મિની (વાર્તા) – સંજય પંડ્યા 6


“મ્યાંઉ…. મ્યાંઉ…” પુસ્તકોના ઢગલા વચ્ચે બેઠેલા જયકુમારના કાન સરવા થયા. પોતાની મિંદડી તો આંખ મિંચીને ટૂંટિયુંવાળી પાસે જ પડી હતી. એટલે એમણે ફરી લખવામાં ધ્યાન પરોવ્યું. “ભૂમિ”ને મોકલવાનો આર્ટિકલ ડેડલાઈન પહેલાં પૂરો કરવો જરૂરી હતો. આજુબાજુ પુસ્તકોની થપ્પીઓ દીવાલની જેમ ઊભી કરી હતી. બેય બાજુ પુસ્તકોની હારની વચ્ચે એક ગાદલું પથરાતું અને એના પર સુઘડ ચાદર. ભીંતને અડીને એક તકિયો રહેતો અને એને અઢેલી પલાંઠી વાળી ખોળામાં એક રાઈટિંગ પેડ રાખી જયકુમાર લેખ લખવા બેસતા.

ફરી વાર “મ્યાંઉ”ના અવાજે જયકુમારની એકાગ્રતામાં ખલેલ પાડી. પાસે બેઠેલી મિનીએ પણ આંખો ખોલી અવાજની દિશા પારખવા કાન અધ્ધર કર્યા. ખોળામાંનું રાઈટિંગ પેડ બાજુમાં રાખી જયકુમાર ઊભા થયા. વોશ બેઝીન પાસેના અરીસા પાસે જઈ પોતાના ધવલ કેશમાં બેય હાથે આગળથી પાછળ સુધી આંગળીઓ ફેરવી લીધી. વાળની સ્થિતિમાં કંઈ ઝાઝો ફરક ન પડ્યો. ઉંમર થઈ હતી, વાળ ધોળા પણ થયા હતા, પરંતુ જથ્થો ખાસ્સો એવો હતો. વાળની લંબાઈ પણ સારી એવી હતી. પાછળ ચોટલી બાંધી શકાય એવી ! સ્પેનિશ ટેનિસ સ્ટારને જોઈ એમણે કેટલોક વખત ચોટલી બાંધવી શરૂ પણ કરી હતી. જોકે ઈટલીના માફિયા યે આ રીતે વાળ વધારી ચોટલી બાંધતા હોય છે જાણી તેઓ અલી સરદાર ઝાફરીની જેમ વાળ છૂટા રાખવા માંડ્યા. શરીર એકવડિયા બાંધાનું પણ સુડોળ. આ ઉંમરેય કન્યાઓ એમની પર મોહી પડે એવું.

જયકુમાર ગેલેરી તરફ વળ્યા બિલાડીનો અવાજ બહારથી આવી રહ્યો હતો. પાડોશની ગેલેરી દસ-બાર હાથ છેટે હતી. ત્યાં ઊભેલી પાડોશની સુનીતા એમની ગેલેરી તરફ જ જોઈ રહી.
“જયકુમાર! આ બિલાડી જુઓને કિચનના છજા પર ફસાઈ ગઈ છે!” જયકુમારને જોઈને સુનીતાએ વ્યગ્રતાથી કહ્યું.

આ સુનીતાએ એકાદ વાર એમને “અંકલ” કહી સંબોધન કરેલું. પચ્ચીસેક વર્ષની યુવતી હતી એટલે એ સહજ પણ હતું. જયકુમારે તરત જ એને ટોકેલી, “મને ફક્ત જયકુમાર કહીને બોલાવવો, ભાઈ પણ નહિ ને અંકલ પણ નહિ!” સુનીતા મર્માળુ સ્મિત આપી “ઓકે, જયકુમાર.” કહી સરકી ગઈ હતી.

સુનીતાએ જે તરફ ઈશારો કર્યો એ નીચેના માળના કિચનના છજા ઉપર જયકુમારે જોયું. એક બિલાડી નાના સરખા છજા પર અટવાઈ ગઈ હતી. જમીનથી ઊંચાઈ ઘણી હતી એટલે ત્યાંથી કૂદવાની એની હામ જણાતી ન હતી.

“એને બચાવી લો, જયકુમાર! તમારી મિનીને બહેનપણી બિની મળી જશે.” સુનીતાએ ટહુકો કર્યો.

“આ તો વગડાની જાત… હેવાયેલી હોય તો ઘરમાં રહે નહિતર ભાગી જાય.” જયકુમારે કહ્યું.

