મનની શાંતિ અને જીવનના બદલાયેલા લક્ષ્ય સાથે સમાધાન કરવા મથતા નાયકની વાત કહેતી ફિલ્મ એટલે ‘Sound of Metal’.
સાચવી રાખવા જેવું કંઈ જ ન રહ્યું,
સઘળું જ ખોવાયું હવે.
પરંતુ,
પેલી વાયેલેટ આંખની જેમ
શાંતિની એક આછી પાતળી રેખા હજી ય વસે છે દિલમાં.
– ડી.એચ.લૉરેન્સ.
કહેવાય છે કે દુનિયામાં બધું મળી શકે પણ મનની શાંતિ ન મળે. મનની શાંતિ જેને મળે એ માણસ ભાગ્યશાળી ગણાય. ભાગદોડ કરતા રહેવાથી લક્ષ્ય કદાચ મળે પણ એ લક્ષ્ય સાથે મન શાંત થાય એવું કોઈ કહી ન શકે.
એક માણસ લપસણી પાસે બેઠો છે. શૂન્યમાં તાંકી રહ્યો છે. કાનમાં નવી નવી બહેરાશ આવી ગઈ હોવાના કારણે દુઃખી છે. એની સાથે બહેરા મૂંગાની શાળામાં સાથે ભણતો છોકરો પણ છે. છોકરાંને રમવું હતું એટલે આ માણસ પણ વર્ગમાંથી એની સાથે બહાર આવેલો. છોકરો લપસણીના ઉપરના ભાગે અને માણસ છેક નિચલા છેડે બેઠો હોય. છોકરો લપસણીના પતરાં પર જોરથી હાથ પછાડીને અવાજ કરે, જે બન્નેમાંથી એકેય સાંભળી શકે એમ નથી. માણસ પહેલા ડ્રમર હતો. એને જૂની કળા યાદ આવે. એ પણ નીચે બેઠા બેઠા પતરા પર હાથ પછાડીને વગાડે. ઉપર છોકરો એનો અવાજ સાંભળવા કે વાઈબ્રેશન્સ જીલવા લપસણીના પતરા પર કાન માંડે. આમ બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થાય. સંગીતની રિધમનો આનંદ, બહેરાશ હોવા છતાં, એક પાસેથી બીજા પાસે પહોંચે. બન્નેના ચહેરા પર આનંદ આવે.
મનની શાંતિ અને જીવનના બદલાયેલા લક્ષ્ય સાથે સમાધાન કરવા મથતા નાયકની વાત કહેતી ફિલ્મ એટલે ‘Sound of Metal‘. કોઈએ કહ્યું છે કે ‘જીવન એટલે તમે જ્યારે પ્લાન બનાવવામાં વ્યસ્ત હોય ત્યારે બનતી અણધારી ઘટનાઓ’. ન ધારેલું બને અને શાંત પાણીમાં પથ્થર પડવાથી બનતા વમળોની જેમ જીવન ડહોળાય. પહેલાં જેવું ન રહે. નવી પરિસ્થિતિ સાથે સમાધાન ઘણા કરી શકે તો ઘણા ન કરી શકે.
ફિલ્મના પહેલા જ દ્રશ્યમાં નાયક રુબેનને એક અંધારી નાઈટકલબમાં ડ્રમ વગાડતો બતાવ્યો છે. શરીર પર ટેટૂની ભરમાર અને રંગેલા વાળ બતાવે કે આ માણસ ‘અલગ’ જીવન જીવવાવાળો છે. બેફિકરાઈ એના જીવન સાથે વણાયેલી હોય. ડ્રગ એડિકશન ગર્લફ્રેંડ મળ્યા પછી છોડ્યું હોય. એની ગર્લફ્રેન્ડ ગાયક હોય અને બન્ને એક આર.વી. વૅનમાં રહેતા હોય. વણઝારા જેવું જીવન જીવવું અને એક શહેરથી બીજા શહેરમાં કાર્યક્રમો કરતાં રહેવા એ બન્નેના જીવનનો ભાગ છે. એક સવારે રુબેનને પોતાની સાંભળવાની શક્તિ ઓછી થતી લાગે અને અચાનક સાવ ચાલી જાય. ડૉક્ટરસ એને ડ્રમ વગાડવાનું છોડી દેવા કહે. રુબેન માટે સંગીત એ જીવન હોય. એ છોડવું એના માટે અસહ્ય બને. ગર્લફ્રેંડ સમજાવે પણ આ માને નહીં.
