આજથી બે અઢી હજાર વર્ષો પહેલાંની એક કાજળઘેરી રાતની વાત છે. એક ૨૯ વર્ષીય યુવક – નામે સિદ્ધાર્થ ગૌતમ, તેનો ઘર-પરિવાર, સત્તા સંપત્તિ બધું જ ત્યજીને એક મહાન સફર પર નીકળે પડે છે. આજે આટલા વર્ષે પણ તેની સફર દુનિયા યાદ કરે છે.
બીજી એક અંધારી રાતે, આજથી પચાસ સાહિઠ વર્ષ પહેલાં, અન્ય એક ચોવીસ વર્ષીય યુવકને પોતાનો દેશ તિબેટ છોડીને ચાલી નીકળવું પડે છે. એની સફર પણ મહાન સાબિત થાય છે. આજે દુનિયા તેને દલાઈ લામા તરીકે ઓળખે છે.
અને હજુ એક ચોવીસ વર્ષીય યુવક, તેના બે મિત્રો સાથે, એક સુમસામ રાત્રીએ પોતાના ઘરથી હજારો કિલોમીટર દુર એક અજાણ્યા ગામમાં આવી ચડે છે. એની જાણબહાર જ આ એના જીવનની એક મહાન સફરની શરૂઆત થઇ રહી છે. આ ત્રીજો યુવક એટલે હું, તુમુલ બુચ. હાજર છું, મારા લેહ-લડાખના પ્રવાસની વાતો લઈને.
લડાખ એટલે ભારતનાં દરેક રખડું પ્રકૃતિના પ્રવાસી માટેનું મક્કા – મદીના ગણાય એવું સ્થળ. ગૂગલ પર શોધવા બેસો તો નકશા, ફોટા અને માહીતીલેખોથી ભરેલી લાખો સાઈટ મળી આવે. કબુલ કે, એમાં ન હોય એવું તો કશું પણ મારી પાસે નથી. છતાં દરેક વ્યક્તિનો લડાખ પ્રવાસનો અનુભવ નોખો હોય છે. મેં લડાખ જવાનું નક્કી કર્યું એ દિવસથી ડગલે ને પગલે લેવાયેલા અનેક નાના મોટા નિર્ણયોની ફલશ્રુતિ રૂપે લગભગ પાંચ – છ મહિના પછી હું એ ઘટનાપ્રચુર રાતે લદાખમાં હતો. હું, અને મારા બે મિત્રો – અમે ત્રણ જણા લદાખના પાટનગર લેહમાં રાતના એક વાગ્યે, વરસાદથી બચવા એક દુકાનના છાપરા નીચે ઉભા હતા અને હવે ક્યાં જવું એમ વિચારતા હતા. થયું એવું કે, મનાલીથી લેહની અમારી બસ ખરાબ રસ્તાને લીધે ત્રણ-ચાર કલાક મોડી લેહ પહોચી.
અમારું લેહમાં કોઈ હોટેલ બુકિંગ તો હતું નહિ એટલે ત્યાં પહોંચીને હું હોટેલ ગોતવા નીકળ્યો. આખું ગામ મીઠી નીન્દરમાં પોઢી ગયું હતું, મોટા ભાગની હોટેલોને અંદરથી તાળાં મારેલા હતા. જે ખુલ્લી હતી એમાં જગ્યા નહોતી કે અમને પરવડે તેમ નહોતી. અડધી કલાકની તલાશ કોઈ રંગ ન લાવતા હું ખાલી હાથે મુખ્ય ચોક પાસે પાછો ફર્યો જ્યાં મારા મિત્રો સ્ટ્રીટલાઈટના પીળા પ્રકાશમાં મારી રાહ જોતા ઉભા હતા. વરસાદને લીધે અમારી ઉપરનું ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર નાના ધડાકા સાથે ઉડી ગયું. અત્યાર સુધી અમે માત્ર એક અજાણ્યા શહેરના એક ખૂણામાં અડધી રાતે ઉભા હતા. પણ હવે, અમે એક અજાણ્યા શહેરના એક અંધારા ખૂણામાં અડધી રાતે ઉભા હતા. અત્યારે અમારી સામે વિકટ સમસ્યા એ હતી કે રાત ક્યાં વિતાવવી. અને અતિ વિકટ સમસ્યા એ હતી કે, અમારા ત્રણ મિત્રોમાં એક છોકરી હતી. એટલે, રસ્તા પર કે બસસ્ટોપ પર સુઈ જવાનો પર્યાય ખુલ્લો નહોતો. મારી વર્ષોની તમન્ના કોઈ સાહસી પ્રવાસે જવાની હતી. અને આજે જ્યારે સાહસ આંખો સામે આવીને ઉભું હતું ત્યારે મને પ્રતીતિ થઇ કે કલ્પનાનું સાહસ સાચા સાહસ કરતા વધુ મઝેદાર હોય છે. હવે આગળ શું કરવું એ સમજાતું નહોતું. દિવસભરનો થાક અને આસપાસનું ગેબી વાતાવરણ એક જાતની નકારાત્મકતા પેદા કરી રહ્યું હતું.
