આ છે વરસાદમાં ભીંજાવાની અને કોઈને ભીંજવી દેવાની મોસમ. રમેશ પારેખની કલમની ભીની માટીમાંથી ઉઠતી સોડમને માણવાની મોસમ. ભીંજાવાની અનુભૂતિ વગર વરસાદે અનુભવવી હોય તો રમેશ પારેખનું કોઈ વરસાદી કાવ્ય વાંચીએ એટલે ભીતરથી લથબથ ભીંજાઈ જ જઈએ.પછી તમે તમારી છત્રી ખોલો તો પણ તમે સાવ તો કોરાકટ્ટ રહી જ ના શકો.
આકળવિકળ આંખ કાન વરસાદ ભીંજવે,
હાલકડોલક ભાન સાન વરસાદ ભીંજવે.
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે,
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે.
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
– રમેશ પારેખ
સાન્નિધ્ય – કાવ્ય સમીપે
અદ્ભૂત ભાવવિશ્વના રચયિતા એટલે ગુજરાતી સાહિત્યના માતબર કવિ શ્રી રમેશ પારેખ. આ ‘છ અક્ષરનું નામ’ એ છે જેણે લાગણીઓના તમામ પાસાને હળવેથી પસવારી, શબ્દદેહ આપી, ખુલ્લાં મૂકી દીધાં છે. રમેશ પારેખની કઈ ગઝલ કે ક્યા ગીતને ઉત્તમ કહેવું, એ જ યક્ષ પ્રશ્ન. વરસાદી ગીતો હોય કે હોળીના ફાગ, વિરહી સંવેદન હોય કે પ્રણયભીનાં સ્પંદન, સોનલ ગીતો કે કાગડાની કૃતિઓ – એકેક કવન વાંચીએ એટલે આંખોની પાળ ઠેકી સંવેદન સોંસરવું કૂદી જ પડે મન આંગણમાં અને તરબતર કરી, ભાવકને એના જાદુઈ કામણમાં જકડી લે. એમાંય આ તો વરસાદી કૃતિ, એક અદમ્ય આકર્ષણ લઈ એકદમ નવ્ય, ભવ્ય, દિવ્ય અનુભૂતિમાં ભાવકને લથપથ ભીંજવી જ જશે. તો ચાલો, આવી જ એક બહુ પ્રચલિત રચના – ‘વરસાદ ભીંજવે’ માં તરબોળ થઈએ આજે..
ભીંજાવાની અનુભૂતિ વગર વરસાદે અનુભવવી હોય તો રમેશ પારેખનું કોઈ વરસાદી કાવ્ય વાંચીએ એટલે ભીતરથી લથબથ ભીંજાઈ જ જઈએ.પછી તમે તમારી છત્રી ખોલો તો પણ તમે સાવ તો કોરાકટ્ટ રહી જ ના શકો. રમેશ પારેખનાં શબ્દો ઘોડાપૂર બની વહેતાં હોય છે ને કલ્પનાઓ ધોધમાર વાંછટની માફક ફોરાં ઉડાડી કોરીધાક્કોર સંવેદનાઓને અનરાધાર અનુભૂતિથી એવી તો ભીંજવી દે કે ઋતુ કોઈપણ હોય, આપણી આસપાસ શ્રાવણી ઝરમર વરસી રહી હોય એવું જ લાગે.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે,
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે.
ગ્રીષ્મની બળબળતી બપોરનો ત્રાસદાયક તાપ વેઠતું આપણું અસ્તિત્વ આકળવિકળ થઈ ચૂક્યું હોય, ચોતરફ લૂ વહાવતો વાયરો વિષાદ વીંઝતો હોય અને અકથ્ય અભાવોના પ્રસ્વેદનું ઝરણું અસ્તિત્વમાંથી ફૂટી નીકળ્યું હોય.
મનની પીડા અને વાતાવરણની દાહ થકી ત્રસ્ત થયેલી હયાતી પર પહેલા વરસાદના અમી છાંટણા પડે અને પળભરમાં બધું વિસરીને આપણું આખુંય અસ્તિત્વ રોમરોમ થનગની ઉઠે છે. ર.પા.એ આ પંક્તિઓમાં મનની હાલકડોલક અવસ્થાને વરસાદનો સ્પર્શ આપી પળવારમાં જાણે સંતુલિત કરી દીધી.
