સડ્ડા પિંડ.. (અમૃતસરની મુલાકાતે) – ગોપાલ ખેતાણી 66


મક્કે દી રોટી દે સરસોં દા સાગ!

એક ૐકાર, સતનામ કર્તા પૂરખ, નિર્મોહ નિર્વૈર, અકાલ મૂરત અજૂની સૈભં ગુર પરસાદ..- ગુરબાની તમને પણ યાદ આવી ગઈ હશે..ખરુંને? ખાસ કરીને રંગ દે બસંતી ફિલ્મ પછી આ ગુરબાની ખાસ્સી પ્રખ્યાત થઈ છે. (આખી ગુરબાની અને તેનો ગુજરાતી અર્થ તમને અક્ષરનાદની આ કડી પર જઈને મળશે)

૨૪,૨૫ અને ૨૬ જુન (૨૦૧૭- શનિવાર, રવિવાર, સોમવાર) – આ ત્રણ દિવસ સળંગ રજા આવતી હતી અને મનમાં તરંગ ઉઠતાં હતાં. ઘરમાં ગણગણતો હતો “ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો..” ને પાછળથી મારા શ્રીમતીજીએ સૂર પુરાવ્યો “હમ હૈં તૈયાર ચલો!” અને તમને તો જાણ હશે જ કે અર્ધાંગીનીની આ પ્રકારની વાણી એ આજ્ઞા જ હોય છે. એનું પાલન કરવું એ પરમ કર્તવ્ય છે.

આગ્રા જવાનું મનમાં નક્કી તો કર્યું અને તે વિષે ઓફીસમાં સાથે કામ કરતાં મિત્ર અભયને વાત કરી. તેણે આગ્રા જવા માટે હા કહી અને સાથે એક વિક્લ્પ સુચવ્યો અમૃતસર જવાનો. અમારા બન્નેના ‘હોમ મિનિસ્ટર’ અમૃતસર જવા રાજી હોય તત્કાલ આરક્ષણનો લાભ ઉઠાવી ટ્રેનની ટિકિટ્સ મેળવી લીધી. સપરિવાર અમે નિઝામુદ્દીન સ્ટેશન પહોંચ્યા.

સફરમાં જો અડચણ ના હોય તો એ સફર યાદગાર કેમ બને? રાજ્સ્થાનમાં જાટ આરક્ષણ બંધને લીધે ટ્રેન ડાઈવર્ટ થઈ અને ચાર કલાક મોડી પડી. સવારે સાડા પાંચ વાગ્યાને બદલે અમે સાડા દસે અમૃતસર પહોંચ્યા. અમૃતસરવાસીઓને અંબર સરિયા કહે છે. (અંબરસરિયા.. મુંડ્યાવે કચિયા, કલીયાંના તોડ – ‘ફુકરે’નું પ્રખ્યાત ગીત ગણગણવાની મજા આવશે હવે!)

અમારી ઈચ્છા સવારે જ સુવર્ણ મંદીરના દર્શન કરવાની હતી. પરંતુ “વાહેગુરુ ઈચ્છા બળવાન!” શહેરમાં અને હોટેલોમાં ભીડ જોઈને એવું લાગ્યું કે બધાંને અમારી જેમ અમૃતસર જ ફરવું હતું કે શું? બે – ત્રણ હોટેલ ફર્યા બાદ એક હોટેલમાં બે રૂમ મળી ગઈ. સ્નાનાદિથી પરવારી, વ્યવસ્થિત ચા-નાસ્તો કરી અમે બાર વાગ્યે જલીયાંવાંલા બાગ જોવા નિકળ્યા. સૂરજદાદા પણ જાણે કૃપા વરસાવવામાં કોઈ કમી ન રાખવાના હોય એમ ખુલ્લી આંખે હાજરાહજૂર હતા.

