ફાંદને પત્ર.. – નેહા રાવલ 4


તારા ઘેરાવાને કારણે તારા માલિકોને ઘણી તકલીફો પણ પડતી હોય છે. બે વ્યક્તિ ભેટે એ પહેલા એમની ફાંદ ભેટી લેતી હોય છે ને! બિચારાઓ… ‘ગળે મળવું’ શબ્દના અર્થને સાક્ષાત પામી નથી શકતા! બીજી તકલીફ એ પણ ખરી કે તારા માલિકોને નાડાંવાળાં કપડાંનું નાડુ ક્યાં બાંધવું એ મૂંઝવણ યક્ષપ્રશ્નની જેમ જ સતાવતી હોય છે.

હે ફાંદ,

તને પ્રિય તો કેમ કહું? કારણ કે તારું અસ્તિત્વ ન હોય એ માટે જ પ્રયત્નો કરાઈ રહ્યા છે. એટલે પ્રિય તો ન કહી શકાય. હું પ્રિય કહું કે ન કહું, તને એનાથી કોઈ ફર્ક નથી પડવાનો એ મને ખબર છે. કાશ એવું હોત કે તને પ્રિય ન કહેવા બદલ તું રિસાઈને છોડીને જતી રહે..! તું પ્રિય હોય કે ન હોય, તારું સ્થાન ધ્રુવના તારા જેવું અવિચલ અને સનાતન છે. તું જ જો, જેમની પૂજા પછી જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય એ ‘દુંદાળા ગણેશજી’ને તારા વગર કલ્પી શકાય કે? એમની કોઈ પણ સ્તુતિ પણ તારા ઉલ્લેખ વગર અધૂરી. વળી તારું હોવું એમની સાથે એટલું બધું શોભાયમાન છે કે તું એમનાથી શોભે છે કે એ તારા થકી એ કહેવું જરા મુશ્કેલ!

હા, એ લોકો તને પ્રિય કહી શકે જેમની રોજીરોટી તારા કારણે ચાલે છે. એક આખી ઈન્ડસ્ટ્રી તને નાથવાના પ્રયત્નો કરતા લોકો માટે વિકસી રહી છે અને એનો વિકાસ પણ વાર્તામાંની રાજકુમારીની જેમ ‘રાતે ન વધે  એટલી દિવસે અને દિવસે ન વધે એટલી રાત્રે’ – એમ થઇ રહ્યો છે. એક વાત પૂછું? આ શબ્દપ્રયોગનો અર્થ હવેના સમયમાં રાજકુમારીને બદલે તારા માટે કરવો જોઈએ એવું નથી લાગતું? લાગે છે ને, તો પછી એ માટે તું કોઈ વિરોધપ્રદર્શન કે દેખાવ કેમ નથી કરતી? એવા કોઈ પોસ્ટરો કે લખાણો તારા તરફથી હોવા જોઈએ કે નહિ?

‘વિશ્વમાં સૌથી મહેનતુ અને ‘સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ’ની થિયરી અનુસાર વાંદા પછી માત્ર અને માત્ર હું આવું છું. મારું અસ્તિત્વ નાબૂદ કરવાના આટઆટલા પ્રયત્નો છતાં હજુય હું ટકી રહી છું. એક વખત ધારો કે જાઉં પણ ખરી, તો થોડાં જ વખતમાં  ફરીથી દેખા દઉં છું. મારો વિકાસ દર કોઈ પણ દેશના જીડીપી કરતાં વધારે છે છતાં મને આજ સુધી ક્યાંય સ્થાન મળ્યું નથી. મારી સાથે આવો ઘોર અન્યાય કેમ? કેમ? કેમ?’ (પછી એકતા કપૂરનું ત્રિપલ બેંગ મ્યુઝિક)