અનેક વિપત્તિઓનો માર ખાઈને સોળ ઉઠેલાં મન પર વરસાદના ફોરાં ચંદનનો લેપ બનીને વરસી પડે છે. શરીર પર છપાક્.. કરતી વરસાદી શીકર દોડી આવીને નખશીખ તરબોળ કરી મૂકે છે આપણું અસ્તિત્વ અને આંખ, કાન ને બાહ્ય દેહ તો ભીંજાય જ પણ આ વરસાદ ભીતરના આવરણ એવા ભાનસાનને, આપણી કૂણી લાગણીઓને પણ લથબથ ભીંજવી મૂકે છે. સમગ્ર અસ્તિત્વમાં કોમળ કૂંપળ શી ઝંખનાઓ પછી એકસામટી મ્હોરી ઉઠે અને હરિત ધરાની માફક છમ્મલીલી સંવેદનાઓની ઓઢણી ઘેઘુર આયખું ઓઢી લે છે.
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે,
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.
ચોમાસાની શરૂઆત તો નક્કી નહિ કેવી હોય! વાદળો ઘેરાય તો અવિરત વરસાદ આવે દિવસો સુધી અને ક્યારેક છુટોછવાયો, અલપઝલપ ડોકિયું કરી જતો પણ રહે. શ્યામ, ઘેરા કાળા વાદળો ઝળુંબે ધરા પર અને આ વાદળો વરસીને કણેકણમાં ભીનાશ બની વ્યાપી જશે – ની અનુભૂતિ અવનીના અંતરમાં ઝોકાર અજવાળું બની રેલાઈ જાય. ધરતીની માટીનું કણકણ તરબોળ થઈ જાય એટલી સ્નેહવર્ષા વરસે છે.
ગગનમાંથી. બારેમેઘ જ્યારે ખાંગા થાય છે ત્યારે એવું લાગે છે કે જાણે ચોમાસું આકાશની વચ્ચે સોળ કળાએ ખીલ્યું છે. એ સમયનાં વીજળીના ચમકારાનું અજવાળું ભલે ચમકે એક ક્ષણ પૂરતું પણ તેનો અહેસાસ છેક આપણી ભીતર રોમરોમ દોડતાં લોહી સુધી અનુભવાય છે. મરજાદના તમામ સીમાડાઓ ઓળંગી નસેનસમાં લથબથ ભીનો આ ઉન્માદી અવસર ફરી વળે છે. આસક્તિનું વાવાઝોડું ગતિમાન બની આયખાને ભરડો લે છે અને લોહીની પાંગત સુધી અનરાધાર સ્પંદનોનો ઉઘાડ પહોંચી જાય છે અને આ ઝોકાર, ઝળોમળ અજવાળું અંતરમાં તેજોમય સુખદ પ્રકાશ ફેલાવી જાય છે.
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે,
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે.
હળવી ઝરમર કે સાંબેલાધાર ઝડી – ગગન મેહરૂપે ચાહે કંઈપણ વરસાવે, અંતે તો વરસાદી રૂપ અસ્તિત્વને નખશીખ ભીંજવી જાય છે. દરિયામાં ઉછળતાં અગણિત મોજાઓનું ધસમસતું પાણી જેમ તરબોળ કરે અંગઅંગને એમ જ વરસાદી નીરની રેલમછેલ આખાય અસ્તિત્વને તરબોળ કરે છે. વાદળોનો ગડગડાટ.. વિજળીનો ચમચમાટ.. ને વરસાદની ધોધમાર બુંદોના સમન્વયનું દૃશ્ય જોઈએ એટલે નક્કી એમ જ લાગે કે ચોમાસું એની જામવાની સ્થિતિની પરાકાષ્ઠાએ છે.
ધરાને ભીંજવવાની અદમ્ય ઈચ્છા લઈને વાદળોનું આખેઆખું ઝુંડ ‘દે માર.’ કરતું આભને આંગણ આવી પહોંચે છે. બહારનો આ વરસાદ ક્યારેક ઠારે છે અંદરનો ઉકળાટ તો વળી ક્યારેક તણખો બની દાટ વાળે છે. વાંછટ બની વછૂટેલાં વરસાદી નીરના તીર વિરહી હૈયાને ઊભે ઊભાં વેતરી નાંખે છે. જેટલાં નોખાં નોખાં મનેખ – એટલી જ અનોખી કથની સૌ કોઈની. વરસાદ આવે એ સાથે જ ચોતરફ ગગનભેદી પડઘમ ગુંજી ઉઠે છે ખટમીઠાં સ્મરણોના. વરસાદની ભીની ક્ષણોમાં કંઈ કેટલીયે કૃતિઓ અને કથાનકો એકસામટા મનના કેનવાસ પર ઉપસી આવે છે.