પણ જેવા અમે જલીયાંવાલા બાગના પરિસરમાં પહોંચ્યા કે તડકાનું દુઃખ થોડી વાર માટે વિસરાઈ ગયું. જલીયાંવાલા બાગથી લઈ સુવર્ણ મંદીર સુધીનો પરિસર છેલ્લા બે-ત્રણ વર્ષમાં ખુબ સુંદર રીતે ડેવલપ કર્યો છે. તમને કોઈ યુરોપિયન શહેર જેવો આભાસ થાય. બાગને ખુબ સારી રીતે વિકસાવ્યો છે અને વ્યવસ્થીત સાચવ્યો પણ છે. અહીં યાદી માટે ફોટોગ્રાફીને ન્યાય આપ્યો. બાગના પરિસરમાં એ કૂવો પણ જોયો જ્યાં હજારો નિર્દોષ લોકોએ પોતાના જીવની કુરબાની આપી હતી. એ નરસંહારનું દ્રશ્ય વિચારીને હતપ્રભ થઈ જવાયું.

“સૂરા સો પહચાનીયે, જે લડે દીન કે હેત,
પૂર્જા –પૂર્જા કટ મરે, કબહું ના છાડે ખેત”
(જે ગરીબ, નિર્બળો કે કોઈ સાચા ઉદ્દેશ્ય માટે લડે છે તે જ સાચો વીર છે. પોતાના પ્રાણ ત્યાગી દેશે પણ એ રણભૂમી છોડી નહીં ભાગે.)

કૂવાની સામેની દિવાલ પર ગોળીઓના નિશાન આજે પણ છે. મન ખિન્ન થઈ ગયું. જલીયાંવાલા બાગ હત્યાકાંડ એ અંગ્રેજોના છળ, કપટ, પ્રપંચ અને નામર્દાનગીની હદ હતી. બહાર નિકળવાના દ્વાર પહેલાં જલીયાંવાલા બાગ હત્યાકાંડ વિશે માહીતી જોવા મળે છે. ત્યાં શહીદ થયેલા લોકોના ફોટોગ્રાફ્સ, ન્યૂઝ પેપર કટિંગ્સ, ક્વોટ્સ અને કેટલાક પુસ્તક રાખવામાં આવેલ છે. એક ગુજરાતી પુસ્તક પણ ત્યાં જોવા મળ્યું.

ગરમીએ હદ વટાવી હોઈ અમે માટલા કુલ્ફીને ન્યાય આપ્યો. મેં કુલ્ફી ચાખ્યા વિના મારી નાનકડી ઢીંગલી ભૂષિતાને ચાખવા આપી. તેણે સહેજ બટકું ભરી મોં મચકોડ્યું. મેં ચાખી ત્યારે ખબર પડી કે કુલ્ફી પર સહેજ મીઠાનું આવરણ હોઇ તેને કુલ્ફી ખારી લાગી. અને એ બીજી વાર છેતરાવા નહોતી માંગતી!

કુલ્ફીની મજા લીધા બાદ અમે બજારમાં આંટો માર્યો. લગભગ દોઢ વાગ્યો હોઈ અમે વાઘાબોર્ડર જવા માટે ત્યાં ફરતાં એજન્ટ સાથે ભાવતાલ નક્કી કર્યો. અહીંથી શેરિંગમાં રિક્ષા અને કાર મળે છે. અને પોતાની અલગથી કાર ભાડે કરવી હોય તો પણ મળે. શેરિંગમાં વ્યક્તિ દીઠ વાઘાબોર્ડર જવા-આવવાના ૮૦-૧૨૦ રૂપિયા થાય પણ તેમાં રિક્ષા અથવા તો કાર (ઈનોવા, સુમો) ભરાય પછી જ રવાના થાય. અમે ચાર વ્યક્તી અને મારી દીકરી હોઇ અમે ટાટા ઈન્ડિગો ભાડે કરી. તડકો ભારે હતો એટલે એ.સી. કારની જરૂરિયાત હતી. ૧૧૦૦ રૂપિયા ઠરાવ્યા, કારના ડ્રાઈવર ગુરસેવકસિંઘ બહુ સાલસ વ્યક્તિ, તેમણે અમને રસ્તામાં આવતી જગ્યાઓ વિશે અને અમૃતસર વિષે માહીતી આપી.

