પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૬ (૩૨ વાર્તાઓ) 5


Mayaપ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ ‘સર્જન’માં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૨-૩ જુલાઈના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે શ્રી હરકિસન મહેતાની નવલકથા ‘સંભવ-અસંભવ’માંથી ઉદધૃત જે કડી આપવામાં આવી એ હતી..

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

૧. ડાહ્યાઓની જમાત

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“જાણ કરી હોય કે ન કરી હોય, ત્યાં જવું એ જ અજુગતુ છે.”

“વેલ, આઈ એગ્રી, પણ..”

માયા ચા લઈને આવી એટલે બંને ચૂપ થઈ ગયા, માયાએ સામેથી પૂછ્યું, “તમે બન્ને… હું રેડલાઈટ એરિયામાં ગઈ એની વાત કરતા હતા? આખા ગામને ખબર છે કે ત્યાં કેવી અનૈતિક પ્રવૃત્તિઓ થાય છે, પણ કોને પડી છે?”

“પણ તારે ત્યાં જવાની શું જરૂર હતી? તને ત્યાં કંઈક થઈ ગયું હોત તો?”

“બાકીય શું રહ્યું છે?”

મનોજ પાછળ ઉભો ઉભો આ બધુ સાંભળતો હતો, એ બોલ્યો, “મારા જેવો ઈન્સ્પેક્ટર સાથે હોય તો એણે ડરવાની કોઈ જરૂર ખરી?”

“પણ તમે બન્ને ત્યાં ગયા શું કામ? તમે શું કરી લેવાના હતા?”

“દ્રૌપદીનું ચીરહરણ થતું હોય અને કૃષ્ણ જોયા કરે? ના વત્સ દુર્યોધન..”

“યાદ રાખજે.. કુરુક્ષેત્રમાં…”

“ચાલો.. જમવાનો ટાઈમ..” વોર્ડબોયે દંડો પછાડતા બૂમ પાડી, બધા જમવાના ખંડ તરફ ચાલ્યા અને એક હારમાં બેઠા. ફક્ત માયા જ એ હારમાં નહોતી.. ડૉક્ટરની કેબિનની “રેડલાઈટ” ઝબકી ઉઠી.

– જીજ્ઞેશ અધ્યારૂ

૨. ફિયાન્સ

“નિશા, જલ્દી સીટી હોસ્પિટલ આવી જા.. પ્રથમનો એક્સિડન્ટ થયો છે.” ડૉ. નિલયે ફોન પર કહ્યું ને તરત જ ઓપરેશનની તૈયારીમાં લાગી ગયા. નિશા, પ્રથમ અને ડૉ. નિલય કોલેજથી જ ખાસ મિત્રો. નિશા હોસ્પિટલ પહોંચી ત્યારે ઓપરેશન ચાલુ થઈ ગયુ હતું. ઓપરેશન બાદ ડૉ. નિલય બહાર આવ્યા ને નિશાને જોઇ હળવું સ્મિત આપતા કહ્યું, “ચિંતા કરવા જેવુ નથી હવે, એ જોખમથી બહાર છે.” ને ત્યાં હાજર એક વ્યક્તિ સાથે એનો પરીચય કરાવતાં કહ્યું, “આ માયા છે, પ્રથમની ફિયાન્સી, એક્સિડન્ટમાં એ પણ થોડી ધાયલ થઈ હતી.” થોડી ઔપચારીક વાતો કરી નિશા ડૉ. નિલયની ઓફિસમાં ગઈ. “પ્રથમ લકી છે, એની ફિયાન્સી ખૂબ જ સુંદર છે, નહીં!”

“હા, હવે જરા …” ડૉ. નિલય વાક્ય પુરુ કરે એ પહેલા નર્સ દોડતી આવી. “સર, કમ ઓન ફાસ્ટ, પેશન્ટની કન્ડીશન બગડી રહી છે.”

ડૉ.નિલય દોડતા ત્યાં પહોચ્યા પણ ત્યાં સુધી પ્રથમ શ્વાસ છોડી ચૂક્યો હતો. ડૉ. નિલયને કંઈક ખૂંચ્યુ, “હમણા સુધી એની સ્થિતિ સુધારા પર હતી. તો અચાનક..?” એમણે સીસીટીવીમાં ચેક કર્યું. ને તરત જ એમણે બહાર આવી માયાને શોધવાનો પ્રયત્ન કર્યો પણ એ ક્યાંય નહોતી દેખાતી.

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!” ડૉ. વારાફરતી નર્સ અને નિશા તરફ જોઇ રહ્યા.

– કેતન દેસાઈ

૩. લશ્કરની માયા…

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“સ્ટ્રેન્જ નથી મિત્ર, મારો જ વાંક હતો કે તે કહ્યા વિના ગઈ. તે બચી જશેને નિલય?”

“મિત્રદાવે હું કશું છુપાવીશ નહીં, લોહી ઘણું વહી ગયું છે, ત્રણ ગોળીઓ વાગી છે… પણ તે કહ્યું હતું કે માયાને ભણાવવા અમેરિકા મોકલી છે?”

“એક દીકરીનો બાપ બીજું કહે પણ શું? હવે કશું નથી છુપાવવુ. સાંભળ, તે ૧૮ વર્ષની હતી, મારા પુત્ર હર્ષનું સરહદ પર લડતાં મૃત્યુ થયું, તેના શબ પરના તિરંગાને જોઈને જ માયાએ જીદ પકડી કે હું ભાઈની જેમ જ લશ્કરમાં જોડાઈશ.. દીકરા સુધી ઠીક હતું પણ એક દીકરીને લશ્કરમાં? એ પણ એક મા વિનાની દીકરીને કેમ મોતના મુખમાં મોકલું? તેને જાપ્તા હેઠળ રાખી પણ એક દિવસ તે પિંજરામાંથી આઝાદ થઇ ગઈ…”

“ત્યાર પછી કોઈ કોન્ટેક્ટ નહીં?”

“બસ, તેણે પોતાનું સપનું સાકાર કર્યું ત્યારે અને દર વર્ષે મારા બર્થડે પર તેનો અચૂક કોલ આવતો પણ મેં તેને ક્યાં માફ કરી હતી? આજે જયારે સાત દુશ્મનોનો નાશ કરી દુનિયાની નજરમાં તે એક રોલમોડલ બની છે ત્યારે એક બાપ જ તેની નજરોમાં વિલન હશે..”

“ડોકટર, કમસૂન.. પલ્સ ઇસ ડ્રોપિંગ.. પેશન્ટ નિડ્સ અટેન્શન”

– નિમિષ વોરા.

૪. માયાનું મર્ડર

“ના, તમારે આવવું જ પડશે. આ વખતે હું તમારી એક પણ વાત માનવાની નથી.” માયા ક્યારની આકાશને તેની સાથે પાર્ટીમાં લઇ જવાની જિદ્દ કરી રહી હતી.

“ના માયા, મેં તને ના કહી ને, એકવાર માં સમજાતું નથી તને? હું કોઈ કારણ વિના થોડું ત્યાં જવાની ના પાડતો હોઈશ, અને તારે પણ ત્યાં નથી જ જવાનું.” આકાશ માયાને સમજાવવાની તેનાથી બનતી બધી કોશિશ કરી રહ્યો હતો.

“ઓ.કે, હું નહીઁ જાઉં બસ. તું ક્લિનિકથી આવ્યો છે, થાકી ગયો હોઈશ એટલે બાથરૂમમાં જઈને ફ્રેશ થઈ આવ.” માયાએ આમ તો આકાશની વાત માની લીધી હતી પણ તેનું મન હજુય તેની બાળપણની ખાસ સહેલી ક્રિષ્નાની પાર્ટીમાં જવા માટે તરફડતું હતું.

થોડા સમય પછી…

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!” ડોક્ટર પ્રશાંત અને આકાશ બંને એકબીજાના ખાસ મિત્રો હતા.

“હા, મેં એને ના કહી હતી. અને એણે મારી વાત ન માની. અને પેલા નરાધમોએ રસ્તા વચ્ચે જ મારી માયાને…” આટલું બોલતા જ આકાશ હૈયાફાટ રડવા લાગ્યો. ડૉક્ટર પ્રશાંતે તેને સંભાળવા ઊભા થયા.

– ભટ્ટી નૈષધ

૫. ઓળખ

ડો. માયા અને ડો. મિતેશ સાથે ભણતા ભણતા પ્રેમમાં પડ્યા હતા અને લગ્ન કરવાના હતા. માયા એક સામાન્ય કુટુંબમાં જન્મેલી અને ઉછરેલી, ભણવામાં અતિ તેજસ્વી હોવાથી ડોકટર બની. મિતેશ હોશિયાર તો ખરો પરંતુ ડોકટરી એને વારસામાં મળી હતી. એટલે થોડો નફીકરો હતો. એને તો રેડીમેડ હોસ્પિટલ મળવાની જ હતી. બિન્દાસ જીવતો. તેણે માયાને પણ કહ્યું હતું કે, “પપ્પાની હોસ્પીટલમાં તું મારી આસિસ્ટન્ટ ડોક્ટર અત્યારથી નિમાયેલી જ છો. તું તારે જલસા કર.”

