એંઠવાડ – દિના રાયચુરા 6


ફ્લોરથી સીલીંગ સુધીના અરીસા સામે પ્રતિમા ફેલાઈને બેઠી હતી. વૉક-ઇન વોર્ડરોબની બંને બાજુએ ઠાંસીઠાંસીને ભરેલા વોર્ડરોબને જોઈ એનું મોઢું થોડુંક વંકાયું. સામે અરીસામાં જોયું. “જલસા છે ને તારે તો! આટલો વૈભવ! સવારે માનસી સાથેની વાત યાદ આવી.”બ્રાન્ડેડ ડિઝાઈનર કપડાં., આટલા ફૂટવેર, પર્ફ્યુમ, બેગ્સ… શું નથી તારી પાસે?”

પ્રતિમાએ આજુબાજુ જોયું. માનસીને અપાતા અપાતા અધુરો રહી ગયેલો જવાબ યાદ આવ્યો.” જલસા! હા પણ હવે.. હવે તો… આનોય કંટાળો આવે છે. આટલુ બધુ વસાવીને, પહેરીને શું ફાયદો? શું કરું?”

આટલું બોલીને એ અટકી ગઈ હતી. માનસીનાં ચહેરા પર ઉત્સુકતા જોઈને એણે હોઠ સીવી લીધા. એ વાક્ય અત્યારે એણે મનોમન પૂરું કર્યું.” કંઇ શોભવુ પણ જોઈએ ને?” 

પ્રતિમા પોતાનાં પ્રતિબિંબને ટગર ટગર જોઈ રહી. ભારેખમ લથડ-પથડ કાયા, ભીનો એટલે જરા વધારે ભીનો વાન, નમણાશ વગરના ચહેરા પરની ઉબડખાબડ ત્વચા અને પૂંછડી જેવા વાળ. ખરેખર, ભગવાને નવરે દિ’એ ઘડી હશે.” કોણ બોલ્યુ હતું આવું? એણે દાંત ભીંસ્યા. ડ્રેસર પરથી પરફ્યુમની બોટલ ઉપાડીને અરીસા સામે ઉગામી ત્યાં દરવાજાનું હેન્ડલ ફર્યું. એણે બોટલને ડ્રેસર પર પટકી અને રજનીબાઈ પર છણકો કર્યો.” આ બાથરૂમની હાલત તો જો! કેટલા દિવસથી નથી ધોયો?” રાજનીબાઈનાં હોઠ પર વંકાયેલું સ્મિત આવીને તરત જતું રહ્યું હોય એવું એને લાગ્યું.” ભાભી, કાલે જ તો ધોયો હતો! અંદરનો અરીસો પણ બરાબર લૂછ્યો હતો. બતાવોને ક્યાંથી સાફ કરવાનો રહી ગયો છે.” 

“હા, હા ઠીક છે. બધી ટાઇલ્સની ધાર પર કેટલી બધી ચિકાશ છે!”

રજનીબાઈ કંઈ પણ જવાબ આપ્યાં વગર બાથરૂમમાં ગઈ. એણે ઉભા થઇને બધા જ વોર્ડરોબ. અને ડ્રેસર બરાબર લોક છે કે નહીં કે બે વખત ચેક કર્યું. બેડરૂમમાંથી બહાર આવીને ટેરેસગાર્ડનમાં ગઈ. મગજ ફાટફાટ થતું હતું. 

“આ મૂઓ અરીસો પણ કેવો? એકાદ વાર ખોટુંય ના બોલે! કાયમ એની જાત પર જ જાય, આ બેશરમ કામવાળીઓની જેમજ! અમારા જ એંઠવાડ પર નભે ને…”

ટેરેસગાર્ડનમાં જૂઇની વેલ જોઈને એને સુનંદા યાદ આવી. આ વેલ એણે જ વાવી હતી. “કેવી ઉભાઉભ કામ છોડીને જતી રહી! બાકીનો પગાર લેવા પણ ન આવી! કજાત બાઈ!” 

વળી મન પાછું પડ્યું. હજી તો વરસની આજુબાજુની વાત છે. એ હતી તો કેટલી શાંતિ હતી! ઘરની, રસોઈની, બજારની કે બીજા કોઇ નાનામોટા કામની ઉપાધિ જ ન હતી. બે વરસ કંઈ જોવું જ નથી પડ્યું. મારો કારણ વગરનો ગુસ્સોને બેફામ બોલવાનું….. ના  ના પણ….

