તરસ (ટૂંકી વાર્તા) – હુકમસિંહ જાડેજા 2


એક આધેડ વયની સ્ત્રી, બે પુરુષો અને બે એમની પત્નીઓ; એમ પાંચ જણનો કાફલો ધીમે-ધીમે પંથ કાપી રહ્યો છે. વાંઝણી માની કુખ જેવી સૂની રણ અનંત રીતે ફેલાયેલી, ગાભણી સાંઢની જેમ આળોટી રહી છે.

પાછળથી બાવળની ઝડ (ડાળ) જેવો સાદ અફળાયો…

વીરો અને મયો ચોરી કરતા પકડાયા હોય એમ ગંભીરતા ખંખેરવા લાગ્યા. વીરે પોતાના ચહેરાના ભાવ પલટ્યા. ચહેરાની ધૂળ અજરખથી લુછી. કુહાડી ઊંટ પર લાદેલા ખાટલામાં ભરાવી દીધી. આકડાના બેક પાંદડા લઇ પગરખામાં ભરાયા. પાઘડીને માથામાં વ્યવસ્થિત ગોઠવી. વધેલા છેડાને સહેજ આગળ લઇ બુકાની બાંધી. ઊંટની રાસ હાથમાં લીધી. ઝોકાવેલા ઊંટને ઉભો કર્યો.

‘વીરા, મફી પોકારે.’ મયાએ કહ્યું અને પોતાના ઊંટને દોરતો આગળ ચાલવા લાગ્યો…

વૈશાખનું કોરું રણ તરસ્યા કૂતરાની જીભ જેવું હાંફતું પડ્યું છે. સાપના રાફડા જેવા મૃગજળ દૂર-દૂર સુધી ફેલાયેલા, ઘોના ચામડા જેવા ઝગી રહ્યા છે. લૂના ઝાપટા ચાબુક જેવા વીંઝાઇ રહ્યા છે. સૂર્ય લાવાની જેમ ધખી રહ્યો છે. આવા ખરા બપોરે હાંફતો-હાંફતો કાફલો ધીમે-ધીમે દોરાઈ રહ્યો છે. પાંચ ઊંટ અને બે સાંઢ સાથે એક ટોડિયો(બોતડું) પણ છે. ઊંટના પ્રમાણમાં સાંઢ પર ઓછું માલ લદાયેલું છે.

એક આધેડ વયની સ્ત્રી, બે પુરુષો અને બે એમની પત્નીઓ; એમ પાંચ જણનો કાફલો ધીમે-ધીમે પંથ કાપી રહ્યો છે. વાંઝણી માની કુખ જેવી સૂની રણ અનંત રીતે ફેલાયેલી, ગાભણી સાંઢની જેમ આળોટી રહી છે.

સતત બે દિવસની દડમજલના લીધે તેમના પર થાક વરતાઈ રહ્યો છે. હવે પાણી પણ ખૂટ્યું છે. તરસના લીધે ગળા પણ સુકાઈ રહ્યા છે. આધેડ વયની સ્ત્રી તરસના લીધે વારંવાર બેભાન થઇ જાય છે. મફી-જે તેની પુત્રવધૂ છે-તે આગળ ચાલતા ઊંટ પર, સિફતથી ગોઠવેલા ખાટલા પર, પાલવથી વીંઝણો નાખતી તેની પાસે બેઠી છે. તેની આંખોમાં ગમગીની છવાઈ છે. રણની ખારી લૂ ચહેરાને દઝાડી રહી છે.

મફી ઊંટ ઝોકાવી નીચે ઉતરી. વીરા પાસે આવી સહેજ લાજ કાઢીને કહેવા લાગી : ‘મુને થાય હે મોહીને પાણી જોહે.’

‘ધીરા, પણ આંય પાણી કી હે લાવાં ? લગરીક વાટ ઠેરી જા. બે પો’રમાં પુગી જાવાં.’

બંનેને વાત કરતા જોઈ મયે દૂરથી જ રાડ પાડી, ‘કી હે?’