પરંતુ માયાએ પોતાના માતાપિતા અને પોતાની બધીજ મૂડી અને મહેનત દાવ પર લગાવીને ડોક્ટરની પદવી મેળવી હતી. એને પોતાની ઓળખ બનાવવી હોય એ સ્વાભાવિક હતું.

પરિણામ પછી માર્કશીટ લેવા કોલેજમાં ગયા ત્યારે મિતેશ-માયા બધા મિત્રોને મળી રહ્યા હતા, એકબીજાને સૌ અભિનંદન આપતા હતા. ત્યારે ડો. ઈલેશે અચાનક ડો. માયાને કહ્યું, “અભિનંદન, આપણા ગ્રુપમાંથી સૌથી નામાંકિત હોસ્પિટલમાં નોકરી મેળવવા બદલ.”

“શેના?” ડો.મિતેશે પૂછ્યું.

ડો. ઈલેશે નવાઇથી પૂછ્યું, “હે?”, હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા: “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

– જાહ્નવી અંતાણી

૬. રંગમંચ

“પુઢે તીક્ષ્ણ ગતિરોધક આહે.” ડ્રાઈવરની અચાનક બ્રેક મારવાથી સંજનાબેનની તંદ્રા તૂટી.

“મમ્મી, જો તો આ ડ્રેસમાં હું કેવી લાગું છું? સંજુને હું ગમીશ તો ખરીને? વર્ષો પછી મને મળી રહ્યો છે. કેટલા સ્ટેજ શો કર્યા પણ એકેયમાં… આજે તો ગમે તેટલું મનાવે, માનવાની જ નથી. શું સમજે છે પોતાને? નવાઈનો..”

“મારી દીકરી, તું મારા માટે કાયમ સુંદર જ છે. સુંદરતા જોનારની આંખમાં હોય. કપડાં તો આવરણ છે જે તને વધુ સુંદર બનાવી રહ્યું છે. પણ સંજુ ચોક્કસ તને મળશે? ખાત્રી છે તને?”

“હા મમ્મી, એણે ફોનમાં હા કહી હતી. અને મારો એ પ્રથમ… તારાથી ક્યાં કંઈ છૂપું છે!”

“મારી ભોળી દીકરી.. આ શું કેટલા સેલ્ફી લઈશ?”

* * * *

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! આ છોકરી પણ..”

“ડૉક્ટર, મેં તમારા પર ભરોસો રાખ્યો કે ત્યાં સચવાય.. એની એક પછી એક સ્ટેજ શોની નિષ્ફળતા અને સંજુની.. મારી દીકરી આ સ્ટેજે પહોંચી.”

– શીતલ ગઢવી

૭. માયા મેડમ

ટીવી પર ઝડપથી દ્રશ્યો ફરતા હતા, ને એ જોઈ બંને વિચારમાં પડી ગયા.

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“હું ત્યાં જ હતો પણ ખબર નહીં એ ક્યારે જતા રહ્યા. આ સીસીટીવીમાં માયા મેડમ જ છે.”

“ઈડિયટ, એ તો મને પણ ખબર છે કે આ માયા મેડમ છે. તારે એમનો પીછો કરવાનો હતો.”

‘સંજીવની’માં થોડા દિવસોથી બાળકો ચોરાવાની ઘટના બનતી હતી. પોલીસે તપાસ કરી પણ કંઈ ન થયું.

ડૉ. વિકાસને બાળક ગુમ થવા પાછળ ટ્રસ્ટી માયા મેડમનો હાથ હોવાની શંકા હતી. ભૂતકાળની પ્રેમિકા આજે ‘માયા મેડમ’ બની સામે ઊભી હતી, રગ રગથી ઓળખતો હતો !

એટલે જ એક વોર્ડબોય નજર રાખવા ગોઠવ્યો હતો.

*

માયા મેડમે નોટોનું બંડલ વોર્ડબોય સામે ફેંક્યું. બદલામાં તે બાળકને ત્યાં મૂકીને ચાલ્યો ગયો.

“આવી ગયો મારા દીકરા, બહુ વાર લગાડી.” તેણે બાળકને બાહોમાં લઈ લીધું, પણ આ શું બાળક રડવાને બદલે શાંત કેમ છે?

“સા… વોર્ડબોય.” માયાએ ચીસ પાડી ઢીંગલાનો ઘા કર્યો.

*

થોડા દિવસ પછી હૉસ્પિટલનો આખો સ્ટાફ માયા મેડમના બેસણામાં જઈ આવ્યો. આજે પણ સંજીવનીનો સ્ટાફ સમજી નથી શક્યો કે માયા મેડમ ને ડૉ. વિકાસ પેલા નવજાત બાળકોનું શું કરતા હતા?

– સોનિયા ઠક્કર

૮. કળિયુગની ગંગા

શ્વેત વસ્ત્રોમાં સજ્જ સુંદરી બાળકને લઈને નદી કિનારે આગળ વધે છે.. પ્રવાહમાં અંશને વહેતો મૂકી સ્થિરભાવથી પાછી ફરે છે. આમ સતત સાત બાળકોને વિસર્જિત કરી આઠમા બાળકને મૂકવા જાય છે ત્યાં જ ત્વરાથી પ્રવેશેલો રાજા તેને પોતાની ગોદમાં લઈ લે છે. સુંદરી પળભરમાં અદ્રશ્ય થઈ જાય છે.

આખો હોલ તાળીઓના અવાજથી ગૂંજી ઊઠ્યો.

*

“તેને હિરોઈન બનવું હતું, પણ એ પહેલા નાટકમાં પોતાનો ડંકો વગાડવા માંગતી હતી.. પણ તમે જે વાત કરો છો એની મને ખબર નથી.”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! એણે એક વાર નહીં પણ ત્રણ વાર.. એ જ્યાં ગઈ હતી એ મારો મિત્ર હતો એટલે ખબર પડી.”

“પણ માયા ગાંડી નથી કે આવું કરે. જરૂર એની કોઈ મજબૂરી રહી હશે. કારકિર્દી માટે કોઈ પોતાના અંશને..”

“પરેશ, એ તું માયાને પૂછી લેજે. પણ હા, તેની સ્થિતિ જોતાં હું વિશ્વાસથી કહું છું કે હવે કલબલાટ તારા ઘરમાં નહીં ગૂંજે.”

*

“વાહ માયા, શું અભિનય કર્યો છે ગંગાનો ! ફેન થઈ ગયો હું તારો.” પરેશની બાહોમાં મોં છુપાવી તે વિચારી રહી ‘ગંગાને ભીષ્મ મળ્યો, પણ મને તો..’

– સોનિયા ઠક્કર

૯. સ્ટોન કિલર

“સીસીટીવીના ફૂટેજ પરથી લાગે છે કિલર આ જ હોસ્પીટલમાંથી નીકળી હત્યાને અંજામ આપે છે.” ઈન્સ્પેકટર પાંડેય બોલ્યા, “આ ઉપરાઉપરી ચોથી નિર્મમ હત્યા, પત્થર મારીને માથું એ રીતે છુંદી નાખે કે મરનારની ઓળખ ચહેરા પરથી થઈ જ ન શકે. ડો. સાહેબ, થોડો સહકાર આપો તો સાયકો કિલરને પકડવાની ખૂબ જ નજીક છીએ. આ ફૂટેજ પ્રમાણે એ તમારી સાયકો પેશન્ટ માયા હોઈ એવુ જ લાગે છે.”

“આકાશ, ગઈ રાત્રે માયા બહાર ગઈ હતી?” ડો. શાહે એના મદદનીશ ડો. આકાશને પૂછ્યું.

“સર મને કંઈ યાદ નથી. પણ માયાએ રાતે કોફી બનાવી અને અમે બંનેએ કોફી પીધી હતી, બસ પછી કશું જ યાદ નથી સર.”

“હેં!” હવે ડો. સહેજ ગંભીર બન્યા, “એટલે કે માયા તમારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ.”

“ઓ.કે.. સર, મને આજની રાત આપો, કાલ સવારે હું કાતિલને રંગે હાથ પકડીને તમને સોંપી દઈશ.” ડો. શાહે ઈન્સ્પેક્ટરને વિનંતી કરી.

વહેલી સવારે નર્સની ચીસોથી હોસ્પિટલ ગૂંજી ઉઠી. ડો. શાહની લાશ કમ્પાઉન્ડમાં… મસ્તક પથ્થરથી છુંદી નાખેલું.

