યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૮) 1


ગતાંકથી આગળ…

Who Walk Alone - Cover Front-LR

મુલાકાતીઓનો દિવસ! ક્યુલિઅન ખાતે બોટ આવી રહી હતી. દરદીઓ સાથે એમના કુટુંબીઓ અને સગાવહાલાઓની મુલાકાતથી હું હંમેશા દૂર રહેતો. વસાહતમાં હું નવોસવો આવ્યો હતો, ત્યારે એક વખત હું આવા પ્રસંગે ગયો હતો. ત્યાંનું એક વખત જોયેલું દૃશ્ય જીવનભર માટે પૂરતું થઈ ગયું હતું! માતાઓ પોતાનાં બાળકોને મળવા આવતી હતી, પણ એ એમને સ્પર્શી શકતી નહીં! સ્ત્રીઓ એમના રોગીષ્ઠ પતિને મળી લેતી, વાતો કરી લેતી… પણ બસ! એથી વિશેષ કશું જ નહીં! ઘરની યાદમાં હિજરાતાં બાળકો પોતાની સામે ઊભેલાં મા-બાપ સામે તાકી રહેતાં… એ મા-બાપ હવે કદાચ ક્યારેય એમને ગોદમાં લઈને રમાડવાનાં ન હતાં! ક્યારેય એમને બાથ ભરીને ભેટવાનાં ન હતાં! એમાં ક્યારેક કોઈક દરદી કે મુલાકાતી બેબાકળા થઈને કાબૂ ગુમાવી બેસતા, અને પોતાના સંબંધીને છાતી સરસું ચાંપી લેતા! ડૉક્ટરો, નર્સો કે પછી પોલિસ તરીકે સેવા આપતા દરદીઓએ  જબરદસ્તીથી એમને છૂટા પાડવા પડતા! મારી પોતાની બીમારી અને મારા નસીબ પ્રત્યે તો હું નિષ્ઠુર બની ગયો હતો. પણ બીજા લોકોના નસીબ પ્રત્યે હું નિષ્ઠુર બની શકતો ન હતો, ખાસ કરીને બાળકો પ્રત્યે! એમની એ હાલત મને હંમેશા અસ્વસ્થ કરી મૂકતી હતી, એટલે એ દૃશ્યથી હું હંમેશા દૂર જ રહેતો!

મુલાકાતીઓને લઈને બોટ આવે એટલે બધું જ કામકાજ ઠપ્પ થઈ જતું. એવા સમયે કોઈ દરદી કામ પર ચડે એવી ઇચ્છા રાખવી એ વધારે પડતું હતું. પોતાનું કોઈ સંબંધી કે મિત્રોમાંથી કોઈ આવવાનું ન હોય તો પણ, પોતાના ગામની કોઈ ભાળ મળી જાય એ ખાતર પણ દરદીઓ ત્યાં આંટા મારતા રહેતા, અને પોતાના સગાંવહાલાંને મળીને ટળવળતાં બીજાં દરદીઓની સાથે-સાથે એ પોતે પણ એમની પીડા અનુભવી લેતા!

ટોમસ પણ બોટના સમાચાર સાંભળીને સામો ગયો હતો. મને ખબર હતી ત્યાં સુધી એને કોઈ મળવા આવવાનું ન હતું, છતાં પણ એ ગયો હતો! હું મારું જૂનું થાળીવાજું કાઢીને બેઠો. છેલ્લા કેટલાયે મહિનાઓથી મેં એ વગાડ્યું ન હતું. એક પછી એક રેકર્ડ હું વગાડતો ગયો. અને જાણે કોઈ બીજા વિશ્વમાંથી ગવાતું હોય એમ શરૂ થયું અમારું ગીત, જેન દ્વારા લખાયેલું એ ગીત! એ ગીતે તો મને છેક પૅસિફિકની પેલે પાર પહોંચાડી દીધો! આ જિંદગી મને ક્યાં લઈ આવી છે, જેન…! ગીત વાગતું બંધ થયું એ સાથે જ કોઈ મારું નામ દઈને મને બોલાવતું હોય એવું મને લાગ્યું. હું વરંડામાં ગયો. કેરિટા નીચે મારી સામે હસતી-હસતી ઊભી હતી. કુદકો મારીને હું પગથિયાં ઊતરી ગયો, એની સામે હાથ લાંબો કર્યો. પણ પછી અચાનક જ આંચકો મારીને હાથ પાછો ખેંચી લીધો! ના, કેરિટા હવે અમારામાંની એક ન હતી. મારાથી એને સ્પર્શ કરવાની હિંમત કઈ રીતે કરી શકાય?

“પાગલ ન બન, નેડ!” કહેતી પગથિયાં ચડતી એ આવી. મારા ચહેરાની બરાબર સામે પોતાનો ચહેરો ગોઠવીને પોતાના બંને હાથ એણે મારી ફરતે વીંટાળી દીધા, અને મને એક ચુંબન ચોડી દીધું.

“આપણી વચ્ચે કોઈ જ ડર નથી, અને ક્યારેય રહેશે પણ નહી!”

“કેરિટા, મને ખબર જ ન હતી કે તું આવી રહી છે! ખબર હોત તો તને મળવા હું સામેથી બોટ પર આવત!”

“હું તને જણાવવા માગતી જ ન હતી. અચાનક આવીને તને આશ્ચર્ય આપવું હતું. સાચ્ચે જ બહુ મજા આવી, નહીં?”

“મજા શબ્દ નાનો લાગે, એટલી બધી મજા પડી! કેમ છે તું? ચાલ, આપણી આંબા નીચેની આપણી જૂની જગ્યાએ જ જઈને બેસીએ!”

“નેડ, પ્રિયે. કેટલું સુંદર લાગે છે અહીંયાં બધું! તું કંઈ જ ચૂકતો નથી, ક્યારેય! તું ખરેખર સાચું જ કહેતો હતો. મારા કુટુંબે કોઈ જાતના ભય વગર મને પાછી અપનાવી લીધી છે. બીજા લોકો શરૂઆતમાં મારાથી દૂર રહેતા હતા. પણ હું ખૂબ જ ભાગ્યશાળી છું. ડૉ. બોંડ અને ડૉ. ડોમિનીગ્ઝે મને બહુ મદદ કરી છે. તને કંઈ પણ કહેવાની મેં એમને ના પાડી હતી. હું ત્યાં આરોગ્યખાતામાં કામ પર લાગી ગઈ છું. રજા પર છોડાયેલા દરદીઓને તપાસવાનું કામ મને સોંપાયું છે. જે લોકો ગામની બહાર જતા રહે છે, એમને શોધવાનું સરળ નથી રહેતું. એ લોકો બેદરકાર રહે તો થોડા-થોડા સમયે ફરીથી તપાસ કરાવવા અને ડૉક્ટર કહે એ પ્રમાણે સારવાર લેવા માટે હું એમને સમજાવું છું. રજા પર છૂટેલામાંથી કેટલાકને ફરીથી રોગ દેખા દે છે પણ ખરો! એમને અહીંયાં કે પછી સેબુમાં ફરીથી દાખલ થવા માટે સમજાવવા પડે છે. અમારા કામનું આ એક દુઃખદ પાસું છે. ડૉ. બોંડ કહે છે એ પ્રમાણે, આ રોગ નાબૂદ થઈ શકે એવો કોઈ રસ્તો શોધી જ કાઢવો પડશે! બસ, એ એક જ વાત સહુથી અગત્યની છે.”