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે,
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે.
ચાર દીવાલોમાં કેદ ઘરના તોતિંગ ઓરડાઓ પણ જાણે ભીંજાવાની અધૂરી ઝંખના પૂરી કરવી હોય એમ હરણફાળ ભરી દોડવાની ચેષ્ટા કરતાં અનુભવાય. બાહ્ય પરિસરની ભીનાશને આત્મસાત કરવા ઘરની દીવાલો ટગરટગર જોતી ટાંપીને બેઠી હોય. ગ્રીષ્મમાં અસહ્ય ઉકળાટ વેઠી ચૂકેલી રસ્તા પરની ધૂળ પણ ઝીણી ઝીણી પીડાનો પરપોટો ફોડી, શાતા પામવા વરસાદી વહેણમાં રસ તરબોળ થઈ વહી નીકળે છે.
વરસાદનો ઠાઠ છે જ એવો અનેરો. ધૂળિયા વૃક્ષો હોય કે મેલાં ઘેલાં મકાન, વાદળો સાથે વાતો કરતાં ભૂખરાં ડુંગર હોય કે આસફાલ્ટી કાળા અજગર જેવી લાંબી લાંબી સુસ્ત સડકો, પશુ – પંખી કે મનેખ – એક જ ઝાપટે વરસાદ સમગ્ર સૃષ્ટિને માથાબોળ નવડાવીને, ભીનાશના પરિધાન પહેરાવીને પળભરમાં મનોરમ્ય, દર્શનીય બનાવે છે. આ વૃષ્ટિ કુમાશનો અદ્ભૂત મેકઅપ લગાવી સૃષ્ટિને સોળ શણગાર સજેલી નવોઢા બનાવી દે છે અને જાણે કોઈ જાદુગરે છડી ફેરવી હોય એમ વરસાદે પલકવારમાં કરેલો આ કરતબ જોઈને દિગ્મૂઢ થયેલી આપણી હયાતી મુગ્ધતા આંજીને નવલી વસુંધરાનું મનમોહક રૂપ નિરખ્યાં કરે છે.
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે,
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.
સાવ સૂકી અસમંજસને ઓઢીને ફરતું આપણું અસ્તિત્વ જ્યારે દિશાહીનપણું અનુભવતું હોય ત્યારે આ વરસાદ જ ઇંગીત કરે છે , હળવાશ પામવાના ચોક્કસ મુકામનો..અભાનપણે આપણી હયાતી વરસાદ સાથે અનેક પીડતાં અભાવો વહાવી દેવા, ધક્કો મારી અસ્તિત્વને ખુલ્લામાં ધકેલે છે અને અંતરમાં ભભૂકતો લાવા ટપકતાં નેવા નીચે ભીંજાઈને થોડું ઠર્યાનો અહેસાસ પામે છે. આનંદિત મન વરસાદમાં ભીંજાઈને વધુ ખુશી પામે છે તો તપ્ત આતમ પણ આ ભીનાશને આવકારી થોડી શાતાને ગળે લગાવે છે. વાતાવરણની ઠંડક ધરાનો, મનનો ને તનનો કોઈપણ ઉકળાટ બહાર કાઢીને ફગાવી દેવા સક્ષમ હોય છે.
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે,
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે.
ચોમાસામાં આકાશમાં ઘેરાયેલાં વાદળ પણ જાણે બાથ ભીડીને ધરતીને લથબથ વળગ્યા હોય એ રીતે અનરાધાર વરસી પડે છે અને ધરતી પણ જાણે કે આકાશનાં આલિંગનને આંખો બંધ કરીને સૂતેલી સોળ વર્ષની કુમારિકાની જેમ ભીંજાઈને જળબંબોળ થતી ભાસે છે.. આખીય પ્રકૃતિ ઠાંસોઠાસ માદકતા ભરેલી નવયૌવનાની માફક એક મદભરી આળસ મરડીને મ્હોરી ઉઠે છે અને અતિ વિષેલા નાગનું ઝેર પ્રસર્યું હોય એમ ધરાની છબી લીલી કાચ જેવી બને છે.
વરસાદી બીનના સૂર સાંભળીને અનેક અરમાનોની અંગડાઈ સાપના ફુત્કાર સરીખી ફેણ માંડીને ઊભી થઈ જાય છે અને રોમરોમ અધૂરી ઈચ્છાઓનું કાતિલ વિષ ફેલાય છે. પછી આ સળવળતી અભિપ્સાઓનો સર્પ મુક્ત વિહાર માટે રીતસરની દોટ માંડે છે. વરસાદે કરેલું આ અડપલું સમગ્ર જીવસૃષ્ટિમાં દૈહિક ને આત્મિક સ્તરે ઉર્જાના અનેક આંદોલનો રણઝણાવી જાય છે.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે,
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે.
