શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ) 20


માઈક્રોફિક્શન ગ્રૂપ ‘સર્જન’ના મિત્રોની ધગશ અને મહેનતનું સતત ફરતુ વલોણું અનેક અનોખી અને ‘આઉટ ઑફ ધ બોક્સ’ માઈક્રોફિક્શન આપી રહ્યું છે. ગત અઠવાડીયે અમે એક વિડીયોને આધારે માઈક્રોફિક્શન લખવાનો પ્રયોગ કર્યો. અહીં પહેલા એ વિડીયો મૂક્યો છે અને પછી તેના આધારે લખાયેલી અનેક અવનવી માઈક્રોફિક્શન્સ મૂકી છે. સંજોગોવશાત ગ્રૂપની માઈક્રોફિક્શન વાર્તાઓ ઘણા વખતે અક્ષરનાદ પર પ્રસિદ્ધ કરી રહ્યાં છીએ, તો આવો માણીએ આ સહિયારો પ્રયાસ.. પહેલા જુઓ આ શોર્ટફિલ્મ અને પછી એને આધારિત ૨૫૦ શબ્દોની આસપાસ લખાયેલી અમારી માઈક્રોફિક્શન.

૧. રેડ ડેટ
શબ્દો – ૧૪૮

‘ડેટ વિથ જેની’.. ફરી એ જ રિમાઇન્ડર, એ ઉભો થયો, બ્રશ કર્યું, આજે એ ગોઝારી વાતને પૂરા ચાલીસ દિવસ થયા.. વિચારતા એ નહાયો, વાળ ઘસ્યા – શરીરને ઘસી ઘસીને લાલ કરી મૂક્યું, એ રાત્રે એણે જેનીને તો પૂરેપૂરી લાલ કરી જ મૂકેલી, આજેય એ લાલ જ હતી ને.. આઈસ રેડ.. જેનીને એ જેન્ટલમેન જેવો જ ગમતો, શર્ટ અને ટાઈ પહેરી એ જેનીની સાથે આજે ફરીથી ડેટ માટે તૈયાર થયો.. ઠંડીથી બચવા એણે કોટ પહેર્યો.
બાજુની પથારીમાં ચિરનિંદ્રામાં પોઢેલી જેનીને એણે સ્મિત આપ્યું, એના હોઠ ચૂમ્યા. આજથી ચાલીસ દિવસ પહેલા જેની એને સ્પર્શવા પણ નહોતી દેતી, એના એઈડ્સને કારણે એ પોતાના જીવનભરના પ્રેમ જેનીથી વંચિત રહ્યો હતો, પણ હવે એને કોણ રોકી શકવાનું? હવે જેની એની હતી, પૂર્ણપણે..
બાજુમાં બરફના થર વચ્ચે પોઢેલી જેની સાથે ફરી એ જ ઐક્ય અનુભવવા એણે લંબાવ્યું, ફરી એ જ દિવસની જેમ પડખું ફરીને સૂતો, ચાદર ઓઢી, બરફ અને એની સાથે લાલાશ ઓગળતી રહી..

– જીજ્ઞેશ અધ્યારૂ

૨. કોફી
શબ્દોઃ ૨૨૭

ગઈ આખી રાત જેનીના વિચારોમાં ઊંઘ ન આવી. સવારે જયારે દસનો અલાર્મ વાગ્યો ત્યારે સફાળો જાગ્યો, તરત તૈયાર થયો, પરફયુમ લગાવ્યું ને ઘરની બહાર નીકળી જ રહ્યો હતો, ત્યાં ફોનની ઘંટડી વાગી…
છવ્વીસ સપ્ટેમ્બર, આ દિવસની કેટલા દિવસથી રાહ જોવાઈ રહી હતી. શું હતું જેનીમાં જે મને વારંવાર એની તરફ ખેચતું હતું. એ ફક્ત આકર્ષણ હતું, જીજીવિષા હતી કે ખરેખર પ્રેમ હતો..? છેક દિવસ સુધી નક્કી નથી કરી શકયો, બસ એટલું જ સમજાતું હતું કે મારા મનોમસ્તિષ્કમાં જેની ઘર કરી ગઈ હતી. શું ગમતું હતું મને જેનીમાં..? એનો ચેહરો કે એની સાદગી.. એનું હાસ્ય કે એનું મૌન.. વગર કહે એ ઘણું બધું કહી દેતી, કદાચ એટલે જ એ મને વધારે આકર્ષતી હતી.

રોજ સાંજે જેની એના ઓફીસથી નીકળતી, અને હું રસ્તાને પેલે પાર ઉભો રહી એના આવવાની રાહ જોતો. ફક્ત થોડી મિનિટોની ઝાંખી માટે…
બહુ હિમ્મત ભેગી કરી. બે રસ્તા વચ્ચેની લક્ષ્મણરેખા ઓળંગી જ નાખી. જેની સામે જઈ ઉભો રહી ગયો.
મને જોઈ જેની એટલું જ બોલી, “ક્યાં સુધી સામે પાર ઉભો રહીશ?”
“તને ખબર છે?” સ્તબ્ધ થઇ હું એટલું જ બોલ્યો.
“હા.”
હિમ્મત ભેગી કરી પૂછી નાખ્યું. “કોફી પીવા મળીશ?”
“આજે સાંજે મારે આઉટ ઓફ સ્ટેશન જવાનું છે, આવતા અઠવાડિયે તને ફાવશે? લગભગ છવ્વીસ તારીખે હું પાછી આવીશ, ત્યારે કોફી પીશું”
“હું છવ્વીસ તારીખની રાહ જોઇશ, જેની.”
તૈયાર થઇ ઘરની બહાર નીકળતો જ હતો ત્યાં ફોનની ઘંટડી વાગી, “હલો, રોજર, મારી ફ્લાઈટ મોડી પડી છે.”
– વિપ્લવ ધંધુકિયા

૩. દુ:સ્વપ્ન
શબ્દો : ૧૭૫

ઘેનભરી આંખે તેણે હાથ લાંબો કરી સાઈડ ટેબલ પર ફંફોસ્યું અને મોબાઈલ હાથમાં લઈ અલાર્મ બંધ કર્યું. એ જ ઘેનભરી આંખે તેણે તારીખ જોઈ, ૨૬મી? એ ઝપાટાભેર ઉભો થયો અને રોજીંદા પ્રાત:કર્મથી પરવાર્યો. સહેજ વધુ ટાપટીપ કરી સુટ-બુટ-ટાઈમાં સજ્જ થયો અને આંગળી એના ગાલ પર અડકાડી જયાં જેની તેઓના પ્રથમ મિલનનું અવિસ્મરણીય ચુંબન ચોડશે એવી આગોતરી ઈચ્છા હ્રદયમાં લઈ એ જેનીને મળવા નીકળી ગયો. બહુચર્ચિત ચહેરાઓના પુસ્તક દ્વારા એની જેની સાથે ઓળખાણ થયેલી જે તત્કાળ પ્રેમમાં પરિણમેલી અને એના પરિપાક રૂપે આજે જેની એને પ્રથમ વાર રૂબરુ મળવાની હતી. એક એવી સ્વપ્નિલ મુલાકાત, જેનાં શમણાંઓથી એની રાતો ખૂશ્બુદાર બની હતી. મેટ્રો સ્ટેશન પર જેનીની ટ્રેન પ્લેટફોર્મ પર પ્રવેશી ત્યાંજ ટ્રેનમાં એક ભયંકર બોંબ ધડાકો થયો, તેના અંતરમાંથી એક ચીસ નીકળીને વાતાવરણમાં ગુંજતી બીજી ચીસોમાં મળી ગઈ. તે દિશાશૂન્ય હાલતમાં ‘જેની..જેની..’ ની ચીસો પાડતો પ્લેટફોર્મ પર ભટકતો રહ્યો અને મોડી રાતે ઘરે પહોંચી ટી.વી.સમાચારમાં મૃતકોનાં નામ જોયાં જેમાં…
બસ, આજની ઘડી ને કાલનો ‘દિ, લગાતાર રોજ આ દુ:સ્વપ્ન એને અલાર્મથી ઉઠાડતું, જેનીને મળવા સજીધજીને તૈયાર કરતું અને વાસ્તવિકતાનો બોંબ ધડાકો એને ફરી પથારીમાં ધરાશાયી કરી દેતો.

– વિભાવન મહેતા

૪. ફેન્ટસી
શબ્દ સંખ્યા: ૨૭૮

ધબાક દઈને તે ઉંધે માથે પથારીમાં પડ્યો. હવે કાલે વાત…. નવી ગેડી નવો દાવ….. એમ કરતાં કરતાં કેટલોય સમય વીતી ગયો હતો અને વીતતો જતો હતો તે બરાબર જાણતો હતો.
રાબેતા મુજબ અલાર્મ વાગ્યું. ઉંઘરેટી આંખે તેણે મોબાઈલ હાથમાં લઈ અલાર્મ બંધ કર્યું. રોજીંદી ક્રિયાઓ ક્રમાનુસાર પતાવી તે સરસ કપડાંમાં સજ્જ થયો, પરફ્યુમ છાંટ્યું અને અરીસામાં ગર્વિત અવલોકન કરી આંગળી ગાલે અડકાડી તેણે લીવીંગ રુમમાં જઈ લેપટોપ ચાલુ કર્યું. ચેટબોક્ષમાં હજી કોઈ પરીચિત નહોતું. તેની મુંઝવણ અને ઉત્સુકતા વધતાં ચાલ્યાં. કેટલાય સમયથી તે ચેટબોક્ષમાં નવીનવી મિત્રો બનાવતો, પણ વાત આગળ ચાલતી જ નહી. હતાશાને તે પોતાની જાત પર હાવી થવા ન દેતો. ફક્ત ઈચ્છાઓ… દિવાસ્વપ્નો… ચેટબોક્ષના બીપે તેની તંદ્રા તોડી. જેની ઓનલાઈન હતી. તેના આનંદનો પાર ન રહ્યો. છેલ્લા અઠવાડીયાથી ચાલતી વાતચીતનો દોર તેણે આગળ વધાર્યો. અડધા કલાકે તેણે લેપટોપ બંધ કર્યું. તેની ખુશીનો પાર નહોતો. જેની તેના શહેરમાં જ હતી. આવતીકાલે તે રૂબરુ મળવા આવવાની હતી. જેનીના રંગબેરંગી સ્વપ્નો ભરી આંખે તે પાછો ધબાક દઈને પથારીમાં પડ્યો.
બીજી સવારે પાછુ એજ અલાર્મ, એજ ક્રિયાઓ અને ડોરબેલ વાગતા જ એના પગને પાંખો આવી. તેણે દરવાજો ખોલ્યો, એકસરખા કાળા લેધર- જેકેટ્સમાં સજ્જ ત્રણ યુવતીઓમાં વચ્ચે ઉભેલી જેનીને તે તરત ઓળખી ગયો. તેને હળવા ધક્કે અંદર હડસેલી જેનીએ બારણું બંધ કરી લોક કર્યું. એ જ હળવા ધક્કે ત્રિપુટી તેને બેડરુમમાં લઈ ગઈ અને ધબાક સાથે તેને ઉંધે માથે પથારીમાં પાડ્યો. ત્રણે જણે એકમેક સામે સૂચક સ્મિત કર્યાં અને પોતપોતાના જેકેટ્સના બટન તરફ હાથ લંબાવ્યા એ જ ક્ષણે પથારીમાં ઉંધે મોંએ પડેલો લી ચાંગ ત્વરિત ગતિએ પડખું ફેરવી ચત્તાપાટ થયો, એના હાથમાં ઓશીકા નીચેથી લીધેલી .૪૫ mm ની સર્વિસ રીવોલ્વર હતી જેનું નાળચું ત્રિપુટી સામે તકાયેલું હતું. એનું અટ્ટહાસ્ય આખા ફ્લેટમાં ગુંજી ઉઠ્યું, “ગેટ એન ધ બેડ, લેટ્સ હેવ સમ ફન…..બ્યુટીઝ……”

