એંઠવાડ : દિના રાયચુરા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી


એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી… વ વાર્તાનો વ ફરી લઈને આવ્યું છે એક સાંપ્રત લેખક દ્વારા લખાયેલી વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા ‘એંઠવાડ’.

સર્જક પરિચય :

મુંબઈમાં જન્મેલા અને આજીવન મુંબઈની માયામાં જ રહેલા લેખિકા દિના રાયચુરા ચાર ભાઈ-બહેન સાથે મોટા થયેlલાં. ઘરમાં સાહિત્યિક વાતાવરણ તો નહોતું પણ માતા પિતાને વાંચવાનો ખૂબ શોખ હતો. અખંડ આનંદ, કુમાર, જનકલ્યાણ, ચિત્રલેખા જેવા સામયિકો અને રવિવારના ત્રણ અખબારો તેમના રોજિંદા જીવનમાં વણાઈ ગયેલાં. નાનપણથી જ વાંચનની એવી લાગી કે ગુજરાતી સાહિત્ય વિષય સાથે બી.એ થયા અને પછી સાયકોલોજીનો અભ્યાસ કર્યો. ભણતરમાં મુખ્ય વિષય સાહિત્ય એટલે ખૂબ વાંચ્યું અને કાચુપાકું લખ્યું. સંયુક્ત પરિવારમાં લગ્ન અને પછી વારાફરતી બે દીકરીના જન્મને કારણે વાંચન પ્રવૃત્તિ પણ અટકી ગઈ. ત્યાર પછી છેક 2019માં ઓનલાઈન માધ્યમને કારણે ફરી કલમ/ કી પૅડ ઉપાડ્યું. સર્જન ગ્રુપમાં જોડાઈ માઇક્રોફિક્શન લખતાં થયાં અને તેમની નોંધ લેવાતી ગઈ ત્યારબાદ તેઓએ અનેક પ્રતિષ્ઠિત સ્પર્ધાઓમાં નોંધપાત્ર અને વિજેતા કૃતિ આપી. હાલમાં જ તેઓ 2021માં હેમરાજ શાહ અને કચ્છમિત્ર આયોજિત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બન્યાં છે.

પતિ અને બાળકો સાથે ખુશહાલ જીવનમાં દિનાબેને લેખનને મુખ્ય પ્રવૃત્તિ બનાવી છે. તેમની વાર્તાઓ અવારનવાર સમાચારપત્રો, મેગેઝીનમાં છપાતી રહે છે.  તદઉપરાંત તેઓ ઓનલાઇન પ્લેટફોર્મ ઉપર નોંધપાત્ર કામ કરી રહ્યાં છે અને તેમના ચાર સહિયારા પુસ્તકો પણ આવી ગયા છે.

તો આવો તપાસીએ દિના રાયચુરા લિખિત “એંઠવાડ” મનના માઇક્રોસ્કોપથી; વાર્તા અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

ત્રીજા પુરુષમાં કહેવાયેલી આ વાર્તા એના શીર્ષક ઉપરથી એક અંદાજ બંધાવે છે કે વાર્તામાં શું હોઈ શકે. કોઈના ઘરની વધેલી ચીજ ખાતી કોઈ વ્યક્તિ? વાર્તા શરૂ થાય છે, પ્રતિમા નામની સ્ત્રીની ભૌતિક સુખ સગવડોથી પરંતુ ચાર લાઈન વાંચતાં જ સમજાય જાય છે કે પ્રતિમા પોતે સુંદર નથી એ વાતથી પીડાય છે. પોતાની લઘુતાગ્રંથી પીડાતી પ્રતિમા પોતાના ઘરે કામ કરવા આવતી સ્ત્રીનું અપમાન કરે છે. વાતે-વાતે તેને પોતાની જૂની કામવાળી સુનંદા યાદ આવે છે ત્યારે આપણને સમજાય જાય છે કે વાર્તાનું અન્ય મુખ્ય પાત્ર સુનંદા છે. લેખક અહીં સુનંદાનું ચિત્ર ઉપસાવે છે અને વાર્તા પ્રતિમાના વાંઝિયાપણાં તરફ આગળ વધે છે. ઘણી મહિલાઓ પોતાની આસપાસના લોકોનું પ્રતિબિંબ પ્રતિમામાં અને સુનંદામાં જોઈ શકે છે એ લેખકની ઉપલબ્ધી છે.