પ્રતિમાને ખબર હતી કે એને સૌથી વધુ અકળામણ શેની હતી. પોતાની શકલ સૂરત અને સુનંદાની સુંદરતા બંને અંતિમ છેડાના હતા. ભગવાને બંનેને નવરે દિવસે ઘડ્યા હતાં. પ્રતિમાને ઘડતી વખતે ભગવાન નું ટાંકણું સાવ અળવીતરું થઈ ગયું હશે. એને પોતાને સારી રીતે ખબર હતી કે એનું મન,મગજ અને સ્વભાવના પ્રતિબિંબો એનાં બહારના દેખાવને વધુ બગાડતા હતા. સતત ઝગડાળુ થતો જતો સ્વભાવ અને કડવી જીભને કારણે સગાં-સંબંધીઓ દૂર થતાં ગયાં. “અને યતીન! શું કહ્યું હતું એણે?”

“માનું છું કે તારાં દેખાવને લીધે તારી સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા ઘણી ઓછી હતી પણ હવે તારો સ્વભાવ જોઇ એમ થાય છે કે…”

પોતે વળ ખાઈ ગઈ હતી.”કે શું? બોલ… પુરું કર.. બોલ.. શરુઆત કરી જ છે તો બોલી જ નાખ.” એણે યતીનને કૉલર પકડીને હચમચાવી નાખ્યો. એના શર્ટના બટન પણ તુટી ગયા. અને યતીન… એ તો હિમખડકની જેમ જ ઉભો હતો. હંમેશની જેમ. એણે ચીસ પાડી,”બોલ સાલા હ..”

યતીને પોતાનાં હાથ એના ખભા પરથી ખસેડ્યા અને બરફ જેવા ઠંડાગાર અવાજે કહ્યું, “તારા આ થોબડાં જેવું જ તારું મન અને મગજ છે… ને.. એથી પણ ખરાબ તારી જીભ છે… માનું કહ્યું માનવું મારી બહુ જ મોટી ભૂલ હતી, મોટી નહીં જીવલેણ ભૂલ.. ન સુધારી શકાય,ન સહી શકાય બસ એક સજાની જેમ જીવી લેવી પડે એવી ભૂલ.” અને એ ઘરની બહાર નીકળી ગયો.

એ ઘડીભર સ્તબ્ધ થઈ ગઈ. પછી ઉકળી પડી.”હા, હા! તું તો ક્યાંકનો રાજકુમાર લાગે છે ને કંઇ! તારી શકલમાં હીરા જડ્યા છે શું? ડાચું જો ને અરીસામાં, તારા ડાબલા ચડાવીને..દોઢ આંખે દેખાશે તને?”

અને બાકીનું પુરું કર્યું એ સાંભળવા યતીન હતો નહીં, જો હોત તો એ આગળ બોલવાની હિંમત ન કરી હોત. અને કરી હોત તો એ આજે આ ઘરમાં સો ટકા ન હોત.

“તનેય કોણ દેતુ’તું? તું તો તારી માનો હરામનો હમેલ હતો. તારી આ અટક જે તું લટકાવીને ફરે છે એ અટકવાળાને જોયો હોય એવો એક માણસ તો બતાવ!”

બે વરસ થયાં આ વાતને પણ એ દિવસથી ચણાતી દિવાલ પર રોજ એક નવો થર ઈંટનો ઉમેરાયા કરે છે. “એ રસોયાણીએ સમજાવ્યો કે દેખાવ ન જો, મોટુ કુટુંબ છે ને નાતજાતમાં ઊઠવા બેસવાપણું રહેશે એ નાના બાબાની જેમ સમજી પણ ગયો! હું પણ તેત્રીસ વર્ષે શું રહી ગઈ હતી?”

ત્યાં સામે રજનીબાઈ દેખાઈ. “રાત્રે શું બનાવવું છે ભાભી?”

પ્રતિમાની નજર રજનીનાં ઉપસેલા પેટ પર જરાક અટકી, પછી પોતાનાં ફૂગેલા પેટ પર અથડાઈ.”કંઇ નહીં, હું બહાર જાઉં છું, ભાઈ આવે ત્યારે પૂછીને બનાવી લેજે.” ફરી પાછી પેટ પર નજર પડી. 

selective focus photography of man and woman sitting on ground

“અઠવાડિયે એક કે બે વાર ઘરે જાય છે એમાં તો… અને અહીંતો.. વરસાદ મન મુકીને વરસેને.. તો ગમે તેવી ખડકાળ, બંજર જમીનને ફાડીને પણ છોડવું ઉગી આવે પણ અહીં તો ઝરમરનાયે ફાંફાં..”