– વિભાવન મહેતા

૫. સ્વપ્નભંગ

ચોતરફ ઉજ્જડ એવા પ્રદેશમાંથી પસાર થતી રેલ્વેલાઈનના પાટાઓ વચ્ચે બન્ને હાથ પહોળા કરીને તે ઉભો હતો. ક્ષિતિજ પર ઉડતી ધુમ્રસેરો ટ્રેનના આવવાની ચાડી ખાતી હતી. જોતજોતામાં તો એ નિર્જન નિ:શબ્દને ચીરતી વ્હીસલ પણ સંભળાવા લાગી. તે મક્કમ, અડગ, સ્થિર ઉભો હતો. બસ હવે, સેકંડોની જ વાર હતી. ટ્રેનની ચિચિયારીઓ પાડતી વ્હીસલ ક્યારે અલાર્મ-રીંગમાં ફેરવાઈ ગઈ, ખબર જ ના રહી. તૂટેલા સ્વપ્નની કરચ ભરેલી આંખો ખોલી તેણે હાથ લંબાવી મોબાઈલમાં વાગતું અલાર્મ બંધ કર્યું અને તારીખ જોઈ. ૨૬મી? તે સફાળો બેઠો થઈ ગયો. જેની સમક્ષ તેણે મુકેલા પ્રેમના પ્રસ્તાવનો આજે નિર્ણાયક દિવસ હતો. આજે જેનીએ તેને મેટ્રો રોડસાઈડ રેસ્ટોરામાં ૧૧ વાગે બોલાવ્યો હતો. તે ઝડપથી ઉભો થયો, રોજીંદા પ્રાત:કર્મથી પરવારી સુટ-બુટ-ટાઈમાં સજ્જ થઈ બે ઘડી અરીસા સામે ઉભો રહ્યો અને હાથમાં લાલ ગુલાબ પકડીને રાહ જોતી જેનીના મધુરા સ્વપ્નો જોતાંજોતાં તેણે અરીસાને વિજયસૂચક સંજ્ઞા બતાવીને આંગળી જમણા ગાલે અડકાડી અને ઘરની બહાર નીકળી ગયો. ઉતાવળા ડગલે ચાલીને તે નજીકના મેટ્રો સ્ટેશને પહોંચ્યો અને ટ્રેનના આવવાની રાહ જોતો પ્લેટફોર્મ પર ઉભો રહ્યો. તેની ટ્રેન આવવાની તૈયારી હતી. વહેલી સવારના દુ:સ્વપ્ને તેના મગજને ચકરાવે ચડાવ્યું હતું. ફરી એજ ક્ષિતિજ પર દેખાતી ધુમ્રસેરો, ચિચિયારીઓ પાડતી વ્હીસલ અને તેના પહોળા થયેલા હાથ અને ધસમસતી આવતી ટ્રેન…તેને ખબર ન રહી ક્યારે તેણે પાટાની બહાર જવા પગલું ભર્યું અને ક્યારે તે સીધો તેની જ ટ્રેનની સામે પાટા પર પડ્યો!!
સાવ ખાલી ટેબલ પર બેઠેલી જેની ૧૫ મિનિટ રાહ જોઈ મેટ્રો રેસ્ટોરાની બહાર રાહ જોઈ રહેલા બાઈકસવારની પાછળ બેસી ગઈ અને કાનના પરદા ચીરી નાંખતી ઘરેરાટી સાથે જોતજોતામાં બાઈક ક્ષિતિજમાં વિલિન થઈ ગઈ.

– વિભાવન મહેતા

૬. આદત
શબ્દો : ૧૭૨

૨૬ સપ્ટેમ્બરનો સૂરજ તો ક્યારનો’ય ઊગી ગયેલો હતો પણ શુક્રવારે રાત્રે મોડે સુધી કરેલી ડ્યુટીને કારણે તમે દસ વાગવા છતાંય હજુ ભરઊંઘમાં જ હતા અને ત્યારે મોબાઈલમાં કેલેન્ડર નોટીફીકેશન ટોન રણક્યો હતો. બંધ આંખે જ સાઈડ ટેબલ પરથી વાગી રહેલો ફોન તો તમે હાથમાં લીધો પણ “ડેટ વિથ જેની” નો અઠવાડીક રીમાઈન્ડર વાંચીને તમે સફાળા બેઠા થઈ ગયેલા ચેંગ. જેની. આજની લંચ ડેટ માટે તો તમે દર શુક્રવારે ડબલ ડ્યુટી કરો છો ચેંગ. ઉતાવળે નાહી ધોઈ, પરવારી, જેનીને ગમતી ટાઈ ગોઠવતા તો તમે મલકાઈ ઊઠેલા. કોટ પહેરીને ખુશખુશાલ તમે દર વખતની જેમ “હું નીકળું છું.” કહેવા મોબાઈલ તો લગાડી દીધેલો અને “સપનેમેં મિલતી હૈ, કુડી મેરી સપનેમેં મિલતી હૈ” કોલર ટોન સાંભળવા કાન સરવા પણ કરેલા, પણ સામે “ધ નંબર યુ હેવ ડાયલ્ડ ઇઝ કરન્ટલી અનઅવેલેબલ” સાંભળીને તમે દરવાજામાં જ થીજી ગયેલા.
થીજી ગયેલી એ ચંદ ક્ષણોમાં પણ ૧૯ સપ્ટેમ્બર થીજી ના શકી અને એ દોડતી રહી પૂરપાટ. ધડાકા સાથે તમે વર્તમાનમાં આવ્યા અને અચાનક ફોન ફેંકી, તમે તમારી જાતને પલંગ પર ફંગોળી. અને સપનામાં પણ તમે આદતવશ બોલી ઊઠેલા, “હે બેબી.”

– યામિની પટેલ

૭. બ્લાઈન્ડ ડેટ
શબ્દો : ૧૮૫

ફોનના અલાર્મથી મારી ઊંઘ ડીસ્ટર્બ થઇ ગઈ પણ “ડેટ વિથ જેની”નો રિમાઈન્ડર જોતાં જ મારી ઊંઘ ઊડી ગઈ. જેની, મારી બ્લાઈન્ડ ડેટ. સરસ મજાનો તૈયાર થઈ, પપ્પાના ફોટાને પગે લાગી, જેવો હું ઘરની બહાર જવા ગયો કે બાજુના રૂમમાં આરામ ખુરશીમાં પગ લાંબા કરીને બેઠેલી મમ્મી દેખાઈ. સવાર સવારમાં એ બાટલી લઈને બેઠેલી. મારી અડધા ઉપરની કમાઈ તો એ પી જાય છે. હું બરાડવા જ જતો હતો પણ ત્યારે જ પપ્પાને છેલ્લી ઘડીએ આપેલું વચન યાદ આવ્યું.
“ઓહો! આજે પાછી ડેટ છે તારી?”
જવાબની અપેક્ષા વિનાની મમ્મીની આંખનો ભાવ પારખી હું હલી ગયો. એટલા માટે તો હવે મારે બ્લાઈન્ડ ડેટ પર જવું પડે છે. બાકી ઓળખીતા બધા તો જાણે જ છે કે હું છોકરીને મળું, મને છોકરી ગમે, એને પણ હું ગમું, હું એને મમ્મીને મળાવવા ઘરે લઇ આવું ને પછી નખરા ચાલુ. કોઈ ને કોઈ ખોડ તો એ શોધી જ કાઢશે જેનીમાં. કેટલી વાર પહેલા પણ આ થઇ ચૂક્યું છે. આમ ને આમ હવે હું પાંત્રીસનો થયો. હજુ એકવાર આ બધું હું સહન કરી શકીશ? જવા દે. જવું જ નથી એના કરતા, એમ વિચારી કપડાની ઈસ્ત્રીની જરાય ચિંતા કર્યા વિના હું પાછો પલંગમાં પટકાયો.