“મિનીને વહાલ કરો છો એટલું બીજા કોકને કરો તો એકલા ન રહેવું પડે. ઘણાય તમારા હેવાયા થવા તૈયાર છે.” સુનીતાએ આંખો ઉલાળી. જયકુમારે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું. કમ્પાઉન્ડમાં દૂર વોચમેન હતો એને પાસે બોલાવ્યો, “વહ સીડી યહાં દીવાર પર છજે કે પાસ લગાઓ.” શોર્ટ્સ અને ટી-શર્ટમાં જ જયકુમાર નીચે ઉતર્યા. વોચમેનને સીડી પકડી રાખવાનું કહી પોતે જ સીડી પર ચડવા લાગ્યા. સોસાયટીના બે-ચાર જણ પણ પાસે આવી ઊભાં.

“જો જો, નહોર ન મારે જયકુમાર! અજાણી બિલાડી છે.” ઉપરથી સુનીતાનું ટીખળ બંધ નહોતું થતું.

“જાણીતા માણસનાય નહોર ક્યારેક વાગતા જ હોય છેને, સુનીતા?” જયકુમારે સીડી ચડતાં જવાબ વાળ્યો. સુનીતા હસી પડી. જયકુમારે છજા પર બિલાડી તરફ હાથ લંબાવ્યો. એમની આંખમાંના પ્રેમને પામી ગઈ હોય એમ બિલાડી શાંત રહી. એને એક હાથે ઝાલી જયકુમાર ધીરે ધીરે સીડી ઉતરી ગયા. અજાણી બિલાડી એમના હાથમાં જોઈ મિનીય એમના પગે શરીર ઘસવા માંડી.

“મને તમારી મિનીની ઈર્ષા આવે છે જયકુમાર!” જયકુમારના ફ્લેટમાં એમની ઝુલતી ખુરશી પર ઝુલતાં સુનીતાએ અગાઉ કહ્યું હતું. ગાદલા પરના એમના નિયમિત સ્થાને પલાંઠી વાળીને બેસેલા જયકુમારના ગોઠણને અંગડાઈ લઈ મિની શરીર ઘસી રહી હતી.

જયકુમારે ફક્ત સ્મિત કર્યું હતું. એમના લેખન વખતે ફક્ત બે જણ જયકુમારને નડતા નહિ, એક મિની અને બીજી સુનીતા.

અજાણી બિલાડીને જયકુમારે કમ્પાઉન્ડમાં બાળકોને હવાલે કરી દીધી. ઘરમાં પાછા ફરી ગાદલા પર બેઠા ત્યાં તો સુનીતાએ સામે આવી એમની સામે મિલ્ક ચોકલેટ ધરી.

“જયકુમારની જય હો! આજના તમારા રેસ્ક્યુ ઓપરેશન માટે તમારી આ બાંદી તરફથી!”

“તું મારી બાંદી ક્યાં છે, સુનીતા! તું તો મારી સખી છે.” જયકુમારની આંખોમાં નિર્મળ સ્નેહ હતો.

“સખી…” કહેતાં સુનીતા ગોઠણભેર જયકુમારની સામે બેઠી અને બે હાથ એમના ખભા પર રાખ્યા. વિચલિત થયા વગર સુનીતાની સુગંધને એમણે શ્વાસમાં ભરી કહ્યું.

“તું તો સુગંધનું વાવાઝોડું છે, સુનીતા.”

“વાવાઝોડું… માય ફૂટ!” કહેતાં સુનીતા ઊભી થઈ ગઈ. “મિનીને જેટલા વહાલથી ઝાલો છો એ રીતે તો મને અડતાય નથી!”

“મિની, મિની છે અને તું સુનીતા છે… તું મન્ચાઉ સૂપ બનાવી કેવા પ્રેમથી મારા માટે લઈ આવે છે, મિની કંઈ મન્ચાઉ સૂપ બનાવી શકે?” જયકુમારે હળવાશથી કહ્યું.

સુનીતા હસી પડી, પણ એની નજર ખોડાઈ ગઈ હતી, જયકુમારના ઉઘાડા ઢીંચણ સાથે ગેલ કરતી મિની અચાનક કૂદકો મારી જયકુમારના ખોળામાં ગોઠવાઈ ગઈ હતી.