વીરે માથું ધુણાવ્યું. ફરી મફી ઊંટ પર ગોઠવાઈ. ઊંટ ઉભું થઇ ચાલવા લાગ્યું. વીરાથી ફરી ફરી પાછળ જોવાઈ જતું હતું. ટોડિયો એની માની પાછળ-પાછળ ચાલી રહ્યો હતો.  વીરાના શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. એક નિશ્વાસ સરી પડ્યો. એને આંખે અંધારા આવવા જેવું થયું. બાવળની શૂળ વાગે એવી પીડા થઇ આવી. નિસહાય આંખે એણે આકાશ સામે જોયું પણ સુરજના તાપથી આંખો મિંચાઇ ગઈ…

તેને મોહીના શબ્દો યાદ આવી ગયા. ‘એ ટોડિયો તો મારે મન વીરો પરો !’ છાતીમાં એક ઉછાળ આવ્યો અને સિસકારો સાપની જેમ સરી પડ્યો. એક ડૂમો છાતીમાં કબરની જેમ દફનાઈ ગયો.

તે દૂર-દૂર સુધી નાગની ફેણની જેમ ફેલાયેલા રણને જોઈ રહ્યો. બોરડીની ઝડ(ડાળ) જેવો એક વંટોળ તેના ઉપરથી પસાર થઇ ગયો. તેણે આંખો મીચી દીધી. તેનું મોઢું ખારું થઇ ગયું. તેણે થુકવાનો પ્રયત્ન કર્યો પણ રણ જેવું તરસ્યું મોઢું ખાલી ગાજ્યું.

અહીંથી ખારો પાટ શરુ થઇ જતો હતો. જે છેક ખદીરના કિનારા સુધી ફેલાયેલો હતો. દૂર-સુદૂર અનંત રીતે ફેલાયેલું રણ હવનની માફક ધખી રહ્યું છે. ધરતીમાંથી નીકળતી વરાળ તેમાં ઘી હોમી રહી છે. આંખો આંજી નાખે એવો તાપ અને બેજાન રણ…ઉપરથી માણસોને દાઝ્યા માથે ડામ દેતા વંટોળિયા. વીરાને કંઈક યાદ આવ્યું હોય એમ મફીના ઊંટ પાસે આવ્યો અને ધીરેથી કહ્યું : ‘પેસાબ…?’

મફીએ માથું હલાવી લાચારી દર્શાવી. તે આગળ ચાલવા લાગ્યો. તેને પાછળ જોવાનું મન થયું પણ એમ કરી શક્યો નહીં. જેને છેક ખીજડિયે ટેકરેથી ઉપાડીને ઘરે લાવ્યો હતો અને જે દરરોજ તેની પાછળ પાછળ ફરતો હતો, જે રાત્રે તેની બાજુમાં જ આવીને સુઈ જતો તેને કેવી રીતે….

તેના મનમાં ગડમથલ ચાલતી હતી. મોહી ક્યારેય હા નહીં પાડે અને પોતે એવું કરી શકશે કે કેમ એ સવાલ પણ ઉભો જ હતો. હજી તો ખાસ્સા બે પો’ર કાઢવાના હતા. અને ખદીરને કાંઠે લુણી નદીમાં વઈડા ગાળો અને પાણી ન નીકળે તો ? તેને થુંક ગળવાનું મન થયું પણ એમ થઇ શક્યું નહીં. તેનું ગળું રણ જેવું સૂકું હતું.

Aksharnaad Sthort sory Hukansinh Jadeja

લુહારની ભઠ્ઠી જેવું રણ…અને એવું જ વીરાનું મન… પાછળથી કોઈએ ધક્કો માર્યો. તે પડતા પડતા રહી ગયો. ટોડીયો તેની બાજુમાં આવી ગયો હતો. વ્હાલ કરતો તેના માથાને ચાટવા લાગ્યો. વીરાની આંખમાં આંસુ આવ્યા જેવું થઇ ગયું. જાણે પેટમાં આંટી વળતી હોય એવું લાગતું હતું. હાથ ધ્રુજતા હોય એવું તેને લાગ્યું, જાણે હમણાં રાસ મુકાઇ જાશે. ત્યાં જ ટોડીયો દોડીને પોતાની મા પાસે જતો રહ્યો. વીરે નિરાંતનો દમ લીધો.

