કાનજી ભુટા બારોટ : વાર્તાકથનના છેલ્લા કલાધર 3


શ્રી લલિતભાઈ ખંભાયતાનું પુસ્તક બ્રેવહાર્ટ્સ – ૨ અનોખૂં છે. સાહસિકો અને શૂરવીરોના ચરિત્રો સમાવતા આ પુસ્તકમાં અનેક પ્રેરણાદાયક લોકોની વાત સરસ રીતે આલેખાઈ છે. આમાં બીજા વિશ્વયુદ્ધ વખતે જામસાહેબે કરેલી પોલેન્ડના બાળકોની મહેમાનગતિની વાત, ગુજરાતી વિજ્ઞાનલેખક અને વિશ્વવિજ્ઞાની એડિસનની મુલાકાતની વાત, કનડા ડુંગરની ટોચે ખોડાયેલી ખાંભીઓની વાત, દુનિયાથી દૂર રહેતાં કોરીવાઈ લોકોની અનોખી દુનિયાની વાત, માનવભક્ષી વાઘ દીપડાને ધ્રુજાવતા શિકારી લખપતસિંહ રાવતની વાત, બ્રિટિશ અધિકારી અને ગુજરાતી સાક્ષર એલેક્ઝાન્ડર ફાર્બસની વાત વગેરે અનેક મહામૂલી માહિતી અને અવનવી વાતો આ પુસ્તક પ્રસ્તુત કરે છે. આપણી ભાષામાં વાર્તાકથનના કલાધર આદરણીય કાનજી ભુટા બારોટની વાત આ પુસ્તકમાંથી આજે સાભાર લીધી છે. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખને અંતે મૂકી છે. પુસ્તક અક્ષરનાદને પાઠવવા બદલ લલિતભાઈનો ખૂબ આભાર.

વાર્તાકથનની પરંપરા હવે રહી નથી. માટે વર્તમાન પેઢીને સ્વાભાવિક રીતે જ ખબર ન હોય કે કાનજી ભુટા બારોટ એટલે કોણ ? પણ કાનજી બાપા ગુજરાતના પહેલા અને છેલ્લા વાતકાર હતા…

બ્રેવહાર્ટ્સ લલિત ખંભાયતા અક્ષરનાદ

ગીરના બરાબર બે ભાગ પડે ત્યાં છેડે આવેલું એ જામવાળા ગામ ૧૯૬રનું વર્ષ હતું. ચોતરફ નેસનાં નાનાં-નાનાં ઝૂંપડાં ફેલાયેલાં હતા અને એક તરફ ગીરનું જંગલ લશ્કરી ફોજની માફક ઊભું હતું.

એ દિવસે ત્યાં રાજકોટથી જયમલ્લ પરમાર મહેમાન થઈને આવ્યા હતા. “ઊર્મિ-નવરચના’ સામયિકના સંપાદક તરીકે જયમલ્લ પરમાર ઠેરઠેર ફરતા હતા.

એ જ દિવસે જામવાળામાં બારોટ પણ પધાર્યા વંશાવળીની જાળવણી અને ખાનદાની હતાં ઇતિહાસના સંગ્રહ માટે બારોટ વારંવાર આવતા રહેતા હતા. સદીઓથી ચાલી આવતી એ પરંપરા હતી. જયમલ્લ પરમારનો પરિચય એ ચાલિસેક. વર્ષના યુવાન બારોટ સાથે થયો. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ ઘોળીને પી ગયેલા જયમલ્લભાઈને અગાઉ અનેક બારોટ મળ્યાં હતાં. બારોટી પરંપરાથી વાકેફ હતા. માટે એ મુલાકાત તેમના માટે સામાન્ય ઓળખાણથી વિશેષ હતી નહીં.

સાંજ ઢળી, ગીરમાં સિંહોની ડણક સંભળાતી થઈ, નેસના માલ-ઢોર પરત જો કમાં આવતા થયા અને એ બધા વચ્ચે ડાયરો જામ્યો. એક તરફ બારોટ અને બીજી તરફ યજમાનો ગોઠવાયા. હાથમાં સિતાર રાખીને બારોટે વાર્તા કહેવાની શરૂઆત કરી. વર્ષોથી બારોટ આ રીતે જ વાર્તા કહેતા હતા. તેમના માટે નવી વાત ન હતી અને યજમાનો માટે ય નવી વાત ન હતી. પણ જયમલ્લ પરમારના કાન ચમક્યા. વાર્તા અને વાર્તા કહેવાની રીત તેમને જુદી ભાતની લાગી. જયમલ્લ પરમારે બારોટને મળીને વાર્તાઓ વિશે વધારે જાણકારી મેળવી અને પછી પોતાના સામયિકમાં લખવાનું પણ આમંત્રણ આપ્યું..

