તરસ : હુકમસિંહ જાડેજા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી 2


ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પોતાના પરિવેશ અને લેખકની ભાષા ઉપરના કાબૂ વિશે એક મજબૂત છાપ ઊભી કરે છે. વાર્તા જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ ભાવક તેની સાથે ખેંચાતો જાય છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે.

લેખકનો પરિચય :

હાલ વિજપાસર રહેતા હુકમસિંહ જાડેજાનો જન્મ, બાળપણ અને ઉછેર કચ્છના વાગડ વિસ્તારમાં રણને કાંઠે થયા. એકદમ રણની કાંધ માથે ખેતર એટલે રણ અને વગડો પોતીકા લાગે. પરિવારમાં બે મોટાભાઈ અને એક નાની બહેન સાથે ઉછરેલા હુકમસિંહને મોટા ભાગના લેખકોની જેમ વાર્તાનો શોખ વારસામાં મળ્યો છે તેઓના દાદીમા પાસેથી. દાદીમા ખૂબ બધી વાર્તાઓ કહેતા ત્યારથી જ બાળપણમાં વાર્તાના બીજ ક્યાંક ઊંડે ઊંડે વવાયા.

પ્રાથમિક શિક્ષણ વેરસરાની પ્રાથમિક શાળામાં માધ્યમિક શિક્ષણ લોદ્રાણી અને ભચાઉમાં ગુજરાતી વિષય સાથે એમ.એ કોલેજ કર્યું. કોલેજકાળમાં પ્રતીક્ષાબેન પરમારે તેમના મનમાં વવાયેલાં વાર્તા-બીજ ઉપર પાણી રેડવાનું કામ કર્યું અને આજે એ બીજે બે’ક ડાળીઓ કાઢી છે. પ્રતીક્ષાબેને સાહિત્યની દુનિયાનો પરિચય કરાવ્યો અને તેઓ લખતા થયા.

હુકમસિંહને વાંચનમાં અને લેખનમાં ખૂબ રસ છે. વ્યવસાયિક રીતે તેઓ ઇલેક્ટ્રો થર્મમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. કચ્છના ગુલાલ પ્રોડક્શનમાં સ્ક્રિપ્ટ રાઇટર તરીકે જોડાયેલા છે. તેઓ હાલમાં વાર્તાઓ, નવલકથા અને એક નાટક પર કામ કરી રહ્યા છે. તેઓને  ટૂંકીવાર્તાઓ ઉપરાંત નાટક અને ગીતો લખવા ખૂબ ગમે છે.

તો ચાલો તપાસીએ એમની સ્વ. ભાવેશ અંબાલાલ ચૌહાણ સ્પર્ધા – ૨૦૨૦ વિજેતા વાર્તા ‘તરસ’ને મનના માઇક્રોસ્કોપથી; આ આખી વાર્તા અહીં ક્લિક કરીને વાંચી શક્શો.

ત્રીજા પુરુષમાં લખાયેલી આ વાર્તા પહેલા વાક્યથી જ પોતાના પરિવેશ અને લેખકની ભાષા ઉપરના કાબૂ વિશે એક મજબૂત છાપ ઊભી કરે છે. વાર્તા જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ ભાવક તેની સાથે ખેંચાતો જાય છે. “તરસ” અભિધા અને લક્ષણા બંને કસોટી પર ખરી ઉતરે છે. વાર્તામાં રણનો પરિવેશ આબાદ ઝીલાયો છે. વાર્તા ભાવકને પાત્રોની સાથે રણમાં પ્રવાસ કરાવે છે. “ઊંટ રણનું વહાણ છે. તે દિવસો સુધી તરસ્યું રહી શકે છે કારણકે કુદરતે તેના પેટમાં પાણી સંગ્રહ કરવાની કોથળી આપી છે.” આ પ્રકારનો નિબંધ વાંચ્યો અથવા લખ્યો હોય તેવા વાચકને અડધી વાર્તાએ આગળ શું થશે એ અંદાજો આવી જાય છે. તેમ છતાંય આખી વાર્તા વાચકને અંત સુધી પ્રવાહમાં તાણી જાય છે એ લેખકની ઉપલબ્ધિ છે. 

વાર્તાની થીમ :

વાર્તાની થીમ  લાગણી ઉપર જીવન જરૂરિયાતની જીત થાય છે. એ કડવું સત્ય જણાવતી થીમ દરેક યુગમાં પ્રસ્તુત છે.

