શિક્ષણ બે પ્રકારનું હોય : ઔપચારિક અને અનૌપચારિક. શાળા વગેરે શૈક્ષણિક સંસ્થાઓમાં અપાતું પદ્ધતિસરનું શિક્ષણ ઔપચારિક શિક્ષણ છે જ્યારે કોઈ ચોક્કસ કોર્સ કે માળખા વિના આપવામાં આવતું શિક્ષણ અનૌપચારિક શિક્ષણ છે.
આમ તો દરેક બાળકનો પહેલો શિક્ષક તેની માતા જ હોય છે. માતા માટે એમ કહેવાયું છે કે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. પરંતુ બદલાતાં સમય સાથે લોકોની સમજ એવી થતી જાય છે કે બાળકને શાળાએ અને ટ્યુશનમાં મોકલી દેવાથી વાલીની ફરજ પૂર્ણ થઈ જાય છે, પણ એવું નથી. ઔપચારિક શિક્ષણમાં વાલીની ભૂમિકા કેવી હોય છે કે કેવી હોવી જોઈએ એ વાત આપણે આજના આ લેખમાં કરીશું.
વાલીની ભૂમિકા બાળકના જીવનમાં અનન્ય છે. બાળકની સાથે સંકળાયેલી દરેક બાબતમાં વાલી શું ભૂમિકા ભજવે છે તેના આધારે ઘણું બધું નક્કી થતું હોય છે. આજે જ્યારે આપણે ઔપચારિક શિક્ષણમાં વાલીની ભૂમિકાની વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ સંદર્ભે વાલીએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એમ બે ભાગમાં વાત કરીએ.
સૌપ્રથમ તો વાલીએ બાળકનું ઔપચારિક શિક્ષણ ગુણવત્તાસભર બને એ માટે શું કરવું જોઈએ? ભદ્રાયુભાઈ વછરાજાની એમના એક લેખમાં બહુ સરસ વાત કરે છે કે બે વ્યક્તિ જ્યારે પોતાની શારીરિક જરૂરિયાત પૂરી કરીને બાળકને જન્મ આપે છે ત્યારે તે મમ્મી-પપ્પા બને છે અને જ્યારે તે ભાવાત્મક લાગણીથી બાળકના વિકાસમાં જોડાય છે ત્યારે તે ખરાં અર્થમાં માતા-પિતા બને છે.
તમે ઘણીવાર સાંભળ્યું હશે કે વાલી અને ખાસ કરીને મમ્મીઓ એમ કહેતી હોય કે રજામાં બાળકો ઘરે સચવાતાં નથી. હમણાં લોકડાઉનમાં તો ઘણાં બધાંને શિક્ષકોને પગે લાગવાનું મન થઈ આવ્યું હતું. ઘણા બધા વાલીએ એવી અનુભૂતિ કરી કે 30-40 બાળકોને સાચવનાર શિક્ષક ખરેખર પ્રસંશાના હક્કદાર છે. પરંતુ મમ્મી-પપ્પા પોતાના બાળકને સાચવવામાં થાકી જાય અને રજાઓ પછી બાળકને શાળાએ મોકલવા તલપાપડ હોય, એ શું યોગ્ય કહેવાય? વાલીઓએ એ સમજ વિકસાવવી જોઈએ કે બાળકનો સર્વાંગી વિકાસ એ મારી જવાબદારી છે, હું બાળકને ઔપચારિક શિક્ષણ મેળવવા શાળાએ મોકલું છું, નહિ કે અમુક કલાક બાળક ત્યાં સચવાય એ માટે !
વાલીઓએ એ ખાસ સમજવું કે શાળા અને ટ્યુશનની ફી ભરી દેવાથી એમની જવાબદારી પૂર્ણ થતી નથી. બાળક શાળાએ કે ટ્યુશનમાં શું ભણે છે, શું કરે છે એની જાણ વાલીને હોવી જ જોઈએ. ઘણીવાર વાલીઓ એવું વિચારતા હોય છે કે બાળક બોર્ડના ધોરણમાં આવશે ત્યારે ધ્યાન આપીશું, બીજા બધા ધોરણમાં ધ્યાન આપવાની જરૂર નહીં. પરંતુ આ માનસિકતા ખોટી છે. ભલે બોર્ડની પરીક્ષા દસમા અને બારમા ધોરણમાં જ હોય, પરંતુ બાળકનો ક્રમશઃ વિકાસ તો દરેક ધોરણમાં થતો હોય છે. બાળકના ઔપચારિક શિક્ષણના એક એક પગથિયે એનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે જેટલું બોર્ડના ધોરણમાં બાળકનું ધ્યાન રાખવું જરૂરી છે.