– યામિની પટેલ

૮. આભાસી દુનિયા
શબ્દો: ૧૮૭

એ સમજી ન શક્યો કે સ્વપ્ન છે કે હકીકત. બહુ ઘેરી ઊંઘમાંથી જાગી રહ્યો હતો.
મોબાઇલમાં આજની તારીખે ‘ડેટ વીથ જેની’નું એલાર્મ જોતા જ તે સફાળો બેઠો થઈ ગયો. જેની બાજુમાં નહોતી. માથું ખંજવાળતા એ પરિસ્થિતિ સમજવા મથી રહ્યો. કંઈ જ યાદ આવી રહ્યું નહોતું.
પથારીમાંથી ઉભા થતી વખતે તેના પગ મુલાયમ ગાલીચા પર પડ્યા અને શંકા વધુ ઘેરી બની. બાથરૂમમાં નહાતી વખતે અચાનક ‘જેની’ સાથેની ગઈકાલની રાત યાદ આવી. નાહીને બહાર આવ્યો ત્યાંસુધીમાં આખી પરિસ્થિતિ તેની સમજમાં આવી ગઈ.
તે અરીસા સામે જોઈ હસ્યો. અરીસો તેની આભાસી દુનિયાની શંકાને ખોટી પાડવા મથી રહ્યો પણ હકીકત પોતે જ અરીસો બની ગઈ હતી.
આજે બસો વર્ષ પછી પણ તેની ઉંમર જરા સરખી’ય વધી નહોતી. પોતાના રિસર્ચ પર તેને ગર્વ થયો. જેની સાથે તેણે એક આ દુનિયાથી દૂર એક સ્વપ્નનગરી બનાવી હતી. આજે તે ચાલીસ વર્ષે જાગી રહ્યો હતો.
તેણે લાલ કલરનો સ્પ્રે લગાડ્યો અને મગજ ફરી બધું વિસરવા લાગ્યું. આંખો ઘેનથી ભરાઈ ગઈ. જેની જાણે પથારીમાંથી સાદ કરી રહી હતી. તે ફરી પોતાની દુનિયામાં ખોવાઈ ગયો.
વર્ષો પહેલાં આ આભાસી દુનિયામાંથી છૂટવા મથતી જેનીને તેણે કાયમ માટે છૂટકારો મેળવી આપ્યો હતો પણ તે ક્યાં છૂટી શક્યો હતો!

– ધવલ સોની

૯. ડ્રીમ ડેટ
શબ્દો : ૧૯૯

“ટુક… ટુક… ટુક…” એકધારા મોબાઇલ એલાર્મથી જેસનની ઊંઘ ઊડી ગઈ. મોબાઇલનું ‘ડેટ વિથ જેની’ નોટિફિકેશન જોતાં જ તે પથારીમાંથી સફાળો બેઠો થઈ ગયો.
ગયા વર્ષે ક્રિસમસ પાર્ટીમાં જેની સાથે તેની મુલાકાત થયેલી. જેની, મધર ટેરેસાના એક એનજીઓ માટે કામ કરતી હતી, જે એઇડ્સગ્રસ્ત દર્દીઓની સારવાર કરતું. તેની સુંદરતા અને મૃદુ સ્વભાવે જેસનના હૃદયમાં આગવું સ્થાન બનાવી દીધું. જેની પણ જેસનના નિખાલસ સ્વભાવથી પ્રભાવિત થઈ. મુલાકાતો સાથે લાગણી પણ તીવ્ર થતી ગઈ. જેસનનો સ્વભાવ અધીરો હોવા છતાં તેણે જેનીને તેનાં બર્થ ડેનાં દિવસે ડેટ પર લઈ જઈને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. બહુ રાહ જોયાં પછી એ દિવસ આવ્યો.
જેસન ફટાફટ પોતાનો નિત્યક્રમ પતાવીને શૂટ-બૂટ અને ટાઈમાં સજ્જ થયો. તે એક પુલ સાઇડ રેસ્ટોરન્ટમાં જેનીને લઈ ગયો જ્યાં તેણે જેનીને પ્રપોઝ કર્યું. જેનીએ પણ તે પ્રપોઝલ સ્વીકાર્યાની મહોર તેનાં હોઠ પર આપી.
“ટુક… ટુક… ટુક..” એકધારા એલાર્મથી જેસનની ઊંઘ ઊડી ગઈ. મોબાઇલમાં ‘ડેટ વિથ જેની’નું નોટિફિકેશન જોઈને તેની આંખોમાં ચમક આવી પણ સાથે ગયા વર્ષની તારીખ જોઈને હૃદય ઘેરા વિષાદથી ભરાઈ ગયું. તેને એઇડ્સનાં કારણે અંતિમ શ્વાસ લેતી જેનીનાં શબ્દો યાદ આવી ગયાં. ‘આઇ વિલ ડેટ યુ ઇન યોર ડ્રિમ….’
જેસને આંસુઓ પર આંગળીનું વાઇપર ફેરવ્યું અને શૂટ-બુટ અને ટાઇમાં સજ્જ બની ફરી સૂતો ત્યાં જ અવાજ આવ્યો.
“હેય… બેબી…”

– આલોક ચટ્ટ

૧૦. હારજીત
શબ્દો : ૨૧૦

“હમીરા….હું તને જોઈ લઈશ..”
“હા..હા.. તારાથી થાય તે કરી લેજે. હું કાંઈ ડરતો નથી.”
“ઓહો! આટલો જબરો થઈ ગયો તું! પણ કાન ખોલીને સાંભળ. તેં મારી દોસ્તીનો રંગ જ જોયો છે. એક દોસ્ત માટે જાન આપવા તૈયાર એવો હું જાન લેતા પણ અચકાઈશ નહીં હો..”
એક સમયના દિલોજાન મિત્રો હમીર અને જોસેફ ફોન પર દુશ્મનીની પણ હદ પાર કરી રહ્યા હતા.
ને ધંધામાં એકબીજાને સહકાર આપનાર બન્ને મિત્રો આજે ખોટ ખાઈને પણ એકબીજાને પછાડવા ઉધામા કરી રહ્યા હતા.
પરિવારજનો – જે હંમેશાં એકબીજાને મળવા આતુર રહેતાં તે રસ્તો બદલવા લાચાર થઈ ગયા!કેવું હતું ને કેવું થઈ ગયું! બીજું તો ઠીક પણ હમીરને પોતાના પરિવારની સતત ચિંતા રહેતી.
એક વખત તેને સવાર સવારમાં સીસીટીવી ઓન કરતા દ્રશ્ય દેખાયું.
પથારીમાં પોતાનો લાડકો પુત્ર..મોબાઇલમાં રિમાઈન્ડર..તેનું ઊઠવું..નાહીધોઈને તૈયાર થવું..ને જાણે કોઈને મળવા જવાનું હોય તેમ અપ ટુ ડેટ થઈને સ્પ્રે છાંટવું.
હમીરને લાગ્યું કે પુત્રનું દિલ કોઈને મળવા ધડકી રહ્યું છે. પણ કંઈક વિચાર આવતાની સાથે જ પોતાની ધડકન પણ વધી ગઈ અને પોતાનો પુત્ર હજુ તો બહાર પગ મૂકે તે પહેલાં જ……
પિતાની આજ્ઞા માની પુત્ર ફરી પથારીમાં પડ્યો.હમીરે રાહતનો શ્વાસ લીધો.પોતાની બાજી હારી ગયેલ જોસેફે જેનીને ધમકાવવા ફોન કર્યો.પણ જેની તો ખુશ હતી.
કોઈની હાર આખરે પોતાની તો જીત જ હતી ને!

– ભારતીબેન ગોહિલ

૧૧. રીટર્ન ગિફટ.
શબ્દો : ૨૪૪

“હેલ્લો જેની! સરપ્રાઈઝ. કાલે મળીએ છીએ.”
“ઓહ..ખરેખર?”
“યસ, કહે ગિફ્ટમાં શું લાવું?”
“અરે, એકખિસ્સું ભરતો આવજે ને!” જેની હસીને બોલી.
બીજે દિવસે બન્ને મળ્યાં. ઘણી વાતો કરી. જનિતે ખિસ્સામાંથી નેકલેસ કાઢી પહેરાવ્યો. જેની હીરાની જેમ ચમકી ઊઠી.
ફ્રેન્ડશિપમાં ગિફ્ટનાં મહત્વ અંગે જનિતને મિત્રો સાથે ચર્ચા થતી તેથી તે દરેક વખતે કંઈક ગિફ્ટ તો લઈ જ જતો.
આમ બન્ને નજીક આવ્યાં. નિયમિત મળવાનું નક્કી કર્યું. મોબાઇલમાં રીમાઈન્ડર સેટ થયા.
૨૬ સપ્ટેમ્બર ૨૦૧૫ ને શનિવાર. જનિતને તાવ જેવું લાગ્યું. સવારમાં મોબાઇલે જેનીને મળવાનું યાદ કરાવ્યું. તે ફટાફટ ઊઠ્યો. નાહીધોઈ તૈયાર થયો. સરસ કપડાં પહેરી અરીસા સામે ઊભો. તેને પોતાનું મોં ઢીલું લાગ્યું. પરાણે હસ્યો.
અચાનક તે પાછો સૂઈ ગયો. ગિફ્ટ તો રહી ગઈ હતી! ને ખાલી હાથે ને ખાલી ખિસ્સે થોડું જવાય?
પણ જેનીની યાદ કાંઈ ઊંઘવા દે? મળવાની તીવ્ર ઇચ્છા થઈ આવી ને તેણે રીતસર દોટ મૂકી. જેની તરફ.
જેની આતુરતાથી રાહ જોઈ રહી હતી. બન્ને લગોલગ બેઠાં. પોતે કંઈ ગિફ્ટ નથી લાવ્યો એમ વિચારી જનિતે ખિસ્સામાં હાથ નાખ્યો. જાણે ફૂલ કાઢ્યું હોય તેમ કહે, “લાવ તારા વાળમાં ખોસી દઉં.” જવાબમાં જેની ક્યારેય ન હસી હોય એવું સુંદર હસી પડી! પછી કહે, “બોલ…ફૂલ સિવાય શું શું આપવાનો છે ગિફ્ટમાં?”
જનિત બોલ્યો,
“મારી ઇચ્છા- તું હંમેશા હસતી રહે.
મારી અપેક્ષા- તું હંમેશા મારી સંગે રહે.
મારું સ્વપ્ન- આપણું સુંદર ઘર હોય.
મારી પ્રાર્થના- સદાય ઈશકૃપા વરસતી રહે.”
ખાલી ખિસ્સામાંથી કેટકેટલું કાઢ્યું જનિતે અને કેટકેટલી ગિફ્ટ મળી જેનીને!
જેનીએ ધડકતાં હૈયે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો જ્યાં એક રીટર્ન ગિફ્ટ બહાર નીકળવા ઉતાવળી થઈ રહી હતી.

