દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૩) – નીલમ દોશી 3


પ્રકરણ – ૩ રેતીનું ઘર..

“કયારેક કયાંક રેતથી રમ્યા હશું,
તેથી આ ભીંતમા ઘૂઘવતુ તાણ હોય છે…”

Dost Mane Maaf Karish ne

ઇતિ અને અનિકેત… બંને વરસોથી બાજુબાજુમાં રહેતા હતા. અને બંનેના ઘર વચ્ચે.. પાડોશીઓ વચ્ચે સુગંધી સંબંધો હતા. અનિકેતના મમ્મી સુલભાબહેન અને ઇતિના મમ્મી નીતાબહેન બંને પાક્કા બહેનપણી. નીતાબહેનના ગુજરાતી વાતાવરણની મજા સુલભાબહેન માણતા તો સુલભાબહેનના ઘરના પંજાબી રીતિરિવાજોમાં નીતાબહેન સામેલ થતાં. બંને કુટુંબ વચ્ચે એક ઘરોબો સ્થપાઇ ગયેલ.. કોઇ ભેદભાવ વિનાનો. ઇતિ અનિકેતની જેમ જ આ બંને બહેનપણીઓ પણ હમેશાં સાથે જ હોય. કોઇ ફોર્માલીટી વિનાના.. દિલના સંબંધોથી જોડાયેલ બંને કુટુંબો વચ્ચે ઇતિ અને અનિકેત પુષ્પની માફક ખીલતા રહેતા. બંને બાળકો લગભગ સરખી ઉંમરના હતાં અને તેમના કિલકિલાટથી બેઉ ઘર સતત ગૂંજતાં રહેતાં.

હમણાં અનિકેતની મોટી બહેનના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. પ્રસંગ એક ઘરમાં હતો. પરંતુ તેની ધમાલ બંને ઘરમાં ચાલી રહી હતી. ઇશા બંને ઘરની દીકરી હતી. સુલભાબહેન સાથે નીતાબહેન પણ એટલા જ વ્યસ્ત હતાં. ઇતિ અને અનિકેત પણ પતંગિયાની માફક આમતેમ ઉડતાં રહેતાં. તેમને તો આ બધી ધમાલ બહું ગમતી. રોજ નવા નવાં કપડાં પહેરવા, નવું નવું ખાવા પીવાનું. બસ આખો દિવસ ધમાલ અને મસ્તી. સ્કૂલમાં પણ વેકેશન હતું તેથી એની નિરાંત હતી. ઇશાદીદીની ખુશી જોઇને ઇતિને ખૂબ આશ્ચર્ય થતું હતું. લગ્ન થશે એટલે દીદીને તો સાસરે જવું પડશે અને સાસરે તો કંઇ મમ્મી ન હોય તો પણ દીદી કેમ ખુશ થતાં હશે એ રહસ્ય ઇતિની સમજમાં આવતું નહોતું. પણ પૂછે કોને? અનિકેતને પણ પૂરી ખબર કયાં હતી?

લગ્નને બે જ દિવસની વાર હતી. ઇતિ આખો દિવસ ઇશાદીદીની આસપાસ મંડરાતી રહેતી. દીદી શું કરે છે, કેમ કરે છે તે જોયાં કરતી. અંતે તેનાથી ન રહેવાયું તેણે દીદીને પૂછી જ લીધું, “હેં દીદી, સાસરે તો મમ્મી નહીં હોય તો તમને ગમશે? તમે સાસરે ન જાવ તો ન ચાલે?”

જવાબમાં ઇશા ધીમું મલકી, “ઇતિ, તું મોટી થઇશને એટલે તને બધું સમજાઇ જશે.”

“દીદી, સાસરે બીજું કોણ કોણ હોય?” ઇતિના કૂતુહલનો પાર નહોતો આવતો.

ઇશા જવાબ આપ્યા સિવાય હાથમાં મૂકાયેલી મહેંદી સામે નીરખી રહી. મહેંદીમાં એક નામ ઉપસતું હતું. અને નામની સાથે એક ચહેરો.. અને એ ચહેરાના ઉજાસની સુરખિ ઇશાની આંખોમાં છવાઇ હતી. આ અબૂધ બાલિકાને તે શું જવાબ આપે? તે શા માટે બધાને છોડીને સાસરે જતી હતી?