એ બારોટ એટલે કાનજી ભુટા બારોટ.ગુજરાતી વાર્તા કથનના છેલ્લા કલાધર…

એ દિવસ કયો હતો એ તો રામ જાણે પણ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ માટે બહુ મહત્ત્વનો હતો. એ દિવસે જયમલ્લ પરમારે વાર્તાના રતનને પારખીને જગતના રંગમચ પર મૂકવાનું બહુ ભલું કામ કર્યું હતું..


કાનજી ભુટા બારોટ. સૌરાષ્ટ્રમાં ૧૯૭૦-૮૦ પહેલા જન્મેલી પેઢી માટે નામ અજાણ્યું નથી. પણ સૌરાષ્ટ્રના ચલાલા પાસેના ટીંબલા ગામમાં ૧૯૧૯માં જન્મેલા કાનજીબાપાની ઓળખ ૨૧મી સદીમાં ભુલાઈ રહી છે. ભુટાભાઈ ઘેલાભાઈ તેમના પિતાનું નામ અને માતા અમરબાઈ. પિતાના નામે જ તેઓ કાનજી ભુટા બારોટ તરીકે ઓળખાયા અને આજેય ઓળખાય છે. કાનજી ભુટા બારોટના જીવન વિશે જાણકારી આપતો ગ્રંથ ‘નવ રસના મલમી – કાનજી ભુટા બારોટ’ ડૉ. કૌશિક મહેતાએ સંપાદિત કર્યો છે. એમાંથી કાનજીબાપા વિશે જાણવા જેવી અનેક વિગતો મળી રહે છે. પણ એ જાણતા પહેલાં બારોટી પરંપરા સમજી લઈએ.

કુળ અને મૂળ જાણવા અને પછી એ જાણકારી પેઢીઓ સુધી પ્રસરતી રહે એ માટે બારોટના ચોપડે નામ નોધાવવાની પરંપરા એક જમાનામાં ભારે બલિષ્ઠ હતી. બારોટ વારે-તહેવારે યજમાનના ઘરે આવે, પરિવારમાં નવાં જન્મેલા બાળકોના નામ ચોપડે ચડાવે અને એ રીતે વંશવેલો ઈ રીતે આગળ વધી રહ્યો છે તેનો સ્મરણગ્રંથ તૈયાર થતો રહે. કોઇ પણ કુટુંબના વડવાઓની માહિતી મેળવવી હોય કે પછી ઇતિહાસ તપાસવો હોય, આજની તારીખે બારોટના ચોપડાથી વધારે સત્તાવાર કોઈ દસ્તાવેજ નથી.

કાનજીબાપાએ પોતે નોંધ્યા પ્રમાણે એક સમય એવો હતો જ્યારે દરેક પરિવાર ગૌરવપૂર્વક કહેતો હતો કે અમારે પણ બારોટ છે! કેમ કે જૂના જમાનામાં બારોટ વગરના હોવું એ અપમાનજનક ગણાતું. અને એટલે જ બારોટોને યજમાનો પૂર્વજોની ગતિ લઈને ફરનારા તરીકે પણ ઓળખતા હતા કેમ કે પરિવારમાં કોઈ જીવ અવગતે ગયો હોય તો તેનીય જાણકારી બારોટના ચોપડેથી મળી રહેતી અને આજે પણ મળે છે.

કાનજી ભુટા. સિસોદિયા મેર અને વાળા કાઠીના વહીવંચા હતા અને તેમના ચોપડાં રાખતા હતા. યજમાનોના ઘરે જાય ત્યારે તેમનાંં પરિવારના કોઈ પ્રતાપી પૂર્વજની વાર્તા પણ કહેતા. યજમાન સિવાય તેમની વાર્તા કારીગરી વિશે કોઈને જાણકારી ન હતી. જયમલ્લ પરમારને મળ્યા પછી જ તેઓ ગુજરાતની જનતા સમક્ષ ડણક દેતાં થયા અને છેક રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટ્ય અકાદમીનો અવોર્ડ મેળવવા સુધી પહોંચ્યા.