અટારી ભારતનું છેલ્લુ ગામ છે. જ્યારે વાઘા પાકિસ્તાનનું છેલ્લું ગામ છે. અમૃતસરથી બોર્ડર ત્રીસ કિ.મી. દૂર છે અને બોર્ડરથી લાહૌર વીસ કિ.મી. દૂર છે. બી.એસ.એફ અને આર્મીનો અહીં બહુ મોટો વિસ્તાર નજરે ચડે એ સ્વાભાવિક છે.

અમે અઢી વાગ્યે બોર્ડરના પાર્કિંગમાં પહોંચ્યા. અહીં ભીડ એકઠી થઈ હતી. મેં અને મારા મિત્ર અભયએ બન્ને ગાલ પર ત્રિરંગાનું ટેટુ ચિતરાવ્યું. એક કલાક લાઈનમાં ઉભા રહ્યા બાદ બોર્ડર પર બનાવેલા સ્ટેડીયમ તરફ જવા રવાના થયા. અહીં તમને મોબાઈલ, જેન્ટસ વોલેટ, કેમેરો અને પાણીની બોટલ લઈ જવા દે. ફેરીયાઓ બધે હોય એટલે તમને નાસ્તાના પડીકા અને પાણીની બોટલો મળે. લેડીઝ પર્સ, કેમેરાનું પાઉચ, નાનું ચપ્પુ , કાતર જેવી વસ્તુઓ ન લઈ જવા દે. સ્ટેડીયમમાં અમે ચાર વાગ્યે બેઠા.

“સૂરજ હુઆ મધમ, ચાંદ જલને લગા” જેવી લાગણીઓનું બાષ્પિભવન સ્વયં સૂરજદેવે પોતાના પ્રખર તાપથી કરી નાખ્યું. અમારી પાસે છત્રી અને ટોપી હતી પણ “વો ચંચલ હવા” ગુમશુદા હતી!

ફેરીયાઓ ટોપી, છત્રી, હાથપંખો, કોલ્ડ્રીંક્સની બોટલ, ફુડ પેકેટસ વેંચી કમાણી કરી રહ્યા હતાં. માણસોનો અવિરત પ્રવાહ સ્ટેડીયમ તરફ વહી રહ્યો હતો. વી.આઈ.પી બેઠકમાં પણ માણસોને ગોઠવ્યા બાદ નવી ચણાઈ રહેલી ઈમારતમાં લોકોને જગ્યા આપી. છેલ્લે તો રસ્તાના કિનારે લોકોને અને કેટલાય વિદેશીઓને બેસાડ્યા. આ બધી વ્યવસ્થા ગોઠવવામાં બાળકો અને સ્ત્રીઓનો ડાન્સ પ્રોગ્રામ કેન્સલ થયો. આ દરમ્યાન દેશભક્તિ ગીત સ્ટેડીયમમાં ગૂંજતા હતા.

સાંજે છ વાગ્યે રિટ્રીટ સેરેમની સ્ટાર્ટ થઈ. સામે પાકીસ્તાન સ્ટેડીયમમાં ફકત વિસ –પચીસ લોકો અને અહીં તો હજારોની મેદની. રિટ્રીટના સંચાલકે લોકોમાં જોશ જગાવવાનું શરું કર્યું. ભારત માતા કી જય, હિંદુસ્તાન ઝિંદાબાદ અને વંદેમાતરમના નારા સાથે સ્ટેડીયમ ગાજી ઉઠ્યું. વિશિષ્ટ માર્ચ પાસ્ટ કરતાં આપણા સૈનીકો અને રિટ્રીટ સેરેમનીએ ધમનીઓનો પ્રવાહ વધારી દીધો. નસો તંગ થઈ ગઈ. હુટીંગ, ચિચિયારીઓ અને ગગનભેદી નારાઓ ગૂંજી ઉઠ્યા. તડકો હોવા છતાં આ ત્રણ કલાક દરમ્યાન મારી અઢી વર્ષની ભૂષિતાએ રંગ રાખ્યો. તાપમાન એટલું હતું કે મારો ફોન મને વારંવાર તાપમાન વધી ગયાની ચેતવણી આપી કેમેરો બંધ કરી દેતો.

