બાળપણથી અનેક સર્જકોની ગઝલોનો હું અદનો ચાહક રહ્યો છું, એ ગઝલોને અનેરા આદરથી જોઈ છે – માણી છે. ગઝલ સાંભળ્યા પછી સદાય થતું કે અરે, આ તો મારી પોતાની જ વાત તેમણે કહી.. નવોદિત ગઝલકારોની શ્રેણીમાંથી પ્રસ્થાપિત રચયિતાની શ્રેણીમાં પ્રવેશેલા રાકેશભાઈ હાંસલિયા તેમની રચનાઓ દ્વારા એવી જ વાત અને એ જ પ્રકારનો અનુભવ કરાવી રહ્યા છે. અક્ષરનાદ પર સમયાંતરે પ્રસ્તુત થતી તેમની ગઝલો સદાય તેમના સુંદર હસ્તાક્ષરોમાં અને આનંદિત થઈ જવાય તેવા પત્ર સાથે મળે તેની સદાય રાહ જોતો હોઉં છું, એવામાં તેમનો ગઝલસંગ્રહ ‘જે તરફ તું લઈ જશે..’ મળ્યો. વરસાદી મૌસમમાં એ ગઝલો માણવાની મજા આવી, એક નહીં પણ અનેક વખત એ ગઝલોનો સાથ માણ્યો. આજે એ સંગ્રહ વિશે લખી રહ્યો છું ત્યારે એક સર્જકને તેમના ભાવક દ્વારા અપાયેલું આ એક આભારદર્શન જ ગણી શકાય. પ્રસ્થાપિત કવિમિત્રોની જેમ ‘ગઝલસઁગ્રહનો આસ્વાદ’ એવું શિર્ષક લખવાની ધૃષ્ટતા તો કરી, પણ અંતે તો આ ગઝલસંગ્રહની સફરમાં જે મેળવ્યું એ જ, કે એથી ક્યાંય ઓછું મૂકી શક્યો છું. રાકેશભાઈ આવી વધુ રચનાઓ દ્વારા સતત સર્જનરત રહે અને તેમની કલમે અનેક હ્રદયંગમ કૃતિઓ આપણને મળતી રહે એવી શુભેચ્છા સહ પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ બદલ અનેક શુભેચ્છાઓ.
* * *
જે તરફ તું મને લઈ જશે
જીવવું ત્યાં ઉસૂલ થઈ જાશે.
આજ તો રોમે રોમ બોલે છે
આજ વાણી ફિજૂલ થઈ જાશે.
શ્રી રાકેશભાઈ હાંસલિયાનો પરિચય લગભગ બે વર્ષ પહેલા કવિમિત્ર જીતેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા થયેલો. વ્યવસાયે શિક્ષક એવા શ્રી રાકેશભાઈની ગઝલરચનાઓ માણવાનો અને એક વિશાળ વાચકવર્ગ સુધી અક્ષરનાદના માધ્યમે એ રચનાઓ પહોંચાડવાનો લાભ ત્યારથી અનેકવાર મળ્યો છે. આજે જ્યારે તેમનો પ્રથમ સ્વતંત્ર ગઝલસંગ્રહ ‘જે તરફ તું લઈ જશે..’ હાથમાં છે ત્યારે એક અનોખો આનંદ થવો સ્વભાવિક છે. તેમણે સંગ્રહમાં પ્રસ્તુત કરેલી ગઝલરચનાઓ છંદની શિસ્ત જાળવીને તેમના અંતરંગ વાર્તાલાપને, અનુભવસિદ્ધ તારવણીને તથા શબ્દની અનુભૂતિને તેના અક્ષર સ્વરૂપ સુધી પહોંચાડવાનો તદ્દન સરળ અને પ્રમાણિક પ્રયાસ છે. રાકેશભાઈની આ રચનાઓ તેમને કોઈ ઉપદેશકની ભૂમિકામાં પ્રસ્તુત નથી કરતી, અને છતાંય અનુભવની એરણે ચકાસાયેલી તેમની વાત સર્વેને એટલી જ સહજતાથી સ્પર્શે છે. ‘સ્વાન્તઃ સુખાય’ એવો તેમની સર્જક ચેતનાનો સ્વ સાથેનો વાર્તાલાપ અન્યોને પણ સ્પર્શી જતી ગહન વાત સહજતાથી કહેતો હોવાથી અને છતાંય કોઈ બોધજ્ઞાન જેવા આડંબર વગર રજૂ થતો હોવાને લીધે પોતીકો લાગે છે. તેઓ કહે છે,
છાતી ઠોકી બોલ જીવા,
સઘળું પોલંપોલ જીવા.
