(ભૂમિપૂત્ર સામાયિક ડિસેમ્બર ૨૦૧૨માંથી સાભાર)
લક્ષ્મી તારક, પૈસો મારક
આપણી મુખ્ય ખામી એ છે કે આપણે આસપાસના ગરીબો સાથે પૂરા એકરૂપ થઈ શકતા નથી, અને મારા મતે એ ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી આપણે પૈસાનો આધાર છોડતા નથી અને શરીરશ્રમ પર ઊભા થતા નથી. આમ તો આપણે થોડો પરિશ્રમ કરતા હોઈએ છીએ, પણ તેટલો પૂરતો નથી. આપણે શરીર શ્રમથી રોટી કમાવાનું વ્રત લેવું જોઈએ અને પૈસાથી મુક્ત થવું જોઈએ. તેના વિના શક્તિશાળી અહિંસા પ્રગટ નહીં થાય. ઈશુ જે કહી ગયા છે, તેને હું અક્ષરશ: માનું છું કે સોયના છેદમાંથી ઊંટ પસાર થઈ શકશે, પરંતુ પૈસાનો મોહ રાખનાર અહિંસાનો સાક્ષાત્કાર નહીં કરી શકે.
મનુષ્યની જીવિકાનું કુદરત નિર્મિત સાધન માત્ર શરીરશ્રમ છે. માનસિક શક્તિનો વિનિયોગ વિષયભોગને માટે કરવો તે પાપ છે. શરીરશ્રમ થકી જ યાત્રા ચલાવવાના એક માત્ર નિયમથી તમામ વ્રતોનું પાલન આસાન થઈ જાય છે. શરીરશ્રમ જો મન કંટાળે તો તે અધોગતિનું લક્ષણ છે. શારીરિક શ્રમનું તત્વ ખતમ થયાથી જ સમાજમાં કૃત્રિમ ભેદ પેદા થાય છે.
દુનિયાની આજની અનેક વિષમતાઓ, અનેક દુ:ખો અને અનેક પાપો શરીરશ્રમ ટાળવાની દાનતમાંથી પેદા થયાં છે. એવી દાનત રાખનારા ગુપ્ત કે પ્રગટરૂપે ચોરી કરે છે. તેથી અસ્તેય વ્રત શરીરશ્રમ દ્રારા સંપતિ નિર્માણ પર ભાર મૂકે છે. અસ્તેય કહે છે કે શરીરનો નિર્વાહ મુખ્યત્વે શરીરશ્રમ અર્થાત ઉત્પાદક પરિશ્રમ દ્રારા થવો જોઈએ.
મારો પાકો મત છે કે, ભાવિ જગતના ધાર્મિક, રાજનૈતિક, સામાજિક વિચારોનો અને જીવનનો પાયો શરીરશ્રમ વ્રત જ થઈ શકે છે. હું કેવળ શરીર પરિશ્રમ નથી કહી રહ્યો, શરીર પરિશ્રમ વ્રત કહી રહ્યો છું. તેનો અર્થ તો સમજાશે. દુનિયામાં આજે પણ સર્વસાધારણ જનતા ઘણું કરીને શરીર પરિશ્રમ જ કરે છે, પરંતુ એ સ્વેચ્છા નથી, વિચારપૂર્વક નથી, મજબૂરી છે. શરીર પરિશ્રમ વ્રતમાં દરેક શ્રમોની સમાન મજૂરી ગૃહિત છે.
‘મા વિદ્વિસા વહૈ’ માં જે દ્વિવચન છે, તે ધ્યાનમાં લેવાલાયક છે. માલિક અને મજૂર, ગરીબ અને ધનિક, શહેરવાસી અને ગ્રામવાસી, નબળા અને શક્તિવાન, શિક્ષિત અને અશિક્ષિત, સ્ત્રી અને પુરુષ, નવી પેઢી અને જૂની પેઢી, પશુ અને મનુષ્ય જેવા અનેક પ્રકારે આજે સમાજના બે ટુકડા થઈ રહ્યા છે. આ દ્વિવચનનો અર્થ એ છે કે એ બંનેનો પરસ્પર વિદ્વેષ દૂર થાય. હું માનું છું કે ગ્રામસેવાનો, અર્થશુદ્ધિનો, બ્રહ્મચર્યાદિ વ્રતોનો સામાજિક આધાર આના પર પડે છે.
