરીકે ઓળખીએ છીએ તે ઋગ્વેદનું વિભાજન બે રીતે કરવામાં આવ્યું છે, અષ્ટક ક્રમ અને મંડલ ક્રમ.

  • અષ્ટક ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

અષ્ટક એટલે આઠ. આ અષ્ટક ક્રમ પ્રમાણે ઋગ્વેદનું વિભાજન આઠ અષ્ટકોમાં વિભાજીત છે. આ આઠ અષ્ટકોમાં પણ દરેકની અંદર ચોક્કસ વિભાજન છે જે અષ્ટક-અધ્યાય-વર્ગ-ઋચાઓ એ ક્રમે કરવામાં આવ્યું છે.
આઠ અષ્ટકમાં દરેકમાં આઠ અધ્યાયો છે, એટલે કુલ 64 અધ્યાય. દરેક અષ્ટકમાં ઋચાઓની ચોક્કસ સંખ્યાનાં સમૂહને  ‘વર્ગ’ નામ આપવામાં આવ્યું છે. આ અષ્ટક ક્રમને સરળ રીતે આમ દર્શાવી શકાય-

◆ અષ્ટક – ૮
◆ અધ્યાય – ૬૪
◆ વર્ગ – ૨૦૨૪
◆ મંત્ર સંખ્યા- ૧૦૫૫૨

  • મંડલ ક્રમ આધારિત ઋગ્વેદ વિભાજન :

મંડલ ક્રમ પ્રમાણે ઋગ્વેદ મંડલ-અનુવાક-સૂક્ત-ઋચાઓ ક્રમમાં વિભાજીત છે.
મંડલની સંખ્યા 10 છે. મંત્રોની ચોક્કસ સંખ્યાનાં સમૂહને સૂક્ત નામ આપવામાં આવ્યું છે. આ સૂક્તના ચોક્કસ સંખ્યાનો સમૂહ તે અનુવાક.
સરળ રીતે મંડલ ક્રમ આ રીતે દર્શવી શકાય:

મંડલ – ૧૦
અનુવાક – ૮૫
સૂક્ત – ૧૦૨૮
મંત્ર સંખ્યા – ૧૦૫૫૨

મંડલ ક્રમમાં દરેક મંડલનાં ગ્રથનકર્તા ઋષિઓ છે. મંડલ પ્રથમ, આઠમું, નવમું અને દસમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક કરતા વધારે છે.
જયારે મંડલ બીજાથી સાતમાંનાં ગ્રથનકર્તા ઋષિઓ એક જ છે :

◆ બીજું મંડલ – ગૃત્સમદ ઋષિ
◆ ત્રીજું મંડલ – વિશ્વામિત્ર ઋષિ
◆ ચોથું મંડલ – વામદેવ ઋષિ
◆ પાંચમું મંડલ – અત્રિ ઋષિ
◆ છઠ્ઠું મંડલ – ભરદ્વાજ ઋષિ
◆ સાતમું મંડલ – વસિષ્ઠ ઋષિ

અને આમાં એમના ગોત્ર, પરિવાર કે શિષ્યો સિવાયનાં કોઈ વ્યક્તિને સામેલ નથી કરવામાં આવ્યાં. આથી આ બીજાથી સાતમાં મંડલને કુળમંડલ, વંશ મંડલ, ગોત્ર મંડલ, પરિવાર મંડલ તરીકે ઓળખવામાં આવે છે.

આ ૧૦૫૫૨ ઋગ્વેદ મંત્રોને ‘ઋગ્વેદસંહિતા’ કહેવામાં આવે છે. દરેક વેદસંહિતાનાં પોતાના સ્વતંત્ર બ્રાહ્મણગ્રંથો, આરણ્યક ગ્રંથો, ઉપનિષદો, કલ્પસુત્રો, પ્રાતિશાખ્ય અને અનુક્રમણિ છે. આ બધું મળીને જે તે વેદનું સંપૂર્ણ સાહિત્ય બને છે.

ઋગ્વેદમાં દેવતાઓની સ્તુતિ :

ઋગ્વેદમાં વિવિધ દેવતાઓની સ્તુતિ કરવામાં આવી છે. આ સ્તુતિ દ્વારા પરમજ્ઞાન આપવામાં આવ્યું છે.
ઋગ્વેદનાં ઋષિઓએ બ્રહ્માંડમાં ત્રણ સ્થાનનાં આધારે દેવતાઓની સ્તુતિ કરી છે, જેમકે-

  • સ્વર્ગલોક/દ્યુ સ્થાનીય દેવતાઓ : મિત્ર, વરુણ, સૂર્ય, સવીતૃ, પુષન, અશ્વિનૌ, ઉષા, રાત્રિ વગેરે.
  • અન્તરિક્ષ સ્થાનીય દેવતાઓ : ઇન્દ્ર, વાયુ, પર્જન્ય, આપ, અપાંનપાત, રુદ્ર, મરુદગણો વગેરે.
  • પૃથ્વી સ્થાનીય દેવતાઓ : પૃથ્વી=ભુમિ, અગ્નિ અને સોમ વગેરે.