“તને લાગે છે કે બહારની દુનિયાના એ લોકો, સાજા થઈને પાછા ફરેલા રક્તપિત્તિયાં તરફના એમના ડરમાંથી ક્યારેય મુક્ત થશે ખરા?”

“હા, ચોક્કસ! જ્યારે રક્તપિત્ત થવાનું કારણ અને એની સારવારની સમજણ એ લોકોને પડશે ત્યારે ચોક્કસ એમનો ભય દૂર થઈ જશે. અહીંથી રજા લઈને છુટ્ટા થયેલા લોકો વચ્ચે કામ કર્યા પછીના મારા અનુભવે મને એ સમજાવ્યું છે, કે રક્તપિત્ત સામેની લડાઈમાં સૌથી અગત્યના પગલાંઓમાંનું એક એ હશે, કે આ રોગ માટે નવું નામ શોધવું પડશે. ટ્યુબરક્યુલોસિસના કિસ્સામાં પણ આમ જ બન્યું હતું. એ રોગ તરફ લોકો સમજણપૂર્વક જુએ એ માટે પહેલાં તો ‘ક્ષયરોગી’ નામનો ભયાનક શબ્દ બદલી નાખવો પડ્યો હતો, પછી ભલેને એ લોકો એ રોગના શિકાર બનેલા હોય, કે માત્ર જોવાવાળા હોય! રક્તપિત્ત માટે પણ આ બાબત એટલી જ, કદાચ એથી પણ વધારે સાચી છે. ‘રક્તપિત્તિયું’ શબ્દ, બીમારીથી પીડાતી કોઈ વ્યક્તિ કરતાં કંઈક જુદું જ સૂચવે છે. તું અને હું આ નામની જે બીમારીને જાણીએ છીએ, એમાં ઘણીવાર તો કોઈ અંગ વિકૃત પણ થયું નથી થતું, અને રોગી પોતે ધારે તો પણ એનો ચેપ કોઈ સાજી-નરવી વ્યક્તિને લાગી શકતો નથી.

‘રક્તપિત્ત’ શબ્દ જગતના સાહિત્યમાં વણાઈ ચૂક્યો છે, એક રોગનું કે એક રોગીનું વર્ણન કરવા માટે નહીં, પણ એક નૈતિક અસ્વીકૃતિ તરીકે! એક એવા અધમ વ્યક્તિ તરીકે વર્ણન કરવા માટે, જે પોતાની એ અધમતાના કારણે પોતાના જ સાથીદારો પાસેથી કંઈ જ પામી ન શકે!

નેડ! એવા શબ્દ વડે એમણે તારી અને મારી ઉપર એક સિક્કો મારી દીધો છે. ક્યુલિઅનની ગલીઓમાં રઝળતા આ નાનકડાં બાળકોના માથા પર એમણે આ સિક્કો મારી દીધો છે!

આપણને ડૉક્ટરોની મદદની જરૂર પડશે. આ સમસ્યાના હલ માટે કામ કરીને છેવટે માનવજાતને આ શ્રાપમાંથી છોડાવવા માટે કામ કરે એવા લોકોનો આપણને ખપ પડશે જ! પણ એ પહેલાં, મને એવું લાગે છે કે, આ જગત આપણને રક્તપિત્તિયાં તરીકે ઓળખતું બંધ થાય એ સૌથી અગત્યનું છે.”

કહેતાં-કહેતાં એ રડવા લાગી. કેરિટાને એની અંગત સમસ્યાઓ સામે ઝઝુમતી મેં જોઈ હતી. એના સંતાપના આ ધોધમાર પ્રવાહને જોઈને હું મૂંઝાઈ ગયો હતો. એનો એ સંતાપ એની કોઈ અંગત સમસ્યાને લીધે તો ન હતો; કે પછી ખરેખર એ એની અંગત સમસ્યા પણ હતી!

થોડીવારે શાંત પડીને એ ફરીથી બોલી. “અહીંથી છૂટેલા લોકો માટે આ કામ કરીને મને ખરેખર આનંદ મળે છે. આ વાત તને કહેવા માટે જ મારે અહીં આવવું હતું. અને અહીં આવવાનું એક બીજું પણ કારણ છે. કારમન અહીં આવી છે.”

“હા, મેં પણ જોઈ છે એને! તેં મને પત્રમાં કેમ લખી ન જણાવ્યું? પણ કારમન અહીં પાછી આવીને શું કરી રહી છે? ડૉ. પોન્સ તો કહે છે કે એ હજુ સુધી રોગમુક્ત જ રહી છે… તો પછી કેમ…?”

“ધીરજ રાખવાની વાત સાવ એમ જ તો નહીં કહેવાઈ હોયને, નેડ? કારમન ક્યુલિઅનમાં એક વીરાંગના ગણાવાઈ રહી છે એ મેં પણ સાંભળ્યું છે. એના ભવિષ્ય માટે કદાચ એ સારું લક્ષણ પણ હશે કદાચ! પણ અહીં એ એક બહુ મહત્ત્વના કારણસર આવી છે.”

“કારમન સાવ પાગલ લાગે છે. એ સાજી તો થઈ ગઈ છે. એણે આ જગ્યા એ પાછું શા માટે આવવું પડે?”

કેરિટાના મધુરા હાસ્યે મને અટકાવી દીધો.

“નેડ, તું બહુ વહાલો છે એ ખરું, પણ સાથે-સાથે તું સાવ બુદ્ધુ પણ છે. તું ખરેખર આટલો બધો બુદ્ધુ છે? તને ખબર નથી કે કારમન અને ટોમસ એકબીજાના ગાઢ પ્રેમમાં છે?”

એણે મને ઊંઘતો જ ઝડપી લીધો હતો. કારમન ઘણી વખત મારા ઘરની મુલાકાતે આવતી હતી. હું જ મૂર્ખ હતો કે આ વાત સમજી ન શક્યો! પણ હું તો હજુ પણ જીદ પર આવેલો હતો.

“એમ હોય તો પણ, એણે અહીં પાછાં શા માટે આવવું પડે?”

“એ ટોમસ સાથે લગ્ન કરવા માટે પાછી આવી છે, એ લોકો સાથે તો રહી નહીં શકે, તો પણ. કારણ કે એ તો સાજી થઈને અહીંથી છૂટી થઈ ગઈ છે.”

“એ તે કેવા પ્રકારનું લગ્ન હશે, કેરિટા? જુદા જ પડવાનું હોય, તો પછી એમણે લગ્ન શા માટે કરવા જોઈએ?”

“થોડી ધીરજ રાખ, નેડ! આ કહાણીના બીજા પણ કેટલાક પાસાં છે. ટોમસ અને કારમન આ વાત બરાબર સમજે છે, અને એ લોકો કાયદાને માન પણ આપશે. અને છતાં પણ એ લોકો લગ્ન કરવા માગે છે. કારમનને અહીંથી ગયે થોડો સમય જ થયો છે. એક નાના ભાઈ સિવાય એના કુટુંબમાં કોઈ જ બચ્યું નથી. માતા-પિતા બંને મૃત્યુ પામ્યાં છે. નાનો ભાઈ એનાં કાકા-કાકી સાથે રાહે છે. એ ત્રણેય કારમનની સાથે સંપર્ક રાખતાં ગભરાય છે. કારમન ત્યાં મારી સાથે રહે છે. એ બહુ સુંદર ભરતકામ કરી જાણે છે, પણ ખવાઈ ગયેલા હાથે એ પૂરતું કમાઈ શકે એટલું ઝડપી કામ ન કરી શકે. ટોમસની ઘર પ્રત્યેની માયાને કારણે એ અંદર ‘ને અંદર દુખી થાય છે. ટોમસની ઘરડી માને મળવા જવાનો એક માત્ર સહારો એને મળી રહ્યો છે. એમના લગ્ન પછી કારમન શ્રીમતી એગ્વિલાર સાથે રહેવા ચાલી જશે અને એમના ઘડપણની લાકડી બની રહેશે. ટોમસ એમને મદદ કરી શકશે.”