માથા પર કોઈ જાજરમાન રાજવી પર શોભતો એવો સફેદ સાફો, દેશી ધોળી સુરવાલ, પહોળી બાંયની ધોળી કફની, કથ્થઈ રંગની બોરિયાવાળી બંડી, વિશિષ્ટ પ્રકારે વાળેલી પલાંઠી અને ખોળામાં બાળકને તેડ્યું હોય એવું સાત તારનું દેશી સિતાર.

અને પછી સિતાર પર કાનજીબાપાની આંગળીઓ ફરતી થાય, ગળામાંથી બુલંદ અવાજ વહે અને જાણે આખું જગત સ્થિર થઈ જાય.. રમેશ પારેખે લખ્યું છે કે અમે કાનજીબાપાની વાર્તા સાંભળવા કોથળા પાથરીને બેસતાં અને વાર્તા પૂરી થાય ત્યારે કોથળા સોત ભોય સાથે જડાઈ ગયા હોય એવું લાગતું !

માંડ પાંચ ચોપડી ભણેલા કાનજીબાપાને વાર્તા કહેણીની પરંપરા તેમના મોટા બાપુ – વાર્તાગુરુ સુરા બારોટ પાસેથી વારસામાં મળી હતી. નાનપણમાં તેઓ પિતા ભુટાભાઈ સાથે યજમાનોની ડેલીએ જતા અને ત્યાં પિતા કહે એ વાર્તાઓ સાંભળતા. પણ કાનજી નાના હતા, ત્યારે જ પિતા દેવ થઈ ગયા હતા. ત્યાં સુધીમાં વાર્તા તરફનો રસ્તો કંડારવાની શરૂઆત થઈ ગઈ હતી.

બારોટ હોવાને કારણે યજમાનો આગળ વંશાવળીનું ગાન તો તેમણે કરવું જ પડતું હતું. એમાં તેમણે પરાક્રમી પૂર્વજોની કથા કહેવાની શરૂઆત કરી. એ સાથે જ તેમનામાં રહેલો કથનકલાકાર બહાર આવવો શરૂ થયો. વાર્તા કહેવાની તેમની રીત અત્યંત પ્રભાવશાળી હતી. સિતાર વગાડીને વાત કહેવાની રીત તેઓ સુરા બારોટ પાસેથી શીખી ગયા તા હતા. વળી વાર્તાના પ્રકાર પ્રમાણે પોતાની મુદ્રા શૌર્ય, શાંત, રૌદ્ર, હાસ્ય… એમ ફેરવતા રહે. જીથરાની વાર્તા કહે ત્યારે ખિખિયાટા સંભળાય તો વળી રામ વાળાની વાર્તા કરતા હોય ત્યારે સિંહની ગર્જના જેવો અવાજ તેમના ગળામાંથી વહેતો થાય. એમના હાથ, ચહેરો અને આંખો જાણે રંગમંચનાં . પાત્રો હોય એમ સમગ્ર વાર્તા દરમિયાન આરોહ અવરોહ ધારણ કરતા રહેતા હતા.

પલાઠી વાળીને બેઠેલો ઇતિહાસ.

માત્ર કહી-સુની વાર્તા કહેવાની તેમને આદત ન હતી. તેમની વાર્તાઓ એટલે જ આજે પણ ઇતિહાસનો સત્તાવાર ભાગ ગણાય છે. તેમણે કહેલી-લખેલી ઘણી ખરી વાર્તાઓ અંગેના સંશોધનો તેમણે પોતે જ કર્યા હતાં. કોઈ વિગત મળે, તેના ઊંડાણમાં ઊતરે, વાર્તા બને એમ છે એવું લાગે અને એ પછી સંશોધન કરે. વાર્તાની એકેએક કડી મળે પછી જ રીતે કરવાની તેમની ચીવટને કારણે તેમની વાતોમાં વહેતાં થતાં તથ્યો અંગે કોઈ શંકાઓ પ્રગટ થઈ શકી નથી. ‘ઓથલ પદમણીના દીકરાઓ’ વાર્તા કરતાં પહેલાં તેમણે પોતે ઓથલના દીકરાઓનાં નામ બારોટના ચોપડામાં વાંચ્યાં હતાં.

