સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૨) – સ્વાતિ મુકેશ શાહ 20


અહીંયાના ઘણાં લોકો માને છેકે જસવંતસિંહનો આત્મા હજુ આ વિસ્તારમાં રહે છે. એમના સમાજના લોકો પત્ર પણ લખે છે અને ખાસ તો જો પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો પહેલી આમંત્રણપત્રિકા આ જગ્યાએ મૂકી શુકન કરે છે.

મિત્રો હવે તવાંગની સુંદરતા જોવાનો હવે સમય નજીક આવ્યો તેમ મારી આતુરતા વધતી ગઈ. વાંચીને તમને પણ લાગશે કે આતુરતા વધે એવું જ છે. સવારના આંખ વહેલી ખુલી ગઈ. આગલે દિવસે અમારા માર્ગદર્શક ભાઈએ જે રીતે રસ્તાનું વર્ણન કર્યું હતું તે વિચારતા પેટમાં ગોટા વળવા શરુ થયા. આગળ આવનાર સૌન્દર્યની કલ્પના કરતા બધું ભુલાઈ ગયું. અમે લગભગ સવારે સાડા સાત વાગે આલુપરાઠા અને ટોસ્ટનો નાસ્તો કરી નીકળ્યા.

શરૂઆત સારી રહી. રસ્તાની બંને બાજુ પહાડી અને દુર નજર કરીએ તો હરિયાળી જ હરિયાળી દેખાય. જેમજેમ આગળ જતા ગયા તેમતેમ રસ્તા સાંકડા અને વળાંકવાળા આવવા લાગ્યા. પહાડી પ્રદેશ અને હવે ચઢાણ શરું થઇ ગયું. ગોળગોળ રસ્તા પર ફરતા અમે તેર હજાર સાતસો ફીટની ઊંચાઈ પર આવેલા સેલા પાસ પહોંચ્યા. આટલી ઊંચાઈ પર ખૂબ સુંદર તળાવ આવેલું છે.

કહેવાય છેકે રાયફલ મેન જસવંતસિંહની સેલા નામની એક પ્રેમિકા હતી. જે સૈન્યની ખબરીનું કામ કરતી હતી. એણે ચાઇનીઝ જવાનોથી બચવા આ તળાવમાં પડી આત્મહત્યા કરી હતી. ત્યારથી આ તળાવ સેલા સો (તળાવ) તરીકે ઓળખાય છે. ત્યાં અમે લગભગ દસ મિનીટ રોકાયા. ઠંડી ઘણી હોવાથી ત્યાં મળતી ગરમ ચાનો આનંદ લઇ આગળ વધ્યા. લગભગ દસપંદર મિનીટ આગળ વધ્યા ત્યાં જસવંતગઢ આવ્યું. ત્યાં રયાફલમેન જસવંતસિંહ કેવી રીતે બીજા બે જવાનની મદદ લઇ વીસ મિનીટ ચીની સૈનિકોને રોકી રાખ્યા હતા અને છેવટે એકલા હાથે વીસ બંદૂકને સંભાળીને એવો દેખાવ કર્યો હતો કે જાણે પોતાની સાથે ઘણાં જવાન હોય. છેવટે આ જગ્યાએ શહીદ થયા. એમના નામનું આ સુંદર સ્મારક બનાવ્યું છે. આ સ્મારકમાં જસવંતસિંહના કપડા વગેરે નીજી વસ્તુઓ રાખી છે.

હજી અહીંયાના ઘણાં લોકો માને છેકે જસવંતસિંહનો આત્મા હજુ આ વિસ્તારમાં ભમે છે. એમના સમાજના લોકો પત્ર પણ લખે છે અને ખાસ તો જો પરિવારમાં લગ્નપ્રસંગ હોય તો પહેલી આમંત્રણ પત્રિકા આ જગ્યાએ મુકી શુકન કરે છે. આ સ્મારક જોતાં અને વાતો સાંભળતા જો વ્યક્તિની આંખમાં આંસુ ના આવે તો તે સાચો ભારતીય ના કહેવાય એવું મને લાગ્યું. સ્મારકની પાસે જવાનોએ કેન્ટીન ખોલી છે જ્યાં ગરમ સમોસા અને ચા કોફી મળે છે. આ જગ્યા ના સંભારણા રુપે જો કોઈ વસ્તુ લેવી હોય તો તેની પણ નાની સરખી દુકાન કરી છે. અમારું બપોરનું જમવાનું આ સમોસા અને ચા માં પતી ગયું.