આશાની છેલ્લી કિરણ હતો મારા બેકપેકમાં પડેલો તંબુ. હા, મારી પાસે ત્રણ જણ સમાય એવો તંબુ હતો. પણ તંબુ ખોલવો ક્યાં? મારા દોસ્તને ખ્યાલ હતો કે આઠ કિલોમીટર છેટે આવેલા ગામ ચોગલમસારમાં ખુલ્લા મેદાનો હતા જે ખાસ કાલચક્ર માટે આવેલા આસ્થાળુઓને રહેવા માટે ફાળવવામાં આવ્યા હતા. હવે, તમે પૂછશો આ કાલચક્ર વળી શું છે? એ છે બૌધ ધર્મનો સૌથી મોટો વાર્ષિક મેળાવડો, જે અમે ત્યાં ગયા તે વર્ષે લેહમાં યોજાયો હતો. કાલચક્ર વિષે વધુ થોડી જ વારમાં. પણ એ પહેલા, અમે જે ભેગું નક્કી કર્યું કે ચોગલમસાર જવું છે, એ ભેગી ક્યાંકથી એક ટેક્સી આવી. જાણે અમારા વિચારવાની જ રાહ જોતી હોય. ડ્રાઈવરને ખુબ ભાઈબાપા ભાઈબાપા કરીને અને મો માગ્યા પૈસા આપીને માંડ માંડ અમને ત્યાં સુધી મૂકી જવા મનાવ્યો. ત્યાં પહોચીને અમે અંધારામાં તંબુ નાખવાની સપાટ જગ્યા શોધવા લાગ્યા. અને વોચમેને આવીને અમને રોક્યા. તે થોડી પીધેલી અવસ્થામાં હતો. આ સમયે મારી નકારાત્મકતાની ભાવના એની પરાકાષ્ઠાએ પહોચી ગઈ. અમને તે એક મોટા તંબુમાં લઇ ગયો, જેની અંદર ટેબલ ખુરશી નાખીને તત્પુરતી ઓફિસની વ્યવસ્થા કરવામાં આવી હતી. તંબુમાં ત્યાનો અધિકારી બેઠો હતો. મને એમ હતું કે તે હવે અમારી પાસેથી દંડ વસુલશે અથવા ઠપકો આપશે. પણ એના બદલે અમને બેસાડીને ચા પીવડાવી અને પ્રેમથી વાતો કરી. પછી એક મો…ટો આઠ લોકો સમાઈ શકે એવો તંબુ ફાળવી દીધો. જે પરિવારને નામે એ તંબુ ફાળવાયો હતો તેઓ આવ્યા જ નહોતા એટલે અમને એમનો તંબુ મળી ગયો. મારી બધી જ નકારાત્મકતા ઓગળી ચુકી. માનવતામાં ફરી શ્રદ્ધા બેસી ગઈ. બીજે દિવસે સવારે જલ્દી ઉઠીને કાલચક્રમાં જવું એમ નક્કી કરીને અમે સુતા ત્યારે મારા અંતરના ઊંડાણમાં મને ખાતરી હતી કે અમે કોઈ હિસાબે જલ્દી નથી ઉઠી શકવાના.
