ક્ન્યાની હઠ.. – ભાણદેવ 4


બાર વર્ષની એક કન્યાએ પોતાની મા પાસે માગણી કરી – ‘મા, મારે નણંદ જોઈએ છે.’

માને નવાઈ લાગી, પણ વળી વિચાર્યું બાલિકા છે, પાડોશમાં કોઈને ઘેર કોઈની નણંદ જોઈને તેને નણંદ મેળવવાની ઈચ્છા થઈ હશે. આવી બાલ સહજ માગણીનો ઉત્તર પણ શો આપવો? મા મૌન જ રહી. માએ વિચાર્યું કે કાંઈ ઉત્તર નહીં આપું એટલે આપમેળે શાંત થઈ જશે.

માની ધારણા કરતાં જુદું જ બન્યું. તે બાલિકાએ તો જાણે હઠ જ પકડી, વેન જ લીધું –

‘મા, મારે નણંદ જોઈએ જ છે. તું મને નણંદ આપ ને આપ!’

મા સમજાવે છે –

‘બેટા, મારી દીકરી! એવું ખોટું વેન ન કરાય.’

બાલિકા તો વેને ચડી છે. તેણે તો પોતાનું વેન ચાલુ જ રાખ્યું –

‘પણ બધી સ્ત્રીઓને નણંદ હોય છે, તો મારે કેમ નહીં? મારે તો નણંદ જોઈએ છે, આજે જ અને અત્યારે જ!’

મા પુત્રીને સમજાવે છે –

‘બેટા! એમ નણંદ ન મળે. નણંદ તો લગ્ન કરીએ તો જ મળે!’

‘પણ, એવું શા માટે? મારે તો લગ્ન કરવા જ નથી. અને તોય મારે નણંદ જોઈએ જ છે. મા! મને લગ્ન કરવાનું તો ગમે જ નહીં. નહીં મા! હું લગ્ન કરીશ નહીં કોઈ કાળે નહીં, અને છતાં મારે નણંદ તો જોઈએ જ છે!’

હવે માને લાગ્યું કે દીકરીને નણંદના અર્થની ખબર નથી અને નણંદની પ્રાપ્તિની રીતની પણ ખબર નથી.

માએ પોતાની વહાલી પુત્રીને સમજાવવા માંડી –

‘દીકરી! આપણે લગ્ન કરીએ એટલે પતિ મળે અને પતિની જે બહેન હોય તે આપોઆપ આપણી નણંદ બની જાય છે. તેથી લગ્ન કર્યા વિના નણંદ મળી શકે જ નહીં.’

પણ પુત્રીની સમજમાં આ વાત આવી જ નહીં. તેને ગળે માની વાત ઊતરી જ નહીં. તેણે તો બસ વેન ચાલુ જ રાખ્યું –

‘મા, મારે નણંદ જોઈએ જ છે. મારે લગ્ન તો કોઈ કાળે કરવા નથી, પણ મારે નણંદ તો જોઈએ જ છે. અરે! નણંદ જ શા માટે; મારે તો સાસુ જોઈએ, સસરા જોઈએ, દિયર જોઈએ, દેરાણી જોઈએ, જેઠ અને જેઠાણી જોઈએ અને તે સૌથી મોર શિરમોર અને સૌથી પહેલાં નણંદ તો જોઈએ, જોઈએ અને જોઈએ જ! અને મા, એક વાત પાકી કરીને સમજી લે કે મારે લગ્ન તો કોઈ કાળે કરવા જ નથી.’

હવે કહો તે કન્યાની ઈચ્છા કેવી રીતે પૂરી કરવી? તેને લગ્ન તો કરવા જ નથી, કોઈ કાળે કરવા નથી. અને તોયે તેને નણંદ, સાસુ, સસરા, દિયર, દેરાણી, જેઠ, જેઠાણી આ સર્વ સગાવહાલાં જોઈએ જ છે. હવે લગ્ન કર્યા વિના આ બધાં સંબંધીઓ મળે કેવી રીતે?

હવે ઉપાય શો?

આ કથા એક અણસમજુ કન્યાની કથા નથી. આ તો મારી, તમારી, આપણા સૌની કથા છે.

આપણે બધું જ જોઈએ છે. આપણે શાંતિ જોઈએ, આનંદ જોઈએ, પ્રેમ જોઈએ, શાશ્વત જીવન જોઈએ, શક્તિ જોઈએ, આંતર સમૃદ્ધિ જોઈએ – આ અને આવાં અનેક તત્વો આપણે પ્રાપ્ત કરવા ઇચ્છીએ છીએ, પણ આપણે આ સર્વના કેન્દ્ર સમાન તત્વ આત્મ તત્વની ખેવના કરતા નથી.

આપણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે પતિની પ્રાપ્તિ વિના નણંદની પ્રાપ્તિ થઈ શકે નહીં. એટલું જ નહીં, પણ પતિની પ્રાપ્તિ વિના સાસુ, સસરા, દિયર, દેરાણી, જેઠ, જેઠાણી, આમાંના કોઈ સંબંધી મળી શકે નહીં. કન્યા લગ્ન કરે અને પતિને પામે એટલે પતિની બહેન કન્યાને નણંદ રૂપે આપોઆપ પ્રાપ્ત થાય છે. તે જ રીતે સાસુ સસરા આદિ અન્ય સંબંધીઓ પણ આપોઆપ પ્રાપ્ત થાય છે. તે માટે કન્યાએ અન્ય કોઈ પ્રયત્ન કે વિધિ કરવી પડતી નથી.

