સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૩) – સ્વાતિ મુકેશ શાહ 14


ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો.

સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૧) અને સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૨) અહીં ક્લિક કરીને વાંચી શક્શો. પ્રસ્તુત છે ત્રીજો ભાગ.

મિત્રો મેં જે જગ્યાએ જવાની વાત કરી હતી તે છે અરુણાચલ પ્રદેશમાં આવેલું ઝીરો નામનું ગામ. અરુણાચલ પ્રદેશના લગભગ ઉત્તર પૂર્વી ભાગમાં આવેલું આ ગામ તેની વિશેષ જાતિના લીધે વધારે પ્રચારમાં આવેલું છે. નામેરીથી લગભગ બસો બોંતેર કિલોમીટર જવાનું હોવાથી અમે સવારે સાડાપાંચ વાગે ઝીરો જવા નીકળી ગયા. રસ્તો શરૂઆતમાં ઢોળાવ વાળો હતો પછી સીધો રસ્તો શરુ થયો. આપણે અરુણાચલ પ્રદેશના નકશામાં જોઈએ તો નામેરી થી લગભગ પૂર્વી ભાગમાં સીધી લીટીમાં દેખાય. આપણને થાય કે ઓહ્હ આટલું જ છે. પણ જયારે રસ્તાનો નકશો જોઈએ તો આખું ફરીને જવાનો રસ્તો દેખાય. વચ્ચેના પહાડી વિસ્તારના લીધે આખુ ફરીને જવાનો રસ્તો છે.

અમે અમારી સાથે લીધેલી સેન્ડવીચથી જમવાનું પતાવી લીધું. પાંચહજાર ચોપ્પન ફીટ પર આવેલા ઝીરો ગામના વિસ્તારમાં લગભગ ત્રણ વાગ્યાની આસપાસ પહોંચ્યા. અમે સીધા આપાતાની લોકોના ગામ તરફ ગયા. સૌ પહેલા જે ગામ આવ્યું ત્યાં લગભગ બધાં ઘર બંધ હતા. રીતસર ખુલ્લા ઘર દેખાય તો અમે ડોકાચીયા કરી અંદર જોતાં. એક બે જગ્યાએ વૃધ્ધ બહેનો દેખાઈ તો અમે ફોટા પાડી શકીએ એમ પુછ્યું તો ઇશારાથી પૈસા માંગ્યા. અહીંયા પરદેશીઓ આવી પૈસા આપી ફોટા પાડી જતા હોવાથી આ લોકોને આમ ટેવ પડી હશે તેવું માનવું છે.

એવું કહેવાય છે કે આપાતાની સ્ત્રીઓ બહુ રુપાળી હોવાથી આજુબાજુના વિસ્તારના જેમકે નિશી જાતિના પુરુષો તે સ્ત્રીઓને ઉપાડી જતા. આમ કનડગત વધતા ત્યાં બધી સ્ત્રી માટે પોતાની જાતને કદરૂપી બનાવી દેવાનો રીવાજ પ્રસ્થાપિત થયો. હવે કદરૂપી બનવા પોતાના મો ઉપર કપાળના ભાગથી નાક સુધી ઊભી લીટી ત્રોફાવી હતી.(ટેટુ) અને હોઠથી દાઢી સુધીના ભાગમાં પાંચ ચાર ઊભી લીટી ત્રોફાવતી. હજુ વધારો કરવા નાકમાં અને કાનમાં મોટા કાળા પથ્થરની ચુની અને બુટ્ટી પહેરતા. આપણે એમની સામું જોઈએ તો ચહેરો એકદમ વિચિત્ર જ લાગે.

રસ્તામાં ખેતરોમાં કામ કરતી ઘણી સ્ત્રી જોવા મળી પણ જેવો તેઓ કેમેરા જુવે કે ઉંધી ફરી જાય. ત્યાંથી અમે બાજુના હરિ ગામમાં ગયાં. ત્યાં થોડા લોકો જોવા મળ્યા. ગામ માં એક છોકરો મળ્યો જે અમારી પાછળ પાછળ આવતો હતો. તેના પહેરવેશ પરથી એવું લાગ્યું કે તે કોઈ મોટા શહેરની મુલાકાત કરી આવ્યો હશે. ભાંગ્યું તૂટ્યું યસ, હિયર, ધેર બોલી જાણતો. અમારા ગાઈડે એની સાથે વાત કરી તો તે અમારી સાથે ફરી અને ગામ બતાવવા તૈયાર થઇ ગયો. તેને ભાંગ્યું તૂટ્યું હિન્દી પણ આવડતું હતું એટલે તે સાંભળી અમને મજા આવી. ત્યાંના બધાં ઘર વાંસના પાયા બનાવી ઉપર બનાવેલા હતા. કારણ પુછતા જણાવ્યું કે ઘરમાં પાણી નાજાય, ઉંદરથી પણ બચે માટે આવા ઘર બનવવામાં આવે છે.

