સર્જનાત્મકતા આડેના અવરોધ પાર કરવાની રીત.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ 7


રોજ હું મારી લખવાની ઈચ્છા સામેના અવરોધો સાથે લડું છું, અને રોજ હું એ લડાઈ હારી જાઉં છું – પણ આખરે મેં એ લડાઈ જીતી લીધી.

આ લડાઈમાં હું જેટલી વખત જીત્યો છું એથી ક્યાંય વધુ વખત હાર્યો છું, અને તે છતાં હું રોજ જીતું છું અને આખરે એ જ મહત્વનું છે, કારણ કે આપણે સર્જનની સામેના અવરોધોથી કાયમ માટે છૂટકારો મેળવી શક્તા નથી – એ કળાસર્જન હોય, વ્યવસાય માટે હોય કે લેખન પ્રવૃત્તિ હોય. અવરોધ કાયમ ઉભો થવાનો જ છે, પણ તેને હરાવી એ અવરોધને પાર કરવાની રીત આપણે શીખવી જ રહી.

શું તમે પણ આ અવરોધ અનુભવો છો? તમને પણ તમારી હાથ પરનું કામ મુલતવી રાખવાની ઈચ્છા સામે લડો છો? તમે પણ રોજ સર્જન કરવા માંગો છો પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને મનને અન્યત્ર જતું રોકવામાં મુશ્કેલી પડે છે?

તો સર્જનની આ આદતની આડે આવતા વિઘ્નોને પાર કરીને એ ધ્યાન ફરીથી કેન્દ્રિત કરી શકાય એ માટેની રીત વિશે વાત કરીએ.

આજે હું એ વિઘ્નો વિશે અને તેમને કઈ રીતે હું જીતી શક્યો એ વિશેના મારા અનુભવ વહેંચીશ.

આપણી સર્જનની ઈચ્છાના માર્ગમાં શું આડે આવે છે? આ છે તેમાંના કેટલાક મુખ્ય પરિબળ –

ધ્યાનમાં ખલેલ કે વ્યગ્રતા – કોઈ કામ કરતા હોઈએ ત્યારે ધ્યાન અન્યત્ર ફંટાઈ જતું હોય એવી પરિસ્થિતિનો આપણે સૌએ સામનો કર્યો જ છે, અને આપણે બધાં મહદંશે જે કામ કરતા હોઈએ તે વિક્ષેપને લીધે છોડી દઈએ છીએ. તેમાંથી બચવાનો એકમાત્ર રસ્તો છે તેમને સંપૂર્ણપણે સાફ કરવાનો, જેમ કે કોમ્પ્યુટર પર કામ કરતા હોવ તો જરૂરી બધી વિન્ડોઝ, ટેબને બુકમાર્ક કરી લો, વેબ પર લેખન કામ ન કરતા હોવ વો બ્રાઊઝર બંધ કરી દો, ફોન પણ બંધ કરી દો અને તમારા સર્જન માટે વર્ડ કે એવું જ કોઈ ટેક્સ્ટ એડીટર ખુલ્લું રાખો. બીજુ કંઈ જ નહીં. પાંચ મિનિટનો સમય પોતાની જાતને આપો અને લખવા માંડો, પાંચ મિનિટ સતત લખી રહો તો તમારી જાતને શાબાશી આપો, બે-એક મિનિટ ધ્યાન બીજે લઈ જાવ અને ફરીથી લખવા માંડો, આમ દસ, પંદર મિનિટ સુધી સતત ધ્યાનમાં ખલેલ પાડ્યા વગર સર્જન કરી શક્શો, પણ શરૂઆત પાંચ મિનિટથી કરી શકો.

સર્જન કરવું કેવું સરળ / સુંદર હશે એ વિશેના દિવાસ્વપ્નો – સર્જન સરળ નથી, એ મુશ્કેલ છે, મૂંઝવનારું છે. અને તેના માર્ગમાં આવા દિવાસ્વપ્નો આવે છે કારણકે જ્યારે આપણે હકીકતનો સામનો કરીએ છીએ ત્યારે આપણે જે ધાર્યું હતું એમ મહદંશે નથી જ થતું. તેને બદલે આપણે એ સમજવું જોઈએ કે એ વિચારો, એ કલ્પનાઓ હકીકત નથી, હકીકત એટલી સરળ નથી અને જે ક્ષણમાં, જે પણ સર્જન કરી શકીએ તે માટે કૃતજ્ઞ હોવું જોઈએ. સર્જન પ્રક્રિયા મુશ્કેલ અને અસહજ હોય છે, અને છતાંય ખૂબ સંતોષકારક અને આપણનેે એ તક મળી એ બદલ ખુશ હોવું જોઈએ.