ફિલ્મમાં એક નાસીપાસ અને પરિસ્થિતિના માર્યા વ્યક્તિની આંતરખોજ બહુ સરસ રીતે દર્શાવી છે. જીવનમાં માણસને શું જોઈએ?- આ પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયાસ આ ફિલ્મ કરે છે. તમારા સુખની ચાવી ક્યાં છે એ તમે શોધો તો મળે બાકી જીવન એકધારું જીવ્યા રાખો તો કોઈ ફરક ન પડે. ક્યારેક જીવન બદલાય એ માટે મુશ્કેલીઓ આવવી જરૂરી છે.
સુખી જીવનમાં બહેરાશના કારણે પલિતો ચંપાય. ગર્લફ્રેંડ રુબેનને, બહેરા મૂંગાને રાખતી સંસ્થામાં તે રહે એવા સારા આશયથી, છોડી દે. રુબેન હતાશ થાય. ગુસ્સે થાય. જાત પર ગુસ્સો કાઢે. પોતાની જીવનશૈલીના કારણે આવું થયું છે એ વાત એના દુઃખને વધુ ઘેરું કરે.
બહેરા મૂંગાની સંસ્થાનો સંચાલક રુબેનને એક બહુ સરસ વાત કહે. એ એને કહે કે તારે રોજ સવારે સાડા પાંચે ઉઠી જવાનું. તારા માટે એક રૂમમાં નોટ અને પેનની વ્યવસ્થા હશે. રોજ સવારે તારે ત્યાં બેઠા બેઠા મનમાં આવે એ લખવાનું. જ્યાં સુધી તને ઉઠવાનું મન ન થાય ત્યાં સુધી લખવાનું. આ વાત બહુ મસ્ત છે. માણસના મનમાં ચાલતા વિચારોના ઢગલા નીચે ક્યાંક મનની શાંતિ દટાયેલી હોય છે. એ બહાર કાઢવા માટે પહેલા વિચારોને ઉલેચવા પડે. લેખન એ માટે બહુ ઉપયોગી ક્રિયા છે.
ફિલ્મ બે કલાક અને દસ મિનિટ લાંબી છે. ફિલ્મની ગતિ બહુ ધીમી છે કારણકે નિર્દેશકે ઘટનાઓ કરતા એની અસરો પર વધુ ધ્યાન આપ્યું છે. તમે રુબેનની સાથે એની પીડામાં જોડાવ એવી નિર્દેશકની નેમ છે. શરૂઆતના દ્રશ્યોમાં પ્રેક્ષક તરીકે રુબેનની અચાનક આવતી બહેરાશ પ્રેક્ષકને કોઈ હૉરર ફિલ્મના દ્રશ્યો જોતા હોય એવો અનુભવ કરાવે. ફિલ્મનું સાઉન્ડ એડિટિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે રુબેન જે આછું પાતળું સાંભળે એ બધું જ પ્રેક્ષકો સાંભળે છે. આ કારણે પ્રેક્ષકો પણ રુબેનની પીડા સાથે જોડાય છે. રુબેનની જેમ પ્રેક્ષકો પણ ફિલમાં સામેની વ્યક્તિ શું કહે છે એ ન સમજાતા અકળામણ અનુભવે. નિર્દેશકનો આ માસ્ટર સ્ટ્રોક છે. સીધી વાત કહેવાને બદલે અનુભવ કરાવવો.
રુબેન જીવનમાં જે બેફિકરાઈથી જીવ્યો છે એ જ બેફિકરાઈથી શરૂઆતમાં બહેરાશના કારણે આવી પડેલી મુશ્કેલીઓ અને બદલાયેલી પરિસ્થિતિનો સામનો કરે છે. ફિલ્મ જેમ આગળ વધે તેમ ધીરે ધીરે થાકતો હોય એમ પણ લાગે. જ્યારે એની ગર્લફ્રેંડ છોડીને ચાલી જાય ત્યારે એનો ગુસ્સો અને નિરાશા અભિનેતા રિઝ એહેમદે સરસ ઝીલી છે.