અને એમ જ થયું. સાડા આઠે ઉઠીને તંબુ બહાર જોયું તો બે વાત સમજાઈ – એક તો રાતે જે નહોતી દેખાઈ તે આ મેદાનની વિશાળતા અને તેમાં કરેલી વ્યવસ્થા. ઉભી આડી હરોળમાં ગોઠવેલા આશરે ૫૦૦ – ૭૦૦ તંબુઓ અને તેમની વચ્ચે થોડા થોડા અંતરે આવતી શૌચાલયની હરોળ. કોઈ રાહત છાવણી જેવી વ્યવસ્થા હતી. અને બીજી વાત એ સમજાઈ કે, આટલા વિશાળ કેમ્પમાં આ સમયે અમે ત્રણ જ જણ હતા. બાકી બધા જલ્દી ઉઠીને કાલચક્રમાં ચાલ્યા ગયા હતા. ખાલી કેમ્પ ભૂતિયો લાગી રહ્યો હતો. પણ ખરેખરું ભયાનક જો કંઈ હોય તો એ ત્યાનું બાથરૂમ. પ્લાસ્ટીકની તાડપત્રીથી ત્રણ તરફ બંધ કરેલા લાઈનબંધ સ્ટોલ જેની ચોથી બાજુએ એક પ્લાસ્ટીકનો પડદો. એ પડદાને તમે પત્થરથી દબાવી દો એટલે એ બારણાની ગરજ સારે. છત નહિ એટલે ન્હાતા ન્હાતા આજુબાજુના પર્વતો અને ભૂરું આકાશ જોઈ શકાય. અંદર એક નળ અને બાલદી હોય પણ ડબલું પોતાનું લઇ જવાનું. સાબુ, શેમ્પુ પણ પોતાના જ. સૌથી મોટી તકલીફ ઠંડુ પાણી શરીર પર રેડવાની. પહેલું ડબલું રેડવા પહેલા તો બધા જ ભગવાનના એક એક વાર નામ લેવાઈ જાય. તેમ છતાં આ બાથરૂમને આલીશાન ગણાવે એવા ત્યાના શૌચાલય. લાઈનબંધ ખાડાઓ જેને બાથરૂમની જેમ જ ત્રણ બાજુથી પ્લાસ્ટીકની તાડપત્રીથી ઢાંકેલા હતા તેને ટોઇલેટના નામથી બોલાવતા હતા. ફર્ક એટલો કે પણ ચોથી બાજુ ખુલ્લી હોય. અને બાથરૂમની અંદર જેમ નળ હતા એવો વૈભવ પણ ટોઇલેટમાં ન મળે. બહારથી ડોલ કે ડબલું ભરીને લઇ જવાનું અને પ્રાર્થના કરવાની કે વચમાંથી વધારે પાણીની જરૂર ન પડે. પછીથી અમને ખબર પડી કે લદાખ રણપ્રદેશ હોવાથી બધે જ ડ્રાય ટોઇલેટ હોય છે. માંડ માંડ નિત્ય કર્મ પતાવીને અમે ફરવા નીકળી પડ્યા.
સાંજે પાછા ફર્યા ત્યારે કેમ્પનો હુલિયો જ બદલાઈ ચુક્યો હતો. સવારે નિષ્પ્રાણ લાગતો કેમ્પ સાંજે જીવંત થઇ ગયો હતો. બપોર પછી ધીમે ધીમે લોકો કાલચક્રમાંથી પાછા આવવા લાગ્યા હતા. સ્ત્રીઓ રસોઈની તૈયારમાં લાગી ગઈ હતી. પુરુષો તંબુ સાફ કરીને તાપણા કે સ્ટવ પેટાવવાની માથાકૂટ કરી રહ્યા હતા. બાળકો પોતાની રમતમાં પડ્યા હતા. દાદા-દાદી તેમના નવા પાડોશીઓ સાથે ગપ્પાં મારી રહ્યા હતા. કેટલાક વયસ્ક લામાઓ માળા ફેરવી રહ્યા હતા. રસોઈની હુંફાળી ખુશ્બુ હવામાં પ્રસરી રહી હતી. લદાખની સન્સ્કૃતિને હાથ લંબાવતા જ સ્પર્શી શકાય એટલી નજીકથી જોવા જાણવાનો આ અનેરો અવસર હતો. જો ગઈકાલે રાતે લેહમાં હોટેલ મળી ગઈ હોત તો આ લ્હાવો ન મળત. માત્ર લડાખી જ નહિ, દુનિયાભરથી બૌદ્ધ ધર્મમાં અસ્થા કે જીજ્ઞાસા ધરાવતા લોકો અહી આવ્યા હતા. પીળા કપડાવાળા બારતીય મૂળના બૌદ્ધ ધર્મના અનુયાયી ભિક્ષુઓ, લાલ કપડા વાળા તિબેટી બુદ્ધિઝમના અનુયાયી લામાઓ, બૌદ્ધ ધર્મના અભ્યાસુ વિદેશીઓ, દલાઈ લામાના દર્શને આવેલા આસ્થાળુ પરિવારો, અમારા જેવા લડાખ ફરવા આવેલા પ્રવાસીઓ – આ પચરંગી પ્રજાને એક તાંતણે બાંધતી વસ્તુ હતી કાલચક્ર. કાલચક્રથી પણ ઉપર ઉઠીને જોઈએ તો એ વસ્તુ હતી બૌદ્ધ ધર્મ.