નિષ્ફળતાનો ડર – હા, એ સ્થળે પોતાની જાતને કલ્પવી એ ભયાનક છે, અને કોઈ વસ્તુ તરફનો આપણો ભાવ સામાન્ય ન હોય, તેનાથી આપણે ડરતા હોઈએ તો એથી ખરાબ કંઈ જ નથી. જો તમે ડરને લીધે પ્રયત્ન જ નહીં કરો તો કઈ રીતે સફળ થશો? કંટાળાને તમારે અવગણવો પડશે, રોજ, લાંબા સમય સુધી. કમનસીબે એ જરાય સરળ નથી. તો એ કંટાળા અને ડરમાંથી બહાર આવવા તમારે આનંદમાં રહેવું જ પડશે, કંટાળાને ગળે લગાડવો પડશે, પોતાની જાતને રમત કરવા દેવી પડશે. ભલે પ્રાથમિક લખાણ ગમે તેટલું ગંદુ કેમ ન હોય, તેના પર એ થોડુંક સારું થાય ત્યાં સુધી તેના પર કામ કરો, વિષયમાં જાણકાર કોઈ મિત્રની મદદ લો, પ્રતિભાવો મેળવો અને ફરીથી સુધારો કરો. આપણે નાના હતા અને રમતા હતા એ જ નિશ્ચિંતતાથી ફરીથી તમારી સર્જનશક્તિ સાથે પણ રમો. આપણે નાના હતા ત્યારે આંગળીઓ મોંમાં નાખી દઈશું એ ડરથી રંગોમાં કે ધૂળમાં હાથ બોળતા અટકતા નહોતા, એ રમવાની મજા આવતી હતી, એ જ મજા સર્જનમાંથી પણ મેળવવાનો પ્રયત્ન કરો.

મુશ્કેલી કે મૂંઝવણને લીધે થતી વ્યગ્રતા – જે મૂંઝવણભર્યું હોય એવું કામ કરવું અસહજ અને અગવડતાભર્યું હોય છે, કારણકે તેમાં આપણે શું કરી રહ્યાં છીએ એ જ ખબર હોતી નથી, અને એ કારણે એ મુશ્કેલ બની રહે છે. એકમાત્ર રસ્તો જે હું શીખ્યો છું જેનાથી આ પરિસ્થિતિ નિવારી શકાય એ છે છોડવાની ખૂબ ઈચ્છા થાય છતાંય એ કામને વળગી રહેવું, અને એ અગવડતાને અનુભવવી. મગજને એ ફરિયાદ કરવા દઈએ, મારી જાતને એ કામ છોડી દેવાની ઈચ્છા અને એને લીધે જાત પ્રત્યે નકારાત્મક ભાવનાને કાઢવાનો પ્રયત્ન કરવો નહીં, એવું અનુભવાયું છે કે આખરે એ મુશ્કેલ નથી એમ વિચારીને એ કામને હાથમા લઈશું, અને એ અગવડતા વચ્ચે પણ લખવાનું શક્ય બને છે, અને હું અનુભવું છું કે હું સહજ થઈ રહ્યો છું.

ઉત્કૃષ્ટતાનો આગ્રહ – આપણે વસ્તુઓને મહાન જોવા ઈચ્છીએ છીએ, એથી આપણે નાનકડી ભૂલો શોધ્યા કરીએ છીએ અને પરિણામ સાથે ખુશ થઈ શક્તા નથી. અને આ મનોસ્થિતિ આપણને ખરેખર સર્જન કરતા રોકે છે. એથી સંપૂર્ણતાના, ઉત્કૃષ્ટતાના આ વધુ પડતા આગ્રહને શરૂઆતમાં છોડી દેવાની જરૂર છે. શરૂઆતના અણઘડ લખાણોને પણ માણો, અને લખાણો પૂર્ણપણે ઉત્કૃષ્ટ ન હોય એવી પરિસ્થિતિ સાથે પણ ચલાવવું જોઈશે, અને હું પોસ્ટ પબ્લિશ કરું એ પહેલા તેમાં સુધારા વધારા કરવાની મારી જાતને પરવાનગી આપતો નથી. હું પબ્લિશ કરી દઉં છું, તેને ટ્વિટ કરું છું પછી પાછો જઈને તેમાં સુધારા કરું છું. આ ભયાનક છે પણ મારી જાતના સંપૂર્ણતાના આગ્રહને ન વળગી રહીને હું મારી જાતને ભૂલો કરવાની પરવાનગી આપું છું.

