પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૨ (૨૩ વાર્તાઓ) 7


પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન એટલે એક પ્રોમ્પ્ટ, એક સંવાદ કે એક લાઈન આપવામાં આવે અને તેના પરથી વિવિધ સર્જકો માઈક્રોફિક્શનનુંં સર્જન કરે. એ સંવાદ કે લાઈન માઈક્રોફિક્શનમાં કોઈ પણ ફેરફાર વગર એમ જ આવવી જોઈએ.

માઈક્રોફિક્શન માટેના અમારા વોટ્સએપ ગૃપ સર્જનમાં અમે દર શનિવાર અને રવિવારે આ પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન સર્જનનો પ્રયત્ન કરીએ છીએ. અહીં શનિવારે સવારે જે સંવાદ કે લાઈન આપવામાં આવે એને આધારે સભ્યો માઈક્રોફિક્શનની રચના કરે છે. જે કડી અપાય, તેના પરથી, તેને સમાવીને ૨૦૦ શબ્દોની મર્યાદામાં માઈક્રોફિક્શન વાર્તા બનાવીને મૂકવાની પ્રક્રિયા, અને એ માઈક્રોફિક્શનને વધુ અસરકારક બનાવવા વિશે સભ્યોના મંતવ્યો આપવા વગેરે રવિવાર સાંંજના છ વાગ્યા સુધી ચાલે છે..

શનિવાર તા. ૨૮ મે ના રોજ માઈક્રોફિક્શન સર્જન માટે જે પ્રોમ્પ્ટ લાઈન આપવામાં આવી એ હતી,

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

૧. રોકડી

સાયલન્સ…
કેમેરા…
એક્શન….

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

કટ ઈટ…
ઓ.કે….

“બીજા શોટ માટે તૈયારી કરો.”

ડાયરેકટર ખંધુ હસ્યો ને નયી નવેલી હીરોઇનને બાથમાં ભીંસી લીધી.

“રાજી”ને મન તો થયું કે હાથ ચલાવી જ લઉં. પણ…. નામ દામ કમાવવાં આવા કડવાં ઘૂંટડા ગળ્યા વિના છુટકારો નથી…

એ સિફતપૂર્વક અળગી થઇ. “સર… ડાયલોગ ડીલીવરી કેવી રહી?”

“આગલો ડાયલોગ સમજવા કેબીનમાં ચલ.”.

– સંજય ગુંદલાવકર

૨. મા

“ખસ આઘી… પાછી આવી ગઈ?” જીવલાએ ખુશીને હડસેલી.

“જોજે એવું કરતો…જીવલા”, રાજીએ ચેતવ્યો.

“મળશે તને ય, પણ પ્રથમ હક તો મારી દીકરીનો.”

“અરે ઈ’નું ખાવાનું પડ્યું ત્યાં, બધું દૂધ એ જ પીવાની તો મારા પરિવારનું શું..?” બોલી જીવલાએ ખુશીને મારવા હાથ ઉગામ્યો.

“હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..” ઘૂઘરાના રણકાર સાથે માથું ધુણાવી રાજીએ શિંગડા વીંઝયાં…

– ધર્મેશ ગાંધી

૩. સ્ત્રી સંરક્ષણ કાયદો

“ખપીને હુંય આવું છું ને પછે ઘરનાં વૈંતરાય સંભાળું છું.”

“ચૂપ મર. જરા બે ઘડી બેઠો એ તને ખૂંચી આવ્યું.” એ ગિન્નાયો ને ઉભો થવાં જાંતા જ કાંખ-ઘોડી ફસકી પડી.

“ચૂપ કોને કહે છે તું? બહુ ઊડતો નહીં. જેલમાં ધકેલી દઈશ. બધા કાયદા સ્ત્રીની તરફેણમાં છે એ આટલું જલ્દી ભૂલી ગયો તું?” પ્રશાંતનું માથું લોહીલુહાણ થઈ ગયું. પણ બેપરવાહ રાજી બોલતી રહી.

મદદ માટે લંબાવેલ હાથને રાજીએ મરોડી નાંખ્યો: “હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે… રાજી આ વખતે ઉધાર નહીં રાખે..” ને લાત ફટકારી દીધી.