પ્રતિમા રજનીબાઈને જતાં જોઇ રહી. કેવી લચકદાર ચાલ છે! નાકનકશો પણ ઠીકઠાક છે. અહીં આવ્યાં પછી લોહી પણ ભરાયું છે સાથે સાથે તોર પણ વધતો જાય છે. કાંઈ કરવું પડશે. આનાં કરતાં સુનંદા સારી હતી. કેટલી નરમ હતી. કામથી કામ રાખતી. રજની પાછી રસોડામાંથી એની રૂમ તરફ ગઈ. એનાં છુટ્ટા વાળ જોઈને પાછું યાદ આવ્યું.

ત્યારે સાવ નાની અમથી વાતમાં જરા વધારે બોલાઈ ગયું હતું. સુનંદા રોટલી વણતી હતી. એનાં ધાટીલા દેહનું કંપન પોતાને ડાઇનિંગ ટેબલ પર અકળાવી રહ્યું હતું. આગલી રાત્રે યતીનનો વધુ એક હડસેલો અને ફરાઇ ગયેલું પડખું..એને અચાનક ગુસ્સો આવવા લાગ્યો હતો. ત્યાં અચાનક સુનંદાનો ઊંચો વાળેલો અંબોડો ખુલી ગયો અને એનાં કાળા લિસ્સા વાળ એની ગોરી  ચીકણી પીઠ પર થઇને કમરને ઢાંકતા નિતંબ સુધી ફેલાઈ ગયા. 

એણે રોજ કરતા દસ ગણી વધારે તોછડાઈથી બરાડો માર્યો.”રસોડામાં ખુલ્લા વાળ ન રખાય એટલી અક્કલ નથી તારામાં?”

“બેન, આ બે રોટલી વણીને બાંધી લઉં છું.” સુનંદાએ શાંતિથી જવાબ આપ્યો  અને રોટલી વણવાનું ચાલુ રાખ્યું.”હમણાં ને હમણાં આ મિનિટે જ બાંધ!” સુનંદાએ વેલણ બાજુ પર મૂક્યું અને હાથ ધોવા લાગી. કોણ જાણે પોતાને એમ લાગ્યું કે એણે વેલણ પછાડ્યું કે શું? એના મગજને છટકવાનું બહાનું મળી ગયું.

“વાસણો શાની પટકે છે? તારો મામો તને બે વરસથી મારે માથે નાખી ગયો છે ને હું નિભાવું છું! વરે તો સંઘરી નહીં ને મારો એંઠવાડ ખાઈને મારા માથે જ વાસણ પટકે છે?” 

સુનંદાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એનો ગોરો ચહેરો રતુંબડો થઈ ગયો અને એ અચાનક થોડી વધારે સુંદર દેખાવા લાગી. પ્રતિમાને ખ્યાલ આવ્યો કે એને ખુલ્લા વાળમાં પહેલીવાર જોઇ.

ફોનની રીંગે એને વર્તમાનમાં લાવી, “આ માનસી પણ ઘર ભાળી ગઈ છે. ગમે ત્યારે આવી ચડે.” ફોન ન ઉપાડ્યો.

“અરે! મારે બોરીવલી ઈસ્ટમાં પહોંચવાનું છે. પાછા ફરતા યતીનને પુછી જોઈશ. સાથે ઘરે આવવાનું ફાવે એમ હોય તો. જવા દે.. જાતે જ આવી જઈશ. દસ ફોન પછી પણ ફોન લેશે કે નહીં કોણ જાણે!”

કેબમાં પણ વિચારો ચાલુ જ હતા.”બોરીવલી ઈસ્ટમાં કોણ જાણે કેવામાં રહેતી હશે! સ્કૂલને કોલેજમાં તો બ્યુટીક્વિન ગણાતી, ત્યાં જઈને પડી! બહુ વર્ષે મળશે. ત્યાં અમારા જુહુ જેવું તો નહીં જ હોયને!” પાછું અભિમાન ઉછળી આવ્યું.

