સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. – સ્વાતિ મુકેશ શાહ 21


દરેક પ્રવાસીએ અરુણાચલ પ્રદેશમાં જવા જરુરી ઓળખપત્ર અને ફોટો આપી મંજૂરી પત્ર લેવાનો હોય છે. આસામની હદ પતે એટલે ચેકપોસ્ટ પર આ મંજૂરી પત્ર લેવાની વિધિ પતાવી અમે આગળ અરુણાચલ પ્રદેશમાં વધ્યા. લગભગ દોઢ વાગે જમવા ઉભા રહ્યા. ખાવાનું ઘણું તીખું હતું એટલે ઘરના થેપલા ખાઈ કામ ચલાવ્યું.

+આપણા ભારત દેશના નોર્થ ઈસ્ટમાં સાત રાજ્યોને ખાસ સાત બહેનો (સેવન સિસ્ટર્સ) તરીકે ઓળખવામાં આવે છે. તે છે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા. મિત્રો અમારી આવી અવનવી જગ્યાએ ફરવાના શોખે અમે એક્સ્પ્લોર એન એક્સપ્રેસ નામથી ટ્રાવેલ એજન્સી શરુ કરી. પહેલા જ વર્ષે અમારા ફરવાના ઉત્સાહને ઓળખી અમારા ગૌહાતીના જે એજન્ટ હતા તેમણે અમને નોર્થ ઇસ્ટ ફરવા બોલાવ્યા. મારો તો ઉત્સાહ ઝાલ્યો ના રહે તેટલો વધી ગયો હતો. મુકેશને કહી ફટાફટ પ્રવાસની યોજના મનમાં કરવા લાગી. ચાલો આજે તમને પણ મારી સાથે સેર કરાવું.

હવે મનમાં નહીં પણ ખરેખર યોજનાપૂર્વક નીકળવાનો દિવસ આવી ગયો. અમે અમદાવાદથી ગૌહતી દિલ્હી થઇ પ્લેનમાં પહોંચ્યા ત્યારે સવારના લગભગ સાડા અગિયાર થઇ ગયાં હતા. જેમજેમ આસામ ઉપર પ્લેન આવ્યું અને નીચે જોયું તો બ્રહ્મપુત્રા નદી દેખાવા લાગી. સવારનો સુર્યનો તડકો જે રીતે નદી ઉપર પડતો હતો તેથી નદી આખી સોનાનો રેલો વહેતો હોય તેવી લાગતી હતી. ખૂબ જ નયનરમ્ય દ્રશ્ય હતું. મારા તો જોઇને રુંવાડા ઊભાં થઇ ગયાં. તેને મનભરી માણ્યું ત્યાં ગૌહતી એરપોર્ટ આવી ગયું. સામાન લઇ બહાર આવી સૌ પહેલા તો ટુરીસ્ટ ઓફીસ પહોંચી મળતી માહિતી લીધી. બધાં જોઈતા નકશા લઇ બહાર આવ્યા ત્યારે અમને લેવા ગાડી અને અમારા માર્ગદર્શક આવી ગયેલા હતાં. સામાન ગોઠવી અમારા પ્રવાસની ચર્ચા કરતા નામેરી વાઈલ્ડલાઈફ સેન્ચ્યુઅરી જવા નીકળ્યા. ગૌહતીથી અમારે લગભગ બસો સત્તર કિલોમીટર નામેરીના ઇકો કેમ્પ જવાનું હતું. રસ્તામાં આગળના પ્રવાસ માર્ગની ચર્ચા કરતા શું જોવાનું ઉમેરવું જોઈએ વગેરે વાતો કરતા આગળ વધ્યાં.