ફાટેલું માથું, ખોડંગાતા પગ ને રાજીની યાતના…

આગોતરાં ગોઠવેલાં છૂપા કેમેરાથી લાઇવ જોઇ રહેલા પોલીસ અધિકારીઓ અને નારી રક્ષા કેન્દ્રના કાર્યકરો અવાચક બની જોતાં જ રહી ગયાં. મહિલા સૂરક્ષા કાનૂનનો દુરૂપયોગ માટે રાજીને રંગે હાથ પકડવામાં આવી.

ઇન્ટરવ્યુમાં પ્રશાંત માત્ર એટલું જ બોલી શક્યો: “મારી સહનશીલતા મજબૂત બની ગઈ છે અન્યાય સહી સહીને.”

નારી રક્ષા કેન્દ્રની સંચાલિકાનો આભાર માની પ્રશાંત નીકળી પડ્યો. તાળીઓના ગડગડાટમાં એનો ડૂમો ઓગળી ગયો.

– સંજય ગુંદલાવકર

૪.

“આજે તો તારી આ પાટી-પેનનો જ ભૂક્કો કરી નાખુ, એ શુમ, રોજ રોજ કામ કાજ છોડી લખવા બેસી જાય!”

ત્યાં જ રાજી એ સાસુ નો હાથ પકડતાં બોલી, “હાથ ઉપાડતા પહેલા વિચારી લેજો, રાજી આ વખતે ઉધાર નઈ રાખે.”

– શૈલેશ પરમાર.

૫. બારમો બકરો

“વાહ રે રાજી! આ વેળા તો જેકપોટ લાગી ગયો..” છુટાછેડાનાં કાગળીયા જોઈ મા હરખાતાં બોલી.

“અભિનંદન! બેના આ કેટલાંમો બકરો હતો?” ને રામજી આંગળીના વેઢાં ગણવા લાગ્યો, પણ…

“યાદ કરવાનું ભુલીને શું વિચારે ચડી ગયો દિકરા?”

“મા, રાજીબેના કેમ નારાજ છે? આ બારમા બકરાએ કૈં…!?”

“હેં રાજી! શું થયું ?”

“માં… મારે હવે ઠરીઠામ થવું છે.” રામજી ને જમનીમાં અચરજ પામ્યા.

ધુંઆપુંઆ થયેલો રામજી ધસ્યો પણ સચેત રાજીએ ખુલ્લી ધમકી આપી, “હાથ ઉપાડતા પહેલાં વિચારી લેજે… રાજી આ વખતે ઉધાર નહીં રાખે… તમારી પોલ ખોલી દઈશ.”

રામજી તાડુક્યો, “એ પહેલાં તને અહીં જ પતાવી દઈશ.”

“જોજે એવું કરતો! એ છે તો આપણે છીએ. એના વગર શું સક્કરવાર વળવાનો?”

રાજી રડી પડી… “માં, હું થાકી ગઈ છું… લગ્ન, છુટાછેડા ને ભરણપોષણના કાવાદાવા કરી કરીને તમને પૈસા કમાવી આપ્યાં. આનો કોઈ અંત ખરો? ને મારા ભવિષ્યનું શું?”

“પણ ભવિષ્ય જોઈને શું ફાયદો? એ અંત તને ફળશે એની ખાત્રી છે ?”

– સંજય ગુંદલાવકર

૬. રાજશ્રી

‘દેવરાજ ! આપનો આ નિયમ અયોગ્ય છે.’

‘રાજશ્રી બધી જ અપ્સરાઓને આ વાત લાગુ પડશે. હવેથી કોઈ પણ સ્વર્ગસુંદરી ધરતી પર પગ નહીં મૂકે.’

રાજશ્રીની આંખો સામે તેનો પ્રિયતમ રમતો હતો. પૃથ્વી પર ભ્રમણ કરવા આવેલી તે એક યુવકના પ્રેમમાં પડી હતી. રાજશ્રીમાંથી રાજી બનેલી એ સુંદરી આજે ઈન્દ્ર સામે જંગે ચડી હતી.. પહેલી વાર કોઈ અપ્સરા સ્વર્ગના કાયદા વિરુદ્ધ જઈ વાદ-વિવાદ કરતી હતી.

‘પ્રેમને સ્વર્ગ-ધરતીને કોઈ સરહદ નડતી નથી. હું પૃથ્વી પર જઈશ, કોઈ પણ નિયમ આ રાજીને નહીં રોકી શકે.’ મનુષ્યવાણીમાં એક અપ્સરા બોલતી હતી.