થોડી પળો માટે હું ગૂંચવાતો બેઠો રહ્યો. કેરિટા શાંત ચિત્તે બેઠી હતી. મને તો એમ હતું કે રક્તપિત્તના એક દરદીને નડી શકે એવી બધી જ સમસ્યાઓથી હું પરિચિત હતો! પણ આ સમસ્યા મારા માટે પણ સાવ નવી જ હતી! ટોમસ… મારો પુત્ર…!

“ટોમસની રાહ જોવામાં અને એની માની સેવા કરવામાં કારમનને એની ખુશી મળી રહેશે, નેડ!”

“ટોમસની રાહ જોવામાં? કેરિટા, ટોમસ વીસ-વીસ વર્ષોથી છે અહીંયાં! એ અહીંથી ક્યારેય મુક્ત થઈ શકશે એવું માનવાની મૂર્ખતા કારમન કઈ રીતે કરી શકે?”

“એણે ડૉક્ટરોને પૂછ્યું છે. મને લાગે છે કે તેં એને ડૉ. પોન્સની સાથે જ જોઈ હતી, નહીં? બધા જ ડૉક્ટરોને એના પર માયા છે. ટોમસનો કિસ્સો મુશ્કેલ છે એની એને જાણ છે. રોગ આગળ તો વધતો નથી દેખાતો, પણ ચકાસણીના સમયે હંમેશા એ પોઝિટિવ દેખાઈ આવે છે. પણ ડૉક્ટરો કરતાં એને એના ભવિષ્ય પર વિશ્વાસ છે. એની ખુશીનો કોઈ પાર જ નથી. કાયદા મુજબ તો લગ્નની ઉજવણી પૂરતી જ છૂટ મળશે. કાયદાનું બંધન પણ પસંદ પડે એટલી હદે ટોમસ અને કારમન એકબીજાને ચાહે છે. કારણ કે, આથી વિશેષ તો કંઈ એમને મળી શકે એમ છે નહીં! છેવટે કારમન તો એવું માને છે, કે કોઈક દિવસ ટોમસ એની પાસે જરૂર આવશે. તું તો જાણે છે, નેડ! કારમન પોતે સાજી થઈ શકી છે. કોઈની આશાને આપણે કેમ કરીને રોકી શકીએ! અને એની આશા, એના પોતાના માટે તો સાચી નીવડી જ છેને!”

હું નીચું જોઈ ગયો. ટેબલ પર મારી સહી દેખાતી હતી, બાર વરસ પહેલાં મેં કોતરેલી સહી! એ સહીની સાથે આશા સાથેની મારી સુલેહ, મારો યુદ્ધવિરામ પણ એ ટેબલ પર જ તો કોતરાયો હતો! ખેર… કોઈના હૃદયમાં હજુ પણ આશાનો દીપ સળગતો રહી ગયો હોય, તો ઇશ્વર જ એને મદદ કરી શકે, બીજું શું!

કેરિટા ધીરજથી રાહ જોતી બેઠી રહી. શબ્દો દ્વારા મારી વાતને વ્યવસ્થિત કરીને મૂકતાં મને ખાસ્સી વાર લાગી ગઈ.

“ખેર, કેરિટા! એ બંને બદમાશોને મળીને એમને આશીર્વાદ આપવાની તો છૂટ છેને મને! મને ખબર છે, તેં આટલામાં જ ક્યાંક છુપાવી રાખ્યા હશે એ બંનેને!”

“તું બહુ ચાલાક બની ગયો છે, નેડ!” વરંડાના છેડે જઈને એણે બૂમ પાડી. ટોમસ અને કારમન તરત જ સામે આવીને ઊભાં રહ્યાં.

“કેરિટાએ મને કહ્યું કે તું અને કારમન લગ્ન કરવા ઇચ્છો છો, અને કારમન એને માટે જ અહીં પાછી આવી છે!”

હું કારમન સામે ફર્યો. આ બહાદુર છોકરી દેખાવમાં કેટલી નાનકડી લાગતી હતી! એના હાથમાંના ગુલદસ્તા સામે હું જોઈ રહ્યો. આંગળીઓ ખરી ગયા પછી બચેલા હાથને એ ગુલદસ્તા વડે છૂપાવી રહી હતી.

“કારમન, મારી દિકરી, તારું સ્વાગત છે. હવે કેરિટા, હું સમજું છું કે તેં બધું જ આયોજન કરી લીધું છે. હવે મને તો કહી દે, કે લગ્ન ક્યારે ગોઠવ્યા છે?”

“રિઝાલના દિવસે, નેડ. અને તું ખાતરી રાખજે, હું ત્યાં સુધી હું અહીં જ રોકાઈશ.”

“ટોમસ, બહુ જ ખુશીના સમાચાર લાવ્યો છે તું!”

“તમારા પછી અમારું કોઈ સ્નેહી હોય તો એ બહેન જ છેને, સાહેબ!”

બસ, તો આ રીતે બધું નક્કી થઈ ગયું.

*

લગ્નની તૈયારીની સાથે-સાથે મારા વિચારો ટોમસ પર કેન્દ્રિત થયા. ડોક્ટરો પોતાનાથી બનતો પ્રયત્ન કરી રહ્યા હતા એ હું જાણતો હતો, પણ મને એનાથી સંતોષ ન હતો. ડૉ. ટેબોરડા સાથે મેં આ બાબતે લાંબી વાતચીત કરી જોઈ.

“ટોમસ મારી સાથે જ અહીં આવ્યો હતો, ડૉક્ટર. દેખીતું છે કે એનામાં કોઈ જ ફેરફાર નથી થયો. એના શરીર પર થોડાંઘણાં જે ચિહ્નો છે, એ તો એ અહીં આવ્યો ત્યારે પણ હતાં જ! અને છતાં પણ ચકાસણી વખતે એનો રિપોર્ટ હંમેશા પોઝિટિવ જ આવે છે.”

“એના જેવા બીજા પણ છે અહીં. એવું ક્યારેક બને છે, કે દરદી આખી જિંદગી આ પ્રકારે જ રહે છે. ટોમસ જેવો છોકરો મનિલાની સડકો પર ફરતો હોય તો કોઈને શંકા પણ ન જાય કે એને કોઈ બીમારી છે! પણ એના શરીરમાં બેસિલીની હાજરી છે એ નક્કી! અને આ રીતે એ વધારે જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે જેના હાથ કે મોં પર રક્તપિત્તના નિશાન હોય એવા દરદીની જેમ, લોકો એનાથી અંતર રાખીને નહીં ચાલે. ક્યારેક મને વિચાર આવે છે, કે ટોમસ જેવા લોકો, કે પછી જેને રોગમુક્ત ગણીને આપણે અહીંથી છૂટા કરીએ છીએ એ લોકોની પરિસ્થિતિ, અહીં રહેલા ગંભીર કિસ્સાઓ જેટલી જ દયાજનક બની જાય છે. કારણ કે લોકો એમનાથી ડરતા હોવાને કારણે એ લોકો કમાઈ પણ નથી શકતા! જાવામાં સુર્યબયા પાસેના રક્તપિત્તના દવાખાનામાં હું ગયો ત્યારે ત્યાં એક વૃદ્ધ માણસ હતો. એના શરીર પર ખરેખર બહુ જ થોડા ડાઘ રહી ગયા હતા, અને છતાં એ પોઝિટિવ કિસ્સા તરીકે છેલ્લા ચાલીસ વર્ષોથી ત્યાં જ હતો!”