સ્વયં ગાંધીજીએ જિંદગીભર અનેક પ્રકારનાં કામો કર્યાં. ભંગીકામ અને ચમારકામ કર્યું. કુષ્ઠ રોગીની સેવા કરી, રાજનીતિ પર વ્યાખ્યાનો અને ગીતા પર પ્રવચનો કર્યાં. તેઓ નિયમિત કાંતતા. અને જે દિવસે ગયા તે દિવસે પણ તેમણે કાંતવાનું પૂરું કરેલું એમણે આ બધું એટલા માટે કર્યું કે તેઓ દુનિયા પાસે દાખલો બેસાડવા ચાહતા હતા કે ‘જે વ્યક્તિ ખાય છે, તેણે કંઈને કંઈ પેદા કરવું જોઈએ.’
ગાંધીજી અદ્વૈતમાં અને ભક્તિમાં વિશ્વાસ રાખતા હતા, પરંતુ તેઓ કર્મયોગી હતા. એમના કર્મયોગે ભક્તિ અને અદ્વૈતનું રૂપ લીધું હતું. અદ્વૈત અને ભક્તિમાર્ગની પૂર્તિ ગાંધીજીના વિચારોમાં કર્મયોગના બે અંગ છે સેવા અને ઉત્પાદન. એમાં સેવાના વિચારનો પ્રચાર રામકૃષ્ણ સંપ્રદાયે ખૂબ કર્યો. ગાંધીજીએ બીજા અંગને દેશને ખૂણે ખૂણે પહોંચાડ્યું. જેમ મજૂર શરીરશ્રમનું કામ કરે છેતેમ દરેકે કરવું જોઈએ – કર્મયોગનો આ બહુ મોટો વિચાર ગાંધીજીએ ચલાવ્યો.
દુનિયામાં આજે જે ઝઘડા છે, તેનું કારણ એ જ છે કે આપણે પરિશ્રમ કર્યા વગર વધુમાં વધુ લાભ લેવાનું વિચારીએ છીએ. તેને તો ‘ચોરી’ કહે છે. આપણે તો બહુ મોટા ચોર છીએ, જે ખૂબ ઓછો શ્રમ કરીને, બીજાએ કરેલા શ્રમનો લાભ ઊઠાવીએ છીએ. જો આ આપણને સમજાય તો આખી દુનિયાની સુરત જ બદલાઈ જાય.
જો આપણે નાનુંશું વ્રત લઈએ કે રોજ જ્યાં સુધી શરીરશ્રમ થકી કંઈ ઉત્પાદન ન કરીએ, કશું ખાઈશું નહિ, તો કેટલો આનંદ થશે! બીજી સેવાનું કશું મૂલ્ય નથી એવું નથી પણ થોડું સરખુંય ઉત્પાદન કરવું જોઈએ. શિક્ષક બાળકોને ભણાવે છે, તે ઉત્તમ કામ છે. ન્યાયાધીશ ન્યાય આપે છે, તે ઉત્તમ સેવા છે. વ્યાપારી પ્રામાણિકતાથી ચીજો વેચે છે, તે ઉત્તમ કામ છે. તો પણ તે સહુ ઉત્પાદક –પરિશ્રમ કરે, બાળકો પણ કરે, ઘરડા પણ કરે, જો આપણે એવું વ્રત લેશું તો આપણી બુદ્ધિ પણ સમર્થ થશે. દેશને માટે કંઈ ને કંઈ નિર્માણ કાર્ય વિના હું ભોજન પણ નહિ લઉં, એ વ્રત નાનો બાળક લે, તેની મા પણ લે, તેના દાદા પણ લે તો સહુની સમ્મિલિત શક્તિથી દેશમાં નિર્માણ થશે. જેની સામે હિંસા ટકી શકશે નહિ.