‘તું ભાન ભૂલી છો રાજશ્રી. સ્વર્ગમાં જે સુખ છે એ ધરાતલ પર તને કદાપિ નહીં મળે. અંતિમ વાર તને સમજાવું છું, ખોટો વિવાદ રહેવા દે.’

રાજશ્રીએ ડગ માંડ્યા. ઈન્દ્રનો હાથ વજ્ર તરફ ગયો.

‘દેવરાજ, હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે. રાજી આ વખતે ઉધાર નહીં રાખે. પહેલાં પણ મારા પ્રેમથી તે મને વિખૂટી પાડી છે. તારા આ સ્વર્ગને હું આજે ઠુકરાવું છું.’

એક જોરદાર કડાકો થયો.

શું તૂટ્યું ? ઈન્દ્રનો અહંકાર કે પછી…?

– સોનિયા ઠક્કર

૭. પ્રતિબિંબ…

“તારાં કરતાં તો હું કેટલી સુંદર અને કામણગારી દેખાઉં છું.. તું તો સાવ કદરૂપી, રાજી..”

“પરંતુ હું, હકીકત છું.. તારો તો કોઈ વાસ્તવિક ચહેરો જ નથી. તું એક આભાસ છે, અને તારા ચહેરા પર શ્રુંગાર પણ બનાવટી..”

“સ્વપ્નાં તો તું જુએ છે મારા જેવી દેખાવડી બનવાના… ને મને બનાવટી કહે છે તું..? આ લે ત્યારે.. ”

“હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..” પ્રતિકાર સાથે રાજી સફાળી જાગી ગઈ.

…અને ડ્રેસિંગ ટેબલનાં મિરરમાં પોતાનું પ્રતિબિંબ જોઈ રાજીને ફરી એકવાર નિરાશા સાંપડી… રોજ ની જેમ!

– ધર્મેશ ગાંધી

૮. સબળા

‘એક અંગુઠા વગર ચારેય આંગળી નકામી… બેન.’

‘બસ મારી મચેડીને, મન ફાવે એવુ સમજાવી દીધુ છે સ્ત્રીઓને! ચાર આંગળી નારી અને પુરુષોની અંગુઠા સાથે સરખામણી…’

‘ચાલ છોડ, પણ હવે મારે તો, આ શીખવ્યું છે એમ ફટકારી જ દેજે મોઢે કે… ‘હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે
ઉધાર નહીં રાખે..’ તો જ સુધરશે..

‘સાચુ કહું તો રાજી.. તુ મારી હોસ્પિટલમાં આવી જા, રહેજે, સેવા કરજે,  જીવનભરનો ત્રાસ તો છુટશે! પગારની સાથે દર્દીઓની સેવા કરાવાનું પુણ્ય.

રાજી બોલી, ‘વાત તો સાવ સાચી બેન, છૂટી જઉં, પણ મારા આ વૃદ્ધ સાસુ સસરાનુંં શું થાય? એની સેવા નું શું? પારકાની સેવા કરુંં એના કરતાં આ વૃદ્ધ લાચાર મા બાપ ની સેવા કરું એ શું ખોટુંં?’

‘પણ તારો વર તને દારુ પીને મારઝૂડ કરે તેનુ શું રાજી?’

‘આ તો ઘર નું માણસ કો’ક દિ’ ગુસ્સો ઉતારેય ખરા! ગુસ્સો ઊતરે એટલે એ પણ શાંત ને આપણે પણ શાંત. તમારા ભણેલા સમાજમાંં મેણાંટોણાંં સાંભળીને., જીવન આખુંં ઝૂરી ઝૂરીને મરવા કરતાં ધણીનો કયારેક માર ખાઇ લેવો તે શું ખોટું બેન?’

– જલ્પા જૈન.

૯. વંશવેલો

“જો રાજી, “આ વખતે મારી માની ઈચ્છા પુરી થાવી જ જોઈએ.’ ભીમો તાડૂક્યો.

”પાંચ પાંચ માંડવા જણ્યા પછી હજી…. નઘરા મારી હાલત તો જો’ રાજીએ આંખો લૂછી.

‘પણ.. મારા વંશવેલાનુ શું?’ ભીમાએ આંખો કાઢી.