ફેરફાર માટેનું આંતરિક દબાણ – જેમ તમે લખવા કે સર્જન કરવાનો પ્રયત્ન કરશો.. તમે તેને બદલીને બીજુ કોઈક કામ હાથમાં લેવા વિશે વિચારશો. કોમ્પ્યુટર પર ટેક્સ્ટ એડીટરમાં લખતા હશો તો તમને ઈ-મેલ જોવાની, સોશિયલ મિડીયા પર જવાની, સમાચાર જોવાની, નાસ્તો કરવાની વગેરે અનેક ઈચ્છાઓ થશે. ઉપર બતાવ્યું તેમ ‘પાંચ મિનિટનો સમય’ લખવાની રીત આ વાતને સમજાવે છે. ઘડીયાળ સેટ કરો, તમારી જાતને એ સમયગાળા દરમ્યાન બીજુ કાંઈ પણ કરવા ન દેશો. અસંબદ્ધ લખો, ગમે તે લખો પણ શરૂ કરો. અને જ્યારે એ મૂકી બીજુ કાંઈ કરવાની ઈચ્છા થાય ત્યારે પણ બેસી રહો, એ ઈચ્છાને પ્રબળ થવા દો.. તમારા મગજને ફરિયાદ કરવા દો, પણ એ છોડીને બીજુ કાંઈ કરવા જશો નહીં, અને લખવાનું જ કર્યા કરો.

અવરોધ – હું બાળકોથી ભર્યા ભાદર્યા ઘરમાં રહું છું, અને હું તેમને કહું છું કે મારે અમુક સમય માટે લખવું જરૂરી છે અને હેડફોન ભરાવી લઉં છું અથવા ઘરની બહાર એકાન્તવાળી જગ્યાએ જતો રહું છું.

સમયનો અભાવ – આપણે બધા વ્યસ્ત હોઈએ છીએ, કોની પાસે એક કે બે કલાક ધ્યાન કેન્દ્રિત કરવાના આવા પ્રયત્નોમાં ગુમાવવા માટે ફાજલ છે? તો કલાકોને ભૂલી જાવ, પાંચ મિનિટ પૂરતું પણ ધ્યાન કેન્દ્રિત કરો, એટલો સમય તો તમારી પાસે હશે જ, ધ્યાન બીજે દોરતા તત્વોને હઠાવી દો, સોશિયલ મિડીયા, ટીવી, ઓનલાઈન વાંચન અને એવા બધામાંથી પાંચ દસ મિનિટ તો તમે ફાળવી જ શક્શો. થોડા સમય પછી એવી બીજી પાંચ મિનિટ શોધી કાઢો. જો લખવું તમારે માટે અગત્યનું હોય તો આવી દસ પંદર મિનિટ તો તમે શોધી જ શક્શો, એ તમારી લખવાની ઈચ્છાને આગળ રાખશે.

થાક – તમે થાકેલા હોવ ત્યારે ધ્યાન કેન્દ્રિત કરીને લખવું અશક્ય છે, બરાબર ને? ના, તમે એ કરી શકો છો, જો તમે એ ખરેખર કરવા માંગતા હોવ. તમે થાકેલા હોવ તો એક નાનકડી દોડ લગાવવા જઈ શકો. તમે થાકેલા હોવ તે છતાં તમે કોઈ અજાણ્યા પર જીવનું જોખમ હોય તો તેની મદદે જઈ શક્શો. બસ, એ કરવાની તમારી આંતરીક ઈચ્છા હોવી જોઈએ. તો તમારી જાતને આ પૂછો.. તમારે શા માટે લખવું છે? બીજાની મદદ માટે? તમારી જાતને અભિવ્યક્ત કરવા? તમારા કે બીજાઓ માટે કાંઈક સારું કરવા? લખવાની તમારી આ ઈચ્છા કેટલી અગત્યની છે? શું તેને પ્રાથમિકતા આપી શકો એટલી એ જરૂરી છે ખરી, જેથી એ માટે સમયને અવગણી શકો, મૂંઝવણ અને ધ્યાન બીજે દોરતી બાબતોને કોરાણે મૂકી તમારી જાતને લખવા પ્રેરી શકો? એ થાકને દૂર કરી લખવા જેટલું અગત્યનું છે ખરું? જો એમ ન હોય, તો લખવાની ઈચ્છા છોડી દો.