“યતીને છેલ્લા પાંચ વર્ષમાં બહુ મોટો જમ્પ લઈ લીધો છે. બંડલના બંડલ મૂકતો જાય છે. સાત આઠ વર્ષમાં તો અમે, હું ક્યાંની ક્યાં પહોંચી ગઈ. આજે રીયુનિયન છે, વટ પડી જવાનો.”

મેઇનગેટની બહારથી સોસાયટીનું નિરીક્ષણ કરવા લાગી. ચાલો, ઠીક ઠીક મિડલ ક્લાસ સોસાયટી છે. યતીનનું કારખાનુ, ઓફિસ નજીકમાં  જ ક્યાંક છે. ખાલી નામ માટે….. મૂળ કામ સટ્ટો અને ક્રિકેટની બેટિંગનું. એમાં તો આ બધી છનાછની છે.

પ્રતિમાએ હેન્ડબેગ એડજસ્ટ કરી, બ્રાન્ડનો લોગો બરાબર દેખાય એમ. હીરાનું પેન્ડન્ટ ડ્રેસની અંદર ઘૂસી ગયું હતું એ એની જાડી ચેઇન સાથે છાતી પર બરાબર ગોઠવ્યું. આખરે કોલેજની સખીઓનું વીસેક વર્ષે રીયુનિયન થઈ રહ્યું છે. ઠસ્સો પાડી દેવો જરૂરી હતો. લેટેસ્ટ આઈફોન કાઢીને હાથમાં ગોઠવ્યો. બ્રેસલેટ, સૉલિટેરસ્ બધુ એડજસ્ટ કરતી કરતી ઉભી રહી. સરનામું બરાબર જોયું. હાશ! ગ્રાઉન્ડ ફ્લોર જ છે. કેમની રહેતી હશે આવામાં? વરસાદમાંતો કેવા પાણી ભરાતા હશે!

એ સોનલનાં ઘરમાં પહોંચી. ઘડિયાળમાં જોયું તો એ અડધો-પોણો કલાક વહેલી હતી. સોનલ પોતે પણ બહાર ગઈ હતી. એનાં સાસુએ એને આવકારી. એ હોલમાં બેઠી. રૂમાલથી પોતાને હવા નાખવા લાગી. સોનલનાં સાસુએ એને બાલકનીનાં દરવાજા પાસે ખુરશી મુકી આપી. આમ પણ ગરમ અને ભેજવાળી મુંબઈનગરીમાં ઓક્ટોબર હિટ હતી. એ ઉભી થઈને બાલ્કનીમાં ગઈ.

“સોનલ નાસ્તો લેવા ગઈ છે. તમે ચા કે કંઈ લેશો?” 

“હં.. ના માસી સોનલને અને બધાંને આવી જવા દો. પછી આરામથી…”ત્યાં એની નજર બાજુની બાલ્કની પર પડી. સામસામા હાથ લંબાવો તો અડી શકાય એટલું અંતર હતું.

“કેવી કંપની રહેને!” એણે સોનલનાં સાસુને કહ્યું.

“હા બહેન, થોડો બોલાશ તો રહે જ ને.. વાટકી વહેવાર પણ ખરો અમારે. હમણાં વરસ દિવસથી જ રહેવા આવી છે. ફ્લેટ તો એ પહેલાનો લઈ રાખ્યો હતો. આમતો અમારી જ ઈચ્છા હતી. પણ લોનનો મેળ..” 

પ્રતિમા હસી.”સાચી વાત છે માસી. મુંબઈમાં ફ્લેટ એટલે….” સોનલનાં સાસુએ આગળની વાત ચાલુ રાખી.  “હમણાંના એને બેલડાના બે છોકરાઓ છે એટલે એમાં જ અટવાયેલી હોય છે. એ ને એની કામવાળી મંડ્યા હોય છોકરાવ પાછળ. પણ ક્યારેક બેઉ એક સાથે રડે ત્યારે જોવા જેવી થાય.”

પ્રતિમાને થોડી થોડી મજા આવવા લાગી હતી. બહુ વખતે તેની સામે કોઈ આમ ખુલીને ગપાટા મારતું હતું. ત્યાં એની નજર બાલકનીમા ઊભેલી સ્ત્રી પર પડી. એના ખભા પર ટેકવેલા બાળકને એ તરસી નજરે તાકી રહી. એને બાળકનું મોઢું બરાબર દેખાતું હતું. બે આંગળા મોઢામાં નાખીને ચસ્ ચસ્ ચૂસી રહ્યું હતું. પેલી સ્ત્રી એને થાબડતાં થાબડતાં કાંઈક ગણગણી રહી હતી. ત્યાં જ એ સ્ત્રી ગોળ ફરી અને નીચે પડેલું કોઈ કપડું પગથી ઉચકીને બાલ્કનીની પાળી પર મૂક્યું. 