વીરો આ રણની તરસ બરાબર સમજતો હતો. પોતે રણને કાંઠે જનમ્યો હતો અને રણમાં મોટો થયો હતો. એણે સિંધથી છેક વાગડ અને કચ્છ સુધીની સફર કેટલીયે વાર ખેડી હતી. આ તરસ માણસને પશુ બનાવી દેતી હતી. પોતાના દાદા પાસેથી વાતો સાંભળતો કે રણમાં પાણી માટે માણસો વચ્ચે જુદ્ધ થતાં અને એકબીજાને મારી નાખતા. રણની તરસ તો જાણે સમંદરના ચાંચિયા. ઉનાળે તો રણ જાણે માણસ ગંધાય માણસ ખાઉં !

ગાંધારીના શાપ સમા તાપ ચારેકોરથી વીંટળાઈ વળતા. અને લૂના ઝાપટા યાદવાસ્થળી જેવા વીંઝાતા. કાળા માથાનો માનવી પોતાનો જીવ બચાવવા જે થઇ શકે એ કરતો. રણના નિયમ એ બેસાબની જેમ ઘોળીને પી ગયો હતો. પોતે સમજતો હતો અહીં તો બળીયાના બે ભાગ…

વીરાને યાદ આવ્યું. પહેલીવાર તેના દાદાએ પેસાબ પાયો હતો. તેને ઉલટી થઇ હતી… અને પછી તો જાણે આદત થઇ ગઈ હતી. રાત્રે ગસ(બાજરી અને છાશની એક વાનગી) પીતો હોય એમ સહજ પીવાઈ જતો હતો. અટક્યે હટક્યે એ જ એકમાત્ર ઉપાય હતો… અને પછીનો ઉપાય…

એક વખત તેના અધા(પિતા) સાથે સિંધથી છેક વાગડની મજલ કાપી હતી ત્યારે પૂનમની રાત જેવી મીઠી તરસ લાગી હતી અને પાણી માટે બધાએ ભેગા થઈને ઊંટને… તેને કમકમાટી આવી ગઈ. એને લાગ્યું; એવો અવસર હજી સુધી તો પોતાના ભાગે આયો નહોતો. પણ.. આજ… એ અવસર મચ્છરની જેમ તેના કાન પાસે આવીને ગણગણાટ કરતો હતો. તેને થયું ઊંટ પર ચડીને સુઈ જાઉં જેમ નાનો હતો ત્યારે સુઈ જતો તેમ અને ઉઠે ત્યારે લુણીના કિનારાના ઝાડવા દેખાવા લાગે. પછી પોતાને પાપ નહીં કરવું પડે.

તેના અધા કહેતા: રણનો આ જ નેમ બેટા, રણમાં કી ખોટો ના થીયે. એના નેમ નોખા. એના મનેખ નોખા. એના જીવતર નોખા. એ જે હમજી જાણે એ જીવી જાણે… વિધવાના કપાળ જેવું કોરું રણ… દૂર દેખાતા વૃદ્ધ માણસની જિજીવિષા જેવા ઝાંઝવા… આ રણની મુસાફરી ક્યારેક વીંછી ડંખે એમ ડંખે છે… સબાકા મારે છે. ભૂખ્યું બાળક માના ધાવણ માટે વલખા મારે એમ પાણી માટે વલખા મારવા પડે છે. તેને ગળે શોષ બાઝ્યો. તેણે પાછળ ફરી મફી સામે જોયું. મફીની આંખોમાં અફાટ રણ પથરાયેલું તેણે દીઠું. ઝાટકા સાથે તેણે ગરદન ફેરવી લીધી.

વાંઝણી માની આંખો જેવું આ રણ ખબર નહિ ક્યારે ખૂટશે ! ખાસ્સા બે પોર.. અને આ ઉઝરડા જેવી તરસ… તેને લાગ્યું હવે એક જ રસ્તો બાકી રહે છે.. પરંતુ બે પોર નીકળી જતા હોય તો ત્રીજા પોરે તો લુણીના ઝાડવા દેખાવા લાગશે… વઈડામાં પાણી નઈ નીકળે તોય ઝાડના મુળિયા ક્યાં નથી ? પંથ કપાય ત્યાં સુધી કાપવું જોઈએ. પણ ચુલાની આગોણ જેવા આ પાટનો અંત ક્યાંય કળાતો નથી.