જોમ અને જુસ્સા સહીત અમે ગુરસેવકસિંઘની કારમાં અમૃતસર તરફ પરત તો ફર્યા, પરંતુ ગરમી અને ચિચિયારીઓ પાડવાથી મારું ગળું થોડું બેસી ગયું અને થાક પણ લાગેલો. શહેરમાં એક જગ્યાએ અમે પાંચ સ્વાદના પાણીવાળી પાણીપુરી ટેસ્ટ કરી અને જ્યુસને માન આપ્યું ત્યારે સારું લાગ્યું. હોટેલ પર પહોંચતા પહેલા ગુરસેવકસિંઘ જોડે બીજા દિવસનો કાર્યક્રમ નક્કી કર્યો.

હોટેલ પર આવી, નાહીને અમે સુવર્ણ મંદીર પરિસર પર આવ્યા. અહીં અમે બહુ પ્રખ્યાત એવા “ભરવાં દા ઢાબા” પર જમવા આવ્યા. ભીડ અહીં પણ હતી જ. જગ્યા રોકી જમવા તો બેઠાં પણ નામ સાંભળ્યા હતાં એવા ગુણ આ ઢાબાના જમણમાં દેખાયા નહીં. કદાચ રજાની અસર!

રાતના સાડા દસ થયા હતા. અમે મંદીર તરફ રવાના થયા. પરિસરના બીલ્ડીંગ અને લાઈટીંગની ઝાકઝમાળ જબરદસ્ત હતી. આનંદ માણતા મંદીરના નિજી પરિસરમાં પહોંચ્યા તો જોયું કે વિશાળ મેદની ત્યાં નીચે સૂતેલી છે. જાણવા મળ્યું કે બધાં સવારે પાંચ વાગ્યે પાલખીના દર્શન કરવા અહીં જ ઉંધી ગયા. અમે મંદીરના દરવાજામાં પ્રવેશ પામ્યા. અહાહા.. શું અદભુત નજારો! પવિત્ર સરોવરની વચ્ચે શોભતું દૈદીપ્યમાન સુવર્ણ મંદીર લાઈટ્સથી ઝળહળતું હતું. અમે ફરી લાઈનમાં ઉભા રહ્યાં. થોડી ધક્કા મુક્કી થયાં બાદ મંદીરમાં પ્રવેશ્યા અને દર્શનનો લાભ લઈ થોડું પુણ્ય જમા કર્યું. અહીં શીરાનો પ્રસાદ મળતો હતો. અમે સૌથી છેલ્લા હતાં છતાં પણ નાના કણ તો મળ્યા જ. ફોટોગ્રાફીને ફરી ન્યાય આપ્યો. ત્યાં જ ખબર પડી કે દર્શન બંધ થયા. રાત્રે બાર થી બે વાગ્યા સુધી મંદીર બંધ. અમે કાર્યાલયમાંથી પ્રસાદના પેકેટ્સ લઈ બહાર નીકળ્યા. મંદીરની બહારનો માહોલ જોતાં એવું લાગતું હતું કે હજુ સાંજના આઠ વાગ્યા હશે.

બીજા દિવસે હોટેલમાંથી ચેકઆઉટ કરી પ્રસિધ્ધ દુર્ગાણ્યા મંદીર ગયા. આ મંદિર પણ સરોવરની વચ્ચે આવેલું છે. મંદીરમાં રામ-લક્ષ્મણ-જાનકી, નારાયણ-લક્ષ્મી અને રાધે-કૃષ્ણની દૈદીપ્યમાન મૂર્તિઓ છે. એ ઉપરાંત પણ અન્ય દેવી – દેવતાઓ બીરાજમાન છે. પરિસરની બહાર સાતસો વર્ષ જૂનું શિતળા માતાનું મંદીર છે. અમે પહોંચ્યા ત્યારે બંધ હતું. એ મંદીરની બાજુમાં જ “બડા હનુમાનજી”નું મંદીર છે. મંદીરની અંદર એ પવિત્ર વટવૃક્ષ છે જ્યાં લવ-કુશએ હનુમાનજીને બાંધ્યા હતા. અહીંની માનતા લેવાથી દંપત્તિઓને સંતાન પ્રાપ્તિ થાય છે અને પછી તેઓ અહીંના મેળામાં એ સંતાનને લંગુરનો વેશ ધારણ કરાવી આશિર્વાદ લેવા આવે છે.