મૌન રે’વું બહુ વિકટ છે,
એટલું બસ બોલ જીવા.
રાજકોટની સર્જક ચેતના સદાય એક અનેરા આયામ પર રહી છે. સૂરતની જેમ અહીંની હવામાં પણ સર્જક મિજાજનો એક અનોખો કેફ સદાય રહે છે. વળી રાકેશભાઈ સંગ્રહની શરૂઆતમાં કહે છે તેમ તેમણે ખેતરમાં સાંતી પણ ચલાવી છે, ધૂળ અને ઢેફાંને માણનાર સર્જક જ્યારે કલમનો સાથ લે ત્યારે અવશ્ય શબ્દદેહે મબલખ પાક ઉતરવાનો, આ સંગ્રહ તેની પ્રથમ લણણી છે. ‘જે તરફ તું લઈ જશે..’ એ નામ પોતે જ એક સમર્પણ છે, જેમ અર્જુનનું સમગ્ર સ્વત્વ એણે કૃષ્ણાર્પણ કરેલું, જેમ દ્રૌપદીએ પોતાનું સમગ્ર સ્વત્વ કૃષ્ણાર્પણ કરેલું, જેમ રાધાએ પોતાનું સ્વત્વ કૃષ્ણાર્પણ કરેલું, કંઈક એ જ રીતે… એ સમર્પણ અહીં કલમને માટે પણ હોઈ શકે, સર્જક ચેતનાને માટે પણ હોઈ શકે અને જીવનના સંજોગોને માટે પણ હોઈ શકે. આજે રાકેશભાઈ આ સંગ્રહના માધ્યમે આપણને ‘જે તરફ લઈ જશે’ એ તરફ જવાનો અવસર આજે મળ્યો છે.
કવિ પણ એક અદના માણસની જેમ જ, અને ક્યારેક એથીય વધુ તીવ્રતાથી સંવેદનો અનુભવે છે – પ્રેમના, આભારના, ત્યાગના, વિદ્રોહના અને વૈરાગ્યના… અને આ સંગ્રહ એ બધાંય સંવેદનોને આવરી લે છે, કવિશબ્દો આપણા માટે પણ એક આંગળીચીંધણ હોઈ શકે છે એ ધ્યાનમાં રાખીને ગઝલના માધ્યમે કવિનો પોતાની જાત સાથેનો વાર્તાલાપ જોઈએ..
માગવા જેવું તું ક્યાં માગે જ છે,
આપવા જેવું એ તો આપે જ છે.
આમ તો હું સૌની હારોહાર ઉભો છું,
તોય લાગે છે કે બારોબાર ઉભો છું.
અક્ષરનાદ પર આ પહેલા પ્રસ્તુત થયેલી તેમની ‘જીવા’ રદીફ સાથેની ચાર સાથે આ જ રદીફની કુલ દસ ગઝલો પણ આ સંગ્રહને શોભાવે છે. ગઝલકાર રાકેશભાઈ પોતાના મનને સમજાવે છે ત્યારે મનવા, જીવા વગેરે સુંદર રદીફ પ્રયોજે છે.. જુઓ નમૂનો
હોય છે સંકેત એમાં ગેબનો પણ
આપણાં ક્યાં હોય છે નિર્ધાર મનવા.
રાઈના દાણાં નહીં વાવ્યાં છે શબ્દો,
એને ફળતાં લાગશે બહુ વાર મનવા.
છોડી દે સઘળાં છળ જીવા
તો જ થવાશે ઝળહળ જીવા.
પોતાના કર્મ પ્રત્યેનું સમર્પણ અને કર્તવ્યનિષ્ઠાનો અહેસાસ કવિની મૂડી છે, તેઓ કહે છે..