બિલાડી તો નાનપણથી જ ગમતી જયકુમારને. ગામમાં ચાર ઘર છોડીને મુખીનું ઘર. એના વાડામાં એમની પાળેલી બિલાડી વિયાય ને ચાર-છ બચ્ચાં જણે. બે દિવસ સુધી તો બચ્ચાં આંખ બંધ રાખી એક બીજાં પર પડે આખડે, બંધ આંખેય તે માને ધાવવા પહોંચી જાય. જયકુમાર ગોઠણભેર બેસી કલાકો સુધી એમને જોયા કરે. જમવાના સમયે મા કે ઘરનું કોઈ સભ્ય પરાણે એને ઘરે લઈ જાય, હાથ ધોવડાવે ને જમવા બેસાડે. દૂરના સંબંધે કાકા થતા એવા સ્વજન નાની ઉંમરે પાછા થયા, નિઃસંતાન. બે ફળિયા છોડીને એમનું ઘર. ત્રીસેકની ઉંમરનાં કાકીએ બિલાડી પાળેલી. ધોળો સાડલો પહેરી રસ્તા તરફ ચહેરો રાખી એ દીવાલને ટેકે ઊભડક પગે બેસતાં. બિલાડી એમના શરીર સાથે ગેલ કર્યા કરતી. વાંચવાની સાથોસાથ બિલાડી સાથે રમવાને બહાને તેરેક વર્ષનો જયકુમાર રોજ એકાદ કલાક કાકી પાસે જઈ આવતો. બિલાડી કાકીના અંગ સાથે શરીર ઘસીને કંટાળી હોય એમ જયકુમારની આગળ પાછળ ફર્યા કરતી અને એના પગ આજુબાજુ વળાંક લેતી શરીર ઘસતી. કાકી મુગ્ધ આંખે બેયને જોઈ રહેતી.

એક વાર જયકુમાર બિલાડી સાથે બહારના ખંડમાં ગેલ કરતો હતો ત્યાં કાકીએ અંદરના ઓરડામાંથી બિલાડીને હાક મારી. જયકુમાર પાસેથી દોડીને બિલાડી અંદરના ઓરડામાં ગઈ. પાછળ જયકુમાર પણ ગયો. દિવસ હોવા છતાં ઉજાસ અંદરના ઓરડે નહોતો પહોંચતો. રડ્યોખડ્યો પ્રકાશ છાપરાના બે ચાર કાણાંમાંથી ચળાઈને આવતો હતો. પાટીવાળા ખાટલામાં કાકી ચત્તીપાટ સૂતી હતી. બિલાડી એક કૂદકે ખાટલા પર ચડી અને હળવે રહી કાકીની ઊભારવાળી છાતી પર માથું રાખી ચારે પગ ફેલાવી દીધા. કાકીએ આંખથી પાંગત તરફ ઈશારો કર્યો એટલે જયકુમાર પાંગત પર બેઠો. કાકીએ બિલાડીને છાતીસરસી ભીંસી અને જયકુમાર તરફ સ્મિત કર્યું. જયકુમાર સહજતાથી બિલાડીને પસવારતો રહ્યો. કાકી હળવેથી ખાટલાની બીજી તરફની પાંગત તરફ સરકી અને જયકુમારને પોતાની બાજુની ખાલી જગ્યામાં લંબાવવાનો ઈશારો કર્યો. જયકુમાર મૂંઝાયો ત્યાં તો અચાનક બિલાડી કૂદકો મારી નીચે ઉતરી અને બહારના ખંડ તરફ ભાગી. કાકી તરફ સ્મિત ફરકાવી જયકુમાર બિલાડી પાછળ દોડ્યો. તેર વર્ષે તો શું અઢાર વર્ષેય જયકુમારને સ્ત્રીશરીરમાં રસ નહોતો પડતો!

***

વન બેડરૂમના પોતાના મુંબઈના ફ્લેટમાં જયકુમારે હોલ અને બેડરૂમ બંનેમાં બિલાડીઓનાં મોટાં પેઈન્ટિંગ્સ ટાગ્યાં હતાં. “ભૂમિ”ના એમના રોમેન્ટિક લેખો કેટલીય યુવતીઓને એમના ફ્લેટ સુધી ખેંચી લાવતા. જે.જે. સ્કૂલની એક વિદ્યાર્થીનીએ તો એમના બિલાડી પ્રેમને જોઈ એમના બેડરૂમની એક આખી દીવાલ વૃક્ષો અને બિલાડીની વિવિધ અદાથી ભરી દીધી હતી. જોકે જયકુમારની ફક્ત વાતોથી એમની ઈચ્છા ન સંતોષાતી. એમનું આવવાનું ઓછું થતું જતું.