એંઠવાડમાં શું હોઈ શકે? કોઈનું વધેલું ખાવાનું, કોઈની ઘરનો વધારાનો ગંદવાડ કે પછી... વ વાર્તાનો વ ફરી લઈને આવ્યું છે એક સાંપ્રત લેખક દ્વારા લખાયેલી વાર્તાનું વિવેચન.. દિના રાયચુરાની વાર્તા 'એંઠવાડ'

વાર્તાની થીમ :

ભૌતિક સુખ સગવડો વચ્ચે મહાલતી સ્ત્રી, કોઈ લઘુતાગ્રંથી અનુભવતી હોય તો ખરેખર કેટલી પીડામાં હોય છે અને પરપીડન તેને અસ્થાયી આનંદ તો આપે છે પણ અંતે તે પોતે એંઠવાડ ઉપર નભી રહી હોય તેવું અનુભવે છે. આ પ્લોટ ઉપર આખી વાર્તા રચાઈ છે અને છેક સુધી ખરી ઉતરે છે.

લઘુતાગ્રંથિથી પીડાતી સ્ત્રીની વ્યથા.

વાર્તાનો પ્લોટ :

પરિવેશ :

અન્ય આધુનિક વાર્તાઓની જેમ અહીં પણ ખાસ પરિવેશ ઉભો કરવામાં નથી આવ્યો છતાંય વાર્તા વાંચતાં વાચક મુંબઈમાં પહોંચી જાય છે. 

ફ્લોરથી સીલીંગ સુધીના અરીસા સામે પ્રતિમા ફેલાઈને બેઠી હતી. વૉકઇન વોર્ડરોબની બંને બાજુએ ઠાંસીઠાંસીને ભરેલા વોર્ડરોબફ્લોરથી સીલીંગ સુધીના અરીસા સામે પ્રતિમા ફેલાઈને બેઠી હતી. વૉકઇન વોર્ડરોબની બંને બાજુએ ઠાંસીઠાંસીને ભરેલા વોર્ડરોબ

શબ્દો પ્રતિમાના વૈભવ સૂચક પરિવેશ વૈભવ ઉભો કરે છે.

પ્રતિમાએ હેન્ડબેગ એડજસ્ટ કરી, બ્રાન્ડનો લોગો બરાબર દેખાય એમ. હીરાનું પેન્ડન્ટ ડ્રેસની અંદર ઘૂસી ગયું હતું એની જાડી ચેઇન સાથે છાતી પર બરાબર ગોઠવ્યું.

આ વર્ણન ફરી એકવાર પ્રતિમાના ભૌતિક સુખને દર્શાવે છે.

પાત્રાલેખન :

એક કુશળ ટૂંકીવાર્તાની માંગ મુજબ અહીં લેખકે એક જ પાત્રનું બરોબર પાત્રલેખન કર્યું છે તે છે પ્રતિમા.

પ્રતિમા પોતાનાં પ્રતિબિંબને ટગર ટગર જોઈ રહી. ભારેખમ લથડપથડ કાયા, ભીનો એટલે જરા વધારે ભીનો વાન, નમણાશ વગરના ચહેરા પરની ઉબડખાબડ ત્વચા અને પૂંછડી જેવા વાળ.

અહીં પ્રતિમાનો દેખાવ સ્થાપિત થાય છે.

માનું છું કે તારાં દેખાવને લીધે તારી સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા ઘણી ઓછી હતી પણ હવે તારો સ્વભાવ જોઇ એમ થાય છે કે

તારાં થોબડાં જેવું તારું મન અને મગજ છેને.. એથી પણ ખરાબ તારી જીભ છેમાનું કહ્યું માનવું મારી બહુ મોટી ભૂલ હતી, મોટી નહીં જીવલેણ ભૂલ.. સુધારી શકાય, સહી શકાય બસ એક સજાની જેમ જીવી લેવી પડે એવી ભૂલ.

આ શબ્દો વડે લેખકે પ્રતિમાના સ્વાભવ વિશે ટૂંકમાં જણાવી દીધું છે.

અઠવાડિયે એક કે બે વાર ઘરે જાય છે એમાં તોઅને અહીંતો.. વરસાદ મન મુકીને વરસેને.. તો ગમે તેવી ખડકાળ, બંજર જમીનને ફાડીને પણ છોડવું ઉગી આવે પણ અહીં તો ઝરમરનાયે ફાંફાં.

વરસાદના રૂપક વડે લેખકે અહીં પ્રતિમાના વાંઝિયા હોવાની તકલીફ અને પતિ દૂર રહે છે એ તકલીફ એક સાથે મૂકી દીધી છે.

પ્રતિમા સિવાય લેખકે અન્ય પાત્રોનું ટૂંકમાં પણ સચોટ આલેખન કર્યું છે.

1.  પ્રતિમાનો પતિ યતીન.આ આ પાત્ર દેખાવમાં સામાન્ય છે, પિતાના નામ વિનાનો અને કાળાધનને કારણે રૂપિયાવાળો છે. .

તું તો ક્યાંકનો રાજકુમાર લાગે છે ને   કંઇ! તારી શકલમાં હીરા જડ્યા છે શું? ડાચું જો ને અરીસામાં, તારા ડાબલા ચડાવીને..દોઢ આંખે દેખાશે તને?”