રસ્તામાં કામરુપ નામના નાના ગામમાં સુંદર એલચી કેળા અને પાણીની બોટલો લઇ આગળ વધ્યાં. રસ્તો સરસ મોટો અને બંને બાજુ ક્યાં લીલાછમ ખેતર હોય અથવા નાના નાના ગામ જોવા મળતાં. વચ્ચે વળી મોટા મોટા શાકભાજીના ખેતર જોવા મળ્યાં. શાકની નાની વાડીઓ ઘણી જોઈ હતી પણ આવા મોટા ખેતર જીવનમાં પહેલીવાર જોયા! મને તો જોઇને નવાઈ લાગી. વચ્ચે વચ્ચે પાછા ચોખાના ખેતરો પણ આવતાં. રસ્તો જોતાં મને જાણે ધરતી માની હરિયાળી પર કાળી સેંથી પાડી હોય તેવો લાગતો હતો. લગભગ અઢી વાગે રસ્તાની બાજુ ઉપર આવેલા એક નાના ધાબા (ખાવાની હાટડી) પર જમવા ઉભા રહ્યા. સાદું રોટલી, સોયાબીન અને દુધીનું શાક, જાડી ચણાની દાળ, રોટલી જમી અને આગળ વધ્યા. તેજપુરથી નામેરીનો રસ્તો ઠીક હતો. લગભગ પોણા પાંચે ઇકો કેમ્પ  પહોંચ્યા ત્યારે પુરતું અંધારું થઇ ગયેલું હતું. ત્યાં રહેવામાટે થોડા તંબુ (ટેન્ટ) અને થોડી લાકડાની ઝુંપડી બનાવેલ છે. અમે લાકડાની ઝુંપડીમાં રહ્યાં જે ચાર મજબુત લાકડાના સ્તંભ પર બનાવેલી હતી. ચાર પગથિયા વાળી સીડી ચડી અંદર જવાનું.

સામાન ગોઠવી થોડો આરામ કરી બહાર નીકળી. મુકેશ આરામ કરતો હતો. આજુબાજુ ફરી અમારા માર્ગદર્શક રાજ સાથે વાતો કરતી બેઠી પછી લગભગ સાડા સાત વાગે જમવા ગઈ. ખૂબ સુંદર જમવાનું હતું તે જમી મુકેશ માટે સુપ, બ્રેડ જેવું ખાવાનું રુમ પર મંગાવી પરવારી નવવાગે સુઈ ગયા. અમને રાતના કહેવામાં આવ્યું હતું કે જો ઢોલનગારાના અવાજ રાત્રે સાંભળો તો ગભરાતા નહિ. અહિયાં આસપાસના ખેતરમાં હાથી પાક બગાડવા ના આવે માટે ખેતર માલિકો ભેગામળી વગાડતા હોય છે. ડાંગર ખુબ ઊગી હોવાથી જંગલી હાથીનો ત્રાસ વધી ગયો છે.

સવારે પાંચ વાગે ઊઠી તૈયાર થઇ કોફી અને બિસ્કીટ ખાઈ જંગલ ટ્રેક કરવા નીકળ્યા. અમારી સાથે બે બંદુકધારી જંગલ ગાર્ડ આવ્યા હતા. લગભગ અડધો કલાક ચાલ્યા હઈશું ત્યાં સામે સુંદર જીયા ભોરોલી નદી આવી. પહેલીથી કંઈ માહિતી હતી નહિ એટલે ઉત્સુકતા વધારે હતી. અમારે માટે સામે કાંઠે જવા હોડી તૈયાર હતી. નીચે ઉતરી તેમાં બેસી સામે કાંઠે ગયા. ત્યાં રેતીના પટમાં ચાલતા હતા ત્યાં અમારા પથ દર્શકે અમને કાંઠાની રેતી ઉપર હાથીના પગલા પડેલા બતાવ્યા. હું તો તે જોઇને જ ઉત્સાહિત થઇ ગઈ. મનમાં હાથી જોવાની ઝંખના જાગૃત થઇ ગઈ. પહેલા ફોરેસ્ટ ગાર્ડની ઓફિસમાં મંજુરી કાગળ બતાવી, ઉકાળેલા પીવાના પાણીની બોટલ લઇ આગળ વધ્યા. ઊંચા વધેલા ઘાસની વચ્ચેથી આગળ વધ્યા. કોઈ જંગલી પ્રાણી કે પક્ષી જોવા ન મળ્યા. નામેરી પક્ષીઓ માટે સ્વર્ગ ગણાય છે. લગભગ સાડા આઠ વાગ્યા સુધી જંગલમાં ચાલતા ફર્યા. પાછા ફરતા એક હાથણીએ ત્રણ દિવસ પહેલા જન્મ આપેલા બચ્ચાના દર્શન થયા અને મને હાશ થઇ કે ચાલો કંઈક તો જોવા મળ્યું. પાછા હોડીમાં બેસી નદી પાર કરી ચાલતા લગભગ નવ વાગ્યા પછી કેમ્પ પર પાછા આવ્યા.