શરીરશ્રમથી જે મળે તે જ સ્વ-વિત્ત છે. એટલાથી ચિત્તનું સમાધાન થવું જોઈએ. ઘરમાં ધન આવ્યું, નાવમાં પાણી ભરાયું તો બેઉ હાથે ઉલેચવું. સંચિત ધનને પર-સ્વ સમજીને એને સમાજના હિતમાં વાપરવું. સેવા માટે ધનની રક્ષા કરનારો શ્રેષ્ઠ મહાજન છે.
દુનિયાના તમામ ઝઘડાનું મૂળરૂપ એક જ છે. મનુષ્યએ શ્રમનું સ્થાન પૈસાને અને પ્રેમનું સ્થાન સંઘર્ષ દીધું છે. આ જ પૈસા અને સંઘર્ષ અને બન્ને બાબતો દુનિયાને સતાવી રહી છે. આજે કેટલાક લોકો માને છે કે પ્રેમતત્વ વડે ઉત્કર્ષ નથી થતો, સ્પર્ધાથી થાય છે. પછી શ્રમ ટાળવાની કોશિશ કરવામાં આવે છે અને લોકોના દીલમાં પૈસા કમાવાની ધૂન સવાર થઈ જાય છે. સંધર્ષ અને પૈસા આ બે દોષો બધા ઝઘડાના મૂળમાં છે. પછી તેને નામ ગમે તે આપો. ક્યાંક એને ‘હિંદુ વિરુદ્ધ મુસલમાન’નું નામ અપાય, ક્યાંક ‘બ્રાહ્મણ વિરુદ્ધ બ્રાહ્મણેતર’નું નામ અપાય, તો ક્યાંક માલિક વિરુદ્ધ મજદુરનું નામ અપાય. એનાં એવાં પચાસ રૂપ દેખાશે પણ મૂળ સ્વરૂપ એક જ છે. જેમ પરમેશ્વર અનેક રૂપ લે છે તેમ રાક્ષસ પણ લે છે. જો તમામ ઝઘડા ખતમ કરવા હોય તો દરેક મનુષ્યએ શરીરશ્રમથી અન્ન ઉત્પાદનના કામમાં યોગદાન દેવું જોઈએ.
દુનિયામાં થતાં તમામ કામો મજૂરો જ કરે છે. ચાહે તે ખેતરમાં હોય, કારખાનામાં હોય કે ખાણમાં હોય, મજૂરના આધાર પર સૌનું જીવન ચાલે છે. દુનિયા પરમેશ્વરના આધારે ચાલે છે પરંતુ પરમેશ્વરને આપણે જોતા નથી, ફક્ત માનીએ છીએ કે દુનિયાનો બોજ તે ઉઠાવે છે. જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દુનિયાનો બોજ ઉઠાવી રહ્યા છે. માત્ર એ જાણવું બાકી છે કે પરમેશ્વર મજૂરના રૂપે આપણી સામે ખડો છે. જોએ જાની લઈએ તો દુનિયાના તમામ ઝઘડા મટી જાય અને દુનિયામાં પ્રેમભાવ પાંગરે.
આ જમાનામાં એ સિદ્ધાંત મુખ્યત્વે ટૉલ્સરૉયે રજૂ કર્યો કે દરેક મનુષ્યએ શરીર – પરિશ્રમ કરીને જ ખાવું જોઈએ. બીજી રીતે ખાવું ઉચિત નથી. મનુષ્ય પાસે જે કંઈ બુદ્ધિ – ક્ષમતા હોય તેના દ્વારા તે ભાતભાતની લોક-સેવા ભલે કરે પણ પોતાની રોટી તો શરીર-પરિશ્રમથી જ મેળવવી જોઈએ. વળી ટૉલ્સરૉયે એ પણ કહ્યું કે લોભ બધાના મૂળમાં છે જ્યારે તૃષ્ણા વધે છે ત્યારે માનવ શરીર –પરિશ્રમ છોડી દે છે અને અન્ય ઉદ્યોગોમાં પોતાની બુદ્ધિ લગાવે છે. તેનાથી વધુ પૈસા મેળવવાની દાનત રાખે છે. અને સમાજની પડતી થાય છે. બૂરાઈ વધે છે. બાઈબલમાં સેન્ટ પોલે આ વિશે ખૂબ ભારપૂર્વક કહ્યું છે; ‘હું જાત મહેનત કરી રોટી કમાઉ છું અને મારાં પ્યારાં બાળકો, તમે તેને પણ સમજો અને મને અનુસરો. જુદા સમયમાં સે ન્ટ પોલ, આ જમાનામાં ટૉલ્સરૉય અને તેના પછી ગાંધીજીએ સૌએ આ વિચાર ખૂબ જ ભાવપૂર્વક રજૂ કર્યો કે મનુશ્ય માટે શારીરિક પરિશ્રમ ખૂબ જ આવશ્યક છે. અને રોટી જાત – મહેનત કમાવી જોઈએ.