ડો.આકાશ બારીમાંથી બોલ્યો.. “સાયકો કિલર.. હા..હા..હા…”

– શૈલેષ પંડ્યા

૧૦. એક્સચેંજ

“ડૉક્ટર, મારું ‘ઓપરેશન’ થઇ શકે.. ફરીથી..?” નિર્માણબાબા દયનીય ભાવે બોલ્યાં.

“પણ, બાબા તમે તો.. નપુંસક થવાનું ઓપરેશન..” નિલયમાંથી નિર્માણબાબા બનેલાં મિત્રને ડોક્ટરે સવાલ કર્યો.

“હા.. સંસારીમાંથી ‘વૈરાગી’ તો બન્યો, ‘જાત’ પણ બદલી નાંખી. અરે કુદરતની રચનાય પલટી નાંખી, તોયે..” બાબાએ પોતાની વિવશતા જણાવતાં ઉમેર્યું, “..તોયે મારું મન ભૂતકાળની આદતોને વશ.. ‘રેડ લાઈટ એરિયા’માં કાલે આંટો મારી આવ્યું…”

“હું ખૂબ સંયમ રાખી સત્સંગ કર્યે રાખતો… પરંતુ મનની ‘માયા’..” બાબાની આધ્યાત્મિકતા એળે જઈ રહી હતી.

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

..કહીને ડોક્ટરે ટ્રાવેલ્સ એજન્ટને ફોન લગાવ્યો.. “ભાઈ હરિદ્વારની ટિકિટ કેન્સલ કરીને બેંગકોંક…”

– ધર્મેશ ગાંધી

૧૧. સાઈકો

“હું સાઇકો છું… ડૉક્ટર” હોઠ સહેજ ત્રાંસા કરી બ્રેઝા ફિક્કું હસી.

“મારા પતિ માટે, આ મારી ઓળખ..” બોલતાં એક ડૂસકું નીકળતાં પહેલાં જ ગૂંગળાયું.

ડોક્ટરનો ચહેરો સ્થિર-સપાટ.

“શું પોતાનો ઘરસંસાર બચાવનાર સ્ત્રી પાગલ..?” બ્રેઝાનાં શબ્દો અટક્યાં, પાંપણનાં કિનારા ભીંજાયા.

“માયા.., આ નામથીયે નફરત છે, બહેન છે મારી, પણ..” બ્રેઝા વ્યથા ઠાલવ્યે જતી હતી, અને ડૉક્ટરનાં ચહેરાની રેખાઓ આશ્વાસન આપી રહી હતી..

“પતિ, અને બહેન માયા.. એક-બીજામાં પરોવાયાં અને હું ખોવાઈ.. વિરોધ કરતી, તો ‘મગજ વગરની’, સવાલ પુછતી, તો શંકાશીલ.. પછી, શારીરિક અત્યાચાર..” બ્રેઝાની કથની ડોક્ટરને હચમચાવી રહી હતી.

“પાણી પી, શાંત થા, આવું છું…” કહી ડોક્ટરે વૉશરૂમમાંથી ફોન લગાવ્યો, “ઇન્સ્પેક્ટર, મારી એક દર્દીને રક્ષણ.. આવી શકો..?”

વાત આગળ વધી, “અવિવાહિત માયા એબોર્શન..”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“હા, મારાં માતાપિતા વચ્ચે પણ આ જ સમસ્યા સર્જાયેલી..અને, સહેતું કોણ..? શું આમ લગ્નેતર સંબંધો બાંધી પરિવારને માનસિક-શારીરિક ત્રાસ આપનારને સજા નહિ મળવી જોઈએ..?” બ્રેઝા ફેંસલો સંભળાવવાં તત્પર..

“બિલકુલ, મળવી જ જોઈએ..” ડોક્ટરની હામી.

“તો લે.. આ તારી સજા, ડોકટર મા….યા….” કહી બ્રેઝાએ ટેબલ પરથી કાતર ઉઠાવી, ડોક્ટરનાં ગળામાં ઘોંચી દીધી..

થોડીવાર પછી..

ઇન્સ્પેક્ટર, ડોક્ટર માયાની લાશનું નિરીક્ષણ કરી રહ્યા હતાં, અને મેસેજ આવ્યો…

“પાગલો માટેનાં ‘અંડર ટ્રાયલ’ વૉર્ડમાંથી એક..”

– ધર્મેશ ગાંધી

૧૨. બહેનનો ત્યાગ

માયાનાં ભાઈ સંજયનું કિડનીનું ઓપરેશન તાજેતરમાં થયેલું. માયાનાં રૂમમાં બેઠાબેઠા નાની બહેનની વસ્તુઓ જોઈ એને યાદ કરતો હતો ત્યાં જ એક કાગળ નજરે ચડ્યો. એમાં માયાએ લખેલું, “મમ્મી પપ્પા, હું જીવતેજીવતતો આપના કામમાં ન આવી, પણ મારા મર્યા પછી મારી કિડની સંજયભાઈને આપી દેજો.”

સંજયની આંખો અશ્રુધારાથી ભરેલી… દોડતા મમ્મી પપ્પા પાસે જઈ કાગળ બતાવ્યો. આ પત્ર વિશે સંજય સિવાય સૌ જાણકાર.

એક દિવસ માયાનાં મમ્મી પપ્પા જ્યારે સંજયને લઇ ડાયાલિસીસ કરાવા ગયા હતા ત્યારે માયા કોઇને કહ્યા વિના ચાલી ગઇ હતી. અને પછી એના આપઘાતનાં સમાચાર આવ્યા હતાં. આપઘાતના કારણ સ્વરૂપ પોલીસને માયાનો છેલ્લો કાગળ મળ્યો. પરિવારનાં સૌએ દિકરીની છેલ્લી ઇચ્છાને માન આપતાં સંજયને માયાની કિડની આપવાનું નક્કી કર્યું. સદભાગ્યે સંજયને કિડની મેચ થઇ ગઇ. ઓપરેશન પણ સફળ થયું. સંજય સ્વસ્થ થઇ ઘરે પાછો આવી ગયો હતો. પણ સંજય માયાના પત્ર વિશે અજાણ.

અચાનક એ દિવસે સંજયને પેલો કાગળ માયાની નોટબુકમાંથી મળ્યો હતો. અને તે આ વિશે મમ્મી પપ્પા સાથે વાત કરતો હતો. એટલામાં ફેમિલી ડૉક્ટર ડૉ. નિલય આવ્યા. એમણે સઘળી વાતો દરવાજા પાછળથી સાંભળી લીધેલી. તેઓ પપ્પાની તરફ જોઈ આશ્ચર્યમાં પડી ગયા, “હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

– હાર્દિક પંડયા

૧૩. માયા

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા. “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

સૌરભ જોઈ રહ્યો. ડોક્ટરે શબ્દોમાં જે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું એ એમની આંખોમાં કેમ ડોકાતું નથી? કશુંક ઠીક નથી. એથીય પરે કશુંક વિચિત્ર છે!
પળવાર માટે ડોક્ટરની આંખોમાં ઉપસેલી ચમક પણ એણે નોંધી હતી. એ લેબોરેટરીમાં આવ્યો. ઇંચેઇંચ તપાસી. બધીજ વસ્તુઓ વ્યવસ્થિત હતી, માયા પણ!

‘માયા’ એનું માનસ સંતાન. એણે બનાવી હતી માયાને, જન્મ આપ્યો હતો. માયા નામનું રોબોટ. માણસની જેમ વર્તતું, જાણે જીવતો જાગતો માણસ. ૫૦૦૦ લાગણીઓ સૌરભે માયામાં ફીડ કરી હતી. આ વખતનું સાયન્સ માટેનું નોબેલ જગવિખ્યાત વિજ્ઞાની સૌરભ રાયને મળે તો કોઈનેય નવાઈ નહિ લાગે.

એણે નજીક જઈ માયાના કપાળ પર હાથ મુક્યો. ચોંકી ગયો સૌરભ. ઠંડાગાર સ્પર્શને બદલે..

એણે એ જ ક્ષણે માયાને સ્વિચ ઓફ કરી નાખી. મેમરી સ્કેન કરી. ઓલમોસ્ટ એમ્પ્ટી! ફક્ત એક જ ઈમોશન!

લેબોરેટરીના કોમ્પ્યુટર્સનો ડેટા ચેક કરવા સિસ્ટમ ઓન કરી. ત્યાં જ ડૉક્ટરનું અટ્ટહાસ્ય લેબમાં ગૂંજી ઉઠ્યું.

“સેક્સ બે પગની વચ્ચે નહીં પણ દિમાગમાં હોય છે, જેન્ટલમેન તે સાચું કહ્યું હતું. તારી માયાના દિમાગમાં પણ હવે એ છે, ફક્ત એ જ..”