જરાકવાર થાક ઉતારી સવારનો નાસ્તો પતાવી તૈયાર થઇ લગભગ સાડા અગિયાર વાગ્યે ગામ જોવા નીકળ્યા. એક જગ્યાએ રસ્તામાં ઘણા લોકો ખેતર સામે જોતાં ઉભા હતા. ઉભા રહી એક છોકરાને કારણ પૂછતા તેણે કહ્યું કે ખેતરમાં જંગલી હાથી ઘૂસી ગયો છે. અમે ફટાફટ ગાડીમાંથી નીચે ઉતરી તે તરફ જોવા ગયા ત્યાં તો હાથી પાછળ ફરી ચાલવા લાગ્યો હતો અમે ખાલી તેની પીઠ જોઈ શક્યા.

અમારી ગાડી અમને ગામમાં ઉતારી પછી ગઈ. માંડ વીસ પચીસ ઘરનું ગામ હતું. ખુબ સુંદર અને ચોક્ખું ગામ હતું. મોટા ભાગના ઘર બંધ જોતાં સાથે ફરતા છોકરાને પૂછ્યું તો તેણે કહ્યું બધાં ખેતરમાં કામ પર ગયા છે. ગામમાં ચાલતા આગળ વધ્યા તો બે ત્રણ ઘર ખુલ્લા જોવા મળ્યા. અમે ત્યાં ગયા તો એક વૃદ્ધ બહેન વણાટકામ કરતા હતા. તો કોઈ વૃદ્ધ ચોખા ઝાટકતા હતા. મોટા ભાગે બોડો જાતિના હતા. અંદરથી પણ બહુ  સરસ ચોક્ખ્ખા ઝુંપડા હતા. આ ગામમાં ઝુંપડાની બાંધણી જોઈએ તો તે દરેક લાકડાના પ્લેટફોર્મ પર બનાવેલી હતી. હાથી નો ભય, નાના જીવજંતુ અને પેટાળ પ્રાણીનો ભય, પૂર આવેતો ઘર બચાવી શકે માટે તેઓએ આવી બાંધણીના ઝુંપડા બનાવ્યા હતા. આખા વર્ષની મકાઈ તેઓ સુકવીને રાખતા જેથી ચોમાસામાં પૂર આવે ત્યારે આ મકાઈનો લોટ કરી ખાઈ શકે. મુકેશને તો ફોટા પાડવાની મજા આવી ગઈ અને મને ત્યાની રહેણી જોવાની. તેઓના ઘર વિવિધ રીતે શણગારેલા જોવાથી બહુ નવીનતા ભર્યો આનંદ થયો. લગભગ દોઢ વાગે બપોરે કેમ્પ ઉપર પાછા આવ્યા. બે વાગે જમી અને આરામ કર્યો. સાંજ ત્યાં ઇકો કેમ્પ પર આવતા પક્ષીઓ જોતાં આરામ કર્યો.

