આજકાલ રાજકારણમાં અપશબ્દો અને ગાળો બોલવી એ એક ફેશન જેવું બની ગયું છે. વ્યક્તિ અને વાત ગમે તે હોય, કાંઈપણ જોયા જાણ્યા વગર બસ દઈ દીધી એક ગંદી ગાળ. પછીથી એ જ ગાળ ચર્ચાનો એક વિષય બની જાય છે. શું ખરેખર તેને ગાળ ગણી શકાય? તે ગાળ છે કે નહીં. શું તે સંપૂર્ણપણે નકારાત્મક છે? શું તેનું કોઈ સકારાત્મક પાસું નથી? બુદ્ધિજીવી આવી ચર્ચાઓમાં ખૂબ જ રસ લેતા હોય છે. તેઓ ચોળીને ચીકણું કરે છે!
‘ગુંડો’ પણ આવી જ એક ગાળ છે. તેને આજકાલ કોઈને ય માટે સાવ સહેલાઈથી બોલી નાખવામાં આવે છે. બીજું બધું તો ઠીક પણ આપણા આર્મીના ચીફ જનરલ રાવતને પણ ‘સડકનો ગુડો’ કહી દેવામાં આવે છે. બેની પ્રસાદ વર્માએ મોદીજીના વડાપ્રધાન બન્યા તે પહેલાં તેમને આર એસ એસના ‘સહુથી મોટા ગુંડા’ કહીને તેમનું સન્માન(?) કર્યું હતું.
શું એ વાત અજબ ન કહેવાય કે જે
તુક્કો નહીં તો તીર બની જાય, દૂધ ફાટી જાય તો પનીર બની જાય…
મવાલીઓને ન જુઓ નફરતથી, કોણ જાણે કયો ગુંડો પ્રધાન બની જાય…
પોલીસને ‘વરદીવાળો ગુંડો’ કહેવું એ તો જાણે સાવ સામાન્ય વાત બની ગઈ છે. નાના મોટા ગુનેગારો ગલી-છાપ ગુંડા કહેવાય છે. કેટલાક કરવેરા સરકાર લાદે છે, કેટલાક કરવેરા ગુંડા વસૂલે છે. તેને ‘ગુંડા-ટેક્સ’ કહેવામાં આવે છે. ગુંડાઓથી બચાવવા માટે આપણે ત્યાં રીતસર ગુંડા-એક્ટ છે, એન્ટી-રોમિયો ગુંડા એક્ટ પણ છે. ગુંડા-સ્કવોડ છે. આમજનતા કે જે ગુંડા અને ગુંડા-એક્ટ બંનેથી ત્રાસી ગઈ છે અને અવારનવાર સવાલ કરે છે, શું ગુંડા-સ્ક્વોડ હકીકતમાં ગુંડાઓનો સ્કવોડ તો નથી ને! અને તેનો કોઈ સંતોષકારક જવાબ નથી મળી શકતો. સહુ જાણે છે કે સજ્જનના સ્વાંગમાં ફરતા કેટલાય લોકો પોતાનો સ્વાર્થ સાધવા માટે ‘ભાડૂતી ગુંડા’ પણ રાખે છે.
ઉત્તર ભારતમાં જે હિન્દુસ્તાની બોલી બોલવામાં આવે છે તેમાં ગુંડા શબ્દનો અર્થ બદમાશ, દુર્વૃત્ત, ખોટી ચાલ-ચલન વાળો, ઉદ્દંડ અને ઝઘડાળુ વ્યક્તિ એવો કરવામાં આવે છે. ગુંડાશાહી, ગુંડાગર્દી, ગુંડઈ અને ગુંડારાજ જેવા શબ્દો પણ ‘ગુંડા’ શબ્દ ઉપરથી જ બન્યા છે. પરંતુ દક્ષિણ ભારતની ભાષાઓમાં લગભગ ‘ગુંડ’ અને ‘ગુંડા’ શબ્દોમાં કોઈ અનૈતિક અને નકારાત્મક ભાવ નથી. મરાઠીમાં ‘ગાંવ-ગુંડ’ ગામડાનો નાયક અથવા ગ્રામ્ય યોદ્ધો થાય છે. ત્યાં ગુંડા શબ્દના મૂળમાં મુખ્ય અથવા નેતા જેવો ભાવ છે. તામિલમાં પણ ગુંડા શબ્દ એક શક્તિશાળી અને તાકાતવાળો નાયક જ અર્થ દર્શાવે છે. ‘ગુંડારાવ’ ‘ગુંડારાજ’ જેવા શબ્દો આનું ઉદાહરણ છે.