“તારા માનસ સંતાનને મેં સેક્સટોય બનાવી દીધું છે. કોઈ પણ એક્સવાય ક્રોમોસોમનો સ્પર્શ હવે એને ઉત્તેજિત કરશે. તારો પણ..”

અને સૌરભ..

– રાજુલ ભાનુશાલી

૧૪. જાણ બહાર

ડૉ. અજય ઓર્થોપેડિક સર્જન ગૌતમના ખાસ મિત્ર હતા. છેલ્લા બે વર્ષથી તે ગૌતમના ઘરે આવતા. તેઓ અપરણિત હોય માયા તેને જમાડીને જ મોકલતી. લોકોએ ત્યારે કશી ટીકા ટીપ્પણી કરી નહોતી તે છતાં કોલોનીમાં આ વાત ચર્ચાનો વિષય તો હતો જ.

ઓફિસેથી રોજ સાંજે છ વાગે ઘરે આવતા ગૌતમે જોયું કે માયા આજે ઘરમાં નહોતી. ‘ઓહ, ક્યારેય આ પતિપરમેશ્વરને જાણ કર્યા વગર એ બહાર જતી નથી. તો આજે ક્યાં ગઈ?’ ગૌતમ વિચારતો હતો ત્યાં મોબાઈલની રીંગ વાગી. આસ્થા મેટરનીટીથી ફોન હતો કે એબોર્શન દરમ્યાન માયાનું ઘણું લોહી વહી ગયું અને એ બેભાન છે. આઈ.સી.યુમાં એડમીટ કરી છે.

ગભરાયેલા ગૌતમે ડૉ.અજયને તુરંત ફોન જોડ્યો, “હલો અજય, તું જલ્દી ઘરે આવ.”

“કેમ, માયાએ મારા પ્રિય ભજીયા બનાવ્યા છે? તને આપવા ના કહે છે?” મજાકના સ્વરમાં અજયે કહ્યું.

“ના, તું હમણાં જ આવ. ખબર નથી એ કેમ હોસ્પિટલ ગઈ હતી? ત્યાં એને કશું થઇ ગયું છે.”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

ડૉ. અજયે અજાણ હોવાનો પ્રયાસ કર્યો. બન્ને હોસ્પિટલ પહોંચ્યા. ગૌતમ શૂન્યમનસ્ક હતો. ડૉ. અજય ચિંતામાં હતા, તેમણે આવા સંજોગોની તો કદી કલ્પના જ કરી નહોતી.

– અનસુયા દેસાઈ

૧૫. માયાની માયા.

રોજ સવારે એમનો મળવાનો સમય, બંને સાથે જ ચાલવા જાય ને ત્યાર બાદ બાગમાં બેઠા બેઠા ભૂતકાળ વાગોળતા, પણ આજે દેશમુખને ઉદાસ જોઇ ડૉક્ટરે પૂછી લીધું, “શું થયું ભાઈ? કેમ આમ ઉદાસ બેઠો છે? ઘરે બધું હેમખેમ તો..”

“હા ડૉક્ટર, બધું હેમખેમ છે. બસ મારી ખુશી સામેના શાંતિલાલને પચી નહીં, ત્રણ દિવસ પહેલા વાઘ જેવો કૂતરો લઈ આવ્યો છે, બસ ત્યારથી..”

“ત્યારથી શું?” ડૉક્ટરને વાતમાં રસ ચડ્યો.

“એના ત્રાસથી હું માયાને બહાર જવા જ નથી દેતો, પણ કાલે ત્યાં શું જોઇ ગયેલી કે એ બાજુ જ.. બપોરે હું સૂઇ ગયેલો એમાં જ..”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“હા પણ હવે તો શું થઈ શકે, એ કૂતરાએ જ એને.. બીચારું ભલે જાનવર હતું પણ મારા માટે તો..” દેશમુખ ઊભા થઈ ચાલતા થયા.

– શૈલેષ પરમાર

૧૬. સંબંધ

ડૉ. સમરનાં હાથમાં ‘સક્શન ક્યુરૅટ’ હતું અને કાન પર મૉબાઈલ. સામે ઑપરૅશન ટૅબલ પર માયા સૂતી હતી.

ડૉક્ટરે ક્યૂરૅટીંગ શરૂ કર્યું. એક તરફ માયાનાં ઊંહકારા વધી રહ્યાં હતાં અને બીજી તરફ ફૉન પર તેજસનો ગુસ્સો, “દોસ્ત! માયાનું કોઇકની સાથે તો લફરું જરૂર છે. તે કોણ છે એ હું નથી જાણતો પણ તેની સાથે માયાનાં શારીરિક સંબંધો હોવાની પણ મને પૂરી ખાતરી છે.”

“એવુ તું શેનાં પરથી કહી શકે?” ડૉક્ટરે ફટાફટ પોતાનાં હાથ ચલાવતાં પૂછ્યું.

હવે તેજસથી રહેવાયું નહીં. તેનાંથી એક ડૂસકું ભરાઈ ગયું. “મને માયા પર શંકા તો હતી જ, એમાં ઉપરથી મને પડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે લગભગ મહિના પહેલાં માયા કોઇક પુરુષ સાથે હૉટલનાં બંધ રૂમમાં..” તેજસથી આગળ ન બોલી શકાયું.

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યાં; “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વૅરી સ્ટ્રૅન્જ!” એ પછી તેજસને ખોટું આશ્વાસન આપતાં સમરે ઊમેર્યું, “સાંજે માયાને લઇને મારાં દવાખાને આવી જા. અમુક તપાસથી આપણે માયાનાં આડસંબંધોની ચોક્ક્સ ખાતરી કરી શકીશું.”

એ પછી ફૉન મૂકાયો. બીજી તરફ માયાનું ક્યૂરૅટીંગ પણ પૂરું થયું.

ડૉ. સમર ખૂશ હતો કે સાંજની તપાસમાં માયાને નિર્દોષ સાબિત કરીને પોતાનાં ગાઢ મિત્રનું તૂટતું લગ્નજીવન બચાવી લેશે. પણ બીજી તરફ પોતાની જ નિશાનીને માયાનાં ગર્ભમાંથી કાઢી લેવાનું દુઃખ આંસું બનીને સમરની આંખમાં છલકાઈ આવ્યું.

– ડૉ. નિલય પંડ્યા

૧૭. અધૂરી પ્રેમકહાણી

“સમીર, કંઈ સમજાતું નથી, હું માયાને અતિશય ચાહું છું, એના પર શક કરવા નથી માંગતો, પણ રોજ રાત્રે એ ક્યાંક જાય છે. મારા ઘરનાએ જોયું છે, માયા કહે છે, ‘આ ખોટું છે, મારી માયા પર ચરિત્રહીન હોવાનો આરોપ હું સહન નહિં કરી શકું.’ કંઈ કર યાર..”

“રવિ, જોઉં છું શું સમસ્યા છે.”

બીજી રાત્રે રવિના ઘરની બહાર..

રાત્રે ૧૨ વાગ્યે દરવાજો ખુલતા સમીર સતર્ક થઈ ગયો, માયા એકીટશે અનંતમાં ઝાંકતી હોય એમ ચાલી જતી હતી. એના અનુભવી મગજને સમજતા વાર ન લાગી કે માયા કોઈના સંમોહનમાં છે.

* *

“સમીર.. તેં કેમ ત્વરિત આવવા કહ્યું.”

“પહેલા મને એ કહે, તું આજે રાત્રે શું કરતો હતો.”

“તારા કહેવા પ્રમાણે ૧૦ વાગ્યે સૂઈ ગયો હતો.”

“હેં?” હવે ડોક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! ચાલ મારી સાથે..”

“આ ખંડેર બની ગયેલા ઘરમાં મને કેમ લાવ્યો છે,”

“તારી માયા રોજ રાત્રે અહી જ આવે છે.” તપાસ કરતા બંનેને ખબર પડી એ એક ચિત્રકારનું ઘર હતું, બે સદીથી બંધ..

“અરે મારી માયાની એટલી બધી તસ્વીરો, પણ આવા વસ્ત્રો અને આભૂષણો..”

“આ માયા નહીં, રૂપમતી છે.. એક અધૂરી પ્રેમકહાણી..”

રવિ વિસ્ફારિત નજરે બધું જોઈ અને સાંભળી રહ્યો..

– મીત્તલ પટેલ

૧૮. જાણભેદુ

“હેલો”

“હા બોલો”

“હું સ્પંદન હોસ્પિટલમાંથી ડૉક્ટર દવે વાત કરું છું. મારે મિસ્ટર મિહીર સાથે વાત કરવી છે.”

“હા બોલો ડૉક્ટર, હું મિહિર જ છું. મિહિર મહેતા ”

“મિહિર મહેતા?”