– ભારતીબેન ગોહિલ

૧૨. દિવાસ્વપ્ન
શબ્દો: ૨૧૦

તેને પોતાની આંખો પર વિશ્વાસ ન હતો બેસતો. જેનીનો મેસેજ અને તે પણ ડેટ માટે? ગલીપચી કરી જતો આ મેસેજ જ પૂરતો હતો, ડેટની વાત તો દૂર રહી. અને તે ફરી આંખ મીંચી બ્લેન્કેટની અંદર સરી પડ્યો, મસ્ત મીઠી કલ્પના સાથે.
તેને યાદ આવ્યું, ગયે વખતે તે કેવો રઘવાયો થઈને લઘરવઘર દોડ્યો હતો જેનીને મળવા. અને પોતાને કારણે બધા દોસ્તારો વચ્ચે જેનીને શરમવા જેવું થયું હતું. પણ આ વખતે તે જરૂર ધ્યાન રાખશે, સરસ રીતે તૈયાર થઈને તેની સામે જશે. આખરે જેનીની બરોબરી નહીં પણ તેને યોગ્ય તો લાગવું જ જોઈએ ને? પછી જોજોને, જેની સામેથી દોડતી આવીને પોતાને વીંટળાઈ જશે, પોતે તેને ઊચકીને ચૂમી લેશે અને અને… આગળ વિચારતા જ તે પાણી પાણી થઈ ગયો.
“ક્યારની મેસેજ કરું છું, જવાબ નથી આપતો ને અહીં પડ્યા પડ્યા કોની સાથે રોમાન્સ કરે છે?” ધૂંઆપૂંઆ થતી જેનીની કલ્પના જ કાફી હતી તેને સ્વપ્નસૃષ્ટિમાંથી હકીકતમાં લાવવા માટે. અને તે બ્લેન્કેટ ફગાવી સ્પ્રિંગની માફક ઊછળી પડ્યો, ભીના ભીના સ્પર્શે તેની રહીસહી ઊંઘ પણ ઉડાડી દીધી.
દિવાસ્વપ્નમાં રાચવું તેનો શોખ જ નહીં મજબૂરી પણ હતી કદાચ. નાનપણથી તે દિવાસ્વપ્ન જોતો આવ્યો હતો. મા બત્રીસ પકવાનની રસભરી વાતો કરતાં કરતાં સુવડાવી દેતી ને પોતે સપનામાં જ ભૂખ સંતોષી લેતો. આજે પણ તેમાં કંઈ ખાસ ફેર પડ્યો ન હતો.
ખુશ રહેતા હવે તેને આવડી ગયું હતું.

– આરતી આંત્રોલીયા

૧૩. સ્વપ્નદર્શી મિલન
શબ્દો : ૨૦૩

‘ટીંગ ટોંગ… ટીંગ ટોંગ…’ માથા પરથી ધાબળો હટાવી મેં ઠક્ક કરતું એલાર્મ-વોચનું બટન દાબી દીધું. તારીખિયાનાં ડટ્ટા પર તારીખ જોતા જ હું સટાક દઈને ઢોલિયામાંથી ઊભો થયો, નેવું વર્ષની મારી કમરમાં ઝટકો લાગ્યો. હાથથી કમર જકડી લાકડીનાં ટેકે મેં દિનચર્યા પતાવી.
ઇસ્ત્રી ટાઇટ ધોતી ખમીસ પહેરી સંપૂર્ણ ટાલમાં તેલ તગતગાવ્યું, જાણે કે વાળ ફરી ન ઉગવાના હોય! મોંમાં ચોકઠું બેસાડ્યું, કેમ કે આજે તો એ મને સોપારી વાતરીને ખવડાવવાની હતી. ગોખલામાંથી વેણી ખિસ્સામાં મૂકી મેં એને આપેલ વચન પાળવા રામમંદિર ભણી પગ ઉપાડ્યાં.
“ઓહ.. મારા પૂર્ણપુરુષોત્તમ, આવો ને હવે. મારા અંબોડે વેણી નહીં શોભાવો?” એ રામને કહેતી હતી. એનાં રામે અંબોડાને વેણીથી શણગાર્યો, ગયા વર્ષની જેમ જ! એણે શરમાઈને કહ્યું, “તમે કેવી વેણી લાવો છો નહીં!”

“રામ, તમે કેવી વેણી લાવો છો? કેટલીવાર ના પાડી? આવી વેણી-ફેણી મને બિલકુલ નથી ગમતી. નાની ઉંમરે વેણીનાં ધતિંગ?” મારી પત્ની જાનકી મને ઉઠાડતાની સાથે બબડતી હતી.
“તો તને શું જોઈએ છે જાનું?” ગત વર્ષનો જ પ્રશ્ન.
“તમે સમજતા કેમ નથી, મને ગુલાબ ગમે છે.” કહી એણે વેણીને ફળિયામાં ફગાવી દીધી.
બીજી ક્ષણે પુત્રી સૃષ્ટિએ મને ઢંઢોળી ભાનમાં લાવતા કહ્યું, “પપ્પા, આ સુખડનો હાર કેમ ફેંકી દીધો?”
મેં મૌન યથાવત રાખી ગુલાબની રાહ જોતી જાનકીની તસવીર પર મારા સપનાની વેણી ચડાવી દીધી, ગત વર્ષની જેમ જ!

– દિવ્યેશ વિ. સોડવડિયા

૧૪. અધૂરી ઈચ્છા
શબ્દો – ૧૭૬

મૅરી સાથે ડેટ નક્કી થતા જ જ્હોનની ખુશી સાતમાં આસમાને પહોંચી, કેટલાય સમયથી ખરા હૃદયથી મૅરીને ચાહતા જ્હોને પરાણે રોકી રાખેલી હ્રદયની લાગણીઓ વ્યક્ત કરવાનો અવસર મળતાં જ તે જાણે કોઈ સ્વપ્નલોકમાં હોય તેવી અદભૂત ખુશી અનુભવી રહ્યો. તે રાત્રે એલાર્મ સેટ કરી સૂઈ ગયો.
સવારે એલાર્મ વાગતા જ તેણે અધખુલી આંખે મોબાઈલ હાથમાં લીધો. મૅરી સાથે મિલનની પળો નજીક આવતા જ તે સફાળો બેઠો થયો. ઝડપથી તૈયાર થઈ તેણે અરીસામાં પોતાની જાતને નિહાળી અને મનોમન મલકાયો, તે પવનના સુસવાટા માફક ઘરની બહાર નિકળ્યો, અને નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો, તે કાગડોળે મૅરીની રાહ જોતો રહ્યો, લગભગ એકાદ કલાક રાહ જોયા પછી પણ મેરી ન આવતા તેણે મૅરીને ફોન લગાડ્યો પણ સ્વીચ ઓફ આવતા જ તેનું મન વિહ્વળ થયું, ”ક્યાં જતી રહી મેરી?” તે સાંજ સુધી ત્યાં જ રાહ જોતો રહ્યો, તેના હૃદયમાં ધસમસતો લાગણીનો પ્રવાહ શાંત થતા આખરે ભારે હૈયે ઘરે પાછો આવ્યો.
પોતાના હૃદયમાં રહેલા મેરી પ્રત્યેનાં અઢળક પ્રેમને કારણે તે લગભગ છ મહિના મૅરીની શોધ કરતો રહ્યો,
અને છ મહિના પહેલાનો એ દિવસ આખરે તેનો નિત્યક્રમ બની ગયો.

– રક્ષા મામતોરા

૧૫. ઇન્વિસ્ટિગેશન
શબ્દો – ૨૦૮

વરૂણ ધ્યાનથી વિડીયો જોઈ રહ્યો હતો. જેમ્સની એક એક ક્રિયાને બારીકાઈથી જોતા એ નોંધ કર્યે જતો હતો. પલંગની બાજુની ટીપોય પર પડેલા એના ચશ્મા પર પાણીના ટીપાં જોઈ વરૂણને નવાઈ લાગી. મનોમન એની નોંધ લઈ ડાયરીમાં લખી લીધું. એને ઊઠીને મોબાઈલમાં રિમાઈન્ડર જોઈ ચમકતો અને ફટાફટ ચશ્મા પહેરી બાથરૂમમાં જઈ પહેલા નાહી, બ્રશ અને દાઢી કરી તૈયાર થતો જોયો. “આ ઉલટો ક્રમ” એમ એણે નોંધ્યું પણ ખરૂં. નાહીને બહાર નીકળતી વખતે એણે ચશ્મા નહોતા પહેર્યા, એ પણ નોંધી લઈ વરૂણ રસપૂર્વક આગળ જોવા લાગ્યો.
અરિસામાં જોઈ વાળને સંવારી, હેરસ્પ્રેથી સેટ કરી સૂટ પહેરી ખુદ પર જ ઓવારી જતો આ છોકરો હવે ક્યાં જશે એની મનોમન કલ્પનાથી વરૂણનાં મોં પર સ્મિત આવી ગયું. ત્યાં તો એને પથારીમાં પડી રજાઈ ખેંચી ઊંઘી જતો જોઈ એ અવાક રહી ગયો.
“અરે! આ તો તૈયાર થઈ બહાર જવાને બદલે સૂટ-બૂટમાં જ પથારીમાં પડ્યો! ઇન્ટરેસ્ટિંગ! આ કોઈ સાયકોલોજીનો કેસ લાગે છે.” કહી એણે ડાયરી બંધ કરી, ને આસિસ્ટંટને બધું સંકેલવા કહી એ બહાર ડ્રોઇંગરૂમમાં આવી નિરાંતે સોફા પર બેઠો. પણ એના નસીબમાં નિરાંત નહોતી. હજુ એ સિગાર કાઢી સળગાવવા જાય ત્યાં જ એના મોબાઈલની રિંગ વાગી. એણે મોબાઈલ કાને માંડ્યો ને “ઓહ્હ્હ” કહી ઊભો થઈ ગયો. એણે બૂમ પાડી, “અરે, સુજન! રહેવા દે, ફરીથી વિડીયો પ્લે કર. આ છોકરાનું પૂરું ઇન્વેસ્ટિગેશન કરવું પડશે.”

