વેદાંગ – શ્રદ્ધા ભટ્ટ 8


વેદ વિષે પ્રારંભિક માહિતી આપ્યા પછી આજે વાત વેદના અલગ અલગ અંગોની. વેદનાં  અંગો? નવાઈ લાગે છે ને? પણ વેદને સંપૂર્ણ રીતે સમજવા માટે આ જ અંગો મદદરૂપ થાય છે. મંત્રોના ઉચ્ચારણથી લઈને ગ્રહ, નક્ષત્ર અને વૈદિક શબ્દોની ઉત્પત્તિ વિશેની વાતો પદ્ધતિસર રીતે શીખવતું શાસ્ત્ર એટલે વેદાંગ.

વેદ શા માટે જરૂરી છે અને એનો અભ્યાસ આપણે ધારીએ છીએ એટલો મુશ્કેલ નથી એ વાત કર્યા પછી હવે વેદના વ્યવસ્થિત અભ્યાસ માટેની જરૂરી વિગતો આપ સૌ સમક્ષ મૂકવા પ્રયત્ન કરું. એ પહેલાં એક વાત. સૌથી પ્રાચીન એવા આ ગ્રંથની જાળવણી લાંબા સમય સુધી ફક્ત શ્રુતિના માધ્યમથી જ થઈ છે. ઋષિઓ મંત્રો બોલે, શિષ્યો સાંભળે અને એ જ મંત્ર અગણિત વાર ફરી ફરી બોલે. વેદ સંહિતાઓઓ ગ્રંથનું સ્વરૂપ તો પાછળથી ધારણ કર્યું છે. ત્યાં સુધી ફક્ત શ્રવણ અને સ્મૃતિમાં જ વેદ ધારણ થયો અને એ જ રીતે આગળ વધ્યો. અગણિત શ્લોકો ફક્ત યાદ રાખીને એની જાળવણી કરવી – આ લખવું સહેલું છે, કરવું અત્યંત કઠિન! છતાં, ઋષિમુનિઓએ આ અત્યંત જટિલ કાર્ય બહુ જ આસાનીથી પાર પાડ્યું છે એટલે જ આપણો આ ઉત્તમ પ્રાચીન વારસો એમનેમ જળવાયેલો છે.

ક્યારેય વિચાર કર્યો છે, આટલા બધા શ્લોકો એક પણ સ્વર કે માત્રાની ભૂલ વિના મૂળભૂત રૂપમાં આપણી પાસે કઈ રીતે પહોંચ્યા હશે? ઋષિઓએ વેદની સંહિતાઓની રક્ષા માટે જે પદ્ધતિ વિકસાવી છે આજે એની વાત કરીએ.

ભગવદ્ગોમંડલ અનુસાર અંગનો એક અર્થ થાય કાર્ય સિદ્ધ કરવામાં સહાયક સાધન. अड्गयन्ते ज्ञायन्ते अमीभिरिति अड्गानि | જે ઉપકરણ દ્વારા કોઈ તત્વના જ્ઞાનમાં સહાયતા પ્રાપ્ત થાય તમને અંગ કહેવામાં આવે છે. તમે કહેશો, શારીરિક ક્રિયાઓ કરવામાં વળી જ્ઞાન શેનું? પણ આ જ વ્યાખ્યાને વેદના સંદર્ભમાં લઈએ તો? વેદના અર્થને જાણવા, એના મંત્રોચ્ચારની સાચી પદ્ધતિ શીખવા માટે જે શાસ્ત્રો મદદરૂપ થાય છે એને કહેવાય વેદોનાં અંગો એટલે કે વેદાંગ. વેદાંગ છ છે – શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ.

હવે આ દરેક અંગ વિશેની પ્રારંભિક માહિતી જોઈએ.