અમે આગળ ગયાં તો ઘણાં ઘરની આગળના ભાગમાં એક સ્તંભ પર કુકડાના પીંછા લટકાવેલા જોવા મળ્યાં એટલે જિજ્ઞાસા વધી પાછુ એનું કારણ પુછ્યું તો જાણવા મળ્યું કે અમુક પ્રકારની ધાર્મિક વિધિ કરી હોવાથી આમ કુકડાના પીંછા લટકાવાય છે. આ પછી અમે હોંગ ગામ જોવા ગયા. હોંગ માટે કહેવાય છે કે સૌથી જુનું અને મોટું ગામ આ છે. પણ પહોંચતા અંધારું થઇ ગયું હતું એટલે પાઈન બ્લ્યુ હોટલ પર જઈ સુપ અને બિરિયાની જમી વહેલાસર ઊંઘી ગયાં.

સવારે વહેલા છ વાગે તૈયાર થઇ સાડા છ વાગે પેલા છોકરાને હરિ ગામ લેવા ગયાં. ત્યાં એક બે ઘરમાં અંદર ગયા. અંદર જઈ જોયું તો એક મોટો ઓરડો જોવા મળ્યો.તેમાં એક બાજુ વાસણો વગેરે હોય એટલે સમજાઈ ગયું કે તે ભાગ રસોઈ કરવા વાપરતા. બીજી બાજુનો ભાગ સુવા માટે વપરાતો હતો. રૂમની વચ્ચે આગ સળગાવી માંસ શેકાતું હોય અને વાંસના એક પ્રકારના પાઈપ જેવામાં ભાત રંધાતો હતો. અમે આગળ વધ્યા ત્યાં એક ચોરા જેવું આવ્યું. ત્યાં વચ્ચે વાંસનું પ્લેટફોર્મ જેવું બનાવેલ હતું.

નજીક જઈ જોયું તો તે પ્લેટફોર્મ પર ચાર પાંચ પરુષ બેઠા હતા અને વચ્ચે મુખ્ય પુજારી બેઠા બેઠા મંત્રોચ્ચાર કરતા હતા. પ્લેટફોર્મને એક છેડે મિથુન બાંધેલો હતો. જે બ્રાઉન રંગની એક ગાય હતી. પુજારી એકદમ ટ્રેડીશનલ કપડામાં હતા. અમને આગળ વધતા જોઈ રોકાવાનું કીધું. થોડીવાર પછી આંખું ગામ ત્યાં ભેગું થવાનું હતું અને તે ગાયનો ભોગ ચઢાવી આખા ગામના લોકો તેનો પ્રસાદ લેશે. અમને તેવી ક્રિયા જોવામાં રસ નહોતો એટલે અમે આગળ વધ્યા. બધે શાંતિથી ફોટોગ્રાફી કરી, જનજીવન જોયું અને લગભગ સાડાનવ વાગે કાઝીરંગા લગભગ ૩૭૫ કિલોમીટર  જવા નીકળ્યા.

એટલે પાછા અરુણાચલ પ્રદેશમાંથી આસામમાં આવ્યા. રાતની વધેલી બિરિયાની પેક કરી લીધેલી હતી એટલે બપોરનો જમવાનો સમય બગાડવાનો નહોતો તેમ છતા બે વાગે બપોરે સહેજવાર ઉભા રહી જમી લીધું.  રસ્તો સૌન્દર્યથી ભરેલો. કઈ બાજુ જોવું તે વિચારવું પડે લગભગ પાંચ વાગ્યા પછી કાઝીરંગા ના કોહરા વિસ્તારમાં આવેલા જુપુરી ઘર કેમ્પ પર પહોંચ્યા. સુંદર મજાની આઠ કોટેજ બનાવેલી હતી. આજુબાજુના બગીચાને લીધે તે વધારે રળિયામણી લાગતી હતી. લગભગ સાત વાગે તો અમે જમીને સુઈ ગયા.

તમને થતું હશે કે આ બધી જગ્યાએ લગભગ શબ્દ કેમ વાપરે છે! એનું એકજ કારણ કે મેં આ પ્રવાસ નવેમ્બર બેહજાર નાવમાં કર્યો હતો એટલે લખવામાં કદાચ ચૂક થઇ જાય તો તમે માફ કરી શકો. ચાલો પાછુ સવારે પાંચ વાગે ઊઠી સાડા પાંચની હાથીની સફારી લેવાની છે.  