એનો ચહેરો અને બરાબર દેખાયો. “અચ્છા! તો અહીં કામે લાગી ગઈ છે! એને જ લાયક છે. મારા ઘરે શું વાંધો હતો? જુદો રૂમ, આખો દિવસ એસી માં રહેવાનું ને અહીં તો આ બે છોકરાઓના ગૂ-મૂતર માંથી જ ઉંચી નહિ આવતી હોય.”

ત્યાં વિચાર આવ્યો,” ચાલને માનતી હોય તો સમજાવું, રજનીબાઇ તો આમ પણ બે-ત્રણ મહિનામાં જશે, આ વિશ્વાસુ તો ખરી. બહુ થાય તો બે’ક હજાર વધારી આપીશ. કહી દઈશ મારું મગજ ઠેકાણે ન હતું એટલે જરા વધારે પડતું….”

ત્યાં સોનલનાં સાસુએ ફરીથી શરૂ કર્યું,” એની કામવાળી બાઈ છે ઉંમરવાળી એટલે કે પચાસની આસપાસ.” પ્રતિમા ફોનમાં જોયા કરતી હતી. “એટલે સુનંદાને સારું પડે.. શરીરમાં પણ આમ જરા સરખી છે તમારી જેમ, પણ સ્ફૂ્ર્તિ સારી, સુનંદાને દીકરીની જેમ સાચવે છે.”

“પ્રતિમાનું મગજ ચકરાવે ચડ્યું. સુનંદાએ ગઈ દિવાળી…. ના…. ના….. બરાબર ગણપતિ તહેવાર વખતે જતી રહી. અને આ દિવાળી આવવામાં જ અને ચાર-પાંચ મહિનાના છોકરાઓ…”

પ્રતિમાં લાગલી જ ઉભી થઈ ગઈ. “અહીં નેટવર્ક નથી..” બોલતાં બોલતાં બહાર નીકળી. દરવાજો ખેંચવાનું ના ભૂલી. સામેના ફ્લેટની બેલ મારવા લાગી. “આખરે વાત શું છે?” 

ભારે શરીરવાળી બાઈએ દરવાજો ખોલ્યો.” સુનંદા છે?” કહેતીક સીધી અંદર ઘૂસી ગઈ. સુનંદાનાં ખભા પર અને સામે સોફા પર સૂતેલા બાળકોના ચહેરા પરના અણસાર વાંચવાની જરૂર ન પડી. સામેની દિવાલે બનેલ ફોટોકોર્નરે આખી વાર્તા કહી દીધી. 

પ્રતિમાનાં નસકોરાં ફુલી ગયા. સાંકડા કપાળ પર ગુસ્સાની રેખાઓ અંકાવા લાગી.”સાલી હલકટ, રાં….  મારો એંઠવાડ ખાતાં ખાતાં…!” 

બેઉ છોકરા પર નજર ફેરવતાં સુનંદા બોલી,”એંઠવાડે ઓડકાર ન આવે બેન..આ તો.. પ્રસાદના..”
થોડી વાર પછી સોનલનાં ઘરમાં ચર્ચા થઈ.. “પણ સમજાયું નહીં સોનલ, તારી બહેનપણી કેવી ઠસ્સામાં આવી હતી.” વચ્ચે જ સોનલ બોલી, “એમ મમ્મી! કૉલેજમાં તો સાવ કેવી..”

“અરે માસી, સાવ ચીબરી જેવી લાગતી..તમે જુઓ તો એના મોઢાં ઉપરથી માખ ન ઊડે!” બીજી બહેનપણી બોલી.સોનલનાં સાસુ બોલ્યા,”હા, એવું જ મોં થઈ ગયું હતું બિચારીનું, સોનલ જરા ફોન કરને, એવું તો શું બની ગયું!”

“મમ્મી,એ જ કરું છું. બિઝી આવતો હતો, હવે સ્વિચ ઑફ આવે છે.” 

– દિના રાયચુરા


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “એંઠવાડ – દિના રાયચુરા