“મિહીર, હું પ્રથમ.. ડૉકટર પ્રથમ દવે.”

“ધ્યાનથી સાંભળ, તારી પત્ની, માયા?”

“હા, બોલ પ્રથમ.”

“મિહીર, માયા!”

“હા, શું છે માયાને? પ્લીઝ જલ્દી બોલ.”

“મિહીર, માયા હવે..”

“માયાની આ હાલત દવા અને ઈન્જેક્શનના લીધે થઈ હતી. તને જાણ છે ને કે ટેસ્ટટયુબ બેબી દ્વારા બાળકની પદ્ધતિ હજુ અહીં એટલી સફળ નથી, એમાં નહીવત સફળતા હોવા છતા તમે બંને?”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! (માયા તારી જાણ બહાર? બની જ ન શકે.)

જીવ જરાક બંધાયો ત્યા ભ્રમણા તૂટી. ફોન કટ થઇ ગયો.

માયાથી જોજનો કિલોમીટર દૂર, અંધારામા ઉબડખાબડ રસ્તા પર ચાલતા મિહિરને લાગ્યું જાણે વીતેલા વર્ષોનું વાસીપણું ધોવાઈ ગયુ.

– જલ્પા જૈન

૧૯. સાતમું પગાર પંચ

… સરકારી અધિકારીની જાતીય કનડગતને કારણે કિશોરભાઈએ દસ વર્ષ પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી, પેન્શન હતું માત્ર ચાર હજાર…

પતિ, પત્ની અને એક દત્તક પુત્ર સ્વરાજ… મોંઘવારી સામે લડત અને ઇચ્છાઓનું આત્મસમર્પણ કરતાં એમણે સમાજસેવા દિલથી સ્વીકારી હતી…

“સાંભળો છો? ડૉ. નિલયનો ફોન હતો…”

“હા, આ વખતે આપણે સ્લમ વિસ્તારમાં મેડિકલ કેમ્પ કરવાનો છે, કેન્સર માટે…”

“પણ… આ વખતે ફંડનો પ્રોબ્લેમ…”

“અરે, તું ચિંતા ન કરીશ. મેયરે અંગત રીતે અને સિવિલ સર્જને સરકારી રાહે મદદ કરવાની ખાતરી આપી છે.”

“સારું તો આવતા રવિવારે.”

“પાક્કું, કોઈ ચિંતા નહી કરવાની, ભગવાન સારું કરશે!”

… ૧૧૭ જણાનું ચેકઅપ થયું, રિપોર્ટ આવ્યા, અને ૧૨ જણને કેન્સર ડિટેક્ટ થયું, લિસ્ટમાં છેલ્લું નામ વાંચતા ડૉ. નિલય આંચકો ખાઇ ગયા…

ટ્રીટમેન્ટનો ખર્ચ ઘણો હતો, સેકન્ડ સ્ટેજમાં પહોંચેલું કેન્સર, અને વાત ગંભીર હતી…

“હેં?” હવે ડોક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“હા, પણ એણે સારું જ કર્યું, આપણને ખબર તો પડી કે સ્વરાજને…”

“કેવી રીતે ઉપાડીશું આ ખર્ચ?” એણે સ્ત્રીસહજ ચિંતા જતાવી.

…અને કિશોરભાઈની નજર ડૉક્ટર પાસે રહેલા છાપામાં સમાચારની હેડલાઈન પર અટકી…

“સાતમું પગાર પંચ જાન્યુઆરીથી લાગુ”

– સંજય થોરાત

૨૦. માયા

“ડૉકટર, બરાબર ચેક કરો ને.. મારી માયાને અચાનક શું થઇ ગયું? આ જુઓ.. તેની આંખમાંથી આંસુની ધાર થાય છે.”

“ધીરજ રાખો ધીરજભાઈ! તમારી માયાને કંઈ નહીં થાય. આ બિચારી આપણી જેમ બોલી થોડી શકે છે કે આપણને કહે મને તાવ આવ્યો.” ડૉકટર નિલય માયાના માથા પરથી ધીરેધીરે પેટ પર હાથ લઈ જતા બોલ્યા.

“એટલે…. તાવ?”

“હા, વાતાવરણના ફેરફારને લીધે માયાને ઇન્ફેકશન થયું છે. આપણને થાય તેમ!”

“સારું થયું કે તું પાછી મળી ગઈ, નહિતર…..” ધીરજભાઈએ માયાના માથે હાથ ફેરવતાં કહ્યું.

“મતલબ?”

“એક મહિના પહેલાં મેં માયાને ખરીદી હતી. એક મહિનામાં તો તે કેટલીય વાર ભાગી ગઈ, ને હું દર વખતે તેને શોધી લાવ્યો. હંમેશા તેના જૂના માલિક પાસે મળતી. કાલે રાત્રેય જતી રહી હતી.”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તમારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! …પણ કેમ? અને આ તેની બાજુમાં બેઠું તે તેનું બચ્ચું છે? તમે તેને પણ ખરીદી લીધું?”

“શું કરું? આખરે ખરીદવું જ પડ્યું. તેના લીધે તો માયા ત્યાં જતી હતી, ને ડૉકટર… તમે પણ ખરાં છો. માયાના સંતાનને બચ્ચું કહેવાય? તેને તો વાછરડું….”

“ખરા તો તમે છો. ગાયને ‘માયા’ નામ અપાય તો તેના સંતાનને ‘બચ્ચું’ કેમ ન કહેવાય!” આટલું કહેતા ઢોરનાં ડૉકટર નિલય અને ધીરજભાઈ ખડખડાટ હસી પડ્યાં.

– દિવ્યેશ વિ. સોડવડીયા

૨૧. વિશ્વાસઘાત

હોસ્પિટલ આવતાં જ માયાએ બોર્ડ તરફ નજર કરી : ‘આશીર્વાદ હોસ્પિટલ.’ તેના પગ થોડીવાર ત્યાં જ થંભી ગયા.

આજે ફરીવાર ચેકઅપ માટે પતિ-પત્ની આવ્યા હતા. માયા ત્રણ મહિનાથી ગર્ભવતી હતી, પણ પતિના આગ્રહવશ ડૉ. મહેતાને જ બતાવવું પડતું હતું.

“કેમ છો મિ. મહેતા?” કેબિનમાં પ્રવેશતાં જ મનોહરે પૂછ્યું.

ડૉ. મહેતાએ એક નજર માયા તરફ કરી લીધી. માયા આડું ફરી ગઈ.

“માયા, રૂમમાં પહોંચ. હું થોડું ચેક કરી લઉં.” શબ્દો કાને પડતા જ માયાને કંપારી છૂટી ગઈ! તેણે મન મક્કમ કર્યું.

ડૉ. મહેતા અંદર જતી માયાને ટગર ટગર જોતા રહ્યા.

“આ ડૉ. પંડ્યાનો રિપોર્ટ છે, જરા જોઈ લેજો” મનોહરે ફાઇલ ટેબલ પર સરકાવી.

“ડૉ. પંડ્યાને ત્યાં ક્યારે ગયેલા? મારા પર વિશ્વાસ નથી તને?” ડોક્ટરના અવાજમાં થોડો ગભરાટ દેખાયો.

“મને પણ ખબર ન હતી, માયા તેની માંને લઈને ત્યાં જઈ આવી!”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“હા ડૉક્ટર, મનોહરને કહ્યા વગર જ ત્યાં ગઈ હતી!” માયા સીધી જ રૂમમાંથી આવતા ડૉક્ટર પર ત્રાટકી.

“પણ વાત શું છે?” મનોહર અકળાયો.

“આ તમારો મિત્ર અંદર રૂમમાં, મારી સાથે દર વખતે… છી!”માયાને ગળે ડૂમો ભરાયો. આંખો છલકી ઊઠી.

સટાક કરતા મનોહરે ડૉ. મહેતાના ગાલ પર એક તમાચો ખેંચી કાઢ્યો.

– વિષ્ણુ ભાલીયા

૨૨. ડ્રેસિંગની પટ્ટી

અચાનક માયાનું શરીર પાણી પાણી થઈને ચક્કર ખાઈને જમીન પર ફસડાઈ પડ્યું. માયાને થોડીવારમાં શું થઇ ગયું એ રાજીવને ખબર ન પડી.

સાજીસમી માયાને આજકાલ શું થયું એ ખબર નહોતી પડતી. તરત રાજીવે ફેમિલી ડૉક્ટર પારસને ફોન કરી બોલાવ્યા. પારસે માયાને તપાસી.

“ડોક્ટર, શું થયું છે મારી માયાને એ તો કહો? મારા અકસ્માત પછી બધી જ જવાબદારી એને સંભાળી લીધી છે. આવતા અઠવાડીયે મારા બીજા પગનું પણ ઓપરેશન છે. એનાં વગર હુંં પાંગળો છું.”