ચાલીસ વર્ષ! ટેબલ પર મેં કોતરેલી મારી સહી મને યાદ આવી ગઈ. આશા સાથે મેં સુલેહ કરી લીધી હતી એ સારું જ હતું! પણ ટોમસને હજી પણ આશા હતી!

ઘેર જઈને સમુદ્રકિનારે પહોંચીને ટોમસના ભવિષ્ય વિશે વિચાર કરવાનો પ્રયત્ન કરી જોયો. હું ક્યુલિઅનમાં છું ત્યાં સુધી તો એની સંભાળ લેવાશે. એણે પોતાનો અભ્યાસ ચાલુ જ રાખ્યો હતો. હમણાં તો એણે હિસાબ-કિતાબ રાખવામાં મારું ઘણુંખરું મહત્વનું કામકાજ સંભાળી લીધું હતું, જેને માટે હું એને વધારાની રકમ પણ આપતો હતો. લગ્ન કરવાથી એના પર કારમનની જવાબદારી પણ આવી પડવાની હતી. છેલ્લા થોડા સમયથી તો એ પોતાની માતાને પણ પૈસા મોકલતો હતો. વ્યવસાયમાં એને થોડો વધારે પલટવો શક્ય હતો, જેથી કરીને આગળ જતાં આ ધંધામાં એ પોતાની જગ્યા બનાવી શકે!

વ્યવસાયને અમે વધારેને વધારે ફેલાવી રહ્યા હતા. અડધુંપડધું કામ તો થઈ પણ ગયું હતું. નવા સંસાધનો અને વધારાની શક્તિ વડે લોકોના ઘરમાં રૅફ્રિજરેટર ચલાવવા માટેની વીજળી પૂરી પાડી શકાય એમ હતું. ભુખ્યા અમેરિકનો બરફ, ઠંડી વાનગીઓ અને ઠંડાં પીણાંના સારા ગ્રાહકો હતા. મોટાભાગના ફિલિપિનો ડૉક્ટરો અને વહીવટી કર્મચારીઓ બરફનો ઉપયોગ શીખી ગયા હતા. પણ દરદીઓને એ પોસાતું હોય તો પણ એમને બરફની બહુ જરૂરિયાત હતી નહીં. જો કે વીજળી મેળવવી હવે આસાન હતી અને આ બધા જ પાછા રેડિયો વગાડવાના બહુ શોખીન હતા એટલે જેને પોસાય એ લોકોએ સસ્તા રેડિયોસેટ વસાવી લીધા હતા.

*

ટોમસે રિઝાલનું ટાણું શુભ દિવસ તરીકે સ્વીકાર્યું હતું. રિઝાલનો દિવસ આમ તો શોકના સંદર્ભે પાળવામાં આવતો હોય છે, કારણ કે એ દિવસે જોઝ રિઝાલનો વધ કરવામાં આવ્યો હતો. રિઝાલ એટલે અભૂતપૂર્વ મહાન વ્યક્તિત્વોમાંનું એક! પાંત્રીસ વર્ષની ઉંમરે એમને દેહાંતદંડ દેવાયેલો! આટલા ટૂંકા જીવનકાળ દરમિયાન એમણે પોતાના દેશવાસીઓ ઉપર એક અમીટ છાપ છોડી હતી. લિઓનાર્ડો દ વીંચી કે બેન્જામિન ફ્રેંકલિનની માફક વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભાઓના એ સ્વામી હતા! પ્રથમ દેશભક્ત! એવા પ્રખર દેશભક્ત, જેણે કોઈ જ બળવાની આગેવાની લીધી ન હતી, અને છતાં પણ બબ્બે વખત જેલવાસ ભોગવેલો! છેવટે સ્પેન દ્વારા રાજદ્રોહના આરોપસર ગોળીએ દેવાયા, અને એ પણ સત્યનો એકાદ અંશ પણ ન હોય એવા, તદ્દન ખોટા અને ઉપજાવી કાઢેલા આરોપસર!

રિઝાલ એટલે એક કવિ અને એક ઇતિહાસકાર! એમના પુસ્તક નોલી મી ટેંગીરીમાં એમણે સ્પેન વિશે રમુજી ચિત્રણ કરેલું, અને એ પુસ્તક જ આડકતરી રીતે એમના વધનું કારણ પણ બન્યું હતું! પણ એમની રાજકીય માન્યતાઓને એક તરફ રાખીએ, તો એ એક પ્રખર લોકતાંત્રિક વ્યક્તિ હતા. પોતાની ટૂંકી જિંદગીમાં અનેક ક્ષેત્રે એમણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. એ જમાનામાં આખા યુરોપમાં ખ્યાતનામ નેત્રચિકિત્સકોમાં એમની ગણના થતી હતી. એક શિલ્પકાર, એક નૃવંશવિજ્ઞાની તરીકે એમણે એકઠા કરેલા નમૂનાઓ ડ્રેસડન મ્યૂઝિઅમમાં જળવાયેલા છે. એક પ્રાણીશાસ્ત્રી અને એક સિદ્ધહસ્ત ભાષાશાસ્ત્રી, બારેક ભાષામાં એ લખતા હતા! વ્યક્તિચિત્રો અને ઠઠ્ઠાચિત્રો દોરનાર, અર્થસભર અને પ્રભાવશાળી નવલકથાઓના લેખક તરીકે ફિલિપાઇન્સની બહાર પણ એમણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એક શિક્ષણશાસ્ત્રી અને સમર્થ બાંધકામ ઇજનેર! દેશનિકાલ કરીને એમને મિન્ડેનોમાં મોકલી આપવામાં આવ્યા, ત્યારે પણ એક નાનકડા ગામમાં એમણે એક નવા જ પ્રકારની શાળાની સ્થાપના કરી હતી. એ પછી એ જ ગામમાં પાણીપુરવઠા માટે પણ બાંધકામ કરી આપેલું.  દેશનિકાલ દરમ્યાન ક્યુબામાં કમળાનો રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ત્યાં પણ સ્થાનિક સ્વયંસેવક તરીકે એમણે સેવાઓ આપેલી. ત્યાંથી એમને મુક્ત કરીને પાછા ક્યુબા મોકલવામાં આવેલા. બાર્સેલોના થઈને એ ક્યુબા જતા હતા, તે દરમ્યાન જહાજમાંથી ઉતારીને એમને ફરીથી બંદી બનાવી દેવામાં આવ્યા. મનિલા પાછા લાવીને એમને ફોર્ટ સેન્ટિગોમાં એકાંતવાસમાં રાખવામાં આવ્યા. સાત અઠવાડિયાના એ જેલવાસ દરમ્યાન વકીલ પસંદ કરવાની છૂટ આપ્યા વિના જ ખટલો ચલાવીને એમને દોષિત ઠેરવી દેવામાં આવ્યા.

આખાયે દ્વીપસમુહમાં એમને ‘ફિલિપાઇન્સના જ્યોર્જ વોશિંગ્ટન’ તરીકે ઓળખવામાં આવતા હતા. ટોમસના મનમાં એમની યાદગીરીરૂપે એમના તરફ એક ઊંડો પૂજ્યભાવ હતો. રિઝાલના દિવસે જ લગ્ન કરીને એ મહાન વ્યક્તિત્વને એ બેવડી અંજલિ આપવા માગતો હતો.