‘પ્રવીણ સાગર’ તેમને મોઢે હતો. એ બધી જ આવડતોની ખરી કદર ૧૯૬૨ પછી શરૂ થઈ. જયમલ્લ પરમાર તેમને મળ્યાં, વાર્તાઓ લખાવાની શરૂ કરી અને પછી એ વાર્તાઓ ‘આકાશવાણીમાંથી બુલંદ કંઠે ગુજરાતના ઘરે ઘરમાં પહોંચી. તેમની વાર્તાઓનો સૌથી સમૃદ્ધ સંગ્રહ પણ આકાશવાણી પાસે જ છે. જ્યારે ત્રીસેક વાર્તાઓ કૅસેટ સ્વરૂપે મળે છે. હવે તો કાનજી ભુટા બારોટ એટલું ગૂગલમાં સર્ચ કરીને પણ ઓનલાઇન તેમની વાર્તા સાંભળી શકાય એમ છે.

તેમની લોકપ્રિયતા વધતી ચાલી.. વધતી ચાલી.. અને છેક દિલ્હી સુધી પહોંચી. ૧૯૬૯માં ગાંધી જન્મશતાબ્દિ નિમિત્તે તેમનો કાર્યક્રમ છેક પાટનગર દિલ્હીમાં યોજાયો હતો.

વાર્તાકાર, સમાજ સુધારક

નશાબંધી, શિકારબંધી, કન્યાવિક્રય, અંધશ્રદ્ધાથી દૂર રહેવું વગેરે ગુણો તેઓ વાર્તા દરમિયાન વર્ણવતા હતા. જીથરો ભાભો વાર્તા પૂરી કરતી વખતે તેઓ હંમેશાં કહેતા કે ભૂત-બૂત જેવું કશુંય હોતું નથી. અરે ! એમની વાર્તા સાંભળીને વતન ટીંબલામાં કુજના શિકારીએ શિકાર. મુકી દીધો હતો.

વાર્તા કહેવાની કળા આગવી તો હતી જ, પણ સાથે સાથે તેમનો સંપૂર્ણ કાબૂ હતો. આકાશવાણીમાં ક્યારેક પંદર-પચ્ચીસ મિનિટ વાર્તા પતાવાની હોય. તો વળી સોમનાથ મંદિરના પ્રાંગણમાં હમીરજી ગોહીલની વાત માંડી ત્યારે એ વાર્તા પાંચ કલાક ચાલી હતી. એક વાર્તા તેઓ દસ મિનિટમાં કહી શકતા અને દસ કલાક ચલાવવી હોય તોપણ ચલાવી શકતા હતા.

પ્રસિદ્ધ વાર્તાઓ

કાનજી ભુટા બારોટે વાર્તા કરી હતી એનાથી વધારે લખી હતી. તેમની વાર્તાઓ ઊર્મિ નવરચનામાં પ્રગટ થતી હતી. અલબત્ત, તેમની વાર્તા વાંચવા કરતા સાંભળવી વધારે રસપ્રદ બની રહે છે. તેમની કેટલીક લોકપ્રિય વાર્તાઓ..

  • જીથરો ભાભો
  • કાળિયો ઢગો
  • હકો ભાભો
  • રા’નવઘણ
  • અણનમ માથા
  • વીર એભલવાળો
  • વીર રામ વાળો
  • ઓથલ પદમણીના દીકરાઓ
  • બીન બજાવે બાવરી
  • સતી વિકોઈ
  • કાળી બાવળી
  • દુશ્મનોની ખાનદાની
  • નાગાજણ સિસોદિયો
  • વીર માંગડાવાળો

હજુ બે-ત્રણ દાયકા પહેલાં બારોટી પરંપરાનો સુવર્ણકાળ હતો. એ પરંપરાના છેલ્લા રત્ન કાનજીબાપાને કહી શકાય. એમના પહેલા વાર્તા થતી પણ રેકોર્ડિંગ થતાં નહીં, માટે એ વાર્તાઓનો વ્યાપ મર્યાદિત હતી. એમના ગયા પછી પણ વાર્તાઓ કહેવાય છે, આકાશવાણી પરથી પ્રસારિત થાય છે. પરંતુ હવે એવા વાર્તાકારો નથીરહ્યા કે નથી રહી આકાશવાણીની લોકપ્રિયતા.

કૌશીકરાય પંડ્યાએ નોધ્યું છે : ‘દાઢીઓ રાખી, માળાઓ પહેરી, ખભે ધાબળી ઠઠાડી.. માઇક સામે ગોઠવાઈ જઈ વાર્તા કહેનારાઓ આજે પણ છે. પરંતુ તેમનામાં વાર્તા કહેવાનો કસબ નથી.’ હકીકત એ પણ છે કે સ્ટેજ પર ચડી બેસતા કેટલાક કલાકારોને વાર્તા કહેતાં તો ઠીક, નજીબાપા જેવી પલાઠી વાળીને બેસતાં પણ નથી આવડતું!