“મૂવો તમારો વંશવેલો, ને મૂવી તમારી મા. બસ.. હવે રાજી થાકી ગઇ આ જણતરથી, ભગવાનની પરસાદી માની સીકારી લ્યો..’ આટલું બોલી ત્યાં જ ભીમાનો લોખંડી હાથ હવા ચીરતો વીંઝાણો..

‘જોજે ભીમા, હાથ ઉપાડવા પેલા વચાર જે… આ વખતે રાજી ઉધાર નહીં રાખે.’

અંગારા વરસાવતી, રાજીની સાક્ષાત મા જોગણી જેવી રાતી આંખો જોઇ ભીમાનો હાથ હવામાં અદ્ધર રહી ગયો.

‘સા…. લી…’ આટલું બોલી, પગ પછાડતો ભીમો ડેલી કૂદી ગયો..

છજાની પાછળ સંતાઈને સાંભળતી ભીમાની મા દીકરાની શૂરવીરતા પર પોરસાણી.

‘ભગવાન મારા ભીમાની વંશાવલી આગળ વધારવા એક કૂળદીપક આ નાલાયક રાજુડીના ખોળે દે, મારે કઇ નથી જોઇતુ..’ મોંઘી ડોશીએ હાથ જોડયા.

અડધી રાતે ભીમો રાજુડીના ખાટલે પડખુ દેવા આવ્યો ને હસતા હસતા ધીમેથી બોલ્યો, ‘વા.. આજનું તારું નાટક… વા… રાજુડી.. વા..’ માને આજ તે અસલ રૂપ દેખાડી દીધુ. હવે… જે આવે તે ભગવાનની પરસાદી..’ આટલું બોલી ભીમાએ રાજુડીના હોઠ પર હોઠ ચાંપી દીધા..

– શૈલેષ પંડ્યા.

૧૦. રાજી…

“એય….. હાળા હહરીના…. જા હાલતો થા હાલતો!”

“આલને અલી… આ છેલ્લી વાર પસે નૈ માંગુ…”

“કૈ દીધુને એક વાર નૈ આલુ….”

“નૈ ચ્યમની આલે?”

“નૈ આલુ…. જા, તારાથી થાય ઇ કરી લે.” બોલતાં બોલતાં રાજીએ ઓઢણાના છેડે મારેલી ગાંઠ ફરી તપાસી જોઇને કમરે ખોસી દીધી. પાવલા માટે રઘવાયા થયેલા રવજીએ તેને મારવા હાથ ઉપાડયો… પણ વ્યર્થ.

પેલીએ ચપળતા દાખવીને હાથ પકડી લીધો ને કસીને મરડતાં બોલી ઉઠી, “હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે… રાજી આ વખતે ઉધાર નહીં રાખે ઈ હારી પેઠે હમજી લેજે…. સા….નપાણિયા..”

– મીનાક્ષી વખારિયા.

૧૧. માં દુર્ગા

આંચકાભેર દરવાજો ખુલ્યો તે સાથે જ રાજી અને રતન, બંને માં દીકરી ના હ્દય એક ધબકારો ચૂકી ગયું. હંમેશની જેમ આજે પણ કરસન હાથમાં દારૂ ની બોટલ લઇ દરવાજા પર ઉભો હતો. તેણે વધેલી દારૂની બોટલ ખાલી કરી આવેશમાં સામે ધા કરી. સત્તર વર્ષ ની રતન માંના આંચલમાં સંતાવા લાગી.

“આગળ નહીં વધતો…” રાજી બે ડગલાં પાછળ હટી.

કરસનની આંખોમાં આજે કામદેવ રમતો હતો. તેણે રતનનો હાથ પકડ્યો, કાળમુખા બાપની હરકત જોઈ રતન થરથર ધ્રુજી ગઈ.

“છોડ… છોડી દે મારી રતનને, આપણી દીકરી છે કાળમુખા” રાજીએ રતનને છોડાવી.

કરસને રાજી પર હાથ ઉગામ્યો પણ આજે હાથ ગાલ પર પાડવા ની જગ્યાએ અધવચ્ચે જ પકડાઈ ગયો…

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..” કરસન ને પહેલીવાર રાજી પર માં દુર્ગા સવાર હોય તેવું લાગ્યું. પણ તોય તેણે આચકાભેર રાજી ને હડસેલી, અને રતન તરફ આગળ વધ્યો..