જો શરીરશ્રમ ન કર્યો તો તેની સજા કુદરત દ્વ્રારા મળશે. બીમારી કે અન્ય કોઈ કષ્ટના રૂપે તેની સજા મળશે. માટે શરીર મળ્યું છે તો શ્રમ કરવો જોઈએ. શરીરશ્રમમાં જે સમય લાગે છે તે વ્યર્થ નથી જતો. તેનુ ફળ અવશ્ય મળે છે. ઉત્તમ આરોગ્ય મળે છે. બુદ્ધિ સતેજ, તીવ્ર અને શુદ્ધ થાય છે. અનેક વિચારકોના વિચારોમાં પણ એના પેટ દર્દ અને સિર-દર્દનું પ્રતિબિંબ પ્રગટ થાય છે. વિચારશીલ લોકો જો સૂર્ય – તડકામાં, ખુલ્લી હવામાં, સૃષ્ટિના સાનિધ્યમાં શ્રમ કરશે, તો તેમના વિચારો પણ તેજસ્વી બનશે. શારીરિક રોગની જેમ મન ઉપર અસર થાય છે, તેમ શારીરિક આરોગ્યની પણ મન ઉપર અસર થાય છે તે અનુભવ સિદ્ધ વાત છે.
સત્યનિષ્ઠા નિર્માણ કરવી હોય, તો સમાજની રચના પૈસાને બદલે શ્રમતા આધારે કરવી જોઈએ. ગામમાં કોઈ ચોરીએ કરવા આવ્યો, તો તેને પૈસા મળે જ નહિ; અનાજ, દૂધ,ફળ એ જ મળે. એવું થવું જોઈએ. ગામમાં લક્ષ્મી ખૂબ રહે, પણ પૈસા ઓછા હોય. જમીન, ઘર, ઉત્પાદનનાં સાધન સહુને માટે હોય.
માલિકીને કારણે આ ઝમેલો છે. એને લઈને જ પૈસાનું મહત્ત્વ થયું છે. પૈસાને મહત્ત્વ અપાયું તેને કારણે જ ગામડામાંથી પ્રેમ ગાયબ થાય છે. યશોદા ને કૃષ્ણ વચ્ચે આ વિવાદ ચાલતો હતો. યશોદા કહેતાં; ‘માખણ મથુરા જઈ વેચવું.’ કૃષ્ણ કહેતા; ‘ના , ગામમાં જ ખાવું જોઈએ.’ યશોદા કહેતા; ‘માખણ વેચવાથી પૈસા મળશે.’ કૃષ્ણ કહેતા; ‘મથુરામાં પૈસા છે, તેમ કંસ પણ છે. મથુરાના પૈસાનો લોભ રાખીશું તો કંસનું રાજ્ય માન્ય કરવું પડશે.’ ભારતમાં જો પ્રેમ કાયમ રાખવો છે તો પૈસાથી મુક્ત થઈ ગામેગામ ગ્રામસ્વરાજ સ્થાપવું પડશે.
પૈસાની જકડમાંથી મુક્ત થવું કઠણ છે, તે હું કબૂલ કરું છું. એમાં ઘણો વિવેક રાખવાની જરૂર છે. અને બધા લોકોએ મળીને કામ કરવાની જરૂર છે. કોઈ એકલા માણસનું આ કામ છે એવું હું નથી માનતો. પન એ કામ માટે આપણે તૈયાર થઈશું ત્યારે જ સર્વોદય વિચાર ફેલાશે, અહિંસા ફેલાશે.