૧. શિક્ષા

શિક્ષા એટલે વેદમંત્રોનો ઉચ્ચાર કરવાની વિદ્યા. શિક્ષા સૌથી પ્રાથમિક અને મહત્વપૂર્ણ છે. વેદમંત્રોના શુદ્ધ પાઠ માટે શિક્ષા જરૂરી છે. શિક્ષાનો સવિસ્તાર અર્થ જણાવતા સાયણાચાર્ય લખે છે –

स्वरवर्णाघुच्चारणप्रकारो यत्र शिक्ष्यते उपदिश्यते सा शिक्षा |

સ્વર, વર્ણ વગેરેના ઉચ્ચારણની પદ્ધતિ શીખવે તે શિક્ષા. વેદમંત્રોનો વિશુદ્ધ, યથાસ્થિત ઉચ્ચાર શીખવનાર શાસ્ત્ર એટલે શિક્ષા. ટૂંકમાં અત્યારનું phonetics એ એક સ્વરૂપનું શિક્ષાશાસ્ત્ર જ કહી શકો. હવે પ્રશ્ન એ થાય કે એની ખરેખર જરૂર છે ખરી? મંત્રોના શુદ્ધ ઉચ્ચારણનો આટલો બધો આગ્રહ શા માટે? મહર્ષિ પતંજલિએ મહાભાષ્યમાં એક પ્રસંગ મૂક્યો છે. ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપનો ઇન્દ્રએ વધ કર્યો. પોતાના પુત્રના મૃત્યુથી પિતા ત્વષ્ટાએ દુખી થઈને ઇન્દ્રનો નાશ કરે તેવા પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો.

इन्द्रशत्रो विवर्धस्व माचिरम जहि विद्विषम् |

આ મંત્રના જાપથી ઇન્દ્રનો નાશ કરે તેવા પુત્રની પ્રાપ્તિ માટે આહુતિ આપીને હોમ કરવા લાગ્યા. યજ્ઞ પૂર્ણ થયો ત્યારે અગ્નિમાંથી એક મહાદૈત્ય પ્રગટ થયો. પુત્રને બદલે દૈત્ય? આમ કેમ? મંત્રના ઉચ્ચારણનું મહત્વ અહીં સૂચિત થાય છે. મંત્રના ઉચ્ચારમાં સહેજ પણ ફેર પડે તો એના અર્થમાં ફેર પડી જાય અને પરિણામ વિપરીત આવી શકે! ઉપરના મંત્રમાં આવતા  इन्द्रशत्रो શબ્દનો અર્થ થાય – જે ઇન્દ્રને મારે. અને એનો બીજો અર્થ થાય, જેને ઇન્દ્ર મારે! બંને અર્થ એની રીતે સાચા જ છે, બસ કઈ રીતે એ શબ્દનું ઉચ્ચારણ થાય એના અનુસાર એનો અર્થ ફલિત થાય! ત્વષ્ટા અને એના પુરોહિતોના ઉચ્ચારની ભૂલને કારણે ઇન્દ્રને મારનાર પુત્રને બદલે ઇન્દ્ર જેને મારે તે પુત્ર ઉત્પન્ન થયો અને વૃત્રાસૂરનો ઇન્દ્રએ વધ કર્યો.

આ નાનો એવો પ્રસંગ વૈદિક મંત્રમાં ઉચ્ચારશુદ્ધિનું મહત્વ દર્શાવે છે. મંત્રોના સ્વર, અક્ષર, માત્રા અને ઉચ્ચારણની રીત શીખવતા શિક્ષા ગ્રંથને પ્રતિશાખ્ય કહે છે. પ્રત્યેક વેદને પોતાના એક કે એકથી વધુ પ્રતિશાખ્ય છે, જેમ કે પાણીનીય શિક્ષા (ઋગ્વેદ), વ્યાસ શિક્ષા (શુક્લ યજુર્વેદ), યાજ્ઞવલ્ક્ય શિક્ષા (કૃષ્ણ યજુર્વેદ), ગૌતમી, નારદીય, લોમશી શિક્ષા (સામવેદ) અને માંડુકી શિક્ષા (અથર્વવેદ).