રાતના જમવા ગયા ત્યારે ત્યાંના મેનેજર રોય સાથે મુલાકાત થઇ. ઘણી વાતો કરી જમ્યા પછી આગ્રહ કરી કોફી પીવડાવી એમનું ઘર જોવા લઇ ગયા. એક રૂમનું તેમનું ઘર જોવો તો જાણે મ્યુઝીયમ. દુનિયાભરની વસ્તુઓ, ચિત્રો, ચોપડીઓ વગેરે જોઈ હું દંગ થઇ ગઈ. તેમનો બાથરૂમ જુવો તો તે પણ જાણે બીજો રૂમ જ હતો. અમે લોકો એ ઘણી વાતો કરી. વાતો કરતા જાણ્યું કે મી.રોયના માતાપિતાએ ઓગણીસો બત્રીસના જમાનામાં પી.એચ.ડી. કર્યું હતું. હજી ઘણી વાતો કરવી હતી પણ સમય અને શરીર સાથ આપવા તૈયાર નહોતું. છેવટે લગભગ દસ વાગ્યા પછી સુવા ગયા.

વહેલી સવારે સાડાપાંચ વાગે ઊઠી તૈયાર થઇ સવારનો નાસ્તો પતાવી દીરાંગ (લગભગ એકસો સીતેર કિલોમીટર) જવા નીકળ્યા. થોડીવારમાં મીશિંગ જાતિનું ગામ જોવા ઉભા રહ્યા. ત્યાં અમારું સ્વાગત ત્યાંના લોકોએ કાચી સોપારી અને પાન આપી કર્યું. ખુબ પ્રેમાળ લોકો હતા. મુકેશે ફોટા પાડ્યા. અમે લગભગ પંદર મિનીટ રોકાઈ આગળ વધ્યા. રસ્તામાં ભાલુંક્પોંગ ગામ આવ્યું ત્યાં એક હોટલ જોઇને તરત આગળ વધ્યા. દરેક પ્રવાસીએ અરુણાચલ પ્રદેશમાં જવા જરુરી ઓળખપત્ર અને ફોટો આપી મંજૂરી પત્ર લેવાનો હોય છે. આસામની હદ પતે એટલે ચેકપોસ્ટ પર આ મંજૂરી પત્ર લેવાની વિધિ પતાવી અમે આગળ અરુણાચલ પ્રદેશમાં વધ્યા. લગભગ દોઢ વાગે જમવા ઉભા રહ્યા. ખાવાનું ઘણું તીખું હતું એટલે ઘરના થેપલા ખાઈ કામ ચલાવ્યું. લગભગ પોણાચાર વાગે દીરાંગ પહોંચ્યા. સૌથી પહેલા એની જૂની જેલ જોવા ગયા. હેરીટેજ પ્રોપેર્ટી કહેવાતી આ જેલમાં હવે તો લોકો ઘર કરી રહે છે. અમે દીરાંગની અમુક શેરી સ્થાપત્ય કલાની દ્રષ્ટીએ સુંદર છે તે જોઈ આગળ વધ્યા. ઘણા ઘર પાંચસો વર્ષ જૂના હતા તેવું કહેવામાં આવ્યું. ત્યાંની બૌદ્ધ મઠ જોઈ અમે હોટલ પર પહોંચ્યા. સાડા આઠ વાગ્યામાં તો હું ધબો નારાયણ થઇ ગઈ. 

દીરાંગમાં ખાસ કરીને તવાંગ જતા પ્રવાસી રાત્રી રોકાણ કરી આગળ વધે છે. નોર્થ ઇસ્ટ ફરવું હોય તો વહેલા ઊઠી વહેલા સુઈ જવું એ અમારો ક્રમ બની ગયો હતો. તેનું મુખ્ય કારણ ત્યાં અંધારું વહેલું અને અજવાળું પણ વહેલું થઇ જાય. સવારે સૂર્યોદય જોવા સાડાચાર વાગ્યે ઊઠી ગયા. એ દિવસે દેવને દર્શન નહી આપવા હોય એટલે વાદળની પાછળ સંતાઈ અમને નિરાશ કર્યા.