“રાજીવ, એ જ જાણવાની કોશિશ કરી રહ્યો છું પણ ખબર પડતી નથી. બધુ જ નોર્મલ છે.. ફક્ત પ્રેશર વધઘટ થયા કરે છે. પેટ જરા દબાવવા ગયા ત્યાં ડોક્ટરે ડ્રેસિંગ કરેલી પટ્ટી જોઈ, ને રાજીવને આ બાબત પૂછ્યું.

“ડૉક્ટર, મને નથી ખબર..! “

ઘરમાં કામ કરનાર બેન બધી વાત સાંભળતી હતી એણે કહ્યું, “ડૉકટર, કાલે માયાબેન વાડિયા હોસ્પિટલમાં ગયા હશે એમનાં પર્સમાંથી કાગળિયા નીચે પડ્યા હતાં જે ઉંચકીને મેં તેમને આપ્યાં હતાં, એમણે મારા હાથમાંથી ઝૂંટવીને લઈ લીધાં હતા. મેં હોસ્પિટલનું નામ વાંચ્યુ હતું.” ત્રણે એકબીજાના મોઢા જોવા લાગ્યા.

“હૈ..?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા, “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઇ હતી? વેરી સ્ટ્રેન્જ.”

“રાજીવ, તને ખબર છે કે એ હોસ્પિટલમાં શું થાય છે?”

“ના”

“માયાએ કિડની તો વેચી પણ…” ડોક્ટરના શબ્દો મનમાં જ અટકી ગયા..

– જાગૃતિ પારડીવાલા

૨૩. માયા કે યામા ?

“હેં?” હવે ડોક્ટર સહેજ ગંભીર બન્યાં : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઇ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“હા ભાઈ હા.”

“ખરેખર શું બન્યુ હતું? વિગતે કહે તો જરા..”

“અત્યાર સુધી એ તો કહ્યું છે ડોક્ટર. તમેય પારાયણ કરાવો છો હવે… જે વાત મારે યાદ નથી કરવી એ જ વાતો તમે મને..”

“જુઓ, આ કંઇ મીરાંની વાત નથી, માયાની વાત છે માયાની.. સમજ્યાં!”

“એટલે, તમે કહેવા શું માગો છો? મીરાં અને માયા વચ્ચે શું સંબંધ..”

“અરે, હુંય ગોટે ચઢી ગ્યો.. મીરાં નહીં, માયા અને બીજી કોણ? પેલી તમારી..”

“પેલી, તમારી એટલે શું મતલબ છે ડોક્ટર?”

“બાજુએ મૂકો એ. મને કહો કે શુ બન્યું હતું, પ્લીઈઈઝ…”

“ઠીક, પણ છેલ્લીવાર… હું અંદર આવ્યો અને મેં જોયું કે વ્હિલચેરમાં માયા નહોતી.. એના બદલે કોઈ બીજી જ વ્યક્તિ બેઠી હતી.. તદ્દન એના જેવી.. ચહેરેમહોરે..”

“શું વાત કરો છો? વ્હેમ લાગે છે તમારો.”

“અરે ડોક્ટર, એનું પડખું સેવ્યું છે.. ઓળખવામાં કંઈ ભૂલ થાય!”

“તો પછી એ કોણ હતું? અત્યારે ક્યાં છે? અને…તમારી માયા..”

“નજીક જઈને જોયું મેં, તો.. માયા જેવી જ હતી એ, પણ નહોતી.. ખરેખર..”

“શું બોલો છો તમે.. ભાનમાં છો કે મતિભ્રમ થઇ ગઈ છે..”

“અરે સાહેબ, એ ત્યાં જ હતી, મેં જોયું’તું.. માયા જેવી જ હતી.. પણ પછી… ત્યાં એ નહોતી.”

“તો, ક્યાં છે માયા અને..”

– પરીક્ષિત જોશી

૨૪. પહેલો પુરુષ બહુવચન

પેલું સફરજન અહીં જ પેદા થયું હતું, ભેટ અપાયું હતું અને ખવાયું પણ હતું.. એ વખતની વાત છે આ.

“અરે, મેં તને ભેટ ધર્યું હતું ને!”

“તો?”

“તો શું… એ તો આખું હતું… અને આ..”

“અડધું છે..”

“કેમ અડધું છે.. બાકીનું અડધું, ખરાબ નીકળ્યું.. કે’વુ પડશે મારેય બ્રહ્માજીને.”

“અરે, ધીમા પડો. ખરાબ નહોતુ નીકળ્યું.. એ… તો… મેં.”

“શું..મેં..મેં…હજુ બકરીનો અવતાર થવાને વાર છે..આપણે બે જ સૌ પહેલાં સર્જન છીએ, જગતમાં..”

“ના..ખોટ્ટું”

“શું ખોટ્ટું…બ્રહ્માજી કંઇ ખોટ્ટું બોલે.”

“હા. આ બાબતે તો ચોક્કસ. ત્રીજી પણ છે.”

“ત્રીજું?”

“ના, ત્રીજી”

“એટલે, તારી જેમ..જ..વાહ.”

“બોલ્યા મોટા વાહ..ખબર તો છે નહીં.. કે છે.. અને વાહ.”

“આહ, મને કેમ ખબર ન પડી..તારા પહેલાં.”

“કંઇ વાંધો નહીં..તમે જે કરવાના હતાં એ મેં કરી દીધું છે.”

“એટલે?”

“અડધુ સફરજન..એને આપ્યું મેં.”

“અરે ગાંડી, એમ તે કંઇ ભાગ્યમાં ભાગ પડાય.. તારા.”

“મનમાં ભાવતું ને મૂંડી હલાવતું.”

“ના, ના, એવું લગીરેય નથી વ્હાલી..તું પહેલી સ્ત્રી અને હું તારો પહેલો પુરુષ..”

“એ સાચું કે હું પહેલી સ્ત્રી. તમે મારા પહેલાં પુરુષય સાચું પણ…તમે પહેલો પુરુષ બહુવચન.”

*
“હેં?” હવે ડોક્ટર સહેજ ગંભીર બન્યાં : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“હા,… આવી છે હમણાં.”

“ક્યાં છે?”

“જો, ત્યાં સફરજન લઇને પહેલો પુરુષ એકવચન… બબડે છે.”

*
“ના, ના, પહેલો પુરુષ બહુવચન જ સાચું.”

– પરીક્ષિત જોશી

૨૫. શ્રદ્ધા

“આટલી સામગ્રી તમારા ઘરની જ જોઈશે.”

“લોહી?”

“એ તો ભૂલ્યા વગર લાવજો. નહીંવત પણ ચાલશે. એના વગર વિધી અસંભવ છે.”
*
“માયા.. હુંય એનો બાપ છું. છેલ્લાં ત્રણ વર્ષથી મારા સ્ટાફ સાથે અનંતની સારવારમાં ક્યાંય કચાશ રાખી નથી.”

“મેં તમને રોક્યા નથી. મને મારું કામ કરવા દો.”

“ડૉક્ટરની પત્ની થઈને આ ધતિંગ?” “સિસ્ટર, ૧૦૨ ડીગ્રી તાવ છે. જોજે માયા ઘર બહાર ના નીકળે.”
*
“વિધી દરમ્યાન તમારા શરીરમાં ગરમી વધી જાશે ને અશક્તિ પણ. પણ આ વખતે એ જરૂર બેઠો થાશે.” ને લીંબુના ફાડચામાં લોહી ઉમેરાયું.
*
“સર લોહીનું સેમ્પલ તમેં લઈ ગયા?”

“ના… મેડમને પૂછ.”

“માયા મેડમ અહીં નથી… કદાચ ત્યાં…”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! પણ લોહીનું સેમ્પલ?”
*
ૐ ભટ…

“સર…! જલ્દી આવો… અનંતના હાથમાં મુવમેન્ટ થાય છે.”

“આંખ બંધ કરીને હાથ જોડો.”

“આંખો પણ ફડફડાવી રહ્યો છે… સર”

“જાઓ… પાછળ ફરીને જોતાં નહીં”

“યેસ્સ… મારી ટ્રીટમેન્ટે પરિણામ આવ્યું.”
*
“સર…! હવે માયા મેડમ…?”

“ના…” આંખના ખૂણા લૂછતાં ડૉક્ટરે મ્હોં ફેરવી લીધું.
*
“અનિરૂધ્ધ જોશી ક્યાં મળશે?”

– સંજય ગુંદલાવકર

૨૬. બદલો

“તનિષ્ક, આ માયા!”

“માયા.. અમરીશની ઈચ્છાનો ખ્યાલ રાખજો.”

*

“માયા..!” ડૉક્ટર પંડ્યાએ ડાબે જમણે જોયું. ‘ક્યાં ગઈ આ?’ અને સ્પેશીયલ આઇસીયુ રૂમ તરફ રવાના થયાં.

