આપણા ગુજરાતી ઈ-પુસ્તકાલયને સમૃદ્ધ કરવા આજથી ડાઊનલોડ વિભાગમાં ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ શ્રી વેણીભાઈ પુરોહિતના કેટલાક કાવ્યોનો સંકલિત સંગ્રહ, જેનું શીર્ષક છે ‘કાવ્ય-કોડિયાઁ’. મૂળે લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત આ પુસ્તિકાનુઁ અક્ષરનાદ ફક્ત ઈ-સંસ્કરણ પ્રસ્તુત કરી રહ્યુઁ છે. પ્રસ્તુત પુસ્તિકામાં પદ્યસર્જનમાં સિદ્ધહસ્ત કવિ શ્રી વેણીભાઈની અનેકવિધ પ્રકારની અને બહુરંગી કૃતિઓ આપ માણી શક્શો. આ જ પુસ્તકમાંની બે રચનાઓ અત્રે પ્રસ્તુત કરી છે.
૧. બ્રાહ્મમંગલા
વાય વેણુ પરોઢધૂન માંડી,
ને નાચે છે નોબતની દાંડી,
હો દેવ ! આજે જાગો !
વેદ ગુંજે છે છંદ,
ગેબ ગાજે પડછંદ,
મારાં નયનોના નંદ—
દેવ જાગો…
મારા મંદિરના દેવ, આજ જાગો…!
મને રાખી અણજાણ,
રોજ ઊગો છો ભાણ !
આજ મનખાની આણ–
દેવ જાગો…
મારા હૈયાના દેવ ! આજ જાગો…!
નાથ ! જુગ જુગનાં ઘેન આજ છાંડો,
સૂનાં તલખે છે ચૌદે બ્રહ્માંડો,
પ્રેમમંગલ બે લોચનિયાં માંડો–
હો દેવ, આજ જાગો…
મારા માનવના દેવ, આજ જાગો !
૨. અમલકટોરી
ભર મન ! બ્રહ્મપ્રેમનો પ્યાલો રે
મને હરિરસ વ્હાલો રે….
અંગૂર ને આંબાના રસને મનથી મૂકી દીધો,
સતવાયકનો લીલો લીમડો ઘૂંટી ઘૂંટી પીધો:
મારગ સુરગંગાનો લીધો.
–ભર મન.
માયાનાં ધાવણ ધાવેલું મનડું મારું ઝેરી,
હૈયાના કંગાલ મનોરથ દીધા આજ વધેરી:
વાગી અનહદની રણભેરી.
–ભર મન.
કાળતણું કરજુગલ બિચારું રગડે છો તન-માટી,
જીવનની લાખેણી ખલમાં બ્રહ્મભક્તિ મેં વાટી:
મારે ઊંચી આત્મ-સપાટી.
–ભર મન.
સંતન! મેં સંજીવન પીધું, ગયો કાળ-ઘા ઠાલો,
’આખર’ની વૃન્દાવનકુંજે ગુંજત મુરલીવાલો:
ઊડે ચેતનરંગ-ગુલાલો.
–ભર મન.
રગરગ બ્રહ્મભાવના ફોરી !
પીધી હરિરસ-અમલકટોરી !
– વેણીભાઈ પુરોહિત
પુસ્તક ડાઊનલોડ કરવા જાઓ અક્ષરનાદ ડાઊનલોડ વિભાગ.
એક ઝલક આટલી અદભુત છે તો આખો સંગ્રહ તો મનને રસ તરબોળ કરી મુકશે. આભાર.
Wah jivanni lakheni khalma
Bhram bhaktime vati