રાજીએ આજે ક્ષણનો પણ વિચાર કર્યા વગર બાજુમાં પડેલો પાવડો ઉપાડી કરસનના માથાંમાં ફટકારી દીધો..

ક્ષણભરમાં લોહીના રેલા રાજીના પગમાં થઇ ચાલતા થયા, પણ તે હજી યંત્રવત ત્યાં જ ઉભી હતી…

– વિષ્ણુ ભાલીયા

૧૨.

“બાપુ, આમ જુલમ ન કરો. મારી રાજીની જાન આમ જો પાછી ઠેલાય તો તો મારે મરે જ છૂટકારો.”

“પહેલા જ કી’ધું તું, તારી હેસિયત ન’તી કરીયાવરનીં તો વાયદો જ કેમ કર્યો?”

“હું પાઈ-પાઇ ચૂકવી દઈશ બાપલા પણ આમ જાન પાછી ના વાળો, આ મારી પાઘડી તમારા પગમાં મૂકું,”

ત્યાં જ રાજી એ બાપાનું બાવડુ પકડીને ઊભા કરતા બોલી, “ચાલ્યા જાવ અહીંથી, મારે તો એક બાપા ને છોડી બીજા બાપાને ત્યાંં આવવું’તું પણ દીકરીના સોદાગરનું પાણી ગ્રહણ ન થાય.”

“ચૂપ મર, નહીં તો મારુંં લપડાક?”

એમ કરતા જ રાજીનો હાથ મરોડતા જ રાજી બોલી ઉઠી, “હાથ પકડતાં પહેલા વિચારજે, રાજી હવે ઉધાર નઈ રાખે.”

ને રાજીના બાપા ત્યાં જ ફસડાઇને વળતી જાનને જોઇ રહ્યા…

– શૈલેષ પરમાર

૧૩. કાઠીયાણી

પડોશી પશાભાઈની ઘરવાળી ખાનગીમાંં રાજીને જે કહીને ગઈ એ સાંભળી રાજીના પગ તળેથી ધરતી ખસી ગઈ.

પશાની બૈરીએ જે કહ્યું એની નજરે ખાતરી કરવા… ધનિયા માટે, રોજ કરતા વહેલી ભાતુ લઈ ખેતરે પહોંચી.

ત્યાં ધનિયાને ગામઉતાર રંભા જોડે લીલા કરતો જોઇ બેકાબુ બની ધનિયાને કાંઠલેથી પકડી બેઠો કર્યો અને કાઠીયાણીને શોભે એવી એક અડબોથ ઝીંકી દિધી. રાજીને આવેલી જોઇ તે ડઘાઇ ગયો. છાંટો પાણી કરી બેઠેલા હરાયા ઢોર જેવા ધનિયાએ સામો હાથ ઉગામ્યો, એ હાથને પોતાના કસાયેલા કાંડેથી પકડી એ બોલી ઊઠી, “કાઠી, હાથ ઉપાડતા પહેલાં વિચારી લેજે…. રાજી આ વખતે ઉધાર નહીં રાખે.”

– મીનાક્ષી વખારિયા.

૧૪. ચંડિકા

શાકમાર્કેટમાં એક કિશોર કંઇક જુદી જ રીતે ઘંટડી વગાડતો ઝડપથી ચક્કર મારીને પસાર થઇ ગયો. તરત જ બધાં ભાજીવાળા પોતાના ટોપલા સગે વગે કરવા માંડ્યા. હજી તો બપોર નમી નહોતી એટલે ખાસ વકરો પણ નહોતો થયો, પણ શું થાય? નગરપાલિકાની ગાડી આવી રહી હતી તેનો તો પેલા સાયકલ સવારે અણસાર આપી જ દીધેલો.

પોતાના ધણીની બિમારીના વિચારમાં ખોવાયેલી રાજી સામાન સગેવગે કરવામાં થોડી મોડી પડી તે મ્યુનિસિપાલિટીના માણસો એના ટોપલા ગાડીમાં ચડાવવા લાગ્યા.

રાજીની કાકુલદીએ અસર ન કરી તો તે ટ્રકની સામે જઇ ઉભી. એક તગડા પોલીસે તેને મારવા હાથ ઉઠાવ્યો એ ભેગી જ ચંડિકા બની, તેને અટકાવતા બરાડી ઉઠી, “એય સપરા… મારો માલ પાસો દઇ દે ને હા… હાથ ઉપાડતા પહેલાં વિચારી લેજે… રાજી આ વખતે ઉધાર નહીં રાખે.”

