પ્રેમની લ્હેરખીઓ – મીરા જોશી 9


પ્રેમ જેવી અદ્ભુત ઘટના અનાયાસ થઇ જાય છે, પણ ‘અપ્રેમ’ જેવી તુચ્છ ઘટના માટે પ્રયત્નો કરવા પડે છે, જીવનનો આ તે કેવો વિરોધાભાસ! તને ચાહતા જ હું મારા અસ્તિત્વને’ય ચાહવા લાગી છું..! તને હ્રદયમાંથી જાકારો આપીને હવે જાતને ચાહવું અશક્ય છે.

પીડાનો મિનારો..  

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું?

અનીલ ચાવડા

કોઈ મારા હ્રદયના આંગણે પ્રેમ માંગવા આવે તો હું શું આપી શકું તેને? ફરીવાર મારી પાસે માત્ર થોડા શબ્દો ને પીડા બચી છે.

ખર્ચ થઇ ગયું છે હ્રદય, ઓગળી ગયું છે હૈયું…! નવો હિમાલય બની જાય કદાચ, પરંતુ નવું હ્રદય, નવી સંવેદનાઓ શું બની શકે? ક્યારેય નહિ, ને જો બની શકે તો હવે મારે એ રાહ ઉપર જવું જ નથી, જ્યાં ઉપર તો સુંવાળી પ્રેમની જાજમ પથરાયેલી છે પણ એ સુંવાળી જાજમ ઉપર ચાલીએ પછી ખબર પડે કે નીચે તો કાચના ટૂકડા પથરાયેલા છે..!

ફરીવાર એક નવું હ્રદય મળે તો હું એને ખુબ સાચવું, એને પોતાના જ સ્નેહથી એટલું ભરપૂર કરી દઉં કે એ કોઈનો સ્નેહ માંગે જ નહીં. ક્યારેક જાત સાથે જ પ્રશ્ન થાય, લાગણી અને વિચારોથી બે અલગ અલગ ધ્રુવવિશ્વના વ્યક્તિઓ વચ્ચે શું ખરેખર કશુંક સુખમય શક્ય છે!? તારા હ્રદય સુધી પહોંચીને આજે આ મારું હ્રદય કેમ પાછું વળે છે..? તારા ને મારા વિચારોમાં સામ્ય નથી થતું પરંતુ લાગણીઓનું થાય છે અને આ લાગણીને સાચવવા જતાં મનને, સ્વાભિમાનને ઘાયલ થવું પડે છે…

પ્રેમ જેવી અદ્ભુત ઘટના અનાયાસ થઇ જાય છે, પણ ‘અપ્રેમ’ જેવી તુચ્છ ઘટના માટે પ્રયત્નો કરવા પડે છે, જીવનનો આ તે કેવો વિરોધાભાસ! તને ચાહતા જ હું મારા અસ્તિત્વને’ય ચાહવા લાગી છું..! તને હ્રદયમાંથી જાકારો આપીને હવે જાતને ચાહવું અશક્ય છે.

આ લખતા આંખો ભીની થાય છે. તને ચાહવો છે.. બધા જ પ્રશ્નોથી મુક્ત થઈ. નથી ચાહી શકાતું, નથી છોડી શકાતું એની જ આ પીડા…. જે તારા થકી મળી છે એના ઘાવ તારા સિવાય કોઈ રુઝાવી શકશે? પણ તું જ નથી…


પ્રેમનો ઉઘાડ..

હજી પણ મારા દિલમાં એ અહેસાસ કાયમનો છે…
જ્યારે આંખની પાંપણ ઉઠાવી પહેલી વખત તમને જોયા હતા!

ક્યારેક કોઈ સાથેની ક્ષણિક મુલાકાતમાં જ તમે એને પામી જાઉ છો, તો ક્યારેક વર્ષોના સંગાથમાં પણ એના હ્રદય સુધી નથી પહોંચી શકાતું! ઝગડા ને વિરહ બાદ થતું પ્રેમીઓનું મિલન શેરડીના મીઠા રસ જેવું હોય છે! તને ખબર છે, તું કંઈજ કર્યા વિના મને મનાવી શકે છે… તારું હોવું જ મારી ઉદાસી, નારાજગી ઓગાળી નાખે છે.

ગઈકાલે જયારે આખી દુનિયા ‘પ્રેમનો દિવસ’ ઉજવતી હતી, ત્યારે આપણે આટલા દિવસના અબોલા બાદ દુન્યવી શોરથી દૂર, પ્રકૃતિના સાન્નિધ્યમાં એકમેકના આંસુ લૂછતાં હતાં. આખરે તું આવી જ ગયો, મારી, નહિ.. આપણી પીડાનું પ્રકરણ સમાપ્ત કરવા..! તું મારી પાસે ન હોય ત્યારે લાગે જાણે તું ક્યાંય છે જ નહિ સિવાય મારા હ્રદયમાં, ને જયારે તું મારી સમીપ હોય ત્યારે લાગે જાણે કેટલાયે જન્મોથી તું અહીં જ છે, મારી સાથે..!

પ્રેમીઓએ બને ત્યાં સુધી એકબીજાની સાથે જ રહેવું જોઈએ, અબોલા ક્યારેક સંબંધોને ઊંડે સુધી તોડી નાખે છે ને પછી જયારે બંનેમાંથી કોઈજ પ્રયત્ન ના કરે ત્યારે એ સંબંધ આપોઆપ સંકેલાઈ જાય છે. ને બાકી રહી જાય છે પ્રયત્ન ન કરવાનો વસવસો અને પીડા..

ગઈકાલે તારી બચકાની વાતોએ ફરીવાર મને હસાવી દીધી. હવામાં ઉડતા મારા ખુલ્લા વાળ, ખડખડાટ હસતી હું ને મને હસતા જોઈ રહેલો તું! મારા માથા પર ફરી રહેલા તારા હાથથી મહેસુસ થયું કે હું અહીં સુરક્ષિત છું, તારી પાસે. તારા પરાક્રમો વિષે,તારા ઘરના સભ્યો વિષે જ્યારે તું વાતો કરતો હોયને ત્યારે મને બહુ જ વહાલો લાગે છે!

તને ખબર છે, તું એવો વ્યક્તિ નથી, જેને એક વખત જોઈએ ને આકર્ષણ થાય કે ગમી જાય, તારું સામાન્યપણું જ અસામાન્ય છે. આંખો ઉપર પટ્ટી બાંધી, કાન, મગજ અને દુનિયાની સમજણના તમામ દરવાજા બંધ કરીને જેમ તું મારા દરવાજે આવ્યો છે એ જ રીતે હું તારા પ્રેમવિશ્વમાં આવી છું! તારા દેખાવ, રંગ, રૂપ, સ્વભાવ, ખાસિયત, ખૂબીઓ, અણઆવડત કશું જ મારા હ્રદયને સ્પર્શ્યું નથી, સિવાય તારું નિર્દોષ મન..! એક એવું મન, જેણે પ્રેમનો મર્મ જાણ્યો તો એનું નામ પડ્યું લાલી…!

તને ચાહું છું, ચાહીશ… હેપ્પી વેલેન્ટાઈન્સ ડે!

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “પ્રેમની લ્હેરખીઓ – મીરા જોશી