એક ખૂણાને સજાવી રહ્યો છું,
ખાલિપાને ઝળહળાવી રહ્યો છું.
શબ્દની માનતા કરી છે મેં!
તારા ચરણે કલમ ધરી છે મેં!
પણ એ સમર્પણ તેમની પોતાની આંતરીક ઉર્ધ્વગામી સફર માટે જ હોઈ શકે..
હું રમું છું પણ નથી હરીફાઈમાં,
એટલે તો મ્હાત થૈ શક્તો નથી.
અને ક્યાંક એ દુન્યવી નિરર્થક પ્રક્રિયાઓથી અણગમાનો અણસાર પણ આપે..
રોજ ઝરમરવું નથી ગમતું હવે
કાયમી બળવું નથી ગમતું હવે.
લીમડાના છાંયડે બેઠા પછી,
હાશ જો ના થાય તો ચિંતા કરો.
પ્રેમ ગઝલકારોનો મનગમતો ભાવ છે, અને રાકેશભાઈ એ ક્ષેત્રમાં પણ કલમકર્મ એ જ સહજતાથી કરે છે.. અને એ પ્રેમ કોઈ રૂપવતી રમણીનો પણ હોઈ શકે અને અનાહત અંતરતમ તત્વને માટે પણ હોઈ શકે..
જરા કોર પાલવની સ્પર્શી હતી બસ,
હજુ ટેરવાં તો નશામાં જીવે છે!
આંગણું ક્યાં એટલું વેરાન છે,
તારા પગલાંનાં હજુ નિશાન છે.
તું નિહાળી ના શકે એ દોષ છે તારો,
હું તો લૈને કેટલાં અણસાર ઉભો છું.
પ્યાસના આવેગથી ક્યાં પર હતા.
સિંધુના કાંઠે ભલેને ઘર હતા!
તેમની ગઝલોમાં મા વિશેનો સંદર્ભ ખૂબ સુંદર અને સહજ રીતે આવે છે, અને એ દરેક શેર બેનમૂન થઈ રહે છે, જેમ કે
બાળકોની આંખ વાંચે કડકડાટ,
‘મા’ ભલે થોડું ભણેલી હોય છે.
શીખવા મળતું નથી સંસારમાં,
માના ખોળામાં જે ભણતર થાય છે.
તો વીતી ગયેલા બાળપણને પણ તેઓ યાદ કરે છે..
ધૂળથી ખિસ્સાં ભરેલાં હો ભલે,
ભૂલકાં કાયમ ધની દેખાય છે!
દૂર નજરથી છાનું છપનું, કોઈ મને બોલાવે છે,
ઢળતી સાંજે ઝાલર વેળા, રોજ હજી લોભાવે છે.
જીવનના અનેક વળાંકો, અનેક ચડાવ ઉતારને નાણીને – માણીને વૃદ્ધત્વના પર્વને ઉજવી રહેલા વડીલો માટે પણ કવિમન ચિંતિત છે, તેઓ કહે છે
બાંકડાથી ગુફ્તગૂ કરવી પડે,
કોઈને એવું ન ઘડપણ આપજે.
વ્યથા, અનુભૂતિ, સમજણ અને સહજતાના પર્યાય રૂપ અનેક શેર રાકેશભાઈની કલમે આ સંગ્રહ આપે છે..
ચીસ સાંભળતા નથી, એવું નથી,
પણ હવે લોકો જ ખળભળતાં નથી.
કશું સિદ્ધ થાતું નથી અંત લગ પણ,
અહીં સૌ કરે છે જનમનો ધુમાડો.
ત્યાં કર્યો વસવાટ કોણે?
ટેકરી થૈ ધામ જીવા!
ક્યાં જીવે છે કોઈ એકાકાર થઈને?
બસ, નિભાવે શ્વાસના વે’વાર સઘળાં.
વ્યસ્ત છે સૌ વાંક સૌનો શોધવામાં,
ક્યાં વખત મળતો કરે કૈં જાત સરખી.