‘હું અને તું’ સંગાથે હોય ને સાથે વરસાદનું ભીંજાવવું હોય – એ વેળાએ સમય ત્યાં જ થોભી જતો હોય છે. કશું જ કહેવા – સાંભળવા- સમજવાની કોઈ જ પરિભાષાની આવશ્યકતા પછી જણાય ખરી? સ્મરણોનો અથવા પ્રિયજનનો અછડતો સ્પર્શ આખેઆખા અસ્તિત્વને લજામણું કરી મૂકે છે અને રોમાંચિત રોમછિદ્રો હકડેઠઠ સ્પંદનો સમેટવા રીતસરની હોડ લગાવે છે. વરસાદી બુંદોને શરીર પર ઝીલતી બે હયાતી ખરેખર તો એકમેકના સ્નેહની શ્રીકાર વર્ષામાં ભીંજાઈ રહી હોય છે ને ઉફણતી લાગણીઓનું ઘોડાપૂર મર્યાદાઓના તમામ કાંઠા તોડીને ધસમસતું વહી નીકળે છે. એકમેકની લાગણીઓની અને કુદરતની – એમ બબ્બે વર્ષામાં ભીંજાવવાનો લ્હાવો તો જે માણે એ જ જાણે.
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
વરસાદી વાંછટોમાં વરસેલું જળ રોમાંચની સાથે જ હયાતીમાં એક અગમ્ય થરકાટ ભરે છે અને સતત ઠંડા પાણીનો માર ઝીલેલી હયાતી થરથર ધ્રૂજે છે. આયખું વરસાદી શીતળતાનો આસવ માણે, ન માણે – ને જૂજ ક્ષણોમાં કંપી ઉઠે છે. ઉપરી આવરણ આ શીતળતાનો સતત માર ઝીલીને ભીતરથી પણ ભાન ભૂલે છે અને ઝંખે છે હૂંફ.. વરસાદી ક્ષણોનું આ ટાઢોડું ખાળવા હૂંફાળું તાપણું શોધતું કોઈ અસ્તિત્વ બે નજરના મનગમતાં સરનામે પહોંચે પછી આ ટીખળી વરસાદનું કારનામું ફળીભૂત થઈને જ રહે છે.
તો આ છે વરસાદમાં ભીંજાવાની અને કોઈને ભીંજવી દેવાની મોસમ. રમેશ પારેખની કલમની ભીની માટીમાંથી ઉઠતી સોડમને માણવાની મોસમ. વગર વરસાદે તરબતર કરતી ભાવભીની મોસમ અને કોરાં કાગળ પર ચિતરાયેલી કવિની અદ્ભૂત કલ્પનાની મોસમ. વરસાદી ફોરાં ઝીલી ઉપરછલ્લું જ શાને ભીંજાઈએ? આ અક્ષરવર્ષા પણ સાબદી જ છે મનનો મયુર ગહેકાવવા. આદરણીય હરિન્દ્ર દવે લખે છે..
ચાલ વરસાદની મોસમ છે, વરસતાં જઇએ…
ઝાંઝવા હો કે હો દરિયાવ, તરસતાં જઇએ…
– મેધાવિની રાવલ
અક્ષરનાદના પદ્ય વિભાગની સમૃદ્ધિ માણવા અહીં ક્લિક કરો..
સૃષ્ટિ પર વૃષ્ટિ વિસ્મય છે. અસ્તિત્વનું ચરમબિંદુ છે. ભીતરની અભિવ્યક્તિ બહાર આવવા હરણફાળ ભરે ત્યારે પર્યાવરણ સમૃદ્ધ થઇ જાય અને અંતરિયાળપણું રઝળી પડે. જીવને જોબનવંતો નાગ કરડે પછી જ ચેતના આળસ મરડે. એ ચૈતન્યનું નર્તન અનન્ય છે જેને તમે સહજતાથી આલેખ્યું, પ્રમાણ્યું અને જાણ્યું. કાચી પોચી કલમને રમેશ હોંકારો ન આપે! સર્જકને સલામ, સર્જન સામે નતમસ્તક, ભાવકને ભાવસભર હેલ્લારો…શાતા વળે છે…જીવને…તમને?
વાહ
વાહ વાહ ને વાહ… ખૂબ જ સરસ