વાર્તાનો પ્લોટ :

એક વયસ્ક સ્ત્રી, તેના બે પુત્ર-પુત્રવધૂ સાથે રણની મુસાફરી કરી રહી છે.  મુસાફરીમાં  ધાર્યા કરતાં વધારે વિલંબ થયો છે અને પાણી ખૂટી પડ્યું છે. યુવાન સ્ત્રી-પુરુષો તો તરસ જીરવી જાય છે  પરંતુ વયસ્ક સ્ત્રી તરસથી વારેવારે બેશુદ્ધ થઈ જાય છે. પોતાની માનો જીવ બચાવવા સમયે રણના મુસાફરો પાસે બે જ ઉપાય હોય છે : પેશાબ પીવો અને છેલ્લે ઊંટને ફાડી તેની પાણીની કોથળી કાઢીને પીવી. ઊંટ પણ તેમના પરિવારનો હિસ્સો છે. આ માનવીય મૂલ્યો અને જીવનની જરૂરિયાત ઉપર વાર્તાનો પ્લોટ બાંધવામાં આવ્યો છે.

પરિવેશ :

આખી વાર્તામાં અનેક રૂપકો દ્વારા રણનો પરિવેશ આબેહૂબ ઊભો કરવામાં આવ્યો છે.

“વૈશાખનું કોરું રણ તરસ્યા કૂતરાની જીભ જેવું હાંફતું પડ્યું છે. સાપના રાફડા જેવા મૃગજળ દૂર-દૂર સુધી ફેલાયેલા, ઘોના ચામડા જેવા ઝગી રહ્યા છે. લૂના ઝાપટા ચાબુક જેવા વીંઝાઇ રહ્યા છે. સૂર્ય લાવાની જેમ ધખી રહ્યો છે. “

અહીં વાચક સામે દૃશ્ય ઊભું થાય છે. તો હજુ આગળ જોઈએ તો ..

“દૂર-સુદૂર અનંત રીતે ફેલાયેલું રણ હવનની માફક ધખી રહ્યું છે. ધરતીમાંથી નીકળતી વરાળ તેમાં ઘી હોમી રહી છે. આંખો આંજી નાખે એવો તાપ અને બેજાન રણ… ઉપરથી માણસોને દાઝ્યા માથે ડામ દેતા વંટોળિયા.”

અહીં ભાવક એ તાપ પણ અનુભવી શકે છે.

પાત્રાલેખન :

આ વાર્તામાં મોહી, મયો, વીરો, મફી અને માધુ એમ પાંચ પાત્રો સિવાય ટોડિયો (બાળ ઊંટ) એમ છ પાત્રો આલેખવામાં આવ્યા છે. 

મોહી : વ્યસ્ક સ્ત્રી છે, જેને ટોડિયો ભાઈ જેટલો વહાલો છે.
મફી : સાસુનું ધ્યાન રાખતી અને ચિંતા કરતી પુત્રવધૂ છે.
મયો અને માધુ અન્ય પુત્ર અને પુત્રવધૂ છે, જેમના વિશે કાંઈ જ લખવામાં આવ્યું નથી. પરંતુ એક કુશળ ટૂંકીવાર્તાની માંગ મુજબ ફક્ત બે પાત્રો વીરા અને ટોડીયાનું વ્યવસ્થિત આલેખન કરવામાં આવ્યું છે.
વીરો : એક જવાબદાર પુત્ર છે, જેણે અનેકવાર રણની વિષમ પરિસ્થિતિનો સામનો કર્યો છે. તે પોતાની મા પ્રત્યે તો લાગણી ધરાવે જ છે, સાથેસાથે પોતાના પ્રાણીઓના કાફલા સાથે પણ લાગણી રાખે છે.
ટોડીયો : એક રમતિયાળ બાળ ઊંટ. જે પોતાની મા જેટલા જ લાડ વીરા પાસે પણ કરે છે. તેનું લાગણીભર્યું વર્તન કોઈપણ નિર્વ્યાજ પ્રેમ કરતા બાળકની યાદ અપાવે છે.

મનોમંથન :

short story taras review aksharnaad

“તરસ” વાર્તામાં વીરાનું મનોમંથન સુપેરે ઉપસાવવામાં આવ્યું છે, તરસી માની તરસ છીપાવવા માટે પોતાના અને માના લાડકા ટોડિયાનો જીવ લેવો કે નહીં એ બાબત વીરો સતત મથામણમાં રહે છે. એને ટોડીયા પ્રત્યે માનું વ્હાલ અને પોતાની પાસે લાડ કરતો ટોડિયો દેખાઈ રહ્યા છે પરંતુ તરસને કારણે કદાચ માને ખોઈ બેસે તેવો ડર વીરાને નબળો પાડી રહ્યો છે. માનો જીવ બચવવા પ્રથમ ઉપાય તરીકે પેશાબ આપે ત્યારે પણ તેની લાચારી ભાવકના મનમાં અરેરાટી કરાવી જાય છે.