– સરલા સુતરિયા

૧૬. પાંચ મિનિટ
શબ્દો : 185

ટ્રીનનનન.. ટ્રીનનનન્.. ટ્રીનનનન્.. એલાર્મ ધણધણી ઉઠ્યું. મેથ્યુ સફાળો જાગી ગયો. આંખો ખોલ્યા વિના જ બોલ્યો “પ્લીઝ, જેની… ઓન્લી ફાઈવ મિનિટ્સ…. હું ઉઠી જઈશ બસ, તું ના આવીશ સીડી ચડીને, ફરી ઉપર.”
“મારાં બેબીનું ધ્યાન રાખ, ને તારું પણ” તે હસતાં હસતાં આંખ મિચકારી ફરી સુઈ ગયો.
જેની પગ પછાડતી, નીચે ઉતરતાં બોલી “મેથ્યુ, તારી પાંચ મિનિટ કદી પૂરી નથી થતી, પણ તુ યાદ રાખ, તને એવો સબક મળશે કે તું આ પાંચ મિનિટ કદી નહીં ભૂલી શકે. બહુ ભારે પડશે તને આ પાંચ મિનિટ”

સ્ટેશન પર ટ્રેન આવવાને અડધા કલાક પહેલાં જ જેનીનો કોલ આવી ગયો.
“મેથ્યુ, હું ટેક્ષીમાં આવી જઈશ, તુ ટાઈમસર નહીં આવે તો મારે રાહ જોવી પડશે.”
“જેની હું સ્ટેશન આવું છું, તું ટેક્ષી ના લઈશ, પ્લીઝ પાંચ મિનિટ રાહ જો, વેઇટિંગરૂમમાં બેસજે.”
મેથ્યુ ફટાફટ અપ ટુ ડેટ તૈયાર થયો, જેનીનું મનગમતું પરફ્યુમ લગાવ્યું. અરિસા સામે જોઈ આંખ મિચકારી, ને પાછો સુઈ ગયો.
ધડામ્… ધડામ્… ઉપરાં ઉપરી ધડાકાનાં અવાજ આખા શહેરમાં સંભળાયા. પાંચ મિનિટ પહેલાં જે રેલવે સ્ટેશન હજારો માણસોની ચહલ પહલથી ગુંજતું હતું, તે નિર્જન નિરવ શાંતિ પોઢી સૂઈ ગયું…
તારી પાંચ મિનિટ તને કદી’ક.. જેનીનાં શબ્દોનાં પડઘા મેથ્યુના કાને ગુંજતા રહ્યાં.

– રેખા સોલંકી (તૃષ્ણા)

૧૭. પહેલી વિશ
શબ્દોઃ ૧૪૯

હોસ્ટેલના નિયમ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓ રાત્રે સાડા આઠે પોતપોતાનાં પલંગ પર જઈને સૂઈ ગયા. ઈરાદાપૂર્વક મૂકેલ એલાર્મ દસ વાગ્યે રણકી ઉઠ્યું અને સુહાસ સફાળો બેઠો થયો. સહેજ પણ અવાજ કર્યા વિના એ પોતાની જાતને તૈયાર કરવામાં વ્યસ્ત થયો.
ચહેરો ક્લીન શેવ કર્યો, મંત્રમુગ્ધ કરી દે એવું હેયર સ્પ્રે-બોડી સ્પ્રે છાંટી સુટ-બુટ પહેરી આઈનામાં જોઈ તે આત્મવિશ્વાસથી છલકાઈ ઉઠ્યો. કોઈપણ છોકરી મોહી પડે એમ એણે જાતને તૈયાર કર્યો.
રૂમમાં રહેલ બીજા પલંગો પર સૂતેલા મિત્રોને જોઈ તે હોઠના એક ખૂણે હસ્યો. “આયા મોટા…હમ્…”
પછી સાંજે તેણીના શબ્દો યાદ કર્યા;
“જે સૌથી પહેલો મને વીશ કરવા આવશે એ જ મારો બોયફ્રેન્ડ..”
એ ઓઢીને ફરીથી સૂઈ ગયો.
મનમાં હરખાતો, બાર વાગ્યાની રાહ જોતો…
બારના ટકોરે એલાર્મ વાગ્યું ને વળી તે હોંશભેર ઉભો થયો. પહેલા જેટલા જ આત્મવિશ્વાસ સાથે આઈનામાં જોઈ વાળ સરખા કર્યા. અને ભાગ્યો દરવાજા તરફ…
બીજી જ મિનિટે પાછો વળ્યો, બાજુના પલંગનુ બ્લેન્કેટ ખેંચી ને ત્યાં જ બેસી ગયો.

– પાર્મી દેસાઈ

૧૮. એક ગુલાબી પરબીડિયું
શબ્દો- ૨૪૮

તેના એકલવાયા જીવને, લોરાનો પ્રેમ પામવાની તીવ્ર ઝંખના રહેતી. મનગમતી લોરા, તેની સામે જોઈ, મીઠું મલકતી ત્યારે જંગ જીત્યા જેવું અનુભવાતું. તેમાં શ્રદ્ધા ઉમેરાઈ. ‘જરૂર મળશે.’ જાતને તે કહેતો. રવિવારે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકવાનું વિચારી, ફોનમાં રિમાઇન્ડર સેટ કરી, તે નિરાંતે ઊંઘવા મથ્યો પણ ઊંઘ ક્યાં? રવિવાર સુધી રાહ જોવાશે?
એક લગ્ન-પત્રિકા મળી, જે ભીતરને હચમચાવી ગઈ.
હવે રિમાઇન્ડર દરરોજ વાગતું. સાંભળતાં જ તે ઉઠ્યો, સરસ તૈયાર થયો, અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ મલક્યો. મનોમન ગોખેલા કેટલાય સંવાદો ફરી મોટેથી બોલી ગયો. સાંભળી, બાજુમાં સુતેલા ગાંડાએ ચીસ પાડી.
ઓહ! આજે ગુરુવાર. તે ચાદર ઓઢી ઊંઘી ગયો. મીંચેલી આંખો પટપટ થઈ. હોઠ ફફડ્યા. સામે લોરા ઉભેલી, સર્વાંગ સુંદર. મીઠું મલકતી, અપલક નિહાળતી. ઘુંટણીયે બેસી, હાથમાંનો પુષ્પગુચ્છ તેની સમક્ષ ધરતાં તે બોલ્યો, ” વીલ યુ મેરી મી?” ત્યાંજ સપનું તૂટ્યું. ચોમેર ફક્ત ઘોર અંધકાર. આજુબાજુ અનેક પથારીઓ છતાં તે એકલો. છાતી સરસો ચાંપી રાખેલો ફોન, તેણે સ્વિચ-ઑફ કર્યો પરંતુ તલસાટ સ્વિચ-ઑફ ન થયો. લોરાની લગ્ન-પત્રિકા આંખો સામે તરવરી ઊઠી. ગાલ પર એક અશ્રુ-બિંદુ રેલાયું.
ફોનમાં રિમાઇન્ડર મૂકવાના ઉધામા ચાલુ જ રહ્યાં. કર્કશ ટોન સાંભળતાં જ તેનું, ‘હેય! બેબી’નું રટણ સૌને પજવતું. ગાંડાઓની ઇસ્પિતાલમાં એકનો ઉમેરો થવાથી કોઈનેય ફરક નહતો પડતો, સિવાય તેને.
છેવટે, ડોકટરના કહેવાથી ફોન છીનવી લેવાયો. અનેક અટ્ટહાસ્યોમાં મોબાઈલ ફોનનો રિમાઇન્ડર-ટોન ભળ્યો. તે ક્યારેક હસતો, ક્યારેક રડતો, ફોન શોધ્યા કરતો. છતને તાકતાં, રવિવારની રાહ જોતો.
પરંતુ… તે રવિવાર ક્યારેય ન આવ્યો. વચ્ચે નડ્યો શનિ.
તેના નામનું, લોરા તરફથી મોકલાયેલું ગુલાબી પરબીડિયું તેના ઘરે પહોંચ્યું, ત્યારે ઘણું મોડું થઈ ચુકેલું.
કોઈનેય ફરક નહતો પડતો, સિવાય લોરાને!

– સુષમા શેઠ

૧૯. સ્વપ્નસુંદરી
શબ્દો -૧૭૩

સાશાએ મળવાની સંમતિ દર્શાવી. તે ઉત્સાહથી ઉછળ્યો. હ્ર્દય એક થડકારો ચૂકી ગયું. ત્રણેક વર્ષની આતુરતાનો અંત આવતાં, આનંદના અતિરેકમાં સંતોષના ધૂંટડા ભરતો તે ક્યારે નિદ્રાધીન થઇ ગયો, ખબર ન પડી. તેના કર્ણપટલપર સાશાનો માર્દવતાભર્યો મીઠો મધુર સ્વર પડઘાતો રહ્યો. સાશા સાથેના નિયમિત વાર્તાલાપ દરમ્યાન ઉજાગરા કરી થાકેલી આંખો તુરંત મીંચાઈ ગઈ. પથારીમાં આળોટતો, ‘હે બેબી’ ઉદ્દગાર કાઢી, તે સપનામાં ખોવાયો.
સાશા. તેની ઝંખના, તેની સ્વપ્નસુંદરી, અત્યંત નમણી, નાજુક દેહસૃષ્ટિ ધરાવતી, નવયૌવના. તે હસતી ત્યારે ગોરા ગાલે ખંજન પડતાં. કાળી પાણીદાર આંખોમાં અનેરું આકર્ષણ હતું. ઘાટા કાળા વાળ પાતળી કમરને અડકવા ફરફરતા. શ્વેત પારદર્શક વસ્ત્રો તેના યૌવનને ઢાંકવા અસમર્થ હતાં.
ફોનનો રિમાઇન્ડર ટોન સાંભળી, ઉઠતાવેંત તે ન્હાઈને તૈયાર થવા માંડ્યો. કપડાં પહેરી અરીસા સામું નજર પડતાં, પોતાની જ પ્રશંસામાં તેના મુખેથી એક સીસોટી મરાઈ ગઈ.
ભેટ ધરવાની વીંટી લઈ મિલનસ્થળે પહોંચ્યો.
“હાઈ, હું સાશા. મને તમારા જેવા જ જીવનસાથીની તલાશ છે.” એ જ મધુર રણકાર.
રઘવાઈ આંખો, આવી શ્યામ, બેડોળ, ફાંગી સાશાને જોતાં હેબતાઈ ગઈ. ફરી ગોદડીમાં લપાઈ, ઢબૂરાઈ જવાનું મન થયું.
દૂર આડશે ઉભેલી સાશાની ચકોર દ્રષ્ટિ, ભજવાઈ રહેલા દ્રશ્યનું પૃથ્થકરણ કરતી હતી.