ત્યાં અનિકેત ઇતિને બોલાવવા આવી પહોંચ્યો.

“ઇતિ, ચાલ બહાર જો.. બધા કેવી મજા કરે છે.”

અને ઇતિ બધું ભૂલીને અનિકેતની પાછળ દોડી ગઇ. ઇશા પરમ સ્નેહથી આ નાનકડાં, વહાલસોયા ભાઇને જોઇ રહી. તેની પાંપણો અનાયાસે ભીની બની. એક આંખમાં મિલનની મધુરતા હતી તો બીજી આંખમાં સ્વાભાવિક રીતે જ વહાલાના વિજોગના વાદળો ઘેરાયેલ હતાં. એકને પામવા માટે કેટલું છોડવું પડે! અને કેટલું નવું અપનાવવું પડે? બિલાડીના ટોપની જેમ અચાનક કેટલા બધા સંબંધો ફૂટી નીકળે? એક છોકરી રાતોરાત કાકી, મામી, ભાભી, કે વહુ બની જાય… છોકરીની જિંદગીની આ કરૂણતા કહેવાય કે મધુરતા? ઇશા મનોમન વિચારી રહી. અને પછી હાથમાં મૂકાયેલ મહેંદી સામે જોઇ છાનું છાનું મલકી રહી. જાણે મહેંદીએ તેને કોઇ જવાબ આપી દીધો હતો.

બે દિવસ તો ધમાલમાં કયાં પસાર થઇ ગયા. રોજ રાત્રે ઢોલીઓના તાલે ઇતિ અને અનિકેત ઘૂમતાં રહેતાં. અંતે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. સારા દિવસોને તો હમેશા ઉડવાની પાંખો હોય છે ને!

સવારથી વિધિઓની પરંપરા ચાલી રહી હતી. રાત્રે બહાર મંડપ નીચે ભાંગડાની રમઝટ બોલતી હતી. ઇતિ અને અનિકેત પણ નવાં કપડાં પહેરી મહાલી રહ્યાં હતાં. અને કૂતુહલથી બધી વિધિઓ જોઇ રહ્યાં હતાં. ઇતિ થોડી ગંભીર બનીને બધું નીરખી રહી હતી. કદાચ સાસરે જવામાં શું કરવાનું હોય તેનું નિરીક્ષણ કરી રહી હતી! ઇશાદીદી આજે કેવા સરસ લાગતાં હતાં.. કેવા સરસ તૈયાર થયાં હતાં.. કેટલા ઘરેણા પહેર્યા હતા. સાસરે જવાનું હોય ત્યારે આવું તૈયાર થવાનું હોય? પોતે પણ આવી જ સરસ તૈયાર થશે.. પણ… ના, ના, પોતાને સાસરે જવું જ નથી.. ત્યાં તો મમ્મી ન હોય.. પરંતુ કદાચ જવું પણ પડે. બધી છોકરીઓને જવું જ પડે.. મમ્મી ખોટું થોડી કહે..?

દરેક વિધિ ઇતિએ ખૂબ રસથી નિહાળી હતી. લગ્ન પછી વિદાયના સમયે ઇશાને રડતી જોઇ ઇતિની આંખો પણ છલકી આવી. દીદી આટલું રડે છે તો પણ આન્ટી તેને સાસરે શા માટે મોકલી દે છે તે ઇતિને કેમેય સમજાયું નહીં. અને આંટી પોતે પણ પાછા રડે છે. તો સાસરે ન મોકલે તો ન ચાલે? અને તેમાંયે નાનકડા અનિકેતને ભેટીને તેની બહેન રડી અને અનિકેત પણ બહેનને ભેટી મોટેથી રડી પડયો.. હવે બહેન તેનાથી દૂર બીજે ઘેર જાય છે તે સમજી ચૂકેલ અનિકેતના ડૂસકાં શમતાં નહોતાં. અને અનિકેતને રડતો જોઇ ઇતિના આંસુ કેમ રોકાય? તેને તો આન્ટી પર ખૂબ ગુસ્સો આવ્યો. ઇશાદીદીને સાસરે મોકલાવાની શી જરૂર હતી? દીદી આટલી રડે છે તો પણ આંટી જોને સમજતાં જ નથી.. પણ તે શું કરે? સાસરું નક્કી ખરાબ હોવું જોઇએ એવું મનોમન નક્કી કરી ચૂકેલ ઇતિ એક તરફ ઉભી હતી. અને પછી તો દીદી કારમાં બેસીને ચાલી ગઇ. કેસરિયાળો સાફો ઘરની રોનક લઇ ચાલ્યો ગયો હતો. શરણાઇના ઘેરા, કરૂણ સૂર વાતાવરણને ગમગીન બનાવી રહ્યાં.