‘દરવાજો અંદરથી બંધ?’ મૉબાઈલ જોડ્યો, “રાજારામ, ચાર નંબર ‘આઇસીયુમાં કોણ ગયું?”

*

સિફતપૂર્વક ઇન્જેકશન બદલી માયાએ અમરીશને ઇન્જેકશન લગાડ્યું. નાડી તપાસવામાં બે મિનીટ લીધી. પછી એક નજર ફેરવીને ‘આઇસીયુ’નો દરવાજો અંદરથી ખોલી, સ્ટાફ રૂમ તરફ નીકળી ગઈ

*

રાજારામે કેમેરો ઝૂમ કર્યો. “એ જુઓ ઇન્જેકશન લગાડ્યું!” ને ઉત્સાહિત થયો.

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! તને કેમ સાથે ન લઈ ગઈ?”

“હવે? સર”

“રાજારામ, જલ્દી દોડ.., અમરીશ છે કે.. ગયો!, જો તો.”

*

“ડૉક્ટર? તમે અહીં?”  ડૉક્ટરે સ્ટાફ રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો.

“માયા, અમરીશને કયું ઇન્જેકશન લગાડ્યું?”

“હેં?” માયા બે ડગલા પાછળ હટી ને કબાટથી અથડાઈ.

“રખાત સાલી.. અમરીશ હજી જીવે છે.” ડૉક્ટર તાડુક્યા. માયાની ગળચી પકડી લીધી. ”એ મારો ભેદ જાણી ગયો એટલે કોઈને જણાવે એ પહેલાં એને પતાવવા…”

ધડામ કરતાંકને કબાટમાંથી એક પિસ્તોલધારી હાથ બહાર આવ્યો, ને ડૉક્ટર પંડ્યાના લમણે થોભ્યો. “યુ આર અન્ડર ઍરેસ્ટ ડૉક્ટર.” ડૉક્ટર ડઘાઇ ગયાં.

*

= બ્રેકીંગ ન્યુઝ =

“ઈચ્છામૃત્યુ આપવાના ગુના માટે સર્જન અસ્પતાલના ડૉક્ટર પંડ્યા રંગે હાથ ગિરફ્તાર”

“ઇન્સ્પેકટર તનીષ્ક, અસ્પતાલ ડીન માયા અને કૅન્સર પૅશન્ટ અમરીશનું ઑપરેશન કામયાબ.”

– સંજય ગુંદલાવકર

૨૭. મરચા

માયા આખા મરચાં નહીં લાવી. હેં ભાઈ… તમે લાવ્યા કે ડીંટાવાળા મરચા?” પ્રવીણભાઈ સરલાનું બાવડું પકડીને બેઠા હતાં.

“બીપી નૉરમલ છે પ્રવીણભાઈ.”

“પણ આ લવારા?”

“ટેબલ પરથી પડ્યા તેની મગજમાં અસર થઈ છે.”

“શું ખબર? મેં તો બરણીય ધોઈ રાખી હતી! દળીને મરચું ભરવા. મને થોડી જણાવ્યું હતું!”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! પછી?”

“વેરી ને ડેન્જર! એક નંબરની વેરી.. ને પાક્કી વિલન.”

“પ્રવીણભાઈ, તમારે જ એને પકડવી પડશે.” પણ સરલા તો ધમપછાડા કરવા લાગી.

“પપ્પાજી, હું આવું?” પરદા પાછળથી માયાએ હળવેથી પૂછયું. પ્રવીણભાઈ અને ડૉક્ટર એકબીજાનાં મોં સામે તાકવા લાગ્યાં.

ડૉક્ટરે સરલાની પીઠ પાછળ આવવા ઈશારો કર્યો. બગલમાંથી પકડતાં જ માયા તરફ જોતાં જ, સરલાની કમાન છટકી, ચીસ પાડીને કહ્યું, “ઓ બાઈ મને ટેબલ પરથી પાડી નાંખી. મારા મરચા..”

જેમ તેમ ઘેનનું ઈન્જેકશન આપ્યું, ને સરલા શાંત થઈ.

“પ્રવીણભાઈ… આ દવા લખી આપું એ ચાલુ રાખો. તેમજ મરચા કે મરચા પાવડર એમની નજરથી દુર રાખો, માયાને પણ.”

“એને માનસિક રોગના હૉસ્પિટલમાં મુકીએ તો?” મૂંઝાયેલ પ્રવીણભાઈએ ક્ષીણ અવાજે પૂછયું.

“ના.. ના.. હું સાચવી લઈશ મમ્મીજીને.” માયા રડવા લાગી. “કોણ જાણે કઈ ઘડીએ મેં તૈયાર મરચું લાવ્યું.”

અચાનક સરલાની આંખો પાછી અડધી ઊઘડી. એમાં માયા હેબતાઈને ઉભી થવામાં…

– સંજય ગુંદલાવકર

૨૮. સફાઈ ઉર્ફે..

“મને થોડી ખબર હતી કે એ કેબીનમાં પહોંચી જશે!” ને મનોજે છેલ્લો ઘુંટડો ગળે ઉતાર્યો.

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ! તો તને કેવી રીતે ખબર પડી?”

“મેં.. મેં.. ફોન કરીને મનોજને ચેતવ્યો. નહીં તો!…” ગ્લાસ ભરતા ભરત બોલ્યો.

“ઓ… ઑવર એક્ટીંગ… એ તો મારું નસીબ, અને ભરત સાલા મને બચાવવાના બહાને હજી કેટલી પાર્ટી લઈશ. મનોજ બોલ્યો.

“પણ એ પહેલાં કંઈક…?” ડૉકટરના મ્હોં પર તાલાવેલી ચમકી.

“નિલય… તું ઑપરેશન રહેવા દે. કોઈ પણ વાતનું પૉસ્ટમોર્ટમ કરવા બેસી જાય છે.” મનોજ ડૉક્ટર પર ચિડાયો. “ચેન ખુલ્લી હતી એટલે હું લલચાયેલો.!”

“અરે.. માયાની વાત મેં કાઢી? આપણે કોણ ને એ ક્યાં?” ડૉકટરને કીક લાગી ગઈ.

“એ નિલય… તને ચડી ગઇ.” ભરતે ટીખળ કરી.”

“ચલો હવે પતાવો ફટાફટ.” ને મનોજે બધું સમેટવા માંડ્યું.

“એ મનોજ પણ બોલ તો ખરો! શું મળ્યું હતું એની પર્સમાં?” નિલયે પૂછ્યું.

“એટલા માટે જ તને લોકો ડૉકટર ડૉકટર બોલે.” “કાંઈ નહીં વિસ્પર ને લીપસ્ટીક હતાં.” મનોજે નારાજગી છતી કરી.

“એ તો નસીબ કે સાથે ઝાડુ ને મૉપ હતું.” ભરતે ટાપસી પુરાવી.

“એટલે… તારું પોપટ થઈ ગયું?” નિલયે ડૉકટરી ચાલુ રાખી. “તો આ પાર્ટી?”

“એય… ડૉક્ટર ચૂપ..!.”

– સંજય ગુંદલાવકર

૨૯. માજણ્યો ભાઈ

પ્રણવનાં પરગજુ પિતાએ ગામમાં બંધાવેલ રક્તપિતિયાની હોસ્પિટલ થોડા જ સમયમાં જાણીતી થઈ ગયેલી. રજાના દિવસોમાં હોસ્પિટલની મુલાકાત લેતા રહેતાં, એમનાથી શક્ય તન, મન, ધનથી સેવા કરતાં રહેતાં. એમનાં સ્વર્ગવાસ પછી હોસ્પિટલનાં સ્થાપક તરીકે પ્રણવે અવારનવાર હાજરી આપવી પડતી. દર્દીઓનાં મનોરંજન માટેનાં કાર્યક્રમમાં જવાનું હતું ત્યારે પૂરા પરિવારે હાજરી આપવાની હતી પણ પ્રણવે માયાને તેની સાથે આવવા ચોખ્ખી ના પાડી દીધી. રક્તપિતિયાઓને જોઈને પ્રણવને ખૂબ જ સૂગ ચડતી પણ શું થાય ?

પ્રણવને માયાનાં પિયરથી ફોન આવ્યો, તેને ન જણાવવાની શરતે એ લોકોએ આપસમાં વાત કરી. તેને ખબર પડ્યા વગર રહે? આખરે તો એ એનો માજણ્યો ભાઈ! તે બીમાર હોય, મળ્યા વગર મન માને ખરું? એણે પ્રણવથી વાત છુપાવી.. ભાઈની મુલાકાત લેતી રહી..

છએક મહિના પછી..