પોતાના સર્જનને કવિ કદીય સંપૂર્ણ ગણે નહીં, કારણકે સંપૂર્ણતા એ મંઝિલ છે, અને કવિને તો સફરમાં જ આનંદ હોય ને! સર્જકની આ સફરના ભાવકોને તેઓ કહે છે..
મૌનને આલેખવામાં
શબ્દ બહુ નાના પડે છે.
જે લખાયું ના કદીયે ક્યાંય પણ,
મનથી મનમાં એ વંચાયું હોય છે!
અને જેમ પુસ્તકની શરૂઆતમાં સફરના સાથીઓ, ભાવકો અને શુભેચ્છકોની એક લાંબી યાદી તેમણે મૂકી છે એ તેમની સહજતાને મિત્રભાવે નિભાવનારા અને તેમના સર્જનને માણનારા એક વિશાળ ભાવકવર્ગની એક નાનકડી યાદી છે..
સાવ ખાલી જેમની મુઠ્ઠી હતી,
એ દુવા ખોબો ભરી આપી ગયા!
આ તો થોડાક પસંદગીના શેર સાથે આખા સંગ્રહને સમજવાની અને માણવાની એક શરૂઆત માત્ર છે, પણ આ આખાય સંગ્રહની ઘણી ગઝલ તેના એકેક શેર સાથે સાંગેપાંગ જોરદાર ઉતરી છે. તેમની આ શરૂઆત પછી આપણને હજી અનેક અનન્ય કૃતિઓ તેમની કલમે મળતી રહેશે એવા વિશ્વાસ સાથે મિત્ર શ્રી રાકેશભાઈને ગઝલસંગ્રહ બદલ અનેક શુભકામનાઓ અને અક્ષરનાદને આ સુંદર સંગ્રહ પાઠવવા બદલ ખૂબ આભાર.
– જીજ્ઞેશ અધ્યારૂ
સદેહે આ અવસર માણવાનો મોકો મલ્યો ……ને અહિયા રસનો થાલ ..
ખુબ ખુબ અભીનન્દન. સરસ લેખ.
સુંદર આસ્વાદ સાથે ચોટદાર શેર ચૂંટી ચૂંટીને મૂક્યા છે. સાચે એ બધા જ અંતરની આરપાર ઊતરી જાય તેવા છે તેમાં કોઈ શક નથી. કવિને અભિનંદન અને જીગ્નેશભાઈને પણ આવી પસંદગી બદલ..
મારેી પાસે પણ આ ગઝલ્ સન્ગ્રહ આવ્યો છે, હુ હજેી તેમાથેી પસાર થૈ રહ્યો ચ્હુઁ, પણ જેીગ્નેશભઇ સાથે ઘણેી બાબતે સહમત થવાય એવુઁ કામ રાકેશભાઇએ કર્યુઁ છે..
રાકેશ હાંસલિયાએ ઉત્તમ ગઝલો આપી છે …અને તમે ય અધ્યારુ જી , એમના ઉત્તમ શેર ટાંક્યા છે …વાહ …બન્નેને અભિનંદન .
કવિશ્રીને અભિનંદન !
અદ્ભૂત…
who’s the publisher ?
ભૌતિકતાની ભાગ દોડમા અક્ષરનાદને ઓટલે લીમડાની છાયા મળ્યાનો અનુભવ થાય છે.
nice touchy gazals.congrats.
Kharekhar rasbhar rasaaswaad karaavyo chhe. Dhanyavad.
ભૈ રાકેશ હાન્સલિઆને ઇર્શાદ સાથે રદય્પુર્વક્ના અભિનન્દન
ખાસ તો એમના શાયરાના મિજાજ પ્રમાનેનુ જ સુન્દર ગઝલ સન્ગ્રહ્નુ નુ
નામ અને એમનિ એક એકથિ ચધ્હે એવિ સદાબહાર ગઝલો
શાયરને અનેક શુભેચ્ચ્હાઓ સાથે આવકાર
– અશ્વિન દેસાઈ ઓસ્ત્રેલિયા
Really heart touching gazals. Every line of every theam and feelings touch my heart and sent me in deep thinking. Rakeshbhai awesome keep it on. I can feel the swad of your AASWAD!!!!!