તેમ આત્માની પ્રાપ્તિ થાય એટલે શાંતિ, આનંદ, પ્રેમ, શક્તિ, શાશ્વત જીવન, આંતર સમૃદ્ધિ આદિ તત્વોની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. તે માટે અલગ રીતે કોઈ પ્રયત્ન કે વિધિની જરૂર નથી. જેમ પુષ્પની પ્રાપ્તિ થાય એટલે પુષ્પની સુંગંધની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. તે માટે કોઈ અલગ પ્રયત્નની જરૂર નથી.

આત્મા આપણા અસ્તિત્વનું કેન્દ્ર છે, શાંતિ, આનંદ, પ્રેમ, શક્તિ, આદિ તત્વો તો આત્માના સ્વરૂપ ગત ગુણધર્મો છે. આત્માની સાથે તે સર્વ તો છે જ. આત્મ પ્રાપ્તિની ઘટના ઘટે એટલે જીવનમાં શાંતિ, આનંદ, પ્રેમ, શક્તિ, આદિ તત્વોનું પ્રાગટ્ય આપોઆપ થાય છે. ગાય આવે એટલે વાછરું તો પાછળ પાછળ દોડતું દોડતું આવે જ!

સંસ્કૃતમાં એક ઉક્તિ છે –

સર્વે ગુણાઃ કાંચનમાશ્રયન્તે!

‘બધા ગુણો સુવર્ણમાં વસે છે.’

વસ્તુતઃ આ તો કવિનો વિનોદ કે વ્યંગ છે. સાચું તો આ છે –

સર્વે ગુણા આત્માનમાશ્રયન્તે!

‘સર્વ ગુણો આત્મામાં પ્રતિષ્ઠિત છે.’

માનવી શું શોધે છે? આપણે આપણી વૃત્તિ અને પ્રવૃત્તિ દ્વારા વસ્તુતઃ શું શોધી છીએ? આપણે શાંતિ, આનંદ, પ્રેમ, શક્તિ, અમરત્વ, આંતર સમૃદ્ધિ – આ સર્વ મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. આમાનું કોઈ તત્વ વિશુદ્ધ સ્વરૂપે અને કાયમી ધોરણે ત્યારે અને તો જ મળી શકે જ્યારે આપણે આપણા આત્મ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઈએ.

આત્માની અવગણના કરીને બધું જ મળે તો પણ કશું જ મળતું નથી. કશું જ ન મળે અને આત્માના યથાર્થ સ્વરૂપનો સાક્ષાત્કાર થાય તો બધું જ મળ્યું છે, તેમ સમજવું જોઈએ.

આપણે જે તત્ત્વો પામવા ઈચ્છીએ છીએ તે પ્રેમ, આનંદ, શાંતિ આદિ સર્વ તત્વો આત્મામાંથી આપોઆપ નિષ્પન્ન થાય છે. કારણ કે આ સર્વ તત્વો આત્માના સ્વરૂપ ગત ગુણધર્મો છે, જેમ સુગંધ પુષ્પનો સ્વરૂપ ગત ગુણધર્મ છે, તેમ!

માનવી સુખ પ્રાપ્તિ અને દુઃખ મુક્તિ ઇચ્છે છે પરંતુ આત્માને જાણ્યા વિના આત્યંતિક સ્વરૂપે દુઃખ મુક્તિ શક્ય જ નથી.

ઉપનિષદના ઋષિ આ જ સત્યને અભિવ્યક્ત કરે છે –

યદા ચર્મવદાકાશં વેષ્ટાવિષ્યન્તિ માન્વાઃ!
તદા દેવમાવિજ્ઞાય દુઃખસ્યાન્તો ભવિષ્યન્તિ!!

‘જ્યારે મનુષ્યો આકાશને ચામડાની જેમ લપેટી શકશે ત્યારે પરમદેવ (આત્મદેવ કે પરમાત્માદેવ)ને પામ્યા વિના પણ દુઃખનો અંત આવી શકશે.’

આ સત્ય નાનું બાળક પણ સમજી શકે તેવું જ સહજ અને સરળ છે. છતાં આપણે સમજ્યું ન સમજ્યું કરીએ છીએ. આપણે જે જ્યાં છે, ત્યાં શોધવાને બદલે અન્યત્ર શોધીએ છીએ. તો પછી તે મળે કેવી રીતે? પતિને અવગણીને નણંદ આદિ સંબંધીઓ મળી શકે નહીં, તેમ આત્માને અવગણીને શાંતિ, પ્રેમ આદિ તત્વો અર્થાત્ જીવનની પરમ કૃતાર્થતા પ્રાપ્ત થઈ શકે નહીં.

તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં રે…

– ભાણદેવ

(‘અધ્યાત્મ કથાઓ’માંથી સાભાર)


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “ક્ન્યાની હઠ.. – ભાણદેવ