વસ્તુતઃ ‘ગુંડ’ નો અર્થ કોઈ ઉપસેલો ભાગ અથવા ગાંઠ સાથે સંબંધ ધરાવે છે. કોઈ સમતળ જગ્યાએ કોઈ ઉપસેલું સ્થાન પોતાની એક વિશિષ્ટતા દર્શાવે છે. એ જ રીતે સમાજમાં કોઈ વ્યક્તિનું ઉજળું પાસું તેને ખાસ વ્યક્તિ બનાવી દે છે. તે સમાજનો નાયક બની જાય છે. ગુંડ નો અર્થ આ પ્રકારે નાયક, યોદ્ધા અથવા શૂરવીર સાથે સંબંધ ધરાવે છે.
પરંતુ શબ્દોના અર્થોમાં પણ અર્થવનતિ (અર્થનું અવમૂલ્યન કે હ્રાસ) જોવા મળે છે. એવું જ ગુંડ શબ્દની સાથે પણ થયું. ગુંડ પહેલાં તો કોઈ સમૂહનો નાયક હતો પણ પછીથી પોતાની ઉદ્દંડ અને અહંકારી વૃત્તિને લીધે એક ખલ-નાયક બની ગયો. ગુંડા શબ્દમાં નાયકનો અર્થ તો અકબંધ રહ્યો પણ તે અનુચિત વ્યવહાર કરવાવાળો નાયક બની ગયો.
સાર્થ જોડણી કોશમાં ગુંડ-ડો એટલે ‘જબરદસ્તીના કામ કરનારું; બદમાશ, દાંડ અથવા એવો આદમી’ એવો અર્થ દર્શાવ્યો છે.
હિન્દીના મોટાભાગના કોશોમાં ગુંડ અથવા ગુંડા શબ્દોની વ્યુત્પત્તિ સંસ્કૃતના ‘ગુન્ડકઃ’ શબ્દમાંથી થઇ છે એમ દર્શાવ્યું છે. સંસ્કૃતમાં ગુન્ડક નો અર્થ धूलि या धूलमिला आटा’ છે. તૈલપાત્ર અને મંદ સ્વરને પણ ગુન્ડક કહેવામાં આવે છે. સંસ્કૃતના ગુન્ડકમાં આ રીતે નથી નાયકત્વની ભાવના અને નથી કોઈ દુર્વૃત્તિ. એટલે એ વાત મારી સમજની બહાર છે કે હિન્દીના મોટાભાગના કોશોમાં ગુંડ અથવા ગુંડાની વ્યુત્પત્તિ સંસ્કૃતના ગુન્ડક માંથી થયેલી કેમ દર્શાવવામાં આવી છે. મારી વિચારપૂર્વકની ધારણા એવી છે કે ગુંડા શબ્દ સહુથી પહેલાં ઉત્તર ભારતમાં હિન્દુસ્તાની ભાષામાં પશ્તો ભાષા ઉપરથી આવ્યો છે.
પશ્તો પઠાણોની મુખ્ય ભાષા છે. તેને પખ્તો પણ કહેવામાં આવે છે. આ હિન્દી-ઈરાની ભાષા પરિવારની એક ઉપશાખા છે. ઈરાનમાં તેને પૂર્વી ઈરાની ભાષા માનવામાં આવે છે. પશ્ચિમના અફઘાનિસ્તાનમાં પણ આ ભાષા બોલવામાં આવે છે. એટલા માટે તેને અફઘાની ભાષા પણ કહે છે.
અફઘાનિસ્તાનમાં ફારસીની સાથોસાથ પશ્તોને પણ રાજભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતની સ્વતંત્રતા પહેલાં એક એવો સમય હતો કે જયારે કાબુલથી વેપાર કરવા માટે પઠાણ લોકો ભારત આવતા હતા. રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા કાબુલીવાલામાં ભારતથી કાબુલના લોકોનો ભારત સાથે ભાવનાત્મક સંબંધ વધારે સારી રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ઉત્તર ભારતમાં પશ્તો ભાષાના કેટલાક શબ્દો ફારસી અને અરબીના માધ્યમથી પણ ઉર્દૂ ભાષામાં અપનાવી લેવામાં આવ્યા. ગુંડા શબ્દ કે જેનો અર્થ પશ્તોમાં બદમાશ વ્યક્તિ સાથે જોડાયેલો છે તે ઉર્દૂ ભાષામાં અપનાવી લેવામાં આવ્યો અને તેને હિન્દુસ્તાની ભાષામાં પોતાનું આગવું સ્થાન બનાવી લીધું. બદમાશના અર્થમાં ગુંડ અથવા ગુંડા શબ્દ દક્ષિણ ભારતમાં બહુ મોડેથી પહોંચ્યો.