પેલા અઢી હાજર વર્ષ પહેલાં અડધી રાતે ઘર છોડીને નીકળી પડેલા સિદ્ધાર્થ ગૌતમનો બૌદ્ધ ધર્મ. અને છેલ્લા સાહીંઠ વર્ષોથી દેશવટો ભોગવીને વિશ્વમાં શાંતિ અને કરુણાનો સંદેશ ફેલાવી રહેલા દલાઈ લામાનો બૌદ્ધ ધર્મ. તેમના આધિપત્યમાં દર વર્ષે યોજાતા આ મહોત્સવમાં સામેલ થવા અમારા જેવા દોઢેક લાખ લોકો આવ્યા હતા. પંદર દિવસ ચાલનારા આ સમારોહમાં રોજ વિવિધ પૂજા વિધિ, ધ્યાન અને પ્રવચનો ચાલવાના હતા. કેટલેક અંશે આ મોરારી બાપુની કથા જેવું આયોજન હતું. અમને બાકીના લોકો કરતા કાળચક્રમાં કઈંક અંશે ઓછો જ રસ હતો. ફક્ત મહત્વના દિવસોએ ત્યાં જઈને બેસવું અને બાકીના દિવસો ફરવું એમ નક્કી કર્યું. પહેલો અને છેલ્લો દિવસ છોડીને સૌથી મહત્વનો દિવસ એટલે દલાઈ લામા નો જન્મદિવસ. અમે તે દિવસે વહેલા તૈયાર થઈને અમે કાલચક્રના મેદાન તરફ જવા નીકળ્યા. રસ્તે ચાલતાં લોકો તેમને કેટલો પ્રેમ કરે છે એ જોઈ શકાતું હતું. જાણે ઘરના જ કોઈ માણસનો જન્મદિવસ હોય એમ લોકો સારામાં સારા કપડા પહેરીને આવ્યા હતા. બધાં કેટલા ખુશખુશાલ લાગતાં હતાં. ઠેકઠેકાણે ખાણીપીણી, કપડા, હસ્તકલાની વસ્તુઓ વગેરેના સ્ટોલ હતા. રસ્તા પર એટલું માનવ મહેરામણ ઉમટ્યું હતું કે એકબીજાને સ્પર્શ્યા વગર ચાલવું અઘરું થઇ પડે. જાણે દાદર સ્ટેશન જ જોઈ લો. ફરક એટલો કે લોકોને ક્યાંય પહોચવાની ઉતાવળ નહોતી. અને લોકો આપમેળે સમજીને જ શિસ્તપૂર્વક ચાલતાં હતા. મેદાનમાં પહોચ્યા ત્યારે એક મોટા સ્ટેજ પરથી દલાઈ લામાનું પ્રવચન ચાલી રહ્યું હતું. અમે નજીક તો ન જઈ શક્યા પણ દુરથી તો દુરથી આવી મહાન વ્યક્તિને જોયાનો એક સંતોષ થયો. તેમનું વક્તવ્ય રેડિયો પરથી લાઈવ પાંચથી છ ભાષમાં પ્રસારિત થઇ રહ્યું હતું. તેને સમજવાનો વ્યર્થ પ્રયત્ન કરીને અમે ત્યાંથી નીકળી પડ્યા ફરી લેહ જવા.
અમારો લડાખનો કુલ પંદર દિવસનો સમગ્ર પ્રવાસ અહી પંદર મીનીટમાં વર્ણવવો તો અશક્ય છે. પણ વાત જ્યારે બુદ્ધિઝમની જ ચાલી છે અને ત્રણ દિવસમાં બુદ્ધ પૂર્ણિમા પણ આવે છે તો કેટલાક પ્રસંગો વિશે વાત કરું કે જે અમને બુધ્ધત્વના પાઠ ભણાવી ગયા.
પેલો અમારો તંબુ યાદ છે જે અમે ચોગલમસારના મેદાનમાં બિછાવવાના હતા? એ તમ્બુના સળિયા મનાલીની બસમાં જ છૂટી ગયા હતા. સળિયા વગરનો તંબુ એટલે મસમોટી ચાદર. એ ઓઢવા પાથરવામાં ચાલી જાય પણ માથે છાપરાની ગરજ ન સારે. અમને આ વાતની ખબર બે-ત્રણ દિવસ પછી પડી. જો તે રાતે વોચમેને અમને રોક્યા ન હોત તો ત્યારે જે કફોડી સ્થિતિમાં અમે મુકાત એ વિશે ન વિચારીએ તો જ સારું. આ પ્રસંગે એમ શીખવ્યું કે જે થાય તે સારા માટે જ હોય. ઈશ્વર, આત્મા, કુદરત નામ જે આપો એ, પણ એ અદીઠ અકળ શક્તિમાં શ્રદ્ધા હોય તો ઘણાબધા રસ્તા ખુલી જાય છે. મારી જાતને નાસ્તિક ગણાવતો હું, અને તેમ કરવામાં ક્યારેક ગર્વ પણ અનુભવતો હું. તે રાતે જે લેહ છોડીને ચોગલમ આવવાનો નિર્ણય લીધો હતો એ કઈ પ્રેરણાથી દોરવાઈને લીધો હતો? શું તે શ્રદ્ધા કે આસ્થાનું જ સ્વરૂપ નહોતું?