વહેલી સવારે સાડાપાંચ વાગે નીકળી કાઝીરંગા ગેઈમ સેન્ચુરીની વેસ્ટર્ન રેઇન્જ માં હાથીની સફારી માટે પહોંચી ગયાં. કાઝીરંગાનું  જંગલ ચર્સોત્રીસ સ્વેર મીટરમાં વિસ્તરેલું છે. પ્રવાસીઓ માટે એમાં ચાર વિભાગ પાડેલા છે. સેન્ટ્રલ રેઇન્જ, વેસ્ટર્ન રેઇન્જ, ઇસ્ટર્ન રેઇન્જ અને બુરાપરા રેઇન્જ. હાથીની સફારી એકલા વેસ્ટર્ન રેઇન્જ માંજ છે.

એક હાથી ઉપર ચાર જણા બેસાડીને જંગલમાં લઇ જવામાં આવે છે. અમારો વારો આવતા અમે હાથી પર બેસી ગયા. અમારી સાથે દિલ્હીનું એક કપલ હતું. મજાના માણસો હતા. જંગલમાં ઘણું ઊંચું ઘાસ હતું. એને એલીફન્ટ ગ્રાસ કહે છે. કારણ આખો હાથી જતો હોય તો પણ તમને એ ઘાસમાં ના દેખાય. વહેલી સવાર હતી એટલે ધુમ્મસ પણ ઘણું હતું. રસ્તામાં એકાદ જંગલી હાથી, એક શીંગડાવાળો ગેંડો અને છુટાછવાયા હરણ જોવા મળ્યા.

એક કલાક આમ હાથી ઉપર ફરી અમે પાછા આવ્યા. સવારનો નાસ્તો પતાવી અમે સેન્ટ્રલ રેઇન્જમાં જીપ સફારી લેવાના હતા. હાથી પર અમારી સાથે જે યુગલ હતું તેમની સાથે વાત કરી તો તેઓ પણ અમારી સાથે આવવા તૈયાર થઇ ગયા. હોટલ ઉપર નાસ્તો કરી ફરી મળવાનું નક્કી કરી છુટા પડ્યા.

સવારનો નાસ્તો પતાવી જીપ સફારી માટે નીકળ્યા. જંગલ પરમીટ બતાવવા ઉભા રહ્યા ત્યાં મુકેશ બોલ્યો કે સ્વાતિ આજે તને વાઘ બતાવીશ. ડ્રાઈવર સાથે બધાં હસવા લાગ્યા. અમારા જંગલના મર્ગદર્શક બોલ્યા કે મેં પણ આટલાં વર્ષોમાં વાઘ જોયો નથી. ગુજરાતથી વધારે ટુરીસ્ટ આવતા હોવાથી એલોકો પણ થોડું ઘણું ગુજરાતી સમજતા થઇ ગયા હતા. દિલ્હીના મી.સમશેર અને તેની પત્ની નીતા પણ અચરજમાં પડી ગયા. પણ મુકેશના મોટા કેમેરા અને લેન્સ જોઈ જરા એની વાતમાં વિશ્વાસ પડ્યો હોય તેવું લાગ્યું. હું મનમાં મારક્તી રહી.

આટલાં ઊંચા ઘાસમાં વળી વાઘ દેખાતો હશે! હું આટલાં જંગલ ફરી પણ મારે હજુ વાઘ જોવાનો બાકી હતો. એટલે મનમાં થયું કે મુકેશના શબ્દો ફળે તો મજા આવે.આગળ વધતા એજ એક શીંગડા વાળા રાહીનો, હરણ વગેરે જોવા મળ્યા. ત્યાં રસ્તામાં એક ઝાડ ઉપર ખૂબ સરસ હોર્નબીલ પક્ષીના ટોળા દેખાયા એટલે મેં ઉભા રહેવા કીધું તો ડ્રાઈવરે કીધું કે પાછા આજ રસ્તે આવવાનું છે. આગળ વધ્યા. કંઈ ખાસ દેખાયું નહિ એટલે આગળ વધ્યા. પેલા ઝાડ પાસે ઉભા રહ્યા.