– સુષમા શેઠ

૨૦. જલસા
શબ્દો – ૧૯૮

સવાલ જ નથી બોસ.. તું સવારના દસ દસ વાગ્યા સુધી પથારીમાં પડ્યો રહે? એ.. જો તારા બાપનો ફોન આવ્યો.. લ્યા ડફોળ, ઉચક.. એય ઉંઘણશી, કાંઈ ચુંગી સુંધી આવ્યો નથી ને? આમ ફોનમાં શું ડોક્યા કરે છે..? એ.. આજ તારો બાપ આવવાનો છે.
સવાલ જ નથી બોસ.. બાપ જ હશે તે એક ઝાટકે બેઠો થઈ ગયો. પણ વાત કેમ કરતો નથી? ફોન કપાઈ ગયો..? લ્યા તારા ચશ્મા પર આ ભેજ શેનો છે. ફર્ટિલાઈઝર જેવું ગંધાય છે. લાય જોઉં.. તારો આઇફોન.. કૅન્ડી ક્ર્શનું એકાદ લેવલ રમવા દે. આ શું લખ્યું છે મોબાઈલમાં. ‘ડેટ વીથ જયની’ દસ વાગે જયની જોડે ખજૂર..? પણ જયનીને તો તેં ઓલા લાલ ડબલાવાળા સ્પ્રેથી..
બોસ.. તું ખરેખર અઘરો છે. આવા ને આવા જ ઉંઘા જ કામ કરજે. પહેલા નાહ્યો, પછી બ્રશ કર્યું ને હવે મારી સામે જોઈને શું દાઢી છોલે છે. આ ગંધારો કબાટ બંધ કર.. મારું માથું ભમે છે. એય આંખો કેમ દબાવી દીધી. ઓય ઓય.. થોભ.. મૂક. એ સ્પ્રે મૂક..
બોસ.. તું ખરેખર લઘરો છે. તું તો ગયો. આજ તારું ભેજું ઠેકાણે નથી લાગતું. આમ કોટ બોટ ચઢાવીને પાછો કેમ સૂતો? સપનામાં જયની દેખાય છે કે એનું ભૂત..?
સવાલ જ નથી બોસ.. તેં તારા બાપનું નામ બોળ્યું.. જા તું ય જલસા કર જયની જોડે.

– સંજય ગુંદલાવકર

૨૧. ‘ઓહહ જેની !!!’
શબ્દો- ૧૮૦

મૉબાઈલનો રિમાઈન્ડર ટોન વાગતા જ સની ભરઉંઘમાંથી જાગી ગયો…બંધ આંખે જ ફંફોસી ફોન હાથમાં લઈ મેસેજ વાંચતા જ પથારીમાંથી ઉછળીને બાથરૂમમાં જઈ જલ્દીથી પરવારવા લાગ્યો. પેન્ટ-શર્ટ પહેરી ટાઈ અને જેકેટ પણ ચડાવ્યા. ભીના વાળને સ્પ્રે કરી સેટ કર્યા. અરીસામાં પોતાનો હસતો ચહેરો જોઈ ખુશ થયો…
બહારના રૂમમાં આવી શુઝ પહેરતા તેનું ધ્યાન તારીખિયા પર ગયું…ઓહહહ આજે ફરી દસમી તારીખ.!!!…તે જેનીની રૂહને પોતાની આસપાસ મહેસુસ કરવા લાગ્યો. તેની આંખોમાં ઝળઝળિયા ભરાઈ આવ્યા.. છેલ્લા બે વરસથી દર મહિનાની દસમી તારીખે તેના મોબાઈલમાં જેનીને મળવાનું રિમાઈન્ડર આપોઆપ સેટ થઈ જતું..સ્ટડી ટેબલ પર બે લાલ ગુલાબ અને કૉફીના બે મગ ગોઠવાઈ જતા..જેની તેની બાજુમાં જ બેઠી છે એવું ધારી તેની સાથે ગપ્પા મારવામાં ખાસ્સો સમય વિતાવતો…બંને કૉફીના મગ ખાલી થઈ જતા..જેની, તેના અસ્તિત્વ પર એ રીતે હાવી થઈ ગયેલી કે તે સ્વીટ ડ્રીમ કહી જતી રહે ત્યારે ગાલ પર ઉઠેલી લિપસ્ટિકની છાપ પંપાળતો કપડાં બદલી સપનાનાં કાલ્પનિક મિલન માટે તે ફરી પગથી માથા સુધી ઓઢી પથારી ભેગો થઈ જતો…પણ આ વખતે વાત જુદી જ બની ! સપનાની દુનિયામાં પ્રવેશે તે પહેલાં જ જેનીએ તેનું ઓઢવાનું ખેંચ્યું..તો શું પોતે પણ જેનીની દુનિયાનો સહપ્રવાસી બની ગયો?

– મીનાક્ષી વખારિયા

૨૨. ‘મુલાકાત’
શબ્દો -૧૦૪

છૂટાછેડા પછી પહેલીવાર જવનિકાએ મળવા બોલાવેલો. સોહમના મનમાં લડ્ડુ ફૂટી રહ્યાં, તે મોબાઈલમાં રિમાઇન્ડર મૂકી સૂઈ ગયો.
મુલાકાતનું કારણ નહોતી ખબર પણ તે આશાવાદી હતો. સવારે રિમાઇન્ડર ટોન સાંભળતા જ ઉઠીને જલ્દીથી તૈયાર થઈ ગયો.
તેને થયું કે જેનીએ મંદિરના પગથિયા પાસે બોલાવ્યો છે કદાચ ફરી લગ્નની વાત કરશે.
આજેય જવનિકાને તે દિલોજાનથી ચાહતો હતો…છૂટાછેડાના માંગણી તો તેણીએ કરેલી…નહીંતો એક બે ટાબરિયાથી ઘરમાં કિલ્લોલ થતો હોત!
ફરી મોબાઈલ ઝબક્યો, એક આમંત્રણ પત્રિકા આવી ને મેસેજ પણ, ‘એક મિત્ર તરીકે અમારા લગ્નના સાક્ષી બનવા સમયસર આવવાનું ભૂલતો નહીં..’
પોતાના સપના કકડભૂસ થતા કપડાં બદલી ફરી પથારીમાં પડતું મેલ્યું ત્યારે કેલેન્ડરમાં પહેલી એપ્રિલ લુચ્ચું હસી રહી…

મીનાક્ષી વખારિયા.

૨૩. દુવિધા
શબ્દો – ૧૦૯

અધરાતે મૉબાઈલનો એલાર્મ વાગતો ને જનાર્દન દોડીને બાથરૂમમાં જઈ પરવારવા લાગતો. લાંબી સુરેખ આંગળીના નખ પર નેઈલપોલીશ જોઈ ગિન્નાઈને એસીટોનથી ઘસી ઘસીને સાફ કરી, પરફેક્ટ મેચો મેનની જેમ તૈયાર થઈ પાછો સૂઈ જતો… બીજી જ સવારે ચાર રસ્તા પર ફરી એ રામપ્યારી બનીને ઉભો રહેલો જોવા મળતો.
તેનેય હવે થોડો ઘણો અહેસાસ થવાલાગ્યો હતો કે તેના ખોળિયામાં પોતાના બે સ્વરૂપો વસી રહ્યા છે. દિવસ અને રાતના અલગ..! કારણ કોને પૂછવું? કાંઈ સમજાતું નહોતું.
આ દુવિધાનો તાગ લેવા તેણે ઘરમાં સી.સી.ટીવી. કેમેરો લગાવ્યો જેમાં તેની દિનચર્યા ઝડપાઈ ગઈ. તરત જ તેણે જેનીને ફોન કરી ચાર રસ્તાના એ ખંભા પાસે મળવા બોલાવી જેના પર સેક્સ ચેન્જ કરી આપતા ડૉક્ટરની જાહેરખબર લાગેલી…

– મીનાક્ષી વખારિયા

૨૪. પરફેક્ટ ડેટ
શબ્દો – 204

રોજની જેમ “ડેટ વિથ જેની” માટે મુકેલી એલાર્મની રીંગ વાગી અને માલ્કમ રોમાંચ સાથે જાગી ગયો.
આજ જેનીનું મનપસંદ પરફ્યુમ લગાડીશ એવું વિચારતાં શાવર લઇને પરફેક્ટ તૈયાર થઇને સરસ હેરજેલથી વાળ ઓળીને માલ્કમ ફરી રજાઇમાં આંખ બંધ કરીને જેનીની રાહ જોતો રહ્યો.
જેની આવી. એ જ જન્નતની સુગંધ.
મખમલી અવાજમાં વાતો કરતી જેનીની પીઠ પર માલ્કમનો હાથ ફરતો રહ્યો.
અચાનક જેનીથી પીડા થતી હોય એવી રાડ પડાઈ ગઈ.
“શું થયું?”
“કાંઈ નહીં ડીઅર.”
માલ્કમને જવાબથી સંતોષ ન થતાં જેનીની પીઠ પોતા તરફ ફેરવી અને એ પોતે પણ વેદનાથી ખળભળી ગયો.
“જેની આ?”
“હા, એ નિશાન છે.”
“પણ શેનાં? અને શું કામ જેની?”
“મૃત્યુશૈયા પર તેં વચન માંગેલું કે હું રોજ તને સપનામાં મળવા આવીશ તે એ ડ્રીમ ડેટ સાચવવા થોડી શરત માનવી પડે છે.જન્નતના કેટલાક કાયદા છે. અહીં આવવા માટે પાંચ હંટરની સજા હોય છે.
બસ, એટલું જ તો છે.”
“જેની..”
માલ્કમ એ ડેટ પછી રોજની જેમ ખીલી ન શક્યો.
આજ ત્રણ રાતથી માલ્કમના સિગ્નલ કેમ નથી આવતાં?
જેની બેચેનીથી રાહ જોતી રહી હતી.
હા, પીઠ પર પડેલા ઘા પર રુઝ આવતાં સારું લાગતું હતું.
માલ્કમ મોં પર પાણી છાંટી છાંટીને ઉંઘ ઉડાડવાના પ્રયાસમાં મગ્ન હતો.
રાતે હું સુવું અને ડ્રીમ ડેટનું સપનું જોઉં તો જેનીને હંટર ખાવાં પડે એટલે જાગરણ જ..