ત્યારબાદ અમે એક દિવસ બાઈક પર એક જગ્યાએ જઈ રહ્યા હતા. હું સામાન સાથે એક બાઈક પર અને મારા મિત્રો બીજી બાઈક પર. રસ્તો ખુબ સારો હતો અને હું તે દિવસે પહેલી વખત બાઈક ચલાવતા શીખ્યો હતો. બાઈકને પુરપાટ ભગાવવાની, ઠંડા પવનને સામી છાતીએ ઝીલવાની એક અલગ જ મઝા આવી રહી હતી. ઝડપના કેફમાં મને બાઈકની પાછળ બાંધેલી મારા દોસ્તની બેગ ક્યારે પડી ગઈ એનો ખ્યાલ જ ન રહ્યો. જ્યારે ખબર પડી ત્યારે પાછાં આવીને એ જ રસ્તા પર કેટલાય આંટા મારવા છતાં ન મળી. તેની બેગમાં કપડા, ટુવાલ, બ્રશ વગેરે તો હતું જ, પણ એ ખોવાયાનો રંજ નહોતો. તેની એક નાનપણની શાલ હતી જેની સાથે કેટકેટલી યાદો જોડાયેલી હતી. એ જવાથી મારા દોસ્તનો મૂડ બગડી ગયો. તે દિવસ સાંજ સુધી એ ઉદાસ જ રહ્યો. આ પ્રસંગમાંથી મને તો ચોકસાઈ રાખવાનો પાઠ મળ્યો જ. પણ દોસ્તને બૌદ્ધ ધર્મનું એક મહત્વનું મુલ્ય શીખવા મળ્યું – અલિપ્તતા. કોઈ વસ્તુ કે વ્યક્તિ સાથે એ હદે ન જોડાઈ જવું કે તે આપણી પાસેથી છીનવાઈ જાય તો આપણને વ્યાકુળ કરી મુકે.
દયા, માયા અને સદભાવનાના તો અમને ડગલે ને પગલે પરચા મળ્યા. એક દિવસ સાંજે અમે લેહ પેલેસ જોવા ગયા. હવે, લેહમાં અંધારું આઠ – સાડા આઠ પછી થાય. પેલેસ બંધ થવાનો સમય હતો સાત વાગ્યાનો. તેની અગાશી ઉપર બેઠા બેઠા ઉજાસ જોઇને અમને સમયનો ખ્યાલ જ ન રહ્યો. બહાર નીકળવા જઈએ છીએ તો આખા પેલેસમાં કોઈ જ નહિ અને દરવાજો બહારથી બંધ. હવે, કેમ કરતા નીકળવું? થોડી વાર સુધી બારણું ઠોક્યું અને બુમાબુમ કરી. સદભાગ્યે, ત્યાનો આખરી લામા ઘરે જઈ રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થયો અને અમારા અવાજ સાંભળ્યા. ચાવીથી બારણું ખોલીને અમને બહાર કાઢ્યા અને પછી પોતાની ગાડીમાં અમને ઘર સુધી છોડી ગયો.
બીજા એક વખત અમે બાઈક પર ફરવા ગયા હતા ત્યાંથી રાતે પાછા આવીને જોયું તો ચોગલમસારના મેદાનમાં અમને ફાળવેલો તંબુ જ ગાયબ. ત્યાના ઓફિસરને પૂછ્યું તો આ સમયે કોઈ તંબુ ખાલી નહોતો એમ જાણવા મળ્યું. છતાં તેણે કંઇક વ્યવસ્થા કરશે એમ કહીને તેના મિત્રને ફોન જોડ્યો. અમે મુંબઈના હતા એ જાણીને તેણે ખુબ ક્ષોભ થયો કે અમને આવા તંબુમાં રહેવા જ કેમ દીધા. તેનો મિત્ર જે લેહમાં પોલીસ ઇન્સ્પેક્ટર હતો તે થોડી જ વારમાં ગાડી લઈને આવ્યો. લગભગ બાર વાગવા આવ્યા હતા છતાં તે અમને ત્રણ અજાણ્યાને પોતાના ઘરે એ રીતે લઇ ગયો જાણે અમે તેના જમાઈ હોઈએ. એટલું જ નહી જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ બેશક રહો એમ કહ્યું. અને એ પણ ઓછું હોય એમ ઘરની વધારાની ચાવી આપી રાખી જેથી અમે મરજી પ્રમાણે ગમે તે સમયે આવી જઈ શકીએ.