ફાંદ ને નેહા રાવલનો પત્ર..
Aksharnaad
Article
Neha Raval

સાચે હોં, તારા પ્રત્યે જરા સહાનુભૂતિ તો થાય. વૉકિંગ શૂઝથી લઈને ‘નકલી ચાલક માર્ગ’ (ટ્રેડ મિલ), સ્લીમ-બેલ્ટથી લઈને અટપટી કસરતોના સાધનો અને પ્રાણાયામથી લઈને જીમ – બધું જ તારા અસ્તિત્વને પડકારી રહ્યું છે અને છતાં તારો આત્મવિશ્વાસ તો જો! કોઈ ગમે તેટલું ઢાંકવા પ્રયત્ન કરે, તું બટન તોડીને પણ તારી હાજરી જણાવી જ દે છે. પછી કોઈ તને નજરઅંદાજ કેવી રીતે કરી શકે? તું તો નાના બાળકો માટેનું પોચું ઓશીકું છે, અને શિયાળાનો કુદરતી ધાબળો છે. જાડા લોકોને ઓછી ઠંડી લાગે છે કારણ કે તું વીંટળાયેલી હોય અને ગરમાવો આપતી હોય તો મજાલ છે કે શિયાળો કનડે?

આમ જોવા જાય તો તારું બહુમાન પણ ખરું. કારણકે હાથ-પગ કે થાપાની ચરબી માટે કોઈ આવું નામ આપણા ગુજરાતી શબ્દકોશમાં નથી. જ્યારે પેટની ચરબી માટે આવું સરસ નામ. “ફાંદ.” કમસેકમ તારી એક અલગ ઓળખાણ તો છે! બીજી ચરબીઓની જેમ તું માત્ર શરીરની ચરબી બનીને નથી ઓળખાતી.

વિશ્વની ઓગણચાલીસ ટકા વસ્તી જ્યારે મેદસ્વી હોય ત્યારે તારી શક્તિનો પરચો સમજી શકાય છે. અને આપણે તો રહ્યા ગુજરાતી! જો કોઈ સુસંકૃત રીતે કોઈને કહેવા માંગે તો તારા વિષે આમ ઉલ્લેખ થાય, ‘ખાતાપીતા સુખી ઘરના માણસો માટે ફાંદ તો ઘરેણું છે.’ વાહ, જો કે આ ઘરેણાં પર કોઈ લોન મળતી નથી. અને વળી આ ઘરેણું ક્યારે ઉતરે એની પણ સહુને ખૂબ ફિકર હોય છે. તને ખબર છે? સન ઓગણીસસો ને પંચોતેરમાં સમગ્ર વિશ્વમાં તારી જેટલી હાજરી હતી એ કરતા તું અત્યારે ત્રણગણી  વિસ્તરી ચૂકી છે. અને આપણા દેશમાં છેલ્લા પાંચ વર્ષથી તારી બાબતે ખતરાની ઘંટડીઓ વાગી રહી છે.

પણ મને એ નથી સમજાતું આ ઘંટડીઓ વાગે છે ક્યાં? અને વાગતી હોય તો કોઈને સંભળાતી કેમ નથી? ક્યાંક એવું તો નથીને કે ખતરાની ઘંટડીઓને તેં મંદિરની ઘંટડીઓઓમાં મિક્સ કરી દીધી છે. એવું જ હશે. એટલે જ મંદિરોના પ્રસાદ ભરપૂર ખાંડવાળા હોય અને લગભગ બધા મંદિરોના પૂજારીઓ અને કર્તા-હર્તા તારી સાથે પોતાનું વજન વધારતા હોય! મને લાગે કે આ ‘વજન પડે’ શબ્દ પણ તારા અસ્તિત્વને ધ્યાનમાં લઈને જ બન્યો હશે. કારણ કે શરીરના વજન અને તને અલગ રીતે જોઈ શકાય એ શક્ય જ નથી.