પ્રણવનું ધ્યાન માયાનાં હાથની આંગળીઓ પર ગયું. સફેદ દાગ, બટકેલાં નખ, આંગળીઓનો બદલાતો આકાર જોઈ ગભરાયો, તેને ખબર પડી કે માયા તેનાં રક્તપિતિયા ભાઈને મળવા ઘણીવાર જતી ત્યારે તો તે ચકરાઈ ગયો. તેણે ડોક્ટરને ફોન કર્યો..

“હેં ?” ડોક્ટર હવે સહેજ ગંભી બન્યા : “એટલે કે તારી જાણ બહાર માયા ત્યાં ગઈ હતી ? વેરી સ્ટ્રેન્જ!”

– મીનાક્ષી વખારિયા

૩૦. વેરી સ્ટ્રેન્જ

માયા અને માલા બે જોડિયા બહેનો એક જ સરખી દેખાતી! દેખાવની સમાનતા ખરી, સ્વભાવ તો સાવ જ વિપરીત… એક ઋજુ સ્વભાવની તો એક ઉધ્ધત!

માયા ભણીને ડોકટર થઈ જ્યારે માલાની ગાડી અધવચ્ચે અટકેલી. માલાની વાક્પટુત્તાને કારણે તેનાં વેવિશાળ ધાર્યા કરતાં જલ્દી થઈ ગયાં, સ્માર્ટ, હેન્ડસમ, હાર્ટસર્જન સાથે… માલા વેવિશાળથી ખૂબ જ ખુશ હતી. માયા બધી રીતે લાયક છતાં વેવિશાળની બજારમાં માલા સામે ટકી ન શકી.. જોગાનુજોગે માયાને ડૉક્ટર મયંકનાં આસિસ્ટન્ટની પોસ્ટ મળી.

આ બાજુ લગ્નની તૈયારીઓ ચાલુ થઈ… શોપિંગ,પાર્ટી, સિનેમામાં સમય પસાર થવા લાગ્યો. એમનો સંવનનકાળ કોઈને પણ ઈર્ષા કરાવે એવો હતો, અધિરાઈપૂર્વક લગ્નદિવસની રાહ જોવાતી હતી. માયા પોતાની ડ્યુટી ઉપરાંત મયંકનાં આઉટડોર પેશન્ટને સંભાળી લેતી, તેની કાર્યકુશળતા જોઈ મયંક કૃતજ્ઞતાથી અભિભૂત થઈ મનોમન બંનેની સરખામણી કરી બેસતો…

એ દરમ્યાન માલાને કમળો થઈ ગયો. મયંક, માયા ખડેપગે તેની સેવામાં હતાં. તોયે માલાની તબિયતમાં કોઈ સુધાર ન થયો. ડૉ.માયાએ માલાને એક મંતરેલી કંઠી પહેરાવેલી… કમળામાંથી કમળી અને માલા અનંતની મુસાફરીએ!

‘ડોક્ટર થઈને કંઠી કેમ પહેરાવી હશે? ક્યારે અને કોની પાસેથી લાવી હશે?’ મયંક વિચારમાં પડ્યો. એવામાં માયાની ખાસ સખીનો ફોન આવ્યો,

“હેં?” હવે ડોક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

– મીનાક્ષી વખારિયા

૩૧. સખ્ય

“હું કાલે ઈનઓર્બીટ મોલ ગયો જ નહોતો સર,” પરાગે કોફી પૂરી કરી.

“પણ મેં તારી એકોર્ડ પાર્કિંગમાં જોઈ હતી.” ડૉક્ટર શાહ બોલ્યા.

“અરે માયા લઈ ગઈ હશે.. માય વાઈફ.”

“હેં?” હવે ડૉક્ટર સહેજ ગંભીર બન્યા : “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!”

“એમાં સ્ટ્રેન્જ શું સર?”

ડૉક્ટર શાહ જોઈ રહ્યા.

“એટલે તારી વાઈફ તને પૂછ્યા વિના બહાર જાય અને તને જાણ પણ હોતી નથી?’

“એમાં શું? એનું પોતાનું સર્કલ છે.. એ જતી આવતી હોય.”

“બૈરાઓને આટલી છૂટ આપવી સારી નહિં.” ડૉક્ટર શાહ ઉવાચ.

હસી પડ્યો પરાગ.

“ક્યાં છો સર? આ તો સખ્ય છે, સહિયારું જીવવાનું અને પામવાનું.”

ડૉક્ટર શાહનાં ભવા ચડી ગયા.

અને.. પરાગનો મોબાઈલ રણક્યો. સ્ક્રીન પર માયાનો ચહેરો ઝળકી ઉઠ્યો. સ્મિત કરતાં પરાગે મોબાઈલ ઉપાડ્યો, “હા.. બસ આવ્યોજ..”

“હું નીકળું સર? માયા અને હેતા, મારી દિકરી જમવા માટે મારી રાહ જોઈ રહ્યા છે.” પરાગ ઉભો થયો. એના ચહેરા પર ઘરે પહોંચવાની તાલાવેલી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

માધવીએ આજ સુધી કદીજ ઘરે ક્યારે પહોંચશો એ પૂછવા ફોન નથી કર્યો અને ન તો ક્યારેય શ્વેતા અને જીતે ડીનર માટે રાહ જોઈ છે.. ડૉક્ટર શાહ વિચારી રહ્યા.

એમણે ખીસ્સામાંથી મોબાઈલ કાઢ્યો, અને એમના ચહેરાએ ફરી કડકાઈ ધારણ કરી લીધી.. એમની ખુદની પણ જાણ બહાર !

– રાજુલ ભાનુશાલી

૩૨. પર્ફોર્મન્સ

“ડોક્ટર, મને જવા ડો પ્લીઝ.. મારું સપનું મારી આંખ સામે તૂટી રહ્યું છે…”

“નો મીન્સ નો માયા.. તારી સ્થિતિ અહીંથી ઉઠવાની પણ નથી ને તું…”

થોડી વાર પછી .. “હેલ્લો ડૉ. અવસ્થી, એક પેશન્ટ ઘૂંટણીયે ચાલીને હોસ્પીટલના ગેટ બહાર જઈ રહી છે.. એ તમારી જ પેશન્ટ છે ને..?” ને ડૉ. અવસ્થીએ બધા સ્ટાફનો ઉઘડો લીધો..

“હેં?” હવે ડોક્ટર સહેજ ગંભીર બન્યા.. “એટલે કે માયા તારી જાણ બહાર ત્યાં ગઈ હતી? વેરી સ્ટ્રેન્જ!” આવી હાલતમાં માયાની હોસ્પીટલમાંથી બહાર નીકળવાની વાત સાંભળીને ડૉ. અવસ્થી ડઘાઈ ગયા.

“હા ડૉક્ટર.. હું સાચું કહું છું, હું તેમના માટે ઈન્જેકસનની તૈયારી કરતી હતી ને.. અચાનક..” નર્સે તેની સફાઈ આપવાનું શરુ કર્યું.

એક ભયંકર એક્સીડન્ટમાં માયાએ તેના બંને પગ ગુમાવ્યા હતા. પણ મનનો આત્મવિશ્વાસ હજુ જીવંત હતો. ઓપરેશન થઈ ગયું હતું પણ ડોકટરે તેને સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી હતી. ડાન્સનું ઝુનુન ધરાવતી માયાએ એક ડાન્સ શોમાં ભાગ લીધો હતો ને.. આજે તેનો ફિનાલે હતો.

તરત ડૉ. અવસ્થીએ ટી.વી ચાલુ કર્યું.. માયા ઘૂંટણીયે બેસીને જુસ્સાથી પર્ફોર્મન્સ આપતી જોઈને સૌની આંખો પહોળી થઈ ગઈ..!

– મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૬ (૩૨ વાર્તાઓ)

 • Nilay Pandya

  પ્રૉમ્પ્ટમાં નામ ન હોવા છતાં ૩૨ માંથી ૯ વાર્તાઓમાં પોતાનું નામ વાંચીને જે ખુશી થાય એનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી મળી રહ્યા.
  સૌ લેખકોનો અદ્ભૂત પ્રેમ જ છે જે બધી વાર્તાઓમાં મારાં નામમાંથી સ્પષ્ટ છલકાઈ રહ્યો છે.
  આ પ્રેમ અને અનુભવ તથા ૩૨ માંથી ૯ નો આંકડો આખી જિંદગી નહીં ભૂલી શકાય. સૌનો ખરા દિલથી આભાર!

 • vaghu desai

  શાબાશ કેતનભાઈ તથા તમામ મિત્રો અદ્ ભૂત વાર્તાઓ

 • પરીક્ષિત જોશી

  ભાઇ વાહ…અઘરી વાર્તાઓ આવી, આ પ્રોમ્પ્ટ ઉપર તો…પણ મજા..મજા…વાંચવાની…જય જગન્નાથ…