– મીનાક્ષી વખારિયા.

૧૫. કામ દામ દંડ ભેદ

“મારા પપ્પાના પેન્શનની ફાઈલ પાસ કરાવી આપો.”

“ઠીક છે રાજુલા, રાત્રે મારી ઘરે આવીને ફાઈલ લઈ જા.”
… … …

“રાજી… ફાઈલ જોઈતી હોય તો પાસે આવ.”

“ફાઈલ તો બતાવ.”

“આ રહી”

“નામ તો બતાવો. મારા પપ્પાની છે કે?”

“નખરાં નહીં. મારો હાથ ઉપડી જાશે.”

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

“ઓય, ચલ બહાર નીકળ, સાલી…” ને દરવાજો ખોલતાં જ

“એન્ટિ કરપ્શન બ્યુરો” ની ટીમ…

“થેન્કયુ રાજુલા”

– સંજય ગુંદલાવકર

૧૬.

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

હમ્મ, આ વાક્ય જ કિધુ’તું એણે. એની હિંમતની તો દાદ દેવી પડે, બાકી…! કોને કીધું એણે? મને?

એ રાજમાન રાજેશ્વરી હો તો શું થયું? એ રહે એના ઘેર ! એના આ લંબાલચક નામથી તે લોકો બોલાવતા હશે, આપણે તો એને રાજી જ કહીશું.. સાડી સત્તર વાર, રાજી રાજી અને રાજી… નામ આટલું મોટું રાખ્યું છે એમ બુદ્ધિ ય મોટી જ છે એની… ગામવચાળે મારૂં, સરપંચનું, નાક વાઢી હાલી ગઈ… સા…લ્લી… રાજી, સાડી સત્તર વાર, રાજી.

– પરીક્ષિત જોશી

૧૭. રાજી, નારાજી, તારાજી…

‘હોવ્વ, મું જ સુ રાધલી જીભૈ. હૂ તુ કયો? ચ્યમ્ ક્યારનો મારો નોંમ નો મન્તર ઝાપ કરો સ્યો, દિયોર! લ્યો, આઇરૈ મું, તમેં કયો સ્યો ઇવી, વન પીસ. ઢીંચાક.’

‘ઓંહો, ઈમ વાત સ. હોવ્વ, મુ જ બૉલીતી ઈ.. બીજા કુની માએ હવામણ હુંઠ ખાધી સ તી ઈ કાળમુઆ ન આવું મુઢામૂઢ ચોપડાવ? ગોમમો મરદ સી જ ચ્યોં? અવ તો મારા હારા નપાણીયા નપુંશકો રયા સી.. રાડ પડ ગોમમો ન હંતાઈ જૈ બૈરાંની હૉડમો. જો ભૈ, કોરટ સ ઈની મુ બઉ ઇઝ્ઝત કરું સુ.. પણ જોજે પાસો મારી મોંય રેલી પેલી રાજીન નોંં જગાડતો.. અન હજુય કઉ સુ, હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે.. ગઈ વખતની જેમ… ચોડી દેહે સટ્ટાક. રાજી ન છંછેડી સ તો ઈની નારાજી તારી તારાજી નોતરહે. હમજયો? યુ બેટર અન્ડરસ્ટેન્ડ!

– પરીક્ષિત જોશી

૧૮. રાજવી

અચાનક જ મનાલી ફરવા આવેલા એક વખતનાં ગાઢ પ્રેમીઓ રાજવી અને રીતેશ ઘણા સમય બાદ મળી ગયા, રાતે મળવાનું નકકી કરી છૂટા પડ્યા.

ચાંદની રાતે બિયાસ નદીમાં પગ જબોળી રાજવી અને રીતેશ એકમેકની આંખોમાં ભૂતકાળને ફંફોળી રહ્યાં હતાં. બંનેના મનમાં એક જ વાત રમી રહી હતી શું ફરીથી…

રીતેશની એક જ ભૂલ….. સંવનનકાળ દરમ્યાન રાજવી સાથે ઉત્કટતાની પળ માણવા જબરજસ્તી કરી બેઠેલો. છંછેડાયેલી રાજવી જેને તે રાજી કહેતો હતો તેને મારવા હાથ ઉગામી બેઠો. “બસ બહુ થયું રીતુ, હાથ ઉગામતા પહેલાં વિચારી લેજે.. આ રાજી ઉધાર નહીં રાખે” ….પ્રેમભંગ….