નવરસના વાર્તાકાર

કાનજીબાપાની સફળતાનું એક કારણ તેમનું વૈવિધ્ય છે. તેમણે ઐતિહાસિક વાર્તાઓ કરી શૌર્યની વાર્તાઓ કરી છે, પ્રેમકથાઓ, પ્રાણી પક્ષીઓનીય વાર્તાઓ કરી છે ! વાર્તામાં તો વૈવિધ્યસભર પાત્રો આવે, પળવારમાં કાનજીબાપા એ પાત્રના ખોળિયામાં પ્રવેશી જઈ એ પ્રમાણે બોલવા લાગતાં હતાં જેમ કે ‘અણનમ માથા’માં વિહળ રાબો ચારણી ભાષામાં બોલે છે : \માણા માણાને કીવાનો નમે, નમવા જોગ તો એક અલ્લાહ અને દુજી આદ્યશક્તિ, એક પિતા અને બીજી માવડી ભણાય. આપણ હંધાય તો ભાયુ ભણાઈ..’

ચલાળામાં આજે કાનજી ભુટા નથી પણ તેમના નામે ‘કાનજી ભુટા બારોટ કળાવૃંદ’ ચાલી છે રહ્યું છે. જેમ મધ્યયુગના ગુજરાતની સંસ્કૃતિને સમજવા પ્રેમાનંદ અનિવાર્ય છે, એમ સૌરાષ્ટ્રનું સંસ્કૃતિ દર્શન કાનજી ભુટા બારોટની વાર્તાઓ વગર અધૂરું છે.

સ્વાતંત્ર્ય સેનાની કાનજીબાપા

૧૯૩૯માં યુવાન કાનજીબાપા સાબરમતી આશ્રમમાં નરહરી પરિખ સાથે થોડો સમય રહ્યા હતા. ૧૯૪૨માં હિન્દ છોડો ચળવળ શરૂ થઈ ત્યારે કાનજીબાપા અમદાવાદમાં હતા. ગુજરાત કોલેજમાં ગોળીબાર થયો અને વિનોદ કિનારીવાલા શહીદ થયા એ વખતે તેઓ ત્યાં હાજર હતા. એમની દેશદાઝ અને રાષ્ટ્રપ્રેમ ઘણી વખત વાર્તાઓમાં પણ રજૂ થતો રહેતો હતો.

  • નાટકના શોખીન હતા એટલે નાનપણમાં નરસિંહ મહેતાનું પાત્ર પણ ભજવતા હતા.
  • એમની એક વાર્તા તો હિન્દીમાં અનુવાદિત થઈ હતી.
  • વાર્તા કહેવાની એ રાજસ્થાની પરંપરા હતી અને કાનજીબાપાને તેનું અપાર ગૌરવ પણ હતું.
  • છેલ્લી વાર્તા થાનના નવરાત્રી કાર્યક્રમમાં આપી હતી.
  • લોકોની ફરમાઈશ પ્રમાણે વાર્તા કરી દેતા, પણ તેમને અંગત રીતે ચાંપરાજ વાળાની વાર્તા પસંદ હતી.
  • તેમનો જન્મ ૧૯૧૯માં અને મૃત્યુ ૭૧ વર્ષની વયે ૧૯૯૦માં થયું હતું.

– લલિત ખંભાયતા

પુસ્તક પ્રાપ્તિની વિગતો
પ્રાપ્તિ સ્થાન – બુક શેલ્ફ, ૧૬, સિટી સેન્ટર, સ્વસ્તિક ચાર રસ્તા પાસે, સી. જી. રોડ, નવરંગપુરા, અમદાવાદ.
મો. ૯૦૩૩૦૮૯૦૩૬
કિંમત – ૨૦૦/- રૂ
lalitgajjer@gmail.com

અક્ષરનાદ પરના લલિતભાઈ ખંભાયતાની કલમે લખાયેલા વધુ લેખ અહીં ક્લિક કરીને માણી શક્શો.


આપનો પ્રતિભાવ આપો....

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

3 thoughts on “કાનજી ભુટા બારોટ : વાર્તાકથનના છેલ્લા કલાધર