સ્વ સાથે નકારાત્મક સંવાદ – આપણે આપણી જાતને કહીએ છીએ, ‘હું આ નહીં કરી શકું.’ અથવા ‘આ કરવું મને નથી ગમતું,’ અથવા ‘આ હું પછી કરી શકું.’ આ પ્રકારની, ઘણી વખત ધ્યાન બહાર રહી જતી પોતાની સાથેની વાતો તમને નકારાત્મક વલણમાં અને જે તે કામ છોડી દેવા સુધી લઈ જઈ શકે છે. તો આપણે તેનો જવાબ કઈ રીતે આપવો જોઈએ? તેના તરફ ધ્યાન આપીને, તેની ઉપર વિચાર કરીને. પેલી ‘પાંચ મિનિટનો સમય’ લખવાની રીત અપનાવો. અને જ્યારે તમને મૂકી દેવાની ઈચ્છા થાય અને સમય હજુ બાકી હોય તો તમારી જાતને ત્યાં જ બેસી રહી લખ્યા કરવા મજબૂર કરો. તમારી આંતરીક વાતો સાંભળો પણ તેને માનશો નહીં. આ કામને મૂકી દેવા તમારું મગજ અનેક પ્રકારના તર્ક ઉપજાવશે, પણ તેને તાબે થશો નહીં, પક્ત બેસી રહો અને એ વાત સાંભળો, જાણે કોઈ નાનું બાળક ક્ષુલ્લક વસ્તુ માટે ફરિયાદ કરતું હોય. તમારી અંદરના બાળકને કરુણાથી જુઓ પણ તેની ફરિયાદો પર કોઈ નિર્ણય આપશો નહીં.

તમારે કરવું છે એ લેખનકાર્યને તમારે એવી અગત્યતા આપવી પડશે જેવી કોઈક સ્નેહીજનનો જીવ બચાવવા આપતા હોવ, અને જો એમ ન કરી શકો તો એ કરવાની તમારી ઈચ્છા નથી. તમારી જાતને પૂછો કે તમે તે કરવાનું કેટલું ઈચ્છો છો, અને ત્યાર બાદ જરૂરી પગલાં લો, ધ્યાન બીજે લઈ જતી બાબતોને દૂર કરો, હેડફોન ભરાવો, સમય નોંધો, ટાઈમર શરૂ કરો, કામ છોડી દેવાની ઈચ્છા વચ્ચે પણ બેસી રહો અને થાકની સામે પણ લડો.

જો એ જરૂરી હશે, તો એ તમારામાં હશે જ.

(લિઓ બબૌતાના ઝેનહેબિટ્સ પરના લેખનો અનુવાદ.. લિઓના આ પહેલાના મેં અનુવાદ કર્યો છે એવા લેખ આપ અહીં ક્લિક કરીને વાંચી શક્શો.)


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “સર્જનાત્મકતા આડેના અવરોધ પાર કરવાની રીત.. – લિઓ બબૌતા, અનુ. જીજ્ઞેશ અધ્યારૂ

 • Ankur Banker

  ખૂબ જ કામનો અને અગત્યનો લેખ. મારા માટે ખૂબ ઉપયોગી થઈ રહેશે આ લેખ.

 • જવાહર

  આ ઉંમરે આટલું બધું જ્ઞાન !! આ પણ એક પ્રતિભા છે. બધા આવું ન કરી શકે અને કરે તો બહુ ખીચડો થઇ જાય.

 • Kalidas V. Patel { Vagosana }

  સાચી વાત છે, જીજ્ઞેશભાઈ.
  નવોદિતો માટે આ ખૂબ જ સારો સંદેશ છે. મારા એક લેખક મિત્ર કહેતા કેઃ લેખન માટે પ્રતિભા હોવી જોઇએ એ વાત તદ્દન સાચી , પરંતુ — પ્રતિભા માત્ર ૨ % અને મહેનત – ૯૮ % જરૂરી છે. મતલબ … લખો… લખો …લખો ને લખતા રહો ! એક દિવસ જરૂર મોટા કવિ-લેખક બનશો જ. એક આડ વાતઃ મહાન નવલકથાકાર શ્રી. પન્નાલાલ પટેલે ” માનવીની ભવાઈ ” પ્રકાશકને લાંબી લાગતાં તે ફરીથી લખી હતી ! … જો કે ફરીથી લખતાં તે વધુ લાંબી બની હતી ! … અને , આ નવલકથા માટે તેમને સર્વશ્રેષ્ઠ પુરસ્કાર અને એવોર્ડ મળ્યા હતા.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}