અપરિગ્રહી સમાજમાં પૈસા ઓછમાં ઓછા રહેશે. પૈસા લક્ષ્મી નથી, પિશાચ યા રાક્ષસ છે. વાસ્તવમાં કેળાં, કેરી, શાક, અનાજ એ જ લક્ષ્મી છે. ઉદ્યોગ કરનારને લક્ષ્મી મળે છે. લક્ષ્મી આપના હાથની આંગલીમાં વસે છે, પૈસો ટંકશાળમાં. ટૂંકમાં, અપરિગ્રહી સમાજમાં ઓછામાં ઓછી ચીજ હશે,પૈસો.
અપરિગ્રહી સમાજનાં પાંચ લક્ષણ છે
૧. આ સમાજમાં લક્ષ્મી ખૂબ વધશે, તેનું પ્રાચુર્ય હશે.
૨. લક્ષ્મી ઘર ઘરમાં વહેંચાયેલી હશે, તેનું સમાન વિતરણ થશે.
૩. નિરર્થક વસ્તુઓનો સંગ્રહ નહિ હોય.
૪. ક્રમયુક્ત સંગ્રહ રહેશે.
૫. પૈસા ઓછામાં ઓછા હશે.
સામાન્ય રીતે જેને આપણે અર્થશાસ્ત્રના વિચારો માન્યા છે તે પણ હકીકતે લોભના વિચારો છે. તેને, આપણે મહત્ત્વ નથી દેતા. તેને પરિણામે લોકોની પ્રગતિની આજ સુધીની માન્ય રીત રસમોને આપણે માનતા નથી. આપણા ઉત્સાહની બુનિયાદ આધ્યાત્મિક જ હશે. આપણે એ જોવાનું છે કે લોકોની નૈતિક પ્રવૃત્તિઓ રોજેરોજ વધે અને સતત ત્યાગમાં જ તેઓ આનંદ અનુભવે. આપણે લક્ષ્મીનો અનુગ્રહ જરૂર ચાહીશું, પરંતુ તે વિષ્ણુ કૃપાની સાથે. લક્ષ્મી અને પૈસામાં આપણે એટલો જ ફરક કરીએ છીએ, જેટલો સુર અને અસુરમાં છે.
જો મારું ચાલે તો બધા પૈસા સમુદ્રમાં ફેંકી દઉં. લક્ષ્મી અને પૈસા એક ચીજ નથી. લક્ષ્મી તો મા છે, વિષ્ણુ- પત્ની છે. પૈસા રાક્ષસ. હમણાં હોળી આવે છે. જે ચીજની આસક્તિ હોય છે તેને હોળીમાં સળગાવી દઈએ છીએ, એ વખતે જેટલી નોટ છે, પૈસા છે તે હોળીમાં સળગાવી દઈએ તો હિંદુસ્તાન સુખી થશે, પૈસાનો લક્ષ્મી સાથે કોઈ સંબંધ નથી. લક્ષ્મી વધે છે ત્યારે વૈભવ વધે છે. ભગવત – કૃપા વધે છે. પણ પૈસા વધે ત્યારે શું થાય છે?
ભાગવત કહે છે કે પૈસા કમાવામાં, એની વૃદ્ધિ કરવામાં, એને સાચવવામાં, ખર્ચવામાં, ઉપભોગ કરવામાં વગેરેમાં મનુષ્યને શારીરિક કષ્ટ થાય છે. ત્રાસ અર્થાત માનસિક ચિંતા થાય છે. અને આગળ કહે છે. એથે પંચ દશા અનર્થા; આ પંદર અનર્થો છે.
સ્તેયં હિંસાનૃતં દંભ: કામ: ક્રોધ: સ્મયો મદ: ભેદો વૈરમવિશ્વાસ: સંસ્પર્ધા વ્યસનાનિ ચ.
આપણે એટલું સચોટ જાણતા નથી. પરંતુ ભાગવત સચોટ લખે છે. તેથી શ્રેયર્થી દુરતસત્યજેત – શ્રેયાર્થીએ ઈચ્છવું કે તેનાથી અલગ રહે.
– વિનોબા
Nice article. Thanks.
યશોદામૈયા અને કાનુડાનું ઉદાહરણ આપી વિનોબાએ આખા લેખનો સાર સમજાવી દીધો.