૨. કલ્પ

કલ્પ એટલે કર્મકાંડનું વિજ્ઞાન. નવાઈ લાગે એવી વાત છે કેમ કે આપણે ત્યાં કર્મકાંડ એટલે બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવતી ધાર્મિક ક્રિયા – આવો ખ્યાલ છે! અને ધર્મ અને વિજ્ઞાનને શું લાગે વળગે એવો પ્રશ્ન આ વાંચ્યા પછી થયા વિના ન રહે! અહીં કર્મકાંડ એટલે વૈદિક મંત્રો દ્વારા કરવામાં આવતો યજ્ઞ. ઋગ્વેદ પ્રતિશાખ્યમાં કલ્પની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે –

कल्पो वेदविहितानां कर्माणामानुपूर्व्येण कल्पना शास्त्रम् |

કલ્પ એટલે વેદના કર્મોની શાસ્ત્રીય વ્યાખ્યા અને વ્યવસ્થા રજૂ કરનાર શાસ્ત્ર. કર્મને વ્યાખ્યાયિત કરતું હોવાને લીધે કલ્પને વેદના હાથ કહે છે.

हस्तो कल्पोडथ पठ्यते |

કલ્પના ગ્રંથો સૂત્ર સ્વરૂપમાં છે એટલે એને કલ્પસૂત્ર પણ કહે છે. કલ્પસૂત્રો ત્રણ પ્રકારના છે – શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર અને ધર્મસૂત્ર. યજ્ઞ વિષે વિવરણ આપનાર સૂત્રોને શ્રૌતસૂત્ર કહે છે. ગૃહસ્થના જન્મથી લઈને મૃત્યુ સુધીના કર્તવ્યો અને અનુષ્ઠાનનું વર્ણન કરનાર સૂત્રોને ગૃહ્યસૂત્ર કહે છે. અલગ અલગ પ્રકારના આર્થિક, સામાજિક અને રાજનૈતિક કર્તવ્યો, વિવિધ જાતિઓ, આશ્રમો વગેરે વિશેની વિશદ છણાવટ છે ધર્મસૂત્રમાં.

કલ્પ એટલે સુચારુરૂપે યજ્ઞ કાર્ય સંપન્ન કરવાની વિધિ આપતું સૂત્ર.

૩. વ્યાકરણ

આ છે વેદનું પ્રમુખ અંગ. વ્યાકરણને વેદનું મુખ કહ્યું છે. मुखं व्याकरणम स्मृतम् | અ સમજો. વિચારોના આદાનપ્રદાન માટે જે અંગનો સૌથી વધુ ઉપયોગ થાય એ છે મુખ. વાણી મુખ દ્વારા જ બોલાય અને એટલે જ બોલાયેલા શબ્દો વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવા અત્યંત જરૂરી. એ રીતે જોતાં વ્યાકરણ એ મુખ્ય અંગ થયું. વ્યાકરણ વિના વેદના મંત્રોનું અસ્તિત્વ જ નથી એમ કહું તો એમાં જરાય આતિશયોક્તિ નથી. વ્યાકરણના અભ્યાસથી સૌથી મોટો હેતુ સિદ્ધ થતો હોય તો એ છે – વેદમંત્રોની રક્ષા. શુદ્ધ ઉચ્ચારણથી થયેલું મંત્રોનું પઠન એના સાચા અર્થને જાળવી રાખવામાં ઉપયોગી નીવડે છે.

પ્રચલિત અને પ્રાપ્ત વ્યાકરણોમા પાણીનીય વ્યાકરણ પ્રાચીનતમ છે. વેદાંગનું પ્રતિનિધિત્વ કરનાર વ્યાકરણ પણ એ જ છે. વ્યાકરણ વિના ભાષા ન શીખી શકાય અને ભાષાના જ્ઞાન વિના વેદનો અભ્યાસ શક્ય નથી એટલા માટે જ વ્યાકરણ એ વેદના બધા અંગોમાં પ્રમુખ અંગ છે.