ઔપચારિક શિક્ષણનો હેતુ બાળકના સર્વાંગી વિકાસનો હોય છે અને બાળકને તેની રસ-રુચિ પ્રમાણેની પ્રવૃત્તિમાં રસ લેતો કરવો એ શિક્ષકની ફરજ તો છે જ, છતાં જો શિક્ષક ઘણી બધી સંખ્યા વચ્ચે કે અન્ય કોઈ કારણસર બાળકની સુષુપ્ત શક્તિને ન ખીલવી શકે તો વાલીની ફરજ છે કે શાળામાં થતી પ્રવૃત્તિઓમાંથી બાળકના રસ-રુચિ પ્રમાણેની પ્રવૃત્તિમાં બાળકને ભાગ લેવા માટે પ્રેરણા પૂરી પાડે.
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે વાલીઓ શાળાની ભૌતિક સુવિધાઓ અંગે વધુ ચિંતિત હોય છે. શાળામાં જો ભૌતિક સુવિધાઓ ઓછી હોય તો વાલીઓ તરત ફરિયાદ કરવા પહોંચે છે. ખાસ કરીને ખાનગી શાળાઓમાં જ્યાં વાલીઓ વધુ ફી ભરતા હોય છે ત્યાં વધુ સુવિધાની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ જો શાળામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ન આપવામાં આવતું હોય તો બહુ ઓછા વાલીઓ ફરિયાદ કરવા જતા હોય છે. વાલીએ બાળક પાસેથી શાળામાં કેવું શિક્ષણ આપવામાં આવે છે એ જાણીને એ અંગે જો જરૂર હોય તો સૂચન કે ફરિયાદ અવશ્ય કરવા જોઈએ.
આ બધું વાલીએ કરવું જોઈએ એ રીતે અમુક બાબતો એવી છે કે જે વાલીઓએ ન કરવી જોઈએ. આજે જ્યારે ચારે તરફ ખાનગી શાળાઓના રાફડા ફાટી નીકળ્યા છે ત્યારે બાળકને શિક્ષણ અપાવવું એ જાણે એક ફેશન બની ગઈ છે અને બાળકને ‘દેખાવ’ માટે મોંઘી અને બિનજરૂરી વસ્તુઓ વાલીઓ તરત જ અપાવી દેતા હોય છે. બાળક એમ વાત કરે કે એના વર્ગમાં કોઈ બીજું બાળક આ પ્રકારની પેન કે આ પ્રકારનો કંપાસબોક્સ લઈ આવ્યું અને મારે પણ એ જોઈએ છે એટલે વાલીઓ તરત બાળકને એ વસ્તુ અપાવી દે છે.
વાલીઓએ ખાસ વિચાર કરવો જોઈએ કે આમ કરવાથી એ બાળકના સર્વાંગી વિકાસને અટકાવે છે. બાળકને જો માંગ્યું બધું મળશે તો તેને ક્યારેય કોઈ વસ્તુ મેળવવાનો આનંદ નહિ મળે. બાળક જ્યારે ઔપચારિક શિક્ષણ મેળવવાની શરૂઆત કરે છે ત્યારે એક રીતે તે સમૂહજીવન જીવવાની શરૂઆત કરે છે અને એટલે જ આ તબક્કેથી જ બાળકમાં નૈતિક મૂલ્યોનું સ્થાપન કરવાની શરૂઆત વાલીએ કરી દેવી જોઈએ.
વાલીએ ખાસ સમજવા અને સ્વીકારવા જેવી એક બાબત એ છે કે “દરેક બાળક અનન્ય છે.” ઘણીવાર તમે આ ઉદાહરણ સાંભળ્યું હશે કે માછલીને ઝાડ ઉપર ચડવાનું કહીને કે મગરને ઉડવાનું કહીને તેની પરીક્ષા લેવી યોગ્ય નથી. દરેક બાળક એ કુદરતનું વિશિષ્ટ સર્જન છે. દરેક બાળકની ખાસિયત, આવડત, ખામી વગેરે બધું અલગ હોય છે. પરંતુ વાલીઓ આ સત્યને સ્વીકારતા જ નથી.