ત્યાંથી આગળ વધ્યા. પહાડમાં ફરતા નુનારંગ ધોધ જોવા ગયા.ખૂબ સુંદર ધોધ હતો અને અમે ગયા તે સમયે એમાં રચાતા મેઘધનુષ જોઈ દિલ ખૂશ થઇ ગયું. કોયલા કરીને એક હિન્દી સિનેમા હતું જેમાં માધુરી દીક્ષિતે આ ધોધ પાસે શુટીંગ કર્યું હતું તેથી ઘણાં લોકો આ ધોધને માધુરી ફોલ પણ કહે છે તે જાણી હસવું આવ્યું.

અમે લગભગ સાંજના સવાચાર વાગે તવાંગ પહોંચ્યા. રસ્તામાં દલાઈલામાનું ઘર જોઈ હોટલ પર પહોંચ્યા. સામાન મુક્યો પણ ભૂખ બહુ જ લાગી હતી અને ત્યાનું પ્રાદેશિક ખાવા બજારમાં નીકળ્યા. અમારા માર્ગદર્શક ભાઈએ કીધું કે અહિયાનું થુક્પા બહુ વખણાય છે તે ખાવા જઈએ. અમે પહેલા સ્વીટકોર્ન સુપ પીધો અને પછી થુક્પા આવ્યું. ઘણી બધી ઘઉંની સેવ (સ્પેગેટી) ખુબ પાણીમાં પકાવી અંદર શાકને બધું નાંખી થુક્પા બનાવ્યું હતું. ઘણો મોટો વાટકો ભરીને હતું. અમે તે પુરું ના કરી શક્યા. પાછા ચાલતા હોટલ પર આવ્યા. હજી તો રાતનું ખાધું ત્યાં મને સવારના ખાવાની ચિંતા થઇ. હોટલ પર કહ્યું કે સવારે તમારે માટે આલુપરાઠા તૈયાર હશે. એટલે અમે તે વધારે બનાવી બીજા પેક કરવા કહી દીધું. થોડા જ્યુસ, ચીપ્સ અને આલુપરાઠા અમારા બીજા દિવસનું બપોરનું જમવાનું સાથે લઈને જવાનું નક્કી કરી સાડાસાત વાગે તો ઘસઘસાટ ઊંઘી ગયા.

સવારમાં પોણાસાત વાગે તો તૈયાર થઇ નાસ્તા માટે પહોંચી ગયા. નાસ્તો કરી અમારું બપોરનું જમવાનું બંધાવી અમે સાંગીતસર લેઈક જોવા નીકળ્યા. રસ્તામાં ક્યાંક કોઈક ત્યાંના રહેવાસી સરસ દેખાતા મળી જાય તો એકાદ મિનીટ ફોટો પાડવા ઊભા રહેતા. બાકી બનેતેટલું સીધા સમય બગડ્યા વગર પહોંચી જવાનું નક્કી કર્યું હતું. રસ્તામાં જેમજેમ આગળ વધીએ તેમ સેનાદળની હિલચાલ જોવા મળી. કોઈક લોકો બંકર બનાવતા હોય તો કોઈક કંઈ બીજું કામ કરતુ દેખાય. આપણા દેશના જવાનોને આમ કામ કરતા જોઈ દિલ ભરાઈ આવ્યું.

આજુબાજુના પહાડ પર જ્યાં નજર કરીએ ત્યાં બંકર દેખાય. આ આખો વિસ્તાર ભારતીય સૈન્ય વિભાગમાં આવે છે. ત્યાં જવા માટે પહેલેથી અનુમતિ પત્ર લેવો પડે. ત્રણ ચાર બોફર્સ ટેંક પણ જોવા મળતા એક વિશિષ્ટ પ્રકારનો રોમાંચ થયો. સૌ પહેલા બારહજાર પાનસો ફીટ પર આવેલ પી.ટી.સો. તળાવ જોવા ગયા. આમતો પી.ટી. તળાવ કહેવાય. ત્યાં તળાવને સો કહેવાય છે. તેની સુંદરતા જોઈ લગભગ અગિયાર વાગે પાછા આગળ વધ્યા.બુમલા પાસ જવાના રસ્તે સંગેત્સર તળાવ આવેલું છે. લગભગ પંદર હજાર બસો ફીટની ઊંચાઈ પર આવેલા આ તળાવને માધુરી તળાવ પણ કહેવામાં આવે છે. આ તળાવ ઓગણીસો તોંતેર માં આવેલા ભૂકંપને કારણે બનેલું કુદરતી તળાવ છે.

આ તળાવ પર પહોંચી અમે અમારું સાથે લાવેલું ખાવાનું જમ્યાં. તળાવ જોઈએ તો વચ્ચે વચ્ચે સુકા ઝાડના ઠુંઠા દેખાય. આ ઠુંઠા તળાવના સૌંદર્યમાં વધારો કરતા હતા. લગભગ બપોરના દોઢ વાગે અમે પાછા આવવા રવાના થયા. રસ્તાની બંને બાજુ દેશભક્તિને લગતા સુત્રો વાળા પાટિયા લગાવેલા હતા.