અહીં દેખાવનું લેખન કર્યું છે.

તનેય કોણ દેતુતું? તું તો તારી માનો હરામનો હમેલ હતો.

અહીં લેખકે હળવેથી યતીન અને પ્રતિમાના લગ્નનું કારણ પણ મૂકી આપ્યું.

યતીનનું કારખાનુ, ઓફિસ નજીકમાં  ક્યાંક છે. ખાલી નામ માટે….. મૂળ કામ સટ્ટો અને ક્રિકેટની બેટિંગનું. એમાં તો બધી છનાછની છે.

યતીનનું કામ અને  રૂપિયાની વાત અહીં મૂકવામાં આવી છે.

2.  પ્રતિમાની જૂની કામવાળી સુનંદા. આ પાત્ર એક ત્યકતા છે જે ખૂબ જ સુંદર, નરમ સ્વભાવની અને કાર્યકુશળ છે. પોતાના દેખાવને કારણે અવારનવાર પ્રતિમાના આક્રોશનો ભોગ બનતી રહે છે.

રસોઈની, બજારની કે બીજા કોઇ નાનામોટા કામની ઉપાધિ હતી. બે વરસ કંઈ જોવું નથી પડ્યું. મારો કારણ વગરનો ગુસ્સોને બેફામ બોલવાનું…..

અહીં સુનંદાની કાર્યકુશળતા ઉપર નિર્દેશ કરવામાં આવ્યો છે.

આનાં કરતાં સુનંદા સારી હતી. કેટલી નરમ હતી. કામથી કામ રાખતી. રજની પાછી રસોડામાંથી એની રૂમ તરફ ગઈ. એનાં છુટ્ટા વાળ જોઈને પાછું યાદ આવ્યું.

જગ્યાએ જગ્યાએ લેખકે સુનંદાના નરમ સ્વભાવ વિશે વાત કરી છે.

સુનંદાનો ઊંચો વાળેલો અંબોડો ખુલી ગયો અને એનાં કાળા લિસ્સા વાળ એની ગોરી  ચીકણી પીઠ પર થઇને કમરને ઢાંકતા નિતંબ સુધી ફેલાઈ ગયા.

એનો ગોરો ચહેરો રતુંબડો થઈ ગયો અને અચાનક થોડી વધારે સુંદર દેખાવા લાગી.

અહીં અલગઅલગ રીતે સુનંદાની સુંદરતા વિશેનું આલેખન થયું છે.

આ ત્રણ પાત્રો સિવાય રજનીબાઈ, માનસી, સોનલ અને તેના સાસુના પાત્રો વિશે વાત કરવામાં આવી છે.

મનોમંથન :

આખી વાર્તા ત્રીજા પુરુષમાં લખાઈ હોવા છતાં એમાં સતત મુખ્ય પાત્રનું મનોમંથન ઝીલાયું છે.  પ્રતિમા રોજ પોતાની જાત વિશે સતત મંથનમાં રહે છે અને પોતાના બચાવના ઉપાય પણ શોધી કાઢે છે.

જલસા! હા પણ હવે.. હવે તોઆનોય કંટાળો આવે છે. આટલુ બધુ વસાવીને, પહેરીને શું ફાયદો? શું કરું?”

આટલું બોલીને એ અટકી ગઈ હતી. માનસીના ચહેરા પર ઉત્સુકતા જોઈને એણે હોઠ સીવી લીધા. એ વાક્ય અત્યારે એણે મનોમન પૂરું કર્યું.” કંઇ શોભવુ પણ જોઈએને?”

ઉપરના વાક્યમાં પોતાને કાંઈ શોભતું નથી એ વાત પ્રત્યે પ્રતિમા પીડાય છે.

પોતાની શકલ સૂરત અને સુનંદાની સુંદરતા બંને અંતિમ છેડાના હતા. ભગવાને બંનેને નવરે દિવસે ઘડ્યા હતાં. પ્રતિમાને ઘડતી વખતે ભગવાન નું ટાંકણું સાવ અળવીતરું થઈ ગયું હશે. એને પોતાને સારી રીતે ખબર હતી કે એનું મન,મગજ અને સ્વભાવના પ્રતિબિંબો એનાં બહારના દેખાવને વધુ બગાડતા હતા. સતત ઝગડાળુ થતો જતો સ્વભાવ અને કડવી જીભને કારણે સગાંસંબંધીઓ દૂર થતાં ગયાં.

આ મનોમંથનમાં પણ પ્રતિમાનો સ્વીકાર છે.