*

લગ્નના આગલા દિવસે પ્લાંટ અને માછીમારીના અમારા વ્યવસાયના કર્મચારીઓએ જોઝ ક્રૂઝને મારી પાસે મોકલ્યો.

“તમે રજા આપો, મિ. નેડ,” જોઝે બધા વતી દરખાસ્ત મુકી, “તો અમારા બધાની ઇચ્છા છે કે આપણી કંપનીના થોડા શેર ટોમસ એગ્વિલારને અમે લગ્નની ભેટ તરીકે આપીએ.”

ટોમસને આ વાત ખૂબ જ ગમી ગઈ. પત્ની મળવાની સાથોસાથ, સમાજમાં એક માનભર્યું સ્થાન પણ મળતાં એનો આત્મવિશ્વાસ વધી ગયો. પશ્ચિમી સભ્યતામાં જેની ભાગ્યે જ કલ્પના થઈ શકે એવી જવાબદારી અને મહત્તા, ફિલિપાઇન્સના એક ઉત્તમ ઘરનોકરને મળી રહી હતી! એક રસોયો, પાકશાસ્ત્રી, મુખ્યસહાયક અને અત્યંત વિશ્વાસુ મદદનીશ, આ બધાનું એક ઉત્તમ સંયોજન હતો એ! અને એને અનુરૂપ સ્થાન પણ એને મળી રહ્યું હતું. અને છતાં ટોમસ આથી પણ વધારે કદરનો હકદાર હતો, અને અમારા વ્યવસાયમાંની આ ભાગીદારી દ્વારા એના જીવનમાં એક નવી શરૂઆત થઈ રહી હતી!

આંબા હેઠળની જગ્યાએ બપોરના સમયે લગ્નવિધિ સંપન્ન થઈ ગઈ. મને લાગે છે કે વસાહતના લગભગ અડધા સભ્યોએ તો એમાં ભાગ લીધો હશે જ! કારમન જ્યાં રહેતી હતી એ સાર્વજનિક રહેઠાણમાંથી વીસેક છોકરીઓ સહિત કેટલાયે ખાસ મહેમાનો લગ્નમાં આવ્યા હતા. કેરિટાના મિત્રો પણ હાજર રહ્યા હતા. ટોમસે પોતાની વ્યાયામશાળાના સભ્યોને પણ આમંત્રણ આપ્યું હતું.

અને ફાધર મેરિલો તો સફેદ કૂર્તો પહેરીને આખા લગ્ન સ્થળે ફરી રહ્યા હતા. કોઈની સાથે ખડખડાટ હસતા, તો કોઈની સાથે ઊભા રહીને વર-કન્યા પર થતી રમૂજમાં હિસ્સો પણ એ લઈ લેતા હતા. મિ. મેન્સન તો વસાહતમાં સાવ નવા જ હતા, પણ પોતાના નાનકડા જૂથની સાથે એ પણ હાજર થઈ ગયા હતા.

પણ, મહેમાનોમાં જો કોઈ મુશ્કેલીમાં મૂકાઈ ગયું હોત તો એ હતા, કાર્યકારી મુખ્ય અધિકારી મિ. ટેબોરડા! લગ્નવીધી સંપન્ન કરવાની જવાબદારી એમને શિરે નાખવામાં આવી હતી, અને મુશ્કેલી એ હતી, કે કારમન અને ટોમસ તો જુદાં-જુદાં ધર્મમાં આસ્થા રાખતાં હતાં! આ એમના માટે એકદમ અસામાન્ય કામ હતું, એટલે મંચનો થોડો-થોડો ડર પણ એમને લાગતો હતો. દવાખાનામાં ઓપરેશન રૂમમાં, એક સર્જનની સહજતાથી કોઈ દરદીનો પગ કાપવા માટે તૈયારી કરતાં મેં એમને જોયા હતા, પણ ટોમસ અને કારમનના લગ્ન કરાવવા એ એના કરતાં અઘરું કામ હતું. પુસ્તકમાંથી વાંચતી વખતે એમનું શરીર અને અવાજ ધ્રૂજતો હતો. સામે બેઠેલા મહેમાનો તો આ બધું જોઈને દંગ જ રહી ગયા હતા. શ્રોતાઓ દ્વારા અનુભવાઈ રહેલી સહાનુભૂતિની જાણ એમના સુધી થઈ હોય કે કેમ, પણ ધીરે-ધીરે એમનો અવાજ સ્થિર થતો ગયો, અને અંત આવે એ પહેલાં તો એમણે બાજી સંભાળી લીધી. ત્યાર બાદ, ખૂબ જ સુંદર ગાઉનમાં સજ્જ થયેલી કારમન અને ટોમસની આગેવાની હેઠળ મહેમાનો ધીરે-ધીરે દરિયાકિનારે ગોઠવેલાં ટેબલ તરફ ચાલતા થયા. ટોમસને આમ ગર્વથી મોં આટલું ઊંચું રાખીને ચાલતો મેં ક્યારેય જોયો ન હતો! ફિલિપાઇનનો કોઈ પણ લગ્ન સમારોહ જેના વગર અધૂરો ગણાય એવી જાતજાતની વાનગીઓ, વિવિધ પ્રકારે બનાવેલી માછલી, ભાત, પેસ્ટ્રિ, નાળિયેરનો આઈસક્રીમ, સ્થાનિક ફળો, નારંગી અને સફરજન, વગેરે જેવા ખાસ વ્યંજનો મહેમાનો માટે પીરસાયાં હતાં.

અને એમાં પણ અમારા ખાસ મહેમાનો માટે તો એક અલગ ટેબલ ફાળવવી દેવામાં આવ્યું હતું. એમના માટેના ખાસ ભોજનનો બંદોબસ્ત પણ બલાલાથી કરવામાં આવ્યો હતો. એમને પીરસનાર લોકો અધીરતાપૂર્વક એમની રાહ જોઈ રહ્યા હતા.

શેગ અને મેમ પણ એમના પ્રદર્શનમાં ઊણાં ન ઊતર્યાં! ટેબલે-ટેબલે જઈને પોતાની પસંદના ખોરાકના ટુકડા મેળવવા માટે એ ધમાલ કરી મૂકતાં હતાં. છેવટે બાકીના સમારંભ માટે મારે પરાણે એમને પૂરી દેવા પડ્યાં. વર્ષો વીતવા સાથે કુતરાં પણ મોટાં થઈ રહ્યાં હતાં. ટાપુ પરની ગરમીની અસર એમના પર પણ એટલી જ થતી હતી, અને વધારે પડતો ખોરાક એમના માટે પણ સારો ન હતો.

મહેમાનો અને અન્ય આમંત્રણ વગર આવેલા લોકો, બધા જ ગોળાકારે ઊભા રહીને પ્રવચનો દરમ્યાન તાળીઓ પાડીને ખુશી વ્યક્ત કરતા હતા. હું પણ એમના આગ્રહને વશ થઈને પ્રવચન આપવા ઊભો થયો.

“ઈશ્વરની તમારા પર અપાર કૃપા વરસતી રહો, મારા બાળકો!” આટલું જ કહીને હું બેસી ગયો. આમ પણ હું ક્યારેય સારો વક્તા ન હતો.