તારા ઘણા બધા ફાયદાઓમાંથી એક ફાયદો એ છે કે તારો ઉપયોગ ચાનો કપ મુકવાના સદા સર્વદા હાજર ટેબલ તરીકે કરી શકાય ને! બીજો એક ફાયદો એ કે તારા માલિકોએ સ્વભાવ બને ત્યાં સુધી હસમુખો જ રાખવો પડે. કોઈની વાતનું ખોટું લગાડવું પોસાય નહિ. લાગે તો એમની પાછળ દોડીને મારી થોડું શકાય? એ કરતા જતું કરવું. ‘ક્ષમા વીરસ્ય ભુષણમ્’ નો પણ ઉદ્ગમ તારા થકી જ થયો હોવો જોઈએ. અને વળી હસતી વખતે ધરતીકંપ અનુભવતા તારા અસ્તિત્વને પકડી રાખવું પડે એનાથી હાથ પણ મજબૂત થાય છે ને! એમનેમ તો ‘પેટ પકડીને હસ્યા’ એવું થોડું જ કહેવાય?

જે ઘરમાં બાળક ભાંખોડિયા ભરતું હોય એ ઘરના વડીલ જો તારા માલિક હોય તો એ બાળકને નાનપણથી જ પર્વતારોહણની તાલીમ મળવાની શરુ થઈ જાય છે. સૂતેલા વડીલ સાથે બાળક તારા કારણે જ તો ‘પર્વત-પર્વત’ રમી શકે ને! એમનેમ થોડા પર્વતખેડુ લોકોની સંખ્યામાં ધરખમ વધારો છે? અને પેલા સાન્તાક્લોઝ દાદા, એ દાદાને પણ તારા વગર કોઈ કલ્પી શકે ખરા? બે ઘડી વિચારી જો, તું એમના અસ્તિત્વનો હિસ્સો ન હોય તો એ આટલા જાજરમાન લાગે? 

આ બધા ફાયદા તો છે જ પણ છતાં, એ વાત પણ એટલી જ સાચી છે કે તારા ઘેરાવાને કારણે તારા માલિકોને ઘણી તકલીફો પણ પડતી હોય છે. બે વ્યક્તિ ભેટે એ પહેલા એમની ફાંદ ભેટી લેતી હોય છે ને! બિચારાઓ… ‘ગળે મળવું’ શબ્દના અર્થને સાક્ષાત પામી નથી શકતા! અને એના કારણે કુદરતી સોશિયલ ડિસ્ટન્સ આપોઆપ આવી જાય. અને બીજી તકલીફ એ પણ ખરી કે તારા માલિકોને નાડાંવાળાં કપડાંનુ નાડું ક્યાં બાંધવું એ મૂંઝવણ યક્ષપ્રશ્નની જેમ સતાવતી હોય. તારી મધ્યમાં બાંધે તો ટકે નહિ ને સરકી જાય. તારી ઉપરની ગોળાઈએ બાંધે તો ચણિયો કે પાયજામો નીચેથી ટૂંકા પડવાની શક્યતા અને નીચેથી બાંધે તો વળી વળી લાંબુ પડે!

આ સમસ્યાના સમાધાન રૂપે જ  સસ્પેન્ડરની શોધ થઇ હશે ને! અને પછી એ ફેશનનું અંગ બની ગયું હશે. પણ એ બાબતમાં સ્ત્રીઓને ભારે અન્યાય થયો છે. પુરુષોની ફાંદ સાચવવા આવી સગવડ તો સ્ત્રીઓનું શું? સરકી જતી સાડી સાચવવા કેમ આવું કશુંય બન્યું નહિ! આ બધાંની વચ્ચે તને સાચવનાર નાનકડા બટનને તો કેમ ભૂલી શકાય? ક્યારેક તો છપ્પન ઈંચના તારા ઘેરાવાની ઈજ્જત બચાવવા પા સેન્ટિમીટરનું બટન જ ઉપયોગી થાય છે ને! પણ તું ય ક્યારેક તો ખરી તોફાન કરતી હોય છે. બિચારા બટન ગમે તેટલી કોશિશ કરે, તું બે બટનની વચ્ચેના ગેપમાંથી પણ ડોકિયાં કાઢતી હોય છે. બિચારા તારા માલિકો!