સુનીતા જ એક એવી હતી જેની સાથે એમનો વાતચીતનો સંબંધ જળવાઈ રહ્યો હતો. સુનીતાનાં માતા-પિતા બેય બેંકમાં. ગ્રેજ્યુએશન પછી સુનીતા શેરબજારનું કંઈક કર્યા કરતી. જોકે જયકુમારને એમાં રસ નહોતો. એમની અને સુનીતાની વાતોના વિષયનો વ્યાપ દાળઢોકળી કેમ બનાવવીથી માંડી દલાઈ લામા તરફ ચાઈનાની સરકારના દ્વેષભાવ કે વેરભાવ સુધીની રહેતી. ક્યારેક કલાકો સુધી જયકુમાર પોતાના લેખો લખવામાં કે પુસ્તકોની ઢગલીમાંથી રેફરન્સ શોધવામાં મસ્ત હોય ત્યારે મિની એમની સાથે પોતાનું શરીર ઘસ્યા કરતી હોય અને કલાક બે કલાક સુધી સુનીતા ઝૂલતી ખુરશીમાં સામે બેસી એ બેયની ક્રીડા જોયા કરતી હોય. ક્યારેક સુનીતા મન્ચાઉ સૂપનો બાઉલ એમની સામે ધરી મજાક પણ કરી લેતી,

“આમાં ભારોભાર લસણ છે, જયકુમાર! લસણની પ્રકૃતિ તામસી છે… તમે જ તમારા લેખમાં લખ્યું છે. તમે ક્યારે આ સાત્વિક વૃત્તિમાંથી તામસી વૃત્તિવાળા બનો છો એની રાહ જોઉં છું.” તો ક્યારેક વળી કહેતી, “તમારા લેખમાંનો શૃંગાર તમારા વ્યવહારમાં કેમ નથી એનું મને આશ્ચર્ય છે, જયકુમાર!” જયકુમાર શાંત રહી પ્રતિસાદમાં સ્મિત જ આપતા.

આજે એક નમણી યુવતી જયકુમાર માટે બિલાડીનું મોટું તૈલચિત્ર લઈ આવી હતી. જયકુમારની પસંદ એણે કદાચ એમના લેખોથી જ જાણી હશે. આક્રમક્તાના ભાવ સાથે કૂદી પડવા તત્પર એવી બિલાડીનું એ ચિત્ર જીવંત લાગતું હતું. જયકુમારે પોતાની ગાદીના તકિયાની બાજુમાં દીવાલને અડાડી એ ચિત્રને ઊભું રાખ્યું. જયકુમાર યુવતી સાથે વાતે વળગ્યા. ખુલ્લા દરવાજામાંથી સુનીતા પ્રવેશી અને ઝૂલતી ખુરશી પર જઈ બેઠી. જયકુમારની બાજુમાં ગોઠવાયેલું નવું તૈલચિત્ર જોઈ એની આંખોમાં ચમક આવી. આગંતુક યુવતી ઊભી થઈ. જયકુમાર પણ ઊભા થયા.
“મારી ઘણા વખતની ઈચ્છા પૂરી થઈ આપને મળવાની.” કહી એણે જયકુમારને હળવું આલિંગન આપ્યું. જયકુમારે એના માથે હાથ પસવારી એને વિદાય આપી. જયકુમાર પોતાની ગાદી પર બેઠા અને પછી તકિયા પર માથું અઢેલી શરીર સુનીતાની દિશામાં લંબાવ્યું.

“કંઈક નોખું તૈલચિત્ર આપી ગઈ તમારી ફેન, જયકુમાર! શાંત જળને સુનામી આપી ગઈ! કેવી આક્રમક લાગે છે આ બિલ્લી, નહિ?” સુનીતા જાણે તૈલચિત્ર પર ત્રાટક જ કરી રહી હતી.
પોતાની અદા મુજબ ધવલ કેશમાં દસે આંગળા પરોવી જયકુમાર આગળથી પાછળ તરફ લઈ ગયા અને બોલ્યા,

“મનુષ્યે ચિતમાં શાંતિ અને જરૂર પડે ત્યારે વલણમાં આક્રમકતા રાખવી જોઈએ.”

“એમ?” સુનીતા ખુરશી પરથી ઊભી થઈ જયકુમારના પગ પાસે ઊભડક બેઠી. કશેક દૂર બેઠેલી મિની દોડતીકને આવી અને જયકુમારની છાતી પર ચારે પગ ફેલાવી બેસી ગઈ. જયકુમારે બેય હાથે હળવેથી એને છાતીસરસી ચાંપી, એના માથાથી લઈને પૂંછડી સુધીની રૂંવાટીને પંપાળતા રહ્યા.