વાયોલિનનું સુંદર વાદન અમારી આજુબાજુની હવામાં ફેલાઈને અમને ઘેરી વળ્યું. એ અમારું સર્વોત્તમ વાદકવૃંદ હતું, અને વર-કન્યાનું સ્વાગત કરવા માટે ખાસ આવી પહોંચ્યું હતું. એવામાં જોઝ ક્રૂઝે તાળીઓ પાડીને સહુનું ધ્યાન આકર્ષિત કર્યું.

“હવે આપણે ખાસ લગ્ન સમારંભ માટે એક સરસ નૃત્ય શરૂ કરીશું. ટોમસ અને કારમન, આવો તમે બંને આ ખાસ નૃત્યની શરૂઆત કરો.”

*

યુવક-યુવતીઓની જોડીઓએ મેદાન ફરતે થોડાં ચક્કર માર્યાં, અને પછી ચારે બાજુએ એકબીજાની સામે મોં રાખીને બધાં કતારબંધ ઊભાં રહી ગયાં. અને પછી શરૂ થયાં યુવાન દેહો દ્વારા પહેલી નજરે થોડાં જટિલ, પણ ગરવાં લાગે એવાં નૃત્યનાં દૃશ્યો! એકબીજાંની આગળ-પાછળ ફરતાં અને એકબીજાંને વીંટળાઇ વળતાં નૃત્યમાં મગ્ન યુગલોને નિહાળવાં એ એક આહલાદક દૃશ્ય હતું! વિવિધ રંગી છરકાવાળાં સુંદર મજાનાં પીના ફ્રૉક પહેરીને ફરતી છોકરીઓ તો રંગબેરંગી પતંગિયાં ઊડતાં હોય એવું દૃશ્ય રચી રહી હતી. પુરુષોએ સફેદ પેન્ટ અને પારદર્શી શર્ટનો પરંપરાગત પહેરવેશ પહેર્યો હતો.

નૃત્ય શરૂ થવાના એકાદ કલાક પછી સુંદર રીતે શણગારેલો એક ટ્રક દરવાજા પાસે લાવવામાં આવ્યો. કારમેનને એ ટ્રકમાં ફૂલો અને ધજાપતાકાથી શણગારેલા ઊંચા સ્થાને બેસાડવામાં આવી. મહેમાનો દ્વારા થતી મશ્કરીઓ વચ્ચે ટોમસને કારમનના પગ પાસે એક લાકડાના ખોખા પર બેસાડવામાં આવ્યો.

અને પછી શરૂ થયો વરઘોડો. ટ્રકની પાછળના ભાગમાં યુવક-યુવતીઓની જોડીઓ સવાર થઈ ગઈ. એમની પાછળ બધા મહેમાનો ચડ્યા, અને છેક છેલ્લે ચડ્યા વણનોતરેલા મહેમાનો!

*

વૃદ્ધ મહેમાનો વરઘોડામાં સામેલ થવાના ન હતા. એમને વિદાય આપવા માટે કેરિટા અને હું પાછળ રોકાયાં. મહેમાનોની વિદાય બાદ અમે સાવ એકલાં પડ્યાં.

“તેં એમને તારાં બાળકો કહીને સંબોધ્યાં, એ મને બહુ ગમ્યું, નેડ!”

“એ મારાં જ તો બાળકો છે! મારા ગયા પછી આ બધું એમનું જ તો થશેને! આવ, આપણે કારમાં બેસીને જ સભાગૃહમાં જઈએ. તું થાકી ગઈ હોઇશ.”

પાકા રસ્તાને છોડીને અમે ખુલ્લા મેદાનમાં થઈને ધીમે-ધીમે કાર હંકારીને બજાર સુધી પહોંચ્યાં. ત્યાંથી આગળ જઈને લિઓનાર્ડ વૂડના પૂતળા પાસે અમે રોકાયાં.

“અહીં આવું ત્યારે હું બહુ જ ગર્વની લાગણી અનુભવું છું, કેરિટા! વસાહતના લોકોએ પોતે જ આ પુતળું અહીં ગોઠવ્યું છે. હજુ થોડા સમય પહેલાં જ એનું લોકાર્પણ કરીને એને ખુલ્લું મૂકાયું છે. એને જોઈને આબેહૂબ વૂડ પોતે જ સામે ઊભા હોય એવું લાગે છે.”

“તારો નાનપણનો આદર્શ છે એ!”

સભાગૃહ અહીંથી સાવ નજીક જ હતું. લગ્નોત્સુકો હજુ અહીં પહોંચ્યા પણ ન હતા.

ક્યુલિઅનના મારા વસવાટ દરમ્યાન હું અનેક લોકોના પ્રવચનો સાંભળી ચૂક્યો હતો. પણ એ એક દિવસનું પ્રવચન મને વારંવાર યાદ કરવું ગમે છે. રક્તપિત્ત મંડળના પ્રમુખ અને શાળાના આચાર્ય ફ્રાન્સિસ્કો બોનિફેસિઓ એ એક પ્રખર વક્તા હતા. સ્પેનિશ સામ્રાજ્ય સામે બળવાની શરૂઆત કરનાર કેટિપૂનન નામની ક્રાંતિકારી સંસ્થાના સ્થાપક, ફિલિપાઇન દેશભક્ત, વિખ્યાત બોનિફેસિઓના એ સંબંધી થતા હતા, એવી પણ એક અફવા હતી.

ચાલીસેક વર્ષના, એકવડીયા બાંધાના બોનિફેસિઓ ચપળ વ્યક્તિત્વ ધરાવતા હતા. માથે કાળા ભમ્મર વાળનો જથ્થો અને એકદમ સુંદર ચહેરો, ચળકતી કાળી ઉત્સુક આંખો! વસાહતના લોકો પર એમનો ઊંડો પ્રભાવ હતો. ટાપુની રાજકીય પરિસ્થિતિમાં ધરમૂળથી ફેરફાર કરવાની એ ખાસ તરફેણ કરતા ન હતા, પણ આખાયે દ્વીપસમુહમાં સ્વાતંત્ર્ય માટેની ચળવળ સતત આગળ વધી રહી હતી. વસાહતના સૌથી હોશિયાર ગણતા બોનિફેસિઓ માટે પોતાના મનના વિચારો રજુ કરવા માટે આ આદર્શ સમય હતો એમ લાગતું હતું.

સભાગૃહ ફટાફટ ભરાઈ ગયું હતું અને છતાંયે ચારે બાજુ લોકો ઊભેલા દેખાતા હતા. એકઠા થયેલા લોકોની વચ્ચે થઈને ધીમી અને ગરવી ચાલે લગ્નોત્સુક યુગલ અને મહેમાનો ચર્ચની આગળના ભાગ તરફ પ્રસ્થાન કરી રહ્યા હતા. સહુથી આગળ હતા ટોમસ અને કારમન! નવવધૂના પહેરવેશમાં કારમન ખૂબ જ સુંદર દેખાતી રહી હતી. સુંદર ચહેરા ઉપર ચમકતી બે સુંદરતમ આંખો! હવે, આવા સુંદર લગ્ન સમારંભ ટાણે કોઈ રાજકીય ભાષણ સાંભળવું પડે એ કેવું વિચિત્ર લાગે? વિચિત્ર, એટલે કે એક અમેરિકન નજરે જોતાં એ વિચિત્ર લાગે! બાકી ફિલિપિનો લગ્ન સમારંભની દૃષ્ટિએ તો આ સામાન્ય જ લાગતું હતું! મિ. મેન્સને પ્રાર્થના શરૂ કરી એટલે અમે બધા ઊભા થયા. એ પછી વસાહતના લોકો દ્વારા કાવ્યપઠન અને ગીતો ગાવાનો મનોરંજનનો કાર્યક્રમ શરૂ થયો. એ બધું ખતમ થયા પછી ડૉ. ટેબોરડાએ એક નાનકડું વક્તવ્ય આપ્યું, અને બોનિફેસિઓનો પરિચય આપ્યો.