પણ અચાનક વા ઝીંકાવા લાગે તો? ચાલી શકાય નહીં. અને ત્રણના ચાર પ્રહાર પણ થઇ જાય. તો તો…! તેણે ઉધરસ ખાઈ જોઈ… લુણીના પટ્ટ જેવું તેનું ગળું સાવ સુકાઈ ગયું હતું. તેણે મયા ભણી નજર કરી. તે આગળ-આગળ ચાલ્યો જતો હતો. તેને મયાના શબ્દો યાદ આવી ગયા. પણ અંતર ના ના કહી રહ્યું… ચલાય ત્યાં સુધી ચાલવું જોઈએ. કદાચ બે પહોર સુધી ચાલી જવાય. એવું થાય તો સોના જેવું. એવું પણ બની શકે કે આગળ જતા કોઈ પોઠ સામે મળે. તો તો પાણી મળી રહે.

તેની આંખો સામે મફીની રણ જેવી તરસી આંખો તરવરી રહી… તેણે આંખો મીંચી દીધી. અને મોહી…

તેણે દોડીને મફીને પૂછ્યું : ‘આખરની ઝોકે મોહીયે પાણીનો ઢબૂડો પીધો ર્યો?’

‘મોહીયે પોતેરો પાણી ટોડિયેને પાયો પરો.’ વીરાની આંખો ફાટી રહી… ‘તોય ફાટી કી ના મરી?’ તે રણની જેમ તપી ગયો.

તેણે ઊંટ ઝોકાવ્યો. મોહીને ઉઠાડવાની કોશિશ કરવા લાગ્યો. ‘પાણી પાણી’ના પોકાર ઊંડા કૂવામાંથી આવતા હોય એવા આવવા લાગ્યા. મોહીની આંખો માંડ-માંડ ખુલતી હતી. એ આંખો જોઈ તેને કમકમાટી આવી ગઈ. જાણે આખું રણ એ આંખોમાં ઉતરી આવ્યું હતું! તેણે મયાને સીટી મારી…

મયો પાસે આવ્યો. ‘હાણે કી હે? અસાં બે પો’રમાં તો પુગી જાવાં.’

‘તે લગણ મોહી ના જીવે…’ વીરે કહ્યું અને ખાટલામાં ભરાવેલી કુહાડી કાઢી…


કાફલો લુણીના કિનારે આવી, જારાના છાંયે ઝોંકયો. બંને જણા પોઠ ઉતારવા લાગ્યા. મફી અને માધુ બંને તેમાં જોડાઈ. પોઠ ઉતારી લીધા પછી મોહીને જગાડી ને નીચે ઉતારી.

‘મોહી, નેરો પુગી આ’યા.’

બધાના ચહેરા પર હર્ષ ઉતરી આવ્યો. મોહીએ આમ તેમ નજર કરીને કહ્યું : ‘ટોડિયો ની દેખોં પરો?’

બધાના મોઢા લુણીના કાદવ જેવા કાળા પડી ગયા.

‘મારગમાં મુને પાણી પાયો ઈ… ટોડિયો…માર્યો….?’

અને મોહીને લાલ ઉલટી થઇ…

– હુકમસિંહ જાડેજા


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “તરસ (ટૂંકી વાર્તા) – હુકમસિંહ જાડેજા

  • હર્ષદ દવે

    રેતાળ બોલી અને ધખતા તાતા તડકા જેવા સભાવવાળા મનેખ પણ કારમાં તાપમાં પાપ કરવા ન છૂટકે, ધગધગતે હૈયે ન કરવાનો કામો કરે છે…જીવ લે તો જ જીવ બચે…બચાવે પણ જીવ તાળવે થઇ સોંસરવો જાય…
    વલોપાતની કંપાવે તેવી કથની….આ તરસ બહુ તરસાવે છે…

    • BHARAT CHAKLASHIYA

      માનવીની જીજીવિષાનું સચોટ નિરૂપણ. એક કસાયેલી કલમે લખાયેલી વાર્તામાં વાકયે વાકયે અપાયેલી ઉપમાઓ વાર્તાને અલંકારથી મઢે છે.
      પોતાની માને તરસી મરી જતી બચાવવા એના બાળક જેવા ટોટિયાને મારતા જીવ તો ચાલતો નથી પણ રણના આ વનલખ્યાં નિયમ છે. અબોલ અને લાચાર પશુઓએ હમેંશા પોતાનો જીવ આપીને માણસનો જીવ બચાવ્યો છે. ખૂબ સરસ વાર્તા.