“લુહારની ભઠ્ઠી જેવું રણ…અને એવું જ વીરાનું મન… પાછળથી કોઈએ ધક્કો માર્યો. તે પડતા પડતા રહી ગયો. ટોડીયો તેની બાજુમાં આવી ગયો હતો. વ્હાલ કરતો તેના માથાને ચાટવા લાગ્યો. વીરાની આંખમાં આંસુ આવ્યા જેવું થઇ ગયું. જાણે પેટમાં આંટી વળતી હોય એવું લાગતું હતું. હાથ ધ્રુજતા હોય એવું તેને લાગ્યું, જાણે હમણાં રાસ મુકાઇ જાશે. ત્યાં જ ટોડીયો દોડીને પોતાની મા પાસે જતો રહ્યો. વીરે નિરાંતનો દમ લીધો.”

આ ફકરામાં વીરાની મનોદશા ખૂબ સરસ રીતે કંડારવામાં આવી છે. 

સંઘર્ષ – પાત્ર પરિવર્તન :

રણ પ્રદેશમાં અનુભવવો પડતો દરેક રણખેડુનો સંઘર્ષ વાર્તામાં આલેખવામાં આવ્યો છે. માનવીય મૂલ્યો, લાગણીઓ અને જરૂરિયાતનો સંઘર્ષ લઈને આવી છે “તરસ”. મા માટે પોતાના ભાઈ સમાન પ્રાણીનો જીવ લેવો કે ન લેવો એ સંઘર્ષ લઈને આવી છે વાર્તા.

લાગણીશીલ માનવીના પ્રતીક વીરાનું પાત્ર પરિવર્તન પ્રૅક્ટિકલ રણની રીત સ્વીકારતા જરૂરિયાતમંદ માણસમાં થાય છે.

“તેના અધા કહેતા: રણનો આ જ નેમ બેટા, રણમાં કી ખોટો ના થીયે. એના નેમ નોખા. એના મનેખ નોખા. એના જીવતર નોખા. એ જે હમજી જાણે એ જીવી જાણે…”

આ વાત યાદ આવતા વીરો  જીવનમાં ક્યારેય ન કરેલું કાર્ય કરવાની હિંમત કેળવી લે છે.

ભાષાકર્મ :

આ વાર્તામાં ભાષાકર્મ ખૂબ ઉત્તમ કક્ષાનું થયું છે. કચ્છી લોકબોલીના ઉપયોગ સાથે સુંદર રૂપક વાચકને વાર્તા સાથે બાંધી રાખે છે.

લેખકે આ વાર્તામાં રૂપકોનો ઠેકઠેકાણે ઉપયોગ કર્યો છે.

૧. પાછળથી બાવળની ઝડ(ડાળ) જેવો સાદ અફળાયો…

વાર્તાની શરૂઆતના આ એક જ વાક્યમાં લોકબોલી તેમજ રૂપક બંને વપરાયા છે.

૨. વીરો અને મયો ચોરી કરતા પકડાયા હોય એમ ગંભીરતા ખંખેરવા લાગ્યા.

૩. વૈશાખનું કોરું રણ તરસ્યા કૂતરાની જીભ જેવું હાંફતું પડ્યું છે. સાપના રાફડા જેવા મૃગજળ દૂર-દૂર સુધી ફેલાયેલા, ઘોના ચામડા જેવા ઝગી રહ્યા છે. લૂના ઝાપટા ચાબુક જેવા વીંઝાઇ રહ્યા છે. સૂર્ય લાવાની જેમ ધખી રહ્યો છે,

૪. તે દૂર-દૂર સુધી નાગની ફેણની જેમ ફેલાયેલા રણને જોઈ રહ્યો. બોરડીની ઝડ(ડાળ) જેવો એક વંટોળ તેના ઉપરથી પસાર થઇ ગયો.

૫.  ચુલાની આગોણ જેવા આ પાટનો અંત ક્યાંય કળાતો નથી.

૬. ‘આખરની ઝોકે મોહીયે પાણીનો ઢબૂડો પીધો ર્યો ?’

‘મોહીયે પોતેરો પાણી ટોડિયેને પાયો પરો.’

કચ્છીબોલીમાં લખાયેલા સંવાદો આખી વાર્તામાં છૂટક છૂટક છવાયેલા છે.