– લીના વછરાજાની.

૨૫. ઘેલછા
શબ્દ સંખ્યા – 135

“મોબાઈલની રીંગ વાગી ને હું સફાળો જાગ્યો. ‘અરે મારે ઈન્ટરવ્યુ માટે વહેલી ટ્રેન પકડવાની છે ને મોડું ન થાય તો સારું.’ એમ પોતાની જાત સાથે જ બબડતો તૈયાર થવા ફટાફટ ઉભો થયો.
આદત પ્રમાણે પહેલા શાવર ને પછી બ્રશ કરી તૈયાર થયો. મનમાં જોબ મળે કે તરત મારી પ્રેમિકાને લગ્નની પ્રપોઝ કરી શકીશ એ વિચાર આવ્યો ને દિલ ખુશ થઈ ગયુ. માથામાં સ્પ્રે છાંટ્યો. બ્લેઝર ને ટાઈ પહેરી ત્યાં આંખમાં ઘેન ચડ્યું.
મને ખ્યાલ આવી ગયો કે મેં શું ગોટાળો કર્યો છે.
સીધો જઈને પાછો પથારીમાં પડ્યો.”
“તારા આવા ને આવા ગાંડપણના કિસ્સાઓ બહુ સાંભળ્યા જોન. હવે કંઈક જીવનમાં સિરિયસ થા. નહીંતર હું સિરિયસલી કહું છું, મારા જીવનમાંથી તારી બાદબાકી થશે.”
કહી પગ પછાડતી જેની ચાલી ગઈ.
જોન હતાશ નજરે એને જતી જોઈ રહ્યો.
પણ એ કંઈક કરી બતાવવાનો દ્રઢ નિશ્ચય કરી ઘર તરફ વળ્યો.

– લતા સોની કાનુગા

૨૬. સ્થિતપ્રજ્ઞ

એક અલગ જ સુનકાર હતો સમગ્ર વાતાવરણમાં.. ને અચાનક જ ફોન વાગ્યો. એણે અધખુલ્લી આંખો સાથે ફોન હાથમાં લીધો. રીમાઇન્ડર વાગ્યું હતું.
ને ત્યાં જ પથારીમાંથી ઉભો થતો તેનો વૈચારિક પડછાયો દેખાયો. ફટાફટ એક પછી એક ક્રિયાઓ થવા લાગી. તેણે વાળમાં શેમ્પુ કર્યું, નવા કપડા પહેર્યા. અત્તર છાંટ્યું. ને જયારે એ તૈયાર થઈને અરીસા સામે ઉભો રહ્યો ત્યારે એ એક અલગ જ ‘જેમ્સ’ દેખાતો હતો..
તેણે અરીસા સામે હળવું સ્મિત કર્યું. ને ફોનની સ્ક્રીન પર ઝબકતું રીમાઈન્ડર જોઈ રહ્યો. સમય ૧૦ વાગે, જેની સાથેની ડેટ..
એણે છેલ્લી વાર પોતાના શૂટ અને વાળને સરખા કર્યા. અને બહાર નીકળવા ગયો, પણ ત્યાં જ..
બહારથી કોઈએ દરવાજો ખોલ્યો. પડછાયો ફરી બેડ પર આવી કોમામાં સરી પડ્યો.
‘મિસ, જેનીની તબિયત સુધારા પર છે. પણ મને ડર છે કે, હોશમાં આવીને તે કોમામાં સુતેલા મિત્ર જેમ્સનો આવો ચહેરો સહન કરી શકશે કે કેમ..!’
કોઈ જાતના ભાવ-ચલન વિના તે ડોક્ટરના નર્સ સાથેના સંવાદો સાંભળતો રહ્યો.
ડૉકટર ચાલ્યા ગયાં. ફરી શાંતિ પ્રસરી ગઈ. જેમ્સએ કંઇક અકળ સ્મિત કર્યું. જેનીએ પોતાની અચેતન આંગળીઓ હલાવીને જેમ્સના સ્મિતનો પડઘો આપ્યો. ને બંને પોતાની સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં જ રોમાન્ટિક સફરે ચાલી નીકળ્યા.

– મીરા જોશી
]
૨૭. ઈચ્છા

તે પથારીમાંથી ઝબકી ઉઠ્યો. પેલી પીડાકારક વાતે ફરી તેના મનમાં ઉથલો માર્યો હતો. ઉઠીને તે અરીસા સામે ઉભો રહ્યો. ડોક્ટરના છેલ્લા શબ્દો તેની આંખોમાં ઉપસી આવ્યાં,‘સોરી મી. જેમ્સ આ નહિ થઈ શકે..’
એણે ત્રાડ નાખી, એ મોટી ત્રાડની કરચો તેની ઝીણી આંખોમાં અથડાઈ પડી. ને અચાનક કંઈક સુજ્યું હોય એમ તે હસવા લાગ્યો. તેની પીડા હાસ્યમાં બદલાઈ ગઈ. ફોનમાં કંઈક રીમાઇન્ડર મુક્યું અને ફરી સુઈ ગયો.વારે અલાર્મ વાગ્યું, ત્યારે ફોનના બટન પર પોતાનો ગુલાબી અંગુઠો મુકતા રીમાઇન્ડર નજરે ચઢ્યું, ‘ડેટ વિથ જેની.’ ને એ સફાળો તૈયાર થવા દોડ્યો. પોતાના આખા અસ્તિત્વથી તેની પૌરુષી કાયાને શણગારવા તે મથી રહ્યો. કોઈક અગમ્ય ખુશી તેના ચહેરા પરથી આખા શરીરમાં ફેલાઈ ગઈ હતી. તેણે ચહેરાને સ્મિતનો આખરી ઓપ આપ્યો.
ને સજીધજીને તે પથારીમાં પથરાઈ ગયો.. જેમ્સમાંથી જેની બનવાની ઈચ્છામાં રાચતો તેનો મૃત આત્મા પલંગની કબરમાં ધબકી રહ્યો હતો.

– મીરા જોશી

૨૮. પુનર્જન્મ
શબ્દ સંખ્યા : ૧૪૮

‘એહસાન તેરા હોગા મુઝ પર..’ કોલેજ સમારોહમાં રીમા દ્વારા ગવાયેલ એ ગીતને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી રીંગટોન અને એલાર્મ ટોનમાં એણે સેટ કરેલુ. એલાર્મ વાગ્યો અને એ ઊઠ્યો.
રીમાને જોયા બાદ મનમાં ને મનમાં તેની સમક્ષ પ્રેમનો એકરાર કરવાનું ધોળા દિવસે જોયેલ સ્વપ્ન આજે સાકાર કરવાના વિચારો કરતો તે તૈયાર થવા લાગ્યો. શેવિંગ, બ્રસીંગ, સ્નાનાદિ પતાવ્યા. ટાઈ અને શુટ પહેર્યા, વાળને હેર સ્પ્રે કર્યુ. અરીસા આગળ સ્ટાઈલ મારી અને..
દરવાજો ખુલ્યો અને કોઈના પ્રવેશની અનુભુતિ થઈ. પોતાના નિસ્તેજ શરીરને જોઈ સવારના દસ વાગ્યાની બધી ઘટનાઓ, તૈયાર થવાથી માંડીને ઘરથી લગભગ દસ મિનિટના અંતરે થયેલ ટ્રક સાથેનો ભેટો બધું જ વાગોળતી એની આત્મા આઈ.સી.યુ.ના એ રૂમમાં પ્રવેશેલ રીમાને જોઈ રહી. એના આવવાનો આનંદ અનુભવવો કે આશ્ચર્ય એ સમજાતુ ન હતું. નજીક આવી રીમાએ એનો આત્મારહિત નિસ્તેજ હાથ પોતાના હાથમાં લીધો અને રીમાની આંખોમાંથી આંસુનું એક બિંદુ સરીને એના હાથ પર પડ્યું.
ભાવવિભોર એનો આત્મા શરીરમાં પાછો ખેંચાવા વિવશ થયો.

– હાર્દિક કલ્પદેવ પંડ્યા

૨૯. મનમાં ઇમોસન જાગે!
શબ્દોઃ ૨૧૬

“આંખો મે તેરી, અજબ સી અજબ સી અદાયેં હૈં!”.. ગોપાલનું ગીત સાંભળતાં તે આછેરું મલકાઈ. ગોપાલને બરાબર દેખાયું નહીં. આંખો ચોળી ત્યાંતો તે ઓઝલ! ફરી પાછી આજે તે મળી અને હસી પડી.
“તું હસે છે શા માટે?”
“તું આજે ફરી મળવા આવ્યો, આ ગંજીને હાફ-પેન્ટમાં ખોસીને? અને પાછા ચશ્મા પણ ચડાવ્યા?”
“જો રાત્રે સૂતી વખતે આપણને હાફ-પેન્ટ અને ગંજી જ ફાવે. મસ્ત હાથ પગ ધોઈ, તેલ નાખી, વાળ ઓળી, ચહેરા પર પાવડર લગાવીને જ હું ઊંઘુ. મારો રુમ પાર્ટનર આ વાતની મજાક ઉડાવે પણ ચાલે. કાલે તું ધૂંધળી દેખાઈ એટલે આજે તો હું ચશ્મા પહેરીને જ ઊંઘ્યો.”
પેલી એ ગોપાલનું નાક ખેંચ્યુ અને બોલી “વાહ મારા ક્યુટ રાજા.. પણ આમ મળવા અવાય?”
“જો તુમ્હે પ્યાર કરે વો તુમ્હે તુમ જૈસે હો વૈસે પ્યાર કરે, અગર તુમ્હે બદલ કર પ્યાર કરે વો પ્યાર નહીં સૌદા કરે!”
“આય હાય માય ફિલ્મી રાજા!” એમ બોલી એ ગોપાલના ગાલે પપ્પી દેવા પોતાનો ચહેરો આગળ કર્યો.
“અલ્યા ગોપલા..ઉઠ.. આજે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો સેમિનાર અટેન્ડ કરવાનો છે.!”
“તારી જાતના મનયા.. માંડ પહેલી વાર આજે પપ્પી મળવાની હતી ‘ને તારા અપશુકનિયાળ અવાજે એને ભગાવી!”
“નામ પુછ્યું? ડિક્સી હતું?” મનયો ખડખડાટ હસ્યો.
“ડિક્સીના ગંજી પહેરું એટલે એનું નામ ડિક્સી એમ? બાય ધ વે, આજે બ્લેઝર?”