આજે ફરી મળ્યા…. રાજી પોતાને જ કહેતી હોય ‘ના’, અને ઉભી થઇ ચાલી નીકળી.

– મીનાક્ષી વખારિયા.

૧૯. રોકડું ઉધાર

“આગળનો ઉધાર ચુકવવાની તો હેસિયત નથી ને પાછા આવ્યા બીજો ઉપાડ લેવા… રાજીયા, એ બે બદામનો દુકાનદાર મને, મને, સંભળાવી ગયો આજે.. આવું… તેંં હજી આગળનું ઉધાર ચૂકવ્યુ નથી… પૈસા તો મેં તને પૂરા ગણીને દીધા’તા કાલે.. બોલ, મારા પીટ્યા..”

“રાજી, નથી ચૂકવાયા. એક બીજા કામમાં વપરાઈ ગયા એ.”

“એટલે? વપરાઈ ગયા એટલે… ઉધાર ચૂકવવાથી વધુ અગત્યનું કયું કામ હતું તારે બીજું? કે.. ઝટ કે, નહીંંતો મારાથી ભૂંડી બીજી કોઇ નથી..”

“અરે ગાંડી, ઉધાર જ ચૂકવ્યું છે… આપણું નહીં મારૂં.”

“એટલે…”

“એટલે દુકાનદારનું નહીં, પરવાનેદારનું…”

“પાછો ઢીંચી આવ્યો… લોહી પાણી એક કરી લાવું છું પગાર… ને તું બાટલી પોટલીમાં વેડફી નાખે છે..”

“અરે, રાજી, નારાજ ન થા. તું મારી, હું તારો. તારી પગાર મારો, મારો ઉધાર તારો…”

“લવારી ન કર. અને હા.. હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..”

“રાજી, ઉધાર તું તો શું હવે પેલો દુકાનદાર ય નહીં રાખે… રાખશે તો માત્ર મારો પ્રિય પરવાનેદાર.”

“હટ ભૂંડા, તેય પાંડવ જેવું પોત પ્રકાશ્યું… પાંચાલીને ઉધારી મૂકી…”

– પરીક્ષિત જોશી

૨૦. મથામણ

“હાથ ઉપાડતા પહેલા વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીંં રાખે..”

રાજી તંંદ્રામાંથી જાગી.

એ આવ્યા… જમવા બેઠા..

બે વર્ષ થઈ ગયા એ વાતને, ફારગતિ તો ટળી ગઈ, છેક આજે આવી છું સાસરે, વાત ક્યાંથી શરૂ કરું?

“અથાણું આપું કે?”

– સંજય ગુંદલાવકર

૨૧. લગ્નગ્રંથિ

“મને આશા હતી કે મારાથી ન થયું તે તું કરીશ; પણ તું માંની મરજીથી લગ્નગ્રંથિથી જોડાવા તૈયાર કેમ થઈ માહી?” વચલી આશુ બોલી.

“શું થાય આશુ? માં જે કરે એમાં ખોટું શું છે!”

“હા, પણ આ મોટીબેન રાજીની જેમ ધણી પર હાથ ઉપાડતાં પહેલા વિચારી લેજે… રાજી આ વખતે ઉધાર નહીં રાખે… એ ધ્યાન રાખજે માહી.”

એટલામાં રાજી આવી, “માનવી ઉત્તર ધ્રુવના બરફમાં રહી શકે, અને સહારાના ધીકતા રણમાં પણ… એટલે જ માનવીની મન:સ્થિતિ ક્યારેક ભટકી જાય છે, ને પાપ પૂણ્યના મિશ્રણમાં તરયા કરે. આજ આપના સમાજનો વારસો.” ને રાજી રડી પડી.

“જીવનનું ઉધાર બધાએ ચૂકવવાનું જ છે. પણ રાજીની રીતે નહિં જ ચૂકવશો…”

– જાગૃતિ પારડીવાલા

૨૨. યાદ

“દીકરી, ભૂલી ગઈ કે શું બાપ ને..?”

“ના રે બાપુ, તું તે કોઈ દી ભુલાય કે..?”

“તો કદી મળવા યે નથી આવતી ને..” બાપને એકલતા સતાવતી હતી.