તેના ઘરમાં રહેવા ગયા એ પહેલા તંબુનિવાસના દિવસોમાં અમે ફરવા જઈએ તો સમાન ક્યાં મુકીને જવો એ પ્રશ્ન રહેતો. લેહમાં અમે જેની પાસેથી બાઈક ભાડેથી લીધી એ માણસ એટલો સરળ અને મદદગાર હતો કે તેણે અમારી બેગ તેની દુકાનમાં એકથી વધારે વાર સાચવીને રાખી. કોઈ જ જાતની અપેક્ષા વિના.
આટલી બધી મદદ મેળવીને અમે પણ એક દિવસ બદલો વાળવાનું નક્કી કર્યું. અમે જ્યાં રોજ જમતા એ હોટેલનો શેફ અમારો દોસ્ત થઇ ચુક્યો હતો. એક દિવસ તેના ભાઈના હાથમાં ફ્રેકચર આવ્યું. તે પેન્ગોંગ લેકની કોઈ હોટેલમાં કામ કરતો હતો અને તેને લેહ લઇ આવવો જરૂરી હતો. અમે તે દિવસે પેન્ગોંગ જવા નીકળતા જ હતા કે અમને આ ખબર પડી. અમે તેને ભેગો લઇ ગયા અને બાઈકના ખર્ચમાં તેનો ફાળો ન લેવો એમ નક્કી કર્યું. સાંજે ત્યાં પહોચીને ખબર પડી કે, તેનો ભાઈ પેન્ગોંગના સૌથી મોંઘા રિસોર્ટમાં કામ કરે છે જ્યાં બોલીવુડના સિતારાઓ પણ ઉતરતા હોય છે. તેણે અમને ત્યાં મફતમાં રહેવા દીધા. કોઈને મદદ કરીને ઋણ ઉતારવા ચાલ્યા હતા એમાંથી વધારાનું ઋણ ચડાવી બેઠા.
મૈત્રીભાવ અને મદદ કરતા રહેવાની ભાવના ત્યાના લોકોના લોહીમાં જ વણાઈ ગઈ છે. રસ્તા પર બે વાહન અથડાય કે ઘસાય તો પણ હસ્તે મોઢે માફ કરી દે. આવા સ્વભાવ પાછળ ગ્રામ્ય જીવનની સરળતા, પ્રકૃતિની વિપુલતા કે બુદ્ધિઝમ આ બધું જવાબદાર છે. એમ નહી કે ત્યાના બધા જ લોકો સારા છે. ત્યાંની વક્ર બાજુ પણ છે જ. સાધુ વેશ ધારણ કરીને પણ આઈ-ફોન કે સ્પોર્ટ્સ બાઈક જેવી ભૌતિક સાહ્યબીનો મોહ ન ત્યજી શકતા લામાઓ, ગાળો ભાંડતા છોકરાઓ અને વિદેશી સ્ત્રીઓને લોલુપ નજરે જોતા પુરુષો ત્યાં પણ છે જ. છતાં આ બધાની સામે સારપનું પ્રમાણ એટલું બધું છે કે, તે નજરઅંદાજ થઇ શકે.
અંતે, એટલું જ કહીશ કે આ બધા પ્રસંગો અમને જે શીખવી ગયા એમાંનું બધું જ હમેશા અનુસરવું શક્ય નથી હોતું. છતાં, તે માનસપટ પર જે અમીટ છાપ છોડી જાય છે એ આસાનીથી ભુસાતી નથી. ધીમે ધીમે એ આપણા સંસ્કારોમાં વણાઈ જાય છે. દરેકનો લદાખનો અનુભવ નોખો હોય છે. અને દરેક પ્રવાસ પછી તમે થોડા બદલાઈ ચુક્યા હો છો. તમારી થોડી આધ્યાત્મિક ઉન્નતી થઇ હોય છે. આપણા શાસ્ત્રોમાં ઈશ્વરપ્રાપ્તિના મુખ્ય બે માર્ગો દર્શાવ્યા છે – ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. મારા મતે આ ઉપરાંત એક ત્રીજા માર્ગની શક્યતા પણ નકારી ન શકાય. અને એ છે પ્રવાસ માર્ગ.