“અબે..આજે ફરજીયાત યુનિફોર્મમાં જવાનું! પેલા ઈન્ડસ્ટ્રિયલ એક્સપર્ટ લેક્ચર આપશે.”
“ચાલો ત્યારે સુટ-બુટમાં!”
“સ્ટુડન્ટ્સ, પ્લીઝ વેલકમ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ એક્સપર્ટ, ડિક્સી જોનાથન!”

– ગોપાલ ખેતાણી

૩૦. હિસાબ

અને.. મોબાઇલ રણકી ઉઠ્યો.. રણકી શું ઓરડો ગજવી મુક્યો ત્યારે મહામહેનતે મિથુનની આંખો ખુલી, રિમાઇન્ડર હતું – ‘ડેટ વીથ જેની’ અને એની ઊંઘ ઉડી ગઈ. ‘દસ વાગી ગયા સૂર્યવંશીની ઓલાદ!’ એણે જાતને ટપારી.
એ ફટાફટ નિત્યક્રમ પતાવવામાં પડ્યો. જેમિનીનો ચહેરો એની આંખ સામે તરવરી ઉઠ્યો. થોડીક સાંવરી હતી, પણ છોકરી હતી એ ઘણું હતું અને વધુમાં પોતાને ચાહતી હતી! નહીંતર..
જેમિની નામ એને ઓછું ગમતું હતું. મિથુન અને જેમિની! છટ્ટ! ‘મિ’ને બાદ કરી નાખ્યું!
સ્નાનાદિથી પરવારીને એણે અરીસામાં પોતાનો ચહેરો જોયો. જરૂર નહોતી છતાં રેઝર હાથમાં લીધું. જે બે ચાર વાળ મળ્યાં ત્યાં ફેરવ્યું. ‘ એય ચોકલેટી..’ એના કાનમાં અવાજ ગુંજી ઉઠ્યો અને માંડ માંડ કેળવાયેલો આત્મવિશ્વાસ ફરી તળિયે બેસી ગયો. અરીસામાં દેખાતા પોતાના જ પ્રતિબિંબને જોયા કર્યું. એની આંખો સામે એ બારેબાર છોકરીના ચહેરા એક પછી એક તરી ગયાં જે એને જાકારો આપી ચૂકી હતી. પોતાને જોઈને એમની આંખોમાં ઉદ્ભવેલા એ વિચિત્ર ભાવ, એ કટુ નજરો, ‘ચોકલેટી’ જેવા વિશેષણો, ઉપહાસમાં હસતા ચહેરા, ક્યારેક વળી કોઈકની નજરોમાં તરતો એ ‘બિચારો’ શબ્દ! કોલેજકાળનો એ મિત્રો વગરનો સુનકાર.. એ અપમાન, એ ચુર ચુર થતું સ્વાભિમાન..એ..
એણે નજરો વાળી લીધી. કેટલીક પળો વહી ગઈ. ખાલીખમ્મ.
છ મહિના પહેલાની એ સાંજ એને યાદ આવી ગઈ. નરીમાનની પાળી પર એ સુગંધાની રાહ જોતો બેઠો હતો. બચત વાપરીને રિંગ લીધેલી. સુગંધા ન આવી. છેક રાત્રે એનો મેસેજ આવ્યો ‘મને વિશ્વજીત નહિ ધર્મેન્દ્ર પસંદ છે.’
ભાંગી પડ્યો હતો એ. મહિનાઓ લાગી ગયા હતા આઘાતમાંથી બહાર આવતાં.
એણે ડ્રોઅર ખોલ્યું. ડબ્બી બહાર કાઢી. એકીટસે ઝગારા મારતા સોલિટેરને જોયા કર્યું.
એના ચહેરા પર કંઈક ન સમજાય એવા ભાવ ઉપસી આવ્યા. ડબ્બી પાછી મૂકીને એણે પથારીમાં પડતું મૂક્યું અને બીજી જ પળે ઘસઘસાટ ઊંઘી ગયો.
એના ચહેરા પર અજબ સંતોષ હતો.. જાણે કે પેલા બધાં જ ‘રીજેક્શન’નું સામટું સાટું ન વાળી લીધું હોય..!

– રાજુલ ભાનુશાલી

૩૧. સ્વપ્નસહ ..
શબ્દો : 152

પીપ.. પીપ.. પીપ… મોબાઇલ વાયબ્રન્ટ મોડ ઉપર ધ્રુજતો રહ્યો…
“ડેટ વીથ જેની” વેક અપ…મેસેજ સ્ક્રિન ઉપર ફ્લેશ થઇ રહ્યો હતો.
મેક પથારીમાં ઉભો થયો, માથું ચકરાવે ચઢ્યું હતું. જાણે કોઇ દવાની ભારે અસર થઇ હોય તેમ માથાને ઠપકારતા, મોબાઇલમાં ફ્લેશ થતા રીમાઇન્ડર મેસેજ ઉપર નજર કરી મોબાઇલ હાથમાં લઇ, નજીક લાવી આંખોને બળપૂર્વક ખોલી વાંચવાનો પ્રયત્ન કરતાં જેનીનું નામ જોયું. આંખોમાં અજબ ચમક આવતા કંઈ પણ વિચાર કર્યાં વિના બાથરુમમાં જતો રહ્યો.
બ્રશ કરતાં કરતાં જેનીનું ફેવરીટ ગીત ગણગણતાં એ ફુવારાના ઠંડા ઠંડા પાણીમાં પોતાની બધી જ તંદ્રા દૂર કરી કાચ સામે ઉભો રહી ગયો. મસ્ત વ્હાઇટ ટી-શર્ટ બ્લ્યુ જિન્સ અને કોટ પહેરી વાળ જેલસ્પ્રેથી સેટ કરી જેનીનું ફેવરીટ પરફ્યુમ છાંટી ડેટિંગ માટે જાતને બેસ્ટ ઓફ લકની સ્ટાઇલ કરી, હાથમાં ફોન લીધો. સ્કિન ઉપર જેનીના સ્માઇલી ડીપી ઉપર વાક્ય વાંચ્યું “ઓન્લી પોસિબલ ઈન ડ્રીમ્સ”.
એક વર્ષ પહેલાની આજની જેની સાથેની મુલાકાત અને જતા જતા તેનું વાક્ય યાદ આવતા ફરી જેનીને સપનામાં મળવા પથારીમાં તકીયાને ભેટી ઊંઘી ગયો.
મેકના ચેહરા ઉપર મિલનની તાલાવેલી છલકાતી હતી.

– પ્રિતી ભટ્ટ

૩૨. મામા

“હાય!… મામા, આવતીકાલે આવું છું, મારે વેકેશન પડી ગયું… ”
છેલ્લું પેપર આપીને આવેલા જેનીલે પહેલો ફોન મામાને કર્યો.
મામાનું ગામ એટલે નદી, તળાવ, ભાગોળ, વડની વડવાઈ, આંબલી – પીપળી, ખેતર, ઢોર – ઢાંખર, આંબો, શેરડીનો રસ, ઠંડો પવન, શાંત જીવન… કેટકેટલું આકર્ષણ? અને વિશેષ આકર્ષણ એટલે… જમના!, આહાહા શું એનું રૂપ? કોઈ મેકઅપ વિનાની નેચરલ બ્યુટી…
દિવાળી વેકેશનમાં એ મિત્ર અજીત સાથે મામાને ગામ ગયો હતો, અને વળતા દિલ ત્યાં મુકીને આવ્યો હતો.
“અચ્છા જેનીલ, એટલે તું ડાયરેક્ટ મામાને ગામ?” રૂમપાર્ટનર અજીતે એને આંખ મારતાં પાછળ બીજો સવાલ કર્યો,
“અને આવતીકાલે જેનીને આપેલા વાયદાનું શું? એ તારા પર મરે છે.”
“અરે! હા યાર, એક કામ કરને, મારા બદલે તું જ જેની સાથે… ” આ વખતે આંખ મારવાનો વારો જેનીલનો હતો.
રાત્રે મોડે સુધી બન્ને વાતો કરતાં બેઠાં.
જમાનાને મળવાનો વિચાર કરતાં જેનીલે લંબાવ્યું. હા, નામ જરા આઉટ ડેટેડ છે, પણ એતો લગ્ન બાદ બદલી નાંખીશું… સવારે અલાર્મ વાગતાં પહેલા જ જાગી ગયો. હજુ તો સાત જ વાગ્યા હતાં. આંખો ભારે હતી અને ઘેન પણ હતું. એણે ફટાફટ તૈયારી કરી જમાનાને ગમેલું ‘યાર્ડલી’ સ્પ્રે મારી ફરી આડો પડ્યો…
… એટલામાં મોબાઈલમાં રિમાન્ડર ટોન વાગ્યો અને ૨૭ તારીખ ઝબકી… એણે આંખો ચોળી ફરીથી તારીખ જોઈ… ચોવીસ કલાક લેટ… માય ગૉડ… કેવી રીતે?
એટલામાં રૂમનું બારણું ખુલવાનો અવાજ આવ્યો, અને એની આશ્ચર્યથી આંખો પહોળી થઈ ગઈ…
જમના મંદ મંદ હાસ્ય વેરતી બારણે ઉભી હતી, અને… પાછળ અજીત…
“સોરી દોસ્ત, તારી જમના, હવે નામ બદલીને મારી જેની… ”
“અજીત! તેં આવું કર્યું?”
મામાના ગામની જગ્યાએ ‘મામા’ બની ગયાનો આંચકો અનુભવતો જેનીલ પથારીમાં પછડાયો…

– સંજય થોરાત


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “શોર્ટફિલ્મ આધારિત માઈક્રોફિક્શન (૩૨ વાર્તાઓ)