બોનિફેસિઓની આગળ પ્રવચનો આપનાર દરેક વ્યક્તિએ પોતાના ઉદ્‍બોધનની શરૂઆત એક શોકગ્રસ્ત સંબોધનથી કરી હતી. “મારા કમભાગી સાથીદારો…” વગેરે, વગેરે! પણ બોનિફેસિઓ તાળીઓના ગડગડાટ વચ્ચે ઊભા થઈને મંચની આગળ આવીને ઊભા રહ્યા. હાથ ઊંચો કરીને એમણે લોકોને શાંત પાડ્યા.

“ક્યુલિઅનના નાગરિકો…” સભાની દરેક હરોળમાં ઉશ્કેરાટ મચી ગયો. માત્ર આ ત્રણ શબ્દો દ્વારા જ અમને બધાને ગૌરવની એક સમાન સપાટી પર ઊભા કરવામાં એ સફળ થયા હતા. અમે રક્તપિત્તિયા હતા, પણ સાથોસાથ અમે નાગરિકો પણ હતા. અમે કોઈ ગુનેગાર ન હતા, કે અમને મતદાનનો અધિકાર ન હોય! અમે પણ નાગરિકો હતા.

એમણે જોઝ રિઝાલના વધના કિસ્સા સુધીની વાત ટૂંકમાં કહી સંભળાવીઃ

“… અને આમ, એ એકલવીર, શહીદ અને આપણો વીર નાયક ઉઘાડી આંખે સ્વસ્થતાથી ગોળીઓની રમઝટ વચ્ચે વીંધાઈ ગયો. એ માણસે સ્પેન પાસે હિંસાના રસ્તે ક્યારેય આઝાદી માગી ન હતી. એ પોતે તો આપણી સંસ્કૃતી અને જ્ઞાનનો ઉપાસક હતો. એણે તો પોતાના દેશવાસીઓ માટે પોતાની સંસ્કૃતિના આશીર્વાદ અને રાષ્ટ્રીય મહત્તાની અપેક્ષા રાખી હતી, જે માત્ર સ્વતંત્રતા દ્વારા જ મળી શકે એમ હતી. રિઝાલે કદાચ ક્યારેય કોઈ અનપેક્ષિત રસ્તેથી સ્વતંત્રતાની અપેક્ષા રાખી જ ન હતી. સોળ મહિના બાદ, પૅસિફિકની સામે પારથી એક શક્તિશાળી દેશની આગબોટે ધસી આવીને સ્પેનિશ જહાજોને લડાઈમાં ખેંચીને એનો વિનાશ કરી નાખ્યો. એ પછી ત્રણ મહિનામાં આખા મનિલા શહેરની અંદર અમેરિકન ધ્વજો લહેરાવા લાગ્યા હતા. આજે આખા દ્વીપસમુહની ઉપર આ બે ધ્વજો ફરકી રહ્યા છે.” એમણે સામે ફરકતા તારક અને લીટીઓવાળા અમેરિકન ધ્વજ, અને એની નીચે ફરકતા પીળા તારકો અને સફેદ ઉપર પીળા છાંટણા અને ઉપર લાલ અને વાદળી ચોકઠાવાળા ફિલિપાઇન ધ્વજ સામે આંગળી ચીંધી. તાળીઓના ગડગડાટ ગુંજી ઊઠ્યા હતા.

“એ કેવી દુર્ભાગ્યપૂર્ણ વાત છે, આપણી વચ્ચે જ કેટલાક એવા લોકો છે, જે આ આશીર્વાદના ફળોને જોઈ શકતા નથી. જેના માટે આપણા મહાન નાયક રિઝાલ ઝઝૂમ્યા, આખું જીવન સમર્પિત કર્યું અને છેવટે એને માટે જ મૃત્યુ પામ્યા, એ જ બાબતો માટે આજે આપણા ભાઈઓ કાર્ય કરી રહ્યા છે. એ સાચી વાત છે, કે અમેરિકન સહાયથી આપણે જીવી રહ્યા છીએ, પણ શું એટલા માત્રથી આપણને સંતોષ છે?

હું તો મારા દેશ માટે સ્વતંત્રતા માગી રહ્યો છું. એની સાથોસાથ, હું મારા દેશને અજ્ઞાન, રોગચાળો અને ગરીબીથી પણ મુક્તિ અપાવવા ઇચ્છું છું. કાળામાથાનો માનવી જગતમાં કોઈપણ દેશમાં આ બધું એકસાથે મેળવી શક્યો નથી. પરંતુ છેલ્લા ત્રીસેક વર્ષોના ગાળામાં આપણા આ દ્વીપસમુહે જે પ્રગતિ સાધી છે, ત્યાં સુધી પહોંચતાં જગતના બીજા દેશોને તો સદીઓ લાગી છે! હું આ જાણું છું. એક શિક્ષક તરીકે મેં શાળાનાં મકાનો બંધાતાં જોયાં છે. અજ્ઞાનનો નાશ કરનારા એ મહાન સ્થાપત્યોને મેં દ્વીપસમૂહના દરેક વિસ્તારમાં જોયાં છે. આપણાં બાળકો એ સ્થાપત્યોમાં દરરોજ અજ્ઞાનતાના એ દુશ્મન સામે લડવા જાય છે. કાયદો અને વ્યવસ્થાના સતત વિકાસને આપણે બધાએ જોયા છે. આપણે એથી પણ વધારે મેળવ્યું અને જોયું છે. ધીરે-ધીરે આપણા પોતાના દેશના માણસો પાલક દેશના સૈનિકો, પોલિસદળ, કાયદો અને ન્યાયતંત્રના અધિકારીઓની જગ્યાએ સ્થાન લઈ રહ્યા છે. આ વસાહતના મુખ્ય અધિકારી તરીકે પણ આજે એક ફિલિપિનો ડૉ. ડિમિટ્રિઓ ટેબોરડા બિરાજી રહ્યા છે.

“આપણે આથી પણ વધારે મેળવ્યું છે. એક સમયના વનચર પ્રાણીઓના ચાલવાને કારણે બનેલા કાચા રસ્તા આજે પાકા રસ્તાઓમાં પરિવર્તીત થઈ ચૂક્યા છે, જેના પર ચાલીને આપણે આજે સુરક્ષિત મુસાફરી કરી શકીએ છીએ. આપણા લોકો વધારેને વધારે સમૃદ્ધ થઈ રહ્યા છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં અનાજ, કપડાં અને મનોરંજનના સાધનો છે. અને એ બધાથી આગળ જઈને કહીએ તો, આપણે ક્યુલિઅનના નાગરિકો એ જાણીએ છીએ, કે દિવસે-દિવસે, ક્ષણે-ક્ષણે બીમારીઓને આપણે પરાજય આપી રહ્યા છીએ. કોલેરા, અછબડાં અને મેલેરિયા પર નિયંત્રણ મેળવાઈ ચૂક્યું છે. આપણી જીવનરેખા લાંબી થઈ શકી છે. અમેરિકનોના આગમન પછીના વર્ષોમાં મૃત્યુદર ઘટ્યો છે. સ્પેનિશ રાજ્યતંત્રના આખરી વર્ષ ૧૮૯૮માં દર હજારે ૩૦.૫ વ્યક્તિના મૃત્યુદર હતો. જે ૧૯૨૭ના વર્ષમાં ૨૧.૭ વ્યક્તિ સુધી ઘટી ગયો છે. એનો અર્થ એ, કે છેલ્લા એક વર્ષમાં આપણે એંશી હજાર લોકોને બચાવી શક્યા છીએ.