એક જ વ્યક્તિની ગેરહાજરી ઘણીવાર જીવનમાં અને ઘરમાં કેવો ખાલીપો સર્જી દેતી હોય છે. ઉડતા સમયપંખીની પાંખ કપાઇ ગઇ હોય તેમ સમય ખૂટવાનું નામ જ નહોતો લેતો. દીકરી સાસરે જાય ત્યારે ઘરમાં પથરાતો સૂનકાર તો અનુભવે જ સમજાય. ઘરની રોનક જાણે ચાલી ગઇ હતી. સુલભાબહેનની સાથે નીતાબહેન પણ વારેવારે ભીની થતી આંખો લૂછતાં રહેતાં. ઇશાની વિદાયના વાતાવરણની ઉદાસી બંને ઘરમાં દિવસો સુધી પથરાઇ ગયેલી. ઇતિ અને અનિકેત પણ અણોહરા થઇને ફર્યા કરતાં હતાં. અને ત્યારે ઇતિએ તો મનમાં નક્કી કરી નાખેલ.. ‘ના રે, આપણે તો સાસરે જવું જ નથી ને..!’

અને છતાં ઇતિ સાસરે આવી જ ને? એકદમ અચાનક આવી.. ખૂબ ઝડપથી આવી.. જોકે સાસરે સાસુ તો નહોતા.. કોઇ દુ:ખ પણ આમ તો કયાં હતું? નાનપણમાં કલ્પના કરીને ડરતી હતી તેવું ખરાબ સાસરું પણ કયાં હતું? બધું સારું જ હતું. છતાં આજે કેમ કશુંક ખૂટતું હોવાની લાગણી મનમાં જાગી રહી છે..!

શરૂઆતમાં ઇતિને સાસરે કશો અભાવ લાગતો હોય તો તે દરિયાનો. નાનપણથી દરિયાકિનારે ઉછરેલ ઇતિને દરિયા સાથે એક આત્મીયતા બંધાઇ ગયેલ. દરિયા વિના તેને અતડું લાગતું હતું. પરંતુ પછી તો એના વિના પણ રહેવાની આદત પડી ગઇ. અનિકેત જેવા અનિકેત વિના પણ તે આટલા વરસો રહી જ ને? તો પછી દરિયાની શી વિસાત?

જોકે હવે તો છેલ્લા પાંચ વરસથી તેઓ ફરીથી દરિયાના સાન્નિધ્યમાં આવી શકયાં હતાં. પહેલીવાર અરૂપ સાથે કેટલી હોંશથી.. છલકતા ઉત્સાહથી ઇતિ દરિયે ગઇ હતી. ભીની રેતીમાં આટલા વરસે પણ ઘર બનાવવાની ઇચ્છા જાગી હતી. પણ અરૂપને એવી બાલિશતા ન જ ગમે તેટલું તો તે જાણી જ શકી હતી. પરંતુ એ વાત અરૂપને કહ્યા સિવાય તે રહી શકી નહીં. તે અને અનિકેત રેતીમાં કેવી રીતે ઘર બનાવતા.. પછી તે ઘર મોજામાં કેવા તણાઇ જતા.. તે બધી વાત કરતાં ઇતિના હૈયામાં અને આંખોમાં એક અનેરી ચમક ઉભરી આવી હતી.. વીતેલા દિવસોની મીઠી યાદ.. અને ડૂબતા સૂરજની લાલિમા તેના ચહેરા પર છવાઇ હતી. અરૂપે મૌન બની તે વાતો સાંભળી હતી. કોઇ પ્રતિભાવ આપ્યા સિવાય.