રાવણા જાંબુ ખરીદી અમે વૈષ્ણોદેવીની પ્રતિકૃતી સમાન મંદીરના દર્શને ગયા. અહીંયા પણ દર્શન કરતાં લગભગ એક કલાક જેવો સમય લાગે. બધાં જ દેવી દેવતાઓની મુર્તીઓ અને પ્રતિકૃત્તીઓ અહીં પણ બહુ સરસ રીતે સજાવી છે.

અહીંથી અમે ગુરુનાનક દેવ યુનિવર્સિટી પાછળ આવેલા ‘સડ્ડા પિંડ’ રિસોર્ટ પર ગયા ત્યારે બપોરના દોઢ વાગેલા. આ રિસોર્ટ પંજાબી સ્ટાઈલમાં બનાવેલું છે. છસો પચાસ રુપિયા વ્યક્તિ દિઠ ટિકીટમાં લંચ / ડિનર સામેલ છે. રિસોર્ટમાં પ્રવેશો એટલે જાણે મોડર્ન રીતે સજાવેલું પંજાબી ગામડું. તમને વિશાળ ખાટ્લો જોવા મળે તો ક્યાંક ‘બોબી’ ફિલ્મ વાળી બાઈક. ગામડાના ઘરમાં પ્રવેશો એટલે ‘છાછ’ પીવા મળે અને ખાટલાં પર બેસીને “મક્કે દી રોટી દે સરસોં દા સાગ’ની મોજ માણવા મળે.

એ ઘરની બહાર નીકળો તો તમે પેલા જુના ‘બાયોસ્કોપ’નો આનંદ ઉઠાવ્યા વીના રહી શકો ખરા? સરપંચના ઘરમાં તમને એન્ટીક ટી.વી અને રેડીયો જોવા મળે જેની સાથે તમે એક યાદગીરી ‘ક્લિક’ કરી શકો. ત્યાં જ તમને “મૌસીજી’ની ‘ચક્કી” જોવા મળે. ઈચ્છા હોય તો તમે પણ ‘પિસિંગ એન્ડ પિસિંગ” કરી શકો.

બાહુબલી, કટપ્પા અને ભલ્લાલ દેવો માટે તલવાર અને કિરપાણ ધરાવતી દુકાન પણ એક ઘરમાં હોય. શોખ હોય તો એ શસ્ત્રોને ખરીદી તમારા ઘરની દિવાલ પર સ્થાન આપી શકાય. એક ઘર વણકરનું પણ ખરું જ્યા જુનું હાથ વણાટ યંત્ર જોવા મળશે. અહીંથી અમે મનોરંજન સ્થળ તરફ રવાના થયા, જ્યાં કઠપૂતળીનો ખેલ ચાલતો હતો. ત્યાંથી મોતનો કૂવો જોઈ અમે લીંબુ પાણીનો સ્વાદ લેવા ગયાં. અમને યાદ આવ્યું કે ત્રણ વાગી ગયા છે. લંચનો સમય બારથી ચાર હોઈ અમે રેસ્ટોરન્ટ તરફ પ્રયાણ કર્યું. રિસોર્ટની ખાસ વાત એ છે કે તેમણે આખા રિસોર્ટમાં જ્યાં ખુલ્લી જગ્યાઓ છે ત્યાં નાની ટ્યુબ સાત- આઠ ફૂટ ઉપર ઉંચે પાથરી છે. તેમાંથી ઝીણી ફુવારીઓ છુટે જેથી તમને ગરમી ના લાગે અને વાતાવરણ ઠંડુ રહે. આવી વ્યવસ્થા મેં પહેલી વખત કોઈ જગ્યાએ જોઈ. ભૂષિતાને તો આ ફુવારીઓ બહુ ગમી ગઈ. આ ફુવારીઓ રેસ્ટોરન્ટની બહાર ખુલ્લા પ્રતિક્ષાકક્ષમાં પણ હતી. થોડી વારમાં વારો આવતાં રેસ્ટોરન્ટના એ.સી. કક્ષમાં અમે જમ્યાં. વાનગીઓ પણ ઉત્તમ હતી અને એમની સર્વિસ પણ. જમ્યા બાદ અમે ગેમઝોનમાં જઈ બોલ ગેમ, મટકા ગેમ, અને તિરંદાજી કરી. ભૂષિતાની જોડે અમે નાની ટ્રેનની સફર માણી. મેરી ગો રાઉન્ડ, કેમલ રાઈડ તથા હોર્સ રાઈડની ઈચ્છા નહોતી. હજુ અમારે વોર મેમોરીયલ જોવું હોઈ અમે રિસોર્ટમાંથી બહાર આવ્યા. પંજાબ દી મિટ્ટીની ખુશ્બુ માણવી હોય એમણે અહીં આવવા જેવું ખરું.