સંઘર્ષ – પાત્ર પરિવર્તન :

આખી વાર્તામાં પ્રતિમાનો ખુદના દેખાવ અને સ્વભાવ પ્રત્યેનો સંઘર્ષ લેખકે વણી લીધો છે. પોતે સુનંદાને વગર વાંકે કાઢી મૂકી છે એ વસવસો પાત્રના  દરેક વિચારોમાં પડઘાય છે. સાથેસાથે એનું અભિમાન પણ છલકે છે.

અહીં કામે લાગી ગઈ છે! એને લાયક છે. મારા ઘરે શું વાંધો હતો? જુદો રૂમ, આખો દિવસ એસી માં રહેવાનું ને અહીં તો બે છોકરાઓના  ગૂમૂતર માંથી ઉંચી નહિ આવતી હોય.

વાસણો શાની પટકે છે? તારો મામો તને બે વરસથી મારે માથે નાખી ગયો છે ને હું નિભાવું છું! વરે તો સંઘરી નહીં ને મારો એંઠવાડ ખાઈને મારા માથે વાસણ પટકે છે?”

શરૂઆત.આ હંમેશા સુનંદાને હડધૂત કરતી  પ્રતિમા વાર્તાના અંતે સુનંદાને જોતા નરમ પડે છે ..

ચાલને માનતી હોય તો સમજાવું, રજનીબાઇ તો આમ પણ બેત્રણ મહિનામાં જશે, વિશ્વાસુ તો ખરી. બહુ થાય તો બે હજાર વધારી આપીશ. કહી દઈશ મારું મગજ ઠેકાણે હતું એટલે જરા વધારે પડતું.

વાર્તામાં એક પાત્રનું પરિવર્તન આવે છે, પ્રતિમા નહીં પરંતુ સુનંદાના. હંમેશા પ્રતિમાના કડવા વેણ સાંભળી લેતી સુનંદા અંતે સામો જવાબ આપે છે.

“એંઠવાડે ઓડકાર ન આવે બેન.. આ તો.. પ્રસાદના..”

ભાષાકર્મ :

આ વાર્તામાં લેખકે રોજબરોજની શિષ્ટ ભષાનો જ ઉપયોગ કર્યો છે. પરંતુ અમુક રૂપકો સરસ ટાંક્યા છે.

  1. વરસાદ મન મુકીને વરસેને.. તો ગમે તેવી ખડકાળ, બંજર જમીનને ફાડીને પણ છોડવું ઉગી આવે પણ અહીં તો ઝરમરનાયે ફાંફાં.
  2. ભગવાને બંનેને નવરે દિવસે ઘડ્યા હતાં. પ્રતિમાને ઘડતી વખતે ભગવાન નું ટાંકણું સાવ અળવીતરું થઈ ગયું હશે.
  3. હિમખડકની જેમ ઉભો હતો. હંમેશની જેમ

વિવેચકની વક્રદૃષ્ટિ :

આમ તો વાર્તા સરળ, સ-રસ અને ઝડપી છે પરંતુ વિવેચકની વક્રદૃષ્ટિ કરીએ તો,

  1. મૂઓ અરીસો પણ કેવો? એકાદ વાર ખોટુંય ના બોલે! કાયમ એની જાત પર જાય, બેશરમ કામવાળીઓની જેમજ! અમારા એંઠવાડ પર નભે ને…”

આ વાક્ય મને બિનજરૂરી લાગ્યું, કામવાળી સાચું બોલતા ડરતી હોય જ્યારે અરીસો એંઠવાડ (પ્રતિબિંબ) વગર નભે નહીં એવું તો ન જ હોય.

  1. સુનંદાનાં ખભા પર અને સામે સોફા પર સૂતેલા બાળકોના ચહેરા પરના અણસાર વાંચવાની જરૂર પડી. સામેની દિવાલે બનેલ ફોટોકોર્નરે આખી વાર્તા કહી દીધી.

આ વાક્યમાં પણ લેખક બધું કહેવાની લાલચ ન રોકી શક્યા.

આ ઉપરાંત એંઠવાડ શીર્ષક સિદ્ધ કરવા વારંવાર એંઠવાડ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રતિમાના સ્વભાવ, દેખાવ અંગે પુનરાવર્તન ટાળી શકાય એમ હતું.

સારાંશ :

મમતા સામયિક અને અક્ષરનાદ જેવી વેબસાઇટે આ વાર્તાને પ્રકાશિત કરી સન્માન આપ્યું છે એટલે એક સારી વાંચવા લાયક વાર્તા તો છે જ. જે રોજબરોજની ભાષામાં આપણી આજુબાજુ જ વસતી સ્ત્રીની વાત લઈને આવી છે.  લેખક પાસેથી હજુ ઉમદા વાર્તાઓ મળતી રહે તેવી આશાસહ અને આપના પ્રતિભાવની રાહમાં ..

“પરિયાવીતયી…” (ભારતીય ભાષા જ છે… જરા શોધો..)

– એકતા નીરવ દોશી

આપનો પ્રતિભાવ આપો....