“બાપુ, હું સાસરે છું.. વખત ક્યાંથી હોય..?” રાજીએ વ્યથા વ્યક્ત કરી.

“તું દીકરી હતી ત્યાં સુધી મારી પાસે તારા માટે સમય નહોતો… હવે તું દીકરી માટી વહુ બની ત્યારે તને સમય નથી… માફ કરજે..”

“બાપુ, જૂની વાત છોડ ને..”

“દીકરી, એક બીજી વાતની પણ માફી માગવી છે આજે.. મેં એક દી હાથ ઉગામ્યો હતો તારી ઉપર..”

“મેં પણ તો તને ધમકાવ્યો જ હતો ને બાપુ.. એમ કહી ને કે… હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..” અને ભૂતકાળની યાદ વધુ તાજી થાય એ પહેલા..

ફોન ડિસ્કનેક્ટ થઇ ગયો..

– ધર્મેશ ગાંધી

૨૩. રાજીની માં

“આને આજે પાસી લીયાવી? તનેય હરમ જેવું કાંઈ સે કે નંંઈ? મેં હજાર વાર ના પાડી સે કે તારી માં મારા ઘરમાં ન જોઈએ..”

“પણ શિવાના બાપુ… એટલી માણસાઈ તો..”

“પણ ને બણ.. મારી માંને ઘરની બારો કાઢી’તી ને ઈ વરધાશ્રમના ઓટલે મરી ગઈ તંયે તારી આ માણસાઈ ક્યાં ગઈ તી’?” બોલીને જીવણ ઘરના દરવાજે ઉભેલી રાજીની માંને ઘરની બહાર કાઢવા, તેનું બાવડુંં પકડવા આગળ વધ્યો..

“હાથ ઉપાડતાં પહેલાં વિચારી લેજે.. રાજી આ વખતે ઉધાર નહીં રાખે..” રાજીએ ચેતવણી ઉચ્ચારી.

“આ જ વાત જો તેં ઈ વખતે કહી હોત ને રાજી, તો આજે મારી માંના ફોટા પર હાર ન હોત..” કહીને એ રાજીની માંને પગે લાગ્યો.. “માફ કરજે માં”

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “પ્રોમ્પ્ટેડ માઈક્રોફિક્શન #૨ (૨૩ વાર્તાઓ)

  • ketan prjapati

    ‘બાળ લગ્ન’
    ગામ આખુ વિરોધમા ને હુ એક તરફ .
    બધા જ બાળ લગ્નની તરફેણમા ને હુ એકલો વિરોધમા. ને બધા મને ધારીયા, કુહાડી લઇને મારવા આવ્યા ને હુ ઘરમા છુપાઇ ગયો.
    ત્યા જ ગામના શિક્ષક આત્મારામ પટેલ નિકળ્યાને બાળ લગ્નનો વિરોધ કેમ તે સમજાવ્યુ .ત્યારે હું વિચારતો હતો, “દુનિયા આખી વિરોધમાં.. ને હું એકલો.. મેં દરવાજો ખોલ્યો, પણ આ શું..? બધા જ બહાર ઉભા હતા ને હથિયાર નીચે મુકી મારી માફી માગતા હતા.

    કેતન પ્રજાપતિ

  • Minaxi Vakharia

    “પરદેશી”

    હિમાલયની ગોદમાં એક પરદેશીબાબુ જોડે તેનાં નૈન લળી ગયા…..આજે તેને પરદેશી બહુ જ યાદ આવતો હતો.. પોતાનાં ઉપસેલાં પેટ પર હાથ ફેરવતી ગર્ભસ્થને કહી રહી હતી…. તારો બાપો આવતી મોસમમાં જરૂર આવશે. અને હળવેથી આંખોના ખૂણે અટકેલા અશ્રુબિંદ લુછી નાખ્યા. ત્યારે બાજુની ચાની હાટડીના રેડિયોમાં ગીત વાગી રહ્યુ હતું.
    “તુમ તો ઠહેરે પરદેશી…..”

    મીનાક્ષી વખારિયા

  • gopal khetani

    MFL rocking… congrates to all “sarjak” .. will rejoin grp in some time… again congrates to all.. just one comment.. i really enjoyed Dr hardik yagnik’s MF… He created spark in just 2 to 4 sentences. more than 4 sentences just loosing the MF ‘ “chamatkruti”.. this is just my view.!!