ઋગ્વેદમાં પ્રકૃતિનાં તત્વોની, પ્રાણીઓની પણ દેવતાં તરીકે સ્તુતિ કરવામાં આવી છે
જેમ કે નદી-વિશ્વામિત્ર સંવાદ સૂક્ત (ઋ. ૩/૨૩) માં વિપાટ અને શુતુદ્રી નદીઓની દેવતા તરીકે સ્તુતિ કરી છે
તો સરમા-પણિ સંવાદ સૂક્ત (ઋ. ૧૦/૧૦૮) માં દેવોની દૂતી બની પણિ રાક્ષસો પાસે સંદેશો લઇને જતી સરમા કુતરીને પણ દેવતા કહી છે.
આનું કારણ શું!??
એનો જવાબ છે કે ઋષિઓ બધું જ ઈશથી વ્યાપ્ત રહેલું કહે છે. બધું જ બ્રહ્મથી વ્યાપ્ત છે. બ્રહ્મ એટલે ચૈતન્ય. એટલે ચૈતન્ય જેમાં જેમાં છે અને એને સૂક્તમાં સાંકળવામાં આવ્યું છે અને એ તમામને દેવતા કહ્યા છે.

ઋગ્વેદનાં પદ્યાત્મક મંત્રો :

ઋગ્વેદનાં મંત્રોને ઋચા કહેવામાં આવે છે. ઋગ્વેદનાં મંત્રો પદ્યાત્મક=છંદોબદ્ધ છે.
ઋગ્વેદનાં મંત્રો ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતી જેવાં 24 વૈદિક છંદો થી ગેયાત્મક છે.
છંદોજ્ઞાન વગર ઋગ્વેદ મંત્રોનું ગાયન શક્ય નથી બનતું.

ઋગ્વેદનાં સુકતોનાં પ્રકાર :

ઋગ્વેદના સૂક્તોને પાંચ વિભાગમાં વહેંચી શકાય –

૧. આધ્યાત્મિક – દાર્શનિક સૂક્તો

        જે સૂક્ત મનુષ્યના આધ્યાત્મિક દર્શનને ઉજાગર કરે એવા સૂક્તો. નાસદીય સૂક્ત, હિરણ્યગર્ભ સૂક્ત, અસ્યવામીય સૂક્ત વગેરે

૨. સંવાદ સૂક્તો

        બે પાત્રો વચ્ચેનો સંવાદ દર્શાવતા સૂક્તો. યમ-યમી સંવાદ સૂક્ત, પુરૂરવા- ઉર્વશી- સંવાદ-સૂક્ત, વિશ્વામિત્ર-નદી-સંવાદ-સૂક્ત વગેરે

૩. ઊર્મિપ્રધાન સૂક્ત

        ઋગ્વેદમાં કેટલાંક સુંદર ઊર્મિ કાવ્યો છે. ઉષા, પર્જન્ય, મરુત અને સૂર્યદેવના સૂક્તો આ પ્રકારના ઊર્મિ કાવ્યો છે.

૪. પ્રાર્થના પ્રધાન સૂક્ત

        પ્રકૃતિના વિવિધ તત્વોને દેવ તરીકે સ્થાપી એમની પાસે પ્રાર્થના રજૂ કરવામાં આવી હોય એવા સૂક્તો. અગ્નિસૂક્ત,ઇન્દ્રસૂક્ત વગેરે.

૫. ધર્મ નિરપેક્ષ સૂક્તો

        વેદ એટલે ધર્મ જ – આ માન્યતા આ સૂકતોમાં ખોટી પડતી જોવા મળે છે. મંડૂક સૂક્ત, અક્ષ સૂક્ત, ભિક્ષુ સૂક્ત આ બધા સૂકતોમાં સામાજિક દ્રષ્ટિ જોવા મળે છે.

ઋગ્વેદ વિષે આટલી વિસ્તૃત માહિતી આપ્યા બાદ એટલું જ કહીશ કે સાચો ધર્મ જ ધર્મ નિરપેક્ષતા તરફ લઈ જાય.એ જ રીતે ઋગ્વેદનું વાંચન પણ માનવને ધર્મની સાચી વિભાવના તરફ લઈ જાય છે.

~ અંજલિ ~

If a book means a work, written by one man, implying unity of time and ideas, well the Rigveda is far from being a book.
~ Dr. V.S.Ghate

– શ્રદ્ધા ભટ્ટ


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “ઋગ્વેદ પરિચય : આદિ વેદ એટલે ઋગ્વેદ

  • Harshal

    ખૂબ સરળ અને પ્રભાવી રીતે વેદ વિશે ની માહિતી share કરવા બદલ આભાર.

  • હર્ષદ દવે

    બ્રાહ્મણોને વેદોનું જ્ઞાન હતું. વેદોને પ્રાચીન ગ્રંથોમાં સ્થાન આપી દેવામાં આવ્યું. ગેદોનો અભ્યાસ કરે તેને વેદાભ્યાસી તરીકેનું બહુમાન મળતું. જે કાળક્રમે ‘વેદિયો’ બની ગયું અને ઉપહાસને પાત્ર બન્યું. આવું બનવું જોઈતું ન હતું. વેદોમાં શું છે તેની અહીં ઝલક માત્ર છે. જો તેને સમજવામાં આવે તો તેની ગહનતા અને વ્યાપ જાણી અભિભૂત થઇ જવાય. ભારતીય જ્ઞાનનો જોટો જગતમાં મળવો મુશ્કેલ છે. તેને આત્મસાત કરી લેવામાં આવે તો… આ ‘તો’ પર્વતથી પણ વધારે વજનદાર છે. શ્રદ્ધા ભટ્ટ એ પર્વતના વજનને હળવું ફૂલ બનાવે છે. એનો લાભ દરેક માનવી લઇ શકે. સ્ત્યુત્ય.

  • હરીશ દાસાણી

    વેદ વિશે સંક્ષિપ્ત માહિતી આપવાથી વધારે જાણવાની જિજ્ઞાસા થાય એ પ્રકારના સરસ લેખ છે.