અમારા ડ્રાઈવરે કહ્યું કે જીપને પંક્ચર પડ્યું છે. એટલે અમારે માટે ટાયર બદલાય ત્યાં સુધીનો બોનસ સમયની મજા લેવાની હતી. બધાં હોર્નબીલના ફોટા પડતા હતા અને હું અને અમારા જંગલ ગાર્ડ ભુવનભાઈ બાજુ પર આવેલા વોચ ટાવર પર ચઢ્યા. દુર દુર હાથી દેખાતા હતા. પછી તો બધાં ટાવર પર આવ્યા. ત્યાં ભુવનભાઈ એ ધીમેથી બોલ્યા કે મેમ ઉસતરફ દેખિયે બાઘ હૈ.

તે વાઘ જોતાં હતા ત્યાં પાછળ બીજા બે વાઘ દેખાયા. અમારી ખુશાલીનો તો કોઈ પાર ના રહ્યો. પણ તેઓ બાજુમાં રહેલા ઊંચા ઘાસમાં છુપાઈ ગયા હતા. અવાજ સંભળાય એટલે અમને તે જગ્યા છોડવાનું મન નહોતું થતું. પણ જંગલનો બંધ થવાનો સમય પણ જોવાનો હોવાથી અમારે ઉત્સાહ સાથે બહાર નીકળવું જ રહ્યું. અમારા જંગલ ગાઈડ બોલ્યા કે સવારે અગિયાર વાગે આવી રીતે વાઘ દેખાવા એ નસીબની વાત છે. અમે પાછા આવ્યા ત્યાં સુધીમાં આખા જંગલખાતાની ઓફિસમાં સમાચાર પહોંચી ગયા હતા કે અમે ત્રણ વાઘ જોયા.

પાછા આવ્યા ત્યારે અમારા ગાઈડ રાજ પર પણ જંગલ ખાતા માંથી ફોન આવી ગયો હતો કે એમને કહેશો કે ફોટા મોકલાવે. તેમને રેકોર્ડ તરીકે જોઈતા હતા. અમે ફ્રેશ થઇ બપોરનું જમી બે વાગે ઉત્સાહભેર પાછા વેસ્ટર્ન રેઇન્જ માં સફારી કરવા નીકળ્યા. થોડેક આગળ નીકળ્યા હોઈશું અને એક જંગલી હાથી રસ્તો ઓળંગી જતો હતો. અમારે જીપ રોકવી પડી. હાથી રસ્તો ઓળંગી આગળ બાજુના ઘાસમાં ગયો પછી અમે આગળ વધ્યા. લગભગ કલાકેક ફરી પાછા આવ્યાં. આરામ કરી વાતો ને વાગોળતા બેઠા. અને રાતના વહેલા સુઈ ગયા.

આ સફરનો આનંદ આપને અચૂક આવ્યો હશે. હવે આનાથી જુદી જ જગ્યાનો આનંદ કરવા તૈયાર રહો આવતા અંકે…

– સ્વાતિ મુકેશ શાહ


આપનો પ્રતિભાવ આપો....

14 thoughts on “સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૩) – સ્વાતિ મુકેશ શાહ

 • janirita2014

  સ્વાતિ બેન, મે પણ તમારી સાથે virtual ટુર નો આનંદ માણ્યો. એક તો આ બધી જ જગ્યાઓ ઓછી જાણીતી છે. તેનું રસપ્રદ વર્ણન સાથે ત્યાંના સામાજિક જીવન અને સંસ્કૃતિ અને સુંદર ફોટાઓથી લેખને ચાર ચાંદ લાગી ગયા. અભિનંદન.

 • Mita Mehta

  ઝીણી ઝીણી વસ્તુઓ ની પણ સરસ નોંધ લીધી છે, સફર કરવાની ખૂબ મઝા આવી,
  Thanks for sharing details in deep
  Eagerly Waiting for next✍️

 • Mita Mehta

  ખૂબ સુંદર વર્ણન ઝીણી ઝીણી વસ્તુઓ નુ પણ કર્યુ છે, સફરની ખૂબ મઝા આવી .
  Thanks for deep information, eagerly awaiting for next.

 • Vandan Dalal

  હિન્દુસ્તાન ના આ એક બીજા છેડા ની વાત આજે તો કાલ્પનિક લાગે તેવી છે પણ કોવિડ પછી ના સારા સમય માં આ સ્થળો જોવા દોડી જવાનું મન થાય છે. અહી નૈસર્ગિક સુંદરતા ની સાથે અહીં સાહસ પણ છે અને સંપૂર્ણ જુદી સંસ્કૃતિ ના દર્શન થઈ શકે છે. સુંદર પ્રવાસ વર્ણન બદલ સ્વાતિ બહેન નો ખૂબ ખૂબ આભાર.