દરેક વાલી પોતાના બાળકની સરખામણી વર્ગના સૌથી હોંશિયાર વિદ્યાર્થી સાથે જ કરે છે કે જે-તે વિદ્યાર્થીને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ આવ્યા તો પોતાના બાળકને ૫૦ ગુણ કેમ? જે-તે વિદ્યાર્થીનો વકતૃત્વ સ્પર્ધામાં નંબર આવ્યો તો પોતાના બાળકનો કેમ ન આવ્યો? પરંતુ વાલીએ એ સમજવું જોઈએ કે બધા બાળકો બધી બાબતમાં એકસરખા નથી હોતા. દરેક બાળક બધી બાબતોમાં એકસરખા હોત તો તો વર્ગોમાં સ્પર્ધા જેવું કંઈ હોત જ નહીં. દરેક બાળકનો પહેલો નંબર આવતો હોત. પરંતુ એવું નથી.
વાલી એમ ફરિયાદ કરે કે પોતાના બાળકને ગણિતમાં કેમ 100 ગુણ ન આવ્યા તો એ પહેલાં એ વિચાર કરવો જોઈએ કે શું પોતાના બાળકને ગણિત વિષય ગમે છે? શું તેને ગણિત વિષય ફાવે છે? વાલી એમ ફરિયાદ કરે કે પોતાના બાળકનો વકતૃત્વ સ્પર્ધામાં નંબર ન આવ્યો તો એ પહેલાં એ વિચાર કરવો જોઈએ કે શું પોતાનું બાળક સમૂહ વચ્ચે મુક્ત રીતે બોલી શકે છે?
ઘણીવાર બાળકની આજુબાજુની બદલાતી પરિસ્થિતિની બાળકના ઔપચારિક શિક્ષણ પર અસર થતી હોય છે. શાળામાં એક જ શિક્ષક દર વર્ષે બાળકના વર્તનમાં થતો ફેરફાર ન જોઈ શકે એવું મોટાભાગે બનતું હોય છે કારણ કે દરવર્ષે વર્ગશિક્ષક તથા વિષય શિક્ષકો બદલતા હોય છે. જ્યારે વાલીએ તો પોતાના જ બાળકનું ધ્યાન રાખવાનું હોય.
એ બાબત ખાસ નોંધવી જોઈએ કે શું બાળકના વર્તનમાં કે તેની અભ્યાસ પ્રત્યેની રુચિમાં કોઈ ફેરફાર થયો છે? શું બાળકને પહેલા જે વસ્તુ ગમતી એ વસ્તુ પ્રત્યે હવે તેને અણગમો થઈ ગયો છે? વાલી જો પોતાના બાળકની પ્રવૃત્તિ અંગે સજાગ રહે તો બાળકને ખોટા રસ્તે જતા અટકાવી શકે છે.
સમગ્ર વાતનો સારાંશ કહું તો વાલીએ એક સારા સુપરવાઈઝર બનવાનું છે. જેમ એક સુપરવાઈઝર દૂરથી બધું નિરીક્ષણ કરે અને જરૂર પડ્યે કોઈ વાતમાં વચ્ચે પડે એમ વાલીએ પણ બાળકની ‘સાથે’ રહેવાનું છે, બાળકની ‘માથે’ નહિ. બીજું કંઈ નહીં પણ વાલીઓ જો ફક્ત એક સત્યને સ્વીકારે લે તો વાલી-બાળક વચ્ચે અને વાલી-શાળા વચ્ચેના ઘણા સંઘર્ષોનો અંત આવી જશે અને એ સત્ય છે : દરેક બાળક અનન્ય છે અને મારું બાળક જેવું છે તે જ સ્વરૂપમાં હું તેનો સ્વીકાર કરું છું.
– હેમાંગી ભોગાયતા મહેતા
Hemangiben
Namaskar
you have tried lot to understand guardian relationship with their kids in super manner. thanks for your vision
ખુબજ સરસ