અને આપણે જે રક્તપિત્તિયા છીએ,” બોનિફેસિઓ જે રીતે બોલી રહ્યા હતા, એના પરથી એ શબ્દને એક નવું માનભર્યું સ્થાન મળી રહ્યું હતું. “માનવજાત સામેના આ પડકારરૂપી રહસ્યમયી શત્રુ સામે આપણે રોજેરોજની લડાઇ લડી રહ્યા છીએ! કદાચ ઈતિહાસ લખાવાની શરૂઆત થઈ ત્યારથી જ આ લડાઈ લડવામાં આવી રહી છે. અને આપણે જાણીએ છીએ, કે છેલ્લા કેટલાંક વર્ષોમાં આપણને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે! આ જગ્યાએથી નીકળીને હંમેશા માટે બહાર જતાં સ્ત્રી-પુરુષોને આપણે જોયાં છે. એમના માટે, આ દુશ્મન સામે જીત મળી ચૂકી છે. બહારના સામાન્ય જગતમાં એ લોકો સ્થાયી થઈ ચૂક્યા છે.

સ્વતંત્રતા માટે આપણે સજ્જ હોઇશું ત્યારે એ આપણને મળીને જ રહેશે. અત્યારે આપણે જ્ઞાન, વ્યવસ્થા અને આરોગ્યના પાઠ શીખી રહ્યા છીએ, અને એ માટે સાગરપારથી લંબાયેલા હાથ આપણને મદદ કરી રહ્યા છે. જોઝ રિઝાલના રૂપમાં ફિલિપાઇને આપણને ઇતિહાસમાં માથું ઊંચકીને ઊભા રહી શકીએ એવી એક વ્યક્તિ આપી છે. વિજ્ઞાન અને કળાના ક્ષેત્રે પણ યુરોપ અને અમેરિકા સુધી એક આગેવાન તરીકે એમનું નામ અને ખ્યાતિ છે. આપણે એ ક્યારેય ન ભૂલી શકીએ, કે અમેરિકાના પ્રથમ ગવર્નર જનરલ વિલિઅમ હોવર્ડ ટાફ્ટે પોતે આ દિવસ પસંદ કર્યો હતો, જેને આપણે આપણા રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ.

એક એવો દિવસ પણ આવશે, કે જ્યારે આ દ્વીપસમુહ પર માત્ર એક જ ધ્વજ ફરકશે! એ દિવસ આવે ત્યાં સુધીમાં અહીંયાં અત્યારે હાજર છે એમાંથી કેટલાયે લોકો સાજા થઈને પોતાની મનપસંદ જગ્યાએ વિહરવા માટે મુક્ત થઈ ચૂક્યા હશે. જ્યારે પણ એ દિવસ આવશે, આપણે આ દિવસને ક્યારેય નહીં ભૂલી શકીએ!”

કતારબંધ બેઠેલા લોકોના ચહેરા ઉપર મારી નજર ફરી વળી. કારમન અને ટોમસ ભીની આંખે આકાશ ભણી જોઈ રહ્યાં હતાં. કેરિટાના ચહેરા ઉપર સિસ્ટર વિક્ટોઇરની માફક ભાવોન્માદ છલકી રહ્યો હતો.

બોનિફેસિઓ રિઝાલની છેલ્લી કવિતાનું પઠન કરી રહ્યા હતા. એ કવિતા રિઝાલે સવાર પડવાની સાથે જ આવી પહોંચનારા મારાઓની રાહ જોતાં-જોતાં જેલની ચાર દિવાલોની વચ્ચે બેસીને લખી હતી.

*

વિદાય દે ઓ રાષ્ટ્રભૂમિ, ઓ દેશ, તારા આ પ્રદેશનું મને આલિંગન આપ,
પૂર્વાભિમુખ સમુદ્રના મોતી સમ અમારું સ્વર્ગ ખોવાઈ ગયું છે.
મારા આ ઝાંખા-પાંખા જીવનનું સર્વસ્વ હોમીને સુખેથી હું તો જઈ રહ્યો છું
છતાં પણ અધિક ઉજળું, અધિક નિર્મળ કે વળી અધિક દિવ્ય
કંઈક તને આપીને જઈશ, ભલે દેવી પડે અસંખ્ય કુરબાનીઓ.
ભલે મારી કબર પર કોઈ યાદ ના કરે મને,
ભલે મારી કબરે ન કોઈ ક્રોસ કે પત્થર ચડે,
હળ વડે ખેડાઈ જવા દેજો મુજ કબરને,
પાવડાથી ઊલટ-સૂલટ કરી દેજો માટીને વળી,
તારી ભોમકા પર રાખ મારી ભલે લીંપાઈ જાય,
વ્યર્થ ઊડી જાય એ અનસ્તિત્વમાં,
એ પહેલાં.
વિદાય છે ઓ સર્વ તમને, વ્યથિત મારા હૃદયની,
મારા બાળપણના ઓ વિખૂટા પડેલા મિત્રો,
થાકીને હું સુતો છું, મને આરામ કરવા દો.
તમને પણ હું વિદાય આપું છું, મધુરા મિત્રો, તમે મારો પથ ઉજાળ્યો છે.
મારા પ્રિયજનો, વિદાય લઉં છું તમારાથી, મૃત્યુમાં જ હવે તો આરામ મળશે મને.

ક્રમશ:

ફિલિપાઇન્સમાં સ્પેનિશ-અમેરિકન યુદ્ધમાં લડેલા એક અમેરિકન સૈનિકની આ વાત છે. યુધ્ધમાંથી પરત આવ્યાનાં વર્ષો બાદ એ રક્તપિત્તનો શિકાર બને છે. યાતનાઓ અભયદાન પામીને સ્વ-છંદે સ્વૈરવિહાર કરી રહી છે જ્યાં, એવા પ્રકૃતિ રચિત અભયારણ્યમાં આવી પડેલા માનવીની આ સત્યકથા ખરેખર તો યાતનાની કથા જ નથી. આ તો માનવીય સંવેદના, હિંમત, પ્રેમ અને સમજણના અપરિમેય વિકાસની, ઊર્ધ્વારોહણની કથા છે. તેથી જ તો આ કથાના પઠન સમયે ઠેર-ઠેર એવા પડાવ આવે છે, જ્યાં ભાવકની આંખ અને અક્ષરો વચ્ચે આંસુનું પડળ સતત રચાયા કરે છે અને ભાવક એ પડળને અવગણીને સતત અક્ષરોની પણ પાર થવાનો યત્ન કરતો રહે છે. વાંચતાં-વાંચતાં કોઈક-કોઈક તબક્કે ભાવક કથાનક સાથે એવો સામેલ થઈ જાય છે, કે જાણે માથે મણ-મણનો બોજ ન હોય! અને છતાં હાથમાંથી પુસ્તક મૂકી શકાતું નથી! શ્રી અશ્વિન ચંદારાણાએ અનુદિત કરેલી આ કૃતિ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર વાંચી શકાશે તથા આ પહેલાના પ્રસિદ્ધ થયેલ ભાગ અહીં ક્લિક કરીને વાચી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “યાતનાઓનું અભયારણ્ય.. – પેરી બર્જેસ, અનુ. અશ્વિન ચંદારાણા (ભાગ ૨૮)