ફિલ્મ પરફેકટ નથી. ક્યાંક એમ લાગે કે રુબેનની બહેરાશ અચાનક આવતા દર્શાવવાને બદલે ધીરે ધીરે આવતી દેખાડી હોત તો વધુ સારી અસર કરેત. તેમ છતાં ફિલ્મની મુખ્ય થીમ સરસ રીતે આવી છે.
રુબેનની ગર્લફ્રેન્ડ લૂ તેના કરતાં બહેરાશ વિશે વધુ ચિંતિત લાગે. રુબેન કાર્યક્રમો છોડવાની ના પાડતો હોય પણ લૂ તેને સમજાવીને બહેરા મૂંગાની સંસ્થામાં લઈ જાય. એના ભલા માટે તેને મૂકીને ચાલી પણ નિકળે.
સંસ્થાનો સંચાલક જૉ બહેરાશને શારીરિક ખામી નથી માનતો. એના મતે એ એક તાકાત છે. રુબેનને જોતા જ એ સમજી જાય છે કે રુબેને નવી આવેલી બહેરાશને સ્વિકારી નથી. જૉ પ્રયત્નો કરે છે કે રુબેન બહેરાશને ખામી તરીકે ન લે અને વ્યક્તિત્વના એક ભાગ તરીકે સ્વિકારે. આ વાત અને મનની શાંતિની શોધની વાત જ આ ફિલ્મને બીજી ફિલ્મો કરતા અલગ બનાવે છે. તમારી શારીરિક ખામીને વ્યક્તિત્વના ભાગ તરીકે સ્વિકારો અને એને તમારી તાકાત બનાવો નહિતર આખી જિંદગી એ ખામીના કારણે દુઃખમાં જશે.
રુબેન માટે તકલીફોથી છુટકારો મેળવવા જાતને બદલવી જરૂરી છે. બહેરાશ એના માટે એક તક છે જે જીવન બદલનારી છે. રુબેન પરિવર્તનને સ્વિકારીને બદલાય છે કે નહીં? એની ગર્લફ્રેંડ લૂ એને ફરી મળે છે કે નહીં? એ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા તમારે ફિલ્મ જોવી પડશે. ફિલ્મ ઍમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ છે.
રુબેનનું મુખ્ય પાત્ર ભજવતા ફિલ્મના અભિનેતા રિઝ અહેમદને ‘બેસ્ટ ઍકટર’નું ઑસ્કર નોમિનેશન મળેલું. જો કે એન્થની હોપકિન્સ એ કેટેગરીનો ઑસ્કર જીતી ગયેલા. રિઝ અહેમદ ‘બેસ્ટ ઍક્ટર’ની કેટેગરીમાં નોમિનેટ થનાર પહેલો મુસ્લિમ અભિનેતા છે.
પ્રેક્ષક તરીકે વિચારતા કરી મૂકે એવી અને ગંભીર વાતો સરળતાથી કહેતી ફિલ્મ.
છેલ્લી રીલ – “મનની શાંતિ ત્યારે જ મળે જ્યારે તમેં અલગ ભૂતકાળ હોય એવી ઈચ્છા છોડી દો.“- આ ફિલ્મનો એક સંવાદ.
— નરેન્દ્રસિંહ રાણા
અક્ષરનાદ પર પ્રસ્તુત નરેન્દ્રસિંહ રાણા દ્વારા આવી જ સરસ મજાની ફિલ્મના રિવ્યૂ અહીં ક્લિક કરીને માણી શક્શો.
Official Trailer
Sound of Metal, Movie Review, Gujarati,
Dear Narendrabhai, Thanks for introducing all the readers of Aaksharnaad to very good movie, brilliant story and most important – new way to learn to look at adversity, search for answers from the storm which gets created around us and most important sustain courage and peace in such difficult time.
સરસ. ચીલાચાલુ વિષયથી જુદી જ ફિલ્મની રસપ્રદ વાત.