“આપણે દર રવિવારે દરિયે આવીશું.” ઇતિ ઉત્સાહથી બોલી ઉઠી હતી. અરૂપ મૌન જ રહ્યો હતો.

જોકે દર રવિવારે દરિયે આવવાનું બનતું નહીં. કેમકે રવિવાર સિવાય અરૂપને સમય ન હોય અને રવિવારે અરૂપનો કોઇ ને કોઇ કાર્યક્રમ ગોઠવાઇ જ ગયો હોય. ક્યારેક પિકચર.. ક્યારેક કલબ, કોઇ પાર્ટી, કે પછી કોઇ મિત્રને ઘેર.. ક્યારેક લોંગ ડ્રાઇવ પર જવાનું અરૂપને મન થતું. ઇતિ દરિયાનું કહે તો તરત..

“અરે, એ ને એ પાણી.. એમાં રોજ નવું શું હોય? કેટલી રેતી ઊડતી હોય છે. બસ.. બેન્ચ કે રેતી પર ખાલી બેસી રહો. મને તો રોજ એક જ જગ્યાએ જવાનો કંટાળો આવે. કોઇ ગ્લેમર વિનાનો ફિક્કો દરિયો. પાણી જોઇ જોઇને માણસ કેટલીવાર જોઇ શકે?”

ઇતિ કહી ન શકી કે ‘ના, ખાલી બેસી રહેવાનું નથી હોતું. દરિયાના ઘૂઘવતાં, ઉછળતાં મોજાં તેને કેટલી બધી વાતો કરે છે! સાંજે દરિયામાં સંતાતા સૂરજદાદા તેને હસીને આવજો કરે છે. ભીની રેતીમાં તો કેટલા ઘરો બને.. પાણીમાં પગ બોળાય અને અસ્તિત્વ આખું કેવું ઝળહળ થઇ જાય.. આ કંઇ ખાલી બેંચ પર બેસી રહેવાની વાત થોડી છે?’ પરંતુ આવું બધું અરૂપને તો ગાંડા જેવું જ લાગે. અને અરૂપને ન ગમે એવું કરવાનું મન ઇતિને નહોતું થતું. તેથી તે મૌન જ રહેતી.

જોકે પછી ઇતિનો વિલાઇ ગયેલ ચહેરો જોઇ અરૂપ તુરત કહેતો, “ઓ.કે.. આવતા રવિવારે ચોક્કસ દરિયે બસ.. ખુશ?”

ઇતિને ખુશ થતાં કયાં વાર લાગતી હતી? તેની સરળતા તેને વધારે અપસેટ થવા નહોતી દેતી. અને અરૂપને ગમતું બધું કરવા તે તત્પર બની જતી. જોકે પછી પેલો રવિવાર જલદીથી આવતો નહીં એ અલગ વાત હતી. સંજોગો જ એવા આવતા રહેતા કે દરિયે જવાનો કાર્યક્રમ જલદી બની શકતો નહીં.

બાકી શૈશવના તે દિવસોમાં તો…

વરસોથી રવિવારની સાંજ દરિયાકિનારે સાથે ગાળવાનો ઇતિ અને અનિકેતના કુટુંબનો વણલખ્યો નિયમ બની ગયો હતો. જમવાનું પણ ત્યાં જ. ઘેરથી કેટલું બધું બનાવીને લઇ જવાનું. રવિવાર એટલે પિકનીક… આખો દિવસ મોજ મસ્તી, ધમાલ… અને નિર્ભેળ આનંદ…