સુનીતાએ થોડા આગળ ઝૂકી મિનીને બેય હાથે ઝાલી, થોડું વહાલ કર્યું અને ધીરેથી એને ગેલેરીની દિશા તરફ ધકેલી. મિની ગેલેરી તરફ દોડી ગઈ. સુનીતા બેય હાથ જયકુમારની બે બાજુ રાખી મિનીની જેમ જ ગોઠણભેર જયકુમાર પર ઝૂલી રહી હતી. બે-ચાર ક્ષણમાં તો સુનીતાના શરીર નીચે જયકુમારનો દેહ ઢંકાઈ ગયો. નખથી લઈ શિખા સુધી શરીર સુનીતામય થઈ ગયું . સુનીતાની સુગંધને જયકુમાર આંખ બંધ કરી શ્વાસમાં ભરી રહ્યા હતા, પરંતુ પ્રથમવાર રક્તમાં જાણે અફરાતફરી થઈ રહી હોય એવું લાગી રહ્યું હતું. લોહી જાણે અશ્વની ગતિથી નાડીઓમાં દોડતું હતું. શ્વાસમાં અગન પ્રસરી હોય એવું લાગતું હતું. બેય હાથથી પોતાના પર ફેલાઈને પડેલી સુનીતાને જયકુમારે દીર્ધ આલિંગન આપ્યું. સુનીતાનો આખો દેહ જાણે મિનીમાં રૂપાંતર થઈ રહ્યો હતો.

– સંજય પંડ્યા 9821060943

શ્રી સંજયભાઈ પંડ્યાની અક્ષરનાદ પર આ પ્રથમ કૃતિ છે. વાર્તાસામયિક ‘મમતા’માં છપાયેલી તેમની આ રચના અક્ષરનાદને પાઠવવા અને પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ તેમનો આભાર અને તેમની કલમને શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “મિની (વાર્તા) – સંજય પંડ્યા

  • jigar

    મસ્ત વાર્તા છે.
    “છાપરા ના કાણાં માંથી ચાઇની ની જેમ પ્રકાશ પડતો હતો” એ વાકય ખુબ સુંદર અને આંખો સામે દ્રષ્ટિમાંન થઇ ગયું.
    વાચક ને અંત માં ઉત્સુકતા સાથે છોડી દીધા આગળ ના વિચારો માં….

  • કલ્પના ભરત પાઠક

    મનોવૈજ્ઞાનિક રચના. મીની(નાની) વાર્તા અને સ્ત્રીપુરુષના સંબંધ, આકર્ષણ સાહજીકતાથી ભર્યા હોય છે. એને નિયંત્રણમાં રાખવામાટે સગપણ અને સંબંધના નામ આપી લક્ષ્મણ રેખાઓ દોરી આપણે સમાજને સુવ્યવસ્થિત રાખ્યોં છે. ક્યાંક ક્યાંક થતા છમકલાઓ વાર્તામાં અલેખાય એ પણ સારું છે. આવા સંબંધથી બચવા માટેના સંકેત મળતા રહે છે.

    સુંદર સાહજિક પાત્રો.

  • Kalidas V. Patel { Vagosana }

    સામાન્ય વાર્તા. ના કથાવસ્તુ, ના વાર્તા ગૂંથણી , ના કોઈ બોધ , ના કોઈ નવીનતા. નિરાશ કર્યા સંજયભાઈએ.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

    • Sanjay Pandya

      કાલીદાસભાઈ ,
      આપનો પ્રતિભાવ સરઆંખો પર …પરંતુ મુંબઈના અને ગુજરાતના ઘણા મિત્રોએ વખાણેલી આ વાર્તા છે . વાર્તાનું psychological પાસુઁ તમે ચુકી ગયા હો એવું લાગે છે . વાર્તા સરળ ચાલે છે પરંતુ અંતમાં જ વળાંક લે છે .
      સ્નેહ .

      • Kalidas V. Patel { Vagosana }

        સંજયભાઈ,
        psychological પાસુ તો લેખકે મધ્યાન્તરમાં ચોખવટ સાથે સમજાવી દીધું છે કે — તેર વર્ષે તો શું , અઢાર વર્ષે પણ … …. તો પછી , માત્ર બિલાડીમાં જ રસ ધરાવતા જયકુમારને એક બિલાડીના માધ્યમ દ્વારા આમ નાટકિય રીતે પરિવર્તન પામતા બતાવવા કેટલા યોગ્ય લાગે છે ?
        કાલિદાસ વ. પટેલ {વાગોસણા}