૪. નિરુક્ત

સાયણાચાર્યે નિરુક્તની વ્યાખ્યા આ મુજબ આપી છે – अर्थावबोधे निर्पेक्षतया पदजातं यत्रोत्क्म तन्निरुक्तम् | નિરપેક્ષતાથી પદોની ઉત્પત્તિ જેમાં કહેવામાં આવે છે, તે નિરુક્ત છે. સંસ્કૃત શબ્દોની ઉત્પત્તિ અને એના વિશેની વિસ્તૃત માહિતી જ્યાં મળી રહે તે નિરુક્ત. શિક્ષા, કલ્પ અને વ્યાકરણથી વેદના બાહ્ય તત્વો જેવા કે ઉચ્ચારણ, પદોની વ્યવસ્થિત ગોઠવણ અને યજ્ઞ કરવાની સાચી રીત આના વિષે જાણકારી મળે છે, જયારે નિરુક્ત વેદના આંતરિક સ્વરૂપને ઉજાગર કરે છે. વેદના કઠીન શબ્દોનો અર્થ આપીને આપણી સમક્ષ વેદના ગૂઢ અર્થને જાણવાની એક દિશા ખોલી આપે છે.

નિરુક્તિ એટલે વ્યુત્પત્તિ. નિરુક્તના મત મુજબ પ્રત્યેક શબ્દ કોઈને કોઈ ધાતુમાંથી નિર્મિત થાય છે. તેથી નિરુક્તકાર શબ્દોની વ્યુત્પત્તિ પ્રદર્શિત કરીને ધાતુ સાથે વિભિન્ન પ્રત્યયોનો પણ નિર્દેશ કરે છે. શબ્દના મૂળ સુધી પહોંચીને એનો અર્થ સમજવામાં નિરુક્ત મદદ કરે છે અને એ રીતે વેદમંત્રોનો સાચો અર્થ પણ સમજી શકાય છે.

નિરુક્ત અને વ્યાકરણ બંને વેદાંગ છે અને બંને એકબીજાના પૂરક છે. વ્યાકરણ શબ્દોનું શુદ્ધિકરણ કરે છે અને નિરુક્ત શબ્દાર્થનું વિવેચન કરે છે. મંત્ર પાઠના બધા અર્થો નિરુક્ત ઉત્પન્ન કરે છે પણ એ મંત્રોના પરિજ્ઞાન માટે વ્યાકરણની સહાયની આવશ્યકતા છે.

5. છંદ

વેદમંત્રોના ઉચ્ચારણ માટે છંદનું જ્ઞાન બહુ જરૂરી છે. વેદના પ્રત્યેક સૂક્તના દેવતા, છંદ અને ઋષિ વિષે જાણ્યા પછી જ મંત્રનું અધ્યયન, અધ્યાપન અને યજન થઈ શકે. છંદ શબ્દના બે અર્થ છે – આચ્છાદન અને આહલાદન. એક અર્થ મુજબ છંદની વ્યાખ્યા થાય –

छन्दासि छाद्नात | – છંદો વેદને આવૃત્ત કરે છે, વેદને ઢાંકે છે. છંદબદ્ધ ઋચાઓ કે શ્લોકો દ્વારા વેદમંત્રોના મર્મને એક નિશ્ચિત આવરણમાં બાંધી રાખવા માટે છંદ વપરાયા એવું કહી શકાય. અહીં પણ ઢાંકવું – એ શબ્દનો મૂળ અર્થ ન પકડતા સૂચિત અર્થ જુઓ. છંદ એટલે એક ચોક્કસ બંધારણ જેના નિયમોને અનુસરીને શબ્દોની ગોઠવણી કરવામાં આવે. હવે આ જ નિયમોને ધ્યાનમાં રાખીને વેદમંત્રોનું છંદોબદ્ધ બંધારણ એવી રીતે કરવામાં આવ્યું છે કે એ મંત્રનો સાચો ભાવ એ છંદના આવરણ નીચે ઢંકાયેલ રહે અને યોગ્ય અભ્યાસથી એ આવરણ નીચે છૂપાયેલા ગૂઢ અર્થ  સમજી શકાય!