– તુમુલ બુચ
તુમુલ મજા આવી ગઈ પ્રવાસ અને જીવનની સામાન્ય વાતો ને સહજ્તાથી વાંચીને અને એક પ્રશ્ન છે ખરેખર જણાવશો કે તમે જાણી જોઈને હોટેલબુક ન હતી કરાવી કે શું?
આભાર રિપલ 🙂 હા, જાણીજોઈને જ હોટેલ બુક નહોતી કરાવી કારણકે, ૧. અમારો પહોચવાનો નિયત સમય સાંજના ૭ નો હતો. તે સમયે પહોચીને હોટેલ મળી જાય. અને ૨. હું “ટુરીસ્ટ” નહી “ટ્રાવેલર” છું એવી એક (ગેર)માન્યતા પાળીને બેઠા હોઈએ ત્યારે પહેલેથી હોટેલ બુક કરાવવી એ વિચારીને જ કેટલી બધી શક્યતાઓને નકારી રહ્યો છું એવી લાગણી આવી જાય. પેલું ગીત છે એવું કંઇક “મેરા ફલસફા, કંધે પે મેરા બસ્તા. ચલા મૈ જહાં લે ચલા મુઝે રસ્તા”
very nice.
Thanks 🙂
Flowless and excellent writing ! I need to see you in other places too!!
thanks a lot sir 🙂 you may read my other travelogue here on Aksharnaad itself – Velas and Kalimpong. Apart from those I write on razalpat.com
બહુ જ રસપ્રદ, જીવંત અને ગતિશીલ લખાણ.. “દરેક પ્રવાસ પછી તમે થોડા બદલાવ છો” – એકદમ સાચી વાત. બસ, ફરતા રહો અને લખતા રહો..
આભાર…
આભાર તમારો. વાંચ્યું અને કમેન્ટયું એ બદલ 🙂
અને તમારો લખ્યું અને શેર્યું એ બદલ. ઃ)
ઉત્કંઠા, લખવું મારી પોતાની જરૂરિયાત છે અને શેર કરવું એ સ્વાર્થ. એમાં તમારે આભાર ન માનવાનો હોય
ખુબ તાજગી સભર લખાણ. કાલ ચક્ર વિષે પહેલી વાર જાણ્યું. તમારી સાથે મેં પણ બાઈક પર ઠંડી હવાની મઝા માણી હોય એવો અનુભવ.. પણ એક મીઠી ફરિયાદ છે.પંદર દિવસ નો પ્રવાસ ફક્ત આટલામાં સમાવો તે કેમ ચાલે? એ વિષે હજુ વધુ વાંચવાની ઈચ્છા….હજુ વધુ લખો.
ચોક્કસ લખીશ. ચારથી પાંચ ભાગની સિરીઝ લખવાનો ઈરાદો છે.
want to say only one word “AMAZZZZZZZING” !
ગોપાલ ભાઈ દરેક વખતે સમય કાઢીને કૉમેન્ટ કરવા માટે ખાસ આભાર
બહુ જ સરસ વર્ણન.
દલાઈ લામાની વાત પરથી એક સરસ અંગ્રેજી ફિલ્મ યાદ આવી ગઈ. ‘Seven years in Tibet’ તેમના પદાભિષેક સમયની આજુબાજુની , તેમના ઓસ્ટ્રિયન મિત્ર સાથેની સત્યકથા.
https://www.youtube.com/watch?v=TWkrRTPtKss
સુરેશભાઈ તમે માનશો નહીં પણ તદ્દન અનાયાસે જ મેં આ ફિલ્મ લદાખથી આવ્યાના બીજા જ દિવસે જોઈ !
ખુબજ સરસ લેહ અને લડાખ નિ આપે અમને યાત્રા કરાવિ, ત્યા શરુઆત મા માથા નો દુખાવો ખુબજ થાય તે સાચિ વાત ?