સાડા છ વાગ્યે તૈયાર થઇ સાડાસાત સુધીમાં નાસ્તો પતાવી તવાંગ જવા નીકળ્યા. (લગભગ એકસો પાંત્રીસ કિલોમીટર) આવતા સફરનામામાં મારી તવાંગના રસ્તાની સફરનો અનુભવ તમને કરાવીશ ત્યાં સુધી પ્રવાસના થાકનો થોડો આરામ કરી લ્યો. હજી સફર ઘણી લાંબી કરવાની છે.

— સ્વાતિ શાહ, ફોટો કર્ટસી : મુકેશ શાહ


આપનો પ્રતિભાવ આપો....

21 thoughts on “સેવન સિસ્ટર્સ : ઉત્તર પૂર્વ ભારતની સફરે.. – સ્વાતિ મુકેશ શાહ

 • હર્ષદ દવે

  પ્રકૃતિ આપણને સાદ પાડીને બોલાવે છે. જે સાંભળે તે દોડી જાય. તમે તમારા પ્રવાસનું એવું સરળ અને સરસ વર્ણન કર્યું છે કે વાચકોને પણ લાગે કે હમણાં ક્યાંકથી હાથી આવી ચડશે. પછી શું થશે? ઉત્સુકતા પ્રવાસના આનંદને વધારે. સાત બહેનોનું સામ્રાજ્ય કેટલું વિસ્તરેલું છે તે જોઈએ…વિહરીએ…શુભ સમય તક આપે, એ ઝડપી લેવી જોઈએ…તમે સદભાગી કે તમને સાત બહેનોએ સાદ પાડ્યો, તેનો પ્રતિઘોષ અમને સંભળાય છે…!

 • Sonal

  ઘણાં વર્ષોની પૂર્વનાં રાજ્યોમાં ફરવાની ઇચ્છા જાણે આજે પૂરી થઈ…સરળ ભાષા, સચોટ માહિતિ અને વિષયના ઉંડાણને કારણે વાચક ખૂદ પ્રવાસે નીકળ્યો હોય તેવું જ લાગે… આંગળના હપ્તાઓની રાહ જોઉ છું…

 • janirita2014

  થોડા ઓછા જાણીતા એવા આ મનોરમ્ય પ્રદેશની તમારા સુંદર લેખ દ્વારા પ્રવાસ કરવાની મજા આવી. તવાંગની સફર માટે રાહ જોઈશું.

 • Ami joshi

  સ્વાતિ, આ તો ધેર બેઠે બ્રમપુત્રા આવી ગયી, ખૂબ સુંદર વર્ણન.

 • Vandan Dalal

  શરૂઆત જ એટલી સુંદર થઈ છે એટલે બાકીના હપ્તા વાંચવાની તાલાવેલી થઈ ગઈ છે. ભારતના આ પૂર્વ ના ભાગ વિશે માહિતી ઘણી ઓછી ઉપલબ્ધ છે ત્યારે આવી માહિતી નો રસથાળ ખૂબ ઉપયોગી થશે.

  • Mita mehta

   દરેક સફરનામા મા ભારત ની ખૂબ ઓછી જાણીતી પણ ખૂબજ સુંદર સ્થળ રજે રજની માહિતી આપવા બદલ સ્વાતિ તેમજ અક્ષરનાદ ને ખૂબ ખૂબ અભિનંદન
   Eagerly Waiting for next safar
   દરેક સ્થળ નુ એટલુ સુંદર વણૅન હોય છે કે સાથેજ ફરતા હોઈએ તેવું લાગે છે. Congrats.

  • Harish Dasani

   સરસ પ્રવાસ વર્ણન સાથે ફોટોગ્રાફ પણ આકર્ષક છે.