કહેવાય છે કે બસ્તરના આદિવાસીઓએ જયારે અંગ્રેજોની વિરુદ્ધ એકતા દેખાડી ત્યારે તેનું નેતૃત્વ એક વીર ‘ગુંડા ધૂર’ નામની વ્યક્તિએ કર્યું હતું (૧૯૧૦). બેશક આ ગુંડા પશ્તો ભાષાના બદમાશના અર્થવાળો ગુંડા ન હતો. એ વ્યક્તિનું નામ જ ગુંડા હતું, ગુંડા – જે સામાન્ય લોકોથી ઉપરના સ્તરે પહોંચીને તેઓનું નેતૃત્વ કરે. પણ કારણ કે ગુંડા ધૂર એક લડાયક વ્યક્તિ હતા, મેદની વચ્ચે પણ ઝઘડવામાં પાછા પડે નહીં તેવા હતા, અંગ્રેજોએ એટલા માટે જ તેમને બદમાશના અર્થમાં ગુંડા કહીને તેમનું અવમૂલ્યન કર્યું હતું. પરંતુ તેનો અર્થ એવો ન કરી શકાય કે ભારતમાં બદમાશના અર્થમાં ગુંડા શબ્દનો ઉપયોગ અંગ્રેજોની દેણગી છે. ગુંડા શબ્દ બહુ પહેલાં પશ્તો ભાષામાંથી (ફારસી અને અરબી ભાષામાંથી થઈને) હિન્દુસ્તાની ભાષામાં આવી ચુક્યો હતો. હા, બદમાશના અર્થમાં જો તમે ગુંડા શબ્દ વીસમી સદી પહેલા શોધો તો હિન્દીમાં તમને એ નહીં મળી શકે.
હિન્દી સાહિત્યમાં જયશંકર પ્રસાદની કથા ‘ગુંડા’ એક કાલજયી કથા છે. તે વીસમી સદીના ઉત્તરાર્ધમાં જ લખવામાં આવી હતી. તેમાં તેમણે રાજકીય અને સામાજિક પરિસ્થિતિ કઈ રીતે સારા એવા ભલા માણસને ગુંડા બનાવી દે છે તેનું ચિત્રાંકન કરતા એ દર્શાવ્યું છે કે એક ગુંડા પણ છેવટે તો માણસ જ હોય છે અને તેની સંવેદના પૂરેપૂરી મરી પરવારી નથી હોતી. આ ભાવને સાહિત્યકારો અને કલાકારોએ પોતાની રચનાઓમાં બહુધા અભિવ્યક્ત કર્યો છે. હરીન્દ્ર દવેની નવલિકા ‘ગાંધીની કાવડ’ અને તેનાં અનુસંધાનમાં આગળ વધતી કથા ‘મોટા અપરાધી મહેલમાં’ નું પાત્ર ભાનુપ્રસાદ (ભનિયો) કાંઈક એવું પાત્ર છે જે તેના પ્રમાણિક અને સમજુ પિતાને પાગલ ઠેરવે છે!
– મૂળ લેખક: ડૉ. સુરેન્દ્ર વર્મા, ૯૬૨૧૨ ૨૨૭૭૮ (ઇલાહાબાદ), ૧૯ એચ.આઈ.જી./૧, સર્ક્યુલર રોડ.
– અનુવાદ: હર્ષદ દવે, ૮૭૫૮૭ ૪૬૨૩૬, એ-૨૦૧, માઈલ્સ્ટોન રેસીડેન્સી, વાસણા ભાયલી રોડ, એસ્સાર પેટ્રોલ પંપ સામે, બ્રાઈટ ડે સ્કૂલ પાછળ. વડોદરા-૩૯૧૪૧૦
आपतो अनुवाद करने में सिद्धहस्त हैं | मैं गुजराती भाषा ठीक से पढ़-समझ नहीं पाटा | लेकिन मुझे आपकी योग्यता पर पूरशास है | मेरे कतिपय आलेखों का आप गुजराती में अनुवाद करके मुझे अनुग्रहीत करते हैं | यह मेरे लिए बड़ी बात है | आपका तहेदिल से शुक्रिया | सुरेन्द्र वर्मा |
मैं आपके सामने नतमस्तक हूं।
learned some thing. Thanks.
આભાર
VERY VERY NICE
આપનો આભાર્
ડૉ સુરેન્દ્ર વર્મા દ્વારા અતિસુંદર માહિતી સભર લેખ. હર્ષદ દવે નો અનુવાદ પણ એટલો જ સરસ.
આભાર
@ ડો. સુરેન્દ્ર વર્મા – માહિતીસભર લેખ.
@ હર્ષદ દવે – સુંદર અનુવાદ.
@ અક્ષરનાદ- આભાર.
જય ભારત.
—————
Jagdish Karangiya ‘Samay’
જગદીશભાઈ તમારો આભાર
માહીતી સભર હળવી શૈલીમાં લખાયેલી પ્રસ્તુતી. હર્ષદભાઈના અનુવાદ પરથી એવું જ લાગે કે આ ગુજરાતી લેખ જ હશે. (અનુવા છે એવું લાગતું જ નથી. ખુબ સરસ)
આભાર.