તારો ઉલ્લેખ થાય અને મને અમારા પી.ટી.ના સર યાદ આવે. એમના શરીરની શોભા તેં એટલી વધારી હતી કે એમના જ પગ પાસે પડતો ગોળાફેંકનો ગોળો એમને દેખાતો નહિ અને એ ગોળો શોધવાને બહાને અમે ઘણી મસ્તી કરી લેતા. સ્કૂલના વાર્ષિકોત્સવમાં એ સર ગણપતિ બનતા ત્યારે સહુ સાક્ષાત ગજાનનજી સમજી એમના દર્શન કરતાં અને આરતીમાં મળતા પૈસાથી અમે બીજા વિકઍન્ડનો નાસ્તો કાઢી લેતા. તારો એ રૂઆબ તો કેમ ભૂલાય? અને સાંભળ, લોકડાઉન અને કોરોનાકાળ ફિટ રહેવાની હોંશિયારી મારતા અમુક લોકોને રીટર્ન ગિફ્ટમાં તારા ‘અસ્તિત્વનો ઉદય’ આપતો ગયો છે. સરેરાશ, હવે તો તારું વજન વધવાનું!

મને તો ક્યારેક સાચે એવું લાગે કે તારા વગરનાં લોકો તારા માલિકોની અમુક બાબતોથી ઈર્ષા કરતા જ હશે. ક્યારેક એવું થાય કે મોટી અને નાની સાઈઝના કપડાંનો ભાવ સરખો હોય ત્યારે તારા માલિક એ ભાવ વસૂલ કરી શકે. તારા વગર ટળવળતાં બિચારા સૂકલકડી લોકો તો એ વધારાના રૂપિયા બરબાદ ગયા એમ જીવ બાળવા સિવાય બીજું શું કરી શકે? અને ક્યારેક કોઈ સ્ત્રીને તારા કારણે ગર્ભવતી સમજી બસમાં કે બીજે પણ ક્યાંક લોકો જગ્યા આપી દે, ત્યારેય આવા સૂકલકડી લોકોના પેટમાં તેલ રેડાતું હશે ને!

ઓ મા, તેલ પરથી યાદ આવ્યું. તેલ, ઘી, માખણ, ખાંડ, મેંદો -આ સઘળું અને તારો તો જન્મોજન્મનો સાથ હશે ને? તમે એકબીજાને આવો કોઈ વાયદો આપો ત્યારે કોઈ લેખિત કરાર કરો કે પછી કોઈ વૃક્ષ કે દરગાહ પર દોરો બાંધી સાથે રહેવાની મન્નત માંગો? તમારે એવી કોઈ મન્નત માંગવી પડે કે પછી સૂર્ય અને પ્રકાશની જેમ તમે એકબીજા સાથે સંકળાયેલાં છો? આ બધું મળે તો જ તારું અસ્તિત્વ ટકે કે પછી તારા આવ્યા બાદ આ દ્રવ્યોની ગંભીરતાથી નોંધ લેવાઈ છે? આટલા બધા પ્રશ્નો અને આટલું અમથું મગજ! કાશ, ભગવાને તારી જેમ મગજને પણ વિસ્તરવાની તક આપી હોત…! ખેર, એમના કામમાં કોણ માથું મારે, આપણે તો આપણી ફિકર કરવાની. એટલે હવે આ વાતનો છેડો લાવી તારી “ક્ષુધાતૃપ્તિ અર્થે” કિચનમાં જઈ ગરમાગરમ ભજીયા બનાવું..

જોજે પાછી,

ખાતી વખતે બહુ યાદ ન આવીશ નહીં તો તારું જ રહ્યુંસહ્યું અસ્તિત્વ જોખમાઈ જશે!

આવજે વ્હાલી, (તું જશે તો ને!)

તું જેને વફાદાર રહી છોડતી નથી એવા તને છોડવા મથતા તમામ ફાંદાળા અસ્તિત્વો વતી,

નેહા

– નેહા રાવલ

નેહા રાવલની કલમે સંવેદનાસભર પત્રો દર પખવાડિયે તેમની કૉલમ ‘વાયા લેટરબૉક્સ’ અંતર્ગત અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ રહ્યાં છે, અહીં ક્લિક કરીને એ પત્રગુચ્છ વાંચી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ફાંદને પત્ર.. – નેહા રાવલ