રવિવારની સાંજે સૂર્ય પશ્વિમ ક્ષિતિજે ગુલાલના છાંટણા વેરી દરિયામાં અંતિમ ડૂબકી મારી રહ્યો હોય, બંનેના માતા પિતા વાતોમાં ડૂબેલા હોય અને બંને બાળકો… ઇતિ અને અનિકેત ભીની રેતીમાં ઘર બનાવવાના મહાન કાર્યમાં મશગૂલ હોય. જો કે ઘર બનાવવાનું કામ તો ઇતિ જ કરતી. અનિકેત તો બાજુમાં બેઠો બેઠો નિરીક્ષણ કરે અને સલાહ સૂચન આપવાનું કામ કર્યા કરે. ઇતિ હોંશે હોંશે એ સૂચનોનો અમલ કરતી રહે. આમ પણ ઇતિનો તો સ્વભાવ જ એવો.. ખાસ કોઇ આગ્રહ વિનાનો.. બધાની બધી વાતનો સ્વીકાર! એટલે અનિકેતની દરેક વાતનો સહજ સ્વીકાર થતો. તેની કોઇ પણ વાત દલીલ વિના માનવી એ ઇતિ માટે સહજ હતું. શંખલા, જાતજાતના છીપલાઓની હાર વડે ભીની રેતીમાં ઇતિ ઘરની અંદર કેટલાયે ઓરડાઓ બનાવે..

“અનિ, આ તારો રૂમ… બાજુમાં આ મારો રૂમ… અહીં આપણે રમવાનું.. અને આ આપણું કીચન.. આ આપણી અગાશી.. આ…” ઇતિ ઉત્સાહથી અવિરત બોલ્યે જતી. અને અચાનક અનિકેત કહેશે, “ના, ઇતિ, અહીં આ સારું નથી લાગતું.” અને મહામહેનતે બનાવેલ એ ઘર એક પળના યે વિલંબ વિના વિખેરાઇ જાય… અને અનિકેતની સૂચના પ્રમાણે નવેસરથી ઇતિ ઘર બનાવવામાં વ્યસ્ત..!

કલ્પનાની પાંખે બાળવિશ્વમાં એક રંગીન દુનિયા રચાતી રહે. ક્યારેક બંનેને સંતોષ થાય તેવું ઘર બની રહે ત્યાં દરિયાનું કોઇ મોટું મોજુ ઊછળતું આવીને એક ક્ષણમાં ઘરને તાણી જાય. ઇતિ, અનિકેત જોઇ રહે… અને દુ:ખી થવાને બદલે બંનેના નિર્ભેળ હાસ્યથી દરિયાની આથમતી સાંજમાં એક ઉજાસ પ્રગટી રહે. અને ફરીથી થોડે દૂર નવું ઘર બનાવવાની મથામણો ચાલુ. કોઇ ફરિયાદ વિના.. કોઇ વિષાદ વિના. અને દરેક વખતે એમાં કલ્પનાના અવનવા રંગો ઉમેરાતા રહે. આથમતો સૂર્ય બંને બાળકો પર એક હેતભરી નજર નાખી, પશ્વિમ આકાશમાં સાન્ધ્યરંગોની કટોરી ઢોળી બીજે દિવસે આવવાનો વાયદો કરી ધીમેથી પાણીમાં અંતિમ ડૂબકી મારી અદ્રશ્ય બની જાય. આવી તો અગણિત રવિવારની સાંજ.. ઘૂઘવતા દરિયાના મોજા.. અને ડૂબતા સૂરજની સાક્ષી..!

કયારેક ઇતિ કહેશે, “અનિ, તું યે અહીં મારી બાજુમાં બીજું ઘર બનાવ ને.”

નાનકડો અનિકેત તરત કહે, “ના, હું શું કામ જુદુ ઘર બનાવું? હું તો તારા ઘરમાં જ રહીશ.” પણ… એ દિવસ કદી આવ્યો જ નહીં.

કાળદેવતાને આ બાળકો પર કદાચ વહાલ તો ઉપજતું હશે. પરંતુ તેણે તો તેના હિસાબકિતાબ સાક્ષીભાવે જ પતાવવાના રહ્યાં ને? અને તેના હિસાબકિતાબ કયારેય કોઇને સમજાયા છે ખરા? દિવસો હરખભેર દોડયે જતા હતા. બંનેની અંદર વહેતી સ્નેહની સરવાણી તેમની પણ જાણ બહાર અલગ અલગ રંગ રૂપ ધારણ કરતી જતી હતી.. બંનેની મસ્તી, દોસ્તી એક નવી ઉંચાઇ સાથે નિખરતી રહેતી.