છંદની બીજી વ્યાખ્યા છે – छंदि आह्लादने | છંદ એટલે આહલાદન. છંદના ચુસ્ત બંધારણમાં લખાયેલી પંક્તિઓ વાંચી મન ખુશ થઈને વાહ વાહ પોકારી ઊઠે ત્યારે છંદનું કાર્ય સિદ્ધ થયું ગણાય.

વૈદિક છંદો અક્ષરગણનાથી નક્કી થાય છે. તેમાં લઘુ- ગુરુનો કોઈ વિશેષ નિયમ લાગુ પાડતો નથી. વેદોમાં કુલ 26 છંદોનો પ્રયોગ કરવામાં આવેલ છે. જેમાં ઋગ્વેદમાં 13 છંદ, યજુર્વેદમાં 8 છંદ અને અથર્વવેદમા 5 છંદ છે. વેદાંગ છંદનો આધારરૂપ અને પ્રતિનિધિ સ્વરૂપ ગ્રંથ પિંગલાકૃત છંદ સૂત્રમ છે.

૬. જ્યોતિષ

વેદની મુખ્ય પ્રવૃત્તિ યજ્ઞના સંપાદનની છે. યજ્ઞ વિધાનને વિશિષ્ટ કાળની જરૂર પડે છે. યજ્ઞ-યાગના સંપાદન માટે સમય શુદ્ધિની આવશ્યકતા હોય છે. જ્યોતિષ એટલે શું? જ્યોતિષનો મૂળભૂત સિધ્ધાંત છે કે આકાશીય પિંડોનો પ્રભાવ સમગ્ર અસ્તિત્વ પર પડે છે, તે જ રીતે માનવજીવન અને વિશ્વની પરિસ્થિતિ પર પણ આકાશીય ગ્રહોની અસર થાય છે. કયો યજ્ઞ ક્યા સમયે થાય તેના માટે નક્કી કરેલા વિધાનો છે અને જ્યોતિષ આ જ કાર્યમાં મદદરૂપ થાય છે. ક્યા સમયે ક્યા નક્ષત્રમાં કયો યજ્ઞ કરવાથી શુભ ફળ મળે એના જ્ઞાન વિના કરેલું યજ્ઞ કાર્ય ફળદાયી બનતું નથી.

યજ્ઞની સફળતા માટે યોગ્ય સમયની જાણકારી અત્યંત જરૂરી છે. પ્રાચીનકાળમાં ચારે વેદોનાં અલગ અલગ જ્યોતિષશાસ્ત્ર ઉપલબ્ધ હતાં, પણ હાલમાં સામવેદનું જ્યોતિષશાસ્ત્ર ઉપલબ્ધ નથી. બાકીના ત્રણ વેદના જ્યોતિષશાસ્ત્ર છે –

ઋગ્વેદ – આર્ચ જ્યોતિષ
યજુર્વેદ – યાજુષ જ્યોતિષ
અથર્વવેદ – આથવર્ણ જ્યોતિષ

વેદને એક પુરુષ ગણીએ તો એના છ અંગો આ રીતે દર્શાવી શકાય –

शिक्षा घ्राणं तु वेदस्य, हस्तौ कल्पोऽथ पठ्यते मुखं व्याकरणं स्मृतम्।
निरुक्त श्रौतमुच्यते, छन्द: पादौतु वेदस्य ज्योतिषामयनं चक्षु:॥

છંદ એ વેદના પગ છે, કલ્પ એ એના હાથ છે. જ્યોતિષ એ એની આંખો છે, જયારે નિરુક્ત એના કાન છે. શિક્ષા એ એનું નાક અને વ્યાકરણ એ એનું મુખ છે.

છંદ રૂપી પગ પર ઊભેલો વેદ નામનો પુરુષ જ્યોતિષની આંખો વડે નક્ષત્ર આદિનું જ્ઞાન મેળવી, મંત્રોના સાચા અર્થોનું નિરુક્ત રૂપી કાન દ્વારા શ્રવણ કરે છે. સ્વર, વર્ણ અને ઉચ્ચારણની શિક્ષા રૂપી સુગંધ ગ્રહણ કર્યા બાદ વ્યાકરણ રૂપી મુખ દ્વારા જયારે મંત્રોનું શુદ્ધ ઉચ્ચારણ કરી કલ્પરૂપી હાથ વડે યજ્ઞ કાર્યમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે.

