‘અભ્યસ્ત’ ગઝલસંગ્રહ – પ્રવીણ શાહ (ઈ-પુસ્તક ડાઉનલોડ) 1


૧. પ્રકાશિત થાય છે..

સત્ય જેને હરપળે સમજાય છે,
જિઁદગી એની પ્રકાશિત થાય છે.

અંત શું, આરંભ શુ કહેવાય છે,
જિઁદગી બસ સ્વપ્નવત્ત જીવાય છે.

ના રહ્યું કોઈ સગું કહેવા સમું,
દ્વાર પર કોના ટકોરા થાય છે.

ઓળખી લીધા બધા ચહેરા અમે,
ભેદ ભીતરના હવે પરખાય છે.

આંગણે જે આવતા પ્રાતઃ થતાં
રાત સપનામાં હવે ડોકાય છે.

ઓલવાતી શગ પ્રવશે તો શું કહું,
એક ઝબકારો અને બુઝાય છે.

૨. ચર્ચામાં રહ્યો..

રાત આખી વ્યસ્ત સપનામાં રહ્યો,
ને દિવસભર મીઠી ચચાામાં રહ્યો.

આપવાની વાત આવી દિલ તને,
એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો.

કાફલા સૌ નીકળી આગળ ગયા,
એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો.

ટોચ પર જઇને ધજા પણ ફરફરે,
ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.

મોકળાશ તો બહુ હતી હર શેરમાં,
થર્ઇ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો.

૩. કોણ પોકારતું…

કોણ હળવેકથી મને પોકારતું?
કોણ તારી યાદ લઇને આવતું?

એક વત્તા એક સરવાળો કરી,
કોણ મીઠી ઝંખના મન બાંધતું?

ખુશનુમા આબોહવા આલંબીને,
કોણ વ્હાલપથી મને બોલાવતું?

જ્યાં નજર નાખું મને દેખાય તું,
કોણ દિલને આટલું તરસાવતું?

ચાંદનીની પાંપણો પર બેસીને,
કોણ આવી સ્વપ્નને શણગારતું?

કોડિયે ઝબકાર અદબદ આંજતું,
કોણ આ અખિલાઈને અજવાળતું?

– પ્રવીણભાઈ શાહ

શ્રી પ્રવીણભાઈ શાહનો ગઝલસંગ્રહ ‘અભ્યસ્ત’ આજે અક્ષરનાદના ઈ-પુસ્તક વિભાગમાં પ્રસિદ્ધ થઈ રહ્યો છે તેમાંથી ત્રણ ગઝલરચનાઓ અહીં પ્રસ્તુત કરી છે. ૧૯૬૮થી વડોદરામાં સ્થાયી થયેલા પ્રવીણભાઈની કલમે જાન્યુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૩ની વચ્ચે લખાયેલી ગઝલરચનાઓ આ સંગ્રહમાં તેમણે મૂકી છે. છેલ્લા પાંચ વર્ષથી તેઓ વડોદરાની બુધસભામાં નિયમિત હાજરી આપે છે અને ગઝલો પ્રસ્તુત કરે છે. આજથી તેમનો ગઝલસંગ્રહ ગઝલના ભાવકો માટે અક્ષરનાદ પર નિઃશુલ્ક ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તેમનો સંપર્ક તેમના ઈ-મેલ સરનામે shahpravin46@gmail.com પર અને મોબાઈલ નંબર ૯૪૨૮૭ ૬૧૮૪૬ પર કરી શકાશે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “‘અભ્યસ્ત’ ગઝલસંગ્રહ – પ્રવીણ શાહ (ઈ-પુસ્તક ડાઉનલોડ)