તેમનું શૈશવ સાથે વીત્યું અને કિશોરાવસ્થા પણ સાથે જ… સ્કૂલે સાથે આવવા જવાનો ક્રમ કયારેય તૂટયો નહીં. અનિકેત સાથે હોય એટલે ઇતિના મમ્મી, પપ્પાને કોઇ ચિંતા હોય જ નહીં. સામાન્ય રીતે અનિકેત સ્કૂલમાં ઓછાબોલો અને શાંત ગણાતો હતો. પરંતુ તે દિવસે.. તે દિવસે.. સાવ નાની વાતમાં તે મલય સાથે ઉશ્કેરાઇને ઝગડી પડયો! વાત બોલાચાલીથી થઇ હતી અને જો શિક્ષક સમયસર વચ્ચે પડ્યા ન હોત તો કદાચ મારામારી સુધી પહોંચી જાત. આજે મલય અનિકેતના હાથનો માર ચોક્કસ ખાત. ઇતિ માટે અનિકેતનું આ સ્વરૂપ બહું નવું… આશ્ચર્યજનક હતું. તેને સમજાયું નહીં આજે આવી નાની વાતમાં અનિકેત આમ ઉશ્કેરાઇ કેમ ગયો?

વાત બહું મોટી પણ ક્યાં હતી? દસ વરસના ઇતિ અને અનિકેત પાંચમા ધોરણમાં ભણતા હતા. તેમની સ્કૂલમાં ટીખળી છોકરાઓ અવારનવાર છોકરીઓની મસ્તી કરતા રહેતા અને છોકરીઓ સામાન્ય રીતે તેને હસવામાં ટાળી દેતી. અવારનવાર આવું ચાલતું રહેતું.

આજે મલયે ઇતિની મશ્કરી કરી ત્યારે અનિકેત ત્યાં જ હતો. અને બસ…! અનિકેતનો પારો સાતમા આસમાને. ઇતિના લાખ વારવા છતાં અનિકેત કંઇ સાંભળવા તૈયાર જ કયાં હતો?

સાંજે સ્કૂલ પૂરી થયા બાદ સાથે ઘેર જતી વખતે ઇતિએ અનિકેતને પૂછયું પણ ખરું.. “અનિ, આજે કેમ આટલો બધો?..” અનિકેત મૌન રહ્યો. જવાબ આપ્યા સિવાય તેણે એક નજર ઇતિ સામે નાખી. ઇતિએ હવે આગળ પૂછવાનું માંડી વાળ્યું અને વાત ત્યાં પૂરી થઇ હતી.

પણ તે દિવસ પછી ઇતિની મસ્તી કરવાનું છોકરાઓ ભૂલી ગયા હતા. જો કે અનિકેતનું નામ ઇતિના બોડીગાર્ડ તરીકે પડી ગયું હતું એ અલગ વાત હતી. પરંતુ અનિકેતને એવી પરવા કયાં હતી?

સ્મૃતિઓના પતંગિયા ફરફર કરતાં ઊડી રહ્યા હતા. ઇતિની નજર સામે એક પછી એક દ્રશ્યો જાણે ઊઘડતા જતાં હતાં. જાણે આજે જ આ ક્ષણે બધું બની રહ્યું હતું.

કયાં છે ઇતિનો એ બોડીગાર્ડ આજે? કાળની કઇ ગુફામાં ખોવાઇ ગયો? એ બોડીગાર્ડનું નામ અરૂપ કેમ કરતા.. ક્યારે થઇ ગયું?

કાળ કરવટ લે છે ત્યારે સમય નથી બદલાતો.. બદલાય છે જીવન..

ઇતિનું પણ જીવન બદલાયું હતું. સાવ અણધાર્યું બદલાયું હતું.

(ક્રમશઃ)

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


Leave a Reply to Hiran desaiCancel reply

3 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૩) – નીલમ દોશી