~ અંજલિ ~

तत्रापरा ऋगवेदो यजुर्वेद: सामवेदोऽथर्ववेद: शिक्षाकल्पो व्याकरणम
निरूक्तं छन्दो ज्योतिषमिति | अथ परा तया तदक्षरमधिगम्यते || ५ || मुन्डकोपनिषद

ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની વિદ્યા શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરુક્ત, છંદ અને જ્યોતિષ દ્વારા લઈ શકાય છે જે અપરા વિદ્યા છે. મનુષ્ય માટે આ વિદ્યાનું જ્ઞાન શ્રેષ્ઠ છે. પરમ અવિનાશી બ્રહ્મ તત્વ વિશેની વિદ્યા એટલે પરા વિદ્યા.

– શ્રદ્ધા ભટ્ટ

શ્રદ્ધાબેન ભટ્ટની કૉલમ આચમન અંતર્ગત આપણાં વેદો, ગ્રંથો અને અધ્યાત્મને લગતાં લેખો પ્રસ્તુત થાય છે. આ બધા લેખો નો સંગ્રહ અહીં ક્લિક કરીને માણી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “વેદાંગ – શ્રદ્ધા ભટ્ટ

  • Neha

    હવે પરા વિદ્યા અને અપરા વિદ્યા વિશે માહિતીની ભૂખ ઉઘડી છે.પ્રકાશ પાડજો.

  • હર્ષદ દવે

    વેદ અને વેદાંગ, તેનો અભ્યસ અને તેનું પઠન…આ વિષયોની સમજ મેળવવા માટે અત્યારના અભ્યાસક્રમમાં જવલ્લે જ આવું સાહિત્ય મળે, આટલો સરસ અને સરળ લેખ એ અભ્યસક્રમમાં સમાવવામાં આવવો જોઈએ. તેમાં વિદ્યાર્થીઓને રસ પડે તેવી કોઈ સુંદર વ્યવસ્થા કરવી જોઈએ. પણ અત્યારના હિંમત હારી જાય તેવી હરીફાઈયુક્ત અભ્યાસ પદ્ધતિ રોજગારલક્ષી બની છે અને તે કાર્ય પણ ભ્રષ્ટ આચારને લીધે યથોચિત થતું નથી. એવી પાઠશાળાઓ ક્યાં? તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સીટીઓ પણ બહુ ઓછા સ્થળોએ હશે. આ મહાકાર્ય વિશ્વમાં જ્ઞાનના પ્રકાશને પાથરવાનું છે, પરંતુ રવીન્દ્રનાથ ટાગોરનો નાનકડો દીપક કહે છે તેમ ‘આમાર જે ટુકુ શાદ્ધો કોરીબો તા આમિ’, એટલે કે ‘મારાથી જે કાંઈ થઇ શકે એટલું હું કરીશ.’ એમ સમજી સહુ પોતપોતાનાથી થઇ શકે તે કરે તો તે કાર્ય સિદ્ધ થવું એટલું મુશ્કેલ પણ નથી. આ લેખ એ દિશામાં આગળ વધે છે…અભિનંદન….

  • જ્યેન્દ્ર

    બહુ સરસ લેખ છે. વેદ વિશે બહુ ઓછું વાંચવા મળે છે. શ્રદ્ધાબેને સરળ પણ સટીક રીતે સંક્ષિપ્તમાં વેદાંગ વિશે ટૂંકમાં સમજાવ્યું છે તે અભિનંદન ને પાત્ર છે. આશા છે આવીજ રીતે વેદ, તેની શાખાઓ વિશે ભવિષ્ય માં તેમના લેખો વાંચવા મળશે તેવી આશા રાખું છું. અક્ષરનાદ નો પણ આભાર.