૭. ગાંધારીના શાપ સમા તાપ ચારેકોરથી વીંટળાઈ વળતા. અને લૂના ઝાપટા યાદવાસ્થળી જેવા વીંઝાતા. કાળા માથાનો માનવી પોતાનો જીવ બચાવવા જે થઇ શકે એ કરતો. રણના નિયમ એ બેસાબની જેમ ઘોળીને પી ગયો હતો. પોતે સમજતો હતો અહીં તો બળીયાના બે ભાગ…

અદભૂત ભાષા…

વિવેચકની વક્રદૃષ્ટિએ  દેખાયેલી વાંકી વાત:

જેમ કે,

માધુ અને મયાના પાત્રો. એમની પાસે કાંઈ જ કામ લેવામાં આવ્યું નહિ.

એ જ પ્રમાણે  શરૂઆતમાં ,

“વીરો અને મયો ચોરી કરતા પકડાયા હોય એમ ગંભીરતા ખંખેરવા લાગ્યા”

અહીં ચોક્કસ એ બંને ભાઈઓ રસ્તો કેમ ખૂટશે એ ચિંતામાં હશે તે સમજી શકાય પરંતુ આ વાક્યના અનુસંધાનમાં ન કોઈ ચોરી કે ગંભીર વાત આવ્યા નહીં. વીરાને મોહી વિશે તો પછી ખબર પડે છે તો એ બંને ભાઈઓ ચોરી કરતા પકડાયા હોય.. એ વાત જરા વિચિત્ર લાગી.

તે જ રીતે,

વાંઝણી માની કુખ જેવી સૂની રણ અનંત રીતે ફેલાયેલી, ગાભણી સાંઢની જેમ આળોટી રહી છે.

આ વાક્ય સુધારો માંગે છે.

સારાંશ :

સરસ રૂપકો અને લોકબોલીનો ઉપયોગ કરીને લખવામાં આવેલી આ વાર્તા નિઃશંકપણે એક સુંદર વાર્તા છે. શરૂઆતથી જ વાર્તા પોતાની નિશ્ચિત દિશામાં જ ચાલે છે અને સુરેખ ચાલીને વિરમે છે. એક વિવેચકની દૃષ્ટિએ મને વાર્તામાં અમુક વસ્તુ બિનજરૂરી લાગી પરંતુ આ કલમ પાસે ચોક્કસપણે અનેક મજબૂત વાર્તાઓ મળશે.

ચાલો ત્યારે આવતી વખતે ફરી મળીશું, ફરી કોઈ ઉગતા લેખકની વિજેતા વાર્તાને માણવા ત્યાં સુધી વાંચતાં રહો, પૂછતાં રહો…અત્યારે તો  એનીઑનગી (ગંગનમ સ્ટાઈલ સાંભળ્યું હોય તો કોરિયન ગુડબાય પણ આવડવું જોઈએ ને!)

– એકતા નીરવ દોશી.

એકતા દોશી અક્ષરનાદ પરના આ સ્તંભ ‘વ વાર્તા નો વ’ અંતર્ગત વાર્તાઓનું ઝીણવટભર્યું વિવેચન કરી રહ્યાં છે. આ સ્તંભ ના બધા લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “તરસ : હુકમસિંહ જાડેજા; વાર્તા વિવેચન – એકતા નીરવ દોશી

  • હર્ષદ દવે

    કાવ્યનો આસ્વાદ અથવા રસાસ્વાદ હોય તેમ વાર્તાનું વિવેચન હોય. પરંતુ અહીં રસદર્શન અને કસદર્શન છે. મને લાગે છે કે વિવેચનને અન્યાય ન કરી બેસાય તે માટે સહુ પહેલાં સહુએ સંદર્ભિત કથા વાંચી લેવી જોઈએ. તેના ગુણદોષ સમજવા માટે અને ન સમજાયું હોય કે ગેરસમજ થઇ હોય તો તે દૂર થાય તે માટે વિવેચન અવશ્ય વાંચવું જોઈએ. આથી ઉગતાં કે ઊગેલાં લેખકોને લેખનની અવનવી દિશાઓ પણ સાંપડે. વિવેચન તટસ્થ હોવું જોઈએ અને છે! તેમાં પૂર્વગ્રહ ન ભળવો જોઈએ. અહીં એવી કશી ભેળસેળ થઇ નથી. વિવેચક સ્થિતપ્રજ્ઞ બનીને કથાને અવલોકે છે અને તેમાં અવગાહન કરીને તેનું દિગ્દર્શન કરાવે છે. હુકમસિંહજી એ ‘તરસ’ માં માનવીય લાગણીઓ અને લાચારીનું માર્મિક ચિત્રણ કર્યું છે અને વિવેચકે તરસનું રસપાન સુપેરે કરાવ્યું છે!

    • નેહા

      વાર્તા અને વિવેચન, બન્ને અદભુત! મજબૂત વાંચનની ‘તરસ’ છિપાવવા બદલ આભાર.