રસ્તામાં ગ્યાન્ગોંગ એની ગોમ્પા જોવા ઉભા રહ્યા. આ મોનાસ્ટ્રી માં ખાલી બહેનો જ રહે. જેને નનરી પણ કહેવાય. જઈ ને જોયું તો આખી ખાલી હતી. રખેવાળને કારણ પુછ્યું તો જવાબ મળ્યો કે બધાં તવાંગ રહેવા ગયા છે. દલાઈ લામા આવ્યા છે. અમે સીધા તવાંગની મુખ્ય મોનાસ્ટ્રી જોવા ગયા. તો તે સુરક્ષાને કારણે બંધ હતી. જે બીજે દિવસે સવારે આઠ વાગે ખુલવાની હતી. ત્યાંથી અમે યુધ્ધ સ્મારક જોવા ગયા.ઓગણીસો બાસંઠમાં ચીન સામેની લડાઈમાં જે બસો જવાન શહીદ થયાં હતાં તેમની યાદમાં આ સ્મારક બનાવેલ છે. યુધ્ધમાં વપરાયેલી કેટલીક બંદુક, ફોટા  વગેરે ત્યાં પ્રદર્શિત કર્યા છે. એક ભારતીય હોવાના ગૌરવ સાથે હોટલ પાછા આવ્યા. તે દિવસ લાંબો રહ્યો હોવાથી હોટલ ઉપર જમી અને સાડાનવ વાગે ઊંઘી ગયા.

સવારે આરામથી નાસ્તો કરી મોનાસ્ટ્રી પહોંચી ગયાં. ત્યાં પહોંચતા ખબર પડી કે ખાસ અનુમતિ પત્ર હોય તેનેજ અંદર જવા મળશે. અમારી પાસે તો એવું કંઈ હતું નહિ એટલે એકસો એકસઠ કિલોમીટર પર આવેલા બોમડીલા ગામ જવા નીકળી ગયા. રસ્તા ખૂબજ ખરાબ હતા. અમને પહોંચતા લગભગ સાંજના પાંચ વાગી ગયા. ખૂબ થાકને કારણે સાડાસાત વાગ્યામાં જમી અને ઊંઘી ગયા.

સવારમાં વહેલા ઊઠી તૈયાર થઇ બોમડીલાની મોનાસ્ટ્રી જોઈ નામેરી એકસો બાવીસ કિલોમીટર જવા નીકળી ગયા. રસ્તો ઘણો ખરાબ હતો. રસ્તામાં સેસા ઓર્ચિડ સેન્ચુરી જોવા ઉભા રહ્યા. ત્યાં લગભગ સત્તરસો જાતના ઓર્ચિડ ઉગાડવામાં આવે છે. આટલાં બધાં ઓર્ચિડ જોઈ દિલ બાગબાગ થઇ ગયું.

લગભગ સાડાત્રણ વાગે બાલીપારા વિસ્તારમાં આવેલ વાઇલ્ડ માહશીર જોવા ગયા. ત્યાં ચા ના બગીચા હતા અને રહેવાની વિશિષ્ટ ઝુંપડીઓ હતી. બ્રિટીશરો એ પોતાના શોખ માટે બનાવેલી આ જગ્યા હજી સુંદર રીતે હોટલ તરીકે ચાલે છે. ત્યાં જુદીજુદી ચા ચાખવાના વિભાગમાં જઈ ચા પીધી અને લગભગ સવાચાર વાગે ઇકો કેમ્પ પાછા આવ્યા. થોડો આરામ કરી સાડાસાત વાગે જમવા ગયા ત્યાં દિલ્હી અને બેંગ્લોરના બે ફોટોગ્રાફર મળી ગયા એટલે વાતો કરવાની મજા આવી અને પાછા આરામમાં. કારણ સવારે લગભગ સાડાપાંચ વાગે અમારો પ્રવાસ આગળ વધારવા નીકળવાનું હતું. બસ તો હવે આગળની એક વિશિષ્ટ જગ્યાએ જવા તૈયાર ને!

– સ્વાતિ મુકેેેશ શાહ

સ્વાતિ મુકેશ શાહના અક્ષરનાદ પરનો આ સ્તંભ ‘સફરનામું’ અનેકવિધ અદ્રુત વિસ્તારોના પ્રવાસ વિશેની શૃંખલા છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. (ભાગ ૨) – સ્વાતિ મુકેશ શાહ