ગુરસેવકજી અમને વોર મેમોરિયલ પર લઈ ગયા. વીસ ફુટ ઉંચી તલવાર અને મિગ વિમાનનું મોડેલ જોઈને જ તમે અભિભૂત થઈ જાઓ. સો રુપિયા પ્રતી વ્યક્તિની ટિકિટ ખરીદી અમે અંદર ગયા. વોર મેમોરીયલ બિલ્ડીંગ એકદમ આધુનિક છે. અહીં 7D મુવી દેખાડવામાં આવે છે. ૧૫-૨૦ મિનિટની આ મુવી પૈસા વસૂલ છે. એ મુવી જોયા બાદ અમે વોર મેમોરીયલની સાત ગેલેરી જોઈ જેમાં શીખ ઈતિહાસના યુદ્ધોથી લઈ ૧૯૯૯ સુધીની જંગનો ઈતિહાસ ચિત્રો, મૂર્તિઓ અને રંગ-સજ્જાથી આકર્ષક રીતે બતાવ્યો છે. ગેલેરી નિહાળતી વખતે પંજાબીમાં કોમેન્ટ્રી પણ ચાલતી હોય.

ચિત્રો અને મુર્તીઓની સામે ડીજીટલ ડીસ્પ્લે રાખવામાં આવ્યા છે જેમાં પંજાબી અને અંગ્રેજીમાં તમે વિગતો મેળવી શકો. હિન્દીનો વિકલ્પ પણ છે જે કોઈ કારણસર કામ નહોતો કરી રહ્યો. સમયને માન આપી અમે બહાર નીકળ્યા ત્યારે પરિસરમાં મ્યુઝીકલ ફાઉન્ટેન શરુ થઈ ગયો હતો. પાણી અને સંગીત, આ બન્ને વસ્તુ ભૂષિતાને બહુ ગમે. અને અહીંયા તો બન્ને એક સાથે! તેને મોજ પડી.

અમારી અગ્નીરથયાત્રા જલંધરથી નિર્ધારીત હોય (ભદ્રંભદ્ર યાદ આવ્યા જરા) ગુરસેવકજી અમને જલંધર પહોંચાડવા તત્પર હતા. અમૃતસર શહેર પાર કરી, રસ્તામાં એક ઢાબા પર ચાનો આનંદ લઈ અમે રાત્રે સાડા આઠે જલંધર પહોંચ્યા. ત્યાં રાત રોકાઈ વહેલી સવારે દિલ્હી પરત ફર્યા.

આ બે દિવસમાં ધાર્મિક આસ્થાના દર્શન થયાં, ઈતિહાસની કલમે કેટલાક શબ્દો હ્ર્દયમાં કોતરાયા, સેનાએ વિરરસ જાગૃત કર્યો અને પંજાબની સોણી ખુશ્બુએ અમને તૃપ્ત કર્યા. કદાચ આ ત્રણ દિવસ હું અને મારો પરિવાર કશે ગયો પણ ના હોત. પરંતુ મિત્રના વિચારને વધાવ્યો અને આ ક્ષણો જીવનભર માટે મન મનમાં અંકિત થઈ ગઈ.

છેલ્લે એટલું જ કે “ક્ષણોને કેદ કરો, વસ્તુઓને નહીં!” .. અને હા, સેલ્ફી તો લેવાની જ બોસ!

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

66 thoughts on “સડ્ડા પિંડ.. (અમૃતસરની મુલાકાતે) – ગોપાલ ખેતાણી