ચેતન ભાઈ, માથાનો દુખાવો, ઉલટી, ચક્કર આવવા જેવી સમસ્યાઓ અમુક લોકોને નડતી હોય છે. પણ એમના મોટા ભાગના લોકો પોતે વાંકમાં હોય છે. આ બધી સમસ્યાઓ ઊંચાઈને લીધે થાય છે, તેને Acute Mountain Sickness (AMS) કહેવાય છે. જો તમે સીધી લેહની ફ્લાઈટ લઈને જાઓ તો ત્યાં પહોચીને ઓછામાં ઓછા ત્રણ દિવસ આરામ કરવો. આરામ એટલે કે લેહમાં જ ફરો, એમ નહી કે હોટેલમાં બેઠા રહો. પણ ક્યાંય લાંબે ગાડી કે અન્ય વાહનમાં ન જવું. ચાલીને આસપાસમાં ફરો જેથી શરીર ટેવાઈ જાય. જો તમે મનાલી કે શ્રીનગરથી બાય રોડ જતા હો તો આ સમસ્યા ઓછી નડશે. છતાં એક દિવસ તો પહોચીને આરામ કરવો જ. ઉપરાંત ખુબ પાણી પીતા રહેવું. જો આ બે વસ્તુનું ધ્યાન રાખ્યું અને એકંદરે સારી તબિયત હોય તો વાંધો નથી આવતો. જેઓ નિયમ તોડે તેમને વાંધો આવે છે. જવા પહેલા થોડા દિવસ ચાલવા કે દોડવાની પણ આદત કેળવો જેથી સ્વાસ્થ્ય સારું થાય.
બધી કાળજી લેવા છતાય પાંચ ટકા લોકોને AMS નડે છે. તેમની માટે ઓક્સીજનના બાટલા સહેલાઇથી ઉપલભ્ધ છે. જતા પહેલા એક વાર ડોક્ટરને મળીને Diamox અને Disprin જેવી દવાઓ પણ ભેગી રાખવી. વધુ માહિતી અહી – http://www.bcmtouring.com/cms/ladakh-ams-survival-guide/
લડાખ વિશે કોઈ માહિતી કે અન્ય મદદ જોઈતી હોય તો મારો ઈ-મેઈલ દ્વારા સંપર્ક કરી શકો છો tttumul@gmail.com
Thanks for giving such a useful informartion
ભાઈ શ્રી તુમુલભાઈ,
ચોવીસ વર્ષની મજા આવી ગઈ. વળી તમારા લેખ દ્વારા લડાખ પહોંચી ગયો… અવનવા અનુભવ, રસાળ લેખ, અનોખું લડાખ દર્શન અને પ્રવાસ વર્ણનનો અદ્ભૂત નમૂનો. તમારી લેખિની ગમી ગઈ. પહાડી પ્રદેશનાં વિશાળ, ઉદાર દિલ, પોલિસ ઈન્સપેક્ટરના રુપમાં જીવતો માનવી – આ બધાં અચનવા પાત્રોને મળીને આનંદ છલકાઈ ગયો.
તમને ગમે તેટલા વધાવીએ તોએ ભાવ અને શબ્દો ઓછા પડે: બીજે ક્યાં લખો છો એ જણાવી શકો ?
સુધાકર શાહ
sudhakar31@gmail.com
ભાઈ શ્રી તુમુલભાઈ,
મજા આવી ગઈ, તમારા લેખ દ્વારા લડાખ પહોંચી જવાની… અવનવા અનુભવ, રસાળ લેખ, અનોખું લડાખ દર્શન અને પ્રવાસ વર્ણનનો અદ્ભૂત નમૂનો – તમારી લેખિની, પહાડી પ્રદેશનાં વિશાળ, ઉદાર દિલ, પોલિસ ઈન્સપેક્ટરના રુપમાં જીવતો માનવી. તમને ગમે તેટલા વધાવીએ તોએ ભાવ અને શબ્દો ઓછા પડે: બીજે ક્યાં લખો છો ?
સુધાકર શાહ નો પ્રતિભાવ
sudhakar31@gmail.com
ખુબ ખુબ આભાર સુધાકર ભાઈ. અહીં અક્ષરનાદ પર જ બીજા બે લેખ વાંચી શકશો – વેળાસ અને કાલીમપોન્ગ વિષે. એ સિવાય મારા બ્લોગ પર છે – razalpat.com
અત્યંત રસપ્રદ બયાન. જાણે તમારી સાથે જ ચાલતા-ફરતા હોઇએ એવો વાચન-અનુભવ. તમારી કલમ સ્વાભાવિક રીતે સરસ વેગીલી છે. આવાં બીજા વર્ણનો લખ્યાં હોય તો વાંચવા મળે?
જયંત મેઘાણી
ખુબ ખુબ આભાર જયંત ભાઈ. અહીં અક્ષરનાદ પર જ બીજા બે લેખ છે – વેળાસ અને ક્લીમ્પોન્ગ વિષે. એ સિવાય મારા બ્લોગ પર વાંચી શકશો razalpat.com